bhagavad gita adhyay 1 to 6

 પ્રા. ડૉ. મીના એસ. વ્યાસ

Sem – I

Ele – 1 (101)

ભગવદ્ ગીતા- અધ્યાય 1 to 6

Unit – 1

શ્રીમદ્ ભગવદ્ ગીતા – [અધ્યાય 1 - 2]


પ્રશ્ન – 1 (અ) ટૂંકનોંધ લખો (ચારમાંથી બે) અથવા (૧૦)

               સામાન્ય પ્રશ્ન (એકમાંથી વિકલ્પે એક)

               ટૂંકનોંધ લખો (ચારમાંથી બે)


(1) અર્જુનવિષાદયોગ :­

  ગીતાનું તાત્પર્ય અને તેનો સારગમ્ય વિચાર સમજવાની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. શ્રીકૃષ્ણ ઉચ્ચ કોટિના તત્વજ્ઞાની જ નહિ, મહાન કવિ પણ છે. અહીં નિરૂપિત અર્જુનનો વિષાદ એમની ઉત્તમ કાવ્યશક્તિનો, માનવમનની વિલક્ષણતાના ઊંડા અભ્યાસનો અને ઔચિત્યદ્રષ્ટિનો સૂચક છે. શત્રુપક્ષનો સંહાર કરવાનો દઢ સંકલ્પ કરી યુધ્ધભૂમિમાં ઉપસ્થિત થયેલો અર્જુન જયારે બે સેનાઓની વચ્ચે શ્રીકૃષ્ણે ઊભા રાખેલા રથમાંથી શત્રુપક્ષની સેનાનું અવલોકન કરે છે ત્યારે એકાએક આઘાતની લાગણી અનુભવે છે. અહીં જીવનમાં પ્રથમવાર એની યુધ્ધ નહિ કરવાની નિરર્થકતા, નિષ્ક્રિયતા જોવા છે. સામે પક્ષે તથા સ્વપક્ષે સ્વજનો, કાકાઓ, ભાઇઓ, મામાઓ, ગુરુઓ, વડીલો, ભત્રીજાઓ ઉપર પોતે બાણ છોડવાનાં છે એ વિચાર જ તેને વ્યાકુળ, ખિન્ન બનાવી દે છે, એના મનને વલોવી નાખે છે. એના મનની ક્ષુબ્ધતા એના શરીરમાં પણ વિકારો ઉત્પન્ન કરે છે. છેવટે સર્વ રીતે અશક્ત અર્જુન શસ્ત્ર-ધનુષ્ય મૂકી દઇને રથમાં બેસી પડે છે. 

અહીં વર્ણવાયેલા અર્જુનનો વિષાદ મોહના કારણે ઉત્પન થયો છે. અર્જુનની કર્તવ્યજિજ્ઞાસા અને વ્યામોહ અનેકના જીવનમાં ઉપસ્થિત થાય છે, પરંતુ યોગ્ય ગુરુના અભાવે એનો અંત કરુણતામાં પરિણમે છે. અહીં તો અર્જુનને શ્રીકૃષ્ણ જેવા ગુરુ પરમેશ્વર મળ્યા છે, જે તેનો વ્યામોહ દૂર કરે છે. 

અર્જુનવિષાદ પાછળનો અર્જુનનો દોષ એ જ હતો કે તેને યુધ્ધપ્રવૃત્તિ, રાજ્યપ્રાપ્તિ, સ્વજનવધ એ બધાનું કર્તૃત્વ પોતાના શિર પર લીધું અને તેથી જ ગીતાએ એ જ સત્ય સમજાવ્યું છે કે આ બધાનો કર્તા ભગવાન જ છે, આપણે તો નિમિત્તમાત્ર બનીને સ્વધર્મ બજાવવાનો છે. અર્જુનનો વિષાદ ગીતાના ઉપદેશની એક યોગ્ય ભૂમિકા છે. ગીતામાં નિરૂપાયેલું તત્વજ્ઞાન જગતના તત્વજ્ઞાનના ઇતિહાસમાં અદ્વિતીય છે. જેને આવું જ્ઞાન આપવાનું હોય તેની માનસિક ભૂમિકા એ જ્ઞાનને અનુરૂપ હોવી જોઇએ. જ્ઞાનની જિજ્ઞાસા અને અધિકાર વિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ગીતાએ પણ કહ્યું છે કે પ્રણામ, પ્રશ્નો અને સેવાથી ગુરુ પાસે જઇ સાચું જ્ઞાન મેળવી શકાય છે. તેથી જ અર્જુન અનન્યભાવે ગુરુ શ્રીકૃષ્ણના શરણે જઇ સાચી ઉપદેશપ્રાપ્તિની વિનવણી કરે છે. એના મનમાં જીવનધર્મની ઊંડી ભૂખ હતી. તેથી તો તે ગીતાજ્ઞાનનો અધિકારી બન્યો હતો. 

  ગીતાનો અર્જુન માનવજીવનની એક વિશિષ્ટ અવસ્થાનું પ્રતીક છે. માનવના જીવનમાં પણ જયારે દ્વિધાત્મક સંઘર્ષો ઊભા થાય ત્યારે એનું ડહાપણ, હોંશિયારી, જ્ઞાન કંઇ કામમાં આવતું નથી. તે કર્તવ્યવિમુખતાને આરે આવીને ઊભા રહે છે, એની ભાગેડુવૃત્તિ પ્રબળ બને છે. આવા સમયે યોગ્ય માર્ગદર્શન ન મળે તો તેને એનો સર્વનાશ થાય છે. માનવજીવનને આંદોલિત કરી નાખનારા આ વિષાદપ્રસંગનું પ્રતિબિંબ અર્જુનમાં પડ્યું છે. જો આ પ્રસંગે શ્રીકૃષ્ણ જેવા ઉપદેશક ન હોત તો ઇતિહાસમાં તે નામષેશ બની ગયો હોત.
ગીતાના આ અધ્યાયના આધારે શ્રીકૃષ્ણ બાકીના અધ્યાયોમાં વિવિધ દલીલો અને તર્કબધ્ધ વિચારો દ્વારા વારંવાર એને યુધ્ધ કરાવા પ્રેરે છે. તથા કર્તવ્યાભિમુખ બનાવે છે. એને સ્વધર્મનું ભાન કરાવી અનાસક્ત કર્મનો ઉપદેશ આપી સાચો કર્મયોગી બનાવે છે. આમ, ગીતાનો પ્રધાન ઉપદેશ એટલે કર્મયોગ, એ દ્રષ્ટિએ આ પ્રસંગ ખૂબ જ મહત્વનો છે. 


(2) આત્માની અમરતા :­

  સ્વજનોની આસક્તિના મોહથી કર્તવ્યવિમુખ થયેલ અર્જુન અનેક પ્રકારની ડાહી ડાહી વાતો અને ચર્ચાઓનો સહારો લે છે, પણ આ તો તેની નિર્બળતાને ઢાંકવા માટેનું પગલું હતું. તેથી જ પ્રથમ તો ભગવાને તેનો ઉપહાસ કરતાં કહ્યું કે ‘તું શોક ન કરવાં જેવી વસ્તુનો શોક કરે છે અને ડાહ્યા માણસોની વાણી બોલે છે.’ અર્જુન પોતાનાં સ્વજનોને હણવા કરતાં પોતે હણાવવાનું પસંદ કરે છે. આ બાબતને ધ્યાનમાં લઇ શ્રીકૃષ્ણ એની સમક્ષ અને દેહનો તફાવત સ્પષ્ટ કરી આત્માની અમરતાનું નિરૂપણ કરે છે. 

આત્મા નિત્ય, સર્વવ્યાપી, નિરાકાર, નિર્વિકાર, અચળ, સનાતન, અજ, અવિનાશી, અચિંત્ય છે. ઇન્દ્રિયો પણ તેને જાણી શકતી નથી. મનુષ્યના જીવનમાં વિકારો એ તો દેહના વિકારો છે, આત્માના નહિ. જેમ માનવના દેહમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થા આવે છે તેમ આત્મા બીજા દેહને પ્રાપ્ત કરે છે, અર્થાત્ મૃત્યુ આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે.

  આત્માની અમરતાની જે વાત ગીતાએ કરી છે તેના ઉપર ઉપનિષદોની સીધી અસર છે. કઠોપનિષદ, શ્વેતાશ્વેતર ઉપનિષદ, ઇશાવાસ્ય, મુંડક વગેરે ઉપનિષદોમાં આત્માને અજર, અમર, અવિનાશી, નિત્ય, શાશ્વત ગણાવ્યો છે. અર્જુનને આ તત્વજ્ઞાનને જીવનમાં ઉતારવા માટેનો ઉપદેશ આપવામાં આવ્યો છે,

  ભગવાને અહીં સૌપ્રથમ સ્વધર્મનું પાલન કરવા કરાતાં આત્માની અમરતાની, બ્રહ્મવિદ્યાની વાત કરી છે. કારણ કે, સૌપ્રથમ તેઓ સમષ્ટિનો, સમગ્ર જગતનો પ્રશ્ન ઉકેલવા માગે છે. આત્મા અમર હોય તો સમગ્ર જગતનાં લોકો પણ કોઇના મૃત્યુથી શોકગ્રસ્ત ન બને એ લોકોને સમજાવવાનું પ્રથમ કર્તવ્ય છે. સમાજનાં લોકોની ભ્રાંતિને, ભ્રમને દૂર કરવાનો મુખ્ય ઉપદેશ આપવામાં આવ્યો છે. કારણ કે, મોટા ભાગના મનુષ્યો આ જ્ઞાનથી અજાણ, અજ્ઞાની છે તેથી દુ:ખી થાય છે. આમ, ઉપનિષદનાં શાશ્વત સત્યોને, સનાતન આદર્શોને પણ અહીં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યાં છે. 


(3) સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો :­

શ્રીમદ્ ભગવતગીતાના બીજા અધ્યાયના અંતમાં વર્ણાવાયેલું સ્થિતપ્રજ્ઞનું વિષયનિરૂપણ કર્મયોગીનું એક સુરેખ અને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. કર્મયોગી બનવા માટે સાધકની બુધ્ધિ નિશ્વયાત્મક, વ્યાસાયાત્મિકા, સ્થિર થવી જોઇએ. કારણ કે સ્થિર બુધ્ધિમાં જ ફળ-નિરપેક્ષભાવ ઉત્પન્ન થાય છે. સામાન્ય વ્યક્તિના વ્યવહારમાં અને કર્મયોગીના વ્યવહારમાં ઘણો તફાવત રહેલો છે. એટલે જ અર્જુને પ્રશ્ન કર્યો કે સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? એના જવાબરૂપે શ્રીકૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વિસ્તારથી સમજાવ્યાં છે. 


સ્થિતા પ્રજ્ઞા યસ્ય સ: સ્થિતપ્રજ્ઞ: ⏐

  સ્થિતપ્રજ્ઞનું પાયાનું લક્ષણ છે – કામનાઓનો ત્યાગ, હર્ષ-શોક, સુખ-દુ:ખ વગેરે દ્વન્દ્વોથી મુક્તિ. તે અનાસક્ત, નિર્ભયી, ક્રોધરહિત અને નિજાનંદી હોય છે. 

દેહમાં થતા વિકારો તેને કોઇ અસર કરતા નથી. કારણ કે તે રાગદ્વેષથી પર હોય છે. 


પ્રજહાતિ યદા કામાન્સર્વાન્ પાર્થ મનોગતાન્ ⏐

આત્મન્યેવાત્મના તુસ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે ⏐⏐

જેમ કાચબો પોતાનાં સર્વ અંગોને પોતાના શરીરમાં સમાવી દે છે તેમ સ્થિતધી ઇન્દ્રિયોનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે વિષયો તરફ જતી ઇન્દ્રિયોને પોતાના જ્ઞાનથી સંયમમાં રાખે છે. સ્થિતપ્રજ્ઞનો સંયમ માત્ર શારીરિક નહિ, પરંતુ માનસિક પણ હોય છે. ઇન્દ્રિયો મનને બળાત્કારે ખેંચી ન જાય તે માટે સતત પ્રયત્નશીલ હોય છે. વિષયોનું મનથી ચિંતન માણસનો સર્વનાશ કરે છે. તેથી જ મનને વશ રાખવાથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે એટલે સઘળા દુ:ખો નાશ પામતાં બુદ્વ્રિ સ્થિર થાય છે.

સ્થિતપ્રજ્ઞ નિરંતર પરમાત્મા સાથે જોડાયેલો રહે છે. તે માને છે કે બધાં જ કર્મો પરમાત્માનાં છે, તેથી તે કર્તવ્યકર્મોમાં લીન રહે છે. તેનામાં ભોગદ્રષ્ટિ નહિ, પણ ભાવદ્રષ્ટિ છે. તેને કર્મોનો થાક લાગતો નથી, પણ કર્મોથી આનંદ મેળવે છે. 

સામાન્ય માણસના વ્યવહાર અને સ્થિતપ્રજ્ઞના અભિગમોમાં આકાશ-પાતાળનું અંતર હોય છે. સામાન્ય વ્યક્તિ જુદી જુદી કામનાઓથી પ્રેરિત થઇ ભૌતિક સુખોની પાછળ દોડે છે, જ્ઞાનની બાબતમાં પ્રમાદ સેવે છે, જ્યારે કર્મયોગી ભૌતિક સુખો પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ રાખે છે અને સતત જ્ઞાનની ખોજમાં જાગ્રત રહે છે. આ વાતને ગીતાકારે આલંકારિક રીતે રજૂ કરી છે :


યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી ⏐

યસ્યા જાગ્રતિ ભુતાનિ સા નિશા પશ્યતો મુને: ⏐⏐

  વળી, જેમ સમુદ્રમાં નિરંતર અનેક નદીઓનું જળ ઠલવાય છે, છતાં સમુદ્ર છલકાતો નથી તેમ વિષયો નિરંતર દેહીમાં પ્રવેશતા હોવા છતાં સ્થિતપ્રજ્ઞની બુધ્ધિ જરાપણ ક્ષુબ્ધ થતી નથી. તેથી જ તેનામાં ક્રોધ, સંમોહ, સ્મૃતિ-ભ્રંશ વગેરે પ્રવેશી શકતાં નથી. સ્મૃતિભ્રંશથી બુધ્ધિનાશ થવો એ બહુ જ ખતરનાક છે. કારણ કે બુધ્ધિનાશથી સર્વનાશ થાય છે. તેથી જ મનુષ્યે બુધ્ધિને સ્થિર રાખવી જોઇએ. એમ ગીતાએ ‘સ્થિતપ્રજ્ઞ’ શબ્દથી સમજાવવાનો અથાગ પ્રયત્ન કર્યો છે.  


(4) સાંખ્યબુધ્ધિ અને યોગબુધ્ધિ :­ 

આત્માનું અમરત્વ, જન્મમૃત્યુની ઘટમાળની દ્રષ્ટિએ અર્જુન માટે યુધ્ધની અનિવાર્યતા આ ત્રણ બાબતોના નિરૂપણ માટે શ્રીકૃષ્ણે સાંખ્યે બુધ્ધિ: એટલે કે ‘યોગ’ શબ્દ પ્રયોજ્યો છે. 

માણસનું શરીર જન્મ થયા પછી જુદી-જુદી અવસ્થાઓને પ્રાપ્ત કરી અંતે નાશ પામે છે. શરીર માટે આ સ્વાભાવિક ક્રમ છે, માટે તેનો શોક કેવો? કોઇ એમ કહે કે આત્મા નિત્ય છે એવું કેવી રીતે મનાય? કારણ કે, શરીર નાશ પામે છે, પછી આત્મા ક્યાં રહે છે? ભગવાને કહ્યું કે, માનો કે આત્મા અનિત્ય છે તો જે અનિત્ય છે, કાયમ રહેવાનું જ નથી તેનો શોક શો? આને જ સાંખ્ય કહ્યું છે. સમ્+ખ્યા એટલે ગણવું, પૃથકરણ કરવું અને તે પછી પ્રશ્નની પાયાની સમજ મેળવી લેવી જોઇએ. આમ, સાંખ્ય એટલે સમજણ અથવા જ્ઞાન. સમજણ બરાબર હોય તો કર્તવ્યની સૂઝ પડે અને પછી કર્મમાં બરાબર પ્રવૃત્ત થવાય.
યોગબુધ્ધિ: એટલે વેદના કર્મકાંડથી જુદો એવો કર્મયોગ. આ બુધ્ધિયોગમાં સાધકની બુધ્ધિ નિશ્વયાત્મક હોય છે. યોગે બુધ્ધિ: નો અર્થ ગીતાની દ્રષ્ટિએ ‘નિષ્કામ કર્મયોગ’ છે. આ શબ્દને વધુ વ્યાપક તથા તટસ્થ રીતે સમજાવવા ગીતાએ કર્મ સાથે યોગને જોડયો છે. યુજ્ એટલે જોડવું ધાતુ પરથી યોગ શબ્દ બન્યો છે. કર્મના ફળની ચિંતા કર્યા વગર ભાવપૂર્વક કર્મમાં એકાગ્ર થઇ જવું તે છે કર્મયોગ. કર્મને પ્રિય, અપ્રિય, મિશ્ર એવા ત્રણ પ્રકારનાં ફળ હોય છે જ; પણ કર્મયોગ કરનાર એ ફળ ઉપર નજર રાખીને કર્મ કરતો નથી. તે તો એટલું જ વિચારે છે કે આ કર્મ કરવા જેવું છે કે નહિ – કર્મણ્યેવાધિકારસ્તે મા ફ્લેષુ કદાચન⏐સિધ્ધિ કે અસિધ્ધિની બાબતમાં સમત્વ કેળવીને, યોગસ્થ થઇને કર્મ કરવા તે જ શ્રેષ્ઠ છે. ફળની સ્પૃહાનો ત્યાગ કરવાથી કર્મ પણ અકર્મ જ બની જશે. આમ, યોગ: કર્મસુ કૌશલમ્ અને સમત્વં યોગ ઉચ્યતે આ બંને કર્મયોગની આધારશિલાઓ છે.
કર્મયોગની ઘણી વિશિષ્ટતાઓ છે. કર્મયોગ થોડો કરીને છોડી દો, તોપણ કરેલું મિથ્યા જતું નથી. કર્મયોગ નિર્દોષ છે. તેનાથી પાપ-પુણ્ય લાગતાં નથી. કર્મયોગી પ્રકૃતિની ગુણલીલાથી યુકત હોય છે. તે નિદ્વન્દ, નિત્ય સત્વસ્થ અને આત્મવાન હોય છે. યોગે બુધ્ધિ:નો અર્થ ફલાશા ત્યજીને કર્મો કરવા એ છે. કર્મનું પ્રત્યેક ફળ બ્રહ્મને અર્પણ કરવાથી, ઇશ્વર પ્રીત્યર્થે કર્મો કરવાથી યોગ સિધ્ધ થાય છે. 


બ શ્ર્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક)                              (૦૪)

    (અધ્યાય-૧)
1. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ: ⏐

   મામકા: પાણ્ડવાશ્વૈવ કિમકુર્વત સંજય ⏐⏐

ભાષાંતર :­ હે સંજય ! ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં ભેગા થયેલા, યુધ્ધની ઇચ્છાવાળા મારા અને પાંડુના  પુત્રોએ શું કર્યું ?

વિવરણ : સંજય ધૃતરાષ્ટ્રનો સારથિ છે. વ્યાસે અંધ ધૃતરાષ્ટ્રને કૌરવો - પાંડવોનું યુધ્ધ નિહાળવા માટે દિવ્ય દ્રષ્ટિ આપવાની વાત કરી, પણ તેઓ સ્વકુળનો નાશ જોવા તૈયાર ન હતા, તેથી વ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી, જેથી તેઓ સર્વ ઘટનાઓ ધૃતરાષ્ટ્રને વર્ણવી શકે. ધૃતરાષ્ટ્રની ઇચ્છાથી સંજયે ધૃતરાષ્ટ્ર સમક્ષ ગીતાનું કથન કર્યું. 

  આ શ્રીમદ્ ભગવદગીતાનો પ્રથમ શ્લોક છે. અહિં ધર્મ શબ્દ પ્રારંભમાં જ પ્રથમ જ શબ્દ છે અને મમ શબ્દ ગીતામાં અંતિમ શ્લોકનો છેલ્લો શબ્દ છે. એટલે ધર્મ: શું છે, એ ગીતા દર્શાવે છે. ધર્મ એ ઇશ્વરનું નામ હોઇ, એને મંગલસૂચક શબ્દ તરીકે ટીકાકારોએ માન્યો છે. આ ભૂમિ પર તુમુલ યુધ્ધ થવાનું છે, તો પછી ગીતાકારે એને પાવનભૂમિ શા માટે કહી છે? જવાબ એ છે કે અહીં યુધ્ધરૂપે ધર્મના અનેક પ્રકારનાં અનુષ્ઠાનો થતાં તે પણ ધર્મની રક્ષા માટેનું એક ધર્મયુધ્ધ જ હતું. તેથી ગીતાકારે ધર્મક્ષેત્ર શબ્દ પ્રયોજયો છે. અહીં કુરુક્ષેત્રનો ઉલ્લેખ છે. આ મેદાન દિલ્હીની ઉતરે છે. ઇતિહાસ અનુસાર આ મેદાન પર પાણીપત તથા અન્ય યુધ્ધો ખેલાયાં હતાં. કૌરવો અને પાંડવોના પૂર્વપુરુષ કુરુ રાજાએ બાંધેલું હોવાથી ‘કુરુ’ અને પહેલાં ત્યાં ખેતી થતી હતી તેથી ‘ક્ષેત્ર’ નામથી ઓળખાય છે. ઇન્દ્રે કુરુને કહ્યું હતું કે ‘આ મેદાન પર તપ કરનારને પુણ્ય મળશે.’ તેથી તે ‘પવિત્રક્ષેત્ર’ તરીકે ગણના પામ્યું. 

  મામકા: શબ્દ ધૃતરાષ્ટ્રની દ્રોહપૂર્ણ બુધ્ધિનો સંકેત છે. ધૃતરાષ્ટ્ર એ કેવળ માયાના આવરણમાં અંધ, માતા-પિતાની ભેદબુધ્ધિમાં ગળાડૂબ થયેલા જીવ છે. સ્વાર્થવૃત્તિથી પૂર્ણ તે કૌરવો પ્રત્યે જ મમત્વવાળા છે. પાંડવો એમને મન પરાયા છે. મામકા: એ મમત્વ અને અહંકારનું પરિણામ છે. સમસ્ત બુરાઇઓનું મૂળ છે. 


15. નાડસતો વિઘતે ભાવો નાડભાવો વિઘતે સત: ⏐

    ઉભયોરતિ દૃષ્ટોડન્તસ્ત્વનયોસ્તત્વદર્શિભિ: ⏐⏐

ભાષાંતર:­ અસત્ પદાર્થોનો ભાવ (અસ્તિત્વ) નથી અને સત્ નો અભાવ નથી. તત્વદર્શીઓએ આ બંનેનો નિર્ણય (પરિણામ) જાણ્યો છે. 

વિવરણ:- અહીં ભગવાને સત્ અને અસત્ શબ્દોનો અર્થ(વ્યાખ્યા) આપવાનો પ્રયત્ન કર્યો છે. અસ્તિ ઇતિ સત્ જે વસ્તુ ત્રણે કાળમાં એકસરખી રહે છે તે સત્(સત્ય) કહેવાય. જેનો કદીપણ અભાવ હોય નહિ. દા.ત. સૂર્ય પૂર્વમાં જ ઊગે, પાણીનો ભીંજવવાનો જ સ્વભાવ વગેરે. અસત્ એટલે નાશંવત દેહ. સત્ એટલે આત્મા. જે દેશ, કાળ, વસ્તુથી અપરિછિન્ન, મુકત હોય. શંકરાચાર્યના મતે મિથ્યા વસ્તુનું સત્પણું કદી હોઇ શકે નહિ. શ્રી ટિળકના મતે જે કોઇ વસ્તુ નથી એટલે કે અસત્ છે તે કદી સત્ થવાની નથી. આ બંનેને તત્વદર્શીઓ બરાબર જાણે છે – તત્વદર્શિભિ: અન્ત્: દૃષ્ટ: ⏐ ઋગ્વેદમાં નાસદીય સૂક્તમાં સમગ્રતા આનું વિવરણ છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ આની ચર્ચા થયેલી છે. 

સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આટલું શરીર, જગત અસત્ છે તેથી તે કાયમી રહેતું નથી; જયારે આત્મા સનાતન, સત્ય, નિત્ય, છે. પ્રસ્તુત જ્ઞાનના જ્ઞાતા તત્વદર્શીઓ જ છે. 


31. નેહાભિઋમનાશોડસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે ⏐

    સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ⏐⏐

ભાષાંતર:- આ(કર્મયોગ)માં આરંભનો નાશ નથી અને વિઘ્ન પણ નથી. આ ધર્મનું થોડું પણ આચરણ મહાન ભયથી ભચાવે છે. 

સમજૂતી:- પ્રસ્તુત શ્લોકમાં નિષ્કામ કર્મનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આવા કર્મમાં આરંભનો નાશ થતો નથી. અહીં ફળ નથી. શ્રી મણિલાલ ન. દ્વ્રિવેદી નોંધે છે: “કર્મનાં ફળ સ્વાર્ગાદિ મિથ્યા છે, પણ કર્મ પોતે મિથ્યા નથી. ફળની ઇચ્છા વગર કરેલાં કર્મ બહુ ઉપયોગી અને નિશ્ચય ફળ આપનાર, ચિત્તશુધ્ધિ કરનાર છે. વળી, અન્ય કર્મ કરવામાં અડચણ આવે પણ આમાં તેમ નથી. આવો કર્મમાર્ગ સુગમ, સુલભ છે, ફળદાતા છે. આવાં જ કર્મો મોક્ષ પમાડે છે.” ડૉ. રાધાકૃષ્ણન કહે છે – “આગળ વધતું કોઇપણ કદમ વ્યર્થ થતું નથી. પ્રત્યેક પ્રયત્ન એક મોટો ગુણ ગણવામાં આવશે.” શ્રી શંકરાચાર્યના મતે કર્મયોગનો પ્રારંભ કર્યો કે ફળ નિશ્ચિત મળે જ છે એવો ભાવાર્થ છે. એ કર્મયોગમાં નુકશાનની પણ ભીતિ નથી. આ કર્મયોગનું થોડું પણ આચરણ સંસારના જન્મમરણરૂપ મહાન ભયમાંથી પણ બચાવે છે.


(અધ્યાય :­ 2) 

11. અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે ⏐

    ગતાસૂનગતસૂંશ્ચ નાનૂશોચન્તિ પણ્ડિતા: ⏐⏐

ભાષાંતર:­ તું શોક ન કરાવા યોગ્ય(વસ્તુ)નો શોક કરે છે અને પંડિતોનાં વચનો બોલે છે, પણ પંડિતો મરેલાંનો કે જીવતાંનો શોક કરતાં નથી. 

વિવરણ:- અહીં અશોચ્ય શબ્દમાં પ્રથમ અક્ષર ‘અ’ છે. એ વિષ્ણુનું સ્વરૂપ છે. અકારો વાસુદેવાય ⏐ આથી અહીં મંગલ થયું છે એમ કેટલાક માને છે. શંકરાચાર્યે કરેલ ગીતાભાષ્ય અનુસાર અહીં અશોચ્યાન્ શબ્દ ભીષ્મ, દ્રોણ, જેવા પુરુષોને લાગુ પડે છે અને જણાવે છે કે તેમનાં સુકૃત્યોના કારણે તેઓ અમર જ છે. વળી, આ શબ્દનો બીજો અર્થ એ પણ છે કે જેઓ મૃત્યુની સજાને લાયક છે, અન્યાયથી પૂર્ણ છે તેવા લોકો માટે શું કરવા દુ:ખી થવું? જેમકે દુર્યોધન વગેરે.                     વળી, પ્રજ્ઞાવાદાન્ એટલે કે કરવાનું કાર્ય ન કરતાં માત્ર ડાહી ડાહી વાતો કરે છે. અહીં પંડિત શબ્દ ખૂબ અગત્યનો છે – પિણ્ડા બ્રહ્મવિષયા મતિર્યસ્ય જેની બુધ્ધિ બ્રહ્મવિષયક બની હોય, જેણે બ્રહ્મને જાણ્યું હોય તે પંડિત. આમ, જેણે બ્રહ્મને – સાચા તત્વને  જાણ્યું છે તે શોક કરે નહિ. જ્ઞાની પુરુષ માટે બંને પરિસ્થિતિ સમાન છે. 

શ્રી યોગેશ્વર અહીં ગીતાજ્ઞાન પ્રવાહ વિશે કહે છે – જે ભગવાનનું શરણ લે, ભગવાનની મદદ માગે, તે ભગાવનની વાણી સાંભળી શકે, ભગવાનની કૃપા મેળવી શકે અને જ્ઞાનની પવિત્ર ગંગામાં સ્નાન પણ કરી શકે. આ શબ્દોની શરૂઆત સાથે ગીતાની જ્ઞાનગંગાનો ઉદય થયો છે. 


13. દેહિનોડસ્મિન્યથા દેહે કૌમારં યૌવનં જરા ⏐ 

    તથા દેહાન્તરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ⏐⏐

ભાષાંતર:­ જેમ દેહવાળાને આ દેહમાં બાળપણ, યૌવન અને વૃધ્ધાવસ્થા થાય છે, તેમ અન્ય દેહની પ્રાપ્તિ થાય છે, તેથી તે બાબતમાં ધીરપુરૂષ મોહ પામતો નથી. 

સમજૂતી:­ દેહ અને આત્મા એક છે, એમ માની લેતાં જ આસક્તિ, સુખ – દુ:ખ જાગે છે. દેહમાં દેહી આત્માની કૌમાર, યુવાની અને ઘડપણ અવસ્થાઓ છે. એવી જ રીતે બીજા દેહની પ્રાપ્તિ થાય છે. મૃત્યુ તેનું પરિવર્તન છે. નિરુક્તકાર વાર્ષાયણિ ષડ્વિકારા: ભાવસ્ય કહી જાયતે અસ્તિ, વર્ધતે વિપરિણતિ ક્ષીયતે મ્રિયતે કહી જ્ન્મની માફક મૃત્યુને પણ દેહની સ્થિતિ ગણે છે. વસ્તુત: આ સ્થિતિ આત્માની નથી. કારણ કે આત્મા જન્મતો કે મરતો નથી, તે નિર્વિકાર છે. 

શ્રીમદ્ ભાગવતમાં 10-1-38 શ્લોકમાં સામ્યતા જોવા મળે છે – ‘અથ બાબ્દાશતાન્તે વા મૃત્યુવૈ પ્રાણિનાં ધ્રુવમ્ ⏐ અર્થાત્ શ્રીકૃષ્ણ સૂત્રરૂપે કહે છે કે, કોઇ કાળે હું નહોતો તેવું નથી. વળી, સ્થૂળ દેહના નાશ પછી આત્માનું અસ્તિત્વ અને નિત્યત્વ જે જાણે છે તે જ્ઞાની મોહ પામતો નથી. જ્ઞાની આત્માને દેહથી ભિન્ન જાણે છે. તેથી દેહાન્તર પ્રાપ્તિથી તે મોહ પામતો નથી. જ્ઞાની આત્માને દેહથી ભિન્ન જાણે છે. તેથી દેહાન્તર પ્રાપ્તિથી તે મોહ પામતો નથી. શરીરના કોઇ પણ ભાવવિકારોમાં વિદ્વાનો વિચલિત થતા નથી, કારણ કે દેહાન્તર પ્રાપ્તિ અવશ્ય છે. 

14. માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુ:ખદા: ⏐

   આગમાપાયિનોડનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ⏐⏐

ભાષાંતર:- હે કુંતીપુત્ર(અર્જુન)! ઇન્દ્રિયોના વિષયો સાથેના શીત, ઉષ્ણ, સુખ અને દુ:ખ આપનારા, આવવા – જવાના સ્વભાવવાળા અને અનિત્ય છે. હે ભારત ⏐ તું તેઓને સહન કર. 

વિવરણ:- માત્રા એટલે ઇન્દ્રિયા મીચન્તે ઇતિ માત્રા: - જેનાથી મપાય તે માત્રા અને સ્પર્શા: - સ્પૃશ્યન્તે ઇતિ જે સ્પર્શાય તે સ્પર્શો. કાન, નાક, ચક્ષુ, રસના અને સ્પર્શ (ત્વચા) આ પાંચ ઇન્દ્રિયો છે, જે જ્ઞાનેન્દ્રિય કહેયાય છે અને શબ્દ, ગંધ, રૂપ, શીત, ઉષ્ણ, સુખ કે દુ:ખ આપનારા છે તથા આવવા – જવાના સ્વભાવવાળા એટલે કે કાયમી નથી. પરિવર્તનશીલ છે. નિત્ય તો માત્ર આત્મા જ છે. હે અર્જુન! જે અનિત્ય છે તેની તું ચિંતા કરે છે તે યોગ્ય નથી. 

અહીં ભગવાન અર્જુનને શરીરની ક્ષૂદ્રતા અને આત્માની અમરતાની દિવ્ય ઉપદેશ આપે છે. મૃત્યુ એ તો શરીરનો સ્વભાવ જ છે. વ્યક્તિ અમુકને પોતાનાં અને બીજાને પરાયાં માને છે. આવા અજ્ઞાનમાંથી મનુષ્ય છૂટે તો શાંતિ મળે છે. ખરું ‘બ્રહ્મ’ તો માયાસૃષ્ટિનાં સુખ-દુ:ખ વગેરે દ્વન્દોથી પેલે પારનું જ છે.


20. ન જાયતે મ્રિયતે વા કદાચિત્રાયં ભુત્વા ભવિતા વા ન ભૂય: ⏐

    અજો નિત્ય: શાશ્વતેડયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ⏐⏐

ભાષાંતર:- આ (આત્મા) ક્યારેય જ્ન્મતો કે મૃત્યુ પામતો નથી અથવા પૂર્વે હોઇ, ફરી નહિ હોય એમ પણ નથી. એ અજ, નિત્ય, શાશ્વત અને પુરાતન છે, તેથી શરીરનો નાશ થવા છતાં તે હણાતો નથી.

સમજૂતી:- અહીં જીવાત્માનું સ્વરૂપ બતાવ્યું છે. ગીતાકારે કહે છે કે આ દેહ અંત પામનાર છે; જ્યારે આત્મા નિત્ય, અવિનાશી, અપ્રમેય છે. તેને જે મારનાર કે મારેલો માને છે તે બંને વસ્તુનું કશું જાણતા નથી. તે નથી મરતો કે નથી મારતો. યુધ્ધમાં શરીરનો વિચ્છેદ થાય પણ આત્માનો વિચ્છેદ થવાનો નથી. અહીં કઠોપનિષદની સ્પષ્ટ છાયા જોવા મળે છે : ન જાયતે મ્રિયતે ચા... ન હન્યતે હન્યમાતે શરીરે ⏐⏐ (કઠ. 1-2-18) અહીં હન્યમાને શરીરે દ્વારા શરીરનું નાશવંતપણું તથા ન હન્યતે દ્ધ્રારા આત્માની અમરતા સ્પષ્ટતયા વ્યકત થાય છે. 


27. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જ્ન્મ મૃતસ્ય ચ 

    તસ્માદપરિહાર્યેડર્થે ન ત્વં શોચિતુમર્હસિ ⏐⏐

ભાષાંતર:­ કેમકે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે, તેથી ટાળવાને અશકય આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી. 

વિવરણ:­ આ શ્લોકમાં ગીતાએ એક સાર્વત્રિક સિધ્ધાંત આપ્યો છે કે, જે જન્મે તેનું મૃત્યુ નિશ્વિત છે અને જે મરણ પામે તેનો જ્ન્મ નક્કી છે. જગતના પદાર્થોની 6 અવસ્થાઓ – ષડ્ ભાવવિકારા: છે – (1) જાયતે – જન્મે છે (2) અસ્તિ – અસ્તિત્વમાં આવે છે. (3) વર્ધતે – વૃધ્ધિ પામે છે. (4) વિપરિણમતે – જુદા જુદા ફેરફારો પામે છે. (5) અપક્ષીયતે – ક્ષીણ થાય છે (6) વિનશ્યતિ – નાશ પામે છે. આ પ્રત્યેકને લાગુ પડે છે. ગ્રીકમાં એક કહેવત છે કે ‘Death is a law not a judgment.’ આ કુદરતી ક્રમ છે. જન્મ-મરણ એક સિક્કાની બે બાજુ જેવા છે.

શ્રી ટિળકના મતે, ‘આત્માને નિત્ય માનો કે અનિત્ય. બંને પક્ષમાં શોક કરવાનું કારણ નથી.’ સાચી વાત એ છે કે સંપૂર્ણ જીવનનો અંત મૃત્યુમાં છે, સાંસારિક રીતે કોઇપણ વસ્તુ નિત્ય નથી.


37. હતો વા પ્રાપ્યસિ સ્વર્ગ જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ ⏐

     તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદધાય કૃતિનિશ્ચિય: ⏐⏐ 

ભાષાંતર:- જો તું હણાઇશ તો સ્વર્ગ મેળવીશ અથવા જીતીશ તો પૃથ્વી ભોગવીશ. તેથી હે કુંતીપુત્ર ! યુધ્ધ માટે કૃતનિશ્ચયી તેવો તું ઊભો થા ! 

વિવરણ :- અહીં શ્રીકૃષ્ણ અર્જુનને સ્વધર્મ અપનાવી તેનાથી થતા લાભો દર્શાવે છે. અર્જુન ધર્મયુધ્ધ કરતાં કરતાં વીરગતિ પામશે તો લોકો તેની વીરતાની પ્રશંસા કરશે. એટલું જ નહિ, તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે. એમ ન થાય અને તારો વિજય થાય તો તને સમસ્ત પૃથ્વીના રાજ્યની પ્રાપ્તિ તથા ચક્રવર્તી રાજાનું પદ મળશે. આમ, અર્જુનને ઉભય પક્ષે ફાયદો જ થશે. તેથી જય – પરાજયને સમાન સમજી યુધ્ધ કરવાનો સંકેત છે.

અહીં એક સાચા ક્ષત્રિયની ફરજો તરફ અંગુલિનિર્દેશ કરતાં કહ્યું છે કે સંગ્રામમાંથી પીછેહઠ નહિ કરવામાં જ સર્વનું કલ્યાણ છે. ગીતાકારે અર્જુનના પાત્ર દ્વારા સર્વના પ્રશ્નનો સચોટ ઉત્તર આપી દીધો છે.

 


47.  કર્મણ્યેવાધિકારસ્તે મા ફ્લેષુ કદાચન ⏐

      મા કર્મફ્લેષુર્ભૂર્મા તે સડૉસ્ત્વકર્મણિ ⏐⏐

ભાષાંતર :- તારો કર્મમાં જ અધિકાર છે; ફળમાં કદી નહી. તું કર્મફળના હેતુવાળો ન થા તેમજ કર્મ કરવામાં તારી આસક્તિ ન થાઓ. 

વિવરણ:- આ શ્લોકને કર્મયોગની ચતુ:સૂત્રી કહેવામાં આવે છે. ચાર સૂત્રો આ પ્રમાણે છે – (1) તારો કર્મ કરવામાં જ અધિકાર છે. (2) ફળની આશા ક્યારેય રાખીશ નહિ. (3) તું કર્મફળની વાસનાવાળો ન બને. (4) તું કર્મ નહિ કરનારો અર્થાત્ આળસુ પણ ન થા.
આમ કહીને ભગવાને કર્મફળત્યાગનો ઉપદેશ આપ્યો છે. અહીં પ્રશ્ન થાય કે ‘જો ફળ મળતું ન હોય તો પછી શા માટે કર્મ કરવું ?’ જવાબમાં શ્રીકૃષ્ણ કહે છે કે ‘કર્મથી માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે. નહિ કરનાર આળસુ અને પ્રમાદી બની જાય છે. અહીં કર્મ કેવી રીતે કરવું એ મહત્વનું છે. કર્મ સારું કે ખોટું નથી, કર્મ બાંધતુ નથી; પણ એની પાછળની વ્યક્તિની ભાવના બંધનયુકત છે. કૃષ્ણાર્પણ કરતાં કરતાં પ્રભુમય બનવું એમ ગીતાકારે કહે છે. આ શ્લોકમાં કર્મ, જ્ઞાન તથા ભક્તિનો સમન્વય થયો છે. 


Unit :- 2 

શ્રીમદ્ ભગવદ્ ગીતા [ અધ્યાય 3-4 ]

પ્રશ્ન – 2 (અ) શબ્દનોંધ લખો (ચારમાંથી બે) અથવા (૧૦)

      સામાન્ય પ્રશ્ન (એકના વિકલ્પે એક)

      શબ્દનોંધ લખો (ચારમાંથી બે)

1 ચાતુર્વણ્યમ્ :­

  ગીતાકારે ગુણ-કર્મ આધારિત ચાર વર્ણની વાત કરી છે. સમાજમાં જે વિભન્ન દેખાય છે તે ગુણ અને કર્મ પર આધારિત છે. સંસારમાં સત્વ, રજસ, તમસ એમ ત્રણ ગુણોની ભિન્નતાને કારણે પ્રાણીઓના વિવિધ સ્વભાવ છે, તેના કારણે કોઇ એક વર્ણ શક્ય જ નથી. ગુણોના કારણે શમ, દમ, તપ, વગેરેના આધારે વિવિધ વર્ણો જોવા મળે છે. ભગવાન કહે છે કે આ વર્ણોનું માળખું જન્મના આધારે એટલે કે કદાપિ વારસાગત નથી. મયા સૃષ્ટમ્ શબ્દ દ્વારા દરેકનો સંબંધ ઇશ્વર સાથે જ છે, એ બાબતનું પ્રતિપાદન છે. શ્રીકૃષ્ણ અર્જુનને તેના વર્ણાનુસાર ધર્મ તરફ અંગુલિનિર્દેશ કરીને યુધ્ધ કરવા પ્રોત્સાહિત કરે છે. ડૉ. રાધાકૃષ્ણન્ કહે છે કે ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા માનવીય વિકાસ માટે બનાવી છે. ઇતિહાસમાં પ્રક્રિયામાં આનું સ્વરૂપ બદલાતું રહે છે. મહાભારત અનુસાર પ્રારંભમાં સમસ્ત સંસાર એક જ વર્ણનો હતો, પાછળ વિશિષ્ટ કર્તવ્યોને કારણ આ ચાર વર્ણોમાં વિભકત થઇ ગયો. (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર)


2. જ્ઞાન – વિજ્ઞાન :­
            શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવ્યાનુસાર કામ દ્વારા જ્ઞાન ઢંકાઇ જાય છે. તેથી કામને જીતવાનો ઉપાય પણ ધ્યાનમાં રાખવો જોઇએ. કામના નિરોધની પહેલાં ઇન્દ્રિયોને નિયમમાં રાખીને એટલે કે શબ્દાદિ વિષયોથી નિવૃત કરીને, શાસ્ત્રના પરોક્ષ જ્ઞાનનો તથા અપરોક્ષ જ્ઞાનનો નાશ કરનારા સર્વ પાપોના મૂળભુત કામનો નિ:શેષ અભાવ થયા સિવાય બુધ્ધિ નિશ્ચિલ થયા વિના જ્ઞાનની વિશુધ્ધિ વિના મોક્ષ થતો નથી. તેથી મુમુક્ષુએ હંમેશા કામને જીતવો જોઇએ એ સૂચન છે. આમ, કામને જીતવારૂપી જ્ઞાન પ્રાપ્ત થાય તો જ ઇશ્વરને પામવારૂપી વિશેષ જ્ઞાન (વિજ્ઞાન) પામી શકાય, મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. 


3. યજ્ઞ ચક્ર :­
        યજ્ઞ એટલે ત્યાગ, પોતાને જે કંઇ મળ્યું છે તે દેવોની કૃપાથી મળ્યુ છે, એટલે તે દેવોને અર્પણ કર્યા સિવાય ભોગવી શકાય નહિ. આ મમત્વનો ત્યાગ એ યજ્ઞભાવનાનું હાર્દ છે. વ્યક્તિનું હિત સમાજના કલ્યાણ પર નિર્ભર છે. ગીતાએ આ અંગે યજ્ઞભાવનાનો આદર્શ રજૂ કર્યો છે. માણસના અસ્તિત્વનો આધાર યજ્ઞો પર જ છે પ્રજાપતિ બ્રહ્માએ સૃષ્ટિના આરંભમાં યજ્ઞોની સાથોસાથ પ્રજાનું નિર્માણ કર્યું, પછી પ્રજાને કહ્યું કે તમે આ યજ્ઞોની વૃધ્ધિ પામો. યજ્ઞ તમને તમારું ઇચ્છેલું આપનારો બની રહે. દેવોને તમે યજ્ઞની પ્રસન્ન કરો અને દેવો તમને પ્રસન્ન કરે. આમ, પરસ્પર પ્રસન્ન કરતા તમે પરમ કલ્યાણને પ્રાપ્ત કરો. વળી, એમ પણ વર્ણવવામાં આવ્યું છે કે જે દેવોને આપ્યા વિના એકલો એકલો ભોગવે છે તે ચોર જ છે. યજ્ઞ કર્યા પછી વધેલુ અન્ન ભોગવનારાં બધાં પાપોથી મુકત થઇ જાય છે. વેદમાં પણ કહ્યું છે કે, પોતાના જ માટે રાંધીને ખાનારો પાપ જ ખાય છે. કેવલાઘો ભવતિ કેવલાદી ⏐ યજ્ઞચક્રને રજૂ કરતાં ગીતા કહે છે :

અન્નાદ્ ભવન્તિ ભુતાનિ પર્જન્યાદન્નસંભવ: ⏐

યજ્ઞાત્ ભવતિ પર્જન્યો યજ્ઞ: કર્મ સમુદભવ: ⏐⏐ 3-14

આ એક ચક્ર છે, જેનું પ્રવર્તન સૃષ્ટિના આરંભમાં થયું છે. આને કહી અનુસરનાર ઇન્દ્રિયલંપટ વ્યર્થ જીવે છે. મનુસ્મૃતિના મતે – અઘ: સ કેવલં ભુંક્તે ય: પચત્યાત્મકારણાત્ ⏐ જ્યારે ઇશાવાસ્યોપનિષદ્ કહે છે – તેન ત્યત્કેન ભુજ્જીથા: ⏐ હિન્દુ ધર્મમાં દર્શાવેલા પંચ મહાયજ્ઞો પણ યજ્ઞની આ વિભાવનાનું જ અનુમોદન કરનારા છે. 

યજ્ઞમાં સમર્પણ કરતી વખતે માણસે પોતાના સ્વાર્થનો સમષ્ટિના હિત માટે ત્યાગ કરવાનો હોય છે. આમ, યજ્ઞમાં વૈશ્વિક ભાવના છે. ગીતાની યજ્ઞભાવના સ્વાભાવિક છે. યજ્ઞ એ માણસનું આધ્યાત્મિક સત્ય છે. એ માનવીની આજીવિકાનું સાધન છે. યજ્ઞ નવસર્જનનું પ્રતીક છે. જેમ ખેતરમાં અનેક દાણા વાવવાથી તેમાંથી અનેકગણા દાણા મળે છે તેમ એક ત્યાગથી અનેકોને ઉપભોગ મળે છે અને આ ઉપભોગોનો પણ ત્યાગ થયા કરે, તો તો સૃષ્ટિમાંથી સુખની – આનંદની મોટી ફસલ ઊભી થાય. 

યજ્ઞચક્રને અટકાવી દેનારને ગીતાએ અધાયુ, ઇન્દ્રિયારામ, મોઘ એવા શબ્દોથી ઓળખાવ્યો છે. અહીં દ્રવ્ય, તપ, સ્વાધ્યાય, યોગ, જ્ઞાન વગેરે યજ્ઞોની વાત કરવામાં આવી છે. જ્યારે માણસને એવું ભાન થાય કે આ મારું નથી પણ સર્વ પરમતત્વ બ્રહ્મ છે, એ થયો જ્ઞાનયજ્ઞ. કારણ કે સર્વ કર્મો જ્ઞાનમાં જ સમાપ્ત થાય છે – સર્વ કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ⏐


4. લોકસંગ્રહ :­ 

ભગવદ્ ગીતાને લોકમાનસને જરૂરી અને સ્પર્શી શકે એવા અનેક મહાન, વૈશ્વિક વિચારો પ્રસ્તુત કર્યા છે, એમાં ‘લોકસંગ્રહ’નો ખ્યાલ ઘણો ઉત્તમ છે, ઉદાત્ત છે. લોકા: સંગૃહ્યન્તે અનેન ઇતિ લોકસંગ્રહ એટલે લોકકલ્યાણ, પ્રજાને જેના વડે બાંધીને એકત્ર, એકસાથે રાખી શકાય તે લોકસંગ્રહ એટલે લોકકલ્યાણ. આધુનિક પરિભાષામાં Providing leadership  - પ્રજાને જેનાથી નેતૃત્વ પૂરું પાડી શકાય તે છે લોકસંગ્રહ. 

  લોકો સામાન્ય રીતે ગતાનુગતિક ન્યાયે જીતવા હોય છે. શ્રેષ્ડ માણસો જે જે આચરણ કરે છે, લોકો તેને અનુસરે છે:
યદ્યદાચરતિ શ્રેષ્ડસ્તદેવેતરો જન: ⏐

સ યત્પ્રમાણં કુરુતે  લોકસ્તદનુવર્તતે ⏐⏐

ભગવાનનું સ્પષ્ટ મંતવ્ય છે કે કર્મ ન કરવામાં આવે તો શરીરયાત્રા ચાલે નહિ. કર્મ જ્યાયો હ્યકર્મણ: ⏐જ્ઞાની મનુષ્યે જ્ઞાન થયા પછી પણ કર્મ કરવાં જ જોઇએ. દા.ત. જનક વગેરે. ભગવાન પોતે કહે છે કે મારે પોતાને આ જગતમાં કંઇ જ મેળવવાનું બાકી નથી કે મેળવવા જેવી વસ્તુ મને મળી નથી, એવું પણ નથી. છતાં હું કર્મ કરતો અનુસરણ કરૂં અને છેવટે પ્રજાનો નાશ કરનારો હું સાવધાન થઇને કર્મ ન કરું તો સર્વ માણસો મારા માર્ગનું અનુસરણ કરે. અજ્ઞાનીઓને પણ જ્ઞાનીઓએ સર્વ કર્મોમાં જોડવા જોઇએ એમ ગીતાનું કથન છે. 


5. કર્મ – અકર્મ વિકર્મ :­ 

  અવતારવાદની ચર્ચામાં ભગવાન શ્રીકૃષ્ણનું અવતારકર્મ ‘દિવ્ય’ સ્વરૂપે છે. એના અનુસંધાનમાં કર્મની ગતિ ગહન છે – ગહના કર્મણો ગતિ: સ્પષ્ટ કરતાં કર્મ, અકર્મ અને વિકર્મ- એમ ત્રણ પ્રકારનાં કર્મો પ્રસ્તુત કરે છે. આ ત્રણેના નિર્ણયની બાબતમાં વિદ્વાનો પણ મોહ પામે છે. ક્યાં કર્મો કરવા, ક્યાં ન કરવાં, એ પણ વિચારણીય બાબત છે. આ સંસારમાં માણસ સતત કર્મથી વીંટળાયેલો રહે છે. એટલે તો ગીતાએ કહ્યું છે: ન હિ કશ્ચિત્ ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ ⏐

  ગીતાના મતે તો શ્વાસ લેવો એ પણ કર્મ છે. ઘણીવાર ઉપર ઉપરથી દેખાતું શુભ કર્મ માણસને બંધનકર્તા બને છે. કેટલાંક કર્મો બહારથી આકર્ષક લાગે, પણ પરિણામે વિષ જેવાં હોય છે. કેટલાંક કર્મ જરાય આકર્ષક ન હોય, પણ કરવાં જરૂરી હોય, કેટલાંક કર્મો આપણે માટે નહિ, પણ બીજાએ કરવાં જેવાં હોય. કર્મ અનિવાર્ય હોવા છતાં કર્મબંધનથી છૂટવાનો માર્ગ પણ શોધવો પડે. ગીતાએ અલગ-અલગ કર્મો માટે કર્મ-અકર્મ-વિકર્મ એવી પરિભાષાઓ યોજી છે.
ગીતાએ પ્રાય: કર્મ શબ્દ કર્મયોગ અથવા અનાસક્તિવાળાં કર્મો માટે પ્રયોજયો છે, વિકર્મ એટલે વિરુધ્ધ અથવા નિષિધ્ધ કર્મો અને અકર્મ એટલે ધર્મયુધ્ધ વગેરે કરવા જેવાં કર્મોનો ભીષણ હોવાના લીધે કે બીજા કોઇ કારણે ત્યાગ કરીએ તે. વળી, ગીતા કહે છે: કર્મમાં અકર્મ છે એમ  સમજે છે and action in inaction is a wise person. અર્થાત આસક્તિ વિનાના બનીને જે કર્મ કરવામાં આવે છે તે મનુષ્યને ક્યારેય બાંધતા નથી, બીજી બાજુ પ્રમાદને લઇને માણસ કામ ન કરે તો તેને આ લોકમાં બંધનકર્તા બને છે. એટલે અજ્ઞાની માણસની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ બની જાય છે, જ્યારે ધીર મનુષ્યની પ્રવૃતિ પણ નિવૃત્તિનું ફળ આપનારી બને છે. 

કેટલાક વિદ્વાનો કર્મ એટલે શાસ્ત્રમાં દર્શાવેલ કર્મ, અકર્મ એટલે તેનો અભાવ અમે વિકર્મ એટલે વિરુધ્ધ કરવું. એવો અર્થ કરે છે. જેમકે સાચું બોલવું તે કર્મ, કાંઇ ન બોલવું તે અકર્મ અને જુઠું બોલવું તે વિકર્મ. 

અંતમાં કહી શકાય કે જગતમાં ગ્રાહ્ય અને અગ્રાહ્ય બાબતો તરફ દ્રષ્ટિ રાખીને કર્મ કરવા જોઇએ. માણસે વિવેકબુધ્ધિ રાખી કર્મનો સ્વીકાર કે અસ્વીકાર કરવો જોઇએ એમ ગીતાકારે સમજાવે છે. 


6. અવતારવાદ :­ 

  સમગ્ર જગતનું સંચાલન કોઇ અગમ્ય તત્વ કરે છે. એ પરમ તત્વને સંસાર ધર્મ અને ન્યાયના માર્ગે ચાલે એમાં રસ છે, તેથી તે વારંવાર પૃથ્વી પર અવતાર લે છે. સર્વ ધર્મોમાં આવું અવતરણ પ્રકાર-ભેદથી સ્વીકારાયેલું છે. સામાન્ય માનવીનો જ્ન્મ અને ઇશ્વરના અવતાર વચ્ચે તાત્વિક ભેદ છે. તે પોતાની માયા વડે જન્મ ધારણ કરે છે. 

ગીતામાં અવતારની ભૂમિકા રજૂ કરતાં ભગવાન અર્જુનને કહે છે કે, ‘આ યોગ પહેલાં મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે મનુને અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. સમય જતાં આ યોગ નષ્ટ થઇ ગયો, જે આજે હું  તને ફરીથી કહી રહ્યો છું.’ આ સાંભળી અર્જુને પ્રશ્ન કર્યો કે ‘તમારો જ્ન્મ પછી થયો છે, જ્યારે સૂર્યનો જ્ન્મ પહેલાં થયેલો છે, તો પછી આ કેવી રીતે બને ?’ જવાબમાં શ્રીકૃષ્ણ કહે છે :
બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન ⏐

  ભગવાનના જ્ન્મો દિવ્ય જ્ન્મો છે. તેથી તે પોતે બધું જાણે છે, પણ અર્જુન જાણતો નથી. આમ, સમજાવીને અવતાર શા માટે લે છે તે પ્રયોજન ગીતામાં સ્પષ્ટ છે. ગીતાએ ત્રણ પ્રયોજનો બતાવ્યાં છે. જેવાં કે – સજ્જનોનું સંરક્ષણ, પાપીઓનો વિનાશ અને ધર્મની સ્થાપના. આ પ્રકારનો અવતાર યુગે યુગે થતો રહે છે. અવતારી પુરુષ પોતાના પૂર્વજ્ન્મોનાં દિવ્ય કર્મોને સાક્ષાત હોય એમ જોઇ શકે છે. અવતાર એ ઇશ્વરની માનવ પ્રત્યેની દિવ્ય કરુણાનું પ્રગટીકરણ છે. 

  સમાજનું ધારકબળ ધર્મ છે. ધારણાત્ ધર્મમ્ ઇતિ આહુ: ⏐ આ બળ જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે અધર્મનો ઉદય થાય, તેને અનુસરનારા મુશ્કેલીમાં મુકાય, દુષ્ટોનું જોર વિશેષ વધી જાય. તેથી ભગવાન પૃથ્વી પર અવતરી (અવ+તુ) પાપના ભારથી દબાયેલી પૃથ્વીને હળવી કરી, દુષ્ટોનો સંહાર કરીને સજ્જનોનું રક્ષણ કરી ધર્મની સ્થાપના કરે છે. શ્રીકૃષ્ણ તો સાક્ષાત્ સ્વયં ભગવાન છે – કૃષ્ણસ્તુ ભગવાન્ સ્વયમ્ ⏐પ્રકૃતિ પર તેમનો સંપર્ણ કાબૂ છે, તે પ્રકૃતિના માલિક છે. સમગ્ર ચરાચર સૃષ્ટિના નેતા તરીકે લોકસંગ્રહ અર્થે અવતારકાર્ય કરવાની તેમની ફરજ બની રહે છે. બધી પાર્થિવ મર્યાદાઓની વચ્ચે ઉત્કૃષ્ટ જીવન કઇ રીતે જીવી શકાય તેનું દ્રષ્ટાંત ભગવાન સ્વયં એવું જીવન જીવીને પૂરું પાડે છે. આનાથી લોકોને અધર્મના પંજામાંથી કેવી રીતે છૂટાય એની પ્રેરણા મળે છે. 

  અવતારની કલ્પના વેદો, ઉપનિષદોમાં બીજરૂપે અવશ્ય મળે છે, પરંતુ તેને સિધ્ધાંતની પૂર્ણતા બક્ષવાનું શ્રેય મહાભારત અને ગીતાને મળે છે. ગીતામાં અવતારની કલ્પના તેના સમગ્ર દર્શનને અનુરૂપ છે. ગીતા એને ગહન, દાર્શનિક અને ધાર્મિક સત્ય ગણે છે. 

 

બ શ્લોકનો સવિવરણ અનુવાદ કરો (બેમાંથી એક) (૦૪)

(અધ્યાય – 3) 

15. કર્મ બ્રહ્યોદ્ભવં વિદ્ધિ બ્રહાક્ષરસમુદ્ ભવમ્ ⏐

    તસ્માત્સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ડિતમ્ ⏐⏐

ભાષાંતર:­ કર્મને તું શબ્દબ્રહ્મમાંથી ઉતપન્ન થયેલું જાણ તથા બ્રહ્મને અક્ષરમાંથી એટલે કે વેદમાંથી જન્મે છે, એ સૃષ્ટિચક્ર છે. માણસ કર્મરૂપી યજ્ઞ કરે છે, યજ્ઞથી વરસાદ થાય છે, વરસાદથી અન્ન થાય છે, અન્નથી પ્રાણીઓ જ્ન્મે છે અને માણસો યજ્ઞ કરે છે. આમ, સતત આ ચક્ર ચાલ્યા કરે છે. શરીરના નિર્વાહ માટે કર્મરૂપી યજ્ઞ ચાલુ રાખવો જોઇએ. અક્ષરનો અર્થ ‘જીવાત્મા’ છે. જીવાત્માના કારણે શરીરનું અસ્તિત્વ છે. યજ્ઞમાં ત્યાગનું જ મહત્વ છે. શુક્લ યજુર્વેદમાં માનસિક યજ્ઞરૂપ વિષ્ણુ ભગવાનનું, પરમાત્માનું પૂજન કરવાનો ઉલ્લેખ છે. યજ્ઞ જ ભગવાન છે, તે નિયમ જીવનનો છે. વ્યષ્ટિ અને સૃષ્ટિ એકબીજા ઉપર આશ્રિત છે. 


39. આવૃતં જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા ⏐

ભાષાંતર:- હે અર્જુન! કદી તૃપ્ત ન કરી શકાય એવા આ કામરૂપ અગ્નિ એવા નિત્ય શત્રુ વડે જ્ઞાનીનું જ્ઞાન ઢંકાયેલું છે. 

વિવરણ:- કામ મનુષ્યનો મહાન શત્રુ છે. કામના ઉપભોગથી કામ કદી પણ શાંત થતો નથી. જેમ હવનદ્રવ્ય હોમવાથી અગ્નિ વૃધ્ધિ પામે છે, તેમ કામના ઉપભોગથી કામ વધતો જાય છે. માણસનો સ્વભાવ છે કે જેમ વધારે મેળવીએ તેમ ઇચ્છા વધતી જ જાય છે. કામરૂપી અગ્નિ કદાપિ પૂરી ન શકાય તેવો સર્વભક્ષી છે. કામ મનુષ્યના નિત્ય શત્રુ તરીકે છે, એના વડે બુધ્ધિમાનોનું જ્ઞાન ઢંકાઇ ગયું  છે. તેથી તેને જે રીતે અને જેટલા પ્રમાણમાં હણી શકાય, દબાવી શકાય, દૂર કરી શકાય, તેટલો દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. એમ અહિં જણાવવામાં આવ્યું છે. કામ-ક્રોધ-લોભને નરકમાં કહેવામાં આવ્યાં છે. 


42. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્ય: પરં મન: ⏐

     મનસસ્તુ પરા બુધ્ધિર્યો બુધ્ધે: પરતસ્તુ સ: ⏐⏐

ભાષાંતર:- ઇન્દ્રિયો પર કહેલ છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુધ્ધિ પર છે. અને જે બુધ્ધિથી પણ પર છે તે આત્મા છે. 

સમજૂતી:- પ્રસ્તુત શ્રોલોકની સ્થૂળ શરીરથી લઇને સૂક્ષ્મ એવા આત્માનું શ્રેષ્ઠત્વ દર્શાવ્યું છે. અહીં કઠોપનિષદ્ (3.10)ની સ્પષ્ટ છાયા જોવા મળે છે. જેમકે:

ઇન્દ્રિયેભ્ય: પરા હ્યર્થા અર્થેભ્યશ્ચ પરં મન: ⏐

મનસસ્તુ પરા બુધ્ધિર્બુદ્ધેરાત્મા મહાન્ પર ⏐⏐

  સ્થૂળ    કર્મેન્દ્રિયો    જ્ઞાનેન્દ્રિયો  મન    બુધ્ધિ
          આત્મા

સૂક્ષ્મતત્વ

ઇન્દ્રિયો સ્વભાવથી જ ચંચળ છે. ઇન્દ્રિયોના પરમપદને મેળવવાનો માર્ગ દર્શાવ્યો છે. મન ઇન્દ્રિયોના વિષયો કરતાં સૂક્ષ્મ છે, બુધ્ધિ મન કરતાં સૂક્ષ્મ છે. બુધ્ધિથી મહાન જીવાત્મા છે, જે અતિસૂક્ષ્મ છે.

 (અધ્યાય – 4)

7. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ⏐

   અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ⏐⏐

ભાષાંતર:- હે ભારત! જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃધ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જ્ન્મ ધારણ કરું છું.
વિવરણ:- અવતારવાદ એ ગીતાની અભૂતપૂર્વ દેન છે. અન્ય ધર્મોની જેમ ગીતાની પણ ભાવના છે કે પાપીઓના નાશ અને લોકોના ઉધ્ધાર માટે ભગવાન સૃષ્ટિ પર અવતાર લે છે. પુરાણોમાં ભગવાનના દસ અવતારોની વાત વિગતવાર થઇ શકે છે: 

મતસ્ય: કૂર્મવરાહશ્ચ નૃસિંહો વામન એવ ચ ⏐

રામો રામશ્ચ રામશ્ચ બુધ્ધ: કલ્કિં  થતૈવ ચ ⏐⏐

ધર્મની સ્થાપના, સજ્જ્નનું સંરક્ષણ અને દુષ્ટોનું નિકંદન એ અવતારના હેતુઓ છે. 

ઇશ્વરનો આવો જ્ન્મ દિવ્ય જ્ન્મ કહેવાય છે. અહીં અવતારવાદની ચર્ચા દ્વારા અર્જુનને યુધ્ધ માટે પ્રોત્સાહિત કરવાનું છે. ભગવાન પોતે નિર્માણ કરેલા જગતની સુસ્થિતિ બની રહે અને સર્વનું ક્લ્યાણ થાય તે માટે તેજસ્વી અને પરાક્રમી પુરુષ સ્વરૂપે અવતાર લઇ સમાજની વિસ્ખલિત થયેલી ઘડી પાછી બરાબર બેસાડી દે છે, એવું આ શ્લોકનું તાત્પર્ય છે.

 

13. ચાતુર્વણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ: ⏐

    તસ્ય કર્તારમપિ માં વિધ્ધયકર્તારમવ્યયમ્ ⏐⏐

ભાષાંતર:- ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો સર્જ્યા છે, તેનો કર્તા છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ.
વિવરણ:- અહીં ગીતાકારે ગુણ, કર્મ આધારિત ચાર વર્ણની વાત કરી છે. 

    સંસારમાં સત્વ, રજસ, તમસ – એ ત્રણ ગુણોની ભિન્નતાને કારણે પ્રાણીઓ વિવિધ સ્વભાવનાં જોવા મળે છે. ગુણોને કારણે શમ, દમ, તપ વગેરેના આધારે વિવિધ વર્ણૉ દર્શાવાય છે. વિવિધ વર્ણોનું માળખું જ્ન્મને આધારે છે, વારસાગત નથી. ઋગ્વેદના પુરૂષસૂક્તમાં પણ દરેકનો સંબંધ ઇશ્વર સાથે છે, તે પ્રતિપાદન થયું છે.

17. કર્મણો હ્યપિ બોધ્ધવ્યં ચ વિકર્મણ: ⏐

    અકર્મણશ્ચ બોધ્ધવ્યં ગહના કર્મણો ગતિ: ⏐⏐

ભાષાંતર:- કર્મનું (તત્વ) જાણવું જોઇએ, અકર્મનું (તત્વ) પણ જાણવું જોઇએ અને વિકર્મનું (તત્વ) પણ જાણવું જોઇએ, કારણ કે, કર્મની ગતિ ગહન છે. 

વિવરણ:-પ્રસ્તુત શ્ર્લોકમાં ત્રણે કર્મોના સ્વરૂપની વાત કરવામાં આવી છે. કર્મનો સામાન્ય અર્થ ‘કાર્ય કરવું’ એવો થાય છે. આચાર્ય શ્રીધરના મતે અકર્મ એટલે વ્યાપાર અને વિકર્મ એટલે નિષિદ્ધસ્યાપિ તત્વં બોદ્ધવ્યમ્ ⏐

કર્મ કરવા છતાં એમાં માણસની કોઇ જ સત્તા નથી. ઇશ્વર જ સૂત્રધાર છે, સર્વશક્તિમાન છે. માણસ ફલાસક્તિ ત્યજી દઇ કર્મ કરવા છતાં તે કર્મ અકર્મ બની જાય છે. વિકર્મ એટકે વિષિધ્ધ કર્મો. કેટલાંક કર્મો વ્યક્તિ કે સમષ્ટિના હિતમાં હોતાં નથી. એક જ્ઞાતિજન માટે જ કાર્ય કર્મ કહેવાયું હોય તે અન્ય જ્ઞાતિજન માટે નિષિધ્ધ બને છે. 

આમ, કર્મમાં અકર્મનું દર્શન કરવાથી વાત ગીતાની આગવી રીત છે. તે માટે ‘હું’ પણાનો ત્યાગ કરવો જોઇએ. કર્મની આવી સમજની માનવ પ્રત્યેક કાર્યમાં તટસ્થભાવે કેળવી, રાગદ્વેષથી મુક્ત થઇને ઇશ્વરાભિમુખ બને છે, એમાં સંશય નથી. 


28. દ્રવ્યજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથાડપરે ⏐

     સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતય: સંશિતવ્રતા: ⏐⏐

ભાષાંતર:- તેમજ બીજા તીક્ષ્ણ વ્રત વાળા યત્નશીલ યોગીઓ દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ, યોગયજ્ઞ, સ્વાધ્યાય અને જ્ઞાનયજ્ઞ કરનારા હોય છે.
વિવરણ:- અહીં ભગવાને વિવિધ પ્રકારના યજ્ઞોની વિશિષ્ટતા બતાવી છે. યજ્ઞને અતિવિસ્તૃત ફલક પર મૂકયો છે. ઉપર દર્શાવેલ સર્વ યજ્ઞો સાધકને નિષ્કામી બનાવી બ્રહ્મતત્વની ખોજ તરફ લઈ જાય છે. પ્રત્યેકનું સ્પષ્ટીકરણ નિમ્નાંકિત છે – 

દ્રવ્યયજ્ઞ – અહીં દાન પ્રધાન છે. એમાં દ્રવ્યનો લોકહિતાર્થે ઉપયોગ કરવો જોઇએ.
તપોયજ્ઞ – તપ મુખ્ય હોય, વ્રત, ઉપવાસ, મૌન વગેરે તપોયજ્ઞ છે. અહીં સાધક તપ દ્વારા 

    પરમતત્વ તરફ આગળ વધે છે.
યોગયજ્ઞ – એકાગ્ર ચિત્તથી પરબ્રહ્મ તરફ આગળ વધવાની આંતરમુખી બનવાની ક્રિયા એટલે યોગયજ્ઞ. અહીં અષ્ટાંગનો સમાવેશ થાય છે. 

સ્વાધ્યાય – જ્ઞાનયજ્ઞ – શ્રવણ, મનન દ્વારા ઇશ્વરનો સતત જપ કરતાં કરતાં ઇશ્વરાભિમુખ બની           વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરવો.
  સર્વ યજ્ઞોનું જ્ઞાનયજ્ઞ સૌથી વધુ ક્લ્યાણકારક છે, તેથી ડાહ્યા માણસે તેનો જ આશ્રય કરવો જોઇએ. 


29. અપાને જુહ્વતિ પ્રાણં પ્રાણેડપાનં તથાડપરે ⏐

     પ્રાણાપાનગતિ રુધ્ધવા પ્રાણાયામપરાયણા: ⏐⏐

ભાષાંતર:- વળી, બીજાઓ અપાનમાં પ્રાણને અને પ્રાણમાં અપાનને હોમે છે, કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે.
સમજૂતી:- અહીં પ્રાણાયામની વાત કરવામાં આવી છે. પ્રાણાયામ એટલે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વાયુઓની ગતિને વ્યવસ્થિત કરવાની ક્રિયા. વાયુને અંદર લાવવો, થોડીક ક્ષણો અંદર રાખવો પછી બહાર કાઢવાની ક્રિયા એટલે પ્રાણાયામ તે માટે પૂરક, કુંભક, રેચક શબ્દો પ્રસિધ્ધ છે. યોગી યોગ વડે કેવી રીતે પરમાનંદની ગતિને પ્રાપ્ત કરે છે તે વાત પુષ્પદંતે શિવમહિમ્ન:સ્તોત્રમાં કરી છે. વળી, કઠોપનિષદમાં (2-2-3)પણ તેની ચર્ચા છે.  

ઉપર્યુકત ત્રણ પ્રાણાયામ ઉપરાંત પતંજલિ ભગવાને ચતુર્થ પ્રાણાયામ છે કે આહારાદિને યથાયોગ્ય નિયમમાં રાખી પ્રાણને પ્રાણમાં જ હોમી દેવો તે મહાકુંભકરૂપ મહાપ્રાણાયામ યથાયોગ્ય યજ્ઞ છે. મહાકુંભક સિધ્ધ થાય ત્યારે પૂરક રેચકાદિ પણ કરવા પડતા નથી. આવા અનેક યજ્ઞોમાં યોગીઓ, જ્ઞાનીઓ નિરંતર રમે છે. આવા યજ્ઞો કરવાથી અનંત પાપથી મુકત થનારા જ્ઞાનીઓ પણ છે, જ્યારે યોગી પ્રાણાયામ કરે છે. ત્યારે પૂરક, કુંભકાદિ દ્વારા અમૃતમય હૃદયસરોવરમાં ડૂબકી મારતાં સંતાપરહિત થઇને, પુલકિત અંગોવાળો હર્ષાશ્રુપૂર્ણ નેત્રોથી ભાવસભર બને છે. સંકલ્પવિકલ્પ રહિત મન હૃદયમાં સ્નાન કરીને પવિત્ર બની ચૈતન્ય દશાને પામે છે. સચ્ચિદાનંદનો સાક્ષાત્કાર કરે છે. 


37. યથૈધાંસિ સમિધ્ધોડગ્નિર્ભસ્મસાત્કુરુતેડર્જુન ⏐

જ્ઞાનાગ્નિ: સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતે તથા ⏐⏐

ભાષાંતર:- હે અર્જુન ! જેમ પ્રજવલિત અગ્નિ લાકડાંને ભસ્મ જેવાં કરે છે તેમ જ જ્ઞાનરૂપી અગ્નિ (પાપ તથા પુણ્યરૂપ) સર્વ કર્મોને ભસ્મીભૂત કરી દે છે. 

સમજૂતી:- હવે જ્ઞાનીનાં સર્વ કર્મો નાશ પામે છે તે વિશે કહે છે કે જેમ પ્રજ્વલિત અગ્નિ કાષ્ઠોને ભસ્મરૂપ કરી નાખે છે. 

ગીતાકારનું તાત્પર્ય એ છે કે સર્વ કર્મોનો નાશ જ્ઞાનાગ્નિ કરે છે. તે સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. કર્મમાત્રમાંથી અહંકાર જતો રહે છે એટલે સંચિત કર્મો વધવાનો સંભવ રહેતો નથી. જ્ઞાનીને સર્વથા પુનર્જન્માદિ સંભવના રહેતી નથી. આમ, જ્ઞાન થતાં સર્વ કર્મોનો લય થાય છે. જ્ઞાનયોગની સિધ્ધિ માટે શ્રધ્ધા અને ઇન્દ્રિયવિજય જરૂરી છે. વિષાદ એ અજ્ઞાન છે, તેનો ઉચ્છેદ જ્ઞાનથી જ થઇ શકે છે. જ્ઞાન પ્રાપ્ત કરનારને જ શાંતિ મળે છે. 

38. ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે ⏐

     તત્સ્વયં યોગસંસિધ્ધ: કાલેનાત્મનિ વિન્દતિ ⏐⏐

ભાષાંતર:- કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર (કંઇ) નથી. તે જ્ઞાનયોગ વડે સિધ્ધ થયેલો પુરુષ કાળે કરીને સ્વયં પોતાનામાં લય પામે છે.
વિવરણ:- ગીતાકારે અહિં જ્ઞાનનો મહિમા દર્શાવ્યો છે. જપ, તપ, દાન, પવિત્ર, સ્નાન, પૂજા વગેરે અનેક બાબતો મનુષ્યને શુધ્ધ કરનાર છે, પરંતુ જ્ઞાનને સર્વશ્રેષ્ઠ માન્યું છે. જ્ઞાન ખૂબ જ પવિત્ર હોઇ, સર્વ કુકર્મોને, અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે છે. જ્ઞાની સમષ્ટિના હિતને ધ્યાનમાં રાખીને નિષ્કામભાવે કર્મો કરે છે. જપ, તપ વગેરે સાધનો છે, જ્યારે ‘બ્રહ્મ’નું સુખ સાધ્ય છે. જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરીને તરત જ ભગવદ્ પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. 



Unit – 3 

શ્રીમદ્ ભગવદ્ ગીતા [અધ્યાય – 5 -6]

પ્રશ્ન -3 (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે)       (૧૦)

સામાન્ય પ્રશ્ર્ન (એકના વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે)

1 સંન્યાસ અને કર્મયોગની એકવાક્યતા :­ 

  ભગવદ ગીતાના ચતુર્થ અધ્યાયમાં ભગવાને જ્ઞાનનું ગૌરવ તથા તેની આવશ્યકતા, યોગ્યતાનું વિશદ્તાથી સુંદર વર્ણન સરળ શૈલીમાં રજૂ કર્યું, છતાં પણ અર્જુનનું ભ્રમિત મન એક મહત્વપૂર્ણ પ્રશ્ર્ન શ્રીકૃષ્ણ સમક્ષ મૂકતાં પૂછે છે કે, ‘આપે જે બે માર્ગો દર્શાવ્યા – સંન્યાસ માર્ગ અને કર્મમાર્ગ, આ બેમાંથી શ્રેષ્ઠ માર્ગ ક્યો?’ આ પ્રશ્ર્નનો જવાબ પણ ભગવાન ખૂબ જ શાંતિ, સમજ અને પ્રસન્નતાથી સ્પષ્ટપણે જણાવે છે કે ‘સંન્યાસ અને કર્મયોગ બંને શ્રેયસ્કર છે, પરંતુ મનુષ્ય એક પણ ક્ષણ કોઇપણ પ્રકારનાં નાનાં કે મોટાં કર્મ કર્યા વિના રહી જ શકતો નથી, જીવી જ શકતો નથી, એટલે કે તે કર્મસંન્યાસી થઇ શકતો નથી. પરંતુ પ્રથમ માર્ગથી ઇશ્વરપ્રાપ્તિ અઘરી હોય, સંસારમાં રહીને સરળતાથી કર્મમાર્ગે જઇ શકાય છે અને તેથી જ સંન્યાસ કરતાં કર્મયોગ નિ:શંક ચડિયાતો છે.’ આમ, કહીને તેમણે સંન્યાસ અને કર્મયોગની એકવાક્યતા સિધ્ધ કરી આપી છે. 

  ગીતા હંમેશા સાધકની ભૂમિકાનો વિચાર કરે છે. કર્મ મનુષ્યમાત્રની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. આ બંને માર્ગ જુદા જુદા છે, એવું કથન મૂઢ વ્યક્તિનું છે, પંડિતોનું નહિ; એમ પણ ગીતા સ્પષ્ટપણે કહે છે. કર્મ છોડીને માત્ર ભગવાં વસ્ત્રો પહેરીને તપોવનમાં જતા રહેવાથી જ માણસ સંન્યાસી બની જતો નથી. સંન્યાસી બનવા માટે પણ કામનાઓ, સંકલ્પો, દ્વન્દોનો ત્યાગ કરી, સમત્વ બુધ્ધિ ધારણ કરવી પડે છે. કર્મફળનો અનાશ્રય અને સ્વધર્મબુધ્ધિ રાખીને કર્મ કરનારો યોગી પણ સંન્યાસી જ છે, કર્મ ત્યજનારો સાધુ નહિ. આમ, બંનેમાં કામનાઓનો સંન્યાસ અપેક્ષિત છે. તેથી જ ગીતાકારે કહે છે : એકં સાંખ્યં ચ યોગં ય: પશ્યતિ સ પશ્યતિ ⏐ સિધ્ધિની દ્રષ્ટિએ પણ બંને મોક્ષમાર્ગના સમાન અધિકારી છે. યત્સાંખ્યૈ: પ્રાપ્યતે સ્થાનં તદ્યોગૈરપિ ગમ્યતે ⏐ હવે પ્રશ્ન એ છે કે બંનેમાં પ્રશસ્ત માર્ગ ક્યો? અહીં ઉપર કહ્યું તેમ આચરણસુલભતાને કારણે કર્મયોગ ચડિયાતો છે. પ્રકૃતિ માણસને પરવશ બનાવીને પણ કર્મ તો કરાવે છે જ. કર્મોનો ત્યાગ કરવો એ અસ્વાભાવિક, કૃત્રિમ છે. જીવનયાત્રાના નિર્વાહ માટે પણ કર્મ તો કરવા જ પડે છે. એટલે જ કર્મોનો ત્યાગ કરી સંન્યાસ લેવો એ અતિ દુષ્કાર છે. 

  અનાસક્તભાવથી કર્મ કરતાં ક્ર્મે ક્ર્મે આત્મ શુધ્ધિ અને જ્ઞાન મળે છે. આવું જ્ઞાન મેળવી તે લોકક્લ્યાણની ભાવનાથી કર્મ કરતો રહે એ યોગ્ય છે. ઇશાવાસ્યોપનિષદ્  પણ કહે છે : કુર્વત્રેવેહ કર્માણિ જીજિવિષેત્શતં સ્મા: ⏐ ફળ અને સંક્લ્પોનો ત્યાગ કર્યા વગર કોઇ યોગી બની શકે નહિ અને યોગી ન હોય તે સાચો સંન્યાસી બની શકે નહિ. આમ, બંને એક જ છે. કોઇક ભ્રમ રજૂ કર્યો છે કે સંન્યાસમાર્ગ પ્રાચીન છે અને કર્મયોગ પાછળથી ઉત્પન્ન થયો છે. શ્રી ટિળકે ભ્રમનું નિરસન કરતાં કહ્યું છે કે ઇતિહાસની દ્રષ્ટિએ પણ કર્મમાર્ગ જ પ્રથમ છે, કારણ કે તેની પ્રતિષ્ઠા મોક્ષમાર્ગ તરીકે પહેલેથી થયેલી જ છે. 

  ગીતાનો સિધ્ધાંત સ્પષ્ટ છે કે માનસિક દ્રષ્ટિએ સંન્યાસ અને કર્મયોગ બંનેમાં તાત્ત્વિક ભેદ હોઇ શકે નહિ. તત્ત્વત: જો એમાં એક જ પ્રકારની માનસિક ભૂમિકા હોય તો કર્મ કરી લોકક્લ્યાણ અને આત્મકલ્યાણ બંને કરતાં રહેવું એ જ જીવનકલાનો આદર્શ છે અને તે જ પ્રશંસનીય છે.

 

2. ધ્યાનયોગ :­

કર્મયોગ અને કર્મસંન્યાસી એકવાક્યતા સિધ્ધ કરી ગીતાકાર કર્મયોગ માટે જરૂરી સામ્યબુધ્ધિ પ્રાપ્ત કરવાના સાધનરૂપે ધ્યાનયોગની ચર્ચા કરે છે. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં આત્મસંયમયોગ અર્થાત્ ધ્યાનયોગની સુંદર છણાવટ કરવામાં આવી છે. 

મનની સ્થિરતાથી સામ્યબુધ્ધિ, સામ્યબુધ્ધિથી નિષ્કામ કર્મ, નિષ્કામ કર્મથી શમરહિત સર્વભૂતાત્મૈક્યરૂપી જ્ઞાનથી મોક્ષ, એ પ્રમાણે મોક્ષમાર્ગનાં સોપાનો છે. આમ, કર્મયોગી બનનારી વ્યક્તિ વ્યક્તિએ સર્વપ્રથમ મનને સ્થિર કરવું જોઇએ. મનને સ્થિર કરવા માટે ધ્યાન-ધારણાનો યોગ, જ્ઞાન, ભક્તિ વગેરે સાધનો છે. ધ્યાનની જરૂર પોતાની જાતને વશ કરવા માટે છે. કારણ કે પોતે જ પોતાનો શત્રુ છે. 

હવે ધ્યાન કેવી રીતે કરવું, યોગસાધના કેવી રીતે કરવી? તેનો જવાબ છે કે, આવા કર્મયોગીએ એકાંતમાં રહી ચિત્ત અને આત્મા પર કાબૂ મેળવવો જોઇએ. પવિત્ર જગ્યાએ બહુ ઊંચું કે બહુ નીચું નહિ એવું સ્થિર આસન બનાવીએ તેના ઉપર મૃગચર્મ, વસ્ત્ર પથારી, શાંત ચિત્તે, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ રૂંધીને યોગાભ્યાસ કરવો. ધ્યાનસ્થ યોગીએ વાંસો, માથું અને ડોકને ટટ્ટાર રાખી નાકના અગ્રભાગમાં દ્રષ્ટિ સ્થિર કરી નિર્ભય બની યોગનો અભ્યાસ કર્વો, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. મનને ભગવાનમાં જોડી દેવું. મન: સંયમ્ય મચ્ચિતો યુક્ત આસીત્ મત્પર: ⏐ આમ, મન વશ થતાં સાધક આત્મખોજ કરતો રહે છે ત્યારે આત્મદર્શન થતાં એક પ્રકારની પરમ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. આ છે બ્રાહ્મીસ્થિતિ, જે મનુષ્યને મોક્ષ આપનારી છે.
        યોગ કોને ફળે ? આ પ્રશ્નના ઉત્તરરૂપે કહેવાયું છે કે બહુ ખાનાર, બહુ ઉપવાસ કરનાર, અતિશય ઊંઘણશી કે નિરંતર જાગરણ કરનારને યોગ થતો નથી. કારણ કે એને ચિત્તની સમતા પ્રાપ્ત થઇ શકતી નથી. જેમ શાંત જ્ગ્યાએ રહેલો દીપક સ્થિર જ્યોતવાળો બની રહે છે તેમ સંયમિત મનવાળા, યોગમાં જોડાનારા યોગીનું ચિત્ત પણ સ્થિર રહે છે. જોકે અહીં અર્જુનનો પ્રશ્ન છે કે મનને સ્થિર કરવું તે વાયુને પકડવા જેવું મુશ્કેલ કાર્ય છે. મનને સ્થિર કરવાની પ્રક્રિયા અત્યંત લાંબી તથા થકવી નાખે એવી છે. એને માટે ધીરજ અને તિતિક્ષાની આવશ્યકતા છે. તેથી વ્યક્તિએ ભારે સંયમ કેળવીને, આત્માને ઓળખી, બ્રહ્માનંદની અવસ્થા સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો પડે છે. ભગવાન પણ કબૂલે છે કે મન ચંચળ તથા દુર્નિગ્રહી છે જ, પણ તેને સ્થિર, કરવાનો ઉપાયો તો છે જ. આ ઉપાયો એટલે ‘અભ્યાસ’ અને ‘વૈરાગ્ય’. ભગવાન કહે છે અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ્ ⏐ 

અભ્યાસેન તુ કૌન્તૈય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ⏐⏐ 6/35

  પતંજલિ કહે છે: અભ્યાસવૈરાગ્યભ્યાં તત્રિરોધ: ⏐ અભ્યાસ એટલે ‘વારંવાર પ્રવૃત્તિ’. સંસ્કૃતમાં કહ્યું છે કે, નહિ સકૃદ્ બિન્દુપાતેન ગ્રાવાણિ નિમ્નતાં મજ્જન્તિ ⏐ ‘એક વખત પાણીનું ટીપું પડવાથી પથ્થરોમાં ખાડો પડતો નથી.’ એટલે પૌન:પુન્યેન પ્રવૃત્તિ: જરૂરી છે. 

મનને સ્થિર કરવાના શારીરિક ઉપાયોની સાથે સાથે વૈરાગ્ય પણ કેળવતા રહેવું જોઇએ. જગતના પદાર્થોમાંથી રાફ એટલે આકર્ષણ જતું કરવું એટલે વૈરાગ્ય એટલે વિષયો તરફની અનાસક્તિ અને ધૈર્ય-ધીરજ. ધારણના ઉપાયોમાં પાતંજલ યોગસૂત્રો તથા ઉપનિષદોની સ્પષ્ટ અસર જણાય છે.
  સાચા ધ્યાનયોગીના ફળની વાત કરીએ તો કહેવાયું છે કે યોગી યોગના સેવનથી જે આનંદ મેળવે છે, તે ઇન્દ્રિયોથી પર છે. તે પછી તે ક્યાંય ચલિત થતો નથી, પણ બ્રહ્મભૂત બની જાય છે. તે સર્વમાં ભગવાનનો અનુભવ કરે છે. સર્વમાં ભગવાન અને ભગવાનમાં બધું એવો ભાવ અનુભવે છે. તેથી અંતમાં ભગવાન કહે છે, તસ્માદ્ યોગી ભવાર્જુન ⏐   આમ, બીજમાં વૃક્ષની જેમ તથા ગાગરમાં સાગરની જેમ, અહીં યોગની સઘળી માહિતી ગીતાની સાદી, મિતાક્ષરી ભાષામાં જોવા મળે છે. 


3. યોગભ્રષ્ટની સ્થિતિ (યોગારૂઢ) :­

મનની સ્થિરતા અને ચિત્તશુધ્ધિ કર્મયોગી બનવા માટે અનિવાર્ય શરત છે અને સાથે સાથે મનને સ્થિર કરવું પણ એટલું જ કઠિન છે. કોઇપણ વ્યક્તિ રાતોરાત કર્મયોગી બની શકે નહિ. કદાચ અનેક જ્ન્મો પણ પસાર થઇ જાય. ઘણીવાર તેની દુષ્કરતાને કારણે અધવચ્ચેથી નિષ્ફળ જાય. તેથી અર્જુન મનની સ્થિરતા મેળવવામાં નિષ્ફળ ગયેલા અને પરિણામે કર્મયોગી બની ન શકનારા યોગભ્રષ્ટની શી દશા થાય છે ? એવો સીધો પ્રશ્ન ભગવાનને કરે છે. આવા ઇતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ માણસની શી ગતિ થાય ? આકાશમાં વિખૂટા પડી ગયેલા, એકલદોકલ વાદળની જેમ શું તેનો સર્વનાશ થાય ? આવા ચિંતાયુક્ત સંદેહયુકત અર્જુનના પ્રશ્નના જવાબ આપતાં, અભયવચન આપતાં શ્રીકૃષ્ણ કહે છે :
હે પાર્થ ! આવા કર્મયોગ સાધનામાં નિષ્ફળ ગયેલી વ્યક્તિનો આ લોક કે પરલોકમાં ક્યાંય વિનાશ થતો નથી. કારણ કે, સારું કાર્ય કરનાર માણસની કદી પણ અવનતિ થતી નથી : ન હિ ક્લ્યાણકૃત્કશ્વિદ્ દુર્ગતિં તાત ગચ્છતિ ⏐ પોતાના એક જન્મમાં કર્મયોગી બનવામાંથી નિષ્ફળ ગયેલા યોગભ્રષ્ટ મનુષ્યો પોતે અગાઉ કરેલાં સુકૃત્યોના પુણ્યથી પવિત્ર લોકમાં, લાંબા કાળ સુધી નિવાસ કરીને, પુન: પવિત્ર શ્રીમંતો સદ્ ગૃહસ્થોનેને ત્યાં જ્ન્મ લે છે. અથવા તો બુધ્ધિશાળી યોગીઓના જ કુળમાં જ્ન્મ લે છે. ખરેખર, આવો જ્ન્મ આ લોકમાં દુર્લભ હોય છે. આવા યોગીને તેના પૂર્વજન્મના સંસ્કાર સાથે સંયોગ થતાં તે કર્મયોગીની સાધનાને સતત ચાલુ રાખે છે. પૂર્વજ્ન્મના સંસ્કારો તેને આ જ્ન્મમાં પણ કર્મયોગીની સાધના ચાલુ રાખવા બાધ્ય કરે છે, પણ આ રીતે અનેક જન્મોની સિધ્ધિ હાંસલ કરી અંતે તે સાચો કર્મયોગી બને છે. આવો જિજ્ઞાસુ યોગી પરબ્રહ્મને પામે છે. 

ગીતામાં રજૂ થયેલ આ યોગભ્રષ્ટની સ્થિતિનું વર્ણન ગીતાના કર્મયોગના સિધ્ધાંત માટે ખૂબ જ અનુરૂપ અને સુસંગત છે. આગળ થનારા વિકાસમાં તે પ્રારંભબિંદુ બની રહે છે. આ ચર્ચા દ્વારા ભગવાને સમગ્ર માનવજાતને એક ઉત્તમ આશ્વાસન આપ્યું છે કે ક્લ્યાણમય કાર્ય કરનારનો કદીપણ વિનાશ થતો નથી. આ એક સોનેરી સિધ્ધાંત – Golden principal. અંગ્રેજીમાં એક કહેવત છે – Good never comes to grief.   


4. અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યયેણ ચ ગૃહ્યતે ⏐ 

અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ્ ⏐

અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ગૃહ્યતે ⏐⏐

હે મહાબાહો ! નિશ્ચય જ મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે, તોપણ હે કૌન્તેય ! અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે. 

અભ્યાસ એટલે ‘કોઇપણ એક વસ્તુ માટે કરવામાં આવતો સતત પ્રયત્ન.’ મન અત્યંત ચંચળ છે, આવા ચંચળ મનનો નિગ્રહ કેવી રીતે થઇ તે અંગે અહીં વાત કરવામાં આવે છે. અનેક વાસનાઓના કારણે મન ચંચળ બને છે. જો આ વાસનાઓને શનૈ: શનૈ: દૂર કરવામાં આવે તો મનની સ્થિરતા આવતી જાય છે. મનને વિષયોમાંથી ખેંચવા સતત પ્રયત્નો કરવા જોઇએ. મનને વિષયોમાંથી પ્રયત્નપૂર્વક ખેંચીને પરમ પરમાત્મામાં પરોવવું જોઇએ. મનને ઇચ્છિત દિશા તરફ વાળવાનો સતત પ્રયત્ન એટલે ‘અભ્યાસ’. અભ્યાસ અને વૈરાગ્ય એકબીજાના પૂરક બનીને મનને વશ રાખવામાં મદદ કરે છે. મન ક્યારેક ખરાબ વિષયોમાં ફસાઇ જાય છે તેથી તેનો નિગ્રહ કઠિન છે. ચંચળ મનને વારંવાર ઇશ્વર તરફ વાળવું જોઇએ. કોઇક સાધકે મંત્રપુષ્પાંજલિમાં કહ્યું છે :

યત્રૈવ યત્રૈવ મનો મદીયં તત્રૈવ તત્રૈવ તવ સ્વરૂપમ્ ⏐

યત્રૈવ યત્રૈવ શિરો મદીયં તત્રૈવ તત્રૈવ પદદ્વયમ્ તે ⏐⏐

સતત આત્મામાં જ મસ્ત એવો ધ્યાનયોગી અંતે પરમપદને અંતે પ્રાપ્ત કરે છે, તેને જ ‘મુક્તિ’ કે ‘મોક્ષ’ કહેવાય છે.
પાતંજલયોગસૂત્ર કહે છે કે અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધ:⏐(1-12) અભ્યાસ અને વૈરાગ્ય વડે ચિત્તનો નિગ્રહ શક્ય છે. તત્ર સ્થિતૌ યત્નોડ્ભ્યાસ:⏐(1-13)વૃત્તિરહિત નિરુધ્ધ ચિત્ત સ્વરૂપમાં પરિણામ પામે તેનું નામ સ્થિતિ છે. એ સ્થિતિ માટેનો પ્રયત્ન એટલે અભ્યાસ. મનને વારંવાર મર્કટ સાથે સરખાવ્યું છે. તે તેની ચંચળતાનું પ્રતીક છે. અભ્યાસ અને વૈરાગ્ય વચ્ચે એવો અવયવ છે તેનાથી ઉભય સાધનનો સમુચ્ચય ઇષ્ટ છે. અહીં એ પણ સૂચવાયું છે કે હઠથી નિગ્રહ સંભવતો નથી, પણ અભ્યાસ અને વૈરાગ્યથી જ ચિત્તને વશ કરી શકાય છે.

(બ) શ્ર્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક)     (૦૪)
(અધ્યાય – 5) 

13. સર્વકર્માણિ મનસા સંન્યાસ્યાસ્તે સુખે વશી ⏐

     નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વત્ર કારયન્ ⏐⏐

ભાષાંતર:- સંયમી મનુષ્ય મનથી સર્વ કાર્યોમાં (કર્તાપણાના ભાવનો) ત્યાગ કરીને નવ દ્વારોવાળા આ શરીરરૂપી નગરમાં કંઇપણ કરતો કે કરાવતો ન હોય તેમ સુખથી રહે છે. 

વિવરણ:- સંયમી પુરુષ સર્વ કર્મોને ત્યાગ મનથી કરે છે. એટલે કે તે કર્મમાં રસ કે આસક્તિ રાખતો નથી. મનુષ્યના શરીરરૂપી નગરમાં બે આંખ, નાકના બે છિદ્રો, મુખ અને બે ગુહ્ય દ્વારો મળીને નવ દ્વાર થાય છે. કઠોપનિષદ્ નાભિ અને બ્રહ્મરંધ્રને પણ દ્વારમાં ગણીને અગિયાર દ્વારનો ઉલ્લેખ કરે છે. (કઠે: 2 – 2 - 1)

ન કુર્વન્ ન કારયન્ એટલે કે નથી કાંઇ કરતો કે નથી કરાવતો નથી અર્થાત્ મનથી બધાં કર્મોનો ત્યાગ કરીને બાહ્ય રીતે કાર્યો કરવા છતાં વાસ્તવમાં સંયમી પુરુષ કર્મથી અલિપ્ત રહે છે. આમ, અહીં કર્મયોગીની વાત સ્પષ્ટરૂપે કરવામાં આવી છે. 


16. જ્ઞાનેન તુ તદજ્ઞાનં યેષાં નાશિતમાત્મન: ⏐

તેષામાદિત્યવજજ્ઞાનં પ્રકાશયતિ તત્પરમ્ ⏐⏐

ભાષાંતર :- પરંતુ જેઓ (પુરુષો)ના ચિત્તનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે નાશ પામ્યું છે તેઓનું જ્ઞાન તે પરમતત્વને સૂર્યની જેમ પ્રકાશિત કરે છે. 

સમજૂતી:- સર્વનું જ્ઞાન અજ્ઞાનથી આવૃત્ત છે તો મુમુક્ષુઓમાં આત્મજ્ઞાનનો આવિર્ભાવ શી રીતે થાય ? તે સમજાવતાં ગીતા કહે છે કે કર્મ તથા ઉપાસનાથી શુધ્ધ ચિત્તવાળા, શ્રવણ – મનન સાધનોથી યુક્ત અને ભગવાનના અનુગ્રહી મુમુક્ષુઓનું આવરણ વિક્ષેપ શક્તિવાળું એ અજ્ઞાન અહં બ્રહ્માસ્મિ એવા મહાકાવ્યના પ્રમાણથી નાશ પામ્યું છે, તેમનું તે આત્મજ્ઞાન સૂર્યની જેમ અન્યની સહાયની અપેક્ષા વિના કાર્યસહિત અજ્ઞાનને દૂર કરી, પ્રરબ્રહ્મને પ્રકાશિત કરે છે. સૂર્ય જેમ અંધકારનો તેમ આત્મજ્ઞાન અજ્ઞાનનો નાશ કરી સમસ્ત જ્ઞેયવસ્તુને પ્રકાશિત કરે છે. 

જયારે મનુષ્ય શ્રીકૃષ્ણનું શરણ લે છે ત્યારે તે પૂર્ણ જ્ઞાનને પામે છે, પ્રકાશયતિ પદનું તાત્પર્ય છે કે, સૂર્યનો ઉદય થતાં નવી વસ્તુનું નિર્માણ થતું નથી, પણ અંધકારના ઢંકાઇ જવાના કારણે જે વસ્તુ દેખાતી ન હતી તે દેખાવા લાગે છે, એ જ રીતે પરમાત્વ તત્વ સ્વત: સિધ્ધ છે, પરંતુ અજ્ઞાનને કારણે એનો અનુભવ થતો નથી. વિવેક દ્વારા અજ્ઞાન દૂર થતાં જ એ સ્વત: સિધ્ધ પરમાત્મત્ત્વનો અનુભવ થવા લાગે છે.


18. વિદ્યાવિનયસંપન્ને બ્રાહ્મણે હસ્તિનિ ⏐  

    શુનિ ચૈવ શ્ચપાકે ચ પણ્ડિતા સમદર્શિન: ⏐⏐  

ભાષાંતર:- પંડિતો (જ્ઞાની પુરુષો) વિદ્યાવિનયયુકત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચાંડાલમાં પણ સમાન દ્રષ્ટિવાળા હોય છે.
વિવરણ:- ભગવાને આ શ્ર્લોકમાં સમદર્શી પંડિતની સ્થિતિનું વર્ણન કર્યું છે. જેની બુધ્ધિ પિંડ અર્થાત્ બ્રહ્મને જાણી લે તે પંડિત. વિષય વસ્તુઓમાં પણ જેઓ બ્રહ્મની માફક જ સમાન દ્રષ્ટિ રાખે છે. તેઓ પંડિતો છે. ડૉ. રાધાકૃષ્ણન્ વિદ્યાવિનયસંપન્નેનો અર્થ સમજાવતાં કહે છે કે અધિક અધ્યયન – જ્ઞાનથી અધિક વિનય આવે છે. વિનય અહંકારશૂન્યતા છે. તેઓ કહે છે કે ભગવાનની સત્, ચિત્, આનંદની વિશેષતાઓ સર્વ વિદ્યમાન વસ્તુઓમાં રહેલી છે. જ્ઞાનીઓ સર્વ પ્રાણીઓમાં એક પરમાત્માનું દર્શન કરે છે. તથા પોતાનામાં સમચિત્તના ગુણનો વિકાસ કરે છે. સર્વત્ર સમદ્રષ્ટિ હોવાના કારણે પરમાનંદની સ્ફૂર્તિ જીવન મુક્તિનો અનુભવ કરે છે.
24. યોડન્ત: સુખોડન્તરારામસ્તથાડન્તજર્યોતિરેવ: ⏐

     સ યોગી બ્રહ્મનિર્વાણં બ્રહ્મભૂતોડધિગચ્છતિ ⏐⏐

ભાષાંતર:- જે યોગી આત્મામાં જ સુખવાળો, આત્મામાં જ ક્રીડાવાળો અને આત્મામાં જ પ્રકાશવાળો છે, તે બ્રહ્મસ્વરૂપ થઇ બ્રહ્મનિર્વાણ અર્થાત્ મોક્ષને પામે છે. 

વિવરણ:- ગીતાકારે કહે છે કે જ્ઞાની પુરુષને ઇન્દ્રિયજન્ય અલ્પકાલીન સુખોમાં આનંદ આવતો નથી. તે આત્મા સાથે એકાકાર બની આત્મામાં જ સુખ મેળવે છે, બ્રહ્મમય બનીને મોક્ષ મેળવે છે. બાહ્ય સુખો છોડી અંતરમાં આરામ મેળવે છે, અન્તજર્યોતિ પ્રાપ્ત કરે છે. તેથી આ અવસ્થા જીવનમુક્તિની અવસ્થા છે. 


(અધ્યાય :­ 6) 

3. આરુરુક્ષોર્મુનેયોગં કર્મ કારણમુચ્યતે ⏐

   યોગારૂઢસ્ય તસ્યૈવ શમ: કારણમુચ્યતે ⏐⏐

ભાષાંતર:- યોગમાં પ્રવેશ કરવા ઇચ્છતા સંયમી માટે (અનાસક્તિપૂર્વક) કર્મ કરવાં એ સાધન છે અને યોગમાં પ્રવેશ કરી દીધા પછી તેને માટે શમ (એ તેને યોગરૂઢ સ્થિતિમાં સ્થિર કરનાર) સાધન છે. 

વિવરણ :­ શ્લોકની પ્રથમ પંક્તિમાં કર્મ એ શમનું કારણ થાય છે કે કહી ઉલટી રીતે બીજી પંક્તિમાં કર્મનું કારણ ક્યારે થાય છે તેનું વર્ણન કરેલું છે. યોગી યોગારૂઢ થઇ સિધ્ધાવસ્થાએ પહોંચે એટલે કર્મ અને શમનો કાર્યકારણભાવ બદલાઇ કર્મ શમનું કારણ ન થતાં શમ જ કર્મનું કારણ બને છે. યોગારૂઢ પુરુષ પોતાનાં સર્વ કર્મો હવે કર્તવ્ય તરીકે ફળાશા રાખીને શાંત ચિત્તથી કરે છે. કર્મ અને શમ વચ્ચે નો સાધનાવસ્થાનો કાર્યકારણભાવ માત્ર સિધ્ધાવસ્થામાં બદલાય છે, એમ ગીતાનું કહેવું છે.

5. ઉદ્ધેદાત્મનાત્માનં નાત્માનવસાદયેત્ ⏐

    આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મન: ⏐⏐

ભાષાંતર :­ પોતાના મનોરૂપી બળથી પોતાના આત્માનો ઉધ્ધાર કરવો જોઇએ, નહિ કે અધોગતિ. કારણ કે (મનુષ્ય) પોતે જ પોતાના બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે. 

વિવરણ :­ આ શ્ર્લોકનો મુખ્ય ધ્વનિ છે કે વ્યક્તિ આત્માથી ઉધ્ધાર કરે. અર્થાત્ માણસ સુખ-દુ:ખમાંથી દૂર જઇને, આંતરમુખી બનીને આત્માનું સ્વરૂપ જાણવાનો પ્રયાસ કરે તો ધ્યેયપ્રાપ્તિ સુધી પહોંચી શકે છે. ભગવાન અંદર જ રહેલો છે, તેને શોધવા માટે બહાર ફાંફાં મારવાની જરૂર નથી. જે ઇન્દ્રિયનિગ્રહ નથી કરતો તે જાતે જ પોતાનો દુશ્મન બને છે. જો સત્કર્મો, આત્મશુધ્ધિ, ઇન્દ્રિયસંયમ, અનાસક્તિ આસક્ત રહી અધોગતિ વગેરે દ્વારા મનુષ્ય પોતાનું કલ્યાણ કરે તો પોતે પોતાનો મિત્ર થયો અને કામનાઓમાં આસક્ત રહી અધોગતિને પંથે જાય તો પોતે જ પોતાનો શત્રુ થયો. તેથી મનુષ્યે પોતાનામાં જ મૈત્રી રાખવી. મનુષ્યે અન્ય માર્ગે જતી ઇન્દ્રિયોને રોકી શ્રમપ્રધાન બનવું. શ્રી ટિળકના મતે અહીં આત્મસ્વાતંત્ર્યનું વર્ણન છે. 


8. જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય: ⏐

  યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાજન: ⏐⏐

ભાષાંતર :­  જ્ઞાન (શાસ્ત્રીય) અને વિજ્ઞાન (અનુભવ) વડે જેનું અંત:કરણ તૃપ્ત છે, જે નિર્વિકાર છે, જેણે ઇન્દ્રિયોને સારી રીતે જીતેલી છે; માટી, પથ્થર અને સોનું જેને મન સરખાં છે તે યોગી યોગારૂઢ છે, એમ કહેવાય છે.
સમજૂતી :­ અહીં સાચા અર્થમાં યોગી કોણ કહેવાય? તે બતાવતાં કહે છે કે શાસ્ત્રમાં કહેલા પદાર્થોને સારી રીતે સમજવા તે ‘જ્ઞાન’ કહેવાય છે તથા શાસ્ત્ર કે ગુરુએ ઉપદેશેલાં તત્વોનો શ્રવણ, મનન તથા નિદિધ્યાસનથી અંતકરણમાં સાક્ષાત્ અનુભવ કરવો તે ‘વિજ્ઞાન’ કહેવાય છે. આવા જ્ઞાન-વિજ્ઞાનથી તૃપ્ત ચિત્તવાળો એટલે કે જેણે જાણવાનું જાણી લીધું છે, વિચારવા જેટલું વિચારી લીધું છે, સમજવા જેટલું સમજી લીધું છે. શબ્દાદિ વિષયો સમીપ હોવા છતાં જે વિકારને પ્રાપ્ત થતો નથી અથવા જે આધ્યાત્મિકાદિ ત્રિવિધ દુ:ખોથી ચલાયમાન થતો નથી, જે જિતેન્દ્રિય છે; માટી પથ્થર તથા સુવર્ણમાં સમબુદ્ધિવાળો છે એવો વૈરાગ્યયુકત પરમહંસ સંન્યાસી યોગારૂઢ કહેવાય છે. 

સમજૂતી :­  અહીં યોગારૂઢન વૃત્તિશૂન્ય ચિત્તને વાયુરહિત સ્થાનમાં રહેલા દીવાની ઉપમા આપી છે. જેમ વાયુ વિનાના સ્થાનમાં દીવો ચલાયમાન થતો નથી તેમ સમાધિમાં યોગીનું એકાગ્ર, આત્મામાં સ્થિર થયેલું ચિત્ત ચલિત થતું નથી. 

મહાભારતમાં શાંતિપર્વમાં બીજી પણ ઉપમા આપવામાં આવી છે કે, જેમ સીડી પરથી તેલથી ભરેલું પાત્ર લઇ જતાં કે તોફાની પવનથી નાવડીને બચાવવા જેટલી એકાગ્રતા જોઇએ તેવી એકાગ્રતા યોગીના મનની પણ હોય છે. ચિત્તની નિર્વિકાર સ્વરૂપ સ્થિતિને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. (શંકરાનંદ) યોગીનું નિરુધ્ધ ચિત્ત દીવાની જેમ નિશ્ચલ તથા જ્ઞાનપ્રકાશયુકત હોય છે. 


35. અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ્ ⏐

    અભ્યાસેન  તુ કૌન્તૈય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ⏐⏐

ભાષાંતર :­ હે મહાબાહો ! ખરેખર મન ચંચળ છે અને વશ કરવું મુશ્કેલ છે; તોપણ હે કૌન્તૈય !   અભ્યાસ અને વૈરગ્ય વડે તે વશ કરાય છે.
વિવરણ :­ મનનો નિગ્રહ કરવો દુષ્કર છે જેમ વાયુને બાંધવો મુશ્કેલ, દુષ્કર છે, તેવું જ મનનું છે. કારણ કે મન અતિ ચંચળ છે. વાસનાઓને ધીમે-ધીમે દૂર કરવાથી મન સ્થિર બને છે. તેથી મનને વિષયમાંથી યત્નપૂર્વક ખેંચીને પરમ પરમાત્મામાં પરોવવું જોઇએ. પતંજલિના યોગસૂત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે અભ્યાસવૈગ્યાભ્યાં તન્નિરોધ: ⏐ મનને ઇચ્છિત દિશામાં વાળવાનો પ્રયત્ન એટલે ‘અભ્યાસ’ અને ‘વૈરાગ્ય’ એકબીજીના પૂરક બનીને મનને વશ રાખવામાં મદદ કરે છે. 


40. પાર્થ નૈવેહ વિનાશસ્તસ્ય વિદ્યતે ⏐

     નહિ કલ્યાણકૃત્કશ્ચિદ્દુર્ગતિં  તાત ગચ્છતિ ⏐⏐

ભાષાંતર :­ હે પાર્થ ! આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ નથી જ. કારણ કે હે તાત ! શુભ કર્મ કરનારો કોઇ (મનુષ્ય) દુર્ગતિ પામતો નથી.

 

વિવરણ :­ ગીતાનો આ શ્ર્લોક વિશ્વભરમાં માન્ય થાય તેવો ‘સુવર્ણ નિયમ’ – Golden rule બતાવે છે. જે માણસ જીવનમાં કલ્યાણકારક કામ કરે તેનો કયારેય વિનાશ થતો નથી. જે સારો છે, તેને ક્યારેય શોક કરવો પડતો નથી – Good never comes to grief. ક્લ્યાણના માર્ગે જનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. 



45. પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુધ્ધકિલ્બિષ: ⏐

      અનેકજન્મસંસિધ્ધિસ્તતો યાતિ પરાં ગતિમ્  ⏐⏐

ભાષાંતર :­ અનેક જ્ન્મોનાં પુણ્યોથી અંત:કરણ શુધ્ધિને પામેલો, પરંતુ અતિ પ્રયત્નથી અભ્યાસ કરનારો યોગી સંપૂર્ણ પાપોથી સારી રીતે શુધ્ધ થઇ પરમગતિને પામે છે.
સમજૂતી :­ ગીતા કહે છે કે જે યોગી સંસિધ્ધિ માટે પૂર્વજ્ન્મમાં કરેલા પ્રયત્નથી પણ અધિક પ્રયત્ન કરે છે, તત્પર થઇ નિત્ય-નિરંતર સમાધિષ્ઠ થાય છે. જેને સંસ્કારોની વૃધ્ધિથી તથા પુણ્યોની વૃધ્ધિથી છેલ્લો જ્ન્મ પ્રાપ્ત થયો છે તે યોગી શ્રવણાદિ યોગસાધનોના પરિપાકથી મોક્ષ પામે છે, એમાં જરા પણ સંશય નથી. તાત્પર્ય એ છે કે યોગભ્રષ્ટ મૃત્યુ પછી બ્રહ્માદિ લોકને પામે છે. પૂર્વના જ્ઞાનસંસ્કારથી પરવશ થઇ તે પુન:યોગનિષ્ઠામાં પ્રવર્તે છે અને સંસ્કારો તથા પુણ્યોની વૃધ્ધિથી પ્રાપ્ત થયેલા છેલ્લા જન્મમાં તે આત્મસાક્ષાત્કારને પ્રાપ્ત થઈ કૃતકૃત્ય થાય છે. યોગભ્રષ્ટનો વિનાશ સંભવતો નથી. તેથી મુમુક્ષુએ નિ:સંશય થઇ યોગબુધ્ધિનું શરણ લેવું જોઇએ એમ ગીતા કહે છે. 


46. તપસ્વિભ્યોડધિકો યોગી જ્ઞાનિભ્યોડ્પિ  મતોડધિક: ⏐

        કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન ⏐⏐

 ભાષાંતર :­ આ યોગીઓ તપસ્વીઓ કરતાં અધિક, જ્ઞાનીઓથી પણ અધિક અને (અગ્નિહોત્રાદિ) કર્મ કરનારાઓથી પણ અધિક માન્યો છે, માટે હે અર્જુન ! તું યોગી થા. 

વિવરણ :­ ગીતાકાર અહીં કહે છે કે તપસ્વી, કર્મકાંડી, જ્ઞાની આ ત્રણેય પુરુષોમાં કર્મયોગી જ શ્રેષ્ઠ મનાયો છે. આ પૂર્વે પણ ગીતાકારે કર્મયોગીને ઉત્તમ કહ્યો છે. અહીં ‘જ્ઞાનિભ્યોડપિ’ અર્થાત્ જ્ઞાની સાથે અપિ અવ્યયનો ઉપયોગ સૂચક છે. અપિ કહીને કર્મયોગ પર ભાર મૂક્યો છે. મુંડકોપનિષદ્ પણ આત્મજ્ઞાનપૂર્વક કર્મ કરતાં પુરુષની પ્રશંસા કરે છે.
ગીતામાં કર્મનો અર્થ નિષ્કામ કર્મ એવો લેવાનો છે. કર્મની શ્રેષ્ઠતા બતાવવા માટે ગીતામાં જ્યાય:, અધિક:, વિશિષ્યતે જેવાં સ્પષ્ટ પદો વાપરવામાં આવ્યાં છે. જે યોગીને તપ, જ્ઞાન, કર્મથી ઉત્કૃષ્ટ દર્શાવ્યો છે, તેની સાથે ભક્તિ પણ જોડાયેલી છે. 




Unit :- 4

ગીતાનું મનોવિજ્ઞાન – પારિવારિક પ્રબંધનનું સ્વરૂપ – સામજિક પ્રબંધનની પ્રક્રિયા – માનવધર્મ તરીકે ગીતાના વિચાર 

પ્રશ્ન :- સામાન્ય પ્રશ્ન અથવા સામાન્ય પ્રશ્ન       (૧૪)


પ્રશ્ન:- ગીતાનું મનોવિજ્ઞાન સમજાવો.

પ્રશ્ન:- ગીતામાં પારિવારીક પ્રબંધનનું સ્વરૂપ સમજાવો.

પ્રશ્ન:- ગીતામાં સામાજિક પ્રબંધનની પ્રક્રિયા સમજાવો.

પ્રશ્ન:- માનવધર્મ તરીકે ગીતાના વિચારો જણાવો.


પ્રશ્ન:- ૫- હેતુલક્ષી પ્રશ્ન્નો

(યુનિટ ૧-૨-૩-૪)


ટૂંકા પ્રશ્નોના જવાબ લખો.

યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ખરા ખોટા જણાવો.

જોડકા જોડો.

અ- (૦૮)

બ- (૦૬)

અધ્યાય-૧

1 કુરુક્ષેત્રને કેવું કહેવાયું છે?
જ. કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહેવાયું છે. 

2. દ્રુપદ રાજાનો પુત્ર કોણ હતો. 

જ. ધૃષ્ટધુમ્ન દ્રુપદ રાજાનો પુત્ર હતો.
3. પાંડવોના પક્ષે ક્યા – કયા મહારથીઓ લડતા હતા ?
જ. ભીમ, અર્જુન, સાત્યકિ, વિરાટ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશિરાજ, પુરુજિત્, કુંતિભોજ, શૈલ્ય, 

    યુધામન્યુ, ઉત્તમૌજ, અભિમન્યુ તથા દ્રોપદીના પુત્રો પાંડવસેનાના મુખ્ય મહારથીઓ હતા. 

4. કૌરવ પક્ષે લડનારા મુખ્ય મહારથીઓ કોણ હતા. 

જ. પિતામહ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, ભૂરિશ્રવા, દ્રોણાચાર્ય વગેરે મુખ્ય 

    મહારથીઓ હતા. 

5. પાંડવસેના કોના વડે રક્ષાયેલી હતી. ?
જ. પાંડવસેના ભીમ વડે રક્ષાયેલી હતી. 

6. કૌરવસેના કોના વડે રક્ષાયેલી હતી ?
જ. કૌરવસેના ભીષ્મ વડે રક્ષાયેલી હતી

7. ભગવાન શ્રીકૃષ્ણના શંખનું નામ આપો. ?
જ. ભગવાન શ્રીકૃષ્ણના શંખનું નામ પાંચજન્ય છે. 

8. અર્જુને યુધ્ધના પ્રારંભે ક્યો શંખ વગાડ્યો. ?

જ. અર્જુને યુધ્ધના પ્રારંભે દેવદત્ત શંખ વગાડ્યો.  

9. યુધ્ધના પ્રારંભે પૌંડ્ર નામનો શંખ કોણે વગાડ્યો. ?
જ. યુધ્ધના પ્રારંભે પૌંડ્ર નામનો શંખ ભીમે વગાડ્યો.

10. યુધિષ્ઠિરે યુધ્ધની શરૂઆતમાં ક્યો શંખ વગાડ્યો. ?

જ.  યુધિષ્ઠિરે યુધ્ધની શરૂઆતમાં અનંતવિજય શંખ વગાડ્યો.

11. સુધોષ અને મણિપુષ્પક કોના શંખ હતા. ?   

જ. સુધોષ નકુલનો અને મણિપુષ્પક સહદેવનો શંખ હતો.  

12. અર્જુનના રથના ધ્વજ પર કોનું ચિહન હતું. ?
જ. અર્જુનના રથના ધ્વજ પર હનુમાનજીનું ચિહન હતું. 

13. અર્જુનને કપિધ્વજ કેમ કહેવાયો છે. ?
જ. અર્જુનના રથના ધજા પર હનુમાજી એટલે કે કપિનું ચિહન હતું, આથી, અર્જુન કપિધ્વજ 

    કહેવાયો છે.
14. અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને બંને સેનાની વચ્ચે રથ લઇ જવા કેમ કહે છે. ?

જ. અર્જુન યુધ્ધમાં કોની કોની સાથે લડવાનું છે એ દુશ્મનોને જોવા માંગતો હતો. આથી, અર્જુને 

    ભગવાન શ્રીકૃષ્ણને બંને સેનાની વચ્ચે લઇ જવા કહ્યું. 

15. બંને સેનાઓ વચ્ચે જઇ અર્જુને કોને કોને જોયા. ?

જ. બંને સેનાઓ વચ્ચે જઇ અર્જુને પોતાને સગા વહાલાઓને જોયા. તેણે કાકાઓ,  દાદાઓ, 

    આચાર્યો, મામાઓ, ભાઇઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તથા અન્ય સ્નેહીઓને જોયા.

16. દુશ્મન પક્ષે લડવા આવેલા સગા-વહાલા તથા સ્નેહીઓને જોઇ અર્જુન પર શું અસર 

     (પ્રતિક્રિયા) થઇ. ?

જ. દુશ્મન પક્ષે લડવા આવેલા સગા-વહાલા તથા સ્નેહીઓને જોઇ અર્જુનના અંગો શિથિલ થઇ 

    ગયા, મુખ સુકાઇ ગયું, શરીર કપંવા માંડ્યુ તથા હાથમાંથી ગાંડીવ સરી પડવા માંડ્યું. 

17. યુધ્ધમાં સગા-સ્નેહીઓ સાથે લડવા કરતાં અર્જુન કોને વધુ ક્લ્યાણકારણ સમજે છે. ?
જ. યુધ્ધમાં સગા-સ્નેહીઓ સાથે લડવા કરતાં કૌરવો તેને મારી નાખે એ વધારે ક્લ્યાણકારણ સમજે      છે.

18. ગીતાનું પ્રથમ અધ્યાયનું નામ શું છે. ? 

જ. ગીતાનું પ્રથમ અધ્યાયનું નામ “અર્જુન વિષાદયોગ”  છે. 

19. પ્રથમ અધ્યાયનું નામ “અર્જુન વિષાદયોગ”  શા માટે રાખવામાં આવ્યું છે. ?

જ. કુરુક્ષેત્રની લડાઇમાં પોતાના સગાવ્હાલા સાથે લડવાનું છે એમ જાણી અર્જુનને વિષાદ થાય છે 

    આથી, પ્રથમ અધ્યાયનું નામ “અર્જુન વિષાદયોગ”  રાખવામાં આવ્યું છે.

20. વર્ણસંકર પ્રજા ક્યારે જ્ન્મે છે. ?
જ. કુળની સ્ત્રીઓ દુષિત થવાથી વર્ણસંકર પ્રજા જ્ન્મે છે.

21. યુધ્ધમાં શું થઇ રહ્યું છે એ જાણવા ધૃતરાષ્ટ્ર કોને પૂછે છે. ?
જ. યુધ્ધમાં શું થઇ રહ્યું છે એ જાણવા ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે.


અધ્યાય :­ 2
૧. સગા – સંબંધીઓને જોઇ વિષાદ કરતા અર્જુનને કાયરતા ત્યજી દેવા કોણ સમજાવે છે. ?

જ. સગા – સંબંધીઓને જોઇ વિષાદ કરતા અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ કાયરતા ત્યજી દેવા સમજાવે 

    છે. 

૨. કેવો પુરુષ મોક્ષ મેળવવા સમર્થ છે. 

જ. દુ:ખ અને સુખમાં સમાન રહેનારો તથા ઇન્દ્રિય અને વિષયો સંયોગથી વ્યાકુળ ન થનારો 

   ધીરપુરુષ મોક્ષ મેળવવા સમર્થ છે. 

૩. શ્રીકૃષ્ણ આત્માને અવિનાશી કેમ કહે છે ? 

જ. આત્મા નાશરહિત, અપ્રમેય તથા નિત્યસ્વરૂપ છે. આત્મ જ્ન્મતો નથી, મરતો નથી, હણતો નથી 

    કે હણાતો નથી. શરીર મૃત્યુ પામે છે પણ આત્મા મૃત્યુ પામતો નથી આથી શ્રીકૃષ્ણ આત્માને 

    અવિનાશી કહે છે.
૪. શ્રીકૃષ્ણ આત્માના જ્ન્મ-મૃત્યુની ઘટનાને કોની સાથે સરખાવે છે. ? 

જ. શ્રીકૃષ્ણ આત્માના જન્મ-મૃત્યુની ઘટનાને જૂની વસ્ત્રોને છોડી લઇ નવા વસ્ત્રો પહેરવાની ઘટનાને 

    જૂના વસ્ત્રોને છોડી લઇ નવા વસ્ત્રો પહેરવાની ઘટના સાથે સરખાવે છે. 

૫. કોને શસ્ત્રો છેદી શકતા નથી કે અગ્નિ બાળી શકતો નથી. ?

જ. આત્માને વસ્ત્રો છેદી શકતા નથી કે અગ્નિબાળી શકતો નથી. 

૬. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ક્ષત્રિયનો કયો ધર્મ સમજાવે છે. ?
જ. શ્રીકૃષ્ણ અર્જુનને ક્ષત્રિયધર્મ સમજાવતા કહે છે કે ધર્મ માટે યુધ્ધ કરવું એ જ ક્ષત્રિયનો ધર્મ છે. 

૭. શ્રીકૃષ્ણ ક્ષત્રિયો દ્વારા ધર્મ માટે થનારા યુધ્ધને કોની સાથે સરખાવે છે. ? 

જ. શ્રીકૃષ્ણ ક્ષત્રિયો દ્વારા ધર્મ માટે થનારા યુધ્ધને ખુલ્લા સ્વર્ગના દ્વાર સાથે સરખાવે છે. 

૮. શ્રીકૃષ્ણ મરણ કરતાં પણ ખરાબ કોને કહે છે. ? 

જ. શ્રીકૃષ્ણ અપકીર્તિ મરણ કરતાં પણ ખરાબ ગણે છે. 

૯. શ્રીકૃષ્ણ અર્જુનને જીત-હારના ક્યા પરિણામો બતાવે છે. ? 

જ. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જો તું આ ધર્મયુધ્ધમાં હણાયો તો તું સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જો તું 

    જીતીશ તો પૃથ્વીને ભોગવીશ. 

૧૦. કેવા પ્રકારના યુધ્ધથી પાપ લાગતું નથી. ?

જ. જો સુખદુ:ખ, લાભ-હાનિ તથા જય-પરાજય ને સમાન માની ધર્મ માટે યુધ્ધ કરાય તેને નિષ્કામ 

    કર્મયોગ કહેવાય. અને આ પ્રકારની યુધ્ધથી પાપ લાગતુ નથી. 

૧૧. કેવા પુરુષની બુધ્ધિ પરમાત્મામાં પ્રેરિત થતી નથી. ? 

જ. જે પુરુષની વાણી બુધ્ધિ વડે હરાયેલી છે અને જેનું ચિત્ત ભોગ અને ઐશ્વર્યમાં  આસક્તિ પામેલું 

    છે એની બુધ્ધિ પરમાત્મામાં પ્રેરિત થતી નથી.  

૧૨. કર્મના ફળની ચિંતા ન કરવા શ્રીકૃષ્ણ અર્જનને કઇ રીતે સમજાવે છે. ? 

જ. કર્મના ફળની ચિંતા ન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે. 

    ફળમાં તારો અધિકાર નથી. તારે કર્મમાં ફળની ઇચ્છાવાળા ન થવું જોઇએ. કર્મ ન કરવામાં 

    તારી પ્રીતિ ન થાવ. 

૧૩. યોગ કોને કહેવાય. ?
જ. આસક્તિ છોડી દઇ સિધ્ધિ અને અસિધ્ધિમાં સમભાવ રાખી યોગમાં સ્થિર રહી કર્મ કરવું આવું 

    સમત્વ એટલે કે બધી પરિસ્થિતિમાં સમભાવ એજ યોગ છે.
૧૪. કેવો પુરુષ પરમધામને પ્રાપ્ત કરી શકે. ? 

જ. બધી જ પરિસ્થિતિમાં સમાન દ્રષ્ટિવાળાઓ તથા કર્મના ફળને ત્યજી દેનારો પુરુષ જ જન્મરૂપ બંધનમાંથી છૂટા થઇ અંતે વિકારરહિત પરમધામને પ્રાપ્ત કરે છે. 

૧૫. જયારે બુધ્ધિ પરમાત્મામાં સ્થાયી થાય ત્યારે શું પ્રાપ્ત થાય. ?
જ. જયારે બુધ્ધિ પરમાત્મામાં સ્થાયી થાય ત્યારે યોગ પ્રાપ્ત થાય.

૧૬. સ્થિતપ્રજ્ઞ સુખ અને દુ:ખમાં કેવું આચરણ કરે છે. ?
જ. સ્થિતપ્રજ્ઞ દુ:ખની પ્રાપ્તિ થતા મનમાં ઉદ્ધેગ કરતો નથી. તથા સુખની પ્રાપ્તિ થતા સંપૂર્ણપણે નિ:સ્પૃહ રહે છે. 

૧૭. સ્થિતપ્રજ્ઞને કાચબા સાથે કેમ સરખાવ્યો છે. ?
જ. જેમ કાચબો બધી બાજુઓથી પોતાના અંગોને સંકોરી લે છે. તે રીતે સ્થિતપ્રજ્ઞ
    પણ વિવિધ પ્રકારના વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લે છે. 

૧૮. ઇન્દ્રિયોને વશમાં રાખવાથી શું થાય છે. ?
જ. ઇન્દ્રિયોને વશમાં રાખવાથી બુધ્ધિ સ્થિર થાય છે.

૧૯. આસક્તિથી શું ઉત્પન્ન થાય છે. ?
જ. આસક્તિથી વિષયોની કામના જન્મે છે. 

૨૦. ક્રોધ કેવી રીતે ઉત્પન્ન થાય છે. ?
જ. આસક્તિથી વિષયોની કામના જન્મે છે.
૨૧. ક્રોધથી શું ઉત્પન્ન થાય છે. ?
જ. ક્રોધથી સંમોહ ઉત્પન્ન થાય છે. 

૨૨. સંમોહ ઉત્પન્ન થવાથી મનુષ્ય પર શી અસર થાય છે. ?
જ. સંમોહ ઉત્પન્ન થવાથી મનુષ્યની સ્મૃતિમાં ભ્રમ ઉભો થાય છે.  

૨૩. બુધ્ધિનો નાશ કેવી રીતે થાય છે. ?
જ. ક્રોધથી ઉત્પન્ન થયેલો સંમોહ સ્મૃતિમાં ભ્રમ પેદા કરે છે જેથી બુધ્ધિનો નાશ થાય છે.
૨૪. મનુષ્યનું પતન કેવી રીતે થાય છે. ?
જ. બુધ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે.
૨૫. ઇન્દ્રિયો દ્વારા બુધ્ધિને હરી લેવાની ઘટનાને કોની સાથે સરખાવાઇ છે. ?
જ. ઇન્દ્રિયો દ્વારા બુધ્ધિને હરી લેવાની ઘટનાને પવન દ્વારા જળમાં વહેતી હોડીને ખેંચી જવા સાથે 

    સરખાવાઇ છે. 

૨૬. અંત:કરણ કેવી રીતે પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે. ?
જ. રાગદ્વેષ વગરની ઇન્દ્રિયો વડે અંત:કરણને પોતાના વશમાં રાખવાથી અંત:કરણને પ્રસન્નતા  

    પ્રાપ્ત થાય છે. 

૨૭. સ્થિતપ્રજ્ઞને સમુદ્ર સાથે કેમ સરખાવ્યો છે. ?
જ. જેમ અનેક નદીઓના પાણી સમુદ્રને વિચલિત કર્યા વગર અંતે સમુદ્રમાં સમાઇ જાય છે તે જ 

    પ્રમાણે સર્વ પ્રકારના ભોગ પણ પુરુષમાં કોઇ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઇ 

     જાય છે. આથી, સ્થિતપ્રજ્ઞને સમુદ્ર સાથે સરખાવ્યો છે. 

૨૮. ગીતાના બીજા અધ્યાયનું નામ શું છે. ?
જ. ગીતાના બીજા અધ્યાયનું સાંખ્ય યોગ છે.

 

અધ્યાય :­ 3 

1 ગીતાના ત્રીજા અધ્યાયનું નામ શું છે. ?
જ. ગીતાના ત્રીજા અધ્યાયનું નામ કર્મયોગ છે. 



2. ગીતાના ત્રીજા અધ્યાયનું નામ “કર્મયોગ” શા માટે રાખવામાં આવ્યું છે. ?
જ. ગીતાના ત્રીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કર્મ કરવાનો મહિમા સમજાવ્યો છે અને કહ્યું છે કે 

    આસક્તિ વગેરે કર્મ આચરણ કરવાથી જ પરમાત્મા પ્રાપ્ત થાય છે. આથી જ ત્રીજા અધ્યાયનું 

     નામ “કર્મયોગ” રાખવામાં આવ્યું છે.
3. મનુષ્યો શું કર્યા વિના ક્ષણવાર પણ રહી શકતા નથી. ?
જ. મનુષ્યો પ્રકૃતિ દ્વારા જ્ન્મેલા ગુણો વડે વશ થઇને કર્મ કર્યા વિના રહી શકતો નથી. 

4. કેવો મનુષ્ય દંભી કે મિથ્યાચારી કહેવાય. ?
જ. જે મૂઢ મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક દબાવીને ઇન્દ્રિયોના વિષયોનું મનથી સ્મરણ કરતો 

    રહે છે તે મૂઢ મનુષ્ય મિથ્યાચારી, દંભી કે ઢોગી કહેવાય.
5. કેવી રીતે કર્મ કરવું શ્રેષ્ઠ છે. ?
જ. મન દ્વારા ઇન્દ્રિયોને વશ કરીને આસક્ત થયા વગર કર્મેન્દ્રિયો વડે કર્મ કરવામાં આવે તો આવું 

    શ્રેષ્ઠ ગણાય. 

6. કર્મ કરવું કે ન કરવુ એ બન્નેમાં વધારે શ્રેષ્ઠ કોણ ગણાય. ?
જ. કર્મ કરવું એ જ શ્રેષ્ઠ ગણાય.

7. શરીરનો નિર્વાહ કરવા શું કરવું જરૂરી છે. ?
જ. શરીરનો નિર્વાહ કરવા કર્મ કરવું જરૂરી છે.

8. બ્રહ્માએ મનુષ્યો યજ્ઞનું શું મહત્વ સમજાવ્યું છે. ?
જ. બ્રહ્માએ સૃષ્ટિની શરૂઆતમાં પ્રજા તથા યજ્ઞ ઉત્પન્ન કરીને મનુષ્યોને સમજાવ્યું કે તમે આ યજ્ઞ 

    વડે વૃધ્ધિ પામો તથા આ યજ્ઞ જ તેમને ઇચ્છિત ફળ આપશે. 

9. યજ્ઞ વડે પરમ કલ્યાણની પ્રાપ્તિ કઇ રીતે થઇ શકે. ?

જ. યજ્ઞ વડે દેવતાઓને પ્રસન્ન કરવામાં આવે છે. આ પ્રસન્ન થયેલા દેવતાઓ મનુષ્યોને ઉત્પન્ન કરે 

    છે. આમ, દેવતાઓ તથા મનુષ્યો બન્ને યજ્ઞથી ઉન્નતિ પામી અંતે પરમ કલ્યાણ પ્રાપ્ત કરે છે.  

10. યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવતાઓ પ્રજાને શું આપે છે. ?
જ. યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવતાઓ પ્રજાને ઇચ્છિત ભોગો આપે છે.

11. કેવો મનુષ્ય ચોર છે. ?
જ. યજ્ઞથી સંતુષ્ટ થયેલા દેવતાઓને આપેલા ભોગો જે દેવતાઓને આપ્યા સિવાય ભોગવે તો તે 

    મનુષ્ય ચોર કહેવાય. ?
12. કેવું અન્ન ખાવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. ?
જ. યજ્ઞ કરતા જે અન્ન બાકી રહે તે અન્ન જમનારો મનુષ્ય જ સર્વ પાપોમાંથી મુક્તિ  મળે છે. 

13. કેવું અન્ન ખાવાથી પાપ લાગે છે. ?
જ. જે મનુષ્ય ફક્ત અન્નને પોતાના માટે જ રાંધે છે અને યજ્ઞમાં ધરતો નથી તે યજ્ઞ  અન્ન ખાવાથી 

    પાપ લાગે છે. 

14. અનાજની ઉત્પત્તિ માટે શું જરૂરી છે. ?
જ. અનાજની ઉત્પત્તિ માટે વરસાદ જરૂરી છે. 

15. અનાજની ઉત્પત્તિ માટે યજ્ઞ કેમ આવશ્યક છે. ?
જ. અનાજની ઉત્પત્તિ માટે જરૂરી વરસાદ યજ્ઞથી આવે છે આથી યજ્ઞ આવશ્યક છે.

16. વેદ કોના વડે ઉત્પન્ન થયેલા છે. ?
જ. વેદ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયેલા છે. 

17. શ્રેષ્ઠ કલ્યાણ પ્રાપ્ત કરવા કેવું કર્મ કરવું જોઇએ. ?
જ. શ્રેષ્ઠ કલ્યાણ પ્રાપ્ત કરવા આસક્તિ વગર જ કર્મ કરવું જોઇએ.
18. બધા મનુષ્યો કોનું અનુસરણ કરે છે. ?
જ. બધા મનુષ્યો શ્રેષ્ઠ પુરુષો કરેલા કર્મોનું જ અનુસરણ કરે છે.   

19. ભગવાન શ્રીકૃષ્ણ પોતે કર્મ કરે છે એની પાછળ શું કારણ બતાવે છે. ?
જ. ભગવાન શ્રીકૃષ્ણ જો પોતે કર્મ ન કરે તો પ્રજા પણ ભગવાનનું અનુસરી કર્મ ન કરે તેથી 

    વર્ણસંકર પ્રજા જન્મે અને અંતે સર્વનાશ થાય. આ કારણથી ભગવાન પણ કરે છે. 

20. આસક્તિ વિનાનો વિદ્વાન શા માટે કર્મ કરે છે. ?
જ. આસક્તિ વિનાનો વિદ્ધાન લોકસંગ્રહ માટે કર્મ કરે છે. 

21. વિદ્ધાને અજ્ઞાની માણસો માટે શું કરવું જોઇએ. ?
જ. વિદ્ધાને શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે કર્મો પોતે કરવા જોઇએ અને અજ્ઞાનીઓ પાસે કરાવવા 

    જોઇએ.
22. બધા કર્મો કોના દ્વારા કરાવાય છે. ?
જ. બધા કર્મો પ્રકૃતિના ગુણો દ્વારા કરાવાય છે. 

23. કયો માણસ કર્મોના કર્તા તરીકે પોતાની જાતને માને છે. ?
જ. અહંકારથી મોહિત થયેલા અજ્ઞાની માણસ પોતાની જાતને કર્મોનો કર્તા માને છે.
24. કેવા માણસો કર્મબંધનોથી છૂટી જાય છે. ?
જ. જેઓ સર્વ કર્મો પરમાત્માને સમર્પી દે છે તથા ઇચ્છા વગર શ્રધ્ધાળુ થઇને કાર્યો કરે છે તેઓ કર્મોથી છૂટી જાય છે. 

25. પ્રાણીઓને કેમ રોકી શકતા નથી. ?
જ. દરેક પ્રાણી પોતાની પ્રકૃતિ અનુસાર કાર્યો કરે છે તેથી રોકી શકતા નથી. રજો ગુણથી ઉત્પન્ન           થયેલ કામ જ ક્રોધ કરે છે તેથી રોકી શકતા નથી.
26. જ્ઞાન શેના વડે ઢંકાયેલું છે. ?
જ. જ્ઞાન કામ વડે ઢંકાયેલું છે.
27. સ્થૂળ શરીર કરતા વધારે ઉત્તમ કોણ છે. ?
જ. સ્થૂળ શરીર કરતા ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે.
28. ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ કોણ છે. ?
જ.  ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ મન છે.

29. મનથી શ્રેષ્ઠ કોણ છે. ?
જ. મનથી શ્રેષ્ઠ બુધ્ધિ છે.

30. બુધ્ધિથી શ્રેષ્ઠ કોણ છે. ?

જ. બુધ્ધિથી શ્રેષ્ઠ આત્મા છે.

31. કામનો નાશ કઇ રીતે કરી શકાય. ?
જ. ઇન્દ્રિયોને વશમાં રાખીને કામનો નાશ કરી શકાય.


અધ્યાય :­ 4

1 ગીતાના ચોથા અધ્યાયનું નામ શું છે. ?
જ. ગીતાના ચોથા અધ્યાયનું નામ જ્ઞાનકર્મ સંન્યાસ યોગ છે. 

2. સૂર્યએ યોગનું જ્ઞાન કોને આપ્યું. ?
જ. સૂર્યએ યોગનુ જ્ઞાન પોતાના પુત્ર વૈવસ્વત મનુને આપ્યું. 

3. મનુએ યોગનું જ્ઞાન કોને આપ્યું. ?
જ. મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને યોગનું જ્ઞાન આપ્યું. 

4. ઇશ્વર કયારે સાકારરૂપે લોકો સમક્ષ પોતાના રૂપને સર્જે છે. ?
જ. જયારે જયારે ધર્મની હાનિ અને અધર્મની વૃધ્ધિ થાય છે ત્યારે ઇશ્વર સાકારરૂપે લોકો સમક્ષ 

    પોતાના રૂપને સર્જે છે. 

5. ઇશ્વર જુદા જુદા યુગમાં શા માટે પ્રગટ થાય છે. ?
જ. સાધુ પુરુષોના ઉધ્ધાર માટે, પાપ કર્મો કરનારાના નાશ માટે તથા ધર્મની સ્થાપના માટે ઇશ્વર 

    જુદા જુદા યુગમાં પ્રગટ થાય છે. 

6. મનુષ્ય કયારે પુનર્જન્મ પામતો નથી. ?
જ. જયારે મનુષ્ય ઇશ્વરના દિવ્ય જન્મ અને કર્મને ખરેખર જાણી લે છે ત્યારે તે પુનર્જન્મ પામતો 

    નથી. 

7. ચાર વર્ણોનું સર્જન ઇશ્વરે કઇ રીતે કર્યું છે. ?
જ. ચાર વર્ણોનું સર્જન ઇશ્વરે ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે કર્યું છે.

8. ઇશ્વરને કર્મો કેમ બાંધતા નથી. ?
જ. કર્મોના ફળમાં ઇશ્વરને સ્પૃહા નથી આથી જ ઇશ્વરને કર્મો બાંધતા નથી. 

9. મુમુક્ષુ એટલે શું?
જ. મુમુક્ષુ એટલે મોક્ષની ઇચ્છાવાળા મનુષ્યો.
10. કર્મ એટલે શું. ?
જ. કર્મ એટલે કરવા યોગ્ય કાર્યો.
11. અકર્મ એટલે શું. ?
જ. અકર્મ એટલે કર્મનો અભાવ. 

12. વિકર્મ એટલે શું. ?
જ. વિકર્મ એટલે નિંદિત કાર્યો.
13. કર્મની ગતિ કેવી છે. ?
જ. કર્મની ગતિ ગહન છે. 

14. કર્મમાં અકર્મ જોવુ એટ્લે હું આ કોઇ કરતો નથી પણ પરમાત્માની ઇચ્છાથી  કાર્યો થાય છે 

    એવું માનવું.
15. કેવો માણસ કર્મ કરતો હોવા છતાં કર્મ કરતો નથી. ?
જ. જે આસક્તિ રાખ્યા વિના કર્મો કરે છે પણ તેના ફળની ઇચ્છા રાખતો નથી તે કર્મ કરતો હોવા 

    છતાં કર્મ કરતો નથી. 

16. યજ્ઞના કયા કયા પ્રકારો છે. ?
જ. યજ્ઞના પ્રકારો આ પ્રમાણે છે – (1) દ્રવ્યયજ્ઞ (2) તપોયજ્ઞ (3) યોગયજ્ઞ                                     

    (4) સ્વાધ્યાયયજ્ઞ અને (5) જ્ઞાનયજ્ઞ 

17. યોગીઓ કેવી રીતે યજ્ઞ કરે છે. ?
જ. યોગીઓ અપાન વાયુમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનવાયુને હોમે છે. એ રીતે પ્રાણાયામ દ્વારા 

    યોગ કરે છે. 

18. યજ્ઞ ન કરનાર માણસની શી દશા થાય છે. ?
જ. યજ્ઞ ન કરનાર માણસ આ લોક કે પરલોકમાં સુખી થતો નથી.
19. જ્ઞાનપ્રાપ્તિ કેવી રીતે થાય છે. ?
જ. જ્ઞાની જનોને પ્રણામ કરવાથી, તેમને પ્રશ્નો પૂછવાથી અને તેમની સેવા કરવાથી જ્ઞાન પ્રાપ્તિ     થાય છે.
20. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયને છેદવા કઇ તલવાર જોઇએ. ?
જ. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયને છેદવા વિવેકજ્ઞાન રૂપી તલવાર જોઇએ. 

21. જ્ઞાન અને કર્મને કોની સાથે સરખાવ્યા છે. ?
જ. જ્ઞાનને ભડભડતા અગ્નિ સાથે અને કર્મને ઇંધણો સાથે સરખાવાય છે.
22. કર્મને કોણ બાળી નાખે છે. ?
જ. કર્મને જ્ઞાનરૂપી અગ્નિ બાળી નાખે છે.
23. કેવા મનુષ્યને આ લોક કે પરલોકમાં સુખ મળતું નથી. ?
જ. વિવેકહીન, અશ્રધ્ધાળુ તથા સંશયગ્રસ્ત મનુષ્યને આ લોક કે પરલોકમાં સુખ મળતુ નથી.

 

અધ્યાય :­ 5
1 ગીતાના પાંચમાં અધ્યાયનું નામ શું છે. ?
જ. કર્મ સંન્યાસયોગ ગીતાના પાંચમા અધ્યાયનું નામ છે.
2. કર્મસંન્યાસ કરતા કઇ વસ્તુ વધારે શ્રેષ્ઠ છે. ?
જ. કર્મસંન્યાસ કરતા કર્મયોગ વધારે શ્રેષ્ઠ છે.
3. કેવો મનુષ્ય સંસારના બંધનમાંથી મુક્ત થઇ શકે છે. ?
જ. કોઇનોય દ્રેષ ન કરનારો તથા કોઇ પણ પ્રકારની આકાંક્ષા ન રાખનારો મનુષ્ય જ સંસારના   

    બંધનમાંથી મુક્ત થઇ શકે છે.
4. શું જ્ઞાનયોગ અને કર્મયોગ દ્વારા મોક્ષ પ્રાપ્તિ થાય છે. ?
જ. હા, જ્ઞાન અને કર્મયોગ બન્ને દ્વારા મોક્ષ પ્રાપ્તિ થાય છે.
5. કયો મનુષ્ય બ્રાહ્મણ કે ચાંડાળમાં ભેદ રાખતો નથી. ?
જ. જ્ઞાની મનુષ્ય બ્રાહ્મણ કે ચાંડાળમાં ભેદ રાખતો નથી. 

6. જ્ઞાન કોના વડે ઢંકાયેલું છે. ?
જ. જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે.
7. પંડિતો કેવા હોય છે. ?
જ. પંડિતો સમદર્શી હોય છે. તેઓ બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરા કે ચાંડાળમાં એક સમાન દ્રષ્ટિ રાખે 

     છે.
8. બ્રહ્મયોગમાં રહેનારને કેવું સુખ મળે છે. ?
જ. બ્રહ્મયોગમાં રહેનારને અક્ષય સુખ મળે છે.   

9. મોક્ષ પરાયણ યોગીમાં કઇ વસ્તુઓનો અભાવ હોય છે. ?
જ. મોક્ષ પરાયણ યોગીમાં ઇચ્છાઓ, ભય કે ક્રોધ હોતા નથી.  

10. શાંતિ કયારે પ્રાપ્ત થાય છે. ?
જ. જયારે યજ્ઞ અને તપ ભોગનાર સર્વલોકના મહેશ્વર સર્વ પ્રાણીઓના સુહૃદય એવા ઇશ્વરને ભક્ત 

    જાણી લે છે ત્યારે શાંતિ થાય છે.
અધ્યાય :­ 6
1. છઠ્ઠા અધ્યાયનું શું નામ છે. ?
જ. છઠ્ઠા અધ્યાયનું આત્મસંયમ યોગ એવું નામ છે.

2. સાચો સંન્યાસી અને યોગી કોણ છે. ?
જ. જે કર્મફળનો આશરો લીધા વિના યોગ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી અને યોગી છે.
3.યોગારૂઢ કોને કહેવાય. ?
જ. જે ઇન્દ્રિયના ભોગોમાં આસક્ત નથી કે કર્મફળમાં પણ આસક્ત નથી તેવા સર્વસંકલ્પનો ત્યાગ 

    કરનાર માણસને યોગારૂઢ કહેવાય.
4. પોતાની જાતનો કોણે બંધુ છે અને કોણ શત્રુ છે. ?
જ. માણસ પોતે જ પોતાના જાતનો મિત્ર છે અને પોતાની જાતનો શત્રુ છે.
5. કોનો આત્મા બંધુ બને છે. ?
જ. જેણે જીવાત્મા દ્વારા પોતાની જાતને વશ કરી છે એટલે કે ઇન્દ્રિય ઉપર સંયમ મેળવ્યો છે તેનો 

    આત્મા બંધુ છે.
6. કોના આત્મા શત્રુ જેવો છે. ?
જ. જેણે સંયમ કેળવ્યો નથી એની પોતાની જાતને જીતી નથી તેવા માણસનો આત્મા જ શત્રુ બને 

    છે.
7. યોગીએ યોગ કરવા માટે કેવું સ્થાન અને આસન પસંદ કરવું જોઇએ. ?
જ. યોગીએ પવિત્ર ભૂમિ પર દર્ભ, મૃગચર્મ કે વસ્ત્રનું આસન પસંદ કરવું જોઇએ.
8. યોગીએ શરીરને સ્થિર રાખીને નાસિકાના અગ્ર ભાગ પર દ્રષ્ટિ સ્થિર કરવી જોઇએ.
9. યોગ કોને સિધ્ધ થતો નથી. ?
જ. વધુ ખાનાર, અથવા ન ખાનાર, ઘણું ઊંઘનાર કે હંમેશા જાગનારને યોગ સિધ્ધ થતો નથી.

10. યોગ કયારે દુ:ખનો નાશ કરે છે. ?
જ. યથાયોગ્ય આહારવિહાર કરનાર, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનાર, યોગ્ય રીતે ઊંઘનાર અને 

    જાગનારનો યોગ દુ:ખનો નાશ કરે છે.
11. યોગીને કોની સાથે સરખાવ્યો છે. ?
જ. યોગીને પવન વિનાના સ્થાનમાં દીપકની સાથે સરખાવ્યો છે.
12. મન કેવું છે. ?
જ. મન ચંચળ, મથી નાખે તેવા સ્વભાવવાળું, દ્રઢ અને બળવાન છે.
13. કૃષ્ણ ભગવાન મનને કેવી રીતે વશ કરવાનું કહે છે. ?
જ. કૃષ્ણ ભગવાન મનને વારંવારના પ્રયત્ન (અભ્યાસ) અને વૈરાગ્યથી વશ કરવાનું કહે છે.
14. યોગભ્રષ્ટ કયાં જન્મે છે. ?
જ. યોગભ્રષ્ટ માણસ પવિત્ર શ્રીમંતોના ઘરે જન્મે છે.
15. યોગભ્રષ્ટ માણસની સદગતિ થાય છે. ?
જ. હા, યોગભ્રષ્ટ માણસ પણ પૂર્વજન્મના સંસ્કારથી પુન:આત્મોજાતિ કરે છે પરમગતિને પામે છે. 


બીજા પ્રશ્નો 

1 ગીતાની પૂર્વભૂમિકા :­

ગીતામાં ભગવાને આપેલા ઉપદેશનો ખરેખરો પ્રારંભ તો બીજા અધ્યાયના અગિયારમાં શ્ર્લોકથી થાય છે. પન એની પૂર્વ નો પહેલો અધ્યાય અને બીજ અધ્યાયના પ્રથમ દસ શ્ર્લોકો ગીતાની પૂર્વભૂમિકા અથવા ગીતાનું પ્રસ્થાન છે અને ગીતાનું તાત્પર્ય તથા સારસ્ય સમજવાની દ્રષ્ટિએ એનું ઘણું જ મહત્ત્વ છે. 

ગીતાના પ્રારંભમાં નિરૂપવામાં આવેલો અર્જુનવિષાદ એમની ઉત્તમ કાવ્યશક્તિનો, માનવમનની વિલક્ષણતાના ઊંડા અભ્યાસનો અને ઔચિત્યદ્રષ્ટિનો સૂચક છે. શત્રુપક્ષનો સંહાર કરવાનો દ્રઢ સંકલ્પ કરી યુદ્ધભૂમિમાં ઉપસ્થિત થયેલો અર્જુન જ્યારે બે સેનાઓની વચ્ચે શ્રીકૃષ્ણ ઊભા રાખેલા રથમાંથી શત્રુપક્ષની સેનાનું અવલોકન કરે છે ત્યારે એકાએક આઘાતની લાગણી અનુભવે છે. જીવનભર શસ્ત્ર અને સંગ્રામમાં શ્રદ્ધા ધરાવતો આ મહાબાણવળી જીવનમાં પ્રથમવાર એની નિરર્થકતા અનુભવતો થાય છે. 

ગીતાકારે યુદ્ધની ભયાવહ ભૂમિકાના અર્જુનના હૃદયવિદારી શોક અને સંતાપનું ભારે કાવ્યમય આલેખન કર્યું છે. અર્જુનના હૃદયની આ સંતપ્ત અવસ્થાનું સુરેખ ચિત્ર કવિએ ભારે કલાત્મક રીતે વ્યક્ત કર્યું છે. ઇન્દ્રિયોનું શોષણ કરી લેતા આવા અભૂતપૂર્વ શોકનો અનુભવ કરતો અર્જુન કર્તવ્યવિમુખ બને છે. એ યુદ્ધથી ગભરાયો નથી પણ યુદ્ધનાં દુષ્પરિણામોએ અને ભયાનકતાએ એને યુદ્ધની નિ:સારતા સમજવા પ્રેર્યો છે. શોકસંવેગથી શિથિલ બનેલું મન પોતાને અનુકુળ આવે એવી દલીલોના તર્કમાં પડી જાય છે અને અત્યારસુધી એણે જે કંઇ જાણ્યું કે સાંભળ્યું છે તેને આધારે કુળનો નાશ, પિતૃઓની અસદ્-ગતિ વગેરે દલીલો કરી પોતાના નિર્ણયની યોગ્યતાની એને કોઇ પ્રતીતિ નથી. પોતે શું કરવું જોઇએ, એ બાબતમાં મોહસૂંમૂઢ બનેલો અર્જુન અંતે શ્રીકૃષ્ણને શરણે જાય છે અને કર્તવ્યની બાબતમાં ઉચિત ઉપદેશ આપવા કૃષ્ણને આર્જવભરી વિનંતી કરે છે. અર્જુનનો આ વિષાદ ગીતાના ઉપદેશની એક યોગ્ય ભૂમિકા છે. ગીતામાં નિરૂપાયેલું તત્ત્વજ્ઞાન જગતના તત્વજ્ઞાનના ઇતિહાસમાં એક અને અદ્ધિતીય છે. આવું જ્ઞાન જેને આપવાનું હોય તે વ્યક્તિની માનસિક ભૂમિકા એ જ્ઞાનને અનુરૂપ હોવી જોઇએ.

મહાભારત માનવમૂલ્યોની માનવજત કરતું મહાકાવ્ય છે. ગીતાનો અર્જુન માનવજીવનની એક વિશિષ્ટ અવસ્થાનું પ્રતીક છે. પ્રત્યેક માનવના જીવનમાં કોઇ એક વાર તો એવો પ્રસંગ આવીને ઉભો રહે છે જ કે જ્યારે એના ચિત્તમાં અનિવાર્ય રીતે બે મૂલ્યો વચ્ચે ઉત્કટ સંઘર્ષ ઉત્પન્ન થાત છે. આ સંઘર્ષના પરિણામે માણસ એવી તો જીવનદ્ધિધામાં પડી જાય છે કે એને એનું જ્ઞાન, હોંશિયારી કે વ્યાવસાયિક કૌશલ્ય કંઇ કામમાં ન આવે. માણસ કર્તવ્યવિમુખતાને આરે આવી ઊભા રહે અને જીવનમાંથી ભાગેડુ વૃત્તિ (escapisam) પ્રબલ બનતા પામે. માનવજીવનમાં આવતો આવો સમય અત્યંત કપરો અને નાજુક હોય છે. એ વખતે માણસ યોગ્ય માર્ગદર્શકની પાસે ન જાય કે એને યોગ્ય માર્ગદર્શન ન મળે તો એનો સર્વનાશ થાય. હિન્દુધર્મમાં ગુરુનું જે અનન્ય મહત્વ સ્વીકારવામાં આવ્યું છે તે આ કારણે જ. અર્જુન આવી જીવનદ્ધિધામાં ફસાયેલા માનવનું પ્રતીક છે જ્યારે કૃષ્ણ સાચા માર્ગદર્શકનું પ્રતીક છે. માનવ જીવનને આંદોલિત કરી નાખનારા આપદ્પ્રસંગનું પ્રતિબિંબ અર્જુનના વિષાદમાં પડે છે. અર્જુનનું એ સૌભાગ્ય છે કે એને કૃષ્ણ સરખા સહાયક મળ્યા અને એમને શરણે જવાની એને સદ્-બુદ્ધિ સૂઝી. અર્જુનના જીવનમાં આ પ્રસંગે કૃષ્ણ ન હોત તો એ ઇતિહાસમાં નામશેષ બની ગયો હોત.

ગીતાનું તાત્પર્ય અથવા ગીતાનો પ્રધાન ઉપદેશ સમજવાની દ્રષ્ટિએ પણ ગીતાનું આ પ્રસ્થાન અત્યંત ઉપયોગી છે. ગીતાએ સમાજમાં પ્રાપ્ત કરેલી અભૂતપૂર્વ પ્રતિષ્ઠાને કારણે પ્રત્યેક આચાર્યોએ ગીતામાંથી પોતપોતાના સંપ્રદાયોને અનુકૂળ અર્થ કાઢવાનો પ્રયત્ન કર્યો છે. પરિણામે, ગીતાનો મુખ્ય ઉપદેશ શો એ બાબતમાં ઘણો જ ગૂંચવાડો ઊભો થયો છે. ગીતાનું પ્રસ્થાન આનો નિર્ણય કરવામાં અત્યંત નિર્ણાયક પરિબળ બની રહે છે. અર્જુન પોતાના ધર્મનો ત્યાગ કરી, ‘સ્વજનોનો નાશ કર્યા કરતાં ભીખ માંગવી સારી’ એ પ્રકારની એક અકર્મણ્ય અવસ્થમાં આવી પડ્યો હતો. કૃષ્ણ ગીતાના બાકીના અધ્યાયમાં જુદી જુદી દલીલો અને તર્કસંગતિઓ દ્વારા વારંવાર એને યુદ્ધ કરવા પ્રેરે છે તથા કર્તાવ્યાભિમુખી બનાવે છે. અર્જુનને પોતાના સ્વધર્મનું ભાન કરાવી અનાસક્ત બુદ્ધિના કર્મયોગનો ઉપદેશ આપવો એ જ શ્રીકૃષ્ણનું લક્ષ્ય હતું. આમ, ગીતાનો પ્રધાન ઉપદેશ કર્મયોગ સમજવાની દ્રષ્ટિએ આ પ્રસંગ ખૂબ જ મહત્વનો છે. 


2. ગીતાની યજ્ઞભાવના :­

ગીતાના બીજા અને ચોથા અધ્યાયમાં ગીતાની યજ્ઞવિભાવનાનું વિશદ અને મૌલિક નિરૂપણ થયું છે. આર્યસંસ્કૃતિના આદિકાળથી અને ધર્મપ્રવર્તનના પ્રારંભથી જ આ દેશમાં યજ્ઞસંસ્થાનું મહત્વ રહેલું છે. વેદો યજ્ઞપરક છે. મીમાંસાના આ અતિ પ્રચલિત ‘યજ્ઞ’ શબ્દને ગીતાકારે વ્યાપક સંદર્ભમાં પ્રયોગી ગીતાના મૌલિક તત્વજ્ઞાનનો પરિચય આપ્યો છે. 

    ‘યજ્ઞ’ એટલે ત્યાગ. વૈદિક યજ્ઞયાગમાં પબ અર્થ અભિપ્રેત છે, કારણ કે યજ્ઞમાં જ્યારે જયારે કોઇ દેવને આહુતિ આપવામાં આવે છે ત્યારે ઇન્દ્રાય સ્વાહા ઇદમ્ ઇન્દ્રાય ન મમ અર્થાત્ આ ઇન્દ્રનું છે, મારું નથી, એમ કહેવામાં આવે છે. પોતાને જે કંઇ મળ્યું છે તે દેવોની કૃપાથી મળ્યું છે, એટલે, તે દેવોને અર્પણ કર્યા સિવાય ભોગવી શકાય નહિ. આ મમત્વનો ત્યાગ એ યજ્ઞભાવનાનું હાર્દ છે. ગીતાકારે યજ્ઞની મૂળ ભાવના આ હાર્દને સ્વીકારવા ઉપરાંત એને વ્યાપક સંદર્ભ આપ્યો છે. આ માનવસમાજ પરસ્પરાલંબી છે. સમષ્ટિની આબાદીમાં જ વ્યક્તિની આબાદીનું અસ્તિત્વ છે. વ્યક્તિનું હિત સમાજના કલ્યાણ ઉપર જ નિર્ભર છે. એક વ્યક્તિની ફરજ બીજી વ્યક્તિનો અધિકાર છે. મનુષ્ય પોતે એક એક કર્મ કરતો હોય તેના બદલામાં સમાજ એને માટે ઘણાં કામ કરતો હોય છે. બ્રાહ્મણ ભણાવે તો ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રને પણ પોતપોતાના કર્તવ્યના બદલામાં અન્ય વર્ણો તરફથી જુદા જુદા લાભો પ્રાપ્ત અનેક કામો અન્ય સંસ્થાઓ કરતી હોય છે. આમ, આ આખો માનવસમાજ એકબીજા ઉપર આલંબન રાખનારો છે. વ્યક્તિનું અસ્તિત્વ આમ બીજી અનેક સામાજિક સંસ્થાઓને આભારી છે. આ સંજોગોમાં સમાજ મનુષ્યની જે સગવડો સમજીને ન આપે તો કાયદાથી પણ આપવામાં આવે છે. ગીતાકાર એને માટે યજ્ઞભાવનાનો આદર્શ રજૂ કરે છે. 

સમાજે પોતાને જે કંઇ આપ્યું હોય તેના બદલામાં તેમાંથી સમાજને આપીને પછી વધેલાને ઉપભોગ કરવો પડે તે યજ્ઞ છે. વૈદિક યજ્ઞમાં પણ યજ્ઞમાં હોમ્યા પછી વધેલા અન્નને ખાવાનો મહિમા કર્યો છે. ગીતા કહે છે : યજ્ઞશિષ્ટાશિન: સન્તો મુચ્યન્તે સર્વકિલ્બિષૈ: છેક ઋગ્વેદકાલમાં દાનસ્તુતિસૂક્તમાં ત્યાગભાવનાનો મહિમા કરવામાં આવે છે. સમાજમાં ભિક્ષા માગતા યાચકને મુખે વેદકાળનો ઋષિ ઉચ્ચારાવે છે : કેવકલાધો ભવતિ કેવલાદિ અર્થાત્ એકલો ખાનાર પાપ ખાય છે. ગીતા પણ આ વિચારનો પ્રતિઘોષ પાડતી હોય તેમ કહે છે : ‘ભુજ્જંતે તે ત્વઘં પાપા યે પચન્ત્યાત્મકારનાત્’ ઇશાવાસ્ય ઉપનિષદ્ માં કહેવામાં આવ્યું  : ‘તેન ત્યક્તેન ભુજ્જીથા: અર્થાત્ ‘ત્યાગીને ભોગવી જાણો.’ ગીતા પણ આ સ્વેચ્છિક ત્યાગ ઉપર ભાર મૂકે છે. વ્યક્તિએ મમત્વનો ત્યાગ કરી સમાજને સ્વેચ્છાએ સમર્પિત કરવું તે યજ્ઞ. ગીતાની આ યજ્ઞભાવનાના સંદર્ભમાં જ વિનોબાજીએ ભૂદાનયજ્ઞ, શ્રમયજ્ઞ, નેત્રયજ્ઞ વગેરે શબ્દોનો પ્રયોગ કરેલો છે. હિન્દુધર્મમાં દર્શાવેલા પંચમહાયજ્ઞો પણ આ સમાજકલ્યાણના સંદર્ભમાં જોઇએ તો યજ્ઞની આ વિભાવનાનું જ અનુમોદન કરનારા છે.

આ યજ્ઞભાવનાના અનુસંધાનમાં જ ગીતા યજ્ઞચક્રપ્રવર્તનની વાત કરે છે. ગીતાકારે યજ્ઞસંસ્થાનું ગૌરવ કરતાં એને સૃષ્ટિના આદિ બિંદુ સાથે સાંકળી છે ગીતા કહે છે કે બ્રહ્માએ સૃષ્ટિના સર્જનની સાથે જ યજ્ઞનું સર્જન કર્યું છે. કારણ કે યજ્ઞ એ માનવીની આજીવિકાનું સાધન છે. માનવો આ યજ્ઞની દેવોને પ્રસન્ન કરે અને પ્રસન્ન થયેલા દેવો માનવોને જરૂરી એવી બાબતોનું વરદાન આપે. યજ્ઞ નવસર્જનનું પ્રતીક છે. પુરુષસૂકતમાં પણ યજ્ઞની આ મહત્તાનો ઉલ્લેખ કરતાં ઋષિ કહે છે : તસ્માદ્યજ્ઞાત્સર્વહુત: સંભૃતં પૃષદાજ્યમ્  

  ગીતાકારે યજ્ઞચક્રના ખ્યાલ દ્વારા ભૂતથી શરૂ કરીને પરબ્રહ્મ સુધીની સાંકળે દર્શાવી છે. આ ભૂતોની ઉત્પત્તિ અન્નમાંથી થઇ શકે છે. એ જ રીતે એની સ્થિતિ પણ અન્ન પર અવલંબે છે. અન્ને પ્રાણા: એમ કહેવાયું છે. અન્ન પર અવલંબે છે. અન્ને પ્રાણા: એમ કહેવાયું છે. અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે, વરસાદ યજ્ઞથી આવે છે અને યજ્ઞ કર્મ વિના શક્ય નથી. કર્મ બ્રહ્મથી એટલે વેદ કે પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે. અને બ્રહ્મ અક્ષરમાંથી ઉત્પન્ન થયેલું છે. આમ, ભૂતોથી માંડી પરમ બ્રહ્મ પરમાત્મા સુધીનું સર્વ કંઇ યજ્ઞ અક્ષરમાંથી ઉત્પન્ન થયેલું છે. આમ ભૂતોથી માંડીને પરમબ્રહ્મ પરમાત્મા સુધીનું સર્વ કંઇ યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. આ યજ્ઞચક્રના નિરૂપણ પાછળ ગીતાનો આશય યજ્ઞની અનિવાર્યતા દર્શાવવાનો છે. મનુષ્ય માત્ર અન્નની ચિંતા કરે અને બીજાની ચિંતા ન કરે તો ચાલી શકે નહિ, કારણ કે પોતાના અન્ન્નું અસ્તિત્વ પણ અનેક બીજી બાબતો ઉપર અવલંબે છે. ડૉ. બેલવેકરને મતે અક્ષરે સર્જનક્રિયામાં જે કંઇ ખર્ચ્યું છે તેને ભૂતો પાછું વાળે તે જ યજ્ઞચક્રની સમાપ્તિ છે. દરેક પ્રાણી એમ માને કે અહીં કરવામાં આવતું કોઇ પણ કાર્ય તેના પોતાના વ્યક્તિગત હેતુઓ માટે નથી પણ જગતના સંચાલનમાં રહેલા કોઇ વિશાળ હેતુ માટે છે અને તે દ્રષ્ટિએ તે તે કાર્યોના આદિકારણને બ્રહ્માર્પણ કરે તો જ સંપૂર્ણ રીતે યજ્ઞચક્ર ચાલ્યું ગણાય. 

  ગીતાએ નિરૂપાયેલા કર્મયોગના સંદર્ભમાં આ યજ્ઞચક્રનું ખાસ મહત્વ છે. ફલાશાનો ત્યાગ અને અનાસક્તિ કર્મયોગના પાયા છે. યજ્ઞમાં મમત્વનો ત્યાગ કરવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. આ મમત્વના ત્યાગરૂપે યજ્ઞભાવના અનાસક્તિને ઉપકારક બને તે માટે ગીતાકારે યજ્ઞભાવનાનું મહત્વ સ્વીકાર્યું છે.


3. યજ્ઞના પ્રકારો :­

ગીતાના ત્રીજા અધ્યાયમાં ગીતાની યજ્ઞભાવનાનું અને યજ્ઞભાવનાનું અને યજ્ઞચક્રનું સ્પષ્ટ ચિત્ર રજૂ થયું છે. ગીતાએ ‘યજ્ઞ’ શબ્દ વ્યાપકમાં અર્થમાં પ્રયોજ્યો છે. મમત્વનો ત્યાગ એ યજ્ઞભાવનાનું હાર્દ છે. એટલે, જેમાં કોઇપણ પ્રકારના મમત્વનો ત્યાગ કરવામાં આવ્યો હોય છે ત્યાં યજ્ઞ અસ્તિત્વમાં આવે છે. કર્મ-અકર્મની વિગતવાર મીમાસાં કર્યા બાદ ચોથા અધ્યાયમાં ફરી એકવાર યજ્ઞભાવનાના સંદર્ભમાં વિવિધ પ્રકારના યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. ગીતા નિષ્કામ કર્મયોગનું પ્રતિપાદન કરે છે. તેથી યજ્ઞનો વિચાર એને અત્યંત સુસંગત છે. આથી નિષ્કામભાવે થતી કોઇપણ જાતની ક્રિયાઓ યજ્ઞસ્વરૂપ જ છે. 

(1) આધ્યાત્મિક બ્રહ્મયજ્ઞ :­ સર્વં ખલુ ઇદં બ્રહ્મ એટલે કે આ બધું ‘બ્રહ્મ’ છે. એ ભાવના અધ્યાત્મજ્ઞાનની ચરમ અવસ્થા છે. આ સઘળું ‘બ્રહ્મ’ છે, એમ માનનારા અધ્યાત્મજ્ઞાનની કોઇપણ પ્રકારની કામના રહેતી નથી. એનો સમગ્ર જીવનવ્યવહાર બ્રહ્મમય બની જાય છે. આવા પરમ આધ્યાત્મિક જ્ઞાનીને તો હોમવાનું સાધન કે હોમવાની ક્રિયા, હોમવાનું દ્રવ્ય કે હોમના માટેનો અગ્નિ અને આહુતિ આપવામાં આવે તે સર્વ બ્રહ્મમય જ છે. 

(2) દેવયજ્ઞ :­ કેટલાક કર્મયોગીઓ બ્રહ્મબુદ્ધિને બદલે કોઇ કોઇ દેવોને ઉદ્દેશીને યજ્ઞ કરે છે પણ આ દેવો પણ વિરાટ પુરુષનું જ યજન કરતા રહે છે. પુરુષસૂક્તમાં વિરાટ યજ્ઞપુરુષનું દેવોએ યજન કર્યું એવો ઉલ્લેખ છે: યજ્ઞેન યજ્ઞમયજન્ત દેવા: આવો દેવયજ્ઞ પણ એ રીતે બ્રહ્મયજ્ઞ જ બની રહે છે. 

(3) સંયમયજ્ઞ :­ કેટલાક સંયમી સાધકો પોતાની ઇન્દ્રિયોનો સંયમરૂપી અગ્નિમાં હોમ કરે છે. અર્થાત્ તેઓ પોતાની ઇન્દ્રિયો ઉપર એવો તો સંયમ રાખે છે કે તે તે ઇન્દ્રિયોને એમના વિષયોનું સુખ લેવા દે નહિ. આ પ્રમાણે ઇન્દ્રિયોને એમના વિષયોનું સુખ લેવા દે નહિ. આ પ્રમાણે ઇન્દ્રિયસુખનો સુખ લેવા દે નહિ. આ પ્રમાણે ઇન્દ્રિયસુખનો ત્યાગ હોવાથી તે સંયમયજ્ઞ થયો. 

(4) તપયજ્ઞ :­ તપસ્વીઓ ઇન્દ્રિયોના શબ્દ, રૂપ, રસ વગેરે વિષયોનો ત્યાગ કરી દે છે એટલે કે બિલકુલ તપશ્ચર્યામય જીવન ગાળે છે. આત્મજ્ઞાન પ્રદિપ્ત થતાં આ રીતે આત્મરૂપી અગ્નિ અને સંયમરૂપી અગ્નિમાં એમને ઇન્દ્રિયો અને વિષયોનો હોમ ચાલે છે. 

(6) સ્વાધ્યાયયજ્ઞ :­ કેટલાક શ્રદ્ધાળુ સાધકો રોજેરોજ ગીતા, ઉપનિષદ્ વગેરે ધાર્મિક ગ્રંથોનો સ્વાધ્યાય કરે છે. આ રીતે પોતાના સમયનો આધ્યાત્મિક શુદ્ધિ માટે ત્યાગ કરતાં હોવાથી તેમની તે ક્રિયા પણ યજ્ઞરૂપી બની રહે છે. 

(7) પ્રાણાયામ અને યોગયજ્ઞ :­ પ્રાણાયામ અને યોગ દ્વારા મન વગેરેને સ્થિર કરનારા, સમાધિ કરનારા, સમાધિ લગાવનારા સાધકો પ્રાણ – અપાનની ગતિને રોકી દેતા હોવાથી જાણે કે પ્રાણનો અપાનમાં અને અપાનમાં પ્રાણમાં હોમ કરે છે. 

આ યજ્ઞો ઉપરાંત નિરાહારીઓનો ઉપવાસયજ્ઞ, સતત ઇશ્વરસ્મરણ કરનારાઓનો જપયજ્ઞ વગેરે વિવિધ યજ્ઞો પણ રહે છે. આ પ્રકારના અનેક યજ્ઞો આ વિશાળ બ્રહ્મસૃષ્ટિમાં સતત ચાલતા જ રહે છે. આ બધા યજ્ઞો કર્મજન્ય છે અને માટે જ કર્માધીન છે. 

(8) જ્ઞાનપ્રાપ્તિના ઉપાયો :­

ચોથા અધ્યાયને અંતે ગીતાકાર જ્ઞાનનું અનન્ય મહત્વ દર્શાવી જ્ઞાનપ્રાપ્તિના ઉપાયોનું વર્ણન કરી ગીતાકાર બધા યજ્ઞોમાં જ્ઞાનયજ્ઞની મહત્તા દર્શાવે છે : શ્રેયાન્દ્રવ્યમયાદ્દ્યજ્ઞાત્યાનયજ્ઞ: પરંતપ દ્રવ્યયજ્ઞ કરવાનો હેતુ પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો છે. પણ પરમેશ્વરના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનને યોગ્ય આચરણથી પરમેશ્વરની સિદ્ધિ પ્રાપ્ત કરવી તે માર્ગ કિંવા સાધનને જ્ઞાનયજ્ઞ કહેવામાં આવે છે. આ માનસિક યજ્ઞ છે અને બુદ્ધિ સાધ્ય છે. પરિણામે દ્રવ્યમય કરતાં તેની યોગ્યતા અધિક છે. જ્ઞાનયજ્ઞનો આ યજ્ઞ જ મોક્ષશાસ્ત્રમાં મુખ્ય છે અને એ જ્ઞાનથી જ માણસના કર્મબંધનનો ક્ષય થાય છે. આ જ્ઞાન વિના માણસની મુક્તિ શકય નથી ‘નહિ જ્ઞાનાદૃતે મુક્તિ: કહેવાયું છે તે યોગ્ય છે

ગીતાએ કર્મ કરતાં કર્મબંધનના ત્યાગ ઉપર ભાર મૂકેલો છે. કર્મ કરવા છતાં એ કર્મનું બંધન ન લાગે તેવું કુશલતાપૂર્વકનું કર્મચારણ તે જ ગીતાને મતે કર્મયોગ છે અને આ કર્મયોગ વિના શક્ય નથી. સમ: સિદ્ધાવસિદ્ધૌ ચ એ સામ્યાવસ્થા જ્ઞાનની અવસ્થા છે. આ ઉપરાંત ‘સર્વ’ ભૂતમાત્ર મારામાં અને હું સર્વભૂતોમાં એવું સર્વભૂતાત્મૈક્ય જ્ઞાન પણ અહીં અભિપ્રેત છે. ‘આત્મા એ જ પરમત્મા’ એવો પ્રસિદ્ધ વેદાન્ત મત છે. આત્મા, પ્રાણી અમે ભગવાન એવી ભેદબુદ્ધિ નષ્ટ થાય છે. આવો એકાત્મભાવ અનુભવનાર ભગવદ્-ભક્ત છે. એવો ભાગવતમાં પણ નિર્દેશ છે. આ જ્ઞાનબુદ્ધિથી માણસ સર્વ પાપોને તરી જાય છે. જ્ઞાન એ મોટી નૌકા છે જેનાથી પાપનો દરિયો તરી જવાય છે. 

જેમ પ્રદિપ્ત થયેલો અગ્નિ બધું ભસ્મીભૂત કરી નાખે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ માણસનાં બધાં જ કર્મબંધનોનો નાશ કરે છે. આ જગતમાં જ્ઞાન જેવું પવિત્રીકરણ બીજું કશું નથી. 


4. ધ્યાનધારણાના ઉપાયો :­ 

કર્મયોગી બનવા માટે માણસની વ્યવસાયાત્મિકા બુદ્ધિ સ્થિર થવી જોઇએ અને સામ્ય બુદ્ધિ કેળવાવી જોઇએ, એમ ગીતા ભારપૂર્વક જણાવે છે. મનની સ્થિરતાથી સામ્યબુદ્ધિ, સામ્યબુદ્ધિથી નિષ્કામ કર્મ, નિષ્કામ કર્મથી શમસહિત સર્વભૂતાત્મૈક્ય રૂપી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ એ પ્રમાણે મોક્ષમાર્ગનાં સોપાન છે. આમ, કર્મયોગી બનનારા વ્યક્તિએ મનને સ્થિર કરવામાં સહુથી પહેલાં પ્રવૃત્ત થવું જોઇએ. મનને સ્થિર કરવા માટે ધ્યાનધારણાનો યોગ, જ્ઞાન, ભક્તિ વગેરે અનેક સાધનો છે. એ પૈકી છઠ્ઠા અધ્યાયના પ્રારંભમાં ધ્યાનધારણાના ઉપાયોની ચર્ચા પ્રાપ્ત થાય છે. 

પતંજલિએ એમના યોગશાસ્ત્રમાં યોગશ્ચિત્તિનિરોધ: એવી યોગેની વ્યાક્યા આપી છે. જુદા જુદા વિષયોમાં ભટકતી ચિત્તવૃત્તિઓને પ્રયત્નપૂર્વક બહાર જતી અટકાવવી એ જ ‘યોગ’. મનને બહાર ફરતું અટકાવવા માટે કેટલીક શારીરિક ક્રિયાઓ પણ આવશ્યક છે. પાતંજલ યોગમાં જે ઉપાયો દર્શાવવામાં આવ્યા છે એને આધારે છઠ્ઠા અધ્યાયના પ્રારંભમાં મનને સ્થિર કરવા માટેના ઉપાયોનું વર્ણન છે. માણસનું મન જ માણસના બંધન કે મોક્ષનું કારણ છે : મન: એવ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયો: માણસનું મન માણસનો શત્રુ કે મિત્ર બની શકે

માણસે મનને સ્થિર કરવા માટે આત્યંતિકતાનો ત્યાગ કરી મધ્યય માર્ગ ગ્રહણ કરવો જોઇએ. યોગ્ય આહારવિહાર કરનારા, યોગ્ય શારીરિક ચેષ્ટાઓ કરનારા અને સંતુલિત સુખોપભોગ કરનારા માણસનાં દુ:ખ યોગથી દૂર થાય છે.

અર્જુન કહે છે તેમ મનની ચંચળતાને કારણે યોગની સ્થિતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. મનને સ્થિર કરવું તે વાયુને પકડવા જેવું મુશ્કેલ છે. 

શ્રીકૃષ્ણ પણ કબૂલ કરે છે કે મન ચોક્ક્સ દુર્નિગ્રહ અને ચંચળ છે. પણ સતત અભ્યાસથી અને વૈરાગ્યથી તેને સ્થિર કરી શકાય છે. માણસ  ઇન્દ્રિયોના વિષયોમાં, ભૌતિક સુખોમાં કે આનંદપ્રમોદમાં આસક્તિ રાખે તો તેનું મન લાખ ઉપાયે પણ સ્થિર થઇ શકે નહિ. એટલે, ધીરેધીરે સાધકે એ વિષયો તરફ ઉપરાતિ કેળવતા જવું પડે. આ માટે વૈરાગ્ય એટલે કે અનાસક્તિ અને ધૃતિ અર્થાત્ ધીરજની પણ આવશ્યક્તા રહે જ છે. 

પાતંજલ યોગ ઉપરાંત શ્વેતાશ્વંતર ઉપનિષદ્ તથા અન્ય ઉપનિષદોમાં મનને સ્થિર કરવાના જે ઉપાયો દર્શાવ્યા છે તેની પણ ગીતાના આ નિરૂપણ પર અસર છે. પાતંજલ સૂત્રો પૈકી યોગશ્ચિત્તવૃત્તિનિરોધ: અને અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધ: એ સૂત્રોની અહીં સ્પષ્ટ અસર જણાય છે. 

કર્મયોગી બનવા માટે મનની સ્થિરતા અને ચિત્તશુદ્ધિ એ અનિવાર્ય શરત છે તથા મનની સ્થિરતા હાંસલ કરવી તે અત્યંત મુશ્કેલ બાબત છે. આથી અર્જુન મનની સ્થિરતા મેળવવામાં નિષ્ફળ ગયેલા અને પરિણામે કર્મયોગી ન બની શકેલા યોગભ્રષ્ટની શી દશા થાય છે ? તેવો સીધો પ્રશ્ન શ્રીકૃષ્ણને કરે છે. સંદેહથી પ્રશ્ન પૂછતા અર્જુનને શ્રીકૃષ્ણ અભયવચન આપતાં કહે છે કે આવ કર્મયોગસાધનામાં નિષ્ફળ ગયેલા વ્યક્તિનો અહીં (આ લોકમાં) કે ત્યાં (પરલોકમાં) ક્યાંય પણ વિનાશ થતો નથી.


5 . અર્જુનવિષાદ યોગની સમીક્ષા :-

‘અર્જુનવિષાદયોગ’ સમગ્ર ગંથની પૂર્વભૂમિકા છે. અર્જુનનો વિષાદ ગીતાના ઉપદેશની એક યોગ્ય ભૂમિકા છે. વિષાદ કે શોકના અતિરેકથી વ્યથિત બનેલ મન નવનવી કાવ્યધારા સર્જવામાં કે સમજવામાં શક્તિમાન બને છે. દુ:ખના મંદરાચળથી મથિત માનવરૂપી સાગરમાંથી અમર વિચાર-રત્ન-મૌક્તિકો ઉત્પન્ન થાય છે. જેમકે, વાલ્મીકિના શોક: શ્ર્લોકત્વમાગત: શ્ર્લોકે નૂતન છંદની ઉત્પત્તિ કરી, રામાયણરૂપી મહાન ગ્રંથનું સર્જન થયું. અહીં અર્જુનના શોકને પરિણામે ગીતાએ વિશ્વસન્માન્ય વિશિષ્ટ ધર્મતત્વજ્ઞાનની મહાન કૃતિનું સર્જન થયું. વૈરાગ્યની ભાવના જ્યાં સુધી તીવ્રતા નથી પામતી, ત્યાં સુધી માનવીનું મન તત્વજ્ઞાનની ખોજ તરફ અભિમુખ થતું નથી. ગીતામાં નિરૂપિત તત્વજ્ઞાન જગતના તત્વજ્ઞાનના ઇતિહાસમાં અદ્ધિતીય છે. વળી, બીજી અગત્યની વાત એ પણ છે કે યોગ્ય જિજ્ઞાસા અને અધિકાર વિના જ્ઞાનની પ્રાપ્તિ થાય નહિ. અહીં અર્જુનનું ચિત્ત સ્વધર્મ સમજવાની બાબતમાં મોહ પામ્યું હતું તેથી જ તે અનન્ય ભાવે શ્રીકૃષ્ણને શરણે જઇ ઉપદેશ મેળવવા આર્જવભરી નર્મ વિનંતી કરે છે. એના મનમાં જીવનધર્મ સમજવાની ઊંડી ભૂખ ઊઘડી હતી, શોકસંતપ્ત અવસ્થાયી એની જિજ્ઞાસા નિર્મળ બની હતી, એના કારણે જ એને ગીતાના તત્વજ્ઞાનનો અધિકાર પ્રાપ્ત થયો હતો. 

અર્જુન દરેક માનવીનો પ્રતિનિધિ છે. પ્રત્યેક માનવીના જીવનમાં, ચિત્તમાં અનિવાર્યપણે બે મૂલ્યો વચ્ચે ઉત્કટ સંઘર્ષ ઉત્પન્ન થાય છે, માણસ એવી જીવનદ્ધિધામાં પડી જાય છે કે ત્યારે એનું જ્ઞાન, હોંશિયારી, વ્યાવસાયિક કૌશલ્ય પણ એને કોઇ કામમાં આવતું નથી, તે કર્તવ્યવિમુખ બની જાય છે, જીવનમાંથી ભાગેડુવૃત્તિ પ્રબળ બને છે, આવો સમય ખૂબ જ કઠિન-કપરો અને નાજુક છે. આવા સમયે સાચા માર્ગદર્શક ન  મળે તો તેનો સર્વનાશ થઇ જાય છે. અહીં, અર્જુનનું સદ્-ભાગ્ય છે કે તેને સદબુધ્ધિ જાગી અને શ્રીકૃષ્ણ સરખા ઉત્તમ સહાયક, સાચા ઉપદેશક પ્રાપ્ત થયા.
ગીતાનું તાત્પર્ય અથવા ગીતાનો પ્રધાન ઉપદેશ સમજવાની દ્રષ્ટિએ ગીતાનું આ પ્રસ્થાન અત્યંત ઉપયોગી છે. શ્રીકૃષ્ણ અર્જુનને અન્ય અધ્યાયોમાં જુદી જીદી દલીલો, તર્કસંગતિઓ દ્વારા વારંવાર યુધ્ધ કરવા પ્રેરે છે. તેને પોતાના ક્ષત્રિયધર્મનું ભાન કરાવી અનાસક્ત બુદ્ધિના કર્મયોગનો ઉપદેશ આપવો, એ જ શ્રીકૃષ્ણનું લક્ષ્ય હતું. આમ, આ પ્રસંગ દ્વારા ગીતાનો ઉપદેશ અર્જુન તથા સામાન્ય માનવીને કર્મયોગ સમજવા માટે તથા સન્માર્ગે ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્ત્વનો છે. 


6. કર્મયોગનું વિવેચન :-

કર્મયોગ તરીકે ઓળખાતા આ અધ્યાયના આરંભથી અંત સુધીના 43 શ્ર્લોકોમાં શ્રીકૃષ્ણે અર્જુન સમક્ષ અનેક વિષયોનું વિશદ્ નિરૂપણ કરીને ‘કર્મ કરવાં જ જોઇએ’ એવું પ્રતિપાદન કર્યું છે. પ્રારંભમાં સંન્યાસ(જ્ઞાન)માર્ગ અને કર્મમાર્ગ રજૂ કરી બંને મોક્ષ માટે જરૂરી હોઇ, છતાં કર્મમાર્ગ સરળતાથી અપનાવી શકાય છે, તેથી તે શ્રેષ્ઠ છે એમ બતાવ્યું છે. વેદોક્ત યજ્ઞભાવનાનું નિરૂપણ કરી આર્યસંસ્કૃતિ તથા વૈદિક યજ્ઞયાગ પણ જીવન જીવવામાં સહાયક તરીકે અભિપ્રેત છે. સમાજે પોતાને જે કંઇ આપ્યું હોય તેના બદલામાં સમાજને આપવું એમ કહી ‘ત્યાગીને ભોગવી જાણો’નો ઉપનિષદે બતાવેલો સિધ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે, જેમાં સમાજકલ્યાણની ભાવના ભારોભાર જોવા મળે છે. વળી, દરેકે પોતપોતાની ફરજ સમજીને કર્મ કરતાં જ રહેવું, એવી લોકસંગ્રહની વાત મૂકીને લોકોને ખોટા માર્ગે જતા અટકાવવાનો સ્તુત્ય પ્રયાસ છે. કામ અને ક્રોધ જેવા જીવનને ભ્રષ્ટ તથા નષ્ટ કરી દેનારા હરહંમેશાના શત્રુઓ પર કાબૂ મેળવીને જીવનને ઉન્નત માર્ગે લઇ જવાની મહત્વપૂર્ણ વાત પણ ગીતાએ સરસ શૈલીમાં રજૂ કરી છે. આમ, તૃતીય અધ્યાયમાં કર્મયોગનું નિરૂપણ કેન્દ્રસ્થાને છે, એ ગીતાનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય છે, એમ શ્રી ટિળક તથા પૂ. પાડુંરંગ શાસ્ત્રીજી માને છે. 

7. ‘જ્ઞાનકર્મસંન્યાસયોગ’ની સમીક્ષા :-

અહીં કર્મોને બ્રહ્મને અર્પણ કરવાનું કહેવાયું હોઇ આ અધ્યાય કર્મબ્રહ્માર્પણયોગ એવા નામથી કથિત છે.અહીં ગુરુ-શિષ્યપરંપરા દ્વારા જ્ઞાનની પ્રાચીનતા દર્શાવી છે. અવતારવાદ રજૂ કરીને ઇશ્વર યુગે યુગે લોકોનાં કલ્યાણ માટે અવતાર લે છે, એ માન્યતાને દ્રઢ કરી છે. ગીતામાં જડ જ્ઞાતિપ્રથાનો ઉલ્લેખ નથી, પરંતુ ચાતુર્વણ્યઁ મયા સૃષ્ટ ગુણકર્મવિભાગશ: કહીને વર્ણવ્યવસ્થાને પણ દર્શાવવામાં આવી છે. કર્મ, અકર્મ, વિકર્મની યોગ્ય સમજ આપીને નિષ્કામ ભાવનાથી, ફળશારહિત કર્મોની આવશ્યકતા રજૂ થઇ છે. ગીતાની યજ્ઞભાવના વિશેષ ફલકને આવરી લે છે. ગીતા પણ નિષ્કામભાવે કરાતા વૈદિક યજ્ઞોને સ્વીકારે છે. મનુસ્મૃતિએ જે પાંચ યજ્ઞોની વાત કરી છે, તેમ અહીં નામફેરથી વિવિધ યજ્ઞોની વાત કરીને જ્ઞાનયજ્ઞની શ્રેષ્ઠતા પુરવાર થઇ છે. કર્મની સાથે સાથે જ્ઞાનપ્રાપ્તિ કેવી રીતે કરવી એ શ્ર્લોકબધ્ધ કરી જ્ઞાનની સાથે કર્મની પણ આવશ્યકતા સ્વીકારી છે. જ્ઞાનના અભાવે આલોક અને પરલોક બંને બગડે. સંશયાત્મા વિનશ્યતિ એ સિધ્ધાંત રજૂ કરી શ્રીકૃષ્ણ અર્જુનને જ્ઞાનરૂપી અસિથી સંશયનું ઉન્મૂલન કરી યોગનો આશ્રય લઇ ઊભા થવાની સ્પષ્ટ આજ્ઞા આપી છે. આમ, જ્ઞાનપૂર્વક ફળની આશા વિના કર્મને સારી રીતે ત્યજી દેવાં તેનું જ નામ જ્ઞાનકર્મસંન્યાસ છે. 


8. ‘કર્મસંન્યાસયોગ’ની સમજૂતી :­

આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનનો ભ્રમ, સંદેહ, દૂર કરવા કર્મમાર્ગને ઉત્કૃષ્ટ કહ્યો છે. બંને માર્ગ મોક્ષ આપનાર છે, પણ કર્મયોગમાં જે નિષ્કામ બુધ્ધિની વાત કરી છે, તે પ્રાપ્ત થયા પછી સંન્યાસની આવશ્યકતા રહેતી નથી. નિષ્કામબુધ્ધિથી કર્મ કરતાં કરતાં બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અહીં જ્ઞાન અને કર્મનો સમુચ્ચય દર્શાવ્યો છે. વળી, કર્મસંન્યાસનો માર્ગ કઠિન, મુશ્કેલીઓથી ભરેલો છે. તેથી કર્મોને બ્રહ્માર્પણ કરીને કર્મયોગ મેળવવો જોઇએ. ગીતાનો સ્પષ્ટ આદેશ છે કે સંન્યાસનો વૈરાગ્ય મનથી સ્વીકારી, નિષ્કામ ભાવે લોકસંગ્રહ માટે કર્મો કરવાં તે ઉત્તમ માર્ગ છે. આમ કરવાથી કર્મો બંધનકર્તા રહેતાં નથી. બ્રહ્મનિર્વાણપ્રાપ્તિ માટે સમત્વ બુધ્ધિનું અધ્યાયમાં મહત્વ દર્શાવાયું છે. આમ, અનેક સાધનોના અભ્યાસથી સિધ્ધ થયેલું, પોતાના સ્વરૂપનું જ્ઞાન એ સર્વની મુક્તિના સાધનરૂપ છે, તે ભગવાને આ અધ્યાયમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે. 


9.  ધ્યાનયોગનું વૈશિષ્ટય :-
ધ્યાન-ધારણાના ઉપાયો ગીતાએ જે રીતે પ્રસ્તુત કર્યા છે; તેમાં પાતંજલયોગ, શ્વેતાશ્વેતર તથા અન્ય ઉપનિષદોની પણ અસર છે. પાતંજલ યોગસૂત્રના અષ્ટાંગયોગનું અહીં અનુસરણ છે. ગીતામાં જ્ઞાન-કર્મ-ભક્તિનો ત્રિવેણી સંગમ થયો છે. આ અધ્યાય પ્રથમ છ અધ્યાયની કર્મયોગની ચર્ચાનો અંતિમ અધ્યાય છે. સ્વલ્પારમ્ભ: ક્ષેમકર: એ સિધ્ધાંતનો અહીં પ્રતિઘોષ પડ્યો છે. ગીતામાં આ ધ્યાનયોગનું નિરૂપણ કર્મયોગના સાધન તરીકે છે. સમત્વબુધ્ધિ સંપાદન કરવા માટે જરૂરી સાધનોની ચર્ચા આ અધ્યાયનો મુખ્ય વિષય છે. ઇન્દ્રિયનિગ્રહ કેવી રીતે કરવો એની ક્રમશ: પ્રક્રિયા રજૂ કરવામાં આવી છે. કર્મયોગનું થોડું પણ આચરણ મનુષ્યને મોટા ભયમાંથી છોડાવે છે. કોઇપણ મનુષ્યમાં ધૈર્યનો અભાવ પ્રાય: જોવા મળે છે. અહીં એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે અનેકવારના અભ્યાસથી ધીરજ રાખી નિષ્કામ કર્મ કરવાનો યોગ ચાલુ રાખવો જોઇએ, તેમ કરતાં જ ઘણા જ્ન્મેલા અંતે સાધકને ભગવાનની પ્રાપ્તિ થાય છે. કર્મયોગ શ્રેષ્ઠ છે તેથી જ્ઞાન દ્વારા કર્મસંન્યાસ કરી નિષ્કામ કર્મ કરવાનો પ્રયાસ કર્યો છે. વળી, અહીં કર્મસંન્યાસ અને કર્મયોગની એકતા બતાવીને કર્મયોગને સિધ્ધ કરવાનો ઉપાય છે. આમ, કર્મયોગને માર્ગ લાંબો છે, અઘરો પણ છે, પરંતુ અધવચ્ચે સાધકને લટકાવી દે તેવો નથી. તેથી કર્મયોગને જ – કર્મયોગને જ સ્વીકારવો અત્યંત આવશ્યક, મહત્વપૂર્ણ છે, એમ ગીતાનું પુન: પુન: કથન છે. 

    


No comments:

Post a Comment