અધ્યાય-૧૦ -વિભૂતિયોગ

 ભગવદ્ ગીતા



  • અધ્યાય-૧૦ સાર આપી સમજાવો.

અથવા

  • વિભૂતિયોગ-સમજાવો.


નવમા અધ્યાયમાં ભગવાનની વ્યક્તોપાસના એટલે કે ભક્તિનું સ્વરૂપ અને એનું મહત્વ દર્શાવવામાં આવ્યું. અવ્યક્ત એવા ભગવાનને એમના કોઈ વ્યક્ત સ્વરૂપમાં, એટલે કે ઈશ્વરની પરમ શક્તિનો, સામર્થ્યનો જેમાં વિશેષપણે આવિર્ભાવ થયો હોય તે તત્વને ઈશ્વર તરીકે ભજી ક્રમે ક્રમે અવ્યક્ત સ્વરૂપને ઓળખતા થવું એવો એ ચર્ચાનો સાર છે. ભગવાન ભાવના ભૂખ્યા છે અને ‘જેવી જેની ભાવના એવું એને ફળ’ એ સિદ્ધાંતને આધારે મૂર્તિપૂજા કે ભક્તિ એ સાધના છે, સાધ્ય ભાવનાનું મૂર્તિમંત સ્વરૂપ છે. એટલે વ્યક્તિને જે સિદ્ધિ મળે છે તે મૂર્તિને કારણે નહિ પણ મૂર્તિમાં આરોપિત થયેલી શ્રદ્ધાને કારણે, એ મત તો બહુ સ્પષ્ટ છે. ભગવાનની મૂર્તિપૂજા આ રીતે સરળ અને સ્વાભાવિક હોઈ ભક્તિમાર્ગ રાજમાર્ગ બનવા પામ્યો છે. પરંતુ જ્ઞાનપ્રાપ્તિના આ રાજમાર્ગમાં પણ એક ભયસ્થાન છે. ભગવાનના વ્યક્ત સ્વરૂપનું પ્રતીક નક્કી કરવામાં ગફલત થાય તો ? માણસ પોતાની બુદ્ધિ કે ભાવનાની મર્યાદાને કારણે ખોટું પ્રતીક નક્કી કરી બેસે તો ? આ પ્રતીક નક્કી કરવાની બાબતમાં ઘણીવાર શકવર્તી બનાવો બન્યા હોવાના દાખલા જગતના ધર્મોના ઈતિહાસમાં નોંધાયા છે. એટલે, આ પ્રતીક નક્કી કરવાનો પ્રશ્ન ખૂબ જ નાજુક છે. અર્જુનને સ્વાભાવિક રીતે જ આવી મૂંઝવણ થઈ અને પરિણામે તેણે ભગવાનને પ્રશ્ન કર્યો: કેષુ કેષુ ચ ભાવેષુ ચિન્ત્યોઅસિ ભગવન્મયા ? અર્જુનના આ પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની પ્રધાન દિવ્ય વિભૂતિઓ અર્જુનને કહી સંભળાવી. ઈન્દ્રિયોમાં મન, સ્થાવર પદાર્થોમાં હિમાલય, યજ્ઞોમાં જપયજ્ઞ, સર્પમાં વસુકિ, દૈત્યોમાં પ્રહલાદ, પિતૃઓમાં અર્યમા, ગંધર્વોમાં ચિત્રરથ, વૃક્ષોમાં અશ્વત્થ, પંખીઓમાં ગરૂડ, મહર્ષિઓમાં ભૃગુ, અક્ષરમાં અકાર અને આદિત્યોમાં વિષ્ણુ વગેરે સ્થાવરજંગમ સૃષ્ટિમાં વિસ્તરી રહેલી પોતાની દિવ્ય વિભૂતિઓનું વર્ણન કર્યા બાદ આખરે યદ્યદવિભૂતિમત્ સત્વં શ્રીમદૂર્જિતમેવ વા I તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોઅશસંભવમ્ II અર્થાત જે કંઈ શ્રીમત્ કે તેજસ્વી એવું વિભૂતિવાળું સત્વ તારા જોવામાં આવે એને તું મારાથી ઉત્પન્ન થયેલ જાણ, એમ જણાવ્યું અને અંતે ‘મારા એક અંશથી હું આ આખા જગતને વ્યાપીને રહેલો છું, એમ પણ કહ્યું. એનું પ્રત્યક્ષ દર્શન કરાવવા ભગવાન અગિયારમાં અધ્યાયમાં પોતાનું વિશદ સ્વરૂપ પણ અર્જુનને દર્શાવ્યું છે.

આમ, વિભૂતિઓનું વર્ણન ગીતાકારની વ્યક્તોપાસનાના અનુરોધનું વિશેષ સ્પષ્ટીકરણ છે. ઈશ્વર સર્વવ્યાપક હોવાથી પોતે સારી વસ્તુઓમાં પણ છે અને ભયાવહ બાબતોમાં પણ છે. તે મૃત્યુ પણ છે અને દ્યુત પણ છે. ‘વિભૂતિ’ શબ્દનો અર્થ શંકરાચાર્ય અને તિલક મહારાજને મતે ‘વિસ્તાર’ (ઈશ્વરની માયાનો વિસ્તાર) છે. શ્રી રામાનુજાચાર્યને મતે વિભૂતિ એટલે ઐશ્વર્ય. ડૉ. હીલને મતે ‘વિભૂતિ’ શબ્દનો વ્યુત્પત્યર્થ ‘વિશેષણ ભૂતિ:’ ‘ઈશ્વરભાવનો વિશેષપણે આવિર્ભાવ’ એવો થાય છે અને તે યોગ્ય છે. શ્રી મહર્ષિ અરવિંદ ઈશ્વરનો વિભૂતિયોગ સમજાવતાં કહે છે: “પ્રત્યેક પ્રકારના સતમાં એ સતની પ્રકૃતિની શક્તિ જેમનામાં સૌથી વધારે આગળ પડતી હોય, જેમનામાં એનો મુખ્ય અને સૌથી વધારે સફળતાપૂર્વક આત્મપ્રકાશ કરનારો આવિર્ભાવ થતો હોય, તેમનામાં પ્રભુની દિવ્ય શક્તિ એટલે વિભૂતિ આપણે જોઈ શકીએ છીએ.” ડૉ. બેલવેલકરને મતે અર્જુનના પ્રશ્નના જવાબમાં સહજ રીતે સ્ફૂરેલ આ વિભૂતિઓનું વર્ણન ‘ઈશ્વર પ્રબળપણે એવી કઈ વસ્તુઓમાં પ્રતીત થઈ શકે કે જેને સાધવાથી તથા સંપૂર્ણ સમજવાથી ઈશ્વરના સ્વરૂપનો સાક્ષત્કાર થઈ શકે’ તે સ્વાભાવિક રૂપમાં સમજાવે છે અને માટે એમાં પૌર્વાપર્યના સંબંધનો અભાવ કે પુનરાવૃત્તિની ટીકા વ્યાજબી નથી. વિભૂતિનું વર્ણન વિષ્ણુથી થાય છે અને જ્ઞાનથી પૂરૂં થાય છે. વિષ્ણુ અને જ્ઞાન બન્ને જ્ઞેય બાબતમાં ચરમ બિંદુઓ છે. 


No comments:

Post a Comment