પ્રિયદર્શિકા

 

પ્રો.ડૉ.મીના એસ વ્યાસ

 

પ્રિયદર્શિકા

 

પ્ર.-૧ હર્ષનુ જીવન અને સમય નોંધ લખો.

 

         ઈતિહાસકારોએ હર્ષ વિષે નોંધ્યું છે કે-“Harsh was the Last great King of ancient India.''

સંસ્કૃત સાહિત્યના મૂર્ધન્ય કવિઓના જીવન વિષે જ્યારે આપણે અંધારામાં જ ફાંફાં મારીએ એવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે હર્ષના ક્રમબદ્ધ તથા ઐતિહાસિક જીવન ચરિત વિષે આપણે લગભગ નિશ્ચિત માહિતી મેળવવાને સદ્દભાગી છીએ. ઐતિહાસિક પુરાવાઓ, બાણરચિત હર્ષચરિત તથા અનેક શિલાલેખો, ચીની યાત્રાળુની નોંધ, મધુબન તથા બાંસખેડાનાં તામ્રપત્રો - વગેરે પરથી હર્ષના જીવનચરિત પર પૂરતો પ્રકાશ પડે છે.

સંસ્કૃત સાહિત્યમાં હર્ષ'' નામધારી છ વ્યક્તિઓ થઈ ગઈ છે.

(૧) 'નૈષધીયચરિતમ્'' મહાકાવ્યના કર્તા શ્રી હર્ષ

(૨) 'કાવ્યપ્રદીપ''ના લેખક શ્રી ગોવિન્દ ઠાકુરના નાના ભાઈ હર્ષ

(૩) ધારા નગરીના રાજા ભોજના દાદા તથા મુંજના પિતા હર્ષ

(૪) જેના સમયમાં કથાસરિત્સાગર ગ્રંથ રચાયો હતો તે કાશ્મીરના રાજા હર્ષ

(૫) માતૃગુપ્ત કવિનો આશ્રયદાતા ઉજ્જૈનનો રાજા હર્ષ વિક્રમાદિત્ય

(૬) સ્થાણ્વેશ્વર-નરેશ અને પછીથી કાન્યકુબ્જેશ્વર રાજા હર્ષવર્ધન જે પ્રિયદર્શિકા વગેરે ત્રણ કૃતિઓના કર્તા છે અને બાણના આશ્રયદાતા છે અને ચીની યાત્રાળુઓએ જેમનો ઉલ્લેખ કર્યો છે.

ઉપરના છ હર્ષોમાં નિશ્ચિતપણે આપણે કહી શકીએ છીએ કે હર્ષવર્ધન જ આ ત્રણેય કૃતિઓના કર્તા છે તથા બાણના આશ્રયદાતા છે. ઈ.સ. ૬૦૬ થી ૬૪૮ સુધી ભારતવર્ષ ઉપર તેમનું શાસન હતું. શ્રી અને સરસ્વતીથી તે વિભૂષિત હતા. બાણ જણાવે છે કે કનોજના આ રાજા યુદ્ધો ખેલી સમગ્ર ઉત્તર-ભારતનો ચક્રવર્તી રાજા બન્યો હતો.

સાહિત્યપ્રેમી રાજવી હર્ષ : હર્ષ એક મહાન પ્રતાપી રાજા હોવા ઉપરાંત મોટા કવિ હતા. કલમ તથા તલવાર બન્નેના પ્રયોગમાં તે નિપુણ હતા. બાણ તથા જયદેવ પણ તેમની કવિત્વ શક્તિનો ઉલ્લેખ કરે છે. આ રત્નાવલી વગેરે નાટ્યકૃતિઓ રાજા હર્ષની જ રચેલી છે એવું મોટા ભાગના વિદ્વાનો માને છે. તેમની સભામાં બાણ, મયૂર, માતંગ, દિવાકર, ધાવક વગેરે કવિઓ આશ્રય પ્રાપ્ત કરીને રહેતા હતા. હર્ષકવિઓનો આશ્રયદાતા અને પ્રોત્સાહક હતો. બાણને એણે આપેલો આશ્રય અને બાણે તેના ચરિતને આલેખતું ઐતિહાસિક ગદ્યકાવ્ય હર્ષચરિત તો સર્વવિદિત છે.

પ્રતાપી રાજવી હર્ષ : ઇતિહાસકારોએ તેના રાજ્ય-પ્રભાવ વિષે સવિસ્તર નોંધ આપી છે. ગુપ્તવંશના રાજાઓના પતન પછી ભારત વર્ષ ઉપર એક સદી સુધી

પરદેશીઓના આક્રમણ થયાં અને સર્વત્ર અંધાધુધી ફેલાઈ હતી. છઠ્ઠી સદીના મધ્ય ભાગમાં પુષ્પભૂતિએ કુરુક્ષેત્રના મેદાનમાં સ્થાણ્વેશ્વર આગળ વર્ધનવંશની સ્થાપના કરી હતી. આ વર્ધનવંશના પ્રભાકરવર્ધને હૂણો ઉપર વિજય મેળવ્યો હતો. તેને મહાધિરાજ પરમભટ્ટારક’’ નો ઈલ્કાબ મળ્યો હતો. આ પ્રભાકરવર્ધને જ વર્ધનવંશની કીર્તિ વિસ્તારી હતી અને વર્ધનવંશને સુસ્થાપિત કર્યો હતો, ‘“મહારાજાધિરાજ’” એ પદવી જ તેણે મેળવેલા યુદ્ધવિજયોને દર્શાવે છે. મધુબન તથા બાંસખેડાના તામ્રપત્રો પરથી વર્ધન વંશનું વંશવૃક્ષ આ પ્રમાણે છે :

નરવર્ધન - વજિણીદેવી

રાજ્યવર્ધન - અપ્સરાદેવી

આદિત્યવર્ધન - મહાસેન ગુપ્તા

પ્રભાકરવર્ધન–યશોમતી

રાજ્યવર્ધન હર્ષવર્ધન રાજ્યવર્ધન

 

હર્ષવર્ધનનો પિતા પ્રભાકરવર્ધન ઘણો પ્રતાપી રાજા હતો તેમ બાણે હર્ષચરિતમાં કહ્યું છે. તે તેની કવિશૈલીમાં જણાવે છે. ‘‘પ્રભાકરવર્ધન હૂણરૂપી હરણ માટે કેસરી સમાન, સિન્ધુરાજ માટે સળગતા જ્વરસમાન, ગુજરાતની ઊંઘ નષ્ટ કરનાર, માલવ કીર્તિલતા માટે કુઠાર સમાન આ રાજા હતો. આ પ્રભાકરવર્ધનને યશોમતી નામે રાણીથી રાજ્યવર્ધન તથા હર્ષવર્ધન નામે બે પુત્રો તથા રાજ્યશ્રી નામે પુત્રી પ્રાપ્ત થઈ હતી. કાન્યકુબ્જના રાજા અવન્તિવર્માના પુત્ર ગૃહવર્મા સાથે રાજ્યશ્રીનું લગ્ન હતું. તે સમયે ઉત્તરમાં હૂણોનો ઉપદ્રવ વધ્યો. તેને ખાળવા માટે રાજ્યવર્ધનને મોકલવામાં આવ્યો. હર્ષવર્ધન પણ ભાઈની સાથે હિમાલય સુધી ગયો. રાજ્યવર્ધન આગળ વધ્યો પણ હર્ષવર્ધન મૃગયા રમતો રહ્યો. આ દરમિયાન પ્રભાકરવર્ધનની અસ્વસ્થતાના સમાચાર આવ્યા. ભાઈ રાજ્યવર્ધનને દૂત મારફત આ સમાચાર પાઠવી હર્ષ રાજધાની આવવા રવાના થયો. તેના આવતાં જ પ્રભાકરવર્ધને દેહ છોડ્યો તથા હર્ષની માતા યશોમતી પણ પ્રથમથી જ વિધવા થવાના ભયે અગ્નિપ્રવેશ કરી ચૂકી હતી.

રાજ્યવર્ધન હવે ઈ.સ. ૬૦૬માં ગાદીએ આવ્યો. પ્રભાકર વર્ધનના મૃત્યુથી પ્રોત્સાહિત માલવનરેશ દુર્વૃતે કાન્યકુબ્જેશ્વર ગૃહવર્મા પર ચઢાઈ કરી. યુદ્ધમાં ગૃહવર્મા હણાયો. તેની પત્ની રાજ્યશ્રીને બંધનમાં નાખવામાં આવી. આથી ક્રોધાયમાન રાજ્યવર્ધને રાજ્યનો પ્રબંધ હર્ષને સોંપી માલવાઘીશ પર ચઢાઈ કરી. માલવરાજ દુર્વૃત તો યુદ્ધમાં હણાયો પરંતુ તેના મિત્ર ગૌડેશ્વરશશાંકદેવગુપ્તના વિશ્વાસઘાતી આચરણથી માર્ગમાં જ રાજ્યવર્ધનનું મૃત્યુ થયું. આ ઘટના પણ ઈ.સ. ૬૦૬માં બની.

હર્ષનો જય-પરાજય : ફક્ત સોળ વર્ષની ઉંમરે ગાદીએ બેઠેલ હર્ષે, ઉપરાઉપરી આવી પડેલી અણધારી આફતોથી ઉદ્વિગ્ન હોવાથી ૬૧૨ સુધીમાં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો નહોતો. તે પોતાને રાજા શીલાદિત્ય તરીકે ઓળખાવતો. ચીની યાત્રાળુ પણ તેનો શીલાદિત્ય તરીકે જ ઉલ્લેખ કરે છે. તેને અગ્રતા ક્રમે બે જ મોઢાં કામ બજાવવાનાં હતાં; પોતાની બહેન રાજ્યશ્રીને જીવતી પાછી હાથ ઘરવી અને પોતાના જ્યેષ્ઠ બંધુ રાજ્યવર્ધનના ખૂનનો બદલો લેવો. પ્રથમ તેણે જેલમાંથી છટકીને વિંધ્યના વનમાં નાસી ગયેલી અને આપઘાત કરવા તૈયાર થયેલી પોતાની બહેન રાજ્યશ્રીને બચાવી, ત્યારબાદ રાજ્યશ્રીએ બૌદ્ધધર્મની દીક્ષા લીધી. ગૌડ દેશના રાજા શશાંકે તેનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું.

સ્થાણ્વેશ્વરાપતિ શ્રી હર્ષવર્ધન કનોજેશ્વર કે કાન્યકુબ્જેશ્વર કેવી રીતે થયા તે વિષે ઈતિહાસકારો ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરે છે. ગૃહવર્માના બીનવારસ મૃત્યુ પછી અને રાણી રાજ્યશ્રીની રાજ્યકારભાર વહન કરવાની અનિચ્છાથી કનોજના મંત્રીઓની વિનંતીથી તથા બોધિસત્વની સલાહથી હર્ષે કનોજની રાજ્યગાદી સ્વીકારી, શરૂઆતમાં કદાચ હર્ષે કનોજેશ્વર તરીકે ઓળખાવાનું પસંદ ન કર્યું હોય પરંતુ પાછળથી બન્ને રાજ્યોની રાજધાની કનોજમાં સ્થાપી તેણે કનોજના અધિપતિ તરીકે ઓળખાવાનું પસંદ કર્યું હશે.

સમસ્ત ઉત્તરભારતને પોતાના શાસન હેઠળ લાવવા માટે હર્ષે લાગલગાટ છ વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું. ઉત્તરભારતના અઢાર રાજાઓ તેના ખંડિયા બની ગયા હતા. સૌરાષ્ટ્રના વલભીથી નેપાળ સુધીના બધા રાજાઓ તેને તાબે થયા હતા, અને તે સહુએ તેનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું. હર્ષને મહારાજાધિરાજ'નું બિરુદ મળ્યું હતું. 'ચક્રવર્તિ શ્રીહર્ષ' તરીકે પણ તેને ઓળખવામાં આવે છે.

ઈ.સ. ૬૨૦માં હર્ષે દક્ષિણ-ભારત પર ચઢાઈ કરી હતી. પરંતુ મહારાષ્ટ્રમાં ચાલુક્યવંશી રાજા પુલકેશી બીજાએ નર્મદાતટે હર્ષને નામોશીભર્યો પરાજય આપ્યો હતો. પુલકેશીના શિલાલેખો તથા ચીની યાત્રાળુઓની નોંધમાં આના ઉલ્લેખો છે.

આમ હર્ષનું રાજ્ય હિમાલયથી નર્મદા સુધી તથા બંગથી સિંધ વિસ્તરેલું હતું. ચીનમાં પણ તેણે પ્રતિનિધિમંડળ મોકલ્યાં હતાં. તેના સમયમાં ચીન તથા ભારત વચ્ચે ઘણો ગાઢ સંબંધ હતો. હર્ષનું લશ્કર ઘણું મોટું હતું. તેના લશ્કરમાં ૬૦,000નું ગજદળ તથા ૧૦,૦૦૦નું અશ્વદળ હતું. બાણે હર્ષચરિતમાં હર્ષને ચતુરોદધિકેદારકુટુમ્બી અર્થાત્ ચાર સમુદ્રોરૂપી ક્યારીઓના કુટુમ્બી તરીકે ઓળખાવ્યો છે.

હર્ષના શાસનકાળમાં પ્રજાને કોઈ દુ:ખ હતું નહીં. તે જાણે સુવર્ણકાળ હતો. હર્ષના શાસનકાળ દરમિયાન તેના રાજ્યનું આંખે દેખ્યું વર્ણન કરતાં હ્યુ-એન-ત્સંગ કહે છે કે હર્ષના રાજ્યમાં મુસાફરો તથા યાત્રાળુઓ માટે આવશ્યક અન્ન તથા પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ વાળાં આરામગૃહો તથા સારા રસ્તાઓ હતા. કોઈને પરાણે પરિશ્રમ કરવો પડતો નહિ. શિક્ષણની ઘણી સારી સુવિધા હતી. હર્ષે ઘણા કવિઓ તથા પંડિતોને આશ્રય આપ્યો હતો.

હર્ષે ગાદીએ બેઠા પછી હર્ષસંવત શરૂ કર્યો હતો. હર્ષ પછી તે બહુ ચાલ્યો નહીં. હર્ષે લોકોપયોગી ઘણાં કામ કર્યાં હતાં. બૌદ્ધ મઠો અને ઋષિઓના આશ્રમોને તે ઉદાર સખાવત આપતો. હર્ષે પણ ઘણા સ્તૂપો તથા મઠો બંધાવ્યા હતા. ધર્મશાળાઓ, આરામગૃહો તથા દવાખાનાં પણ તેણે બંધાવ્યાં હતાં. દર પાંચ વર્ષે તે એક ધાર્મિક સમારંભ ગોઠવતો હતો. જેમાં હર્ષ સંતો, ગરીબો અને દુઃખીજનોને ધન વહેંચી દેતો હતો. ઈ.સ. ૬૪૩માં આવી છેલ્લી અને છઠ્ઠી સભા રાખવામાં આવી હતી.

હર્ષનો આદિપૂર્વજ પુષ્પભૂતિ શૈવસંપ્રદાયનો હતો. પ્રભાકરવર્ધન વગેરે સૂર્યના ઉપાસકો હતા. હર્ષ પણ શરૂઆતમાં શિવનો ઉપાસક હતો પણ જીવનના ઉત્તરકાળમાં બૌદ્ધ ધર્મ તરફ તે આકર્ષાયો હતો. તેના નાગાનન્દ નાટક પરથી પણ તે જણાઈ આવે છે. છતાં તે પરમધર્મસહિષ્ણુ હતો. પ્રાણીવધ તથા માંસભક્ષણ પર તેણે કાયદેસર પ્રતિબંધ મૂક્યો હતો.

સમય : સદ્ભાગ્યે હર્ષનો સમય અન્ય કવિનાટ્યકારોની જેમ વિવાદાસ્પદ નથી, બાણનું હર્ષચરિત, ચીની યાત્રાળુઓએની પ્રવાસનોંધ, તામ્રપત્રો તથા શિલાલેખો વગેરે તપાસીને વિદ્વાનો એવા તારણ પર આવ્યા છે કે હર્ષનો સમય ઈ.સ. ૫૯૦ થી ૬૪૭ સુધીનો છે. ઈ.સ. સાતમી સદીથી સોળમી સદી સુધી લખાયેલા સંસ્કૃત સાહિત્યમાં, હર્ષનો અને તેની કૃતિનો નામોલ્લેખ થયો છે. કેટલેક સ્થળે તેની કૃતિઓમાંથી ઉદ્ધરણો પણ લેવામાં આવ્યાં છે. મયૂરશતકની ટીકા, સાહિત્યદર્પણ, પ્રસન્નરાઘવ, ઉદયન સુન્દરી કથા, દશરૂપક, કાવ્યપ્રકાશ, કાવ્યમીમાંસા, કુટ્ટનીમત વગેરે ગ્રંથોમાં હર્ષના ઉલ્લેખ કે અવતરણો છે. આ પરથી પણ હર્ષનો જીવનકાળ ઈ.સ. ૫૯૦ થી ૬૪૭ સુધીનો હતો એમ નિશ્ચિતપણે કહી શકાય એમ છે.

 

પ્ર-૨ નીચેની ટૂંકનોંધ લખો.

 

(૧) પ્રથમ અંકની પ્રસ્તાવના સમજાવો.

પ્રસ્તાવનાના સુંદર બે નાન્દી શ્લોકોમાં શિવસ્પર્શથી રોમાંચિત ગૌરી તથા શિવની કલ્યાણ પ્રાપ્તિની પ્રાર્થના સાથે સૂત્રધારનો પ્રવેશ થાય છે.

સૂત્રધારના જણાવ્યાનુસાર રાજા હર્ષદેવે અભૂતપૂર્વ કથા અને વસ્તુની રચનાથી અલંકૃત પ્રિયદર્શિકા નામની નાટિકા રચી છે. વસંતોત્સવ પ્રસંગે વિવિધ દેશોમાંથી આવેલા રાજાઓને આ નાટિકા જોવી છે. તેથી સૂત્રધારને બોલાવી રાજાએ તેની નેપથ્ય રચના કરવા જણાવ્યું છે. સજ્જ સૂત્રધાર પ્રેક્ષકો સમક્ષ કવિ, નાટ્યવસ્તુ, પાત્રો તથા પ્રેક્ષકોની પ્રશંસા કરી હર્ષનિર્મિત આ કૃતિ અત્યંત સફળ જશે તેવી શ્રદ્ધાવ્યક્ત કરે છે. તેટલામાં અંગદેશના રાજા દ્ઢવર્માના કંચુકી વિનયવસુના પાત્રમાં તેનો ભાઈ પ્રવેશે છે.

પ્રસ્તાવનાના ટૂંકા ઉપરોકત દશ્યમાં કવિએ પરંપરામુજબ કવિ, કૃતિ, સમયતથા પ્રેક્ષકો વિશેની ટૂંકી તથા સચોટ માહિતી આપી દીધી છે. સંસ્કૃત પરંપરામાં આ પ્રસ્તાવના પ્રકારના દ્ષ્યને સ્થાપના કે આમુખ નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં સૂત્રધાર અને નટી અથવા વિદૂષક વચ્ચે સંવાદ થતો હોય છે. અને નાટ્યકૃતિના વિષયવસ્તુ-સર્જક તથા ભજવણીની ઋતુનો ઉલ્લેખ મળે છે. અહીં સૂત્રધાર સ્વગતોક્તિમાં સંબંધિત માહિતી આપતાં જણાવે છે કે (૧) કૃતિના સર્જક હર્ષ છે, જે નિપુણ કવિ છે.શ્રીહર્ષો નિપુણ: કવિ: (૨) વસંતોત્સવ દરમિયાન આવેલા રાજાઓ સમક્ષ આ કૃતિ ભજવવાની છે. (૩) કવિ ઉત્તમ છે. પ્રેક્ષકો ગુણગ્રાહી છે. વિષયવસ્તુ વત્સરાજ ઉદયન પર આધારિત હોવાથી મનોહારી છે. પાત્રો દક્ષાઃ કુશળ છે. આમ કૃતિના સફળ પ્રયોગ માટે ઉપકારક બધાં જ અંગો એકત્રિત થયાં છે. જે સદભાગ્ય છે. (૪) પ્રસ્તાવનાના અંતે કંચુકી વિનયવસુના પ્રવેશનો ઉલ્લેખ અંકના દ્ષ્યનો આરંભ કરી આપે છે. આમ પાંચ પ્રકારની પ્રસ્તાવનામાંથી આ પ્રયોગાતિશય પ્રકારની પ્રસ્તાવના છે.

 

(૨) વિનયવસુની વેદના-જણાવો.

સૂત્રધારના જણાવ્યાનુસાર અંકનું મુખ્ય દશ્ય શરૂ થાય તે પહેલાં એ દશ્યોમાં આવતા વૃત્તાન્તની છણાવટ કરતું વિનયવસુનું પાત્ર પ્રવેશ કરે છે. વિનય વસુની સુદીર્ઘ એકોક્તિ નાટિકાની મૂળ ઘટનાના તાણાવાણા ઉકેલે છે. તે શોકશ્રમયુક્ત છે. વેદનાગ્રસ્ત છે. લાંબા જીવનનું નિષ્ફળ પરિણામ ભોગવે છે. તેના કહેવા મુજબ તે અંગરાજ દઢવર્માનો કંચુકી છે. આ અંગરાજને પ્રિયદર્શિકા નામે પુત્રી છે, જેના માટે કલિંગરાજે માગણી કરી હતી. પિતા દઢવર્માએ પોતાની પુત્રીનું વાગ્દાન કલિંગરાજ સાથે કરવાને બદલે વત્સરાજ ઉદયન સાથે કર્યું ત્યારે ઉદયન અવન્તીરાજ મહાસેન પ્રદ્યોતની પુત્તી વાસવદત્તાના પ્રેમમાં પડ્યો. તે બંદિવાન હતો. આ તકનો લાભ લઈ કલિંગરાજ દઢવર્મા ઉપર આક્રમણ કરી તેને બંદિવાન બનાવે છે. સ્વામીભક્ત વિનયવસુ રાજાની ઈચ્છાનુસાર પ્રિયદર્શિકા ઉદયનને વરે તે માટે તેને લઈ દઢવર્માના મિત્ર વિન્ધ્યકેતુના ત્યાં લઈ જાય છે. નજીકમાં આવેલા અગસ્ત્યતીર્થમાં સ્નાન કરવા જતાં ત્યાં થોડી વારમાં જ કોઈ શત્રુ (ઉદયનના સેનાપતિએ) હુમલો કરી વિન્ધ્યકેતુને મારી નાખે છે અને તે સ્થાન બાળી નાખે છે. રાણી મૃત્યુ પામે છે અને સ્વામી દઢવર્માની પુત્રી પ્રિયદર્શિકા પણ લાપત્તા બને છે. હતાશ અને ભગ્ન વિનયવસુ પોતાના બંદિવાન રાજા જીવે છે તેવું જાણવામાં આવતાં તેમની સેવામાં શેષ જીવન ગુજારવાનો નિર્ણય જણાવે છે.

વિષ્કંભક તરીકે ઓળખાતું આ દૃશ્ય પ્રસ્તાવનાની પ્રાથમિક હકિકતો અને મુખ્યદશ્યની મુખ્ય ઘટના વચ્ચે સેતુનું કામ કરે છે. સંસ્કૃત નાટ્ય પરંપરા મુજબ જે દશ્યો કે વિગતો રંગભૂમિ ઉપર ભજવી ન શકાય તેવાં હોય, નિષિદ્ધ હોય, અથવા

તેટલું મહત્ત્વ ધરાવતાં ન હોવા છતાં તેની જણકારી ભાવિ કથાનક માટે આવશ્યક હોય તેને કવિઓ વિષ્કંભક દ્વારા રજૂ કરે છે. અહીં શ્રીહર્ષે વિનયવસુની દીર્ઘાયુષ્યજન્ય વેદના દ્વારા નાટિકામાં હવે પછી આકાર લેનાર સામાજિક તથા રાજકીય ઘટનાઓનાં સૂચન કરી દીધાં છે. ઉદયન-પ્રિયદર્શિકાનો પ્રેમ અને લગ્ન જેવી સામાજિક ઘટના તથા ઉદયન-કલિંગરાજનું યુદ્ધ અને દઢવર્માની મુક્તિ જેવી રાજકીય ઘટનાનાં બીજ અહીં પ્રાપ્ત થાય છે.

 

(૩) ઉદયન-વિદૂષક સંવાદ- નોંધ લખો.

વિષ્કંભકના દ્રશ્ય પછી અંકનું મુખ્ય દૃષ્ય શરૂ થાય છે. તેમાં બે ભાગ છે.ઉદયન વિદૂષકનો સંવાદ તથા વિજયસેનની વિજયગાથા.

પ્રથમભાગમાં પ્રદ્યોતમહાસેનના કારાવાસમાંથી મુક્ત થયેલ ઉદયન બંધનના દિવસોને સ્મરીને તેના ગુણોને-લાભોને યાદ કર્યા કરે છે. પોતે બંધનમાં પડ્યો તેમાં તેના અનેક હિતેચ્છુઓની કસોટી થઈ ગઈ. નોકરીની વફાદારી, મંત્રીઓની બુદ્ધિ મિત્રોનો પ્રેમ અને નગરવાસીઓના અનુરાગનો પરિચય થયો. પોતાના સાહસી સ્વભાવની પણ કસોટી થઈ અને સર્વોત્તમ પરિણામ સ્વરૂપે વાસવદત્તા જેવું સ્ત્રીરત્ન પ્રાપ્ત થયું. ખરેખર બંધનથી શું ન મળ્યું ? કિમિવ ન પ્રાપ્તં મયા બન્ધનાત્?

રાજા દ્વારા કરાતી કરાવાસની પ્રશંસાને વખોડતાં વિદૂષક જણાવે છે કે એ ભૂતકાળને તો ભૂલી જવા જેવો છે. તેનાં શા વખાણ ? અપમાનવશ રાજા નિદ્રા પણ મેળવી શકતા ન હતા તે સુખીકાલ કેવી રીતે કહીશકાય? આમ છતાં રાજા મિત્ર વિદૂષકને બંધનના દોષો જોવાને બદલે તેમાંથી પ્રાપ્ત પ્રદ્યોતપુત્રી વાસવદત્તાના ગુણોને જોવાની દ્રષ્ટિ કેળવવા અનુરોધ કરે છે.

આ મૈત્રીભર્યા વિવાદમાંથી દઢવર્માના બન્ધનનો ઉલ્લેખ નીકલે છે. કલિંગરાજે દઢવર્માને કેદ કર્યા છે. તેથી ઉદયન કલિંગરાજ ઉપર ગુસ્સે ભરાય છે. વિદૂષક રાજાને કટાક્ષ મારી બંધન માટે ગુસ્સો કરવો અયોગ્ય છે તેમ જણાવે છે ત્યારે રાજા કહે છે કે બધાજ કેદી વત્સરાજ હોતા નથી ! જે બધાને મેળવે ! છેલ્લે, વિન્ધ્યકેતુ ઉપર ચડાઈ કરાવા ગયેલા વિજયસેનની યાદ આવતાં જ થયેલા તેના આગમનથી રાજકીય- સમાચારમાં રાજા વ્યસ્ત થાય છે.

મુખ્યદશ્યના પૂર્વાર્ધમાં નાટયકારે વાસવદત્તાપ્રાપ્તિ દ્વારા ઉદયને અનુભવેલા આનંદને વ્યક્ત કર્યો છે. કારાવાસનું બંધન પ્રેમબંધન બનતાં ઉદયનને તે ઉપકારક લાગે છે. જ્યારે તેના મિત્રને બંધનના, દિવસો અપમાનજનક લાગે છે. બે મિત્રોનો દ્રષ્ટિભેદ રજુ થાય છે. તે સાથે જ હવે પછીની-ઘટનાઓમાં ઉપયોગી દઢવર્માના બંધનનો ઉલ્લેખ અને વિન્ધ્યકેતુ પરના આક્રમણની ચિતા ઉત્તરાર્ધને ઉઘાડી આપે છે.

 

(૪) વાસવદત્તાનું વ્રત- જણાવો.

 દેવી વાસવદત્તાએ વ્રતધારણ કર્યું છે. વ્રતમાં રાખેલ સંયમ તથા તપના લીધે તે રાજાથી અલગ રહે છે. ઉદયન આ જુદાઇમાં ઉત્કંઠિત બની પ્રિય વાસવદત્તાને પ્રથમમિલનની આતુરતા અનુભવતો હોય તેમ અસ્વસ્થ બને છે. વ્રતના સ્વસ્તિવાચનમાં- બ્રાહ્મણ ભોજનમાં આમંત્રિત રાજાનો મિત્ર વિદૂષક અત્યંત ખુશ છે. તે જલદીથી ધારાગૃહોદ્યાનની વાવમાં સ્નાન કરી ભોજનની ઉતાવળમાં છે. આમ બે ભિન્ન રસ-રુચિવાળા મિત્રોની વાતચીતથી અંકનો પ્રારંભ થાય છે. વિદૂષક ઉદયનને લઈને ધારાગૃહોદ્યાનમાં જાય છે.

આજ સમયે વાસવદત્તાના કહેવાથી ચેટી ઈન્દ્રીવરિકા અને આરણ્યકા પણ ઉદ્યાનમાં આવે છે. વ્રતમાં મહર્ષિ અગસ્ત્યને અર્ધ્ય આપવાની વિધિ માટે શેફાલિકાનાં પુષ્પો ચુંટવા ચેટી તથા કમલપુષ્પો ચુંટવા આરણ્યકાઉદ્યાનમાં આવે છે. આમ, નાટ્યકારે ઉદ્યાનની સૌન્દર્યમંડિત ભૂમિમાં નાયક-નાયિકાને ભેગાં કર્યાં છે.

સૌન્દર્યપ્રેમી ઉદયન ઉદ્યાનશ્રીની પ્રશંસા કરે છે. બગીચામાં ખીલેલાં શેફાલિકા, સમપર્ણ, કમળ, શિરીષ તથા બન્ધુક પુષ્પોની મધુરતા તથા મીઠાશથી ઉદયનનું ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. વિદૂષક પણ સપ્તપર્ણ વૃક્ષનાં ખરતાં પાંદડાંમાં વર્ષાકાલના સૌન્દર્યની અનુભૂતિ કરે છે. આ બન્ને મિત્રો પ્રકૃતિમાં પ્રસન્નતા અનુભવે છે ત્યારે જ પુષ્પચયન કરવા બન્ને સખિ પ્રવેશ કરે છે.

આરણ્યકાની એકોક્તિમાં તે સ્વમાની અને હતબાગી રાજકન્યાનો પરિચય થાય છે. થોડું ચાલતાં થાકી જાય તેવી તે નાજુક છે. વિદૂષકની નજરે આ ઉદ્યાન દેવતા સમાન આરણ્યકા દેખાય છે. તે રાજાને બતાવે છે. નિરતિશય સૌન્દર્ય ધરાવતી આ અજ્ઞાત સ્ત્રી નાગકન્યા, સ્વયં કૌમુદી અથવા સાક્ષાત્ લક્ષ્મી જેવી લાગે છે. આ કોણ હશે?'ની જિજ્ઞાસા બન્ને મિત્રોની ઉત્સુકતામાં વધારો કરે છે. પણ ચેટી ઇન્દીવરિકાને તેની સાથે જોતાં તેમની જિજ્ઞાસા રહસ્યમાં પરિણમે છે. છૂપાઈને આ રહસ્યને પામવાનો પ્રયત્ન કરે છે.

ઈન્દીવરિકા તથા આરણ્યકાની વાતચીતમાંથી રાજાને જાણવા મળે છે કે આ નાગન્યા, કૌમુદી કે લક્ષ્મી નથી પણ વિન્ધ્યકેતુપુત્રી છે. રાજકન્યા છે. રાજા અતૃપ્તનયને આરણ્યકાના સૌન્દર્યને નિહાળે છે. તેના સૌન્દર્યથી અભિભૂત થયેલો રાજા નિઃસાસો નાખે છે કે ધન્યઃ ખલ્વસૌ ચ ઇતદગ્ડંસ્પર્શસુખભાજનં ભવિષ્યતિ । જે આના દેહ સ્પર્શ સુખને પામશે તે પુરુષ ખરેખર ભાગ્યશાળી થશે.

કમલપુષ્પો ચુંટતી આરણ્યકાના અંગમરોડ અને દેહલાલિત્યજન્ય કમનીયતા રસવિમુખ વિદૂષકમાં પણ રસિકતા પ્રગટાવે છે તો સૌન્દર્ય પ્રેમી રાજાની તો શી દશા થાય ? પ્રોત્કૃદ્ઘ કમળો આરણ્યકાના ચંદ્રસમાન શીતલ કર કિરણોના સ્પર્શથી બિડાઈ જતાં નથી તેનું મહદાશ્ચર્ય વ્યક્ત કરતો ઉદયન આરણ્યકાની શીતલ અને આનંદાયકસૌન્દર્ય સુધામાં લીન થઈ જાય છે ત્યારે જ નાટ્યકારે તેના હૃદયકમલમાં એ સૌન્દર્ય સુધાનાં રસબિન્દુ ટપકાવી દીધાં છે.

 

 

(૫) ભ્રમરપીડા પ્રસંગ- નોંધ લખો.

બીજા અંકનું આ સ-રસ અને અંતિમ દશ્ય છે. કમલચયન કરતી આરણ્યકાને છંછેડાયેલા ભમરા ત્રાસ આપે છે. તેના મુખ તેમજ નયનોની આજુબાજુ ઘૂમી વળે છે. ભયભીત આરણ્યકા ઉપવસ્ત્રથી મુખ ઢાંકી દઈ સખી ઈન્દીવરિકાને બોલાવે છે. ઈન્દીવરિકા પુષ્પો ચુંટવા દૂર ગઈ છે એ તકનો લાભ લઈ વિદૂષક રાજાને આરણ્યકા પાસે પહોંચી જવાનું કહે છે. રાજા મિત્રનું કહ્યું માની ચૂપચાપ મુખ ઢાંકેલ આરણ્યકા પાસે પહોંચી જાય છે. ગભરાયેલી આરણ્યકા આલિંગન આપે છે. રાજા તેને ગળે વળગાડે છે. મોટેથી બોલીને આશ્વાસન આપી ધીરજ ધરવા કહે છે ત્યારે પુરુષ અવાજ સાંભળી આરણ્યકા સતેજ થઈ ઈન્દીવરિકાને બોલાવે છે. વિદૂષક તેને વત્સરાજનું રક્ષણ સ્વીકારવા જણાવે છે. આરણ્યકા વત્સરાજ ઉદયનને જોઇ સ્પૃહા અને લજ્જાનો ભાવ અનુભવે છે. આ ઉદયન સાથે વિવાહ વિશે વિચારનાર પિતાનું મનોમન અભિવાદન કરે છે. એટલામાં દાસી ઈન્દીવરિકા આવી જતાં બન્ને મિત્રો સંતાઈ જાય છે અને સંધ્યાકાલ થતાં બન્ને સખીઓ પણ વિદાય લે છે.

કાલિદાસના અભિજ્ઞાનશાકુંતલના ભ્રમરપીડા પ્રસંગનુ અનુકરણ કરતા આ પ્રસંગમાં શ્રીહર્ષે નાયક-નાયિકાનું પ્રથમ પ્રત્યક્ષ સદેહમિલન કરાવ્યું છે. ઉદયનનો સૌન્દર્યપ્રેમી સ્વભાવ અને આરણ્યકાનું નિર્વ્યાજ સૌન્દર્ય પરસ્પરને મેળવી આપવાની ભૂમિકા સર્જે છે. ભમરા પણ ભૂલા પડે એવી આરણ્યકાના મુખકમલની શ્રી પ્રત્યક્ષ નિહાળી ઉદયન પણ ખોવા જાય છે. તેને મળવા અને તેના સ્પર્શ સુખને ભોગવવા આતુર ઉદયનની સૌન્દર્ય ભોગી મનોવૃત્તિ છતી થાય છે. ઈન્દીવરિકા અને રાજા બન્ને આરણ્યકોના મુખસૌન્દર્યને વખાણે તેટલી તે રૂપાળી અને આકર્ષક છે. કવિએ નાયિકાના સૌન્દર્યને અને નાયકના સૌન્દર્યલોલુપ સ્વભાવને દર્શાવી પરસ્પરોચિત પ્રેમીઓના મિલનની સાર્થકતા દર્શાવી છે. આ મિલન બન્નેને ઘાયલ કરી દે છે. સાથળ જકડાઈ જવાનું કહેતી આરણ્યકા રાજાથી દૂર જવા ઉત્સુક નથી અને નિઃશ્વાસ નાખતા રાજાના ચિત્તમાંથી આરણ્યકાના કોમલ હસ્તસ્પર્શનો રોમાંચ દૂર થતો નથી. બીજીવાર મળવાના ઉપાયની ચિંતા સેવતા રાજાના શબ્દો ત્રીજા અંકના વિષયવસ્તુના અણસાર મૂકતા જાય છે. જેમ હત્વા પદ્મવનધુતિં....શ્લોકમાં નિપુણકવિ હર્ષે કુદરતના નિરૂપણની પાર્શ્વ ભૂમિકામાં રાજાના વિરહી વ્યક્તિત્વનું સૂચન કરી દીધું છે.

નાટકના વિષયવસ્તુના વિકાસની દૃષ્ટિએ આ અંકમાં કવિએ નાયક-નાયિકાનું મિલન અને જુદાઇ દર્શાવી પુનર્મિલન માટેની ઉત્કંઠા ઊભી કરી છે. આરણ્યકા રાજપુત્રી છે તે હકિકત રાજ માટે વધારે સાનુકૂળ બને છે, તો પાસે આવેલો પુરુષ વત્સરાજ ઉદયન છે તે હકિકત આરણ્યકા માટે સંતોષપ્રદ છતાં દુઃખદાયક બને છે. આવા રાજવીની પત્ની બનનાર પ્રિયદર્શિકા તેના કમનસીબથી અજ્ઞાત અરણ્યકા બની અનુચિત દુઃખો અને અપમાનો સહન કરે છે તેમાં વિધિની પ્રબલતા સિદ્ધ થયું છે. આમ છતાં અજ્ઞાત ઝરણું જેમ અંતે સમુદ્રમાં જઈ ભળે છે તેમ આરણ્યકો પણ ઉદયનના જીવનમાં જઈ સમાશે તેવી આશાનો તંતુ બંધાય છે. ઘીમે ઘીમે પણ ચોક્કસ ગતિએ આગળ વધતો વાર્તા પ્રવાહ નાટ્યરસને પુષ્ટ કરે છે. શૃંગારરસનું નિરૂપણ કવિની અભીષ્ટ રસવૃત્તિને પોષક બને છે. કવિ નાટ્યકાર શ્રીહર્ષ બીજ અંકમાં વાર્તા-રસનું સફળ લેખન કરી શક્યા છે.

 

() કદલીગૃહ દૃશ્ય- સમજાવો.

વાસવદત્તાની દાસી અને આરણ્યકાની પ્રિયસખી મનોરમાની ઉક્તિથી અંકનો પ્રારંભ થાય છે. સાંકૃત્યાયનીએ ઉદયન-વાસવદત્તાના પ્રથમ મિલન ઉપર આધારિત નાટ્ય પ્રસંગ તૈયાર કર્યો છે. કૌમુદી મહોત્સવમાં તે ભજવવાનો છે. આ પહેલાં થયેલી તેની ભજવણીમાં વાસવદત્તાનું પાત્ર ભજવતી આરણ્યકાએ ભૂલ કરી હતી. તેનાથી વાસવદત્તા ગુસ્સે થયા. હવે આવું ના થાય તે માટે મનોરમા આરણ્યકાને શોધે છે.

આરણ્યકા કદલીગૃહમાં પ્રવેશી પોતાના હૃદયની વેદના ઠાલવે છે. શોભનદર્શનો રાજા ઉદયન તેને વેદના આપે છે, તે પ્રિય હોવા છતાં અસહ્ય બની ગઈ છે. હવે મૃત્યુ સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાજા સાથેના પ્રથમમિલનના સ્થાનને જોઈને તે વિશેષ દુ:ખી થાય છે. પોતે અસંભવિતની કામના કરી રહ્યાનો ભાવ અનુભવે છે. ત્યારે જ મનોરમા ત્યાં આવે છે. છૂપાઈને પ્રથમ તો રાજા સાથેના તેના મિલનના દર્શનની વિગતો મેળવી લે છે. આરણ્યકાની અતિસંતાપકારિણી દશા જોઈ અનુકંપા અનુભવે છે. છતાં રાજાએ તેને જોઈ છે તેથી તે નિશ્ચિત બને છે. મનોરમાને વિશ્વાસ છે કે હવે રાજા પોતે જ મિલનનો માર્ગ વિચારી કાઢશે. મનોરમાનાં આવાં વચનોમાં આરણ્યકાને શ્રદ્ધા બેસતી નથી. તે વિચારે છે કે વાસવદત્તાના ગુણોમાં અનુરક્ત રાજા આરણ્યકાને મળવા આવે જ નહીં. પણ મનોરમા રાજાના ભોગી સ્વભાવના આધારે જણાવે છે કે કમલિનીના પ્રેમથી બંધાયેલો ભમરો માલતીને જોઈને તાજા સ્વાદનો લાલચુ બની તેને મેળવ્યા વિના રહી શકે જ નહીં. તેમ રાજા પણ માલતી સમાન આરણ્યકાને મેળવ્યા વિના ઝંપશે જ નહીં. આમ મૌખિક સાંત્વના આપ્યા ઉપરાંત તે આરણ્યકાની વિરહવેદના શમાવવા સખીપ્રેમથી પ્રેરાઈ આરણ્યકાના હૃદયપ્રદેશ ઉપર કમલપત્રો મૂકી શિતળતા અપર્વાનો પ્રયત્ન કરે છે.

 

(૭) વિદૂષકનું આગમન- નોંધ લખો.

આરણ્યકા વિરહાવસ્થામાં ઉત્કંઠિત બની જીવન-મરણે વચ્ચે અટવાય છે ત્યારે રાજા પણ આરણ્યકાને જોયા પછી અન્યમનસ્ક બની ગયા છે. રાજકાર્યમાં તેમને રસ પડતો નથી. આરણ્યકાને મળી વિરહ વેદના શાંત પાડવાનો ઉપાય શોધવા તે વસંતકને જણાવે છે. રાણીવાસમાં આરણ્યકા ન મળતાં ધારાગૃહોદ્યાનમાં આવેલ તળાવ કિનારે આવે છે. અહીં મનોરમાએ કદલીપત્રોથી આરણ્યકાની વિરહવેદના શાંત પાડવાનો પ્રયત્ન કર્યો છે. મનોરમા તથા વિદૂષક વચ્ચે થયેલી ગુફતેગો પ્રમાણે જેમ આરણ્યકા પ્રેમાતુર છે તેમ રાજા પણ પ્રેમાતુર છે. બન્ને એક બીજાને મળવા ઉત્સુક છે. ને મળવા યોગ્ય પણ છે. (તત્પેન તત્પમયસા ધટનાય યોગ્યમ્ વિક્રમોર્વશિયમ્) હવે મિલનનો ઉપાય મનોરમા જણાવે છે. મિત્ર વિદૂષક મનોરમાની યોજનામાં સંમત થઈ રાજાને તદનુસાર વર્તવાનું કહેવા જાય છે.

ત્રીજા અંકના નાટ્યાત્મક દશ્ય-ગર્ભાંક નાટકનાં બીજ મનોરમા વસંતકની ગુફતેગોમાંપડેલાં છે. નાયક-નાયિકા મિલનમાં બન્નેનાં સહચર કેવી ઉમદા મદદ કરે છે તે આદૃષ્યોમાં દેખાય છે. મનોરમા વિના આરણ્યકા અને વસંતક વિના ઉદયન અધૂરો છે.તેમના પ્રેમને પાંગરવામાં આ બન્ને ગૌણપાત્રો અસરકારક મદદ કરે છે. નાટ્યકારેઆરણ્યકા જેવી જ ઉદયનની અવસ્થા બતાવી પ્રેમનું પ્રસારણ ઉભય પક્ષે થયેલુંબતાવ્યું છે. મિલનનીઉત્કંઠા બન્નેમાં હોય તો જ હવે પછીનું મિલન વધારે હુંફાળું અને પ્રાણવાન બને. ગર્ભાકદશ્યમાં ઉદયન અને આરણ્યકાની વચ્ચે જે રીતે દૈહિકવાચિક લાગણીઓની આપ-લે થતી દર્શાવી છે તે આ તીવ્ર ઉત્કંઠાનું જ પરિણામ છે.

 

() ગર્ભાંક નાટક- સમજાવો.

 વાસવદત્તા ઉદયનના પ્રેમને પ્રારંભતી જાણનાર ધાત્રી સાંકૃત્યાયની દ્વારા ઉદયન- વાસવદત્તાના પ્રથમમિલન ઉપર આધારિત ઉદયનચરિત નામનું નાટ્યદષ્ય તૈયાર કર્યુંછે. કેવળ મનોરંજન ખાતર તૈયાર કરેલા આ નાટ્યદષ્યમાં વાસવદત્તાનું પાત્ર આરણ્યકાને ભજવવાનું છે. અને ઉદયનનું પાત્ર મનોરમાને. પ્રેક્ષકોમાં રાણી વાસવદત્તા, સાંકૃત્યાયની પરિવાર વગેરે છે. વાસવદત્તા સપરિવાર નાટ્યગૃહમાં આત્મવૃત્તાન્ત જેવા પધારે છે.

હવે, આ ગર્ભાંકનાટકમાં પણ નાટક બની જાય છે. ઉત્કંઠિત ઉદયન-આરણ્યકાનું મિલન કરાવી આપવા બન્નેનાં સહચર વસંતક અને મનોરમાની યોજના મુજબ ઉદયનન પાત્રમાં મનોરમાની જગ્યાએ ખુદ ઉદયને જ રંગભૂમિ ઉપર પહોંચી જવાનું છે વાસવદત્તાના પાત્રમાં ત્યાં આરણ્યકા તો હશે જ. પછી મધુર વાર્તાલાપ તથા પરસ્પરના સ્પર્શસુખનો આનંદ ભોગવી ઉત્કંઠા શમાવવાની છે. આ યોજના મુજબ સમય થતાં વસંતક ઉદયનને લઈને પ્રેક્ષાગૃહના દ્વારે આવી, ઉદયનને તૈયાર કરી રંગભૂમિ ઉપર મોકલી આપે છે. પોતે ચિત્રશાળા બહાર ઝોકે ચડે છે. મનોરમા પણ ચિત્રશાળામાં રહી ઉદયન-આરણ્યકાનું નાટક જુએ છે.

 

(૯) પ્રેક્ષાગારમાં પ્રેમ-પ્રપંચ- જણાવો.

કંચુકીના પ્રવેશથી ગર્ભાક નાટક શરૂ થાય છે. પ્રદ્યોત મહાસેનના આદેશ અનુસાર ઉજ્જૈનમાં ઉદયન-ઉત્સવની તૈયારી કરવાની છે. તેમાં યોગ્ય વેશપરિધાન કરી બધા સેવકો હાજર રહેવાનું છે. તે મુજબ દાસ-દાસીઓ ઉત્તમ વસ્ત્રાલંકારોમાં સજ્જ થયેલાં છે. સંગીતશાળામાં કાંચનમાલા સાથે વાસવદત્તાના પાત્રમાં રહેલી આરણ્યકા હાથમાં વીણા લઈ વીણાચાર્યની રાહ જુએ છે. કાંચનમાલા આરણ્યકા સાથેની વાતચીતમાં જણાવે છે કે જો વત્સરાજ વીણા વગાડતાં તારું અપહરણ કરશે તો મહાસેન ઉદયનને કેદમાંથી મુક્ત કરશે. જોકે વાસવદત્તારૂપી આરણ્યકાને અપહરણમાં શંકા જાગે છે ત્યારે જ ઉદયન અંદર આવી ખાતરી આપે છે કે યૌગંધરાયણે કરેલી વ્યવસ્થાનુસાર હું પ્રદ્યોતપુત્રીનું અપહરણ કરવાનો જ છું. રાજાના પ્રત્યક્ષ આગમનથી રંગભૂમિ ઉપર આરણ્યકા તથા પ્રેક્ષાગારમાં વાસવદત્તા વિસ્મયમાં પડી જાય છે. પણ સાંકૃત્યાયની મનોરમાના વાસ્તવિક અભિનયને વખાણી નાટકતરીકે જ તેને જોવા વાસવદત્તાને સલાહ આપે છે.

રંગભૂમિ ઉપર આરણ્યકા સ-રસ ગીત તથા વીણાવાદનથી ઉદયનને પ્રસન્ન કરે છે. શિષ્યભાવે તે વીણાચાર્યને પ્રણામ કરે છે. કાંચનમાલા ઉદયન તથા આરણ્યકાને એકાસને બેસાડે છે. આરણ્યકાને શિષ્યવિશેષ' ગણાવે છે. રાજા ફરીથી ગીત- સંગીત સાંભળવાની ઇચ્છા વ્યકત કરે છે, પણ નાજુક આરણ્યકાના હાથ થાકી ગયા છે. આરણ્યકા કાંચનમાલા ઉપર કૃત્રિમરોષ ઠાલવે છે. આરણ્યકા જતી રહેવા તૈયાર થાય છે ત્યારે આરણ્યકા પોતાનો હાથ ઉદયનને આપવાની તૈયારી બતાવે છે. રાજ હાથનો સ્પર્શ કરે છે. રોમાંચ અનુભવે છે. અમૃત સમાન શિતળતાનો સ્પર્શ તેને આનંદિત કરે છે. આરણ્યકાને પણ મનોરમાના પાત્રમાં રહેલા ઉદયનના સ્પર્શથી સાત્ત્વિક ભાવ અનુભવાય છે. તે અવ્યક્ત ભય અનુભવે છે.

પ્રેક્ષાગારમાં રહેલી વાસવદત્તા એકાસને બેઠેલો રાજા તથા આરણ્યકાના હાવભાવને તથા પરસ્પરના સ્પર્શ સુખની અભિવ્યક્તિને સહન કરી શકતી નથી. તે સાંકૃત્યાયનીને ઠપકો આપે છે કે અધિકમેતદપિ ત્વચા કૃતમ્ | તમે આ વધારે ઉમેરી દીધું છે. પ્રેમાલાપ અસહ્ય બનતાં તે પ્રેક્ષાગારમાંથી ઉઠી જતાં જણાવે છે કે ભગવતિ પશ્ય ત્વમ્ અહં પુનરલીકં ન પારયામિ પ્રેક્ષિતમ્ ભગવતી, તમે જુઓ હું આ જુઠાણું જોઈ શકું તેમ નથી.'' સાંકૃત્યાયની ફરીથી રાજરાણીને સમજાવીને પ્રેક્ષાગારમાં જ રોકી રાખે છે.

 

(૧૦) અંક : ૪ નો આરંભ-નોંધ લખો.

કવિ દ્વિવિધસિદ્ધિ દ્વારા નાટિકાની સમાપ્તિ કરે છે. તેમાં રાજકીય તથા સામાજિક વિષયવસ્તુનો સમન્વય થયેલો છે. દઢવર્માની મુક્તિ અને રાજકીય સિદ્ધિ છે. તેમજ ઉદયન આરણ્યકાનાં લગ્ન એ સામાજકિ સિદ્ધિ છે. આ દ્વિવિધ સિદ્ધિને સાધનારા પ્રસંગો નીચે મુજબ છે.

(૧) અંગારવતીનો પત્ર અને વાસવદતાની ઉદ્વિગ્નતા

(૨) આરણ્યકાની મુક્તિ માટે ચિંતાતુર ઉદયનનો પ્રવેશ તથા વાસવદત્તા અનુનય

(૩) ઉદયનની રાજકીય સિદ્ધિ-દઢવર્માની મુક્તિ.

(૪) આરણ્યકનું વિષપાન અને સામાજિક સિદ્ધિ.

મનોરમાની ઉક્તિથી અંકનો આરંભ થાય છે. ઉદયનચરિતમાં કરેલા નાટકથી ક્રોધે ભરાઈ વાસવદત્તાએ આરણ્યકાને કેદ કરી છે અને તેને હજુ છોડી નથી. આરણ્યકોને પણ વિરહનું જેટલું દુઃખ છે તેટલું બંધનનું દુઃખ નથી. આમ તે પ્રેમમાં ખૂબ આગળ વધી ગઈ છે. હવે પ્રિયમિલન અશક્ય લાગતાં નિરૂપાયે આત્મહત્યા કરવાનો પ્રયત્ન તે કરે છે. જેને મનોરમા નિષ્ફળ બનાવે છે.

બીજી બાજુ કાંચનમાલા સાંકૃત્યાયનીને શોધે છે. ઉજ્જૈનથી અંગારવતીનો પત્ર આવ્યો જેમાં તે વાસવદત્તાને ઠપકો આપે છે કે તેના માસા રાજા દઢવર્માને કલિંગદેશના રાજાએ પૂરા એકવર્ષથી કેદમાં પૂર્યાં હોવા છતાં પરાક્રમી રાજા ઉદયન તેમને છોડાવવા કંઇ જ કરતા નથી તે દુઃખદાયક છે. અંગારવતીના પત્રથી વાસવદત્તા ઉદ્વિગ્ન બની ગઈ છે. રાજા ઉદયનને હવે વાસવદત્તા કે વાસવદત્તાનાં સંબંધીઓમાં રસ રહ્યો નથી તેવું વાસવદત્તાને લાગે છે. કૌમુદી મહોત્સવમાં રાજાએ આરણ્યકા જોડે જે પ્રકારનો વ્યવહાર કર્યો તે વાસવદત્તા માટે આઘાતજનક હતો. પોતાની હાજરીમાં પોતાના પતિ અજાણી કુંવરી જોડે આવો પ્રેમાલાપ કરે તે વાસવદત્તા કઈ રીતે જીવી શકે ? તેમાં વળી માતાના પત્રથી તે વધારે વ્યાકુળ બને છે. સાંકૃત્યાયની તેને આશ્વાસન આપે છે. રાજાનો સ્વભાવ વાસવદત્તાને દુઃખી કરવાનો છે જ નહીં. કૌમુદી મહોત્સવમાં તેણે કરેલ પ્રેમપ્રપંચ તે ખરેખર નાટક હતું. વાસવદત્તાને ખુશ કરવા જ રાજાએ આવો વ્યવહાર કર્યો હતો. નહિ કે સાચા પ્રેમથી અને દઢવર્માને છોડાવવાની બાબતમાં પણતે વાસવદત્તાને અણધાર્યા શુભસમાચાર આપવા માગે છે. તેથી પ્રયત્નો શરૂ કર્યાં હોવા છતાં કલિંગરાજ ઉપર વિજય પ્રાપ્ત થશે નહિ ત્યાં સુધી તે કંઈજ જણાવશે નહિ. આમ ભગવતી સાંકૃત્યાયની વાસવદત્તાને આશ્વાસન આપી તેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. અહીં ધાત્રી સાંકૃત્યાયનીનું ધીર-ગંભીર પાત્ર પોતાની પુત્રીને સમજાવી માનસિક સંતાપ દૂર કરવા અનુરોધ કરે છે. વાસવદત્તાનું પ્રેમાળ તથા લાગણીભર્યું હ્રદય કવિએ સરસ રીતે વ્યક્ત કર્યું છે. આરણ્યકાને બાંધી દેતી તથા તીવ્ર કટાક્ષોથી મનોરમા અને ઉદયનને દબાવી દેતી વાસવદત્તા વાસ્તવમાં પ્રેમાળ અને પોચાહ્રદયની સ્ત્રી છે.

 

         (૨) સાંકૃત્યાયની જ્યારે વાસવદત્તાને આશ્વાસન આપે છે ત્યારે જ ઉદયનને મિત્ર વસંતક આવે છે. ઉદયનને પણ બે ચિંતાઓ વળગેલી છે. આરણ્યકાને મુક્ત કરી તેની સાથે પુનઃ મિલનસુખ માણવું છે અને વાસવદત્તાનો ગુસ્સો દૂર કરી તેને મનાવી લેવી છે. મિત્ર વસંતકને એ આના ઉપાય વિચારવા જણાવે છે. પોતાની બુદ્ધિ અને મશ્કરીખોર સ્વભાવાનુસાર વસંતક રાજાને અંતઃપુરને ઘેરો ઘાલવાનું કહે છે. અને એક મહિના સુધી ઉપવાસ કરવાની શીખામણ આપે છે.

રાજા તેને મીઠો ઠપકો આપી આવા ઉપાયોથી નહિ પણ વાસવદત્તા પાસે જઈ તેની માફી માગી પગે પડી મનાવી લેવાનું કરે છે. વિદૂષક સાથે વાસવદત્તા પાસે જઇ જમીન પર બેસી જાય છે. તેને નમસ્કાર કરે છે. ગુસ્સો દૂર કરવા અને પ્રેમાળ સ્મિત અર્પવા વિનવે છે. વાસવદત્તા પ્રેમને બદલે રાજા સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. અને તે આરોપ કરે છે કે તમે સુખી છો. ખરેખર દુઃખી તો હું છું અને તમે દુઃખીને વધારે દુ:ખી કરો છો. રાજા પ્રિય વાસવદત્તાનું દુઃખ સમજી શકતો નથી. તે સાંકૃત્યાયનીને આ બાબતનું પૂછતાં સાંકૃત્યાયની પત્રની વિગત રાજાને જણાવે છે. માસા દઢવર્માના બંધનથી વાસવદત્તા દુઃખી છે. પોતાના પ્રેમનાટકથી નહિ એ જાણી ઉદયન નિશ્ચિત બને છે. આ બાબતમાં તેણે લીધેલાં પગલા વર્ણવી-નજીકમાં જ હવે કલિંગરાજ મૃત્યુ પામેલો યા બંધન પામેલો જાણવા મળશે તેથી સગૌરવ ખાતરી આપે છે. ત્યારે વાસવદત્તા પ્રસન્ન થાય છે.

 

(૧૧) વિજયસેનનું આગમન- જણાવો.

         રાજકીયસ્થિતિ દઢવર્માની મુક્તિની વિચારણા ચાલતી હોય છે. એટલામાં જ ઉદયનનો સેનાપતિ વિજયસેન દઢવર્માના કંચુકીને લઈને આવી પહોંચે છે. કંચુકી વિજયના સમાચાર આપી કલિંગરાજનું મૃત્યુ થયાના અને દઢવર્માને પુનઃ ગાદીએ બેસાડ્યાના વિજયસેનના પરાક્રમને વર્ણવે છે. રાખ જિવયસેનને અભિનંદન આપે છે. વાસવદત્તાને પણ ખુશખબર આપે છે. વાસવદત્તા રાજા ઉપર ખુશ થાય છે. રાજાનો મિત્ર વસંતક તકનો લાભ લઈ આરણ્યકાને મુકત કરવા બંધનમાં પડેલા સર્વને છૂટકારો આપવા તથા બ્રહ્મભોજન કરવાનું સૂચન મૂકે છે, સાંકૃત્યાયની પણ વિદૂષકને સાથ આપે છે. વાસવદત્તા સર્વસંમતિ જોઈ સંમત થાય છે. આમ વિદૂષકની મુત્સદ્દી દરમિયાનગીરીથી આરણ્યકાનાં બંધનદ્વાર ઉઘડી જાય છે.

દઢવર્માનો કંચુકી આભારવશ પોતાના રાજાનો સંદેશો આપતાં જણાવે છે કેઅમારી પુત્રી પ્રિયદર્શિકાનું વેવિશાળ આપની સાથે કરવાનું હતું. પણ તેને કલિંગ રાજાના આક્રમણ દરમિયાન મિત્ર વિન્ધ્યકેતુના ત્યાં મૂકીને હું બહાર ગયો એટલામાં કોઈકે સર્વનાશ કર્યો-જેમાં અમારી પુત્રી પણ નાશ પામી. તેના દ્વારા આપણો સંબંધ થવાનો હતો, પણ વિધિને તે માન્ય રહ્યો નહીં આમ છતાં વાસવદત્તા દ્વારા સંબંધ થયેલો છે જ.

 

 

(૧૨) આરણ્યકાનું વિષપાન- નોંધ લખો.

દૃઢવર્માનો કંચુકી પ્રિયદર્શિકા કયાં હશે ? તેની ચિંતા વ્યકત કરે છે. તેજ સમયેમનોરમા એકદમ આવી ભગિનિ પ્રાણસંશયે સા તપસ્વિનિ I તે બિચારીનું જીવન સંકટમાં છે એમ કહી પતાકાસ્થાન દ્વારા પ્રિયદર્શિકા ઉર્ફે આરણ્યકાના વિષપાનના સમાચાર આપે છે. પ્રિયવિરહ અસહ્ય બનતાં સ્વમાની આરણ્યકા વિષપાન કરે છે, તેની તીવ્ર અસર શરીરમાં વ્યાપી જાય છે. આંખોની જ્યોત જવા લાગે છે. મનોરમા તેને વિષમુક્તિની વિદ્યા જાણનાર ઉદયન પાસે લઇ આવે છે. ત્યારે પ્રિયદર્શિકાને જોઈને કંચુકી તેને ઓળખી જાય છે. આ આરણ્યકા નથી કારણ કે વિન્ધ્યકેતુને તો પુત્રી હતી જ નહીં તેથી તેમના ત્યાંથી મળેલી આ કન્યા પ્રિયદર્શિકા જ છે તેમ સિદ્ધ થતાં રાજા-વાસવદત્તા ચિંતાતુર બની જાય છે. તે વિષથી વાસવદત્તા જડ બની જાય છે. આંખો રુંધાય છે. કંઠ કુંઠિત બને છે. શ્વાસ અટકી પડે છે. રાજા તેની નિશ્ચેતન દશા માટે દુઃખ વ્યક્ત કરે છે. ત્યારે વિદૂષકના આગ્રહથી પાણી મંત્રી તેના દ્વારા પ્રિયદર્શિકાને પુનર્જીવન આપે છે. તે પણ કંચુકી વિનયવસુને ઓળખી કાઢે છે. વાસવદત્તા અતિપ્રસન્ન થાય છે. ફરીવાર વિદૂષક તકનો લાભ લઈ રાજાનામહેનતાણારૂપે પ્રિયદર્શિકાનો હાથ લઈ રાજાના હાથમાં દે છે.

વાસવદત્તાની-અનુમતિ અને આગ્રહથી-વાસવદત્તા-આરણ્યકા જોડાઈ જાય છે.

મધુરેળ સમાપયેત્ ની પરંપરા મુજબ અવરોધો અને વિઘ્નો બાદ પણ વાસવદત્તા- પ્રિયદર્શિકાનો પ્રેમ લગ્નમાં પરિણમે છે. છેલ્લા અંકમાં નાટ્યકારે વાર્તાપ્રવાહને સતત વહેતો રાખ્યો છે. વાસવદત્તાના અનુકૂળ-પ્રતિકૂળ પ્રતિભાવો દ્વારા વાર્તામાં જિજ્ઞાસાનું તત્વ સાદ્યંત ટકી રહ્યું છે. વિષપ્રયોગ આખરે મિલન પ્રયોગ બની જાય છે. મનોરમા તથા વિદૂષકનાં પાત્રો ફરીવાર વધારે સમય પારખું તથા નિર્ણાયક બની રહ્યાં છે શ્રી હર્ષો નિપુણ: કવિ: ની પ્રથમ નાટિકા સરસ બની શકી છે તે નિર્વિવાદ છે.

 

પ્ર-૩ પાત્રાલેખન કરો.

 

(૧) ઉદયનનું પાત્ર.

પ્રિયદર્શિકાનો નાયક ઉદયન નાટિકા'ના લક્ષણોને અનુરૂપ ઘીરલલિત, વીર, ગુણજ્ઞ, કલાપ્રેમી, પ્રસિદ્ધ. કામી છતાં દક્ષિણ, વીર છતાં નમ્ર સંગીત વગેરે કળાઓ તથા વિષે ઊતારવાની વિદ્યાનો જ્ઞાતા, પ્રેમની બાબતમાં હમેશાં પરતંત્ર, સ્વયં સુંદર અને સૌદર્યદર્શી પાત્ર છે. શ્રીહર્ષના સમયની સામાજીક સ્થિતિના સંદર્ભમાં ઉદયનનું ઘીરલલિત નાયકતરીકે આલેખન થયું હોય એમ લાગે છે. હર્ષના જમાનામાં રાજાઓના જીવન વિલાસી અને કામવાસનાભર્યાં હતાં. અનેક પત્નીઓથી ભરેલાં અંતઃપુરોમાં રાજ્યને પોતાના તરફ વાળવા ખટપટો પણ થતી. ધીરલલિત ઉદયનના પાત્રમાં હર્ષના જમાનાના રાજમહેલોના વાતાવરણનું જ પ્રતિબિમ્બ પડે છે. આથી જે પદ્માવતી પ્રત્યે આકૃષ્ટ હોવા છતાં વાસવદત્તામાં અનન્ય પ્રીતિ રાખનાર ભાસના ગૌરવાન્વિત ઉદયન કરતાં બૃહત્કથાનો મધુકરવૃત્તિવાળો રસિક ઉદયન હર્ષને વધુ અનુકૂળ આવે છે. આવા આ ઉદયનના પાત્રમાં કાલિદાસના પશ્ચાત્તાપથી પુનિત દિવ્ય પ્રેમનાં કે ભવભૂતિના આદર્શ અમૃત પ્રેમનાં દર્શન કરવાની આશા રાખવી ફોગટ છે. પ્રિયદર્શિકા પ્રત્યેનો ઉદયનનો પ્રેમ સ્થૂળ છે. પ્રિયદર્શિકાના શરીર સૌદર્યથી જ તે આકર્ષાયો છે. આમ તેનો પ્રેમ દેહનિષ્ઠ કક્ષાએ જ છે, ઉદયનનો આ પ્રેમ ભૌતિક સ્તરેથી આગળ જતો નથી. ઉદયનના ધીરલલિત પાત્ર સાથે આ પ્રકારનો પ્રેમ સુસંગત છે. ધર્માવિરુદ્ધ કામને તે આવકારે છે. દ્વિતીય અંકમાં દીર્ઘિકામાં કમળો તોડતી કન્યા વિન્ધ્યકેતુની રાજકુંવરી છે એમ જાણ્યા પછી તેને જોવામાં તે કોઈ દોષ જોતો નથી. તેના પ્રત્યે તે આકર્ષાય છે. ઈન્દીવરિકાને બદલે તે પોતે હાજર થઈને તે કુંવરીને પકડી લે છે અને સુંદર શબ્દોમાં તેને આશ્વાસન આપે છે. ગર્ભ નાટકમાં દાસીનો નચાવ્યો તે નાચે છે ત્યાં વિદૂષક તેની ટકોર પણ કરે છે. આરણ્યકા સાથે પ્રેમ કરતાં પણ તેને સતત વાસવદત્તાનો ભય તો રહે છે જ.  ત્રીજા અંકના ગર્ભ નાટકમાં જ્યારે રાણીને ખબર પડે છે કે ઉદયનની ભૂમિકામાં સાક્ષાત્ ઉદયન જ હતા અને આરણ્યકા સાથે તેમણે વધુ પડતી છૂટછાટો લીધી ત્યારે રાણી ખૂબ રોષે ભરાય છે. રાજા તેના પગે પડે છે અને વિનંતિ કરે છે. ચોથા અંકમાં પણ વાસવદત્તાને મનાવતાં તે તેના પગે પડે છે.

પ્રેમની બાબતમાં તે તદ્દન પરતંત્ર છે. વિદૂષક તેનો કામતન્ત્રસચિવ છે. વિદૂષકની સહાય અને યોજના વગર એની આશાઓ સાર્થક થતી નથી. રાજામાં વિદૂષકના પ્રત્યુત્પન્નમતિત્વનો પણ સંપૂર્ણ અભાવ છે. દ્વિતીય અંકમાં ભમરાઓથી ત્રસ્ત આરણ્યકા જ્યારે બચાવ માટે ઈન્દીવરિકાને બોલાવે છે ત્યારે પણ વિદૂષકના કહેવાથી જ તે ત્યાં જાય છે અને આરણ્યકાને મળી શકે છે. ત્રીજા અંકની અંદર પણ મનોરમા અને વિદૂષકની ગર્ભ નાટકમાંની યુક્તિથી તેનું ફરીવાર આરણ્યકા સાથે મિલન થાય છે. આ કાવતરું પણ રાણી પકડી પાડે છે ત્યારે પણ કોમુદીમહોત્સવ પ્રસંગે આપના ચિત્તને આનંદ આપવા માટે જ મારા મિત્રે આમ નાટક કર્યું છેએમ કહીને વિદૂષક બચાવનો રસ્તો કાઢે છે. રાજા પણ તેનું સમર્થન કરે છે. રાજા પાસે તો છટકવા માટે ઉપાય શોધવાની પણ અક્કલ નથી. છેવટે તે જ્યારે આરણ્યકાનું ઝેર ઊતારે છે ત્યારે પણ વૈદ્યના પારિતોષિકની યાદ અપાવી વિદૂષક જ આરણ્યકા સાથે રાજાનું લગ્ન કરાવવામાં નિમિત્ત બને છે.

         ઉદયનનું એક રાજા તરીકેનું વ્યક્તિત્વ પણ આ નાટિકાના પ્રથમ તથા ચતુર્થ અંકોમાં વ્યક્ત થાય છે. રાજ્યનો ભાર મંત્રીઓને સોપેલ હોવા છતાં તે બધી જકાળજી રાખે છે. વાસવદત્તાના માસા દઢવર્માને છોડાવવા માટે તે સ્વયં સેનાપતિને કલિંગરાજ પર હુમલો કરવા આદેશ કરે છે. વિન્ધ્યકેતુ પર ચઢાઈ કરવા ગયેલા વિજયસેનના સમાચાર જાણવા પણ તે ઉત્સુક છે. આમ રાજકાર્યોના અહેવાલ તે સતત મેળવે છે અને એ રીતે રાજકાર્યોથી વાકેફ રહે છે. વિજય મેળવીને આવેલા સેનાપતિ વિજયસેનનો સત્કાર કરવાનું પણ તે ચૂકતો નથી.

         સંગીતકળાનો તેનો શોખ તો ઉદયન-વિષયક પ્રાચીન લોકકથાઓના સમયથી ખૂબ પ્રસિદ્ધ છે. ઘોષવતી વીણા વગાડી તે ભલભલા હાથીઓને વશ કરતો હતો વાસવદત્તાનો તે વીણાચાર્ય હતો. ૩-૧૦ શ્લોકમાં સંગીતના પારિભાષિક શબ્દોના પ્રયોગથી તેનું સંગીત જ્ઞાન વ્યક્ત થાય છે. ગર્ભ નાટકની અંદર તે છેલ્લી ઘડીએ પોતાનો જે અભિનય કરવા તૈયાર થઈ જાય છે તે તેની અભિનયકળાની નિપુણતા દર્શાવે છે. વીણા વગાડતાં જ તે વાસવદત્તાનું અપહરણ કરે એવો બળવાન પણ છે.

મિત્ર તથા શત્રુ-બન્નેના ગુણોની તે કદર કરી શકે છે, વિજય મેળવીને આવેલા સેનાપતિ વિજયસેનનો તે સત્કાર કરે છે. સેનાપતિ પાસેથી તે જ્યારે વિન્ધ્યકેતુની વીરતાનાં વર્ણન સાંભળે છે ત્યારે તે વિન્ધ્યકેતુને શાબાશી અર્પે છે. રુમણ્વાનને તે કહે છે કે સત્પુરુષને ઉચિત માર્ગને અનુસાર વિન્ધ્યકેતુના મરણથી આપણે સાચે જ શરમિંદા બન્યા છીએ. આમ રાજા ગુણગ્રાહી છે. ગુસ્સે થયેલી રાણીનો રોષ તે અનુભવ કરીને જ શાંત કરવાની આશા રાખે છે.

ઉદયનનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે. તેનું દેહસૌન્દર્ય પણ આકર્ષક છે. લોકકથાઓમાં પણ તેને કામદેવ જેવો જ કહ્યો છે. દ્વિતીય અંકમાં નાયિકા આરણ્યકા તેમને જોતાં વેત જ તેમના પ્રેમમાં પડે છે. અને કહે છે પણ ખરી કે પિતાનો આ ઉદયન માટેનો પક્ષપાત યોગ્ય જ છે, સૌન્દર્યનો પણ તે પારખુ છે. નિસર્ગ તથા નારીના સૌંદર્યને તે માણી શકે છે. બન્નેનું તેને ખૂબ આકર્ષણ પણ છે. મધ્યાહ્ન. સૂર્યાસ્ત, આરણ્યકા તથા ધારાગૃહોદ્યાનના સુંદર કાવ્યાત્મક વર્ણનોથી તેની રસિકતા પણ વ્યક્ત થાય છે.

 

(૨) વિદૂષકનું પાત્ર.

મુખ્યત્વે પ્રેક્ષકોના હાસ્ય માટે પ્રયોજાતું આ એક રૂઢ પાત્ર છે. તેનો વિચિત્રવેષ, હાસ્યાસ્પદ દેહાકૃતિ, મૂર્ખાઈભરી તો ક્યારેક બુદ્ધિયુક્ત ઉક્તિઓ તથા ભોજનસંબંઘી ઉલ્લેખો અને શાસ્ત્રનું અધકચરું જ્ઞાન પ્રેક્ષકોમાં હાસ્યજનક બને છે. ઋતુ કે પુષ્પ પરથી તેનું નામ હોય. આથી આ નાટિકામાં પણ તેનું નામ વસન્તક છે. હાજરજવાબીપણું -એ તેના પાત્રનું સુંદર, આગવું અને અસરકારક પાસું છે. તેમાંતેનું બુદ્ધિચાતુર્ય પણ દેખાય છે. તે રાજાનો કામતંત્ર-સચિવ જ છે. માલવિકાગ્નિમિત્રનાવિદૂષકની જેમ અહીં પણ રાજા ઉદયનનો પ્રેમ વિદૂષકની યોજનાઓ પર જ અવલંબેછે, વિદૂષક વગર રાજા ઉદ્દયન નિઃસહાય અને દયનીય બની જાય છે. બીજા અંકમાંઆરણ્યકાથી રાજા આકર્ષાય છે. એટલામાં ભમરાઓથી પરેશાન આરણ્યકા બચાવમાટે ઈન્દીવરિકાને બૂમ પાડે છે. આ ક્ષણ વિદૂષક તરત જ રાજાને ત્યાં પહોંચી જવા સૂચવે છે. દાસી ઇન્દીવરિકા આવી જતાં વળી આ જ વિદૂષક રાજાને ચેતવીને પાછો પણ બોલાવી લે છે. રાજાના મનને શાંત કરવા આરણ્યકાની તપાસમાં તે બધી રાણીઓના મહેલોમાં જઈ આવે છે. છેવટે આરણ્યકાને વક્ષ:સ્થળ પરના કમળપત્રો લઈ તે આવે છે. ગર્ભ નાટકમાં ભૂમિકાઓ બદલી આરણ્યકા સાથેના રાજાના મિલનની યોજના પણ મનોરમા સાથે મળીને વિદૂષક જ ગોઠવે છે, ચતુર્થ અંકમાં વિજયસેને દઢવર્માને પુનઃ ગાદી પર બેસાડયા છે તથા કલિંગરાજાને હણી નાખ્યા છે. એ શુભ સમાચાર મળતાં જ આરણ્યકાની મુક્તિને અનુલક્ષીને જ તે તરત જ ફરમાવે છે કે આ વિજયની ખુશાલીમાં બધા કેદીઓને છોડી મૂકવા જોઈએ. ગુરુપૂજન તથા બ્રાહ્મણ સત્કાર પણ કરવો જોઈએ. આરણ્યકાએ ઝેર પી લીધુ છે એમ તે જાણે છે ત્યારે પણ તે તરત જ રાજા ઉદયનને મંત્રપ્રયોગ કરી ઝેર ઉતારવા તૈયાર કરે છે. અને છેવટે વૈદ્યના ઈનામ-આરણ્યકા સાથે રાજાનું મિલન પણ તે જ કરાવે છે. મનોરમા જ્યારે - રાણી વાસવદત્તાને કહે છે કે ગર્ભ નાટકની આ મિલનની યોજનાનો સૂત્રધાર વિદૂષક જ છે ત્યારે તે તેનો નિષેધ કરવાને બદલે બધું જ પોતાના શિરે લઈ લે છે, મિત્ર માટે તે કેદ પણ ભોગવે છે. ક્યારેક સારી દલિલબાજી પણ કરે છે. રાજા ઉદયન જ્યારે પ્રદ્યોતે કરેલા બંધનના ગુણ જ જુએ છે ત્યારે તે તરત જ રાજાને કહે છે કે બંધન જે ગુણરૂપ જ હોય તો દઢવર્માને બંધનમાં નાખનાર કલિંગરાજ પર તમે શા માટે આક્રમણ કર્યું છે ? મનોરમા પાસેથી આભૂષણો લઈ ઉદયન પોતાને શણગારે છે અને ઉદયનના પોતાના જ પાઠને ભજવવા તૈયાર થઈ જાય છે ત્યારે પણ વિદૂષક માર્મિક ટકોર-ટોણો મારતાં કહે છે-ઈતેખલુ રાજાનઃ દાસ્યૈવં નર્ત્યન્તેઅર્થાત્ આ રાજાઓ, સાચે જ, દાસીઓ વડે પણ આમ નચાવાય છે.

કયારેક તે રાજાને માટે મુશ્કેલીઓ પણ ઊભી કરે છે. તેની મૂર્ખામીથી રાજાનો પ્રેમપંથ વધુ કંટકિત બને છે. ત્રીજા અંકમાં ગર્ભ નાટકના અંતે અર્ધનિદ્રાવસ્થામાં જાગીને તે વાસવદત્તાને મનોરમા જ સમજી જે બાફી મારે છે તેનાથી બધુ જ પડયંત્ર છતુ થઈ જાય છે. કેદમાં પૂરાયેલી આરણ્યકાની મુક્તિ માટે તે અંતઃપુરને ઘેરો ઘાલવાનું તતા રાણીને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરવાનું સૂચવે છે. રાજાનાં અનુનય તથા આશ્વાસનનાં વચનો પણ આ મૂર્ખાને નિષ્ઠુર ઉપાલંભ સમાન લાગે છે.

         તેનું શાસ્ત્રજ્ઞાન શૂન્ય છે. ચાર વેદ, પાંચ વેદ, છ વેદ- એમ વેદની સંખ્યાના જ્ઞાનમાં પણ તે લોચા મારે છે, મફતમાં મળનાર ભોજન અને ભેટ માટે તે ખૂબ આતુર છે.

વાસવદત્તાથી તે ડરે છે. આરણ્યકાના સ્પર્શવાળાં કમળપત્રો હું ઓળખાવું એમ જ્યારે મનોરમા કહે છે ત્યારે તે મનોરમા આ બધુ વાસવદત્તાને કહી દેશે એ બીકે ગભરાઈ જાય છે. બંધનમાંથી છૂટેલ તે રાજા સાથે રાણી પાસે જવાની જ ના પાડે છે.

આમ સમગ્ર નાટિકામાં વિદૂષકનું પાત્ર તદ્દન ચીલાચાલુ ઢબે થયું છે.

 

(૩) આરણ્યકાનો પરિચય.

દૃઢવર્માની પુત્રી પ્રિયદર્શિકા નાટિકામાં અરણ્યમાંથી પ્રાપ્ત થઈ હોવાથી આરણ્યકાના નામે ઓળખાય છે. પ્રિયદર્શના એવા પણ તેના નામનો નિર્દેશ નાટિકામાં મળે છે. 'નાટિકા'માં નાયિકાનાં જે લક્ષણ ગણાવ્યાં છે તેનાથી વિશેષ તેના પાત્રમાં કંઇ જ નથી. હર્ષે નાટ્યસિદ્ધાંતને ચૂસ્તરીતે અનુસરીને જ તેનું તદ્દન ચીલાચાલુ નિરૂપણ કર્યું છે, નાટિકાના ત્રીજા અંકની અંદર ગર્ભ નાટકમાં તે વાસવદત્તાનાં વેશ તથા આભૂષણ પહેરી તેની ભૂમિકા ભજવે છે. ઉદયનની ભૂમિકામાં મનોરમાને બદલે સ્વયં ઉદયન જ છે પરંતુ આ મુગ્ધા આરણ્યકા સમગ્ર ગર્ભ નાટક દરમિયાન ઉદયનને ઓળખીશકતી નથી. તેના હાથને રાજા પકડે છે અને તેને રોમાંચ સ્પર્શસુખ થાય છે. છતા આ ભોળી કન્યા કહે છે કે મનોરમાને સ્પર્શ કરી આ મારાં અંગો અનર્થ કરી રહ્યા છે.ઉદયનની ભૂમિકામાં મનોરમા નથી પણ ઉદયન જ સ્વયં છે તેનાથી ભલેતે અવગત ન હોય પણ ઉદયનના હસ્તસ્પર્શને લીધે થતા વિશેષ રોમાંચ અને સ્પર્શસુખથી પણ તેને કંઈ ખ્યાલ આવતો નથી તે વધુ પડતું લાગે છે. મનોરમા અને ઉદયન રાજાબન્નેની દેહાકૃતિ, મુખમુદ્રા, હસ્ત-વગેરેમાં તેને કોઈજ ભેદ અનુભવાતો નથી તે પણ થોડું અવાસ્તવિક લાગે છે. જોકે આરણ્યકાને આ યોજનાથી અવગત કરવામાં આાવી હોત તો પણ કદાચ રાણીના ડરથી ગભરાઈને ભાગ્યે જ તૈયાર થાત.

નાટિકાના અંતે તેની ઓળખાણ થાય છે અને રાજા સાથે રાણીની સંમતિથી તેનું લગ્ન થાય છે. પરંતુ તે પૂર્વે સમગ્ર નાટિકા દરમિયાન તો તે આરણ્યકા તરીકે રહે છે. તેનું પાત્ર કરુણ અને દુ:ખી છે. પ્રાયો ગચ્છતિ યત્ર ભાગ્યરહિતસ્તત્રૈવ યાન્ત્યાપદં: - ભાગ્યહીન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આપત્તિઓ તેની સાથે જ જાય છે એ ભતૃહરિનું સત્ય જાણે આરણ્યકામાં ચરિતાર્થ થાય છે, કલિંગરાજે તેની માગણી કરી હોવા છતા તેના પિતાએ વત્સરાજ ઉદયન સાથે તેનું વાગ્દાન કર્યું. પરિણામે જ કલિંગરાજેદઢવર્મા પર આક્રમણ કર્યું અને તેને બંધનમાં નાખી દીધો. સ્વામીનું ઋણ ચુકવવાના ખ્યાલથી કંચુકી તેને લઈને વત્સરાજ ઉદયન પાસે આવવા નીકળ્યો. માર્ગમાં વનમાં દઢવર્માના મિત્ર વિન્ધ્યકેતુને ત્યાં મૂકી કંચુકી અગસ્ત્ય તીર્થે સ્નાનાદિ માટે ગયો અને ત્યાં જ વિન્ધ્યકેતુ પર વિપત્તિનાં વાદળ આવ્યાં. શત્રુના ભયંકર આક્રમણથી તે મરાયો અને તેની સ્ત્રીઓ પણ સતી થઈ ગઈ. બધું જ ઉજ્જડ થઈ ગયું. મહેલમાં રડતી આને વિન્ધ્યકેતુની પુત્રી માની શત્રુ પોતાના દેશમાં લઈ ગયો. આ શત્રુ અન્ય કોઈ નહિ પણ રાજા ઉદયનનો સેનાપતિ વિજયસેન જ હતો. આમ આરણ્યકોનું એટલું પુણ્ય શેષ હશે કે જેથી તે તેને જ્યાં આવવાનું હતું તે જ વત્સરાજ પાસે આવી. પરંતુ પોતાની ખરી ઓળખાણ આપી પોતાની જાત નકામી હલકી પાડવી એ તેને ગમતું નથી. રાજાના પ્રેમમાં પડી તેને વળી વાસવદત્તાનો વિરોધ પણ સહન કરવો પડ્યો. તેને આ અશરણ દુ:ખમાંથી મુક્ત થવા આપઘાતના વિચાર પણ વારંવાર આવે છે. ચોથા અંકમાં સંભવતઃ તે જાતે જ મદિરાના બહાને ઝેર મંગાવીને પી જાયછે જેથી તેના આ દુર્ભાગ્ય અને દુઃખનો અંત આવે. છેવટે જ્યારે ઉદયન કલિંગરાજને હણી પિતાને પુનઃ ગાદી પર બેસાડે છે અને રાણીની સંમતિથી ઉદયન-આરણ્યકાનું લગ્ન થાય છે ત્યારે જ અભાગણી આના જીવનમાં સુખનો સૂરજ ઊગે છે.

દેખાવે તે સુંદર અને મોહક છે. આથીજ તેનું નામ પ્રિયદર્શના પણ છે. સેનાપતિ વિજયસેન પણ તેને અભિજાતરૂપા કન્યા કહે છે, વિદૂષક તો તેને ઉદ્યાન દેવતા જ લેખે છે. રાજા ઉદયનની નજરે જ્યારે તે પડે છે ત્યારે અહીં પણ રાજકુંવરી હોવા છતાં દાસીની દશામાં રહે છે. વાસવદત્તા સમક્ષ ઉદયન તેને જોઇને તેના રૂપને સુંદર અંજલી આપે છે. કહે છે.-શું આ નાગકન્યા છે જે પાતાળમાંથી આ લોકને જોવાના કુતૂહલથી આવી છે ? શું આ મૂર્તિમંત ચાંદની છે ? હાથમાં કમળ હોવાથી સાક્ષાત લક્ષ્મી જેવી આ કોણ હશે ?' કમળ જેવા તેના મુખથી તથા નીલકમળ જેવાં તેનાં લોચન-નજરોથી અને સુગંધ ભર્યા શ્વાસ તથા અમૃતભર્યા અધરોષ્ઠથી ભ્રમરોના ત્રાસનો તે ભોગ બને છે. તેનો સ્પર્શ રાજા માટે અમૃતતુલ્ય છે. તેનું સૌદર્ય ખૂબજ સુલભ છે. નીલકમળ જેવાં લોચનોથી તે જેમ જેમ ભ્રમરોને જોઈ દૂર કરે છે તેમ તેમ ભ્રમરો તેના તરફ ધસે છે.

પ્રેયસી તરીકે તેનું પાત્ર વિશેષ આકર્ષક છે. રાજા પ્રત્યે પ્રેમ અનુભવતી અને સંતપ્ત થતી તેની મુગ્ધાવસ્થાનું નાટ્યકારે સુંદર ચિત્ર રજૂ કર્યું છે. તે પ્રેમને માણી શકે છે. અને સમજી પણ શકે એટલી રસિક પણ અવશ્ય છે. તે ખૂબજ લાગણીશીલ છે પોતાને રાજકુંવરી હોવા છતાં અન્યની આજ્ઞામાં દાસી તરીકે રહેવું પડે છે તેનું તેને ખૂબ દુ:ખ થાય છે. ભ્રમર બાધા પ્રસંગે પોતાને બચાવનાર સ્વયં ઉદયન જ છે જેમની સાથે પોતાનો સંબંધ પિતાએ નિશ્ચિત કર્યો હતો તે જાણીને તેના હ્રદયમાં ઉદયન માટે પ્રણયના અંકુર ફૂટે છે. ઉદયનનું સુંદર મોહક રૂપ જોઈને તે બોલી ઊઠે છે- સ્થાને ખલુ તાતસ્ય પક્ષપાતઃ-પિતાનો વર માટે આમના માટેનો પક્ષપાત સર્વથા યોગ્ય જ છે, દ્વિતીય અંકમાં અંતે કદલીગૃહ તરફ જતાં જતાં પણ તે અતિશય શીતળ જળથી મારા પગ ઝલાઈ ગયા છે'' એવા બહાના હેઠળ ઊભી રહીને રાજાને નજર ચોરી જોઈ લેવાનો લોભ ખાળી શકતી નથી. આ રીતે આરણ્યકા આપણને પ્રણયાંકુરોથી ઉત્કંઠિત શકુન્તલા તથા ઉર્વશીની પણ યાદ અપાવે છે, ત્રીજા અંકની અંદર ગર્ભ નાટક દરમિયાન રાજાના હાથના સ્પર્શથી તેનાં અંગો સાત્ત્વિક ભાવ અનુભવે છે. રાજા પ્રત્યેના અપ્રતિમ પ્રેમભાવથી તે સંતપ્ત થાય છે. ગર્ભ નાટકની અંદર રાજાનું આરણ્યકા સાથે મિલન થાય એ માટે મનોરમા તથા વિદૂષક મળી જે ષડયંત્ર રચે છે તેનાથી તે અજાણ છે. આમ પોતે નિર્દોષ હોવા છતાં રાણી તેને અટકમાં લઈ કેદમાં પૂરી દે છે. બંધનમાં પણ તેને બંધનનું દુઃખ છે તેનાથી સવિશેષ દુઃખ રાજાનું હવે દર્શન થતું નથી એનું છે. આથી જ કદાચ તે મદિરાના બહાના હેઠળ વિષ મંગાવીને ગટગટાવી જાય છે. પોતાના હૃદયની સ્થિતિ તે પોતાના હૃદયસમાન સખીને પણ જણાવી શકતી નથી. રાજાએ પોતાને ભ્રમરોથી બચાવી હતી તે સ્થાન જોવાનો મોહ પણ તેના ઉત્કટ પ્રેમને દર્શાવે છે. ગર્ભ નાટકનાં રિહર્સલમાં તે જે ભૂલ કરે છે તે પણ તેની ઉદયન પ્રત્યેની ઉત્કટ પ્રણયભાવના વ્યક્ત કરે છે. આ બાબતમાં તેની ઉર્વસી સાથે સરખામણી થઈ શકે.

લલિતકળાઓમાં પણ તે નિપુણ છે. વાસવદત્તા પાઠ ભજવતી વખતે તે જે ગીત ગાય છે તેમાં વીણાવાદનના દશે પ્રકાર,ત્રણ પ્રકારના લય, ત્રણ પ્રકારના યતિ વ્યક્ત થાય છે. આ ઉપરાંત ત્રણે પ્રકારની વાદ્યવિધિઓ પણ વ્યક્ત થાય છે.વીણાવાદનમાં પણ તે નિપુણ છે અને અભિનય કળામાં પણ તે કુશળ છેજ. વાસવદત્તાનો તેનો અભિનય વાસવત્તાને જ રંગમંચ પર રજૂ કરે એટલો આસ્તવિક હતો. વિન્ધ્યકેતુ પાસેથી સેનાપતિ વિજયસેન જ્યારે તેને વત્સરાજ પાસે લાવે છે ત્યારે પણ રાજા તેના ગીત,નૃત્ય વગેરે કળાઓના શિક્ષણનો પ્રબંધ કરે છે.

સૌનાં હૃદય જીતી લે તેવો તેનો મળતાવડો સુંદર સ્વભાવ છે. અંતઃપુરની દાસીઓ અને રાણી વાસવદત્તાની દાસીઓ પણ તેનાં પ્રત્યે કોમળ લાગણીઓ ધરાવે છે, નાટિકામાં તેની ખરી ઓળખ અજ્ઞાત જ રહે છે. આથી તેના વ્યક્તિત્વનાં બધાં પાસાં કવિ વિકસાવી શકયા નથી. લાચારી અને લજ્જાથી તે નીડર બની પ્રેમમાર્ગે આગળ ચાલી શકતી નથી.

 

(૪) વાસવદત્તાનુ પાત્ર.

ઉદયન વિષયક કથાઓમાં તથા ભાસના સ્વપ્નવાસવદત્તમાં જે ઉદાત્ત અને ભવ્ય વાસવદત્તા છે તેની અહીં નાટિકામાં ઘણી અવનતિ થઈ છે. તેના પાત્રની ઓજસ્વિતા અને ગરિમા આ નાટિકામાં નહીવત જ દેખાય છે. વાસવદત્તામાં બંધાયેલા મારા ચિત્તને તો પદ્માવતી પણ અપહરી શકતી નથીએમ કહી ઉદયન વાસવદત્તા માટેના આકર્ષણને અને પ્રેમને જે અંજલી અર્પે છે તેનાં આ નાટિકાઓમાં ક્યાંય દર્શન થતાં નથી. તેના જાજરમાન વ્યક્તિત્વને લીધે ઉદયન તેના પ્રત્યે દાક્ષિણ્ય દાખવી તેનું ગૌરવ સાચવે છે. પતિહિતને માટે તે હવે આત્મભોગ આપનારી પત્ની પણ રહી નથી. ઉદાર માયાળું હોવા છતાં તે હવે કંઈક ઇર્ષ્યાળુ પણ બની છે. પતિના ચંચળ સ્વભાવ માટે તેને ઊંડો તિરસ્કાર છે.

નાટિકાનાં લક્ષણોની આવશ્યકતા અનુસાર જ્યેષ્ઠા નાયિકાનાં સર્વે લક્ષણો તેનામાં જોવા મળે છે. ઉદયન તથા પ્રિયદર્શિકાના પ્રણયમાં ઈર્ષ્યા પ્રેરિત વિઘ્ન ઊભું કરી તે પ્રણયનો ત્રીજો ખૂણો બને છે.

અન્ય રાણીઓની સરખામણીમાં ઉદયનને વાસવદત્તા માટે પક્ષપાત છે જ. તેના એક દિવસના વિરહથી પણ તે ઉત્કંઠિત થાય છે. રાણીને ન ગમતું હોય એવું કંઇજ કરવા તે તૈયાર નથી. રાણીની આમન્યા અને ગૌરવ તે હંમેશાં સાચવે છે. અનુનય સિવાય એને પ્રસન્ન કરવાનો અન્ય કોઈ ઉપાય રાજા પાસે હોતો નથી. તે અવંતીના રાજા પ્રદ્યોતની પુત્રી છે. વત્સરાજ ઉદયનની પ્રથમ પત્ની છે. સૌંદર્ય સંગીતપ્રેમ, પ્રેમાળ સ્વભાવ અને મોહકરૂપથી ઉદયને તેની સાથે પ્રેમલગ્ન કર્યું હતું.ત્યારબાદ અંતઃપુરમાં અન્ય રાણીઓ આવી હોવા છતાં તે બધીમાં પણ વાસવદત્તાનું સ્થાન વિશિષ્ટ જ હતું. પ્રેમને કારણે તેનો ઉદયનના જીવન પર અધિકાર હતો. પ્રિયદર્શિકા પ્રત્યે આકૃષ્ટ રાજા વાસવદત્તાથી ગભરાઈ ચોરીછૂપીથી જ તેને મળે છે. બીજા અંકમા ઈન્દીવરિકાને જોઈને રાજા-વિદૂષક બન્ને છૂપાઈ જાય છે. કારણ ઈન્દીવરિકા આ વૃત્તાંત રાણીને કહે તો મોટી આપત્તિ આવી પડે એવી ભીતિ સતત એને રહે છે. છેવટે પણ વાસવદત્તાની સંમતિ વગર રાજાનું આરણ્યકા સાથે લગ્ન થતું નથી.

ગર્ભ નાટકમાં આરણ્યકા તથા મનોરમા બન્ને વાસ્તવિક વાસવદત્તા તથા ઉદયન જેવાં લાગે તે માટે તે પોતાનાં આભૂષણો તથા પિતાએ ઉદયનને આપેલાં આભૂષણો આપે છે. પોતાના જીવનનું રોમાંચક પૂર્વવૃત્તાંત જોવાનું તેને ખૂબ ગમે છે. મૂળ પ્રસંગમાં ઉદયન સાંકળથી બંધાયેલ હતા આથી નાટકમાં પણ તે નીલકમળની માળાનું બંધન કરાવે છે. ગર્ભ નાટક શરૂ થાય છે ત્યારે રંગમંચ પર ઉદયનના પાત્રમાં મનોરમાને બદલે સ્વયં ઉદયન જ આવે છે તેની તેને જાણ નથી. છતાં ઉદયનને જોઈ તે એકદમ ઊભી થઈ જાય છે, અને રાજાનો જય હો, જય હો'' – એમ કહે છે. સાંકૃત્યાયની તેને યાદ દેવડાવે છે કે આ તો નાટક છે, ત્યારે તે સમજે છે કે આ તો ઉદયનની ભૂમિકામાં મનોરમા છે. સાંકૃત્યાયની કહે છે મનોરમા એ સાક્ષાત્ વત્સરાજ ખડા કરી દીધા છે.આ પંક્તિઓની નાટ્યાત્મક વક્રોક્તિ તેને સમજાતી નથી. નાટકમાં જ્યારે વધુ પડતી છૂટછાટ લેવાય છે ત્યારે તેનાથી તે સહન થતું નથી. ઉદયન આરણ્યકાનો હાથ પકડે છે તથા તેને પોતાના આસન પર જ બેસાડે છે, તે એનાથી જોયું જતું નથી. વધારે પડતી કલ્પના કરવા બદલ તે સાંકૃત્યાયનીને પણ ઠપકો આપે છે. સાંકૃત્યાયનીના ખુલાસા તેને અપ્રતીતિકર લાગતાં તે ચાલવા માંડે છે. વિદૂષકના નિદ્રાવસ્થામાંથી જાગ્યા પછીના બબડાટથી બધો જ ભંડો ફૂટી જાય છે. આથી ક્રુદ્ધ થયેલી તે બધાની ખબર લઈ નાખે છે. વિદૂષક તથા આરણ્યકાને બંધનમાં જ નાખી દે છે. ફુલની માળાના બંધનથી આપને ઓળખ્યા નહીં અને બંધનમાં નાખ્યા માટે ક્ષમા ચાહું છું'' એમ કહી વેધક કટાક્ષ દ્વારા તે રાજાની પણ ખબર લઈ નાખે છે. પગે પડી અનુનય કરતા રાજાની તે પરવા કરતી નથી, અને રોષભરી ધૂંધવાતી તે ચાલી જાય છે. આમ તે સ્વમાની, પીઢ અને રૂઆબદાર છે. તેનો રોષ તથા ઈર્ષ્યા સકારણ અને સ્વાભાવિક પણ છે અને તેથી જ ક્ષમ્ય પણ છે.

માતા અંગારવતી દૃઢવર્માને છોડાવવા ઉદયન પ્રયત્ન કરે એ માટે વાસવદત્તાને પત્ર લખે છે, પણ વાસવદત્તા સમજે છે કે હવે રાજા ઉદયન પર તેનો અધિકાર રહ્યો નથી. આથી પોતાના માસા દૃઢવર્માની મુક્તિ એ ઘણી દૂરની શકયતા છે એમ જાણી તે મનમાં બળ્યા કરે છે. રાજાનો અનુનય અસ્વીકાર્યો હોઈ હવે રાજાને કંઈ કહેવાનું મન પણ થતું નથી. તેને જ્યારે ખબર પડે છે કે રાજાએ દૃઢવર્માને મુકત કરવા તથા કલિંગરાજને હણવા પગલાં ભર્યાં છે ત્યારે તે રાજાનો આભાર માને છે.

તે સ્વભાવે ચાલાક પણ છે. દરેક વાતનો મર્મ અને સૂક્ષ્માર્થ સમજતાં તેને વારલાગતી નથી. રાજા ઉદયન દેવી વાસવદત્તાને અભિનંદન આપતાં કહે છે કે આપણા સેનાપતિ વિજયસેને દૃઢવર્માને ગાદીએ બેસાડવા છે અને શત્રુને હણી નાખ્યા છે. રાણી રાજ્યનો ઉપકાર માને છે. આ તકનો લાભ લઈ વિદૂષક બોલે છે કે આવા અભ્યુદયકાળે બધા કેદીઓને છૂટા કરી દેવા જોઈએ. વાસવદત્તા તરત સમજી જાય છેકે આ દુષ્ટે આરણ્યકાને આ તકનો લાભ લઈ છોડાવી.

આ ઉપરાંત રાજા ઉદનય ઝેર ઊતારી આરણ્યકાને પુનર્જીવન બક્ષે છે ત્યારે પણ વિદૂષક તરત કહે છે કે વૈદ્યનું પારિતોષિક તો ભૂલાઈ ગયું. રાણી તરત જ વિદૂષકનું મનવાંછિત સમજી જાય છે અને આરણ્યકાનું રાજા સાથે લગ્ન કરાવે છે.

લોકવ્યવહારથી પણ તે અજાણ નથી જ. આરણ્યકા જ્યારે મદિરાને બદલે ઝેર પી જાય છે અને મુશ્કેલીમાં છે ત્યારે તે તરત જ સમજી જાય છે કે મેં જ એને ઝેર પાઈને વગે કરી છે એમ જ લોકો તો વાતો જોડી કાઢવાના અને તે કલ્પનાથી જ તે કંપી ઊઠે છે. આરણ્યકાને બચાવવા તે ઝડપથી પગલાં લે છે. આરણ્યકા તો પોતાના મસિયાઈ બહેન છે તે સમજતાં તેને તરત ભેટી પડે છે, અને તેનું તેના પિતાની ઈચ્છાનુસાર ઉદયન સાથે લગ્ન કરાવે છે.

 

 

 

(૫) સાંકૃત્યાયનીનો પરિચય.

માલવિકાગ્નિમિત્ર નાટકની અંદર પંડિત કૌશિકીના પાત્ર પરથી પ્રેરણા લઈને શ્રી હર્ષવર્ધનેપ્રિયદર્શિકા નાટિકામાં સાંકૃત્યાયનીનું પાત્રાલેખન કર્યું છે. વાસવદત્તાની તે ધાત્રી છે. તે વાસવદત્તાના પિયરની હોય એમ લાગે છે, રાણીની તે વિશ્વાસપાત્ર છે. તે પીઢ, માનનીય અને વિદૂષી વૃદ્ધા છે. વાસવદત્તાની તે અંગત સલાહકાર અને વડીલ છે, માતા અંગારવતીના પત્રથી જ્યારે વાસવદત્તા ચિંતિત બની જાય છે ત્યારે તેને હિંમત આપવા માટે સાંકૃત્યાયનીને જ બોલાવવામાં આવે છે, તે આવીને રાણીને ઉદ્વેગ ન કરવા સમજાવે છે અને ઉદયન તેની ઉપેક્ષા કરે એવા નથી તેમ સમજાવી તે અવશ્ય દૃઢવર્માને પુનઃ ગાદી પર બેસાડશે એમ કહી હિંમત આપે છે, નાટિકાના ત્રીજા અંકમાં ‘‘ઉદયનચરિતએ ગર્ભ નાટકની રચિયતા પણ તે જ છે. તેનાથી તેનું કવિત્વજ્ઞાન પણ વ્યક્ત થાય છે. ગાન્ધર્વવિવાહ શાસ્ત્રસંમત છે એમ કહી તે સ્મૃતિશાસ્ત્રનું જ્ઞાન પણ વ્યક્ત કરે છે. નાટકની અંદર જ્યારે મૂળ પ્રસંગ બન્યા હતા તેના કરતાં વિશેષ કલ્પનાઓ થયેલી વાસવદત્તા જુએ છે ત્યારે પણ સાંકૃત્યાયની નાટક તો આવું જ હોયકહી રાણીને સમજાવે છે. કદાચ ગર્ભ નાટકમાં મનોરમાવિદૂષકની જે યોજના છે તેમાં પણ આ સાંકૃત્યાયની સહભાગી હોય એમ લાગે છે. રાણી રોષે ભરાઈને ચાલી જાય છે ત્યારે પણ સાંકૃત્યાયની રાણીને તેમ ન કરવા સમજાવે છે. મનોરમા તથા વિદૂષકનું ષડયંત્ર જ્યારે જાહેર થઈ જાય છે ત્યારે વ્યવહારું બુદ્ધિવાળી આ સાંકૃત્યાયની ત્યાંથી દૂર ખસી જાય છે. રાણી કરતાં રાજાની સ્થિતિને તે વધુ સારી રીતે સમજી શકે છે. દૃઢવર્માની મુક્તિની વધાઈ વિજયસેન લાવે છે ત્યારે વિદૂષક બધા કેદીઓને છોડી મૂકવાનું સૂચન કરે છે. સાંકૃત્યાયની પણ તરત કહે છે કેબિચારી આરણ્યકાને કેદ રાખવાથી શો ફાયદો છે ? આમ તે આરણ્યકાની મુક્તિમાં સહાયક બને છે.

 

(૬) મનોરમાનું પાત્ર.

         ત્રીજા તથા ચોથા અંકોમાં મનોરમા એક અગત્યનું પાત્ર છે, તે રાણી વાસવદત્તાની સખી છે. પણ આરણ્યકોની હિતેચ્છુ છે. આરણ્યકાનાદ્વિતીય હ્રદય જેવી તે છે, તે આરણ્યકાનું સતત સહાનુભૂતિપૂર્વક ધ્યાન રાખે છે. આરણ્યકા રાજા ઉદયનને ચાહે છે ત્યારે શકુન્તલાની સખીઓની તેમજ મનોરમા પણ બોલી ઊઠે છે કે આરણ્યકાનો ઉદયન માટેનો અનુરાગ એના આભિજાત્યને અનુરૂપ જ છે. તે આરણ્યકાને આશ્વાસન આપે છે કે રાજા ઉદયનની નજરે પડવાથી હવે તે રાજા પોતે જ આરણ્યકાના સમાગમ વગર વ્યાકુળ બનશે અને તેની સાથે મિલન થાય જેના ઉપાય પણ સ્વયં શોધી કાઢશે. દુર્ભાગી એવી મારા ભાગ્યમાં આવું ક્યાથી બને એમઆરણ્યકા કહે છે ત્યારે મનોરમા કહે છે કે કમલિનીમાં બંધાયેલ પ્રીતિવાળો ભમરોમાલતીને જોઈને તેને મેળવ્યા સિવાય શી રીતે રહી શકે ? રાજાનો સંતાપ દૂર કરવા માટે તે જ આરણ્યકાના વક્ષ:સ્થળ પરનાં કમળપત્રો વિદૂષકના હાથે રાજા માટે મોકલાવે છે. આ ઉપરાંત વિદૂષક સાથે સંતલસ કરીને તે જ ગર્ભ નાટકમાં ઉદયન-આરણ્યકાના મિલનની યોજના કરે છે. ગર્ભ નાટકના અંતે વિદૂષકની મૂર્ખામીથી બધો ભંડો ફૂટી જાય છે ત્યારે પણ તે ચતુરાઈથી દોષનો ટોપલો વિદૂષકના માથે નાખી દે છે. હકીકતમાં આ સમગ્ર યોજનાની સૂત્રધાર તે જ છે પણ બધું વિદૂષકના માથે ઓઢાડી પોતે છટકી જાય છે. કેદ પકડાયેલી આરણ્યકાની પણ તે કાળજી રાખે છે. આરણ્યકાના વિષપાનના સમાચાર વાસવદત્તા પાસે તેજ લઈને આવે છે.

 

પ્ર-૪ પ્રિયદર્શિકા નાટિકા તરીકે સમજાવો.

         સંસ્કૃત ભાષામાં રચાયેલા સાહિત્ય માટે કાવ્ય' સંજ્ઞા પ્રયોજાય છે. આ કાવ્યના દૃશ્ય અને શ્રાવ્ય એમ બે પ્રકારો છે. દ્રશ્યના વળી રૂપક તથા ઉપરૂપક એમ બે પ્રકારો છે. રૂપકના દસ પ્રકારો છે. નાટક, પ્રકરણ વગેરે રૂપકના જ પ્રકારો છે. ઉપરૂપકના અઢાર પ્રકાર છે. નાટિકા, પ્રકરણિકા, સટ્ટક તથા ત્રોટક વગેરે ઉપરૂપકના પ્રકારો છે. રૂપકોમાં નાટકનું તથા ઉપરૂપકોમાં નાટિકાનું સૌથી વધુ ખેડાણ થયું છે. નાટ્યદર્પણના કર્તા રામચંદ્ર અને ગુણચંદ્ર નાટિકા તથા પ્રકરણિકાને પણ રૂપક ગણે છે અને આમ તેમના મતે રૂપકના પ્રકાર દસ નહિ પણ બાર છે, દર્શરૂપકના લેખક ધનંજય નાટક તથા પ્રકરણ એ બે રૂપકના પ્રકારોના મિશ્રણથી આ 'નાટિકા' નામનો પ્રકાર બને છે એમ કહે છે. ધનંજય ઉપરૂપકોમાં ફક્ત નાટિકા-એ ઉપરૂપકનાં જ લક્ષણ આપે છે.

ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં ‘‘નાટી'' એમ જે ઉલ્લેખ છે તે દ્વારા નાટિકાજ અભિપ્રેત કે વિવક્ષિત છે. પરંતુ કેટલાક વિદ્વાનો આ અંશને પ્રક્ષિપ્ત માને છે. આથી નાટિકા”નું સ્વરૂપ ચૌદમી સદીમાં થઈ ગયેલા વિશ્વનાથના સાહિત્યદર્પણમાં તથા દશમી સદીમાં થયેલા ધનંજયના દશરૂપકમાં વિગતે નિશ્ચિત થયેલું જોવા મળે છે. એ પણ નિર્વિવાદ છે કે ઈ.સ.ની સાતમી સદીમાં થયેલા રાજા હર્ષવર્ધનની બે નાટિકાઓ- રત્નાવલી તથા પ્રિયદર્શિકાને આધારે જ વિશ્વનાથે તથા ધનંજયે નાટિકાનાં લક્ષણો તારવ્યાં છે. વિશ્વનાથ આ નિરૂપણમાં દસરૂપકકારને જ અનુસરે છે.

નાટક અને નાટિકા વચ્ચે ભેદ :

(૧) નાટકનું વસ્તુ પ્રસિદ્ધ હોવું જોઈએ. મોટે ભાગે તે ઈતિહાસમાંથી લેવામાં આવે છે. નાટિકામાં વસ્તુ મૌલિક હોય છે.

(૨) નાટકમાં નાયક ધીરાદાત્ત હોય છે જ્યારે નાટિકામાં નાયક ધીરલલિત હોય છે.

(૩) નાટકમાં પુરુષપાત્રો વધુ હોય છે. જ્યારે નાટિકામાં સ્ત્રી-પાત્રો વધુ હોય છે.

(૪) નાટકનો મુખ્યરસ શૃંગાર, વીર કે કરૂણ હોય છે, જ્યારે નાટિકામાં મુખ્ય રસ શૃંગાર હોય છે.

(૫) નાટકમાં અંકની સંખ્યા પાંચ, સાત કે દસની હોય છે, જ્યારે નાટિકામાં અંકો ચારઅ જ હોય છે.

શ્રી હર્ષની પ્રિયદર્શિકાનું સ્વરૂપ નાટિકાપ્રકારનું છે. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસે મેઘદૂતથી જેમ દૂતકાવ્યની પરંપરા આપી તેમ શ્રી હર્ષે રત્નાવલી તથા પ્રિયદર્શિકા નાટિકાઓથી નાટિકા-પરંપરા આપી છે. કાલિદાસના માલવિકાગ્નિમિત્રનું સ્વરૂપ નાટિકાના જેવું હોવા છતાં તેમાં પાંચ અંક હોવાથી તે નાટક જ રહ્યું છે.

(૧) બાહ્મસ્વરૂપ : નાટિકામાં ચાર અંક હોવા જોઈએ. તેમાં વિમર્શ-સંધિ અલ્પ પ્રમાણમાં હોય કે તેનો સદંતર અભાવ હોય છે. અર્થાત પાંચ સંધિઓમાંનાટિકામાં મુખ, પ્રતિમુખ, ગર્ભ તથા નિર્વહણ સંધિ હોવી જોઈએ.

પ્રિયદર્શિકામાં પણ ચાર જ અંક છે. વિમર્શ સંધિ નિર્વહણ સંધિમાં મિશ્રિતથતી ચોથા અંકમાં જોવા મળે છે. સંધિઓ તથા સંધ્યંગો રત્નાવલીમાં જેટલાં વિશદ રીતે જોઈ શકાય છે તેટલા પ્રમાણમાં પ્રિયદર્શિકામાં તેમનું નિરૂપણ નથી.

(૨) સ્ત્રીપાત્રો : નાટિકામાં સ્ત્રીપાત્રોનું પ્રાધાન્ય હોય છે. નાટિકાનું વાતાવરણ સંગીતમય હોવું જોઈએ તથા શૃંગાર મુખ્ય રસ હોવો જોએ, આમ વાતાવરણ તથા મુખ્ય રસને અનુરૂપ સ્ત્રીપાત્રોનું પ્રાધાન્ય જરૂરી છે.

પ્રિયદર્શિકામાં પણ આરણ્યકા, વાસવદત્તા, કાંચનમાલા, ઇન્દીવરિકા, સાંકૃત્યાયની તથા મનોરમા વગેરે મુખ્ય સ્ત્રીપાત્રો છે. તે સંખ્યાની દૃષ્ટિએ જ વધુ છે એમ નથી મહત્ત્વની દૃષ્ટિએ પણ પુરુષપાત્રો કરતાં સ્ત્રીપાત્રો ચઢીયાતાં છે. રાજા ઉદયન આરણ્યકા ને ચાહે છે પણ વિદૂષકની સહાય વગર તેનું આરણ્યકા સાથે મિલન થઈ શકતું નથી. ગર્ભ નાટકની યોજના પણ સાંકૃત્યાયની તથા મનોરમાનું જ સર્જન છે. વાસવદત્તાની જ સંપૂર્ણ વફાદાર હોય એવી દાસીનો આ નાટિકામાં અભાવ છે.

(૩) વસ્તુ : નાટિકાનું કથાવસ્તુ કલ્પિત હોવું જોઈએ. કથાનક ઐતિહાસિક ન હોવું જોઈએ. ભરતમુનિએ નાટીના નક્ષણમાં કહ્યું છે કે તેનું કથાનક કલ્પિત કે પ્રખ્યાત બન્ને હોઈ શકે. પણ પછીના આલંકારિકો કથાનક કલ્પિત જ હોવું જોઈએ એવો આગ્રહ રાખે છે. આ કવિકલ્પિત કથાનક પ્રાચીન કથાઓમાં પ્રચલિત હોય એવું પણ બને છે.

પ્રિયદર્શિકાનું કથાવસ્તુ ઉદયન વિષયક લોકકથા પર આધાર રાખનારું હોવા છતાં, મુખ્યતયા કવિકલ્પિત જ છે. શ્રી હર્ષે તેમાં ઘણાં પરિવર્તનો કર્યાં છે તેમજ અનેક પ્રસંગો સ્વયં કલ્પીને ઉમેર્યા છે.

 

(૪) નાયક : નાટિકાનો નાયક ધીરલલિત, પ્રખ્યાતવંશનો રાજા હોવો જોઈએ. ધીરલલિત: કલા સક્ત: મૃદુ: અર્થાત્ ચિન્તામુકત, કલા પ્રત્યે આસક્ત, સુખી અને સૌમ્ય નાયક ઘીરલલિત કહેવાય છે. રાજાનો ભાર તે સચિવોને સોંપી દે છે. નવરાશનો સમય પ્રાપ્ત થતાં તે ગીત, નૃત્ય વગેરે કળાઓમાં રસ દાખવે છે,ભોગવિલાસી બની તે સુખપૂર્વક રહે છે અને પરિણામે તે મૃદુ પણ બને છે. પ્રિયદર્શિકાનો નાયક ઘીરલલિત છે. આરણ્યકાને તે ચાહે છે છતાં વાસવદત્તાપ્રત્યે દાક્ષિણ્યનો તે ત્યાગ કરતો નથી.

વળી આ ઉદયન પ્રખ્યાત વંશનો રાજવી છે. કાલિદાસ પણ મેઘદૂતમાં ઉદયનકથામાં પ્રવીણ ગ્રામવૃદ્ધોનો ઉલ્લેખ કરે છે.

(૫) નાયિકા : નાટિકામાં નાયિકા જ્યેષ્ઠા અને મુગ્ધા એમ બે પ્રકારની હોવી જોઈએ. મુગ્ધા નાયિકા વયમાં નાની, યૌવન પૂર્વેની મુગ્ધાવસ્થામાં રહેલી અને રાજવંશમાં જન્મેલી હોવી જોઈએ. તે સુંદર અને લલિતકળાઓમાં નિપુણ હોવી જોઈ. તે પ્રગલ્ભ. માનિની તથા ગંભીર પ્રકૃતિની હોવી જોઈએ. પ્રિયદર્શિકામાં આરણ્યકા મુગ્ધા નાયિકાનાં સર્વ લક્ષણો ધરાવે છે જ્યારે વાસવદત્તા જ્યેષ્ઠા નાયિકાનાં સર્વ લક્ષણ ધરાવે છે.

(૬) પટરાણીનો પ્રભાવ : નાટિકામાં નાયક મોટી રાણીથી ગભરાતાં છાનોમાનો નવી નાની પ્રેયસી સાથે પ્રેમ કરે છે. તે દાક્ષિણ્યયુક્ત હોઈ પટરાણીને નારાજ કરતો નથી પણ તેનું ગૌરવ કરવાનું પણ ચૂકતો નથી. નાયિકા કરતાં આ પટરાણી નાટિકામાં અગત્યનો ભાગ ભજવનારી હોય છે. નાયક-નાયિકાનો સમાગમ તેને અધીન હોય છે. ડગલેને પગલે તે રોષે ભરાય છે અને માન માગે છે. અંતે તે પોતેજ નાયક- નાયિકાનું મિલન કરાવી આપે છે.

પ્રિયદર્શિકાની અંદર પણ વાસવદત્તા એક જાજરમાન વ્યકિતત્વ ધરાવનારી પટરાણી છે. પ્રદ્યોત મહાસેનની તે પુત્રી છે. ગર્ભ નાટકમાં ઉદયન પોતે જ વાસવદત્તાની ભૂમિકામાં રહેલી આરણ્યકાને મળે છે તે જાણ્યા બાદ તે આરણ્યકા તથા વિદૂષક બન્નેને કેદમાં પૂરી દે છે. આરણ્યકા તેની મસિયાઈ બહેન છે તેમ જાણી તે ખુશ થાય છે અને રાજા સાથે તેનું મિલન કરાવે છે.

         (૭) કૈશિકી-વૃત્તિનું પ્રાધાન્ય :નાટિકામાં કૈશિકી વૃત્તિનું પ્રાધાન્ય હોય છે. શૃંગારરસને અનુરૂપ જ આ વૃત્તિ અહીં યથોચિત જ હોય છે. કૈશિકી વૃત્તિમાં સંગીત, નૃત્ય તથા પ્રણય-ક્રીડાઓ હોય છે. નર્મ, નર્મ સ્ફૂર્જ,નર્મ સ્ફોટ તથા નર્મ ગર્ભ-એ આ વૃત્તિનાં ચાર અંગ છે. સામાન્યતઃ નાટિકાના ચાર અંકોમાં આ ચાર અંગોનું નિરૂપણ હોય છે.

પ્રિયદર્શિકામાં કૈશિકીવૃત્તિનાં દર્શન થાય છે. આ વૃત્તિનાં અંગો પણ આનાટિકામાં છે જ.

(૮) ફલ : નાટિકાના અંતે સ્ત્રી અથવા પૃથ્વી અથવા તો સ્ત્રી પૃથ્વી બન્ને ફલરૂપે પ્રાપ્ત થતાં હોવાં જોઈએ. નાટિકાનું ફળ સ્ત્રીપ્રાપ્તિ હોવું જોઈએ.

પ્રિયદર્શિકા નાટિકાના અંતે રાજા ઉદયનને આરણ્યકા સ્ત્રીફલની પ્રાપ્તિ થાય છે.આથી આ નાટિકાને સ્ત્રીફલા કહી શકાય.

(૯) શીર્ષક: નાટિકાનું નામ તેની નાયિકાના નામ પરથી સામાન્ય રીતે પાડવામાં આવે છે. જેમકે રત્નાવલી નાયિકા પરથી નાટિકાનું નામ જ રત્નાવલી આપવામાં આવ્યું છે. પ્રિયદર્શિકા એ નાયિકા પરથી જ આ નાટિકાનું પણ ‘‘પ્રિયદર્શિકાએમ શીર્ષક આપવામાં આવ્યું છે.

(૧૦) રસ : નાટિકાનો મુખ્ય રસ શૃંગાર હોય છે.

પ્રિયદર્શિકામાં પણ મુખ્ય રસ શૃંગાર જ છે. શૃંગારરસનાં વર્ણનો તથા પ્રસંગો આ નાટિકામાં વિશેષ આલેખાયાં છે. વિદૂષકની ઉક્તિઓમાં હાસ્યરસનું પણ નિરૂપણ થયું છે.

(૧૧) નાટિકાનું સમગ્ર વાતાવરણ સંગીતમય હોવું જોઈએ. નૃત્ય, ગીત તથા વાજિંત્રોનું પણ નિરૂપણ હોય છે. નાટિકાનું ધ્યેય કોઈ જીવનના શાશ્વત સિદ્ધાંતો નિરૂપવાનું નથી પરંતુ ઘડીભર જોયા માણ્યાનો આનંદ મળી રહે એ જ સવિશેષ હોય છે. સંગીતમય વાતાવરણમાં જ નાટિકાના બધા પ્રસંગો નિરૂપાયા છે.

પ્રિયદર્શિકામાં આ પણ લક્ષણ સાર્થક થયું છે. તેનું વાતાવરણ પણ નૃત્ય તથા સંગીતમય છે. તેનું ધ્યેય પણ આનંદ-પ્રમોદનું જ છે. જીવનનું ગહન દર્શન એનું લક્ષ્ય નથી. નાટિકાનો ઉદ્દેશ્ય નિરૂપતાં Prof. R. N. Gaidhani-રત્નાવલી નાટિકાની પ્રસ્તાવનામાં કહે છે

a Natika is thus a light comedy of court or rather, a harem- intrigue with a very narrow range for elaboration; either in character. plot or sentiments. Its basic mirth and gaiety precludes the introduction of any serious element. It affords, however, good scope for pageantry ond the spectacular. "It was conceived as a pleasant amusement of short duration to beguile the weary hours of courtly audience of not a very fastidious literary taste."

 

પ્ર-૫ પ્રિયદર્શિકાનું મૂલ્યાંકન કરો.

     શ્રી હર્ષ- નિપુણ કવિ- ચર્ચો.

 

હર્ષ - એક નાટ્યકાર તરીકે

         પ્રિયદર્શિકાની પ્રસ્તાવનામાં શ્રીહર્ષ પોતાની નાટ્યકુશળતા બતાવમાં સ્વયં કહે છે શ્રીહર્ષોં નિપુણ:કવિ: શ્રીહર્ષનો આ નિપુણ હોવાનો દાવો કેટલે અંશે વાજબી છે તે એક વિવાદાસ્પદ પ્રશ્ન છે. કદાચ નાટ્યકાર કરતાં કવિ તરીકે તે વધુ સફળ છે એમ અવશ્ય કહી શકાય, શ્રી બેલા બોઝ આજ સંદર્ભમાં કહે છે. “He (shri Harsha) deserves greater praise as a poet than as a dramatist." આદ્ય રંગાચાર્ય પણ અફસોસ વ્યક્ત કરે છે. એક સારો કવિ નબળો નાટ્યકાર બની ગયો.

"The only marvel is, how such a fine poet turned out to be such a poor dramatist.” શ્રી કાંગ્લે જેવા વિદ્વાનો પણ કહે છે કે નાટ્યકાર કરતાં હર્ષ કવિ તરીકે ઘણો મહાન છે. “Perhaps Harsha was greater as a poet than as a dramatist."

આદ્ય રંગાચાયૅ તો એટલે સુધી કહી નાખે છે કે – The real trouble with Harsha was that he was least qualified to be a dramatist, અર્થાત નાટ્યકાર તરીકેની ઓછામાં ઓછી પાત્રતા તેનામાં છે.

 

તેની પ્રિયદર્શિકા એ નાટિકા રત્નાવલીની નકલમાત્ર જ છે. રત્નાવલી સાથેની સરખામણીમાં પણ પ્રિયદર્શિકા સંવિધાનની દૃષ્ટિએ ઘણી બધી નબળી નાટ્યકૃતિ છે. ડૉ. ડે.યોગ્ય જ કહે છે કે –“The “Priyadarshika'' by the side of Ratnavali, which is undoubtedly the better play in every respect, is almost superfluous, for having hardly any striking incident. Character or idea which does not possess its counterpart in its twin play."

 

વસ્તુ-સંવિધાન

પ્રિયદર્શિકા એ નાટ્યકૃતિ તરીકે તદ્દન સામાન્ય કક્ષાની, કોઇ વિશેષતા વગરની નબળી કૃતિ છે. સાહિત્યિક તથા સંવિધાન કળાની દૃષ્ટિએ પણ તેની ક્ષતિઓ ઘણી છે, નાટિકામાં unity of action-કાર્યાન્વિતિનો અભાવ છે. નાટ્યકૃતિની અંદર કથાતંતુઓની ગૂંથણીથી એક અનન્ય અનુપમ કલાકૃતિ નિપજવી જોઈએ. નાટ્યકૃતિની અંદર organic-unity હોવી જોઈએ. આ organic unity પણ એક સજીવ વૃક્ષનાજેવી હોવી જોઈએ, રેતીના ઢગલા જેવી નહીં. નાટ્યકૃતિમાં પ્રત્યેક પ્રસંગ આગન્તુક ન લાગવો જોઈએ. પ્રિયદર્શિકામાં સંવિધાન કલાની દૃષ્ટિએ નીચે પ્રમાણે ત્રુટિઓ છે.

(૧) પ્રથમ અંકની અંદર રાજા ઉદયનના સેનાપતિના વિન્ધ્યકેતુ પરના હુમલાનું કોઈ જ કારણ દર્શાવવામાં કે સૂચવવામાં આવ્યું નથી. પ્રિયદર્શિકાને તેના ભાવી પતિ ઉદયન પાસે લાવવાના આશયમાત્રથી જ આ આક્રમણ નિરૂપાયું છે. વિન્ધ્યકેતુને ત્યાં પ્રિયદર્શિકાને મૂકી અગસ્ત્યતીર્થં સ્નાન કરવા ગયેલો કંચુકી પાછો આવે ત્યાં સુધીમાં વિન્ધ્યકેતુનું આખું નગર ઉજ્જડ થઈ જાય અને માત્ર રડતી પ્રિયદર્શિકા સેનાપતિના હાથમાં આવે તે અપ્રતીતિકર લાગે છે. વળી સ્વામી દૃઢવર્મા બંધનમાં છે અને દુઃખી છે એ સમાચાર કંચુકીના આવતા પહેલાં વિન્ધ્યકેતુ પાસે આવી જાય છે તે પણ બુદ્ધિ સરળતાથી સ્વીકારી શકતી નથી.

(૨) પ્રથમ અંકની અંદર નાયક-નાયિકાના પ્રણયનું બીજ નિક્ષિપ્ત થયું નથી એ પણ એક મોટી ક્ષતિ છે. એક નાનકડી નાટિકાનો આખો અંક જતો રહે, છતાં નાયક-નાયિકાના પ્રણયનું બીજ નિહિત ન કરવામાં લેખક નિષ્ફળ જાય એ નાટ્યકારની મોટી ક્ષતિ કહેવાય. પ્રો.કાંગ્લે તથા કાલે પણ આ ઉણપ પ્રત્યે ધ્યાન દોરે છે.

(૩) બીજા અંકમાંનો ભ્રમરબાધા પ્રસંગ શાકુન્તલના ભ્રમર-પ્રસંગનું કૃત્રિમ અનુકરણમાત્ર જ છે.નાયિકા સાથે નાયકના મિલન કરાવવાના ઉદ્દેશથી પ્રેરાઈને જ હર્ષે તેનું નિરૂપણ કર્યું છે. પરંતુ શાકુન્તલમાં તે પ્રસંગ જે પ્રતીતિ કર, વાસ્તવિક, અસરકારક અને આકર્ષક લાગે છે એનો અહીં અભાવ છે.

(૪) ત્રીજાઅંકના ગર્ભ નાટકમાં મનોરમાને સ્થાને ઉદયને જ પોતાની ભૂમિકા ભજવે છે પરંતુ તેને સાંકૃત્યાયનીના નાટકની પ્રતની માહિતી નથી. તે તો અધવચ્ચે જે રંગમંચ પર આવીને કોઈ જ તૈયારી કે સાચી માહિતી વગર બોલવા માંડે છે. વળી વાસવદત્તાની ભૂમિકામાં રહેલ આરણ્યકાને તો મનોરમાની યોજનાની ખબર જ નથી. આ સંજોગોમાં રંગમંચ પર ચાલતા દ્રશ્યને માન્ય રાખી સાંકૃત્યાયની સાચી વાસવદત્તાને સમજાવે છે તે સુસંગત કે પ્રતીતિકર લાગતું નથી. ઉદયનને સ્પર્શન સાત્વિક ભાવ અનુભવતી હોવા છતાં આરણ્યકા ઉદયનને ઓળખી શકતી નથી એ વાત પણ આપણી બુદ્ધિ સ્વીકારી શકતી નથી.

(૫) નાટિકાનો ચોથો એક પણ વર્ણનાત્મક જ છે. બનાવોનો નિરર્થક શંભુમેળો અહીં રજુ થયો છે. રંગાચાર્ય કહે છે- "Priyadarshika opens in diffidence, develops into confusion and ends in chaos and convention"

આ સિવાય મદિરાને બદલે આરણ્યકાનું ઝેર ગટગટાવી જવાની ઘટના રાજા સાથે તેનું મિલન થાય અને અંતે લગ્ન થાય એટલા માટે જ રજૂ કરવામાં આવ્યું છે. તે પ્રસંગ પણ પ્રતીતિકર લાગતો નથી.

સમગ્ર નાટિકાની અંદર રાજા હર્ષને નાટ્યકાર તરીકે યશ અપાવે તેવો એક જ ઉત્તમ પ્રસંગ છે અને તે છે ગર્ભ નાટકનો પ્રસંગ. ભવભૂતિ જેવા સમર્થ નાટ્યકારે પણ આમાંથી પ્રેરણા લઈ ઉત્તરરામચરિત નાટકમાં સાતમા અંકમાં તેનું આયોજન કર્યું છે. ડૉ. ડે. કહે છે - The only original fenture of the Priyadrashika, is the effective introduction of a play within a play as an integral part of the action, and its interruption (as in Hamlet) brought out by its vivid reality, શેક્સપીઅરના મહાન નાટક હેમ્લેટમાં રજૂ થયેલા ગર્ભ નાટકની અંદર હેમ્લેટનો કાકો ક્લોડિયસ, હેમ્લેટ પોતે, ફેલિયા તથા પોલોનિયસ નાટક જુએ છે. નાટકમાં એક દૃશ્ય ભજવાય છે જેમાં બગીચામાં એક રાજા ઊંઘતો હતો અને તેના કાનમાં એનો ભત્રીજો ઝેરી રસ રેડતો હતો. આ દૃશ્ય જોતાં જ ક્લોડિયસ ફિક્કો પડી જાય છે. તે ચમકીને ઊભો થઈ જાય છે. બાકીનું દ્રશ્ય જોવાની તેનામાં હામ રહી નથી. પ્રિયદર્શિકાના ગર્ભનાટકમાં પણ વાસવદત્તાની ભૂમિકામાં સખી આરણ્યકા સાથે ઉદયન (ઉદયનની ભૂમિકામાં મનોરમા) વધુ પડતી છૂટછાટ લે છે તથા રાણી વાસવદત્તા અધવચ્ચે જ અકળાઈ ને ઉભી થઈ જાય છે અને ચાલવા માંડે છે. આ સિવાય મનોરમાએ જાણે સાક્ષાત વત્સરાજ જ ખડા કરી દીધા છે- એ સાંકૃત્યાયનીની ઉક્તિમાંની વક્રોક્તિ ખૂબજ સચોટ અને વેધક છે. ચોથા અંકની અંદર કંચુકી કહે છે કે આરણ્યકા વિન્ધ્યકેતુ ને ત્યાંથી ગૂમ થઈ ત્યારથી તેનો પત્તો નથી કે તે ક્યાં છે ? તરત જ ત્યાં દોડતી આવીને મનોરમા બોલે છે –ભઠ્ઠિનિ, પ્રાણશંસયે વર્તતે સા તપસ્વિની અહીં સુંદર પતાકા સ્થાનક રચાય છે.

શીર્ષક : નાટિકાનું એક લક્ષણ જ છે કે તેનું શીર્ષક નાયિકાના નામ પરથી જપાડવામાં આવે છે એ દૃષ્ટિએ પણ આ કૃતિમાં પ્રિયદર્શિકાએ નાયિકાના નામથી નાટિકાનું નામ પણ પ્રિયદર્શિકા રાખવામાં આવ્યું છે. પરંતુ રત્નાવલી નાટિકામાં સાગરિકા તરીકે રહેલી નાયિકા નાટિકાના અંતે તેના ગળામાંની રત્નાવલી-રત્નમાળાથી કંચુકી દ્વારા ઓળખાય છે અને તેથી તેનું શીર્ષક પણ રત્નાવલી અપાયું છે. આમ રત્નાવલી એ નાયિકાનું મૂળ નામ પણ છે અને એની ઓળખાણમાં પણ રત્નાવલી રત્નમાળા જે તેના કંઠે છે તે અગત્યનો ભાગ ભજવે છે. પ્રિયદર્શિકામાં આવું નથી માત્ર નાયિકાનું નામ પ્રિયદર્શિકા છે માટે શીર્ષક પણ ‘‘પ્રિયદર્શિકા’‘ એમ આપવામાં આવ્યું છે. મનોરમા, વિદૂષક, વાસવદત્તા તથા સાંકૃત્યાયનીની સરખામણીમાં આ આરણ્યકાનું પાત્ર ઘણું ફિક્કું છે. તે લજ્જાળું, ડરપોક, અને મુગ્ધ સ્ત્રી છે. વારંવાર આત્મઘાતના વિચાર કરે છે. તેના પાત્રમાં કંઈજ ચમત્કૃતિજનક નથી. આથી શીર્ષકની સૂચક્તાનો પ્રશ્ન જ નથી.

પાત્રાલેખન : આ નાટિકામાં પાત્રાલેખન પણ નાટ્ય સિદ્ધાંતને અનુસરીને જ શાસ્ત્રીય મર્યાદામાં આપવામાં આવ્યું છે. ભાસે સ્વપ્નવાસવદત્તમ્ નાટકમાં જે ભવ્યાતિભવ્ય અને ઉદાત્ત એવાં ઉદયન તથા વાસવદત્તાનાં પાત્રો ખડાં કર્યાં હતાં તેની અહીં અવનતિ થઈ છે. આગવી છાપ ધરાવતું હોય, એવું ભાગ્યેજ કોઈ પાત્ર છે. બધાં જ પાત્રાં typed ચીલાચાલું પ્રકારનાં છે. હર્ષ દરેકનું અલગ વ્યક્તિત્વ ઉપસાવી શક્યા નથી. તેની નાયિકાઓ પણ સરળ અને મુગ્ધાઓ છે. રાજાનો પ્રેમ સંપાદન કરવાની ઈચ્છા વિના તેમનામાં બીજો કોઈ સારો ગુણ નથી.

રાજા તેમને ઓળખતો નથી પરંતુ નાયિકાઓ તેને પિતાએ નિર્માણ કરેલા ભાવી પતિ તરીકે જાણતી હોય છે. પોતાની ખરી હકીકત પ્રકાશમાં ન લાવવાનું ઉચિત કારણ એકય નાયિકાની બાબતમાં આપવામાં આવ્યું નથી. વિદૂષકનું ખાઉધરાપણું પણ લાક્ષણિક છે. તેનામાં તીવ્ર હાસ્યકારિત્વ નથી. વાસવદત્તા ગુસ્સે ભરાવાના સ્વભાવવાળી જાજરમાન સ્વમાની રાણી હોવા છતાં તેની દાસીઓ આરણ્યકાના રાજા સાથેના મિલનમાં સહભાગી બને છે. ગર્ભ નાટકમાં મનોરમાના સ્થાને રાજા ઉદયનને રજૂ કરવામાં પણ અભિનયની કલ્પનાત્મક સંભાવના ઠીક લાગતી નથી. ઉદયનની પુરુષાકૃતિ મનોરમાની રમણીયતાને અનુરૂપ થઈ નહિ જ.

આ નાટિકામાં મુખ્યત્વે સંવાદો દ્વારા જ પાત્રાલેખન થયું છે. પાત્રાલેખનમાં વિકસતા સર્જકની પ્રતિભા જોઈ શકાય છે.

રસ-નિરૂપણ : -પ્રિયદર્શિકાનો મુખ્ય-અંગી રસ શૃંગાર છે. ‘“નાટિકા’’માં આવશ્યક શ્રીપાત્રોનું બાહુલ્ય કૈશિકી વૃત્તિ, ધીરલલિત નાયક, સંગીતમય વાતાવરણ આ બધાને અનુરૂપ એવા શૃંગારરસને જ નાટિકામાં અવકાશ રહે છે. નાટિકાના ગર્ભાંકમાં અનુરાગાંકિત ગીત છે-

         અભિનવરાગાક્ષિપ્તા મધુકરિકા વામકેન કામેન I

         ઉત્તામ્યતિ પ્રાર્થ્યમાના દૃષ્ટું પ્રિયદર્શનં દયિતમ્ II

 

આરણ્યકાનું આ ગીત શૃંગારરસથી સભર છે. ગર્ભાંકનો શૃંગાર તેના પછી આવતા વાસવદત્તાકૃત સંભ્રમથી અનુરંજિત છે. શૃંગાર પછી આવતી ભાગદોડ પણ મનોહર છે. આ સિવાય આ નાટિકામાં નાયિકાનાં અંગ-ઉપાંગોનું સુંદર લાલિત્વપુર્ણ વર્ણન નથી. દ્વિતીય એકમના ઉદયનના આરણ્યકાના વર્ણનમાં તથા ભ્રમરબાધા પ્રસંગે થતા મિલનમાં તથા ગર્ભ નાટકની યોજનાથી થતા નાયક-નાયિકાના મિલનમાં પણ સંભોગ શૃંગારનું વર્ણન છે. ત્રીજા તથા ચોથા અંકમાં શરૂઆતમાં વિપ્રલંભ શૃંગારનું વર્ણન છે. આારણ્યકાની આત્મહત્યાના વિચારવાળી ઉક્તિઓમાં તથા ઝેર પીવાના પ્રસંગમાં તથા પ્રથમાંકના વિષ્કંભકની કંચુકીની ઉક્તિમાં પણ કરુણરસનું નાટ્યકારે આલેખન કર્યું છે. વિદૂષકની ઉક્તિઓમાં ચીલાચાલુ હાસ્યરસનું તથા યુદ્ધનાં વર્ણનોમાં વીરરસનું પણ નિરૂપણ થયું છે. ઉદયન તેની વિદ્યાર્થીની આરણ્યકાનું વિષ ઉતારે છે તેમાં અદ્ભુતરસનું પણ વર્ણન છે. જોકે આ નાટિકામાંનું રસ-નિરૂપણ વાચક કે પ્રેક્ષકને ભૌતિક ભૂમિકાઓથી અલૌકિક ભૂમિકાએ પહોંચાડી રસાસ્વાદ કરાવે કે કેમ એ એક વિચારણીય પ્રશ્ન રહે છે.

નાટિકામાં પ્રણયભાવના પણ બહુ ઉત્કૃષ્ટ પ્રકારની નથી. વિયોગનાં અપાર દુઃખોથી સંતપ્ત શકુન્તલા કે સીતાની સરખામણીમાં ઉદયનના ચાર દિનના વિરહમાં સંતપ્ત આરણ્યકાનો આત્મઘાતનો વિચાર વામણો અને અપ્રતીતિકર લાગે છે. ઉપવાસવ્રત કરતી વાસવદત્તાના એક દિવસના વિરહથી રાજા ઉત્કંઠિત બની જાય છે ! આરણ્યકાને પહેલીવાર જોયા પછી તરત જ આકૃષ્ટ રાજાની ઉત્કંઠા ઉત્કટ બની જાય છે ! દામ્પત્ય- પ્રેમના શાકુન્તલ કે ઉત્તર-રામ-ચરિતના જેવા ઉચ્ચ આદર્શનાં આ નાટિકામાં દર્શન કરવાની આશા રાખવી ફોગટ છે. હકીકતમાં ઉદયન-વાસવદત્તાનું અન્યોન્ય આકર્ષણ સ્થૂલ ભૌતિક ભૂમિકાએથી આગળ વધી પ્રેમની ભૂમિકાએ પહોચતું નથી. તે માત્ર કામ’’ જ રહે છે. પ્રિયદર્શિકા એ હળવી મનોરંજન માટેની શૃંગારપ્રધાન નાટિકા છે. બેલા બોઝ કહે છે-“Priyadarshika' is a light Comedy, merry and bright, eminently enjoyable. It Confirms to Johnson's definition of a novel as “smooth tale, mostly of Love'', દરીબારી જીવનના રોજબરોજના કંટાળાજનક સમયમાંથી રાહત અને મનોરંજન મળે એટલા માટે આવી નાટિકાઓ લખાઈ હોય એ અસંભવિત નથી.

સંવાદ તથા તખ્યાલાયકી (Dialogue and stagability) - સંવાદ એ તો નાટકનો પ્રાણ ગણાય છે. સંવાદો જેટલા ચોટદાર અને વેધક હોય તેટલું નાટક વધુ જમાવટ કરી શકે છે. સંવાદોમાં પણ જો પ્રસંગો કે દૃશ્યોનાં વર્ણનોનો અતિરેક હોય તો નાટકનો કાર્યવેગ શિથિલ થઈ જાય છે અને નાટક કંટાળાજનક બની જાય છે. પ્રિયદર્શિકાના બીજા અંકમાં વિદૂષક તથા રાજા બન્ને જાણે આવા પ્રકૃતિદર્શનનાં વર્ણનો કરવાની હરિફાઈ કરતા હોય એમ લાગે છે. પ્રથમ અંક વર્ણનાત્મક રહે છે. કંચુકીની દીર્ઘ ઉક્તિ તથા વિજયસેનનું યુદ્ધવર્ણન સંવાદતત્વ વગરનું હોઈ અસરકારક થતુંનથી. આમ છતાં કેટલીક પરિસ્થિતિઓમાંના સંવાદ આસ્વાદ્ય છે. ત્રીજા અંકમાં મનોરમા એકલી જ રંગમંચ પર આવે છે. કદલીગૃહમાં પ્રવેશ કરતી આરણ્યકાને તે જુએ છે અને છૂપાઈને તેની વાતો સાંભળે છે. આરણ્યકાની દૃષ્ટિએ તો રંગમંચ પર તેના સિવાય અન્ય કોઈ નથી. તે પોતાની કામદશાનું વર્ણન કરે છે. આ વર્ણન પણ મનોરમા સિવાય રંગમંચ પર અન્ય કોઈ સાંભળતું નથી. આરણ્યકાની વાતો સાંભળી મનોરમા પોતાના પ્રતિભાવ વ્યક્ત કરે છે. બધું સાંભળ્યા પછી તે આરણ્યકા પાસે જઈ તેને હિંમત અને આશ્વાસન આપે છે. આ જ અંકમાં રંગમંચ પર પ્રવેશી વિદૂષક રાજાની કામસંતમ દશા વર્ણવે છે જે મનોરમા તથા આરણ્યકા છૂપાઈને વિદૂષક ન જાણે એમ સાંભળે છે, અને પોતાના પ્રતિભાવ પણ વ્યક્ત કરે છે. સંવાદની આ યોજના અતિશય આસ્વાદ્ય બને છે. ગર્ભ નાટકની અંદર પણ સંવાદો ખૂબ સચોટ અને વેધક છે. ઉદયનને જોઈ રાણી વાસવદત્તા ઊભી થઈ જાય છે. સાંકૃત્યાયની કહે છે કે આ તો નાટક છે. તે વળી ટકોર પણ કરે છે કે મનોરમાએ તો સાક્ષાત્ વત્સરાજ જ નજરસમક્ષ ખડા કરી દીધા છે !-આ સંવાદો ખૂબજ આસ્વાદ્ય બને છે. તેમાંની વક્રોક્તિ તેની અસરકારકતાને વધુ ધારદાર અને વેધક બનાવે છે.

ચોથા અંકમાંનું પતાકાસ્થાનક પણ કુશળતાપૂર્વક યોજાયું છે. તે આ પ્રમાણે છે

કંચુકી-તદા પ્રભૃતિ નાદ્યાપિ વિજ્ઞયતે ક વર્તત ઈતિ I

મનોરમા-ભઠ્ઠિનિ, પ્રાણસંશયે વર્તતે સા તપસ્વિની II

 

હર્ષનાં નાટકો અભિનેયતાની દૃષ્ટિએ જ લખાયાં છે. ભોલાશંકર વ્યાસ પણ કહે છે કે હર્ષનાં રૂપક હ્રાસોન્મુખી નાટકોની અનભિનેયતાથી રહિત છે. આ નાટિકાઓ ટૂંકી હોવાથી તેમના અભિનયમાં ઘણી અનુકૂળતા રહે છે. સાથે સાથે રંગમંચીય વ્યવસ્થામાં કોઈ જટિલ સંવિધાનનાં પણ અહીં દર્શન થતાં નથી. નાટિકામાં દ્વિકેન્દ્રી દ્રશ્યો પણ બીજા તથા ત્રીજા અંકમાં યોજાયાં છે. નાટિકાની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ તે ભજવાઈ હતી. ભજવવાને માટે તખ્યાલાયકીની ક્ષમતા આ નાટિકામાં પૂરતી છે. ભ્રમરપ્રસંગ તથા ગર્ભનાટક ચોથા અંકના ઓળખ-દૃશ્યના પ્રસંગો રંગમંચ પર ખૂબ જ સફળ અને આસ્વાદ્ય બન્યા હશે એમ નિશ્ચિતપણે કહી શકાય. એમાં ગર્ભ નાટકની અભિનેયતા અને અસરકારકતા તો નિર્વિવાદ જ છે. પાત્રોના પ્રવેશ, બહિર્ગમન તથા બોલવાની રીત માટે કરેલી રંગ સૂચનાઓ નાટિકાની અભિનયક્ષમતા પ્રગટ કરે છે.

ભાષા-છંદ-અલંકાર : શ્રીહર્ષની ભાષા કાલિદાસ જેવી સરળ, પ્રવાહી અને પ્રાસાદિક છે. ભાષા પણ પાત્રને અનુરૂપ પ્રયોજાઈ છે. નાટિકાનું સંસ્કૃત પ્રશિષ્ટ પ્રકારનું છે. નાટકના આસ્વાદમાં ભાષાની ક્લિષ્ટતા અવરોધક બનતી નથી. છંદોમાં પ્રિયદર્શિકામાં શાર્દૂલવિક્રીડિત છંદ સૌથી વધુ વાર પ્રયોજાયો છે. કુલ ૨૧ શ્લોકોમાં શાર્દૂલવિક્રીડિત છંદ છે. બીજા નંબરે આર્યા છંદ છે જે ૧૬ શ્લોકોમાં પ્રયોજાયો છે. આર્યાનું રૂપ ગીતિ એક પદ્યમાં છે. દીર્ઘ સ્ત્રગ્ધરા છંદ ૮ શ્લોકોમાં છે. ૫ શ્લોકોમાં મધુર વસંતતિલકા છંદ છે. આ સિવાય ૨ શ્લોકોમાં ઉપજાતિ તથા માલિની અને શિખરિણીછંદ એક એક શ્લોકોમાં પ્રયોજાયેલ છે. હર્ષના છંદ ભાવને અનુરૂપ અને આસ્વાદ્યછે. યુદ્ધના વર્ણનોમાં તેના છંદ જટિલ બને છે. અલંકારોનો હર્ષને શોખ છે, પણ તેનો અતિરેક અહીં નથી. દ્વેષ તથા અતિશયોક્તિનો હર્ષને વધુ શોખ હોય એમ લાગે છે. આ સિવાય અનુપ્રાસ ઉપેક્ષા તથા અર્થાન્તરન્યાસજેવા અલંકારો પણ ધ્યાનાકર્ષક છે.

કાવ્યતત્વ : હર્ષવર્ધન તેની મૂળ પ્રકૃતિએ એક સારો કવિ જ છે. નાટ્યકાર કરતાં કવિ તરીકે તે વધુ સફળ અને અસરકારક બને છે. પ્રિયદર્શિકામાંનાં દીર્ઘિકાનાં, પ્રકૃતિસૌંદર્યનાં, સંધ્યાનાં તથા સ્નાનભૂમિનાં વર્ણનો કાવ્યતત્વથી સભર છે.

વર્ણનકળા : હર્ષની વર્ણનકળા ધ્યાનાકર્ષક છે. ડૉ. એ. બી. કીથ કહે છે- શાસ્ત્રસંમત વર્ણનોનો હર્ષને શોખ છે. સંધ્યા, મધ્યાહન, પ્રમદવન, આશ્રમ, બાગ- બગીચા, સરોવર, લગ્નોત્સવ, સ્નાનકાળ, મલયગિરિ, વન, પ્રાસાદ વગેરે કાવ્યમાં માન્ય થઈ પડેલા સામાન્ય વિષયોનાં શ્રીહર્ષે આકર્ષક તથા ક્યારેક ચિત્રાત્મક વર્ણનો રજૂ કર્યાં છે. કલ્પના તથા લાવણ્યની બાબતમાં તે કાલિદાસથી અવશ્ય ઊતરતો છે. પણ તેનામાં વિચાર અને વાણીની સાદાઈનો મહાન ગુણ છે.‘‘સરકી જતાં વસ્ત્રોને લીધે ખુલ્લાં થયેલ સ્તનોથી સ્નાનભૂમિ બીજા સુવર્ણ કળશોથી શોભતી હોય એમ લાગતી હતી''એ સ્નાનભૂમિનું વર્ણન ખૂબ રોચક છે. ઉદયને કરેલું નાયિકાના સૌંદર્યનું વર્ણન નવિન છે.

શૈલી : હર્ષની શૈલી કાલિદાસની શૈલી સાથે ઘણું સામ્ય ધરાવે છે. વૈદર્ભી શૈલીનાં બધાં જ લક્ષણો હર્ષની શૈલીમાં દેખાય છે. દીર્ઘ સમાસો, ભારેખમ શબ્દો, શ્લેષનો અતિરેક-વગેરેથી તેની શૈલી ક્લિષ્ટ કે દુર્ગમ બનતી નથી. તેની શૈલીને દ્રાક્ષાપાક શૈલી કહી શકાય, પ્રચલિત લોકોક્તિઓથી તેની શૈલી વધુ વાસ્તવિક અને અસરકારક બને છે. જેમકે -

ત્વમેવ પુત્તલિકાંભડક્ત્વા ઈદાનીં રોદિષિ - (જાતેજ પુતળી તોડીને હવે રડો છો ?). સર્વસ્ય વલ્લભો જામાતા ભવતિ I (જમાઈ દરેકને વહાલો જ હોય)-વગેરે ઉક્તિઓ હર્ષના વ્યવહારજ્ઞાનને પણ વ્યક્ત કરે છે. હર્ષનું સંસ્કૃત રૂઢમાર્ગથી જરાપણ આડું અવળું જતું નથી. હર્ષ એક કુશળ ચિત્રકાર છે. પ્રણય અને પ્રકૃતિનાં કોમળ ચિત્રો તે ચિત્રકારની અદાથી સજાવે છે. તેની આંગળીઓ પ્રણય કથાના તાણાવાણા વણીને તેમાં વેલબુટ્ટા કાઢવાનું બરાબર જાણે છે.

હર્ષની શૈલી કૃત્રિમતા, બોજલ શબ્દપ્રયોગો વિચાર અને રસની ક્લિષ્ટતા તથા અતિશયોક્તિથી સર્વથા મુક્ત છે.

ઉપસંહાર : ડૉ. એ. બી. કીથ નાટ્યકાર તરીકે હર્ષને મુલવતાં કહે છે, “કાલિદાસ સાથે સરખાવવાને લીધે જ હર્ષનાં નાટકોની યોગ્ય કદર થઈ નથી. તેની નાટિકાઓમાં સર્જનશક્તિ કદાચ ઓછી હશે, પરંતુ તેમનું વસ્તુવિધાન સચોટ છે. કાર્યની ગતિ સરળ છે. અને દરેક નાટિકામાં કલ્પનાકૌશલ છે.

શ્રી એમ. આર. કાળે કહે છે – “શૈલી અને સ્વરૂપની સામાન્ય સાદાઈ કથાવસ્તુના વિકાસમાં રસ જાળવી રાખે તેવા વિવિધ પ્રસંગો અને પરિસ્થિતિઓના સર્જનમાં બતાવાયેલી નિપુણતા અને તેમાંનાં કેટલાંક અસરકારક વર્ણનો-નાટિકાને વાંચવી ગમે તેવી બનાવે છે."

પારકું અપનાવી લેવામાં હર્ષ ચાલાક નાટ્યકાર છે. કાલિદાસનાં નાટકોમાંથી પ્રેરણા લઈ તેણે ઘણા સુંદર અને આકર્ષક પ્રસંગો નિરૂપ્યા છે. ડૉ. ડે. પણ હર્ષને “clever-borrower'' કહી નવાજે છે. ડૉ. ડે કહે છે. “If Kalidasa supplied the pattern, Harsh has undoubtedly improved upon it in his own way, and succeeded in establishing the Comedy of court-intrigue as a distinct type of Sanskrit drama."

કાલિદાસના માલવિકાગ્નિમિત્ર નાટકમાં નૃત્યાચાર્યોના કલહ નિમિત્તે જે નૃત્ય- પરીક્ષાનો પ્રસંગ છે તેમાંથી પ્રેરણા લઈ હર્ષે પ્રિયદર્શિકામાં જે સર્વાંગ સંપૂર્ણ, નાટ્ય- સૂઝવાળું અને અસરકારક ગર્ભ નાટક પ્રયોજ્યું છે તે જ હર્ષની આવડત અને કુશળતા દર્શાવે છે.

 

પ્ર-૬ પ્રિયદર્શિકાનું આધારસ્થાન અને હર્ષવર્ધને કરેલા પરિવર્તનો જણાવો.

         પ્રિયદર્શિકા નાટિકાના પ્રારંભની પ્રસ્તાવનામાં સૂત્રધાર કહે છે-

અસ્મત્સ્વામિનાહર્ષદેવેનાપૂર્વવસ્તુરચનાલંકૃતા પ્રિયદર્શિકા નામ નાટિકા કૃતા...I

 અર્થાત્ અપૂર્વ કથાવસ્તુની સુંદર ગૂંથણી કરી હર્ષદેવે પ્રિયદર્શિકા નામે નાટિકારચી છે. નાટકનું કથાવસ્તુ જાણીતું હોય છે પરંતુ નાટિકાનું કથાવસ્તુ કવિકલ્પિત હોવું જોઈએ એમ નાટિકાનાં લક્ષણો જણાવતાં આલંકારિકો કહે છે, છતાં પણ તદ્દન મૌલિક કથાનક તો અસંભવિતજ છે. પ્રિયદર્શિકા નાટિકાનો ઉદયન-વાસવદત્તા વગેરે પાત્રો અતિ પ્રાચીનકાળથી ઘણાં પ્રસિદ્ધ છે. લોકકથાઓમાં તથા બૃહત્કથાનાં કથા-સરિત્સાગર વગેરે રૂપાન્તરોમાં ઉદયનવાસવદત્તાની કથા વિસ્તારપૂર્વક નિરૂપાયેલી છે.

         નાટ્યકૃતિમાં વસ્તુનું મહત્વ વિશેષ નથી. વસ્તુની રજૂઆાતમાં મૌલિકતા હોવી જોઈએ. સેકસપીયર તથા કાલિદાસ જેવા સમર્થ નાટ્યકારોએ પણ પ્રજામાં પ્રચલિત વાર્તાઓ ઉપરથી જ નાટકોની રચનાઓ કરી છે. નાટકમાં "શું (The What} મહત્વ નથી પરંતુ "કેવી રીતેપ (The How)નું જે મહત્વ છે. અર્થાત વસ્તુ શું છે તેના કરતાં તેનું કેવી રીતે નિરૂપણ થયું છે તે મહત્વનું છે.

         પ્રાચીનકાળથી ઉદયનના પાત્રની આસપાસ અનેક કથાઓ ગૂંથાયેલી છે. કવિ કાલિદાસ પણ ઉદયનકથાકોવિદ ગ્રામવૃદ્ધોનો ઉલ્લેખ કરે છે. પ્રો સુરૂ ઉદયનને ‘Don of the East' કહીને નવાજે છે. પ્રો. દેવધર તેમની રત્નાવલીની પ્રસ્તાવનામાં કહે છે Udayana, the king of Vatsa. Is the central figure in a Large circle of Sanskrit stories of Love and adventures.'' પુરાણોમાં ઉદ્દયન પુરુ વંશનો વર્ણવ્યો છે. મહાભારત યુદ્ધ પછીના ૨૯ પુરુવંશી રાજાઓની વંશાવળીમાં ઉદયનનું નામ છે. તે હસ્તિનાપુરમાં રહેતા હતા પણ ગંગાના પુરથી તે નગર ઉજ્જડ થતાં તેઓ કૌશામ્બી નગરીમાં આવ્યા હતા. ઉદયન અવન્તીના પ્રદ્યોતનો સમકાલીન હતો. આ ઉદયનની આસપાસ રચાયેલી અનેક કથાઓનું ઉદગમસ્થાન નિશ્ચિત કરવું અશક્ય છે. ઉદયન વાસવદત્તા વિષયક કથાઓ ઘણા પ્રાચીન સમયથી અતિ પ્રસિદ્ધ હતી તે તો ભાસે સ્વપ્નવાસવદત્તમ્ નાટકમાં તથા પ્રતિજ્ઞા-યૌગંધરાયણ નાટકમાં આ કથાવસ્તુને આધારે જ અપ્રતિમ અમર કૃતિઓ રચી હતી તેનાથી જ સિદ્ધ થાય છે. શૂદ્રક પણ યૌગંઘરાયણનો તેના નાટકમાં ઉલ્લેખ કરે છે. દામોદરગુપ્તા કુટ્ટનીમતમાં તથા ભવભૂતિના માલતીમાધવમાં પણ આ કથાના નિર્દેશો છે. ગુણાઢ્યની બૃહત્કથાના કથાસરિત્સાગર તથા બૃહત્કથામંજરી જેવા સંક્ષેપોમાં ઉદયન-વાસવદત્તાની કથાઓ વિસ્તારથી વિગતે નિરૂપાયેલી છે.

 

‘“કથાસરિત્સાગર'’માંની ઉદયનકથા :

         પ્રસિદ્ધ ભરતવંશમાં જન્મેલ ઉદયન શતાનીકનો પૌત્ર તથા સહસ્રાનીકનો પુત્રહતો. તેની માતાનું નામ મૃગાવતી હતું. સગર્ભાવસ્થાની તેની ઇચ્છાનુસાર લાક્ષારસવાળાજળના તળાવમાં તે સ્નાન કરતી હતી ત્યારે તેને માંસનો ટૂકડો સમજી એક પક્ષી લઈગયું અને ઉદયન પર્વતના શિખર પર મૂકી દીધી. ત્યાં તેણીએ જે પુત્રને જન્મઆપ્યો તે જ ઉદયન, નજીકમાં રહેતા ભારદ્વાજે તેને ઉછેર્યો. એકવાર વનમાં રખડતાંઉદયને શબરના પાશમાંથી સોનાનું કડુ આપીને નાગને છોડાવ્યો. કડા પર તેનાપિતાનું નામ લખેલું હતું. તે વસુનેમિનાગે ઉદયનને ઘોષવતીનામની વીણાઆપી. આ સિવાય પણ તે નાગે ઝેર ઉતારવાની વિદ્યા તથા બીજી જાદુઈ શક્તિઉદયનને આપી. પેલો શબર જ્યારે કડુ વેચવા કૌશામ્બીમાં આવ્યો ત્યારે સિપાઇઓ તેને રાજગોર સમજી મહેલમાં લઈ ગયા. શબર દ્વારા રાજ્યને પોતાની પત્ની તથા પુત્રના વાવડ મળ્યા. બન્નેને વાજતે ગાજતે નગર પ્રવેશ કરાવ્યો-ઉદયનને યુવરાજ બનાવવામાં આવ્યો. પિતાએ ગાદી છોડી એટલે ઉદયન રાજા થયો.

         ગાદીએ બેઠા પછી ઉદયને બધી કારભાર વસંતક, રુમણ્વાન તથા યૌગંધરાયણને સોપી દીધો, રાજા ભોગવિલાસમાં જ મગ્ન રહેવા લાગ્યો. તેને મૃગયાનો પણ શોખ હતો. ઘોષવતી વીણા વગાડીને વનગજોને પણ રાજા વશમાં લેતો. પોતાના પ્રતિસ્પર્ધી ઉજ્જૈનના ચંડમહાસેનની પુત્રી વાસવદત્તાના ગુણ તથા સૌદર્ય વિષે જ્યારે ઉદયને સાંભળ્યું ત્યારે તેને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ, મહાસેનની ઇચ્છા પણ પોતાની પુત્રીને ઉદયન સાથે પરણાવવાની હતી પણ બન્ને વચ્ચે રાજકીય દુશ્મનાવટ હતી. કૃત્રિમ હાથીની યોજના દ્વારા લલચાવીને છેતરીને તેણે ઉદયનને કેદ પકડાવ્યો. તે વાસવદત્તાને વીણા શિખવતો હતો. શિષ્યાના સૌંદર્યથી તે આકર્ષાયો. યૌગંધરાયણની ઉન્મત્તક, શ્રમણકતથા ભિખારીવાળી યુક્તિથી ઉદયન વાસવદત્તા સાથે હાથિણી પર બેસી ભાગી છૂટ્યો. આ પછી પણ મધુકરવૃત્તિવાળા ઉદયનના પ્રેમપ્રસંગો બનતા જ રહ્યા. અંતઃપુરની પરિચારિકા વિરચિકા, એક કેદ પકડાયેલી રાજકુમારી બન્ધુમતી તરફ પણ તેને પ્રણયપ્રસંગો થયેલા. રાજાને ચક્રવર્તી બનાવવાની ભાવનાથી યૌગંધરાયણે તેનું લગ્ન પદ્માવતી સાથે પણ કરાવ્યું હતું. આમ ઉદયન સંગીત, સુરા અને સુન્દરીવચ્ચે સુખમય જીવન વ્યતીત કરતો સુંવાળો વિલાસી જીવ હતો. પ્રિયદર્શિકા નાટિકાનું કેન્દ્રીય કથાવસ્તુ ઉદયનનો આરણ્યકા સાથેનો પ્રેમ તથા લગ્ન છે. આ ઉપરાંત આ નાટિકામાં જ ઉદયનવાસવદત્તા સાથે સંકળાયેલા પ્રસંગોનો અનેકવાર ઉલ્લેખ થયો છે. ઉદયન-વાસવદત્તાનું પૂર્વવૃતાંત પ્રિયદર્શિકાનો મુખ્ય વિષય ન હોવા છતાં આ નાટિકામાં જ અનેકવાર ઉદયનકથાના નિર્દેશ થયા છે. જેમકે :

         (૧) પ્રિયદર્શિકાના પ્રથમ અંકમાં વિષ્કંભકમાંની કંચુકીની ઉક્તિમાં વત્સરાજનાકેદ પકડાયાની, કેદમાંથી નાસી જવાની તથા વાસવદત્તાના અપહરણની વાત આવે છે.

         (૨) બીજા અંકમાં નાયિકાના સૌંદર્યની પ્રશંસા કરતાં ઉદયન નાગલોકની મુલાકાતનો ઉલ્લેખ કરે છે. ચોથા અંકમાં રાજાએ નાગલોકમાં વિષ ઉતારવાની વિદ્યા મેળવી હતી તેનો ઉલ્લેખ છે.

         (૩) તૃતીય અંકમાં આરણ્યકાની શોધમાં નીકળેલો વિદૂષક રાજાની બીજી રાણીપદ્માવતીનો ઉલ્લેખ કરે છે.

         (૪) ત્રીજા અંકના ગર્ભનાટકમાં ઉલ્લેખ છે કે રાજાએ નલગિરિ હાથીને પકડ્યો હતો. તે જ્યારે વાસવદત્તાને વીણા શીખવતો હતો ત્યારે તે બંધનમાં હતો.

         (૫) આજ ‘‘ગર્ભ નાટક''ની યોજના દ્વારા ઉદયનના પૂર્વ જીવનના ઘણા પ્રસંગો આલેખાયા છે.

બૃહત્કથામાં આરણ્યકા કે પ્રિયદર્શિકાનું નામ નથી. પણ તેમાં રાજપુત્રી બન્ધુમતીનાઉદયન સાથે લગ્નની અતિ સંક્ષેપમાં જે વાત આવે છે તે જ પ્રિયદર્શિકાનું ખરું આધાર સ્થાન છે. તે નાનકડી કથાનો સાર આ પ્રમાણે છે.બંઘુમતી મંજુલિકાના નામેરાણી પાસે રહે છે. તેને ઉદ્યાન-લતાગૃહમાં જોઈને રાજા તેના પ્રેમમાં પડે છે. પરંતુ વાસવદત્તાને આની ખબર પડી જાય છે. વાસવદત્તા વસંતને કેદમાં પૂરે છે. પરંતુ રાણીની સખી સાંકૃત્યાયની તેને પ્રસન્ન કરે છે, પ્રસન્ન થયેલી રાણી જાતે જ બંધુમતિનું લગ્ન રાજા સાથે કરાવે છે.

ઉપરની અલ્પ વાર્તા પરથી હર્ષે સરસ મજાની નાટ્યકૃતિ સર્જી છે. મૂળકથામાં તેમણે નીચે પ્રમાણે પરિવર્તનો કર્યાં છે.

 

         (૧) મૂળ કથામાં નાયિકાનું નામ બંઘુમતી છે. પ્રિયદર્શિકાની કથા પ્રમાણે નાયિકાનું નામ પ્રિયદર્શિકા કે પ્રિયદર્શના છે. અરણ્યમાંથી મળી હોવાથી તેની ઓળખ ન થાય ત્યાં સુધી તે આરણ્યકા તરીકે જ વાસવદત્તા પાસે રહે છે.

         (૨) મૂળકથા પ્રમાણે વાસવદત્તાના ભાઈ ગોપાલકને નાયિકાની પ્રાપ્તિ થાય છે. પ્રિયદર્શિકાની કથાનુસાર તેની પ્રાપ્તિ રાજા ઉદયનના સેનાપતિ વિજયસેનને થાય છે.

         (૩) મૂળકથાનુસાર વિદૂષકની સહાયથી લતાગૃહમાં પ્રથમ મિલન ગોઠવાય છે આ એક જ મિલન થાય છે અને રાણી વાસવદત્તા તેમને પકડી પાડે છે.

         પ્રિયદર્શિકાની કથાનુસાર પ્રથમ મિલન દીર્ઘિકા પાસે કમળ ચૂંટવાના પ્રસંગેઅનાયાસે જ થાય છે. આ મિલનની રાણીને ખબર પડતી નથી.

         (૪) મૂળ કથાનુસાર સાંકૃત્યાયની સંન્યાસિની છે. આ નાટિકાની કથા પ્રમાણે તે વાસવદત્તાના પિયરથી આવેલી છે અને તેની ખાત્રી છે. તે વડીલ અને માનનીયસ્ત્રી તરીકે અહીં રજૂ થાય છે. ગર્ભ નાટકની રચિયતા પણ તે જ છે.

         (૫) મૂળકથાની જેમ જ આ નાટિકા પ્રમાણે પણ નાયિકા આખરે રાણીનીમસિયાઈ બહેન જ નીકળે છે.

 

પૂરોગામી નાટ્યકારોની અસર :

         ડૉ. ડે કહે છે-His works throughout show unmistakable traces of the influence of the greater dramatists, but he is a clever borrower, who catches not a little of the inspiration and power of phrasing of his predecessors.

         મુખ્યત્વે કાલિદાસ તથા ભાસના નાટકોની અંદરથી પ્રેરણા લઈ શ્રી હર્ષે ઘણાપ્રસંગો નિરૂપ્યા છે. જેમકે:

         (૧) કાલિદાસના માલવિકાગ્નિમિત્ર નાટકમાં પણ નાયિકા માલવિકા યુદ્ધ થવાનેકારણે ગુમ થાય છે અને અંતઃપુરમાં દાસી તરીકે બીજા નામે રહે છે. રાજા તેના પ્રેમમાં પડે છે. તે સંગીત તથા નૃત્ય જાણે છે. રાણી તેને કેદમાં પૂરે છે. છેવટે તે રાણી જ એનો હાથ રાજાને સોપે છે. -આ બધી જ ઘટનાઓ શ્રી હર્ષે માલવિકાગ્નિમિત્ર નાટકમાંથી પ્રેરણા લઈને રચી છે એ નિર્વિવાદ છે.

         (૨) પ્રિયદર્શિકાની સાંકૃત્યાયની માલવિકાગ્નિમિત્રની પંડિત કૌશિકીનું જ નવું રૂપ છે.

         (૩) માલવિકાગ્નિમિત્રના દ્વિતીય અંકમાં આવતાનૃત્ય-પરીક્ષાના પ્રસંગ પરથી તે હર્ષે ગર્ભ નાટકની પ્રેરણા લીધી હોય એ અસંભવ નથી. શેક્સપીઅરના પ્રસિદ્ધ નાટક હેમ્લેટમાં પણ નાટ્યકારે ઊંડી નાટ્ય સૂત્રવાળું સુંદર ગર્ભ નાટક પ્રયોજ્યું છે. શ્રી હર્ષના આ ગર્ભનાટકમાંથી પ્રેરણા લઈ ભવભૂતિએ ઉત્તર રામચરિતના સાતમા અંકમાં ગર્ભનાટકની યોજના કરી છે.

         (૪) કાલિદાસના વિક્રમોર્વશીયમના પ્રિયાનુપ્રસાદનવ્રત કે શાકુન્તલના’‘‘પુત્રપિણ્ડપાલનવ્રત' પરથી હર્ષને રાણી વાસવદત્તાના ઉપવાસવ્રતની પ્રેરણા મળીહોય એ પણ નકારી શકાય એમ નથી જ.

         (૫) પ્રિયદર્શિકાના દ્વિતીય અંકમાં આવતા ભ્રમર-બાધા પ્રસંગ તથા શાકુન્તલના પ્રથમ અંકમાં આવતા ભ્રમરબાધા પ્રસંગો વચ્ચેનું સામ્ય ઉડીને આંખે વળગે એટલું બધું સમાન છે. બન્ને દૃશ્યોની ઉક્તિઓમાં પણ ઘણું સામ્ય છે. અહીં પણ હર્ષ ઉપર કાલિદાસનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. વિક્રમોર્વશીયમમાં ભરતમુનિ અપ્સરાઓ વડે જે નાટક ભજવતા હતા તેમાં ઉર્વશીએ પુરુષોત્તમ બોલવાને બદલે પુરુરવા બોલી ગંભીર પાઠભૂલ કરી હતી. આમાંથી જ પ્રેરણા લઈ હર્ષે પ્રિયદર્શિકાના ત્રીજા અંકમાં પ્રિયદર્શિકા નાયિકાના મુખમાં આવી ભૂલ મૂકી છે. આ સિવાય હર્ષ તથા કાલિદાસનું શૈલીગતસામ્ય પણ ધ્યાનાકર્ષક છે.

 

         (૭) ભાસના સ્વપ્નવાસવદત્તમ તથા પ્રતિજ્ઞાયૌગન્ધરાયણમ્ નાટકોની પણ હર્ષ ઉપર ઘણી ઘણી અસર છે. ડૉ. એ. બી. કીથ કહે છે કે આ કૃત્રિમ નાટિકાનો હેતુ લાલિત્ય બતાવવાનો છે, સર્જન શક્તિનો નહિ. પારકું અપનાવી લેવામાં હર્ષ ચાલાક છે. રત્નાવલી અને પ્રિયદર્શિકા બન્ને એક જ વિષયનાં રૂપાંતર છે તે બહુ જ સ્પષ્ટ છે. રત્નાવલી તે હર્ષની પ્રથમ રચના હોય તો નિશ્ચિતપણે કહી શકાય કે પ્રિયદર્શિકા રત્નાવલીનું માત્ર પુનરાવર્તન જ છે અને તે પણ કેટલીક બાબતમાં નાટ્ય સંવિધાનની દૃષ્ટિએ નબળું પુનરાવર્તન છે.

 

પ્ર-૭ રત્નાવલી-પરિચય આપો.

         હર્ષની રત્નાવલી તે ચારઅંકની નાટિકા છે. પ્રિયદર્શિકા તથા રત્નાવલી વચ્ચે પ્રસંગો-પાત્રો-વિચારો વગેરેનું એટલું બધું સામ્ય છે કે પ્રિયદર્શિકા એ જાણે રત્નાવલીની નકલ માત્ર હોય. પ્રિયદર્શિકાની કલા-સંવિધાનની ત્રુટીઓ નાટિકામાં સુધારી લેવામાં આવી છે.

         સ્વામીશ્રેયની ઈચ્છા સંતોષવા યૌગંધરાયણ ઉદયનનું લગ્ન લંકાના રાજાની પુત્રી સાથે ગોઠવે છે. આ મુરાદ બર લાવવા માટે વાસવદત્તાને આ વાતથી અજ્ઞાત રાખવામાં આવે છે. અને તે લાવાણકમાં બળી મુઆની અફવા ફેલાવી રાજાના કંચુકી દ્વારા તે અફવા સિંહલદેશ પહોંચાડવામાં આવે છે. સિંહનેશ્વર પોતાની પુત્રી રત્નાવલીને કંચુકી બાભ્રવ્ય તથા પોતાના અમાત્ય વસુભૂતિ સાથે વત્સરાજ કને મોકલે છે. રસ્તામાં નૌકાભંગ થવાથી દરિયામાં ડૂબી ગયેલી તેને કૌશામ્બીનો વેપારી બચાવે છે અને કૌશામ્બી લઈ જઈ તેને વાસવાદત્તાને સોપે છે. રાણી તેને પોતાના ચંચળ સ્વભાવના પતિની નજરે ન પડે તેમ રાખે છે. પરંતુ વસંતોત્સવ પ્રસંગે સાગરિકા તરીકે ઓળખતી આ કન્યા રાણી વડે પાછી મોકલાઈ હોવા છતાં છુપાઈને કામદેવની પૂજાનો વિધિ નીરખે છે. તે વત્સરાજને જ સાક્ષાત્ કામદેવ સમજે છે. વૈતાલિકનું સાયંસ્તવન સાંભળીને તેને પોતાની ભૂલ સમજાય છે.

         બીજા અંકમાં સાગરિકા સખી સુસંગતા સાથે પ્રવેશે છે. સાગરિકાએ ચિત્રપટ પર ઉદયનની છબી દોરી છે. સખી સુસંગતા તેમાં સાગરિકાનું ચિત્ર દોરે છે. સાગરિકા પોતાનો પ્રેમ કબૂલે છે, એટલામાં નાસી છૂટેલા વાનરની બૂમથી વાત અધૂરી રહે છે. આ વાનર સારિકાને રાખેલા પાંજરાને ભાગી નાખે છે અને સારિકા ઊડી જાય છે. રાજા અને વિદૂષક પણ આ સારિકાવાળા મંડપમાં આવે છે અને સાગરિકાની કહેલી વાત સાગરિકા બોલે છે તે સાંભળે છે તેમજ ચિત્રફલક જુએ છે. ચિત્ર લેવા આવેલી સાગરિકા-સુસંગતા પણ રાજા તથા વિદૂષકની વાતો સાંભળે છે. સુસંગતા દ્વારા પ્રેમીઓનો મેળાપ થાય છે. રાણીના આવવાથી આ મેળાપનો અંત આવે છે. ચિત્ર જોઈને પરિસ્થિતિ સમજી ગયેલી તથા ઊંડો રોષ દાખવતી રાણી રાજાના મનાવ્યા છતાં ચાલી જાય છે.

         ત્રીજા અંકમાં વિદૂષકે વેશપરિવર્તન દ્વારા પ્રેમી યુગલના મિલનની યુક્તિ શોધી કાઢી છે તેનું વર્ણન છે. સાગરિકાને રાણીના તથા સુસંગતાને રાણીની દાસીના વેશમાં રાજ્યને મળવાની ગોઠવમ કરી હોય છે. દાસી દ્વારા આ માહિતીની જાણ થતારાણી સંકેતસ્થાને આવે છે અને બોલ્યા વગર રાજાના પ્રેમાલાપ સાંભળે છે, પણ પાછળથી રાજાને સખત ઠપકો આપે છે. અને રાજાની ક્ષમાયાચનાનો તિરસ્કાર કરી ચાલી જાય છે. રાજાની કફોડી સ્થિતિ સાંભળી ત્યાં આવેલી સાગરિકા ગળે ફાંસો ખાય છે. રાજા તેને પોતાની રાણી વાસવદત્તા સમજી બચાવી લે છે. ભૂલ સમજાતાં રાજાને આનંદ થાય છે પરંતુ થોડીવારમાં જ ક્રોધે ભરાઇ હોવાથી પસ્તાવો કરતી વાસવદત્તા રાજાને મનાવવા ત્યાં આવે છે અને બન્ને પ્રેમીઓને સાથે જુએ છે. ક્રોધે ભરાયેલી તે સાગરિકા તથા વિદૂષકને પકડીને લઈ જાય છે.

         ચોથા અંકમાં વિદૂષકને છૂટો કરી ક્ષમા આપવામાં આવી છે પરંતુ સાગરિકા કોઈ કેદખાનામાં છે. એવામાં રૂમણ્વાને કોશલનરેશને હરાવી ઠાર કર્યાના સમાચાર મળે છે એક જાદૂગર આવી તેનો જાદૂ બતાવવાની રજા મેળવે છે, પણ સાગરિકા પેઠે દરિયામાંથી બચી ગયેલા વસુભૂતિ અને બાભ્રવ્ય આવી ચઢતાં ખેલ અટકે છે. આ બન્ને પોતાના વીતકની વાત કહેતા હોય છે ત્યાં તો રાણીવાસમાં આગ લાગે છે અને સાગરિકા આગમાં હોવાની વાત ગભરાઈને વાસવદત્તા કહી દે છે, ઉદયન તેને ઉગારવા દોડે છે અને બેડી સાથે તેને બહાર લાવે છે, આગ એ તો જાદૂગરનો ખેલમાત્ર જ હતો બાભ્રવ્ય તથા વસુભૂતિ સાગરિકાને રાજકુંવરી રત્નાવલી તરીકે ઓળખે છે. યૌગંધરાયણ ત્યાં આવીને બધી યોજના તથા જાદૂગરની ઉક્તિ પોતે ગોઠવ્યાનું કબૂલ કરે છે. વાસવદત્તા ખુશીથી રત્નાવલી સાથે રાજાનું લગ્ન કરાવે છે, કારણકે તેમ કરવાથી તેના પતિને પૃથ્વીનું રાજ્ય મળે તેમ છે અને રત્નાવલી તેની નજીકની સગી હોય છે.

 

પ્ર-૮ નાગાનન્દ-પરિચય આપો.

         નાગાનન્દ હર્ષનું પંચાંકી નાટક છે. જીમૂતવાહનના આત્મભોગની એક બૌદ્ધ આખ્યાયિકા પરથી આ નાટક રચાયું છે.

         વિદ્યાધરોનો રાજા જીમૂતવાહન પિતાને રાજ્યચિંતામાંથી મુક્ત કરી નિવૃત્તિમય જીવન ગાળવાની અનુકૂળતા કરી આપે છે, સિદ્ધોના રાજા મિત્રાવસુ સાથે તેની મૈત્રી બંધાય છે. મિત્રાવસુની બહેનને ગૌરી સ્વપ્નમાં તેના ભાવી પતિનાં દર્શન કરાવે છે. આ વાત તે તેની સખીને કહેતી હોય છે ત્યારે ઝાડી પાછળ સંતાઈને જીમૂતવાહન તે સાંભળે છે. વિદૂષક ભીરુ પ્રેમીઓનો મેળાપ કરાવી આપે છે. બન્ને પોતાનો પ્રેમ જાહેર કરે છે એટલામાં આશ્રમમાંથી એક તાપસ રાજકુંવરીને લઈ જવા આવે છે.

         દ્વિતીયાંકમાં કામપીડિત મલયવતી બાગમાં આવી શિલાપાટ પર બેઠી હોય છે, તે કંઈક અવાજ સાંભળતાં ચાલી જાય છે. એટલે તેની જેમ જ કામપીડા અનુભવતો રાજા ત્યાં આવે છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. તે પોતાની કલ્પનાઓનું ચિત્ર આલેખે છે. મિત્રાવસુ ત્યાં આવીને પોતાની બહેનનો હાથ તેને આપવાનું જણાવે છે. તેની પ્રિયાનું નામઠામ જાણતો ન હોઈ રાજા તેનો ઈન્કાર કરે છે. રાજકુંવરી પોતાનું અપમાન થયું સમજી ગળે ફાંસો નાખી આત્મહત્યા કરવા તૈયાર થાય છે. ત્યાં આવી ચઢેલી તેની સખીઓ મદદ માટે બૂમ મારે છે. ત્યાં ખાવી જીમૂતવાહન ચિત્ર બતાવી પોતાના પ્રેમની ખાતરી આપે છે. બન્ને પ્રતિજ્ઞાઓ કરે છે. લગ્ન પૂરું થાય છે. ત્રીજા અંકમાં પ્રેમી યુગલ પ્રમદવનમાં આનંદ કરતું ફરતું હોય છે. અહીં પોતાનું રાજ્ય શત્રુઓએ ઝૂંટવી લીધાના સમાચાર જીમૂતવાહનને મળે છે અન્તે આ સમાચાર હર્ષથી વધાવી લે છે.

         છેલ્લા બે અંકનો વિષય બદલાય છે. એક દિવસ મિત્રાવસુ સાથે ફરતાં જીમૂતવાહનને હાડકાંનો એક ઢગ નજરે પડે છે. તપાસ કરતાં ખબર પડે છે કે તે હાડકાં ગરુડને ભોજનાર્થે દરરોજ આપવામાં આવેલા સર્પોનાં છે. પોતાના પ્રાણ ભોગે પણ સર્પોના જીવન રક્ષવાનો નિશ્ચય કરી, મિત્રાવસુથી છૂટો પડી, જીમૂતવાહન બલિદાનસ્થળે પહોચી જાય છે. પુત્ર શંખચૂડનું આજે બલિદાન આપવાનું હોવાથી તેની માતા ડૂસકે ડૂસકે રડે છે. રાજા તેને આશ્વાસન આપે છે અને તેના પુત્રને બદલે પોતાની જાતનું બલિદાન આપવાનું કહે છે. માતા તેને તેમ કરવા દેવા ના પાડે છે મા તથા દીકરો બલિદાન પૂર્વે પ્રાર્થના કરવા મંદિરમાં જાય છે ત્યારે જીમૂતવાહન સાપને બદલે પોતાની જાતને જ ગરૂડ આગળ ધરી દે છે અને ગરુડ તેને લઈ ઊડી જાય છે. છેલ્લા પાંચમા અંકમાં જીમૂતવાહનના મુકુટમાંથી પડી ગયેલો મણિ તેનાં મા-બાપ તથા પત્નીને હાથ આવે છે અને તે ચિંતિત બને છે. આ બાજુ શંખચૂડ પણ મંદિરમાંથી આવીને જુએ છે તો બલિદાન થઈ ગયું હોય છે. તે ગરુડને તેણે કરેલા અપરાધથી અવગત કરે છે. પણ હવે કશું વળે એમ નથી. એટલામાં જીમૂતવાહનનાં માબાપ આવી પહોંચે છે. પરંતુ તે પહેલાં નાયક જીમૂતવાહન મરણ પામે છે. ગરુડ શરમાય છે. ગૌરી આવીને કોકડું ઉકેલે છે. મલયવતીને આપેલું વરદાન બર લાવવા તે રાજાને પુનર્જીવન બક્ષી તેનું રાજ્ય ફરી પ્રાપ્ત કરાવે છે. અમૃતની વૃષ્ટિ થતાં ગરુડે હણેલા સઘળા સાપ ફરી જીવતા થાય છે અને ગરુડ પોતાનું ક્રૂર વેર બંધ કરવા વચન આપે છે.

         નાગાનન્દ નાટકના પ્રથમ ત્રણ અંક તથા અંતિમ બે અંકની કથાના ભાગો વચ્ચે સંવાદિતાની ચોખ્ખી ખામી છે. નાટકની વાર્તા બૌદ્ધધર્મની હોવા છતાં જીમૂતવાહનને જીવતો કરી ગૂંચ ઉકેલવા માટે ગૌરીનો આશ્રય લેવામાં આવ્યો છે. આત્મભોગ, ઉદારતા, મહાનુભાવતા અને આમરણાન્ત નિશ્ચયની ભાવનાઓ નિરૂપવાનો હર્ષે આ નાગાન્દ નાટકમાં સફળ પ્રયત્ન કર્યો છે.

 

પ્ર-૯ નીચેના શ્લોકનું ભાષાંતર કરો.

અંક-૧

(૨) કૈલાસાદ્રાવુદસ્તે પરિચલતિ ગણેષૂલ્લસત્કૌતુકેષુ

ક્રોડં માતુ: કુમારે વિશતિ વિષમુચિ પ્રેક્ષમાણે સરોષમ્ I

પાદાવષ્ટમ્ભસીદદ્વપુષિ દશમુખે યાતિ પાતાલમૂલં

ક્રુદ્ધોડપ્યાશ્લિષ્ટમૂર્તિર્ભયધનમુમયા પાતુ તુષ્ટ: શિવો ન: II

 

ભાષાંતર-જ્યારે ઊંચો કરવામાં આવેલો કૈલાસ પર્વત હાલતો હતો, જ્યારે (શંકરના) ગણો કૌતુક વ્યક્ત કરતા હતા, જ્યારે કુમાર (કાર્તિકેય), માતા (પાર્વતી)ના ખોળામાં પ્રવેશતા હતા, જ્યારે ઝેર છોડનાર (સર્પ) રોષપૂર્વક નિહાળતો હતો, જ્યારે (શિવજીના) પગના દબાણથી દબાતા શરીરવાળો દશાનન (રાવણ) પાતાળના મૂળમાં જતો હતો ત્યારે, ક્રોધિત થયેલા (પરંતુ) ભયભીત પાર્વતીથી આલિંગન અપાતાં સંતુષ્ટ થયેલા શિવ અમારું રક્ષણ કરો.

 

 

 

(૩) શ્રીહર્ષો નિપુણ: કવિ: પરિષદપ્યેષા ગુણગ્રાહિણી

લોકે હારિ ચ વત્સરાજચરિતં નાટ્યે ચ દક્ષા વયમ્ I

વસ્ત્વેકૈકમપીહ વાન્છિતફલપ્રાપ્તૈ પદં કિં પુન-

ર્મદભાગ્યોપચયાદયં સમુદિત: સર્વો ગુણાનાં ગણ: II

 

ભાષાંતર-“શ્રીહર્ષ નિપુણ કવિ છે. આ પરિષદ્ પણ ગુણોની કદર કરનારી છે. વળી લોકોમાં વત્સરાજ (ઉદયનની) કથા આકર્ષક છે અને અમે અભિનયમાં કુશળ છીએ. આમાંની એક એક વસ્તુ પણ ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે છે તો પછી મારા સદભાગ્યે અહીં સર્વે ગુણોનો સમૂહ એકત્રિત થયો છે, ત્યારે તો પૂછવું જ શું?

 

(૬) ભૃત્યાનામવિકારિતા પરિગતા દૃષ્ટા મતિર્મન્ત્રિણાં

મિત્રાણ્યપ્યુપલક્ષિતાનિ વિદિત: પૌરાનુરાગોડધિકમ્I

નિર્વ્યૂઢા રણસાહસવ્યસનિયા સ્ત્રીરત્નમાસાદિતં

નિર્વ્યાજાદિવ ધર્મત: કિમિવ ન પ્રાપ્તં મયા બન્ધનાતII

 

ભાષાંતર-રાજા: સેવકોની અચંચળતા (વફાદારી) જાણી, મંત્રીઓની બુદ્ધિ જોઈ, મિત્રો પણ પરખાયા, નગરજનોનો પ્રેમ વધારે જાણ્યો, રણમાં સાહસ કરવાના વ્યસનને સંતોષ્યું,સ્ત્રી-રત્ન પ્રાપ્ત કર્યું. નિષ્કપટ ધર્મ જેવા બંધનમાંથી મેં શું ન મેળવ્યુ?

 

(૭) વસન્તક, દુર્જન: ખલ્વસિ I પશ્યI

દૃષ્ટં ચારકમન્ધકારગહનં નો તન્મુખેન્દુધુતિ:

પીડા તે નિગલસ્વનેન મધુરાસ્તસ્યા ગિરો ન  શ્રુતા:

ક્રૂરા બન્ધનરક્ષ્કિણોડધ મનસિ સ્નિગ્ધા: કટાક્ષા ન તે

દોષાન પશ્યસિ બન્ધનસ્ય ન પુન: પ્રધોતપુત્ર્યા ગુણાનII

 

ભાષાંતર-વસંતક તું ખરેખર દુષ્ટ  છે.

         જો-

         અંધકારથી ગહન કેદખાનું તે જોયું, (પણ) તેના (વાસવદતાના) મુખરૂપી ચંદ્રના તેજને નહિ, સાંકળના અવાજથી તને દુખ થયું, (પણ) તેવી મધુર વાણી તે ન સાંભળી, આજે તારા ચિતમાં કારાગૃહના ક્રૂર સિપાઇઓ છે. પણ તેના સ્નેહપૂર્ણ કટાક્ષો નહિ, તું (માત્ર) કારાગૃહના દોષોને જ જુએ છે. (પણ) પ્રદ્યોતપુત્રી (વાસવદત્તા)ના ગુણોને જોતો નથી.

 

(૧૧)‌ લીલામજ્જનમડ્ગલોપકરણસ્નાનીતસંપાદિન:I

સર્વાન્ત: પુરવાવિભ્રમવતીલોકસ્ય તે સંપ્રતિI

આયાસસ્ખલદંશુકાવ્યવહિતચ્છાયાવદાતૈ: સ્તનૈ-

રૂત્ક્ષિપ્રાપરશાતકુમ્ભકલશેવાલંકૃતા સ્નાનભૂ: II

 

ભાષાંતર-આપના ક્રીડાયુકત સ્નાનની મંગલક્રિયા માટેની સર્વસામગ્રીની સજાવટ કરતાં અંતઃપુરની યુવતીઓના શ્રમથી સરી પડતાં રેશમી વસ્ત્રથી પ્રકાશિત થયેલ કાંતિને લીધે મનોહર દેખાતા સ્તનોથી સ્નાનાગાર અત્યારે જાણે કે ઉન્નત કરેલા સુવર્ણ કલશોવાળું હોય તેમ શોભે છે.’'

 

 

 

(૧૨)આભાત્યર્કાંશુતાપક્કથદિવ શફરોદ્વર્તનૈર્દ્વીર્ધિકામ્ભશ્છત્રાભં નૃત્તલીલાશિથિલ-

મપિ  શીખી બર્હમારં તનોતિI

છાયાચક્રં તરૂણાં હરિણશિશુરૂપૈત્યાલવાલામ્બુલુબ્ધ:

સધસ્ત્યકત્વા કપોલં વિશતિ મધુકર: કર્ણપાલીં ગજસ્યII

 

ભાષાંતર-નાની તળાવડીનું પાણી શફર પ્રકારની માછલીઓના ઊછળવાને લીધે જાણે કે સૂર્યનાં તાપથી ઊકળતું હોય એમ લાગે છે. નૃત્યલીલામાં શિથીલ થયેલ હોવા છતાં મયૂર છત્ર જેવા પિચ્છકલાપને ફેલાવે છે. કયારાના પાણી માટે લલચાયેલું હરણનું બચ્ચું વૃક્ષોની ગોળાકાર છાયામાં પ્રવેશે છે, ભમરો હાથીના ગંડસ્થળનો એકદમ ત્યાગ કરીને વિશાળ કાનમાં પ્રવેશે છે.

 

અંક-૨

(૧) ક્ષામાં મડ્ગંલમાત્રમળ્ડનભૃતં મન્દોધમાલાપિની-

માપાણ્ડુચ્છવિના મુખેન વિજિતપ્રાતસ્તનેંધુતિમ્I

સોત્કણ્ઠાં નિયમોપવાસવિધિના ચેતો મમોત્કણ્ઠતે

તાં દ્રષ્ટું પ્રથમાનુરાગજનિતાવસ્થામિવાધ પ્રિયામ્II

 

ભાષાંતર-ક્ષીણ થયેલી, માત્ર માંગલિક અલંકારોને ધારણ કરતી, ધીમેથી પ્રયત્નપૂર્વક બોલતી, સહેજ ફિક્કી કાંતિવાળા મુખથી જેણે પ્રભાતના ચંદ્રના તેજને જીતી લીધેલ છે તેવી, ઉપવાસનું વ્રત હોવાથી વિહ્વળ બનેલી, જાણે કે પ્રથમ પ્રણયથી ઉત્પન્ન થયેલી અવસ્થાવાળી તે પ્રિયા જોવા આજે મારું હૃદય ઝંખે છે.

 

(૨) વૃન્તૈ: ક્ષુદ્રપ્રવાલસ્થગિતમિવ તલં  ભાતિ શેફાલિકાનાં

ગન્ધ: સપ્તચ્છદાનાં સપદિ ગજમદામોદમોહં કરોતિI

ઇતે ચોન્નિદ્રપદ્મચ્યુતબહલરજ: પુજ્જપિન્ગાન્ગરાગા

ગાયન્ત્યવ્યક્તવાચ: લિમપિ મધુલિહો વારૂણીપાનમતા:II

 

ભાષાંતર-શેફાલિકાની દાંડીઓ વડે પૃથ્વી જાણે કે નાનાં પરવાળાંઓથી જડેલ હોય તેમ લાગે છે. સપ્તચ્છદ પુષ્પોની ગંધ એકદમ હાથીના મદના ગંધની ભ્રાન્તિ ઉત્પન્ન કરે છે. અને વિકસિત કમળોમાંથી ખરી પડેલ પુષ્કળ પરાગરજના સમૂહથી જેમના શરીરનો રંગ પીળો થયો છે તેવા, પુષ્પરસના પાનમાં મત્ત બનેલા, અસ્પષ્ટ શબ્દોમાં કંઈક ગાય છે.’’

 

(૩) બિભ્રાણા મૃદૃતાં શિરીષકુસુમશ્રીહારિભિ: શાદ્વલૈ:

સધ: કલ્પિતકુટ્ટિમા મરકતક્ષોદૈરીવ ક્ષાલિતૈ:I

ઇષા સંપ્રતિ બન્ધનાદ્વિગલિતૈર્બન્ધૂકષ્પુપોત્કરૈ-

રદ્યાપિ ક્ષિતિરિન્દ્રગોપકશતૈશ્છન્નૈવ સંલક્ષ્યતેII

 

ભાષાંતર-શિરીષ પુષ્પની શોભાને ધારણ કરનારાં લીલા ઘાસનાં મેદાનો વડે કોમળતાને ધારણ કરનાર, સાફ કરેલા મરકત મણિઓના ટુકડાઓથી જાણે કે એકદમ ફરસબંધીવાળી બની ગઈ હોય એવી આ ભૂમિ હમણાં દાંડલીમાંથી છુટા પડેલા બંધૂક પુષ્પનાં ઢગલાઓથી આ પૃથ્વી અત્યારે પણ જાણે કે સેકડો ઇન્દ્રગોપ જીવડાંઓથી છવાયેલી હોય, તેવી લાગે છે.’’

 

 

 

 

(૪) શ્રોતં હંસસ્વનોડયં સુખયતિ દયિતાનુપૂરાહ્મદકારી

દૃષ્ટિપ્રીતિં વિધતે તટતરૂવિવરાલક્ષિતા સૌધપાલીI

ગન્ધેનામ્ભોરૂહાણાં પરિમલપટુના જાયતે ધ્રાણસૌખ્યં

ગાત્રાણાં હ્મદમેતે વિદધતિ મરૂતો વારિસંપર્કશાતાII

 

ભાષાંતર-પ્રિયતમાના ઝાંઝરના રણકાર જેવો આ હંસોનો ધ્વનિ કાનને આનંદ આપે છે, કિનારા પરનાં વૃક્ષોની વચ્ચેની જગામાંથી દેખાતી મહેલોની હારમાળા નયનોને આનંદ આપે છે. કમળોની પુષ્કળ સુવાસથી નાકને સુખ ઉત્પન્ન થાય છે. જળના સંપર્કથી શીતળ થયેલો આ વાયુ અંગોને આનંદ આપે છે.

 

(૬)પાતાલાદભુવનાવલોકનપરા કિં નાગકન્યોત્થિતા

મિથ્યા તત્ખલુ દૃષ્ટમેવ હિ મયા તસ્મિન કુતોડસ્તીદૃશીI

મૂર્તા સ્યાદિહ કૌમુદી ન ઘટતે તસ્યા દિવા દર્શનં

કેયં હસ્તતલસ્થિતેન કમલેનાલોક્યતે શ્રીરિવII

 

ભાષાંતર-શું આ લોકને નિહાળવાની ઈચ્છાથી પાતાળમાંથી નાગકન્યા આવી છે (પણ) તે તો ખોટું છે. કારણ કે મેં તે (પાતાળ) જોયું છે. ત્યાં આના જેવી ક્યાંથી હોય ? શું આ મૂર્તિમંત ચાંદની હશે ? (પરંતુ) તેનું દિવસે દર્શન શક્ય નથી. હથેળીમાં કમળ હોવાને કારણે લક્ષ્મી જેવી આ કોણ દેખાય છે ?''

 

(૮) અયિ વિસૃજ વિષાદં ભીરૂ ભૃન્ગાસ્તવૈતે

પરિમલરસલુબ્ધા વક્ત્રપદ્મે પતન્તિI

વિકિરસિ યદિ ભૂતસ્ત્રાસલોલાયતાક્ષી

કુવલયવનલક્ષ્મીં તત્કુતસ્ત્વાં ત્યજન્તિII

 

ભાષાંતર-ઓ ભીરું ! શોકનો ત્યાગ કર. સુવાસ અને રસથી લોભાયેલ આ ભ્રમરો તારા મુખકમળ ઉપર પડે છે. ચંચળ અને વિશાળ નયનોવાળી તું હજુ નીલકમળના વનની શોભાને વેરતી રહીશ તો તે (ભ્રમરો) તને કેવી રીતે છોડશે ?

 

અંક-૩

(૨) આભાતિ રત્નશતશોભિતશાતકુમ્ભસ્તમ્ભાવસક્તપૃથૃમૌક્તિકદામરમ્યમ્I

અધ્યાસિતં યુવતિભિર્વિજિતાપ્સરોભિ: પ્રેક્ષાગૃહં સુરવિમાનસમાનતેતત્II

 

ભાષાંતર-સેંકડો રત્નોથી શોભતા સુવર્ણના સ્તંભો ઉપર લટકાવેલ મોટાં મોતીઓની માળાથી સુંદર અને અપ્સરાઓથી પણ અધિક સુંદર યુવતીઓ જેમાં બેઠી છે તેવું આ પ્રેમાગૃહ દેવોના વિમાન જેવું લાગે છે.

 

(૪) પાદૈર્નૂપરિભિર્નિતમ્બફલકૈ: સોગ્ન્નાનકાગ્ન્નીગુણૈ-

ર્હારાપાદિતકાન્તિભિ: સ્તનતટૈ: કેયૂરિભિર્બાહુભિ:I

કર્ણે: કુણ્ડલિભિ: કરૈ: સવલયૈ: સસ્વસ્તિકૈર્મૂર્ધજૈ-

ર્દેવીનાં પરિચારિકાપરિજનોડપ્યેતેષુ સંદૃશ્યતેII

 

ભાષાંતર-ઝાંઝરવાળા પગથી, રણકતા કાંચીગુણવાળા નિતંબથી, હારથી પ્રાપ્ત થયેલ કાન્તિવાળા વિશાળ સ્તનોથી, બાજુબંધવાળા હાથથી, કુંડળોવાળા કાનથી, કંકણ- વાળા હાથથી અને સાથિયાવાળા વાળથી રાણીઓનો પરિચારિકા વર્ગ આમાં દેખાય છે.

 

 

(૬)સપરિજનં પ્રધોતં વિસ્મયમુપનીય વાદયન્વીણામ્I

વાસવદ્ત્તામપહરામિ ન ચિરાદેવ પશ્યામ્યહમ્II

 

ભાષાંતર-સેવકોની સાથે પ્રદ્યોતને આશ્ચર્યચકિત કરીને, વીણા વગાડતાં વગાડતાં ટૂંક સમયમાં જ હું વાસવદત્તાનું અપહરણ કરવાનો છું, એમ મને લાગે છે.

 

 

(૭) રૂપં તત્રયનોત્સવારૂપદમદં વેષ: સ ઇવોજ્જ્વલ:

સા મતદ્વિરદોચિયા ગતિરિયં તત્સત્વમત્યૂર્જિતમ્I

લીલા સૈવ સ ઇવ સાન્દ્રજલદહ્નાદાનુકારી સ્વર:

સાક્ષાદર્શિત ઇષ ન: કુશલયા વત્સેશ ઇવાનયાII

 

ભાષાંતર-નેત્રોના ઉત્સવના સ્થાનસમું આ રૂપ છે. એ જ તેજસ્વી વેશ છે. તે જ આ મદોન્મત્ત હાથી સમાન ચાલ છે. તે જ ઉદાત્ત સ્વભાવ છે અથવા તે જ લીલા છે, તે જ ઘનઘોર મેઘ સમાન અવાજ છે, કુશળ એવી તેણે (મનોરમાએ) આપણને સાક્ષાત્ આ વત્સરાજ જ બતાવ્યા છે.’’

 

 

અંક-૪

 

(૩) ભ્રૂભડ્ગં ન કરોષિ મુહુર્મુગ્ધેક્ષણે ? કેવલં

નાતિપ્રસ્ફુરિતાધરાનવરતં નિ:શ્વાસમેવોજ્ઝસિI

વાચં નાપિ દદાસિ પરં પ્રધ્યાનનમ્રાનનાં

કોપસ્તે સ્તિમિતો નિપીડયતિ માં ગૂઢપ્રહારોપમમ્II

 

ભાષાંતર-હે મુગ્ધ નેત્રોવાળી ! તું ભવાં ચડાવતી નથી પણ વારંવાર માત્ર રડ્યા કરે છે. તારા હોઠ બહુ ફરકતા નથી, છતાં સતત નિઃશ્વાસ જ નાખ્યા કરે છે. પ્રત્યુત્તર આપતી નથી, પણ ઊંડા ધ્યાનમાં નીચું મુખ રાખીને ઊભી રહે છે. તારો આ દબાવેલો ગુસ્સો મને ગૂઢ પ્રહારની જેમ પીડા આપે છે. પ્રિયા પ્રસન્ન થા, પ્રસન્ન થા.

 

 

 

(૧૦) સ્વભાવસ્થા દૃષ્ટિર્ન ભવતિ ગિરો નાતિવિશદા

સ્તનુ: સીદત્યેષા પ્રકટપુલકસ્વેદકણિકાI

યથા ચાયં કમ્પ: સ્તનભરપરિક્લેશજનન-

સ્તથાધાપ્યસ્યા નિયતમખિલં શામ્યતિ વિષમ્II

 

ભાષાંતર-નજર સહજ બનતી નથી, વાણી બહુ સ્પષ્ટ નથી. રોમાંચ અને પ્રસ્વેદ બિંદુઓ સ્પષ્ટ દેખાય છે. તેનું આ શરીર ઢીલું પડે છે. ભારે સ્તનને પીડા આપતો આ ધ્રુજારો જે રીતનો છે તેથી નક્કી તેનું બધું ઝેર શમ્યું નથી.

 

 

 

 

 

 

(૧૧) નિ:શેષં દૃઢવર્મણા પુનરપિ સ્વં રાજ્યમવ્યાસિતં

ત્વં કોપેન સુદૂરમપ્યપહ્નતા સધ: પ્રસત્રા મમI

જીવન્તી પ્રિયદર્શના ચ ભગિની ભૂયસ્ત્વયા સંગતા

કિં તત્સ્યાદપરં પ્રિયં પ્રિયતમે યત્સામ્પ્રતં પ્રાર્થ્યતેII

 

ભાષાંતર-દૃઢવર્માએ પોતાનું સમગ્ર રાજ્ય ફરીથી પાછું મેળવ્યું. તું ક્રોધમાં ઘણી દૂર નીકળી ગઈ, છતાં મારા પર એકદમ પ્રસન્ન થઈ. તમારી બહેન પ્રિયદર્શના જીવતી પુનઃ તમારી સાથે જોડાઈ. હે પ્રિયતમા ! એનાથી બીજું કયું પ્રિય હો શકે કે જેની અત્યારે ઈચ્છા કરાય ?''

 

No comments:

Post a Comment