karnabhaaram

 

પ્રૉ. ડૉ. મીના એસ. વ્યાસ

સેમેસ્ટર-૨                                      

વિષય:- કમ્લસરી- સંસ્કૃત-૧૧૧                             

પેપર નામ:- કર્ણભારમ્

                                       

 

Unit-1

કર્ણભારમ્ અનુવાદ અને સંદર્ભ

 

પ્રશ્ન:- ૧

 

શ્લોક નં:-૧

નરમૃગપતિવર્ષ્માલોકેનભ્રાંતનારી-

નરદનુજસુપર્વબ્રાતપાતાલલોક: I

કરજકુલિશપાલી ભિન્ન્દૈત્યેન્દ્રવક્ષા:

સુરરિપુબહલન્તા શ્રીધરોડસ્તુ શ્રિયે વ: II

 

ભાષાંતર:-નરસિંહસ્વરૂપે દર્શન આપીને મનુષ્યો, દાનવો તથા દેવોના સમૂહ અને પાતાળવાસીઓને ભ્રમમાં નાખનાર, નખની વજ્ર જેવી કિનારીથી દૈત્યેન્દ્ર (હિરણ્યકશિપુ)ની છાતી ચીરનાર, દાનવોના સૈન્યનો નાશ કરનાર તે ભગવાન શ્રીધર (વિષ્ણુ) તમારૂં કલ્યાણ કરો.

 

શ્લોક નં:-૬

અન્યોન્યશસ્ત્રવિનિપાતનિકૃત્તગાત્ર

યૌધાશ્વવારણરથેષુ મહાહવેષુ I

ક્રુધ્ધાન્તકપ્રતિમવિક્રમિણો મમાપિ

વૈધુર્યમાપતતિ ચેતસિ યુધ્ધકાલે II

 

ભાષાંતર:- એકબીજા ઉપર થયેલા હથિયારોના પ્રહારથી કપાયેલા અંગવાળા યોધ્ધાઓ, ઘોડાઓ, હાથીઓ અને રથોવાળા આ મોટા યુધ્ધમાં યુધ્ધને સમયે ગુસ્સે થયેલા યમરાજના જેવા પરાક્રમી એવા મારા ચિત્તમાં પણ ધ્રુજારી (દીનતા) આવી જાય છે.

 

શ્લોક નં:-૯

વિદ્યુલ્લતાકપિલતુન્ગંજટાકલાપ-

મુદ્યત્પ્રભાવલયિનં પરશું દધાનમ્ I

ક્ષત્રાન્તકં મુનિવરં ભૃગુવંશકેતું

ગત્વા પ્રણમ્ય નિકટે નિભૃત: સ્થિતોડસ્મિ II

 

ભાષાંતર:- વીજળી સમાન પીળી, વિશાળ જટાસમૂહવાળા, ઉત્પન્ન થતાં તેજનાં વલયવાળા; ક્ષત્રિયોના કાળ જેવા, ભૃગુવંશના ધ્વજરૂપ મુનિશ્રેષ્ઠ પરશુરામ પાસે જઈ, પ્રણામ કરી હું શાંત ઊભો રહ્યો.

 

શ્લોક નં:-૧૪

સમરમુખમસહ્યં પાંડવનાં પ્રવિશ્ય

પ્રથિતગુણગણાઢ્યં ધર્મરાજં ચ બદ્ધ્વા I

મમ શરવરવેગૈર્જુનં પાતયિત્વા

વનમિવ હતસિંહં સુપ્રવેશં કરોમિ II

 

ભાષાંતર:- પાંડવોના અસહ્ય એવા યુધ્ધને મોખરે પ્રવેશ કરીને, પ્રસિધ્ધ અને ગુણસમૂહથી યુક્ત એવા ધર્મરાજ-યુધિષ્ઠિરને બાંધીને અને મારા શ્રેષ્ઠ બાણોના વેગથી અર્જુનને પાડીને, (આ યુધ્ધમોરચાને) હણાયેલા સિંહવાળા વનની માફક સહેલાઈથી પ્રવેશી શકાય તેવું કરી દઈશ.

 

 

શ્લોક નં:-૧૬

યાત: કૃતાર્થગણનામહમદ્ય લોકે

રાજેન્દ્રમૌલિમણિરજ્જિતપાદપદ્મ: I

વિપેન્દ્રપાદરજસા તુ પવિત્રમૌલિ:

કર્ણો ભવંતમહમેષ નમસ્કરોમિ II

 

ભાષાંતર:- મહાન રાજવીઓના મુગુટમણીથી સુશોભિત ચરણવાળો હું આજે જગતમાં કૃતાર્થીઓની ગણના પામ્યો છું. બ્રાહ્મણવર્યોની ચરણરજથી પવિત્ર થયેલા મુગુટવાળો હું આ કર્ણ આપને નમસ્કાર કરૂં છું.

 

શ્લોક નં:-૧૯

રવિતુરગસમાનં સાધનં રાજલક્ષ્મ્યા:

સકલનૃપતિમાન્યં માન્યકામ્બોજજાતમ્ I

સુગુણમનિલવેગં યુધ્ધદ્રષ્ટાપદાનં

સપદિ બહુસહસ્ત્રં વાજિનાં તે દદામિ II

 

ભાષાંતર:- સૂર્યના ઘોડાઓ જેવા, રાજ્યલક્ષ્મીના સાધન જેવા, સર્વ રાજવીઓને પ્રિય, શ્રેષ્ઠ કામ્બોજ જાતિના સારા ગુણવાળા, પવન સમાન વેગવાળા, યુધ્ધમાં પરાક્રમ બતાવનાર કેટલાય હજારો ઘોડાઓ હું તરત જ તમને આપું છું.

 

શ્લોક નં:-૨૦

મદસરિતકપોલં ષટ્પદૈ: સેવ્યમાનં

ગિરિવરનિચયાભં મેઘગમ્ભીરઘોષમ્ I

સિતનખદશનાનાં વારણાનામનેકં

રિપુસમરવિમર્દં વૃન્દમેતદ્દદામિ II

 

ભાષાંતર:- (સતત) મદ ઝરતા કપોલવાળા, ભમરાઓ વડે સેવાતા, મોટા પર્વતોના સમૂહ જેવી આભાવાળા, મેઘસમાન ગંભીર ગર્જનાવાળા, શ્વેત નખ તેમજ દાંતવાળા, યુધ્ધમાં દુશ્મનોને કચડી નાખનારા હાથીઓના આ અનેક ટોળાઓ હું આપું છું.

 

શ્લોક નં:-૨૪

શંખધ્વનિ: પ્રલયસાગરઘોષતુલ્ય:

કૃષ્ણસ્ય વા ન તુ ભવેત્સ તુ ફાલ્ગુનસ્ય I

નૂનં યુધિષ્ઠિરપરાજયકોપિતાત્મા

પાર્થ: કરિષ્યતિ યથાવલમદ્ય યુધ્ધમ્ II

 

ભાષાંતર:- પ્રલયકાળના સાગરના ઘૂઘવાટ જેવા આ શંખનાદ કૃષ્ણનો ન હોય, એ તો અર્જુનનો જ છે, યુધિષ્ઠિરની હારથી ક્રોધિત થયેલો અર્જુન આજે પૂરી તાકાતથી યુધ્ધ કરશે.

 

પ્રશ્ન:-૨ પૂર્વાપર સંદર્ભ સમજાવો.

(૧) શલ્યરાજ ! યત્રાસાવર્જુનસ્તત્રૈવ ચોધતાં મમ રથ: I

 

શલ્યરાજ જ્યાં તે અર્જુન છે ત્યાં જ મારો રથ લઈ જાઓ.

       મહાકવિ ભાસરચિત કર્ણભારમાં કર્ણ પોતાના સારથિ શલ્યરાજને ઉદ્દેશીને આ વાક્ય બોલે છે.

       કર્ણભાર રૂપકની સ્થાપના પૂરી થતાં કર્ણ પોતાના સારથિ શલ્યરાજ સાથે યુધ્ધભૂમિ પર પ્રવેશે છે. કર્ણ યુધ્ધભૂમિ પર પ્રવેશતાં જ શલ્યરાજને ઉદ્દેશીને જણાવે છે કે મારાં બાણોના નિશાન બનેલા રાજવીઓ જીવતા રહ્યા હોય એમ ક્યારેય બન્યું નથી. તેથી જો આજે મારી નજરમાં અર્જુન આવે તો હું રણમોખરે કૌરવોને ગમતું કરીશ. તે જણાવે છે કે કૌરવોને માટે અર્જુનનો નાશ કરવો એ જ પ્રિય વસ્તુ છે. તેથી તે શલ્યરાજને જણાવે છે કે, “શલ્યરાજ, જ્યાં તે અર્જુન છે ત્યાં જ મારો રથ લઈ જાઓ.”

       કર્ણભાર નાટકમાં કર્ણ ત્રણવાર આ રીતે શલ્યરાજને પોતાનો રથ અર્જુન હોય ત્યાં લઈ જવાનો આદેશ આપે છે. નાટકમાં કર્ણ પોતાના અસ્ત્રવૃત્તાંતને અંતે અને નાટકના અંતે દેવદૂત સમાગમનાં પ્રસંગ પછી પણ કર્ણ આ જ આદેશ શલ્યને આપે છે.

       નાટકમાં ત્રણવાર આવતી કર્ણની આ ઉક્તિ કર્ણની માનસિક સ્થિતિનું વર્ણન કરે છે. માતા કુન્તીને આપેલ વચન અનુસાર તે માત્ર અર્જુન સાથે જ યુધ્ધ કરવાનો છે. તેનું લક્ષ્ય માત્ર અર્જુન છે. તેનો ખરેખરો સ્પર્ધી પણ અર્જુન છે, તેથી તે અર્જુન સાથે યુધ્ધ કરીને તેને હણવા માંગે છે. એટલું જ નહિ, તે અર્જુનને મારીને પોતાના સ્વામી દુર્યોધનની ઈચ્છા પૂરી કરવા માંગે છે. આમ, અહીં કર્ણની સ્વામીભક્તિ પણ અભિવ્યક્ત થાય છે.

       કર્ણે આ ઉક્તિ ત્રણવાર ઉચ્ચારી છે; પરંતુ દરેક સમયે તેની માનસિક સ્થિતિ ભિન્ન ભિન્ન નિરૂપવામાં આવી છે. અહીં મહાકવિ ભાસની આગવી નાટ્યકલાનાં આપણને દર્શન થાય છે.

 

(૨)  નિરર્થમસ્ત્રં ચ મયા હિ શિક્ષિતં પુનશ્ચ માતુર્વચનેન વારિત: I

પુનશ્ચ માતુર્વચનેન વારિત: I

 

       હું જે કાંઈ શીખ્યો છું તે અને મારાં શસ્ત્રો બધું જ નિરર્થક છે અને વળી માતા (કુન્તી) ના વચનથી હું બંધાયો છું.

       મહાકવિ ભાસરચિત કર્ણભારમાં કર્ણ પોતાની સ્થિતિ વર્ણવતાં આ શ્લોકપંક્તિ શલ્યને જણાવે છે.

       કર્ણ શલ્ય સાથે યુધ્ધભૂમિ પર આવ્યો છે. તે તેને પોતાના જન્મવૃત્તાંતની વાત જણાવે છે. તે જણાવે છે કે, “પોતે કુન્તીપુત્ર છે અને યુધિષ્ઠિર વગેરે પોતાના નાના ભાઈઓ છે.” તે આગળ જણાવે છે કે, “ઘણા દિવસોથી રાહ જોતો હતો તે દિવસ આજે ખરેખર આવી પહોંચ્યો છે. પરંતુ આજે મારી સ્થિતિ વિકટ છે.” તે કહે છે કે, “હું જે કાંઈ શીખ્યો છું તે અને મારાં અસ્ત્રો બધું જ નિરર્થક છે અને વળી માતા (કુન્તી) ના વચનથી હું બંધાયો છું.”

       આજે યુધ્ધના શ્રેષ્ઠ દિવસે તેણે શીખેલી અસ્ત્રવિદ્યા નિરર્થક બની છે, કારણ કે તે માતા કુન્તીના વચનથી બંધાઈ ગયો છે. મહાભારતમાં એવી કથા છે કે યુધ્ધ પહેલાં કુન્તી કર્ણ પાસે જાય છે અને તેના જન્મની સાચી વાત જણાવે છે. તેને પાંડવોના પક્ષમાં આવતા માતા કુન્તી વિનવે છે, પરંતુ દુર્યોધનનું તેના પર ઋણ હોવાથી કર્ણ પાંડવોના પક્ષે તો જતો નથી. તે માતા કુન્તીને વચન આપે છે કે, “તે પોતે માત્ર અર્જુન સાથે જ યુધ્ધ કરશે. અર્જુન સિવાયના પાંડવોને નહિ મારે.” અર્જુન સાથે પોતે યુધ્ધમાં હણાય તોપણ પાંચ પાંડવો રહેશે. કાં તો અર્જુનથી હું મરૂં અથવા મારાથી અર્જુન મરે.” એમ કર્ણે કુન્તીને વચન આપ્યું હતું. આમ, માતાના વચનને કારણે આજે કર્ણની વિદ્યા નિષ્ફળ કે નિરર્થક બની જાય છે.

       અહીં કર્ણની ઉદારતા જોવા મળે છે. માતા કુન્તીએ પહેલાં તેને અન્યાય કર્યો હોવા છતાં પણ તે માતાને વચન આપે છે અને તેનું પાલન કરે છે.

 

(૩) બુધ્ધયા માં ચ શશાપ કાલવિફલાન્યસ્ત્રાણિ તે સન્ત્વિતિ I

 

મને (ક્ષત્રિય તરીકે) ઓળખીને શાપ આપ્યો, ખરે સમયે તારાં અસ્ત્રો નિષ્ફળ જશે.

       મહાકવિ ભાસરચિત કર્ણભારમાં આ શ્લોકપંક્તિ કર્ણ ઉચ્ચારે છે.

       યુધ્ધભૂમિ ઉપર કર્ણ અને શલ્ય યુધ્ધના પોશાકમાં સજ્જ થઈને જઈ રહ્યાં છે. આ સમયે કર્ણ શલ્યને પોતાનું અસ્ત્રવિદ્યાનું વૃત્તાંત કહી સંભળાવે છે.

       કર્ણ જણાવે છે કે, “પરશુરામ ક્ષત્રિયોને શસ્ત્રવિદ્યા શીખવતા નથી. તેથી પોતે ક્ષત્રિય નથી એમ કહીને તેમની પાસે શસ્ત્રવિદ્યા શીખવવાની શરૂઆત કરી.” એકવાર કર્ણ પરશુરામ સાથે વનમાં કંદમૂળ વગેરે લેવા માટે ગયો ત્યારે વનમાં ભ્રમણ કરવાને લીધે થાકેલા પરશુરામ કર્ણના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયા. અચાનક દૈવયોગે એક વજ્રમુખ નામના કીડાએ તેની બંને સાથળો કોરી કાઢી, તેની સાથળોમાંથી લોહી નીકળવા માંડ્યું. ગુરૂની નિદ્રામાં ભંગ ન થાય તે માટે કર્ણે અસહ્ય વેદના સહન કરી, પરંતુ લોહીથી ભીંજાતાં પરશુરામ જાગી ગયા. પરશુરામ સમગ્ર પરિસ્થિતિ સમજી ગયા. તેઓ સમજી ગયા કે આટલું ધૈર્ય અને હિંમત બ્રાહ્મણમાં ન જ હોય. આવી હિંમત તો ક્ષત્રિયમાં જ હોઈ શકે. તેથી કર્ણને ક્ષત્રિય તરીકે ઓળખીને શાપ આપ્યો કે, “ખરે સમયે તારાં અસ્ત્રો નિષ્ફળ જશે.”

       અહીં કર્ણનું અસત્ય ભાષણ શાપમાં પરિણમે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કર્ણને તેની યોગ્ય ગુરૂભક્તિનો બદલો શાપ દ્વારા મળે છે. ભાસે અહીં પરશુરામનો ક્રોધ કેવો હતો તે પણ બતાવ્યું છે. પરશુરામ વૃધ્ધાવસ્થામાં પણ પહેલાં જેવા જ ક્રોધી હતા.

 

(૪) કિં ન ખલુ મયા વક્તવ્યમ્ I

 

મારે ખરેખર શું કહેવું જોઈએ?’

       ભાસરચિત કર્ણભારમાં બ્રાહ્મણવેશે કર્ણ પાસે આવેલા ઈન્દ્ર આ ઉક્તિ સ્વગત ઉચ્ચારે છે.

       અસ્ત્રવૃત્તાંત પછી કર્ણ અને શલ્ય રથ પર બેસવા જાય છે ત્યારે પાછળથી કર્ણની પાસે મોટી ભિક્ષાની યાચના કરતો કોઈકનો અવાજ આવે છે. કર્ણ આ અવાજને આધારે સમજી જાય છે કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણનો અવાજ નથી, પરંતુ કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો અવાજ છે. તેથી તે જાતે જ તે બ્રાહ્મણને બોલાવે છે. ઈન્દ્ર બ્રાહ્મણવેશે કર્ણ પાસે ભિક્ષા માંગવા માટે આવે છે. કર્ણ તેનો સત્કાર કરીને નમસ્કાર કરે છે. કર્ણના નમસ્કારના બદલામાં આશીર્વાદ આપતાં શું કહેવું જોઈએ તેની મૂંઝવણ ઈન્દ્ર અનુભવે છે. તે સ્વગત બોલે છે કે, “મારે ખરેખર શું કહેવું જોઈએ?”

       ઈન્દ્ર વિચારે છે કે જો કર્ણને દીર્ઘાયુ થાએમ આશીર્વાદ આપવામાં આવે તો તે દીર્ઘાયુ થાય. આમ જો બને, તો અર્જુનના હાથે કર્ણનો પરાજય ન થાય અને પોતે જે કાર્ય માટે આવ્યો છે તે સિધ્ધ ન થાય. બીજી બાજુ જો આશીર્વાદ ન આપે તો કર્ણ તેને મૂર્ખ માનશે. તેથી અંતે વિચારીને તે આશીર્વાદ આપતાં જણાવે છે કે, “તારી કીર્તિ સૂર્ય, ચંદ્ર, હિમાલય અને સાગરની જેમ અમર રહે.”

       ભાસે અહીં ઈન્દ્રના મનની મૂંઝવણ ખૂબ જ સરસ રીતે નિરૂપી છે. સ્વાર્થી ઈન્દ્ર પ્રભાવશાળી કર્ણ સમક્ષ વામણો લાગે છે. અહીં ઈન્દ્રની સ્વાર્થી વૃત્તિ અને તેની માનસિક મૂંઝવણ અને બીજી બાજુ કર્ણની તેજસ્વિતા મહાકવિ ભાસે સુંદર રીતે નિરૂપી છે. માનવમનના ભાવોને નિરૂપવામાં ભાસ ખરેખર એક સમર્થ નાટ્યકાર છે.

 

 

 

 

(૫) કિં નુ ખલુ અનેકકપટબુધ્ધે: કૃષ્ણસ્યોપાય: I


ખરેખર, શું આ અનેક પ્રકારની કપટબુધ્ધિવાળા કૃષ્ણનું કારસ્તાન (ઉપાય) તો નહિ હોય !

       મહાકવિ ભાસરચિત કર્ણભારમાં કર્ણ આ વાક્ય સ્વગત ઉચ્ચારે છે.

       કર્ણ અને શલ્ય યુધ્ધભૂમિ તરફ જાય છે. તે સમયે બ્રાહ્મણનાં વેશે આવેલ ઈન્દ્ર કર્ણ પાસે મોટી ભિક્ષાની માગણી કરે છે. કર્ણ ગાયો, ઘોડા, હાથીઓ, સોનું, સમગ્ર પૃથ્વી અને અગ્નિષ્ટોમનું ફળ તેને આપવા માટે તૈયાર થાય છે; પરંતુ ઈન્દ્ર તે બધી જ વસ્તુ લેવાની ના પાડે છે. કર્ણ પોતાના શરીર સાથે ઉત્પન્ન થયેલાં, પોતાના દેહના રક્ષણરૂપ, દેવ અને દાનવોથી અભેદ્ય એવાં કવચ અને કુંડળ પ્રેમપૂર્વક આપવાનું તેને કહે છે. આ સમયે તરત જ ઈન્દ્ર સહર્ષ આપ, આપએમ કહીને તે લેવા તૈયાર થઈ જાય છે. આવી રીતે તાકીને બેઠેલા ઈન્દ્રને જોતાં જ કર્ણને એકદમ વિચાર આવે છે કે, આની આ જ ઈચ્છા છે, શું આ અનેક પ્રકારની કપટબુધ્ધિવાળા કૃષ્ણનું તો કારસ્તાન નહિ હોય ! ભલે તેમ હોય. છટ્, શોક કરવો અયોગ્ય છે.” તે આવા વિચારને પોતાના મનમાંથી કાઢી નાંખે છે. તે આવા વિચાર બદલ પોતાની જાતને ધિક્કારે છે અને અંતે તે પોતાનાં કવચ અને કુંડળ બ્રાહ્મણવેશે આવેલ ઈન્દ્રને દાનમાં આપે છે.

       પુરાણોમાં અને મહાભારતમાં કૃષ્ણને કપટબુધ્ધિવાળા ગણવામાં આવ્યા છે. તેઓ વિરોધીને હરાવવા માટે અનેક પ્રકારની જાળ રચતા હતા. જેથી કર્ણને શંકા જાય છે કે આ કવચ અને કુંડળ લઈ જવાનું કાર્ય તે કૃષ્ણની કપટબુધ્ધિનું પરિણામ તો નહિ હોય?

       આ કાર્યમાં કૃષ્ણની કપટબુધ્ધિ જવાબદાર હશે તેવી કલ્પના કરતો કર્ણ પરિસ્થિતિને પામી જવાની ગજબની શક્તિ ધરાવે છે તે અહીં સ્પષ્ટ થાય છે. તે હિંમતથી કહે છે કે, “ગમે તે હોય, પરંતુ અહીં શોક કરવો અયોગ્ય છે.” આમ, અહીં કર્ણની બુધ્ધિમત્તા અને ઉદાત્તતાનાં આપણને દર્શન થાય છે.

 

(૬) હુતં ચ દત્તં ચ તથૈવ તિષ્ઠતિ I

 

યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું તેવું જ રહે છે.

       મહાકવિ ભાસરચિત કર્ણભારમાં કર્ણ શલ્યને ઉદ્દેશીને આ શ્લોકપંક્તિ બોલે છે.

       કર્ણ અને શલ્ય વચ્ચે સંવાદ ચાલે છે. ઈન્દ્ર દાનમાં કવચ અને કુંડળ સ્વીકારવા સહર્ષ તૈયાર થાય છે. કર્ણ પાસે ઈન્દ્રને કવચ અને કુંડળ દાનમાં આપવાની તૈયારી બતાવે છે. આ સમયે શલ્યરાજ કર્ણને તે આપતાં રોકે છે. તે સ્પષ્ટપણે કર્ણને જણાવે છે કે, “હે અંગરાજ, આપશો નહિ. આપશો નહિ.” કર્ણ શલ્યને કહે છે કે, “હે શલ્યરાજ ! તમે મને રોકશો નહિ, કારણ કે સમય પસાર થતાં શિક્ષણ નાશ પામે છે, દ્રઢ મૂળવાળાં વૃક્ષો પડી જાય છે,સરોવરનું પાણી પણ સુકાઈ જાય છે, પરંતુ યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું એમનું એમ જ રહે છે.”

       કર્ણ શલ્યરાજને સ્પષ્ટપણે જણાવે છે કે આ નશ્વર જગતમાં યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું – આ બંનેનો કદી પણ નાશ થતો નથી. અહીં કર્ણ દાનનું મહત્વ દર્શાવે છે.

       જગતમાં એવો નિયમ છે કે જે વસ્તુ યજ્ઞની અગ્નિમાં હોમવામાં આવે છે તે દેવતા સુધી પહોંચે છે. પરિણામે, તેનાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે કદી પણ નાશ પામતું નથી. તેવી જ રીતે જે વસ્તુ દાનમાં આપવામાં આવે છે તે પણ પુણ્યને ઉત્પન્ન કરીને નિત્ય રહે છે. આમ, શિક્ષણ નાશ પામે છે, દ્રઢ મૂળવાળાં વૃક્ષો પડી જાય, સરોવરનું પાણી સુકાઈ જાય, પરંતુ યજ્ઞમાં હોમેલું કે દાનમાં આપેલ વસ્તુનો નાશ થતો નથી.

       અહીં કર્ણની ઉદાત્ત વિચારસરણીનાં આપણને દર્શન થાય છે. ભાસ નાનાં નાનાં વાક્યોમાં જીવનનાં સિધ્ધાંતોને સુંદર રીતે રજૂ કરવામાં સિધ્ધહસ્ત કવિ છે. ભાસની શૈલીની આ આગવી વિશિષ્ટતાનાં આપણને અહીં દર્શન થાય છે.

 

(૭) બ્રાહ્મણવચનમિતિ ! ન મયાતિક્રાન્તપૂર્વમ્ I

 

બ્રાહ્મણનું વચન ! મેં પહેલા ક્યારેય ઉથાપ્યું નથી.

       મહાકવિ ભાસરચિત કર્ણભારના અંતભાગમાં કર્ણ ઈન્દ્રે (યાચકે) મોકલેલ દેવદૂતને ઉદ્દેશીને આ વાક્ય બોલે છે.

       કર્ણ પાસેથી ઈન્દ્ર બ્રાહ્મણવેશે આવીને તેના શરીરના રક્ષણરૂપ કવચ અને કુંડળ લઈ જાય છે. પરંતુ તેને પાછળથી પોતાના આ કૃત્ય બદલ પશ્વાતાપ થાય છે, તેથી તે પોતાના દેવદૂતને બ્રાહ્મણવેશે મોકલે છે. તે આ દેવદૂત સાથે પાંડવોમાંથી કોઈ એકને મારવા માટે સમર્થ એવી વિમલા નામની અમોઘ શક્તિ કર્ણને મોકલાવે છે. દેવદૂત કર્ણને આ શક્તિનો સ્વીકાર કરવા માટે જણાવે છે. આ સમયે કર્ણ કહે છે કે, “મેં જે દાનમાં આપ્યું છે તેનો બદલો હું લેતો નથી.” દેવદૂત તેને બ્રાહ્મણનાં વચનને લીધે સ્વીકાર કરવાનું જણાવે છે. આ સમયે કર્ણ આ શક્તિનો સ્વીકાર કરતાં જણાવે છે કે, “બ્રાહ્મણનું વચન ! મેં પહેલાં ક્યારેય ઉથાપ્યું નથી.”

       કર્ણ દાનનો બદલો ન સ્વીકારવા માટે દ્રઢ છે, પરંતુ બ્રાહ્મણનું વચન સાંભળતાં જ કર્ણ તેનો સ્વીકાર કરે છે. કર્ણે પોતાના જીવન દરમિયાન હંમેશા બ્રાહ્મણનો બહુમાનપૂર્વક આદર કર્યો છે. તે બ્રાહ્મણોને હંમેશા પૂજનીય માને છે. બ્રાહ્મણો પરત્વેના પૂજ્યભાવ અને ભક્તિને કારણે તે ક્યારેય બ્રાહ્મણના વચનને ઉથાપતો નથી. અહીં પણ તે બ્રાહ્મણનું વચન સાંભળતાં જ કર્ણ આ શક્તિનો સ્વીકાર કરે છે.

       કર્ણની આ ઉક્તિમાં તેની બ્રાહ્મણો પરત્વેની સન્માનભાવના, આદરભાવ અને ભક્તિ અભિવ્યક્ત થાય છે. આ ઉપરાંત આ ઉક્તિ દ્વારા આપણને ભાસકાલીન સમાજ બ્રાહ્મણપૂજક હતો તેનો પણ પરિચય પ્રાપ્ત થાય છે.

 

Unit-2

કર્ણભારમ્-પાત્રાલેખન, રસદર્શન તથા સમીક્ષા.

 

પ્રશ્ન:-૧ કર્ણનું પાત્ર.

 

પ્રાસ્તાવિક:

       મહાકવિ ભાસરચિત કર્ણભારમાં સૂર્યપુત્ર કર્ણ મુખ્ય પાત્ર છે. પારિભાષિક રીતે કર્ણ ધીરોદત્ત નાયક છે. મહાભારતના કર્ણને ભાસે અહીં અભિનવ સ્વરૂપ બક્ષ્યું છે. અહીં કર્ણનું અસ્ત્રવૃત્તાંત અને કવચકુંડળના દાનની કથા છે. કર્ણ સાથે સંબંધિત આ બે પ્રસંગોના આલેખનમાં કર્ણના પાત્રનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે.

કુન્તીપુત્ર છતાં રાધેય:

       કર્ણ પોતે જણાવે છે કે હું પહેલાં કુન્તીના પુત્ર તરીકે જન્મ્યો હતો, પરંતુ પાછળથી રાધાના પુત્ર તરીકે જાહેર થયો. મહાભારતની કથા અનુસાર કુન્તીને ઋષિની કૃપાથી, સૂર્ય, ઈન્દ્ર વગેરે દેવોના પુત્રપ્રાપ્તિ માટેના મંત્રો પ્રાપ્ત થયા હતા. તેણે આ મંત્રોની પરીક્ષા કરવા માટે કુમારાવસ્થામાં જ સૂર્યની પૂજા કરી. પરિણામે, સૂર્યે કવચકુંડળ સાથે પુત્ર આપ્યો. હવે કુન્તી મૂંઝાઈ. તેણે આ બાળકને નદીમાં તરતો મૂક્યો. એક સારથિને આ બાળક પ્રાપ્ત થયો. તેણે આ બાળક ઘેર લઈ જઈને પોતાની રાધાને આપ્યો. રાધાએ આ બાળકને ઉછેર્યો. તેથી આ બાળક કર્ણ રાધેયએ નામથી પ્રસિધ્ધ બન્યો. તે સારથિને ઘેર ઉછેર પામ્યો હોવાથી એ સૂતપુત્રતરીકે પણ ઓળખાય છે. પાંડવો એના નાના ભાઈઓ થાય. યુધ્ધપૂર્વે માતા કુન્તીને કર્ણે વચન આપ્યું હતું કે તારા પુત્રો પાંચના પાંચ જ રહેશે. અર્જુન મરશે અથવા કર્ણ મરશે. અહીં આ રૂપકમાં કર્ણ આ વાતનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે, ‘પુનશ્ચ માતુર્વચનેન વારિત: I’

 

જ્ઞાનપિપાસુ કર્ણ:

       પરશુરામ પાસે જ્ઞાનપિપાસાથી કર્ણ જાય છે. આ સમયે તે અસત્ય બોલે છે. હું ક્ષત્રિય નથીએમ કહીને તે પરશુરામ પાસે અસ્ત્રવિદ્યા શીખે છે. અહીં અપ્રતિમ જ્ઞાનપિપાસા તેની પાસે અલ્પ અસત્ય બોલાવે છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે અસત્ય બોલવું એ બહુ મોટું પાપ નથી.

 

ગુરૂભક્ત કર્ણ:

       તેની ગુરૂસેવા કે ગૂરૂભક્તિ સાચે જ ઉત્તમ પ્રકારની છે. એકવાર વનભ્રમણથી થાકી ગયેલા ગુરૂ પરશુરામ તેના ખોળામાં સૂઈ ગયા. આ સમયે દૈવયોગે વજ્રમુખ નામના કીડાએ કર્ણની સાથળો કોરી નાખી, પરંતુ ગુરૂની નિદ્રામાં ભંગ ન પડે તે માટે તેણે અસહ્ય વેદના ધૈર્યપૂર્વક સહન કરી. અહીં કર્ણની ગુરૂભક્તિનાં આપણને દર્શન થાય છે. પરંતુ લોહીથી ભીંજાયેલા પરશુરામ એકાએક જાગી જાય છે. અસહ્ય વેદના સહન કરનાર કર્ણ ક્ષત્રિયછે એમ જાણીને પરશુરામ તેને શાપ આપ્યો કે અણીને વખતે તારાં અસ્ત્રો નિષ્ફળ જશે.

 

યુધ્ધવીર કર્ણ:

       યુધ્ધભૂમિ પર કર્ણ પોતાનાં અસ્ત્રોની પરીક્ષા કરે છે અને તેને માલૂમ પડે છે કે પોતાનાં અસ્ત્રો નિષ્ફળ ગયાં છે. આ સમયે તે સામાન્ય માનવીની જેમ મૂંઝાતો નથી, પરંતુ યુધ્ધમાં વીરતાપૂર્વક લડી લેવા તે તૈયાર થાય છે. તે જણાવે છે કે, “જો યુધ્ધમાં મરીશ તો સ્વર્ગ પ્રાપ્ત થશે. જીતીશ તો યશ પ્રાપ્ત થશે. જગતમાં આ બંને માનને પાત્ર છે. તેથી યુધ્ધમાં નિષ્ફળતા નથી.” આ નાટકનાં આરંભમાં કર્ણનો યુધ્ધોત્સવપ્રમુખઅને દ્રષ્ટપરાક્રમતરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ઈન્દ્રને આખી પૃથ્વી જીતીને દાનમાં આપવાની તૈયારી બતાવે છે. આમ, આ એકાંકીમાં કર્ણ એક યુધ્ધવીર તરીકે વાચકો અને સહ્રદયીઓના ચિત્તમાં અનન્ય સ્થાન જન્માવે છે.

 

દાનવીર કર્ણ:

       કર્ણભારમાં ભાસે મહારથી કર્ણની દાનવીરતાને વર્ણવી છે. ઈન્દ્ર બ્રાહ્મણ સ્વરૂપે કર્ણ પાસે આવીને મોટી ભિક્ષાની માગણી કરે છે. કર્ણ તેમને હજારો ગાયો, સેંકડો ઘોડાઓ, હાથીઓના ટોળાંઓ, અપર્યાપ્ત સુવર્ણ, પૃથ્વી વગેરે આપવાની તૈયારી બતાવે છે. ઈન્દ્ર તે બધાંની ના પાડે છે. ત્યારપછી કર્ણ પોતાનું મસ્તક દાનમાં આપવાનું જણાવે છે. આ તેની દાનવીરતાની પરાકાષ્ઠા કહેવાય, પરંતુ બ્રાહ્મણસ્વરૂપે આવેલ ઈન્દ્ર તેની પણ ના પાડે છે. અંતે તે પોતાના દેહની રક્ષા સમાન તેના જન્મ સાથે જ પ્રાપ્ત થયેલાં કવચ અને કુંડળ દાનમાં આપવા તૈયારી બતાવે છે. ઈન્દ્ર તે લેવા તરત તૈયાર થાય છે. કર્ણને ખ્યાલ આવે છે કેઆ કૃષ્ણનું કપટ હશે. વળી, શલ્ય તેને તે આપતાં રોકે છે, છતાં પણ દાનવીર કર્ણ ઈન્દ્રને કવચ-કુંડળ દાનમાં આપી દે છે. આ જ છે તેની દાનવીરતા !

       ઈન્દ્રને પશ્વાતાપ થવાથી તે એક પાંડવનો વધ કરવા સમર્થ એવી વિમલાનામની શક્તિ દેવદૂત દ્વારા મોકલાવે છે, પરંતુ દાન આપવાનું જ જાણનાર કર્ણ પ્રતિદાન (દાનનો બદલો) તો લેતો જ નથી. તે જણાવે છે કે, “ધિગ્, દત્તસ્ય ન-પ્રતિગૃહ્ળામિ I’ ત્યારે તેની ત્યાગવીરતાનાં આપણને દર્શન થાય છે, પરંતુ અંતે બ્રાહ્મણવચન ન ઉથાપવા માટે તે વિમલાશક્તિનો સ્વીકાર કરે છે. અહીં કર્ણનો બ્રાહ્મણો પરત્વેનો પૂજ્યભાવ દ્રષ્ટિગોચર થાય છે.

 

ઉપસંહાર:

       સંક્ષેપમાં કર્ણ જ્ઞાનપિપાસુ, કર્મવીર, યુધ્ધવીર તેમજ દાનવીર છે. તેનું પરાક્રમ અભૂતપૂર્વ છે. તે સિધ્ધાંતો માટે પ્રાણની આહુતિ આપવા માટે સદા તત્પર હોય છે. મહાભારતકારે કર્ણને પૂર્ણ ન્યાય આપ્યો નથી, પરંતુ મહાકવિ ભાસે કર્ણના પાત્રને ઉદાત્ત અને ભવ્ય બનાવ્યું છે. આમ, શ્રેષ્ઠ દાની અને પરાક્રમી કર્ણના પાત્રને સર્વાંગ સુંદર દર્શાવવામાં ભાસની નાટ્યકલાની સિધ્ધિનો આપણને પરિચય પ્રાપ્ત થાય છે.

 

પ્રશ્ન:-૨ પરશુરામનાં શાપનો પ્રસંગ.

 

પ્રાસ્તાવિક:

       ભાસવિરચિત કર્ણભારમાં શરૂઆતમાં યુધ્ધભૂમિ પર કર્ણ અને તેના સારથિ શલ્યરાજ દાખલ થાય છે. કર્ણનું હ્રદય કોઈ અભૂતપૂર્વ હ્રદયાનુતાપ અનુભવી રહ્યું છે. તે પોતાની ભૂતકાળની વાત શલ્ય સાથે કરે છે. આ સમયે તે શલ્યને જણાવે છે કે, “મને એ વાત સાંભળવાનું કુતૂહલ છે. ત્યાર પછી કર્ણ તેમને પોતાનું અસ્ત્રવૃત્તાંત જણાવે છે.

 

પરશુરામ-સમાગમ:

       કર્ણ જણાવે છે કે, “હું પહેલા જમદગ્નિના પુત્ર પરશુરામ પાસે અસ્ત્રવિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયો હતો. તેમની પાસે જઈને પ્રણામ કરીને શાંત ઊભો રહ્યો. ત્યાર પછી તેઓએ આશીર્વાદ આપીને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે મેં જણાવ્યું કે, “સમગ્ર અસ્ત્રવિદ્યા શીખવાની હું ઈચ્છા રાખું છું.” પછી તેઓએ જણાવ્યું કે હુંબ્રાહ્મણને જ શીખવું છું, ક્ષત્રિયોને નહિ. ત્યાર પછી “હું ક્ષત્રિય નથી.” એમ કહીને મેં અસ્ત્રવિદ્યા શીખવાનું શરૂ કર્યું.

 

પરશુરામનો શાપ:

       કેટલાક સમય બાદ એક વખત ફળ, મૂળ, સમધિ, દર્ભ અને પુષ્પો લેવા માટે ગુરૂ સાથે કર્ણ ગયો. ત્યાં વનભ્રમણથી થાકી ગયેલા ગુરૂ કર્ણના ખોળામાં સૂઈ ગયા. તે સમયે દૈવયોગે વજ્રમુખ નામના કીડાએ કર્ણના બંને સાથળોને કોરી નાખી, ગુરૂદેવ જાગી ન થાય તે માટે કર્ણે અસહ્ય વેદના મૂંગેમોઢે સહન કરી, પરંતુ લોહીથી ભીંજાવાથી ગુરૂદેવ જાગી ગયા. કર્ણની સહનશીલતાથી પરશુરામને લાગ્યું કે આ બ્રાહ્મણ નહિ, પરંતુ ક્ષત્રિય છે. તેથી તેમણે “ખરે સમયે તારાં અસ્ત્રો નિષ્ફળ જશે” એવો શાપ કર્ણને આપ્યો.

       યુધ્ધભૂમિ પર કર્ણે પોતાનાં અસ્ત્રોની બાબતમાં પરીક્ષા કરી, પરંતુ તેનાં અસ્ત્રો તેને તેજહીન જણાયાં. અસ્ત્રો નિષ્ફળ જવાથી તે ગભરાયો નહિ.

 

ઉપસંહાર:

       આ અસ્ત્રવૃત્તાંત કર્ણનાં પાત્રની અનેક ભવ્યતાઓ પર પ્રકાશ ફેંકે છે. તેણે પરશુરામ પાસે અસત્ય ઉચ્ચારણ કર્યું કે, “હું ક્ષત્રિય નથી.” આ અસત્ય ભાષણ તેના પાત્રને કલંકિત કરતું નથી. અહીં કર્ણની જ્ઞાનપિપાસા-જિજ્ઞાસાવૃત્તિ અને તે માટેની તમન્ના જોવા મળે છે. અસત્ય બોલીને પણ જ્ઞાન પ્રાપ્ત કરવું એ ભાવના ખરેખર ઉમદા લેખી શકાય. આ ઉપરાંત કીડો કરડવાથી ઉત્પન્ન થયેલી અસહ્ય વેદના તેણે ગુરૂસેવા કે ગુરૂભક્તિને કારણે જ સહન કરી. અહીં કર્ણની ગુરૂભક્તિ અને સહનશીલતા જોવા મળે છે. પરંતુ વિધિની વક્રતા એવી છે કે ગુરૂભક્તિ અને ગુરૂ પરત્વેની સદભાવના તેની જ્ઞાનસાધનાના માર્ગમાં અવરોધરૂપ નીવડે અને પરિણામે તેને શાપ પ્રાપ્ત થયો.

 

પ્રશ્ન:-૩ કવચ-કુંડળનાં દાનનો પ્રસંગ.

 

પ્રાસ્તાવિક:

       ભાસરચિત કર્ણભારમાં કર્ણની દાનવીરતાને ભાસે ભવ્યાતિભવ્ય રીતે રજૂ કરી છે. આ રૂપકની શરૂઆતમાં યુધ્ધભૂમિ પર દાખલ થયેલા કર્ણ અને શલ્ય વચ્ચે કર્ણના અસ્ત્રવૃત્તાંતની વાત પૂરી થાય છે. ત્યારપછી રૂપકનાં ઉત્તરાર્ધમાં જ્યારે કર્ણ અને શલ્ય રથ ઉપર બેસવા જાય છે ત્યારે પાછળથી કર્ણની પાસે મોટી ભિક્ષાની યાચના કરતો કોઈકનો અવાજ આવે છે.

 

કર્ણ-ઈન્દ્ર સંવાદ:

       કર્ણને આ અવાજ વીર્યવાન-શક્તિશાળી લાગે છે. તે પોતે સામે ચાલીને બોલાવવા જાય છે. ઈન્દ્ર બ્રાહ્મણસ્વરૂપે કર્ણ પાસે આવે છે અને ઘણી મોટી ભિક્ષાની માંગણી કરે છે. કર્ણ આવેલ બ્રાહ્મણને નમસ્કાર કરે છે. કર્ણના નમસ્કારના બદલામાં આશીર્વાદ આપતાં શું કહેવું જોઈએ તેની મૂંઝવણ ઈન્દ્ર અનુભવે છે. જો દીર્ધાયુ થાએમ કહેવામાં આવે તો તે દીર્ઘાયુ થાય અને જો આશીર્વાદ ન આપે તો કર્ણ તેને મૂર્ખ ગણશે. તેથી અંતે તે વિચારીને તે કહે છે કે, “તારી કીર્તિ, સૂર્ય, ચંદ્ર, હિમાલય અને સાગરની જેમ અમર રહે.” કર્ણને આશ્ચર્ય થાય છે કે “દીર્ઘાયુ થા” એમ શા માટે ન કહ્યું? પણ અંતે તે મન મનાવીને જણાવે છે કે દેહ નાશ પામવા છતાં પણ ગુણો જ ટકી રહે છે, તેથી આ આશીર્વાદ વધુ યોગ્ય છે. પછી કર્ણ પૂછે છે કે, “તમને હું શું આપું?” ઈન્દ્ર ઘણી મોટી ભિક્ષાની માગણી કરે છે. કર્ણ ઈન્દ્રને હજારો ગાયો, સેંકડો ઘોડાઓ, હાથીઓનાં ટોળાંઓ, પુષ્કળ સુવર્ણ કે પૃથ્વી જીતીને દાનમાં આપવાનું જણાવે છે, પણ ઈન્દ્ર આ બધું લેવાની ના પાડે છે. કર્ણ પોતાનું મસ્તક ઉતારી આપવાની તૈયારી બતાવે છે, ઈન્દ્ર તે પણ લેવાની ના પાડે છે. અંતે કર્ણ પોતાના દેહની રક્ષા સમાન, પોતાનાં અંગોની સાથે જન્મેલાં, અભેદ્ય એવાં કવચ અને કુંડળ પ્રેમપૂર્વક આપવાનું કહે છે. ઈન્દ્ર તરત જ આનંદ સાથે તે લેવા તૈયાર થાય છે.

 

કવચ-કુંડળ દાન:

       ઈન્દ્રની કવચ-કુંડળ લેવાની તૈયારી જોઈને કર્ણને ખ્યાલ આવે છે કે આની આ જ લેવાની ઈચ્છા હતી. શું આ અનેક પ્રકારનાં કપટ કરનાર કૃષ્ણની તો યુક્તિ નહિ હોય? પરંતુ તે આ અંગેના શોકને અયોગ્ય ગણે છે અને અંતે તે ઈન્દ્રને કવચ અને કુંડળ સ્વીકારવાનું જણાવે છે. આ સમયે શલ્ય કર્ણને રોકે છે, પરંતુ કર્ણ શલ્યની વાત અવગણીને કવચ અને કુંડળ ઈન્દ્રને દાનમાં આપી દે છે. ઈન્દ્ર આ દાનને સહર્ષ સ્વીકારીને ચાલ્યા જાય છે.

 

છેતરાયો કર્ણ કે ઈન્દ્ર? :

       ઈન્દ્ર જ્યારે કવચ અને કુંડળ લઈને જાય છે, ત્યારે શલ્ય કર્ણને કહે છે કે ઈન્દ્રે તમને છેતર્યા છે. પરંતુ કર્ણ શલ્યને જણાવે છે કે ઈન્દ્રે મને છેતર્યો નથી. પરંતુ ઈન્દ્ર મારાથી છેતરાયો છે. જે ઈન્દ્રને બ્રાહ્મણો સેંકડો યજ્ઞમાં આહુતિઓ આપીને સંતુષ્ટ કરે છે અને જેણે દાનવોના સમૂહનો નાશ કર્યો છે તેવો ઈન્દ્ર આજે મારી પાસે યાચક તરીકે આવ્યો છે; તે જ બતાવે છે કે ઈન્દ્ર છેતરાયો છે, હું નહિ. અહીં કર્ણની ભવ્ય ઉદારતાના દર્શન થાય છે.

 

 

ઉપસંહાર:

       આ પ્રસંગમાં કર્ણની ઉદારતા અને ઈન્દ્રની ક્ષુદ્રતા ભાસે સુંદર રીતે આલેખી છે. કર્ણની દાનવીરતા અદ્વિતિય છે, એ બાબત આ પ્રસંગ પરથી સ્પષ્ટ થાય છે, આ પ્રસંગના નિરૂપણમાં ભાસના નાટ્યકૌશલ્યનાં આપણને દર્શન થાય છે.

 

પ્રશન:-૪ ઈન્દ્રનું પાત્ર.

 

પ્રસ્તાવના:

       મહાભારતની કથા અનુસાર ઈન્દ્રના મંત્રથી અર્જુન ઉત્પન્ન થયો હતો, તેથી જ અર્જુન ઈન્દ્રપુત્ર તરીકે ઓળખાય છે. તેવી જ રીતે કર્ણ સૂર્યના મંત્રથી ઉત્પન્ન થયો હોવાથી તે સૂર્યપુત્ર તરીકે ઓળખાય છે. જન્મતાંની સાથે સૂર્યપુત્ર કર્ણને પોતાના શરીર સાથે કવચ અને કુંડળ પ્રાપ્ત થયાં હતાં. જ્યાં સુધી કર્ણના શરીર પર કવચ અને કુંડળ હોય ત્યાં સુધી કોઈ તેને મારી શકે નહિ તેવું તેને વરદાન પ્રાપ્ત થયું હતું. તેથી જ્યાં સુધીએ કર્ણના શરીર પરથી કવચ અને કુંડળ દૂર ન થાય ત્યાં સુધી અર્જુન યુધ્ધમાં કર્ણ સામે જીતી શકે નહિ. તેથી ઈન્દ્રે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કર્ણ પાસેથી કવચ અને કુંડળ દાનમાં માંગી લીધા. તેનું વર્ણન કર્ણભારમાં આપવામાં આવ્યું છે.

 

ઈન્દ્રનું પાત્ર:

       યુધ્ધભૂમિ પર જતાં કર્ણ પાસે ઈન્દ્ર બ્રાહ્મણસ્વરૂપે આવે છે અને મોટેથી તેની પાસે યાચના કરતાં કહે છે કે, “હે કર્ણ, હું ઘણી મોટી ભિક્ષા માંગું છું.” તેમનો અવાજ વીર્યવાન હોય છે, કર્ણ તેમને પ્રણામ કરે છે. આ વખતે સામાન્ય નિયમ મુજબ દીર્ઘાયુ થાએવા આશીર્વાદ આપવા જોઈએ, પરંતુ જો ઈન્દ્ર એવા આશીર્વાદ આપે તો તરત આવનાર યુધ્ધમાં અર્જુન તેને મારી ન શકે. તેથી ઈન્દ્ર થોડોક સમય વિચારીને કર્ણને આશીર્વાદ આપતાં કહે છે કે, “હે કર્ણ ! સૂર્ય, ચંદ્ર, હિમાલય અને સાગારની જેમ તારી કીર્તિ સ્થિર રહે” કર્ણને આથી આશ્વર્ય થાય છે, અહીં ઈન્દ્રની પટુતા અને વાક્ચાતુર્યનાં આપણને દર્શન થાય છે.

       કર્ણ ઈન્દ્રને હજારો ગાયો, ઘોડાઓ, હાથીઓ વગેરે આપવાનું કહે છે. પરંતુ ઈન્દ્ર ના પાડે છે. કર્ણ સુવર્ણ અને પૃથ્વી દાનમાં આપવામાં કહે છે, પરંતુ તે ના પાડે છે. તે પોતાનું મસ્તક આપવાનું કહે છે, ત્યારે પણ ઈન્દ્ર “અરે, અરે” એમ કહી દે છે. અંતે કર્ણ જ્યારે કવચ અને કુંડળ આપવાનું કહે છે, ત્યારે ઈન્દ્ર તરત જ “આપો, આપો” એમ કહી દે છે. કર્ણ અચકાયા વિના કવચ અને કુંડળ ઈન્દ્રને દાનમાં આપે છે. જોકે કર્ણને ઈન્દ્રની કપટબુધ્ધિનો અને તેની પાછળની કૃષ્ણની યુક્તિનો ખ્યાલ આવે છે. અહીં ઈન્દ્રની કપટબુધ્ધિનો આપણને પરિચય થાય છે.

       કવચ-કુંડળ લીધા પછી ઈન્દ્રને પશ્ચાતાપ થાય છે અને તેથી દેવદૂત દ્વારા એક વ્યક્તિને મારવા માટે શક્તિમાન એવું અમોઘ શસ્ત્ર કર્ણને મોકલાવે છે. ઈન્દ્ર હીનકાર્ય કરે છે, પરંતુ અંતે તે પશ્ચાતાપ દ્વારા પોતાના ગૌરવનું રક્ષણ પણ કરે છે.

 

ઉપસંહાર:

       સંક્ષેપમાં ઈન્દ્ર પોતાની પટુતા, વાક્ચાતુર્ય, કપટબુદ્ધિ અને આત્મવિશ્વાસથી પ્રેક્ષકોને ચકિત કરી દે છે. ઈન્દ્રના પાત્રતા ચિત્રણમાં પણ ભાસે અત્યંત કાળજી રાખીને ગૌણ પાત્રને યોગ્ય ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે.

 

પ્રશ્ન:-૫ શલ્યનું પાત્ર.

 

       શલ્ય એક મહારથી યોધ્ધો હોવા ઉપરાંત કાબેલ સારથિ છે. અર્જુનનાં સારથિ કૃષ્ણ ભગવાન બને છે. જ્યારે યુધ્ધમાં અર્જુન સામે કર્ણને લડવાનું હોવાથી શલ્યરાજ કર્ણના સારથિ બને છે.

       કર્ણભારરૂપક (એકાંકી) માં શરૂઆતમાં યુધ્ધભૂમિ પર કર્ણ અને તેના સારથિ શલ્ય દાખલ થાય છે. કર્ણ પોતાની માનસિક અવસ્થાની વાત કરીને પોતાનું અસ્ત્રવૃત્તાંત જણાવે છે. તેમાં જ્યારે કર્ણનાં અસ્ત્રો નિષ્ફળ જાય છે, ત્યારે શલ્યને ઘણો ખેદ થાય છે. કર્ણ ક્યારે બ્રાહ્મણસ્વરૂપે આવેલા ઈન્દ્રને કવચ અને કુંડળ આપવા તૈયાર થાય છે, ત્યારે શલ્ય તેને રોકે છે. છતાં પણ કર્ણ ઈન્દ્રને કવચ-કુંડળ દાનમાં આપે છે. આ સમયે શલ્ય કર્ણને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, “હે અંગરાજ ! તમે છેતરાયા છો.”

       સારથિનું કાર્ય યોધ્ધાને મદદ કરવાનું અને મુશ્કેલીમાં તેને બચાવવાનું હોય છે. અહીં શલ્ય કર્ણ તરફ સાચા હ્રદયથી સહાનુભૂતિ દર્શાવે છે. શલ્ય કર્ણને કવચ-કુંડળ આપતાં રોકે છે. આમ, શલ્ય સારથિ તરીકેની પોતાની ફરજ યોગ્ય રીતે બજાવે છે.

       ભાસે કર્ણભારમાં શલ્ય જેવા ગૌણ પાત્રના ચિત્રણમાં પણ યોગ્ય કાળજી લીધો છે. મહાભારતનો શલ્ય અર્જુનનો પક્ષપાતી અને કર્ણવિરોધી છે. તે સતત કર્ણને હતોત્સાહી બનાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે અહીં શલ્ય કર્ણના નિકટના મિત્ર અને સાચા સારથિ તરીકે નિરૂપિત થાય છે. આમ, ભાસે મહાભારતના શલ્યના પાત્રને ઉદાત્ત બનાવ્યું છે.

 

પ્રશ્ન:-૬ કર્ણભારમ્ શીર્ષક.

 

પ્રાસ્તાવિક:

       કોઈપણ સાહિત્યકૃતિનું શીર્ષક એના હાર્દને પ્રગટ કરતું હોવું જોઈએ. વળી, તે સંક્ષિપ્ત, ચોટદાર, સૂચક, અસંદિગ્ધ અને ઉચિત હોવું જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં નાટકોનાં શીર્ષક કાં તો નાયક કે નાયિકાના નામ ઉપરથી કે બંનેના નામ ઉપરથી કે નાટકના કથાનકમાં આવતા મહત્વનાં પ્રસંગ ઉપરથી રાખવામાં આવે છે. કર્ણભારનું શીર્ષક પણ રૂપક (એકાંકી) ના મહત્વના અંગને સ્પષ્ટ કરે છે.

 

કર્ણભારનું શીર્ષક:

(૧) વ્યુત્પત્તિ- કર્ણભારમ્શીર્ષકની વ્યાકરણની દ્રષ્ટિએ આ પ્રમાણે સમજૂતિ આપી શકાય : “કર્ણસ્ય ભાર: કર્ણભાર: I તમ્ અધિકૃત્ય કૃતમ્ નાટકમ્ કર્ણભારમ્ I” કર્ણનો ભાર તે કર્ણભાર. તેને આધારે રચેલું નાટક તે કર્ણભાર નાટક. આમ, શીર્ષક દર્શાવે છે કે કર્ણના કોઈ ભારની ચર્ચા-વિચારણાનું આલેખન આ રૂપકમાં છે, પરંતુ ભારશબ્દ દ્વારા ભાસ શું સૂચવવા માગે છે એ પ્રશ્ન પરત્વે વિદ્વાનોમાં વિવિધ મતાંતરો પ્રવર્તે છે.

(૨) કર્ણનો માનસિક ભાર-ડૉ. જી.કે. ભટ્ટ અહીં ભાર શબ્દને માનસિક ભાર (Psychological burden)’ ના સંદર્ભમાં લે છે. યુધ્ધમાં કર્ણ વિશાળ સૈન્યની જવાબદારી સ્વીકારે છે. આ સેનાપતિપદ ભારરૂપ તો છે જ. સાથે સાથે પરશુરામનો શાપ અને કુન્તીને આપેલ વચન પણ તેને બાધાજનક નીવડે છે. આમ, ભાર શબ્દ કર્ણના માનસિક સંતાપનું સૂચન કરે છે.

(૩) કાનનો ભાર- ડૉ. પુસાલકર કર્ણભાર એટલે કાનનો ભારએવો અર્થ કરે છે. કર્ણ કવચ અને કુંડળ ઈન્દ્રને દાનમાં આપે છે. કુંડળ એ કર્ણના કાનમાં ભારરૂપ છે અને કર્ણ તે દૂર કરે છે.જોકે વાસ્તવમાં તો કુંડળ એ કર્ણના કાનમાં ભારરૂપ ન હતાં, પરંતુ તેના કાનની શોભારૂપ હતાં. વળી, અહીં તો કુંડળની સાથે કવચ પણ દાનમાં આપવામાં આવે છે. એ કવચ કેવું છે. તેનો ઉલ્લેખ શીર્ષકમાં શા માટે નથી? આમ, ‘કાનનો ભારએવો અર્થ કર્ણભારના શીર્ષકની સમજૂતી માટે સ્વીકારી શકાય તેમ નથી.

(૪) કર્ણની જવાબદારી- કેટલાક વિદ્વાનો કર્ણનો ભાર એટલે કર્ણની જવાબદારીએવો અર્થ આપે છે, પરંતુ અહીં કર્ણ કઈ જવાબદારી અદા કરે છે? આ નાટકમાં તેના અસ્ત્રનું વૃત્તાંત અને કવચ-કુંડળના દાનનો પ્રસંગ એમ બે પ્રસંગો છે. પરંતુ આ પ્રસંગોમાં કોઈપણ સ્થળે તેના માથે કોઈ જવાબદારી હતી, તેમ જોવા મળતું નથી. તેથી આ અર્થ પણ સ્વીકારી શકાય તેમ નથી.

(૫) કર્ણની વિશેષતા- કેટલાક કર્ણનો ભાર એટલે કર્ણની વિશેષતાએવો અર્થ આપે છે. કર્ણભારમાં કર્ણનું અસ્ત્રવૃત્તાંત અને કવચ-કુંડળના દાનનો પ્રસંગ-એમ બે મુખ્ય પ્રસંગો છે. અહીં આ પ્રસંગોમાં કર્ણની મહત્તા કે વિશેષતાનાં દર્શન થાય છે, તેથી જ કર્ણનો ભાર એટલે કર્ણની વિશેષતા એવો અર્થ આપી શકાય. જોકે સંસ્કૃત સાહિત્યમાં ભારનો અર્થ વિશેષતા એવો ભાગ્યે જ થયેલો જોવા મળે છે. તેથી આ અર્થ પણ યોગ્ય ગણી શકાય નહિ.

(૬) કર્ણની મુશ્કેલી- કેટલાક વિદ્વાનોની દ્રષ્ટિએ કર્ણનો ભાર એટલે કર્ણનો બોજો કે કર્ણની મુશ્કેલીએવો અર્થ આપી શકાય. નાટકના પૂર્વાર્ધમાં કર્ણે પરશુરામ પાસેથી અસ્ત્રો પ્રાપ્ત કર્યાં, પરંતુ અંતે મુશ્કેલી આવી અને ખરે સમયે અસ્ત્રો નિષ્ફળ જશેએવો કર્ણને શાપ પ્રાપ્ત થયો. ઉત્તરાર્ધમાં પણ દાનવીર કર્ણે પોતાની દાનવીરતાને કારણે ઈન્દ્રને પોતાનાં કવચ અને કુંડળ દાનમાં આપ્યાં. પરિણામે, કર્ણને માથે મુશ્કેલી વધી; કારણ કે તે કવચ અને કુંડળને લીધે અવધ્ય હતો. હવે કવચ-કુંડળ જતાં યુધ્ધમાં તેને કોઈપણ મારી શકે એવી સ્થિતિ ઊભી થઈ. આમ, કર્ણભાર એટલે કર્ણની મુશ્કેલીએવો અર્થ સંભવી શકે ખરો.

 

 

ઉપસંહાર:

       કર્ણભારશીર્ષકની સમજૂતી આપવામાં કર્ણભાર શબ્દનો અર્થ સ્પષ્ટ ન થવાથી અનેક મુશ્કેલીઓ આવે છે. આ શીર્ષકની સમજૂતી માટે વિવિધ મતો અસ્તિત્વમાં આવ્યા છે. આ વિવિધ મતોમાં કર્ણને માટે ઊભી થયેલ મુશ્કેલીઅથવા કર્ણનો માનસિક ભારએવા મતો કેટલેક અંશે સ્વીકાર્ય લાગે છે. જોકે આ નાટકના શીર્ષકનો કયો મૂળ અર્થ ભાસને અભિપ્રેત હશે, એ કહેવું પણ મુશ્કેલ છે.

 

Unit-3

ભાસ નાટ્યકાર તરીકે (Self Study)

 

પ્રશ્ન:-૧ ભાસનું જીવન.

 

પ્રાસ્તાવિક:

       સંસ્કૃત સાહિત્યમાં મોટા ભાગના કવિઓના જીવન વિશે આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. ભાસના જીવન વિશે પણ કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેમના જીવન વિશે પણ કેટલીક દંતકથાઓ પ્રચલિત છે. તેમના ગ્રંથોને આધારે પણ કેટલીક માહિતી આપી શકાય.

 

ભાસવિષયક દંતકથાઓ:

       ભાસનાં જીવન સાથે સંકળાયેલી દંતકથાઓ નીચે પ્રમાણે છે:

(૧) ભાસ અને વ્યાસ વચ્ચે બંનેમાંથી કોણ વધુ શ્રેષ્ઠ છે એ અંગે વિવાદ જન્મ્યો, તેથી બંનેએ પોતાની એક એક ઉત્તમ કૃતિ અગ્નિમાં નાંખી. વ્યાસની કૃતિ અગ્નિમાં નાશ પામી, પરંતુ ભાસનો વિષ્ણુધર્મનામનો ગ્રંથ અગ્નિમાં નાશ પામ્યો નહિ. પરિણામે, ભાસની શ્રેષ્ઠતા પુરવાર થઈ. જોકે ભાસે વિષ્ણુધર્મનામના ગ્રંથની રચના કરી છે એવો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. વળી, ‘વિષ્ણુધર્મનામનો કોઈ ગ્રંથ હાલમાં ઉપલબ્ધ નથી. તેથી આ દંતકથામાં કોઈ તથ્ય નથી.

(૨) એક દંતકથા અનુસાર ભાસ ધાવક એટલે કે ધોબી હતો. આ ધાવક રાજા હર્ષના દરબારમાં કવિ તરીકે મહત્વનું સ્થાન ધરાવતા હતા. તેમણે રત્નાવલીઅને પ્રિયદર્શિકાનામની બે નાટિકાની રચના કરી અને રાજા હર્ષના નામે પ્રસિધ્ધ કરી. જોકે આ દંતકથામાં પણ કોઈ સાર નથી.

(૩) એક દંતકથા પ્રમાણે ભાસનું નામ ઘટકર્પર હતું. તેણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જે પોતાને નાટકની રચનામાં હરાવે તેને ઘેર પોતે ઘડાના ઠીકરા વડે પાણી ભરશે. જોકે ભાસ એ ઘટકર્પર કવિ હતો એમ માની શકાય નહિ. ઘટકર્પર વિક્રમ રાજાના દરબારના કવિ હતા. તેથી તેનો સમય ઈ.સ.ની ચોથીથી છઠ્ઠી સદી વચ્ચે ગણાવી શકાય, જ્યારે ભાસ તો ઈ.સ. પૂર્વેમાં થઈ ગયા.

 

       ભાસની ઉપરની દંતકથાઓ ઉપરથી તેમના જીવન વિશે કોઈપણ પ્રકારની માહિતી પ્રાપ્ત થતી નથી.

કૃતિઓના આધારે પ્રાપ્ત થતી ભાસવિષયક માહિતી:

       ભાસ અગસ્ત્ય ગોત્રની પ્રશાખરૂપ ભાસ નામના ગોત્રના બ્રાહ્મણ હતા. આમ, ભાસ એ તેમના ગોત્રનું નામ હશે. તેઓ ઉત્તર ભારતના રહેવાસી હશે એમ તેમની કૃતિઓ પરથી કહી શકાય. તેમણે પોતાના ગ્રંથોમાં દક્ષિણ ભારતની સરખામણીમાં ઉત્તર ભારતનાં પર્વતો, નદીઓ, નગરો વગેરેનું સવિશેષ વર્ણન કર્યું છે.

       ભાસ પોતે વૈષ્ણવધર્મી હતા. તેઓ વિષ્ણુ ભક્ત હતા. તેમણે પોતાનાં નાટકોની નાન્દીમાં વિષ્ણુના વિવિધ અવતારોની સ્તુતિ કરી છે. જોકે તેઓએ અન્ય દેવોની પણ સ્તુતિ કરી છે. તેઓ ધર્માંધ ન હતા. તેઓ વૈદિક કર્મકાંડમાં ખૂબ જ શ્રધ્ધા ધરાવતા હતા.

       તેઓ બ્રાહ્મણ હોવા છતાં રાજાઓ અને રાજદરબાર સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા, તેમનાં નાટકોના ભરતવાક્યમાં આવતી રાજસિંહ અમારૂં પાલન કરોએવી પંક્તિ દર્શાવે છે કે તેઓ કોઈ રાજા સાથે ખૂબ જ નજદીકનો સંબંધ ધરાવતા હતા. તેમનાં નાટકોમાં પણ પ્રરમદવન, સમુદ્રગૃહ વગેરનાં વર્ણનો પરથી પણ આ બાબત સિધ્ધ થાય છે.

       તેઓ સ્વાભાવે નમ્ર અને આનંદી હશે. તેઓએ જીવનનું સાચા અર્થમાં દર્શન કર્યું હશે. તેઓ સ્થાયી કુટુંબજીવનનાં આગ્રહી હશે. તેઓએ પોતાના કુટુંબને સુખી બનાવ્યું હશે.

       તેઓ વિદ્વાન નાટ્યકાર હતા. તેઓએ વિવિધ શાસ્ત્રોનો ખૂબ જ ગહન અભ્યાસ કર્યો હશે. એમ તેમની કૃતિઓ પરથી કહી શકાય. તેઓ વૈદિક સાહિત્ય, રામાયણ, મહાભારત, પુરાણ, ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર વગેરેમાં પારંગત હતા, તેમને લોકકથાઓમાં વિશેષ રસ હતો. તેઓએ લોકકથાઓને આધારે પણ નાટકોની રચના કરી છે.

       ટૂંકમાં ભાસનું જીવન જ્ઞાનથી યુક્ત, વિલાસી છતાં સભ્યતાયુક્ત અને રાજાથી માંડીને આમજનતા સુધીના સંબંધોથી યુક્ત હતું.

 

ભાસની કૃતીઓનો પરિચય:

પ્રાસ્તાવિક:

       ભાસ એ એક સમર્થ નાટ્યકાર છે. ઈ.સ. ૧૯૧૨ પહેલાં આપણે તેમને માત્ર નામથી જ ઓળખતા હતા; પરંતુ ઈ.સ. ૧૯૧૨ માં ત્રિવેન્દ્રમનાં સંસ્કૃત ગ્રંથાલયમાંથી શ્રી ગણપતિ શાસ્ત્રીને કેટલાંક નાટકોની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. તેઓએ આ નાટકોની હસ્તપ્રતોના ગહન અભ્યાસ પછી આ નાટકો ભાસનાં જ છે એમ દર્શાવીને ક્રમશ: પ્રસિધ્ધ કર્યાં.

 

ભાસની કૃતીઓનું વર્ગીકરણ:

       ભાસના આ તેર રૂપકોને તેની કથાવસ્તુને આધારે નીચે પ્રમાણે જુદા જુદા વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે:

(૧) મહાભારત પર આધારિત રૂપકો- (૧) દૂતવાક્ય (૨) દૂતઘટોત્કચ (૩) કર્ણભાર     (૪) ઊરૂભંગ (૫) મધ્યમવ્યાયોગ અને

                                        (૬) પંચરાત્ર

(૨) રામાયણ ઉપર આધારિત રૂપકો- (૭) પ્રતિમાનાટક અને (૮) અભિષેકનાટક

(૩) ઉદયનકથા ઉપર આધારિત રૂપકો- (૯) પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ અને

                                        (૧૦) સ્વપ્નવાસવદત્તા

(૪) હરિવંશ ઉપર આધારિત રૂપક- (૧૧) બાલચરિત

(૫) કવિકલ્પના ઉપર આધારિત રૂપકો- (૧૨) અવિમારક અને (૧૩ ચારૂદત્ત

 

મહાભારત ઉપર આધારિત કૃતિઓ:

 

(૧) દૂતવાક્ય- આ એક અંકનું રૂપક છે. પાંડવોના દૂત બનીને શ્રીકૃષ્ણ કૌરવો પાસે આવે છે. તેઓ સંધિનો પ્રસ્તાવ રજૂ કરે છે. તેમની અને દુર્યોધનની વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે. સંધિનો પ્રસ્તાવ નિષ્ફળ જાય છે.

(૨) દૂતઘટોત્કચ- આ એક અંકનું રૂપક છે. અભિમન્યુના વધ પછી અર્જુન જયદ્રથને હણવાની પ્રતિજ્ઞા લે છે. આ સમયે શ્રીકૃષ્ણ ઘટોત્કચને દૂત તરીકે સંદેશો આપવા ધૃતરાષ્ટ્ર પાસે મોકલે છે. તેઓ સંદેશો મોકલાવે છે કે કૌરવોના પુત્રોનો નાશ ન થાય તે માટે હવે યુધ્ધ બંધ કરો. પરંતુ દુર્યોધન ઘટોત્કચનું અપમાન કરે છે. આ એક મૌલિક એકાંકી છે.

(૩) કર્ણભાર- આ એક અંકનું રૂપક છે. યુધ્ધભૂમિ પર મહારથી કર્ણ પોતાનાં સારથી શલ્યને પરશુરામના શાપનું વૃત્તાંત કહે છે. ત્યાર પછી ઈન્દ્ર બ્રાહ્મણસ્વરૂપે આવીને કપટથી કર્ણ પાસેથી દાનમાં કવચ અને કુંડળ લઈ જાય છે. આ એકાંકીમાં કર્ણની દાનવીરતા અને તેનું મનોમંથન સુંદર રીતે નિરૂપવામાં આવ્યું છે.

(૪) ઊરૂભંગ- આ એક અંકનું રૂપક છે. દુર્યોધન અને ભીમના ગદાયુધ્ધમાં ભીમ કપટથી દુર્યોધનની સાથળો ભાંગી નાખે છે. પરિણામે દુર્યોધનના ગુરૂ બલરામ ભીમને મારી નાખવા માટે તૈયાર થાય છે. દુર્યોધન અને તેના પુત્ર સંજય વચ્ચેનો સંવાદ તેમજ દુર્યોધન અને તેના માતા-પિતા વચ્ચેનો સંવાદ ભાસે ખૂબ જ કરૂણતાપૂર્વક દર્શાવ્યો છે. અંતે દુર્યોધનનું મૃત્યુ થાય છે. આ એકાંકી એ એક કરૂણાંત રૂપક છે.

(૫) મધ્યમવ્યાયોગ- આ એક અંકનું રૂપક છે. કેશવદાસનાં મધ્યમ પુત્રને ઘટોત્કચ લઈ જાય છે. આ સમયે ભીમ બ્રાહ્મણકુટુંબની રક્ષા માટે બ્રાહ્મણપુત્રને છોડાવીને પોતે ઘટોત્કચ સાથે હિડિમ્બા પાસે જાય છે. હિડિમ્બા ભીમને જોતાં જ ઓળખી જાય છે અને ઘટોત્કચને પોતાના પિતાને પ્રણામ કરવાનું જણાવે છે.

(૬) પંચરાત્ર- આ ત્રણ અંકનું રૂપક છે. દુર્યોધન યજ્ઞના અંતે પોતાના ગુરૂ દ્રોણાચાર્યને ગુરૂદક્ષિણા માંગવાનું જણાવે છે. દ્રોણાચાર્ય પાંડવોને તેમનું અડધું રાજ્ય આપવાનું જણાવે છે. આ સમયે દુર્યોધન શરત મૂકે છે કે જો તમે અજ્ઞાતવાસમાં રહેલા પાંડવોને પાંચ રાત્રિમાં શોધી લાવશો તો તેમને અડધું રાજ્ય પાછું આપી દઈશ. ગુરૂ દ્રોણાચાર્ય અને ભીમના પ્રયત્નથી પાંડવો પાંચ રાત્રિમાં મળી આવે છે અને પરિણામે શરત પ્રમાણે દુર્યોધન પાંડવોને અડધું રાજ્ય પાછું આપી દે છે.

 

રામાયણ પર આધારિત કૃતિઓ:

 

(૭) પ્રતિમાનાટક- સાત અંકના આ નાટકમાં રામના રાજ્યાભિષેકથી રાવણના વધ સુધીના વિવિધ પ્રસંગો આલેખવામાં આવ્યા છે. મોસાળથી પાછો આવેલ ભરત પ્રતિમાગૃહમાં રાજા દશરથની પ્રતિમા જુએ છે અને તેને પોતાના પિતાના મૃત્યુની જાણ થાય છે. આ પ્રસંગને આધારે જ નાટકનું શીર્ષક આપવામાં આવ્યું છે. આ નાટકમાં રાજા રામનાં રાજ્યાભિષેકની તૈયારી, કૈકેયી દ્વારા રાજા રામના વનવાસ અને ભરતને રાજગાદી અંગેના બે વરદાનોની માંગણી, રામનો વનવાસ અને પરિણામે દશરથનું મૃત્યુ, ભરતનો શોક, રામની આજ્ઞાથી રાજ્યની જવાબદારી ભરત દ્વારા સ્વીકારવી, સીતાનું અપહરણ, રાવણનો વધ, રામનો અયોધ્યામાં પુન: રાજ્યાભિષેક વગેરે પ્રસંગો નાટ્યાત્મક રીતે આલેખવામાં આવ્યા છે.

(૮) અભિષેકનાટક- આ છ અંકના નાટકમાં વાલીનો વધ, હનુમાનજીનું સીતાજીને મળવા માટે લંકા જવું, સીતાને સાંત્વન, રાવણ સાથે ઉગ્ર સંવાદ, રામ અને રાવણનું યુધ્ધ, રાવણનો વધ, સીતાની પવિત્રતાની પરીક્ષા, રામનો પુન: રાજ્યાભિષેક વગેરે પ્રસંગોનું આલેખન નાટ્યાત્મક રીતે કરવામાં આવ્યું છે.

 

ઉદયનકથા ઉપર આધારિત કૃતિઓ:-

 

(૯) પ્રતિયૌગન્ધરાયણ- ઉદયનની લોકકથાને આધારે ભાસે છ અંકના નાટકની રચના કરી છે. ઉજ્જયિનીના રાજા મહાસેન શિકારપ્રેમી ઉદયન રાજાને કપટ દ્વારા પકડે છે અને જેલમાં નાંખે છે. ઉજ્જયિનીની રાજકુંવરી વાસવદત્તા ઉદયન પાસે વીણા શીખે છે અને બંને પ્રેમમાં પડે છે. ઉદયનનો મંત્રી યૌગન્ધરાયણ રાજાને મુક્ત કરવાની પ્રતિજ્ઞા લે છે. યૌગન્ધરાયણ એક યોજના ઘડે છે. આ યોજના દ્વારા યૌગન્ધરાયણ ઉદયનને વાસવદત્તા સાથે ઉજ્જયિનીથી વત્સદેવ લાવે છે.

(૧૦) સ્વપ્નવાસવદત્તમ્- છ અંકનું નાટક પણ ઉદયનકથાના આધારે રચાયું છે. વાસવદત્તાના પ્રેમમાં ઉદયન રાજ્યવહીવટ પરત્વે બેદરકાર બને છે અને પોતાનું રાજ્ય ગુમાવે છે. પોતાના સ્વામીનું રાજ્ય પાછું મેળવવા માટે અન્ય અમાત્યો સાથે યૌગન્ધરાયણ એક યોજના ઘડે છે. આ યોજના અનુસાર વાસવદત્તા અને યૌગન્ધરાયણને આગમાં બળી ગયેલાં જાહેર કરવામાં આવે છે. બંને વેશપરિવર્તન કરીને ત્યાંથી બહાર નીકળે જાય છે. યૌગન્ધરાયણ વાસવદત્તાને પદ્માવતી પાસે થાપણ તરીકે મૂકે છે. શિકાર કરીને પાછા ફરેલ ઉદયન વાસવદત્તાના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ કલ્પાંત કરે છે. જ્યોતિષિની આગાહી અનુસાર ઉદયનનું પદ્માવતી સાથે લગ્ન થાય છે. વાસવદત્તા આ બધું જુએ છે. સ્વપ્નદ્રશ્યમાં નિદ્રાધીન ઉદયન સાથે વાસવદત્તા વાતચીત કરે છે. આ પ્રસંગને આધારે વાસવદત્તા જીવીત છે તેઓ સંદેહ ઉદયનને થાય છે. આ પ્રસંગને ભાઈની મદદથી ઉદયન તેણે ગુમાવેલ રાજ્ય પાછું મેળવે છે. ત્યાર પછી નાટકનાં અંતે યૌગન્ધરાયણ અને વાસવદત્તા ઉદયન સમક્ષ જાહેર થાય છે. આ નાટક ભાસનું સર્વોત્તમ નાટક મનાય છે.

 

હરિવંશ ઉપર આધારિત:-

 

(૧૧) બાલચરિત- આ નાટક પૌરાણિક કથા ઉપર આધારિત છે. આ નાટકમાં કૃષ્ણજન્મથી શરૂ કરીને તેમની બાળલીલાનું સુંદર રીતે આલેખન કરવામાં આવ્યું છે. પૂતનાવધ, કાલિનાગનો વધ અને અંતે કંસનો વધ વગેરે પ્રસંગોનું પણ સુંદર રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે.

 

કવિકલ્પના ઉપર આધારિત કૃતિઓ:-

 

(૧૨) અવિમારક- છ અંકના સૌવીર રાજાનો પુત્ર વિષ્ણુસેન (બીજું નામ અવિમારક) અને રાજા કુન્તીભોજની પુત્રી કુરંગીના પ્રેમ અને લગ્નની કથા આલેખવામાં આવી છે. અહીં વિષ્ણુસેન અવિનું રૂપ ધારણ કરનાર રાક્ષસનો વધ કરે છે.

(૧૩) ચારૂદત્ત- ભાસનું આ પ્રકરણ સ્વરૂપનું રૂપક અપૂર્ણ છે. તેના ચાર અંકો હાલમાં ઉપલબ્ધ છે. ગરીબ તથા ગુણવાન બ્રાહ્મણ ચારૂદત્ત સૌંદર્યવતી નગરની વારાંગના વસંતસેનના પ્રેમમાં પડે છે. રાજાનો સાળો શકાર તેમના પ્રણયમાર્ગમાં અવરોધ જન્માવે છે. આ રૂપકને આધારે શુદ્રકે મૃચ્છકટિકની રચના કરી છે એમ વિદ્વાનો માને છે.

ઉપસંહાર:-

       ઉપરના તેર રૂપકો ઉપરાંત યજ્ઞફલ’, ‘વીણાવાસવદત્તાવગેરે નાટકોની ભાસે રચના કરી છે એમ કેટલાક માને છે. પરંતુ ઉપર દર્શાવેલાં તેર નાટકો ભાસની જ કૃતિઓ છે એ બાબતમાં વિદ્વાનોમાં સર્વસંમતિ પ્રવર્તે છે.

 

પ્રશ્ન:- ૨ કર્ણભારમ્ ની આધારસામગ્રી દર્શાવી, ભાસે કરેલા પરિવર્તનની ચર્ચા કરો.

 

પ્રાસ્તાવિક:-

       નાટ્યવિવેચકો નાટકમાં કથાવસ્તુનું મહત્વ દર્શાવતાં જણાવે છે કે કથાવસ્તુ એ તો નાટકનું શરીર છે, તેથી જ નાટકનું કથાવસ્તુ ખ્યાતવૃત્તમપ્રસિધ્ધ હોવું જોઈએ એવો આગ્રહ રાખવામાં આવે છે. કર્ણભારનું કથાવસ્તુ પણ પ્રસિધ્ધ છે. ભાસે કર્ણભારનું કથાવસ્તુ મહાભારતમાંથી લીધું છે. આ રૂપકમાં મહાભારતમાં નિરૂપિત કર્ણ સાથે સંબંધિત બે પ્રસંગો ભાસે પસંદ કર્યા છે: (૧) પરશુરામ પાસે બ્રાહ્મણના બહાને કર્ણે પ્રાપ્ત કરેલી અસ્ત્રવિદ્યા અને પકડાઈ જતાં પ્રાપ્ત થયેલ પરશુરામના શાપનું વૃત્તાંત અને (૨) કર્ણે બ્રાહ્મણવેશે આવેલ ઈન્દ્રને આપેલ કવચ-કુંડળનાં દાનનો પ્રસંગ.

 

કર્ણભારની આધારસામગ્રી કે મૂળસ્ત્રોત:-

       કર્ણભાર રૂપકનો મૂળસ્ત્રોત મહાભારત છે. શાંતિપર્વના તૃતિય અધ્યાયમાં પરશુરામનો અભિશાપ અને કર્ણનાં અસ્ત્રોની નિસ્તેજતાની કથા પ્રાપ્ત થાય છે. કર્ણપર્વમાં અર્જુન સાથેના ભીષણ યુધ્ધ, અર્જુન દ્વારા કર્ણનો વધ, કર્ણને હતોત્સાહ બનાવતા અર્જુનના પક્ષપાતી શલ્યનું સારથિત્વ વગેરે પ્રસંગો નિરૂપાયા છે. વનપર્વમાં ૩૦૦ થી ૩૧૦ અધ્યાયોમાં ઈન્દ્ર દ્વારા કપટથી કર્ણના કવચકુંડળના દાનની પ્રાપ્તિ અંગેની કથા છે.

       જોકે મુખ્યત્વે તો મહાભારતનાં શાંતિપર્વના પાંચમા અધ્યાયમાં નિરૂપિત કર્ણનું ચરિત્રચિત્રણ કર્ણભારમાં જોવા મળે છે. અહીં કપટવેશે ઈન્દ્રનું આગમન, કવચ-કુંડળનું દાન લેવું, પોતાના પિતા સૂર્યદેવની ના હોવા છતાં અભેદ્ય કવચ-કુંડળનું કર્ણ દ્વારા દાન, પરશુરામનો શાપ, કુંતીનું વરદાન અને સારથિ શલ્ય દ્વારા વારંવાર હતોત્સાહી બનતો કર્ણ વગેરે પ્રસંગો આલેખાયા છે.

 

ભાસે કરેલા ફેરફારો:-

       મહાકવિ ભાસે મહાભારતમાં નિરૂપિત કર્ણને લગતી કથાનો ઉપયોગ કરીને પોતાની મૌલિક નાટ્યસૂઝથી રૂપક (એકાંકી) ની કથાને વિકસાવી છે. તેથી જ અહીં ભાસે મૂળ કથામાં નાટ્યોચિત કેટલાક ફેરફારો કર્યા છે, જે નીચે પ્રમાણે દર્શાવી શકાય:

 

(૧) મહાભારતની કથા અનુસાર જ્યારે પાંડવો વનમાં હતા ત્યારે ઈન્દ્ર બ્રાહ્મણવેશે આવે છે અને કવચ-કુંડળ માંગે છે. કર્ણ ઈન્દ્રને કવચ-કુંડળ દાનમાં આપી દે છે, જ્યારે કર્ણભારમાં ભાસે યુધ્ધનાં દિવસોમાં જ્યારે કર્ણ રણમેદાનમાં જઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગ નિરૂપ્યો છે. આ ફેરફાર દ્વારા યુધ્ધના વિકટ સમયે પણ પોતાના પ્રાણનું સતત રક્ષણ કરનાર કવચ-કુંડળ કર્ણે દાનમાં આપી દીધાં, એમ બતાવીને કર્ણના પાત્રને ભાસે અત્યંત ભવ્ય બનાવ્યું છે.

(૨) મહાભારતમાં ઈન્દ્ર પોતે કવચ-કુંડળની માંગણી કર્ણ પાસે કરે છે, જ્યારે અહીં કર્ણ પોતે જ ઈન્દ્રને કવચ-કુંડળ આપવાની તૈયારી બતાવે છે. આ ફેરફારથી કર્ણની ઉદારતા વધુ શોભી ઉઠે છે.

(૩) મહાભારતમાં કર્ણ કવચ-કુંડળ આપતી વખતે શરૂઆતમાં હા-ના કરે છે. કર્ણ સ્વયં ઈન્દ્ર પાસે અમોધ શસ્ત્રની યાચના કરે છે. જ્યારે ઈન્દ્ર એક માણસને મારે તેવું અમોઘ શસ્ત્ર આપે છે, ત્યારે તેના બદલામાં તે ઈન્દ્રને કવચ-કુંડળ દાનમાં આપે છે. આમ, આ મૂળ કથા કર્ણના પાત્રને ઝાંખુ પાડે છે. અહીં કર્ણભારમાં ભાસે આ પ્રસંગનાં નિરૂપણમાં નાટ્યોચિત ફેરફાર કર્યો છે. કર્ણને કવચ-કુંડળનું દાન આપતી વખતે સહેજ વિચાર આવે છે કે આ કૃષ્ણનું કપટ હશે, પરંતુ તે કવચ-કુંડળ ઈન્દ્રને આપે છે. શલ્ય તેને રોકે છે, પરંતુ તે ઈન્દ્રનો હેતુ જાણવાં છતાં કવચ-કુંડળ આપી દે છે. આમ, અહીં કર્ણનું પાત્ર ઉદાત્ત બને છે.

(૪) મહાભારતમાં કર્ણ પાસેથી કવચ-કુંડળ દાનમાં લઈ જતા ઈન્દ્રને પસ્તાવો થતો નથી. અહીં ઈન્દ્રને પસ્તાવો થાય છે તેમ બતાવવામાં આવ્યું છે.

(૫) મહાભારતમાં કર્ણની યાચનાને લીધે ઈન્દ્ર પોતે અમોઘ અસ્ત્ર કર્ણને આપે છે, પરંતુ અહીં આ નાટકમાં પસ્તાવો અનુભવતો ઈન્દ્ર દેવદૂત દ્વારા અમોધ અસ્ત્ર કર્ણને મોકલાવે છે. કર્ણ પહેલાં હું દાનનો બદલો લેતો નથીએમ કહીને ના પાડે છે, પરંતુ દેવદૂત જ્યારે બ્રાહ્મણવચનને ઉથાપવાની ના પાડે છે ત્યારે જ અમોધ શસ્ત્રનો કર્ણ સ્વીકાર કરે છે. અહીં કર્ણની દાનવીરતાની ઉદત્તતા જોવા મળે છે.

(૬) મહાભારતની કથા અનુસાર કર્ણનો સારથિ શલ્ય અર્જુનનો પક્ષપાતી હોય છે. તે કર્ણને સતત હતોત્સાહ બનાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કર્ણભારમાં શલ્ય કર્ણનો સાચા અર્થમાં સારથિ છે. તે મુશ્કેલ પરિસ્થિતિમાં કર્ણ પરત્વે સહાનુભૂતિ દર્શાવે છે. આમ, ભાસે શલ્યના પાત્રાલેખનમાં મૂળગત ફેરફાર કર્યો છે.

(૭) કર્ણના અસ્ત્રવૃતાંત અને પરશુરામનાં શાપના પ્રસંગમાં પણ ભાસે કેટલાક નાટ્યોચિત ફેરફારો કર્યા છે. મહાભારતની કથા અનુસાર કર્ણ પરશુરામને પોતે ભૃગુવંશનો છેએમ કહે છે. અહીં તે માત્ર હું ક્ષત્રિય નથીએમ જણાવે છે. વાસ્તવમાં તે સૂતપુત્રતરીકે જાણીતો હતો, તેથી તેનું ઉચ્ચારણ અસત્ય ન ગણાવી શકાય. આમ, ભાસે કર્ણને ઉદાત્ત બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

(૮) મહાભારતમાં પરશુરામ કર્ણને કેવળ બ્રહ્માસ્ત્ર ભૂલી જશે એવો શાપ આપે છે. અહીં ખરે સમયે બધાં જ અસ્ત્રો નિષ્ફળ જશે એવો શાપ બતાવ્યો છે.

 

મૌલિક સર્જન:-

       કર્ણભારમાં રૂપકની રચનામાં ભાસનું મુખ્ય ધ્યેય કર્ણના પાત્રનું ઉદાત્તીકરણ છે. મહાભારતકારે મહારથી અને દાનેશ્વરી કર્ણને યોગ્ય ન્યાય આપ્યો નથી, મહાકવિ ભાસે મૂળકથામાં નાટ્યોચિત ફેરફાર કરીને કર્ણના ગુણોને વધુ ભવ્યતાથી રજૂ કર્યા છે. અહીં ગાયો, બ્રાહ્મણો અને પતિવ્રતાઓ પ્રત્યે અખૂટ શ્રધ્ધા રાખનાર યશને જ સાચું ધન ગણનાર અતિસંસ્કૃત અને દાનવીરોમાં શ્રેષ્ઠ કર્ણના પાત્રનું ભાસે સર્જન કર્યું છે. ભાસની આ અદ્વિતીય સિધ્ધિ ગણાવી શકાય.

       મહાભારતમાં કવચ-કુંડળના દાનનો પ્રસંગ યુધ્ધપૂર્વે નિરૂપાયો છે. અહીં યુધ્ધભૂમિ પર જતો કર્ણ શલ્યને પરશુરામના શાપનું વૃત્તાંત જણાવે છે. આ સમયે જ આ પ્રસંગ નિરૂપીને ભાસે કર્ણના પાત્રને ભવ્ય બનાવ્યું છે. અહીં ભાસ દર્શાવવા માગે છે કે પરશુરામના શાપથી શસ્ત્રો નિષ્ફળ જવા છતાં કર્ણ પોતાના પ્રાણની સતત રક્ષા કરનાર કવચ-કુંડળ આપી દેતાં સહેજ પણ ખચકાતો નથી. આમ, ભાસે અહીં પ્રસંગોના કાળક્રમમાં મૌલિક રીતે ફેરફાર કર્યો છે. શલ્યનાં પાત્રનું આલેખન પણ મૌલિક રીતે જ કર્યું છે.

 

ઉપસંહાર:-

       આમ, ભાસે કર્ણભારના કથાવસ્તુ માટે મહાભારતના પ્રસંગો પસંદ કર્યા છે. પરંતુ આ મૂળ કથાનકમાં તેમણે પોતાના મૌલિક નાટ્યકૌશલ્ય દ્વારા આ રૂપકની કથાને અવનવો ઓપ આપ્યો છે. આ એકાંકીમાં કર્ણના પાત્રને ભવ્ય અને ઉદાત્ત બનાવ્યું છે.

 

પ્રશ્ન:- ૩ કર્ણભારની સમીક્ષા.

 

પ્રાસ્તાવિક:-

       કર્ણભારએ મહાભારત ઉપર આધારિત રૂપક છે. ભાસે મહાભારતનાં મૂળ કથાનકમાં કેટલાક ઔચિત્યપૂર્ણ ફેરફારો અને મૌલિક સર્જનો કર્યા છે. કર્ણભારરૂપક ભાસની નાટ્યકાર તરીકેને નાટ્યસૂઝનો પરિચય આપે છે.

 

કથાવસ્તુ:-

       મહાભારત ઉપર આધારિત કર્ણભારનું કથાવસ્તુ અત્યંત પ્રસિધ્ધ છે. દાનવીર અને યુધ્ધવીરે કર્ણ કુન્તીનો પુત્ર હોવા છતાં રાધાપુત્ર તરીકે પ્રસિધ્ધ છે. તે યુદ્ધભૂમિ પર જાય છે. આ સમયે કર્ણ પોતાના સારથિ બનેલા શલ્યરાજને પોતાના અસ્ત્રોનું વૃત્તાંત જણાવે છે. તે જણાવે છે કે તે બ્રાહ્મણનાં બહાને પરશુરામ પાસે અસ્ત્રવિદ્યા શીખે છે. આ પ્રસંગ પછી ઈન્દ્ર બ્રાહ્મણવેશે કર્ણ પાસે આવે છે. અંતે ઈન્દ્ર કર્ણ પાસેથી કવચ અને કુંડળ દાનમાં લઈ જાય છે. શલ્ય તેને રોકે છે, પરંતુ કર્ણ અચકાયા વિના કવચ-કુંડળ આપે છે. આમ, આ બે પ્રસંગોના આયોજન દ્વારા ભાસે કર્ણના પાત્રને અતિ ભવ્ય અને તેજસ્વી બનાવ્યું છે.

 

વસ્તુગ્રથન:-

       નાટ્યપ્રસંગોના મૌલિક આયોજન, મનોવૈજ્ઞાનિક નિરૂપણ અને અખંડ કાર્યવેગ એ રૂપકનાં વસ્તુગ્રથનની મુખ્ય વિશિષ્ટતાઓ છે. મૂળ કથાનકમાં મહાભારતમાં જે બે પ્રસંગો વર્ષોના અંતરે થયેલા વર્ણવ્યા છે; તેને સ્થાને ભાસે આ બંને પ્રસંગો એકસાથે નિરૂપ્યા છે. પરિણામે, આ રૂપકની કથા વધુ આકર્ષક બનવા પામી છે. આ આયોજનકૌશલ્યને પરિણામે કર્ણનું પાત્ર વધુ ઉજ્જવળ બન્યું છે.

 

પાત્રાલેખન:-

       આ રૂપકમાં મુખ્યત્વે કર્ણ, શલ્ય અને ઈન્દ્ર એ ત્રણ પાત્રો છે. મહાભારતનાં કર્ણ કરતાં કર્ણભારનો કર્ણ વધુ ઉદાત્ત છે; ભવ્ય છે, તે યુધ્ધમાં અગ્રગણ્ય છે. નાટકના અંતિમ ભાગમાં આવતો ઈન્દ્ર પોતાની પટુતા, વાક્ચાતુર્ય, કપટબુધ્ધિ અને આત્મવિશ્વાસથી પ્રેક્ષકોને ચકિત કરે છે. સંક્ષેપમાં આ એકાંકીમં વિવિધ પાત્રોના આલેખનમાં ભાસનાં નાટ્યકૌશલનાં આપણને દર્શન થાય છે.

 

વર્ણનકલા:-

       કર્ણભારરૂપકમાં યુધ્ધનું તાદ્રશ વર્ણન, પરશુરામનું સુંદર દૈહિક વર્ણન, હાથી, ઘોડા, ગાયોનું કાવ્યમય વર્ણન વગેરે વિવિધ વર્ણનોમાં ભાસની વર્ણનકલા અને કવિતાનાં દર્શન થાય છે. કવિતાના ક્ષેત્રમાં ભાસે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.

 

સંવાદો:-

       અહીં કર્ણ અને શલ્યનો સંવાદ તેમજ કર્ણ અને ઈન્દ્રનો સંવાદ ભાસની જીવંત સંવાદકલાના દર્શન કરાવે છે.

 

રસ, અલંકાર અને છંદ:-

       કર્ણભારમાં મુખ્યત્વે વીર રસ જણાય છે. અર્થાન્તરન્યાસ અલંકાર દ્વારા ભાસે સંસ્કૃતસાહિત્યને સુંદર સુભાષિતો ભેટ ધર્યા છે. તેમનાં કેટલાંક સુંદર વાક્યો પાછળથી કહેવત જેવાં બની ગયાં છે.

 

શૈલી:-

       ભાસે મુખ્યત્વે વૈદર્ભી શૈલીનો પ્રયોગ કર્યો છે. તેમની શૈલીસરળ, સ્વાભાવિક અને પ્રાસાદિક છે. તેમની શૈલીના મહત્વના ગુણો સાદાઈ અને લાઘવ છે. તેમની ભાષા સરળ અને જીવંત છે.

 

તખ્તાલાયકી:-

       નાટ્યકાર ભાસે આ રૂપકની રચનામાં રંગમંચ પર તેની સફળ રીતે ભજવણી થઈ શકે તેનો સવિશેષ ખ્યાલ રાખ્યો છે.

 

ઉપસંહાર:-

       આમ, સમગ્ર દ્રષ્ટિએ જોતાં કર્ણભારતેના કાર્યવેગથી; તેના વસ્તુગ્રથનના કૌશલ્યથી; ભાષા, સંવાદ તેમના પાત્રાલેખનથી; તેની કવિતા અને શૈલીથી સહ્રદયી વાચકને પકડી રાખે છે. આ રૂપકની વિવિધ વિશિષ્ટતાઓને આધારે કર્ણભારનાટ્યસાહિત્યમાં શ્રેષ્ઠ એકાંકી તરીકે આગવી ભાત જન્માવે છે. કર્ણભારરૂપક દ્વારા નાટ્યકાર તરીકેના ભાસના સામર્થ્યનો આપણને પરિચય થાય છે.

 

 

 

પ્રશ્ન:- ૪ ભાસની શૈલી.

 

પ્રસ્તાવિક:-

       ‘Style is the man’ એ વિધાન કવિ અને શૈલી વચ્ચેના અવિનાભાવ સંબંધનું સૂચન કરે છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં શૈલીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ભાસ એ એક સમર્થ નાટ્યકાર છે.

 

ભાસની શૈલીની કે નાટ્યકલાની લાક્ષણિકતાઓ:-

(૧) સાદાઈ- તેનાં પાત્રો સ્વાભાવિક ભાષા બોલે છે. તે લાંબા સમાસો કે જટિલ રચનાઓનો ઉપયોગ કરતો નથી. તેના સંવાદો સજીવ અને ઘરગથ્થુ છે.

(૨) લાઘવ- લાઘવ એ ભાસની શૈલીની મહત્વની લાક્ષણિકતા છે. તે બધું ટૂંકમાં સૂચવે છે. તે પોતાની કલમ પર શક્ય તેટલો કાબૂ ધરાવે છે. પ્રસંગના નિરૂપણમાં કે વર્ણનોમાં તે સંયમ રાખે છે.

(૩) વસ્તુગ્રથનની મૌલિકતા- મહાકવિ ભાસની નાટ્યકલાની એક આગવી લાક્ષણિકતા એ સફળ અને સબળ વસ્તુસંકલન છે. તે પોતાની કલ્પનાના વિવિધ રંગો પૂરીને પોતાના કથાવસ્તુને મૌલિક સ્વરૂપ આપે છે. નાટ્યોચિત પ્રસંગોને આધારે પ્રેક્ષકોની કુતૂહલવૃત્તિ જળવાઈ રહે તેવા કથાવસ્તુને અખંડિત રીતે રજૂ કરવાની કળામાં ભાસ નિપુણ છે. મહાભારત ઉપર આધારિત કર્ણભારનું કથાનક મહાભારત કરતાં તદ્દન ભિન્ન છે. કર્ણભારરૂપકમાં કર્ણના અસ્ત્રવૃત્તાંત અને કવચ-કુંડળના દાનનો પ્રસંગ ભાસે પોતાની નાટ્યસૂઝથી સુંદર રીતે નિરૂપ્યો છે.

(૪) સુરેખ પાત્રાલેખન- પોતાનાં પાત્રોનાં આલેખનની બાબતમાં તે મોટેભાગે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવે છે. તે રામાયણ અને મહાભારતમાં અન્યાય પામેલાં પાત્રોનું ઊર્ધ્વીકરણ કરે છે. ભાસે દુર્યોધન, દ્રોણ, ભીષ્મ, કર્ણ, શલ્ય વગેરે પાત્રોના આલેખનમાં તેમના પરંપરાગત વ્યક્તિત્વને બદલે નવીન વ્યક્તિત્વની ઝાંખી કરાવી છે. કર્ણભારનો કર્ણ અને શલ્ય વાચકોના હ્રદયમાં આગવી છાપ જન્માવે છે.

(૫) વર્ણનકલા- ભાસનાં વર્ણનો સાદા અને સ્વાભાવિક હોય છે. જેમકે, કર્ણભારમાં યુધ્ધનું તાદ્રશ વર્ણન, પરશુરામનું સુંદર રીતે દૈહિક વર્ણન, હાથી, ઘોડા અને ગાયોનું કાવ્યમય વર્ણન-આ વિવિધ વર્ણનોમાં ભાસની વર્ણનકલા અને કવિતાનાં દર્શન થાય છે.

(૬) રસનિરૂપણ- કર્ણભાર રૂપકમાં મુખ્યત્વે વીર રસ નિરૂપાયો છે. આમ છતાં કર્ણભારરૂપકમાં ભાસે યથોચિત અન્ય રસોનું નિરૂપણ કર્યું છે. 

(૭) સચોટ સંવાદકલા- તેના સંવાદોમાં ધ્વનિ હોય છે, તો ક્યારેક હ્રદયની લાગણીઓની છાંટ પણ હોય છે. કર્ણભારના ટૂંકા, પ્રાસાદિક અને છતાં ચમત્કૃતિજનક સંવાદો અત્યંત અસરકારક બન્યા છે. કર્ણભાર રૂપકમાં કર્ણ અને શલ્યનો સંવાદ, કર્ણ અને ઈન્દ્રનો સંવાદ ભાસની સચોટ સંવાદકલાના પરિચાયક છે.

              નાટ્યાત્મક વક્રોક્તિથી યુક્ત સચોટ સંવાદો ભાસની નાટ્યકલાને અવનવો ઓપ અર્પે છે.

(૮) માનસશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુ- પાત્રોની માનસિક ક્રિયા-પ્રતિક્રિયાઓનો અને આંતરિક વિકાસનો ચિતાર આપતાં ચિત્રો તેમજ માનસિક લાગણીઓને સચોટ રીતે અભિવ્યક્ત કરતી ઉક્તિઓ દ્વારા નાટકના કથાવસ્તુને વિકસાવવાની ભાસની આગવી માનસશાસ્ત્રીય ઢબ છે, પધ્ધતિ છે. ભાસે કર્ણભારરૂપકનાં પાત્રોની માનસિક લાગણીઓને મનોવૈજ્ઞાનિક ઢબે વાચા આપી છે.

(૯) અલંકારો અને છંદ- અલંકારોમાં ઉપમા અને ઉત્પ્રેક્ષા ભાસને વધુ પ્રિય છે. અર્થાન્તરન્યાસો અલંકારનો ભાસ છૂટથી ઉપયોગ કરે છે. તેમના કેટલાક અર્થાન્તરન્યાસ તો સુવાક્યો કે કહેવતો જેવા જ બની ગયા છે. ભાસ વિવિધ છંદનો વિનિયોગ કરે છે.

(૧૦) તખ્તાલાયકી- ભાસે પોતાનાં નાટકોની રચના માત્ર પાંડિત્યદર્શન માટે કરી નથી. પોતાનાં નાટકો અભિનયયોગ્ય અને પ્રયોગક્ષમ બને તે માટે તેણે સતત કાળજી રાખી છે.

 

ઉપસંહાર:-

       ભાસની નાટ્યકલા-શૈલીની ઉપરોક્ત લાક્ષણિકતાઓ હોવા છતાં તેની શૈલીમાં કેટલીક ખામીઓ પણ છે. તે ક્યારેક અસ્પષ્ટ કે સંદિગ્ધ બની જાય છે.

       સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો સાદાઈ, સ્વાભાવિકતા, લાઘવ જેવા ગુણોને કારણે ભાસની શૈલી હ્રદયસ્પર્શી બની છે.

 

Unit-4

એકાંકી રૂપકોનો સ્વરૂપ પરિચય.

 

પ્રશ્ન:-૧ સંસ્કૃતના એકાંકી રૂપકો.

 

(૧) ભાણ:-

ભાણનાં લક્ષણો-

       ભણ (ભણતિ) બોલવું અને તેના પ્રેરક ધાતુ (ભાણિ-ભાણયતિ અસ્મિન) જેમાં બોલાવડાવે છે તે ભાણનામનું રૂપક. સંસ્કૃત એકાંકી રૂપકોમાં ભાણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે; કારણ કે તે મુખ્ય નાયકને જ પાત્ર તરીકે રજૂ કરતું એકપાત્રી અભિનયાત્મક છે. પશ્ચિમ પધ્ધતિના Mono-acting સાથે તે ઘણું સામ્ય ધરાવે છે.

       ભાણનું કથાનક કવિકલ્પિત તથા ધૂર્ત, વિટ વિગેરેના ચરિત્ર પર આધારિત હોય છે. તેમાં મુખ-નિર્વહણ સંધિ હોય છે; શૃંગાર કે વીરમાંથી એક રસનું સૂચન કરવામાં આવે છે. તેમાં વિટ જાણે કે રંગમંચ પર બીજાં પાત્રો હાજર છે, એમ માની સંવાદ કરે છે. નાટ્યદર્પણકારના મતે આ પ્રકાર પ્રાય: લોકોના મનોરંજન માટે છે. આમાં પ્રેક્ષકવર્ગ સાધારણ જનસમાજ હોય છે. તેમાં પોતાનાં કે અન્યનાં પરાક્રમો કે ચરિત્રોનાં પ્રસંશાત્મક વર્નનો તેમજ અન્યનાં દુષ્કૃત્યોનું વર્ણન હોય છે.

 

(૨) પ્રહસન:-

પ્રહસનનાં લક્ષણો-

       હાસ્યપ્રધાન એકાંકીઓનો આ એક પ્રકાર છે. શુધ્ધ અને સંકીર્ણ નામના બે પ્રકારોમાં વિભાજીત છે. શુધ્ધ પ્રકારમાં પાખંડી બ્રાહ્મણો, ચેટ, ચેટી, વિટ ભેગાં થઈ વેશ અને ભાષાથી હાસ્ય નિષ્પન્ન કરે છે. ભરતમુનિના મતે આમાં તાપસો અને કાપુરૂષોનો પણ સમાવેશ થાય છે. સંકીર્ણ પ્રકારમાં વેશ્યા, વ્યંઢળ, ધૂર્ત, દુરાચારિણીઓ વગેરેના દ્વિઅર્થી અશિષ્ટ સંવાદ, ચેષ્ટાઓથી ભરપૂર અભિનય હોય છે. નાટકની ધૂર્તતા પ્રમુખ હોવાના કારણે પ્રપંચ, છલ, ગપ્પાં વગેરે જણાય છે. વેશ્યા, નટ, નપુંસક, વિટ, ધૂર્ત, દાસી પ્રગટ રીતે લોકોપચારના દંભને ખુલ્લા પાડે છે. વાચિક અભિનય પર ભાર હોવા ઉપરાંત વેશભૂષા તેમજ ચેષ્ટા પર વધુ આધાર હોય છે. પ્રહસનમાં પાંચ કે તેથી વધુ પાત્રો હોય છે. પ્રહસનમાં છ પ્રકારનો હાસ્યરસ આવે છે. એને જોયા પછી સ્વતંત્ર વિચારકો કે દૂષણોને દૂર કરવા કાર્યરત થાય, તેવી ગર્ભિત યુક્તિ હોય છે, આમ, પ્રહસન રામાદિવત્ વર્તિતવ્યં, ન રાવણાદિવત્ એવા પ્રસિધ્ધ હેતુને સિધ્ધ કરે છે.

 

(૩) વ્યાયોગ:-

વ્યાયોગના લક્ષણો-

       વ્યાયોગ તરીકે ઓળખાતા એકાંકીમાં એક જ દિવસનું પ્રખ્યાત કથાવસ્તુ નિરૂપાયું હોય છે. નાયક ધીરોદ્વત હોય છે. સ્ત્રીપાત્રો ખૂબ જ ઓછાં હોય છે. ગર્ભ અને અવર્મશ સિવાયની સંધિ હોય છે, આરભટી વૃત્તિ હોય છે. સંગ્રામમાં પણ સ્ત્રી નિમિત્ત હોતી નથી. શૌર્ય, વિદ્યા, કુળ, ધન, રૂપાદિ નિમિત્તક સ્પર્ધાથી દીપ્ત એવું વાતારવરણ હોય છે. વીર, ભયાનક રસો મુખ્ય છે. નાયક સેનાપતિ કે અમાત્ય હોય છે. ક્યારેક નાયકોની સંખ્યા બાર પણ ગણવામાં આવે છે. પ્રાય: યુધ્ધ અને મારામારીનાં દ્રશ્યો હોય છે.

 

(૪) ઉત્સૃષ્ટિકાંક (અંક):-

ઉત્સૃષ્ટિકાંકના લક્ષણો-

       એકાંકી રૂપકનાં ચોથા પ્રકાર તરીકે તેની ગણના થાય છે. નાટ્યદર્પણકાર એના સ્વરૂપને સમજાવતાં કહે છે કે, જે સ્ત્રીઓનું જીવન ઉત્ક્રમણોન્મુખ છે, તેને ઉત્સૃષ્ટિકાંક કહે છે. અર્થાત્ તેવી શોકગ્રસ્ત સ્ત્રીઓથી અંકિત હોવાના કારણે આ રૂપક ઉત્સૃષ્ટિકાંક કહેવાય છે. આ એકાંકીમાં વસ્તુ ક્યાં તો પ્રખ્યાત અથવા કવિનિર્મિત હોય છે. તેમાં મુખ્ય રસ કરૂણ હોય છે. દૈવી પાત્રનો અભાવ છે. ભારતી વૃત્તિ તથા મુખ અને નિર્વહણ સંધિઓ હોય છે. આ એકાંકીમાં સ્ત્રીઓનો વિલાપ, દૈવને ઉપાલંભ, નિર્વેદવાણા, આત્મનિંદા વગેરેનું પ્રમાણ પ્રચુર હોય છે. માનવજાતિમાંથી જ નાયક તરીકે વર્ણવતાં આ એકાંકી રૂપકમાં વાગ્યુધ્ધનો પ્રયોગ, ધૈર્ય, ઉત્સાહ વગેરેનો ઉપદેશ, વિરોધી ભાવોનું પ્રાધાન્ય તથા સંસારના દુ:ખમય રોપનું જ ચિત્રણ હોય છે.

 

(૫) વીથી:-

વીથીના લક્ષણો-

       વીથી એટલે માર્ગ. અહીં કથાવસ્તુ પૌરાણિક હોય છે. વીથીમાં ઉત્તમ, મધ્યમ કે અધમ પ્રકારનો નાયક છે. રસ શૃંગાર હોય છે. ઉદઘાતક વગેરે અંગોથી યુક્ત હોય છે. પ્રસ્તાવનાનું તેમાં સ્થાન છે. એક કે બે પાત્ર હોય છે/ રસાર્ણવસુધારક મુજબ વીથીમાં નાયિકા પરકીયા અને કુબ્જા હોવી જોઈએ. મુખ અને નિર્વહણ સંધી હોય છે. ક્યારેક વિટ કે ધૂર્ત પાત્રો હોય છે. ચિત્રવિચિત્ર પ્રયુક્તિઓ દ્વારા સંવાદનું તત્વ સહાયક છે. ક્યારેક એક પાત્ર હોય તો આકાશભાષિતનો પ્રયોગ પણ થાય છે.

 

 

 

ઉપસંહાર:-

       આમ, સંસ્કૃત સાહિત્યમાં ઉપલબ્ધ એકાંકી રૂપકોમાં ભાણરૂપકો ૮૦, પ્રહસન ૫૩, વ્યાયોગ૨૨, ઉત્સૃષ્ટિકાંક ૫ અને વીથી ૭ છે.

       આ ઉપરાંત ૧૮ ઉપરૂપકોને પણ એકાંકીના વર્ગમાં મૂકવામાં આવે છે. આમ, સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં એકાંકી નાટ્ય પ્રકારનું નોંધપાત્ર ખેડાણ થતું રહ્યુ છે.

 

પ્રશ્ન:-૨ ભાસનાં એકાંકી રૂપકોનો પરિચય.

 

પ્રાસ્તાવિક:-

       સમર્થ નાટ્યકાર ભાસે કુલ તેર રૂપકોની રચના કરી છે, જેમાંથી પાંચ રૂપકો એકાંકી સ્વરૂપનાં છે. ભાસનાં પાંચ એકાંકી રૂપકો આ પ્રમાણે છે: (૧‌) દૂતવાક્ય (૨) દૂતઘટોત્કચ (૩) ઊરૂભંગ (૪) કર્ણભાર અને (૫) મધ્યમવ્યાયોગ.

 

(૧) દૂતવાક્યમ્ નો પરિચય-

       મહાકવિ ભાસરચિત દૂતવાક્યએ મહાભારતની કથાવસ્તુ પર આધારિત એકાંકી છે. આ એકાંકીમાં શ્રીકૃષ્ણ પોતે પાંડવોના દૂત બનીને કૌરવ સભામાં દુર્યોધનને સલાહ આપે છે. અહીં દૂતનાં વાક્યો એટલે દૂત દ્વારા સલાહનાં વાક્યોને આધારે આ એકાંકીને દૂતવાક્યનામ આપ્યું છે.

       કથાનક: દુર્યોધન પાંડવો સાથેના યુધ્ધ માટે ભીષ્મ પિતામહને કૌરવોના સેનાપતિ તરીકે નિયુક્ત કરે છે. દરમિયાન પાંડવોના દૂત તરીકે શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે આવે છે. કંચુકી શ્રીકૃષ્ણને પુરૂષોત્તમ નારાયણ તરીકે ઓળખાવે છે. તેથી ગુસ્સે થયેલો દુર્યોધન સભાને ઊભા ન થઈને કૃષ્ણનું અપમાન કરવાનું સૂચન કરે છે. શ્રીકૃષ્ણ અને દુર્યોધન વચ્ચે ઉગ્ર વાગ્યુધ્ધ થાય છે. શ્રીકૃષ્ણ સભાત્યાગ કરે છે. દુર્યોધનને શિક્ષા કરવાના હેતુથી શ્રીકૃષ્ણ વિરાટ સ્વરૂપ ધારણ કરી સુદર્શન ચક્ર ધારણ કરે છે. ધૃતરાષ્ટ્ર એમને શાંત કરે છે.

       મૂલ્યાંકન‌: આ એકાંકીમાં એકપાત્રિય અભિનય છે. એક જ પાત્ર કૌરવસભા અને અનેક પાત્રોનું કાર્ય આકાશભાષિત અભિનય દ્વારા થાય છે. જે નાટ્યકલાનું આગવું વિશિષ્ટ સૌંદર્ય ઉત્પન્ન કરે છે. આ નાનકડા એકાંકીમાં અનેક સુભાષિતો મળે છે.

 

(૨) દૂતઘટોત્કચમ્નો પરિચય-

       દૂતઘટોત્કચમ્એ મહાભારતની કથાવસ્તુ પર આધારિત એકાંકી છે. આ એકાંકીમાં ભીમ અને હિડિમ્બાના પુત્ર ઘટોત્કચને દૂત તરીક કૌરવોની છાવણીમાં મોકલવાની કથા આલેખી છે.

       કથાનક: ઘટોત્કચ પિતામહ ભીષ્મને કૃષ્ણનો સંદેશો સંભળાવે છે કે, ‘અર્જુન એના એક પુત્રના મૃત્યુથી વિલાપ કરે છે તો સો પુત્રોના મૃત્યુથી ધૃતરાષ્ટ્રની કેવી સ્થિતિ થશે?’ વળી, ઘટોત્કચ કહે છે કે, ‘સૂર્યના આગમન સાથે અર્જુન આવતી કાલે કાળ બનીને એમના ઉપર ત્રાટકશે.દુર્યોધન અને ઘટોત્કચ વચ્ચે ઉગ્ર વાતચીત થાય છે, પરંતુ અંતે ધૃતરાષ્ટ્ર તેને શાંત કરે છે.

       મૂલાંકન: મહાભારતની મૂળ કથામાં ઘટોત્કચ દૂત તરીકે કૌરવો પાસે જાય છે એ પ્રસંગ નથી. આ પ્રસંગ ભાસનું મૌલિક સર્જન છે. આ એકાંકીમાં ભાસે ઘટોત્કચના પાત્રનું નિરૂપણ સચોટ રીતે કર્યું છે.

 

(૩) ઉરૂભંગમ્નો પરિચય-

       મહાકવિ ભાસરચિત ઊરૂભંગ એ મહાભારતની કથાવસ્તુ પર આધારિત એકાંકી છે. આ એક અંકના રૂપકમાં ભીમ વડે દુર્યોધનનાં ઊરૂ-સાથળને ભાંગીને તેને મારવાની કથા છે.

       કથાનક: મહાભારતના યુધ્ધ પછી દુર્યોધન અને ભીમ વચ્ચે ગદાયુધ્ધ થાય છે. આ ગદાયુધ્ધમાં ભીમ અનીતિ આચરીને મરણતોલ ગદાપ્રહારથી દુર્યોધનનાં બંને ઊરૂ-સાથળો ભાંગી નાંખે છે અને દુર્યોધન અસહાય બની જમીન પર પડે છે. અહીં ભીમ ગદાયુધ્ધના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તેથી બલરામ ખૂબ જ રોષે ભરાય છે. ત્યાર પછી દુર્યોધનને શોધતાં શોધતાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી, પુત્ર સંજય અને પત્નીઓ ત્યાં આવી પહોંચે છે. આ સમયે એક વીરને છજે એ રીતે દુર્યોધન સૌને આશ્વાસન આપે છે. અંતે રંગભૂમિ પર જ દુર્યોધનનું અવસાન થાય છે.

       મૂલ્યાંકન: ઊરૂભંગ એ કરૂણાન્ત એકાંકી છે. સંસ્કૃત સાહિત્યમાં ઊરૂભંગ એક ઉત્તમ ટ્રેજેડી-કરૂણાંતિકા તરીકે પસિધ્ધ છે. આ એકાંકીમાં દુર્યોધનના પાત્રનું સુયોધન તરીકે ઊર્ધ્વીકરણ થયેલું છે. ભાસે દુર્યોધનને એક વીર, ઉદાર અને સ્વમાની રાજા, આદર્શ પુત્ર, પતિ અને પિતા તરીકે નિરૂપ્યો છે. દુર્યોધનનું કુટુંબીજનો સાથેનું મિલન હ્રદયસ્પર્શી છે અને કરૂણરસથી સભર છે. સાચે જ, ઊરૂભંગમાં ભાસની નાટ્યકલાની ઉત્કૃષ્ટતા જોઈ શકાય છે.

 

(૪) કર્ણભારમ્નો પરિચય-

       મહાકવિ ભાસરચિત કર્ણભારએ મહાભારતની કથાવસ્તુ પર આધારિત એકાંકી છે. આ એક અંકનાં રૂપકમાં કર્ણની અદ્વિતીય દાનવીરતા અને કર્ણની કરૂણતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

       કથાનક: યુધ્ધભૂમિ પર દાખલ થતો કર્ણ શલ્યને અણીના સમયે તારી અસ્ત્રવિદ્યા નિષ્ફળ જશેએવા પરશુરામનાં શાપ વિશે કહે છે. ત્યાર પછી અર્જુનને યુધ્ધમાં વિજયી બનાવવા માટે ઈન્દ્ર બ્રાહ્મણવેશે કર્ણ પાસે આવે છે અને કર્ણ પાસે મોટા દાનની માગણી કરે છે. અંતે કર્ણ પોતાના રક્ષણરૂપ કવચ અને કુંડળ આપવાનું કહે છે. બ્રાહ્મણ તે તરત જ સ્વીકારી લે છે. શલ્ય કર્ણને રોકે છે. પરંતુ દાનવીર કર્ણ બ્રાહ્મણને કવચકુંડળ દાનમાં આપે છે. પશ્વાતાપ અનુભવતો બ્રાહ્મણવેશધારી ઈન્દ્ર તેને વિમલા નામની અમોઘ શક્તિ આપે છે. અંતે કર્ણ ધૈર્ય ગુમાવ્યા વિના યુધ્ધભૂમિ તરફ જવા શલ્યને કહે છે.

       મૂલ્યાંકન: સંસ્કૃત સાહિત્યમાં કર્ણભારની ગણના ઉત્તમ એકાંકી તરીકે થાય છે. નાટ્યકાર ભાસે કર્ણભારમાં કર્ણની અદ્વિતીય દાનવીરતા નિરૂપીને અને તેની કરૂણતા નિરૂપી છે. ભાસે આ નાટકમાં કર્ણ અને શલ્યનાં પાત્રોનું આગવી નાટ્યસૂઝ દ્વારા ઊર્ધ્વીકરણ કર્યું છે.

 

(૫) મધ્યમવ્યાયોગ:નો પરિચય-

       મધ્યમવ્યાયોગએ મહાભારતની કથાવસ્તુ પર આધારિત એકાંકી છે. આ એક અંકના રૂપકમાં ભાસે ભીમ અને હિડિમ્બાના મિલનની કથા મૌલિક રીતે નિરૂપી છે. આ કથા મહાભારતમાં નથી.

       કથાનક: આ રૂપકની શરૂઆતમાં ઘટોત્કચના ત્રાસથી ભયભીત થયેક બ્રાહ્મણના કુટુંબનું નિરૂપણ છે. તે પોતાની માતાના ભોજન માટે બ્રાહ્મણકુટુંબમાંથી કોઈ એકને પોતાની સાથે આવવાનું કહે છે. મધ્યમ પુત્ર ઘટોત્કચ સાથે જવા તૈયાર થાય છે, પરંતુ પાણી પીવા ગયેલ તેને મોડું થતાં ઘટોત્કચ મધ્યમએમ મોટેથી બૂમ પાડીને બોલાવે છે. તે સાંભળી પાંડવોના મધ્યમ એવા ભીમ ત્યાં આવી પહોંચે છે. બ્રાહ્મણ પોતાના કુટુંબને બચાવવા માટે ભીમને વિનંતી કરે છે. ભીમ ઘટોત્કચ સાથે જવા તૈયાર થાય છે. માતા હિડિમ્બા ભીમને જોતાં જ પોતાના પુત્રને ભીમની ઓળખ આપે છે. આમ, પિતા-પુત્રના મિલનની સાથે સાથે હિડિમ્બા અને ભીમનું મિલન થાય છે.

       મૂલ્યાંકન: આ એકાંકીમાં ભાસે વીરરસની સાથે સાથે અંતે શૃંગારરસ પ્રયોજ્યો છે. ભાસે હિડિમ્બા-ભીમનાં મિલનની કથા મૌલિક રીતે સર્જન કરીને નિરૂપી છે. આ વ્યાયોગ પ્રકારનું રૂપક છે. અહીં, મધ્યમ એટલે પાંચ પાંડવોમાંનો મધ્યમ-ભીમ એવો અર્થ છે. આ એકાંકીનું મધ્યમવ્યાયોગશીર્ષક સાચે જ યથાર્થ છે.

 

Unit-1 to 4 MCQ

 

પ્રશ્ન:-૧ નીચે આપેલા પ્રશ્નોના એક કે બે વાક્યોમાં ઉત્તર લખો.

 

(૧) ભરતમુનિએ કયા ગ્રંથમાં રૂપકનાં દસ પ્રકારો બતાવ્યા છે?

ઉત્તર:- ભરતમુનિએ નાટ્યશાસ્ત્રનામના ગ્રંથમાં રૂપકના દસ પ્રકારો બતાવ્યા છે.

 

(૨) રૂપકોના કેટલા પ્રકાર એકાંકી સ્વરૂપના છે?

ઉત્તર:- રૂપકોના પાંચ પ્રકાર એકાંકી સ્વરૂપનાં છે.

 

(૩) એકાંકીના પ્રકારભેદોનાં નામ આપો.

ઉત્તર:- એકાંકીના પાંચ પ્રકારભેદો આ પ્રમાણે છે: (૧) ભાણ (૨) પ્રહસન (૩) વ્યાયોગ (૪) ઉત્સૃષ્ટિકાંક અને (૫) વીથી

 

(૪) એકાંકી રૂપક પ્રકારનો ઉદભવ શા માટે થયો છે?

ઉત્તર:- સમયની અલ્પતાની સાથે મનોરંજનની આવશ્યકતાને લીધે એકાંકી રૂપક પ્રકારનો ઉદભવ થયો છે.

 

(૫) એકપાત્રીય અભિનય સાથે કયો રૂપક પ્રકાર સંકળાયેલો છે?

ઉત્તર:- એકપાત્રીય અભિનય સાથે ભાણ નામનો રૂપક પ્રકાર સંકળાયેલો છે.

 

(૬) પ્રહસનનાં કેટલા પ્રકાર છે? કયા કયા?

ઉત્તર:- પ્રહસનનાં બે પ્રકાર છે: (૧) શુદ્ધ અને (૨) સંકીર્ણ

 

(૭) સૌથી પ્રાચીન પ્રહસન કયું છે?

ઉત્તર:- દામકપ્રહસનસૌથી પ્રાચીન પ્રહસન છે.

 

(૮) ઉત્સૃષ્ટિકાંકનો મુખ્ય રસ કયો છે?

ઉત્તર:- ઉત્સૃષ્ટિકાંકનો મુખ્ય રસ કરૂણ છે.

 

(૯) કયા રૂપક પ્રકારનો મુખ્ય રસ કરૂણ હોય છે?

ઉત્તર:-  ઉત્સૃષ્ટિકાંકનો એ એક એકાંકી રૂપક પ્રકારનો મુખ્ય કરૂણ રસ હોય છે.

 

(૧૦) ભાસનાં એકાંકી રૂપકો કેટલાં છે? કયાં કયાં?

ઉત્તર:- ભાસનાં એકાંકી રૂપકો પાંચ છે: (૧) દૂતવાક્ય (૨) દૂતઘટોત્કચ (૩) ઉરૂભંગ (૪) કર્ણભાર અને (૫) મધ્યમવ્યાયોગ

 

(૧૧) ઘટોત્કચનું પાત્ર ભાસનાં કેટલા રૂપકોમાં આવે છે?

ઉત્તર:- ઘટોત્કચનું પાત્ર ભાસનાં બે રૂપકોમાં આવે છે: (૧) મધ્યમવ્યાયોગ અને (૨) દૂતઘટોત્કચ

 

(૧૨) ઘટોત્કચે કોના કહેવાથી બ્રાહ્મણ કુટુંબને પકડ્યું હતું?

ઉત્તર:- ઘટોત્કચે માતા હિડિમ્બાના કહેવાથી બ્રાહ્મણ કુટુંબને પકડ્યું હતું.

 

(૧૩) કર્ણભારમ્એકાંકીમાં કર્ણ કોને શું દાનમાં આપે છે?

ઉત્તર:- કર્ણભારમ્એકાંકીમાં કર્ણ બ્રાહ્મણવેશે યાચકરૂપે આવેલ ઈન્દ્રને કવચ અને કુંડળ દાનમાં આપે છે.

 

(૧૪) ઉરૂભંગમ્એકાંકીમાં દુર્યોધનને બદલે ભાસે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે?

ઉત્તર:- ઉરૂભંગમ્એકાંકીમાં દુર્યોધનને બદલે ભાસે સુયોધનશબ્દનો પ્રયોગ કર્યો છે.

 

(૧૫) ઊરૂભંગનું મુખ્ય કથાવસ્તુ જણાવો.

ઉત્તર:- ઊરૂભંગમાં ભીમ ગદાયુધ્ધમાં દુર્યોધનની સાથળ ભાંગે છે એ મુખ્ય કથાવસ્તુ છે.

 

(૧૬) ઊરૂભંગનો મુખ્ય રસ કયો છે?

ઉત્તર:- ઊરૂભંગનો મુખ્ય રસ કરૂણ છે.

 

(૧૭) સંસ્કૃત સાહિત્યની પ્રસિધ્ધ કરૂણાન્તિકા એકાંકીનું નામ આપો.

ઉત્તર:- ભાસરચિત ઊરૂભંગસંસ્કૃત સાહિત્યની પ્રસિધ્ધ કરૂણાન્તિકા એકાંકી છે.

 

(૧૮) દૂતવાક્યકયા પ્રકારનું એકાંકી રૂપક છે?

ઉત્તર:- દૂતવાક્યવ્યાયોગ પ્રકારનું એકાંકી છે.

 

(૧૯) દૂતવાક્યમાં કોણ દૂત બનીને કોની પાસે જાય છે?

ઉત્તર:- દૂતવાક્યમાં શ્રીકૃષ્ણ દૂત બનીને કૌરવસભામાં દૂર્યોધન પાસે જાય છે.

 

(૨૦) દૂતઘટોત્કચમાં કોણ દૂત બનીને કોનો સંદેશો લઈને કોની પાસે જાય છે?

ઉત્તર:- દૂતઘટોત્કચમાં ભીમનો પુત્ર ઘટોત્કચ દૂત બનીને શ્રીકૃષ્ણનો સંદેશો લઈને કૌરવો પાસે લઈને જાય છે.

 

પ્રશ્ન:- ૨ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો:

(૧) રૂપકાણિ .................................. સન્તિ I (પગ્ચ, દશ, વિંશતી)

(૨) એકાંકી રૂપકે ................................... અંક: વિદ્યતે I (ચતુર્થ, સપ્ત:, એક:)

(૩) મધ્યમવ્યાયોગરૂપકનો મુખ્ય રસ કયો છે? (કરૂણ, વીર, શૃંગાર)

(૪) ભાસનાં એકાંકી રૂપકો ....................... છે. (ચાર, પાંચ, છ)

(૫) ઊરૂભંગનો મુખ્ય રસ ...................... છે. (કરૂણ, વીર, શૃંગાર)

 


 

આદર્શ પ્રશ્નપત્ર

 

પ્રશ્ન:- ૧ (A) નીચેનામાંથી કોઈપણ બે શ્લોકોનો અનુવાદ કરો.

 

(૧) અત્યુગ્રદીપ્તિવિશદ: સમરેઅગ્રગણ્ય:

શૌર્યે ચ સંપ્રતિ સશોકમુપઈ ધીમાન્ I

પ્રાપ્તે નિદાધસમયે ધનરાશિરૂધ્ધ:

સૂર્ય: સ્વભાવરૂચિમાનિવ ભાતિ કર્ણ: II

 

(૨) વિદ્યુલ્લતાકપિલતુન્ગજટાકલાપ-

મુદ્યત્પ્રભાવલયિનં પર્શું દધાનમ્ I

ક્ષત્રાન્તકં મુનિવરં ભૃગુવંશકેતું

ગત્વા પ્રણમ્યનિકટે નિભૃત: સ્થિતોડસ્મિ II

 

(૩) રવિતુરગસમાનં સાધનં રાજલક્ષ્મ્યા:

સકલનૃપતિમાન્યં માન્યકામ્બોજજાતમ્ I

સુગુણમનિલવેગં યુધ્ધદ્રષ્ટાપદાનં

સપદિ બહુસહસ્ત્રં વાજિનાં તે દદામિ II

 

(૪) અન્ગે સહૈવ જનિતં મમ દેહરક્ષા

દેવાસુરૈરપિ ન ભેદમિદં સહાસ્ત્રૈ: I

દેયં તથાપિ કવચં સહ કુંણ્ડલાભ્યાં

પ્રીત્યા મયા ભગવતે રૂચિતં યદિ સ્યાત્ II

 

પ્રશ્ન:- ૧ (B) નીચેનામાંથી કોઈપણ બે સંદર્ભ સમજાવો:

 

(૧) અસ્તિ ખલુ ભગવત: ક્ષત્રિયવંશ્યૈ પૂર્વવૈરમ્ I

(૨) ઉભે બહુમતે લોકે નાસ્તિ નિષ્ફલતા રણે I

(૩) હુતં ચ દત્તં ચ તથૈવ તિષ્ઠતિ I

(૪) ધિગ્ દત્તસ્ય ન પ્રતિગૃહ્યામિ I

 

પ્રશ્ન:-૨ કર્ણનું પાત્રાલેખન કરો.

અથવા

પ્રશ્ન:-૨ કર્ણભારની સમીક્ષા (રસદર્શન) કરો.

 

પ્રશ્ન:-૩ નીચેનામાંથી ગમે તે બે પર ટૂંકનોંધ લખો:

(૧) કવચ-કુંડળ દાનનો પ્રસંગ

(૨) શલ્યનું પાત્ર

(૩) કર્ણભારમ્શીર્ષક

(૪) ભાસનું જીવન

 

પ્રશ્ન:-૪ મહાભારતનાં રૂપકોના સંદર્ભે કુશળ નાટ્યકારતરીકે ભાસનું મૂલ્યાંકન કરો.

અથવા

પ્રશ્ન:- ૪ ભાસનાં એકાંકી રૂપકોનો ટૂંકમાં પરિચય આપો.

 

પ્રશ્ન:-૫ (A) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

 

(૧) ભાસના નામે કુલ કેટલા રૂપકો છે? (પાંચ, ચાર, તેર)

(૨) કર્ણભારરૂપકનો મુખ્ય રસ કયો છે? (કરૂણ, વીર, શૃંગાર)

(૩) કોના ધ્વજમાં હાથી (નાગ) નું ચિહ્ન છે? (અર્જુન, દુર્યોધન, કર્ણ)

(૪) યુધ્ધભૂમિ પર જતો કર્ણ કોના જેવો દેખાય છે?(ચંદ્ર, સૂર્ય, રાહુ)

(૫) કર્ણ .......................... તરીકે પ્રસિધ્ધ છે. (કૌન્તેય, રાધેય, પાંડવપુત્ર)

(૬) કર્ણ ........................ ને કુંડળ સહિત કવચ દાનમાં આપે છે. (શલ્ય, કૃષ્ણ, ઈન્દ્ર)

(૭) શલ્યરાજ કર્ણનો ....................... છે. (સેનાપતિ, દુશમન, સારથિ)

(૮) કિં નુ ખલુ મયા વક્તવ્યમ્ I’ આ વાક્ય .......................... બોલે છે.

(શલ્ય, કર્ણ, ઈન્દ્ર)

 

પ્રશ્ન:-૫ (B) જોડકાં જોડો.

(A)                                               (B)

(૧) શક્ર:                                      (a) નાગકેતુ:

(૨) પરશુરામ:                                (b) ધનંજય:

(૩‌) દુર્યોધન:                                 (c) ઈન્દ્ર:

(૪) કર્ણ:                                      (d) અન્ગરાજ:

(૫) શ્રીધર:                                   (e) જામદગ્ન્ય:

(૬) અર્જુન:                                   (f) વિષ્ણુ:

 

 

No comments:

Post a Comment