Kumarsambhavam sarg-5 question and answer

પ્રૉ. ડૉ. મીના એસ. વ્યાસ

કુમારસંભવમ્ (નિયતાંશ) સર્ગ-૫

 

પ્રશ્ન:-૧ કાલિદાસનું જીવન-નોંધ લખો.

જવાબ:- વાલ્મિકિ અને વ્યાસની પંક્તિમાં સ્થાન પામેલ ભારતનાં વિશ્વવંદ્ય મહાકવિ કાલિદાસનાં જીવન વિશે આપણને આધારભૂત માહિતી મળતી નથી તે આપણુ દુર્ભાગ્ય છે. સંસ્કૃત સાહિત્યનાં ઉત્તમ મહાકાવ્યો અને શ્રેષ્ઠ નાટકોનું પ્રદન કરનારા ભારતના લાડીલા મહાકવિએ પોતાને વિશે “મન્દ: કવિયશ: પ્રાર્થી” અને “અલ્પવિષયા મતિ:” જેવા અત્યંત નમ્રતાસૂચક વિશેષણો સિવાય બીજું કંઈ લખ્યું નથી. તેથી તેમનાં માતાપિતા, જન્મસ્થાન, સમય અને શિક્ષણ વિશે આપણી જિજ્ઞાસા અપૂર્ણ રહેવા પામી છે. ગમે તે કારણ હોય પરંતુ પોતાના વિશે આધારભૂત માહિતી નહિ આપવાના પરિણામે સંસ્કૃત કવિઓ ઈતિહાસ દ્રષ્ટિથી વિમુખ છે અને ઈતિહાસને ઉપકારક થાય એવું કંઈ લખતા નથી એવો અપવાદ પણ એમને માથે ચઢેલો છે. કોઈ પ્રમાણભૂત ઐતિહાસિક વિગતો ગૂંથાય તે સ્વાભાવિક છે.આપણા આ પ્રસિદ્ધ કવિના જીવન વિશે અનેક દંતકથાઓના જાળાં ગૂંથાય તે સ્વાભાવિક છે. આપણા આ પ્રસિદ્ધ કવિ વિશે પણ આમ જ બન્યું છે. મહાકવિ કાલિદાસને સમાજમાં જે અનન્ય પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ એને કાર્ણે એમના જીવન વિશે અનેક ચમત્કૃતિપૂર્ણ અને અલૌકિક દંતકથાઓ અસ્તિત્વમાં આવી છે. શેક્સપિયરને માટે વપરાતું કથન- He lived, he died, he was a little lower that the angles કાલિદાસને લાગુ પાડી શકાય. આવા સંજોગોમાં કાલિદાસની બાબતમાં આપણે શક્ય તેટલી આધારભૂત માહિતી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીશું. આ માહિતી મેળવવાનાં આપણી પાસે બે સાધનો છે:

 

(૧) કાલિદાસને નામે પ્રચલિત દંતકથાઓ

(૨) કાલિદાસની રચનાઓ.

 

         એક પ્રચલિત દંતકથા મુજબ કાલિદાસ બ્રાહ્મણનાં પુત્ર હતા. બાળપણમાં જ માતાપિતાનો દેહાન્ત થતાં ભરવાડોએ તેમને મોટા કર્યા. રૂપયૌવનસંપન્ન હોવા છતાં પોતે બેઠા હોય તે ડાળી કાપે તેવા તે મૂર્ખ હતા. જે નગરમાં તે રહેતા હતા તે નગરની સુશિક્ષિત સુંદર યુવાન કન્યા માટે રાજાએ પોતાના પ્રધાનને વર શોધવાનું કામ સોંપ્યું. મંત્રીને આ મહામૂર્ખનો ભેટો થયો. પ્રધાને યુક્તિ કરીને સુંદર વસ્ત્રોથી વિભૂષિત કરી, આ મૂર્ખને કપટપૂર્વક શાસ્ત્રાર્થમાં મહાવિદ્વાન સાબિત કરીને એ કન્યા સાથે પરણાવી દીધો. પાછળથી ખબર પડી કે આ તો મહામૂર્ખ છે. રાજકુમારીએ તેને ઠપકો આપ્યો અને તેણે કાલીમાતાની ઉપાસના કરીને જ્ઞાન મેળવ્યું. ફરીવાર મુલાકાત થતાં રાજકુમારીએ પ્રશ્ન કર્યો કે

અસ્તિ કશ્વિદ્વાવાગગ્વિશેષ: ? હવે તારી વાણીમાં કોઈ વિશેષતા છે? કાલિદાસે પોતાની વાણીની વિશેષતા સિદ્ધ કરવા અસ્તિ શબ્દથી શરૂ કરી કુમારસંભવ, કશ્વિત થી શરૂ કરીને મેઘદૂત અને વાગ્ થી શરૂ કરીને રઘુવંશ નામનાં કાવ્યની રચના કરી. આ દંતકથા ઘણી પ્રાચીન છે. સુબોધિકા નામની ટીકામાં આનો ઉલ્લેખ છેછે.

         આ પ્રસંગ ખરેખર ક્યાં, કોની સાથે અને કેવી રીતે બન્યો? એ વિશે પણ જુદી જુદી માન્યતા છે. કોઈ આ પ્રસંગ ઉજ્જયનિનીન રાજકન્યા સાથે બન્યો અને કન્યાએ કાલિદાસને ઠપકો આપીને કાઢી મૂક્યો એમ કહે છે. તો કોઈ નોંધે છે કે કન્યાએ જ કાલિદાસને કાલીની ઉપાસનાનો માર્ગ બતાવ્યો. ગમે તે હોય પણ આ એક દંતકથા છે. ઐતિહાસિક દ્રષ્ટિએ તેનું ઝાઝું મૂલ્ય નથી.

         આ જ દંતકથા ડૉ. કુન્હન રાજા કંઈક જુદી જ રીતે નોંધે છે.

         કાલિદાસ બાળપણમાં મૂર્ખ હતો. લગ્ન પછી તેની પત્ની મૂર્ખતા માટે તેને હંમેશા મેણાં મારતી તેથી તે કાલીમાતાના મંદિરમાં જઈ મૂર્તિ સામે બેસી ગયો. કાલેમાતા રાત્રે શિકાર કરવા બહાર ગયાં ત્યારે તેણે અંદરથી બારણાં બંધ કરી દીધાં. શિકાર કરીને પાછાં આવ્યાં ત્યારે બારણાં બંધ જોતાં અંદર કોણ છે?’ એવો પ્રશ્ન કર્યો. માતાએ પોતે કાલી છે એવો જવાબ આપ્યો. અંદરથી ઉત્તર આવ્યો કે અંદર કાલી-દાસ (કાલીનો સેવક) છે અને બારણાં ખોલી નાખ્યાં. માતા પ્રસન્ન થયાં અને ઈચ્છા મુજબનું વરદાન આપ્યું. આમ કાલીની કૃપાથી કાલિદાસ મહાન કવિ થયો.

         બીજી દંતકથા પ્રમાણે કાલિદાસનું મૃત્યુ સિંહલદ્વીપ (લંકા) માં થયું હતું. જે રાજકુમારીએ તેને દેવીની ઉપાસના કરાવી વિદ્વાન બનાવ્યો તેને એ માતા માનવા લાગ્યો. તેથી ગુસ્સે થયેલી રાજકુમારીએ તેને શાપ આપ્યો કે તેનું મૃત્યુ કોઈ સ્ત્રીને હાથે થશે. આ પછી કાલિદાસ વિષયી બની ગયો અને સ્ત્રીઓના સંગમાં જીવન વ્યતીત કરવા લાગ્યો. એકવાર સિંહલદ્વિપમાં પોતાના મિત્ર રાજા કુમારદાસને તે મળવા ગયો અને તે એક વેશ્યાને ત્યાં રહ્યો. રાજાને સમાચાર મળતાં કાલિદાસને શોધી કાઢવા માટે શ્લોકની એક પંક્તિ સમસ્યાપૂર્તિ માટે જાહેર કરી:-

         કમલે કમલોત્પત્તિ: શ્રુયતે ન તુ દૃશ્યતે I (કમળમાંથી કમળની ઉત્પતિ થાય છે એવું સંભળાય છે, પણ દેખાતું નથી‌) વેશ્યાએ આ પંક્તિ કાલિદાસ સમક્ષ રજૂ કરી ત્યારે તેની પૂર્તિ કરતાં તેણે કહ્યું: બાલે તવ મુખામ્ભોજે કથમિન્દિવરદ્વયમ્ II (હે બાલા ! તારા મુખકમળ પર બે (નેત્રરૂપી‌) નીલકમળ ક્યાંથી આવ્યાં?) સમસ્યાપૂર્તિ થઈ ગઈ તેથી મોટા ઈનામની લાલચે વેશ્યાએ કાલિદાસનું ખૂન કર્યુ. ભોજપ્રબંધમાં સમસ્યાપૂર્તિનાં અનેક ઉદાહરણો કાલિદાસને વિશે મળી આવે છે. તેમાં કાલિદાસ, બાણ, વભૂતિ વગેરે શ્રેષ્ઠ કવિઓને સમકાલીન બતાવ્યા છે જે સ્વીકારી શકાય તેમ નથી. આમ દંતકથાઓને આધારે કાલિદાસના જીવન કે સમય વિશે પ્રકાશ પાડી શકાય નહિ.

         કાલિદાસના જન્મસ્થાનની બાબતમાં પણ વિદ્વાનોમાં મતભેદ છે. બંગાળીઓ માને છે કે કાલિદાસનો જન્મ મુર્શિદાબાદના ગડ્ડા સિંગુર' નામના ગામમાં થયો હતો. પ્રો. લક્ષ્મીધર કલ્લા માને છે કે કાલિદાસનો જન્મ કાશ્મીરમાં થયો હતો. પિટર્સને કાલિદાસને વિદર્ભમાં જન્મેલો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રો. પરાંજપે તેને વિદિશાનો ગણાવે છે, જ્યારે અનેક વિદ્વાનો તેનો ઉજ્જૈન તરફનો પ્રેમ જોઈને ઉજ્જૈનને તેની જન્મભૂમિ નિ તો કર્મભૂમિ તરીકે સ્વીકારે છે.

         લેખકના જીવન વિશે તેની કૃતિઓમાંથી જાણવા માટે પ્રયત્ન કરીશું તો તેના જીવન અને દર્શનનું પ્રતિબિંબ કંઈક અંશે તેમા પડેલું જોવા મળશે, તેની કૃતિઓ પરથી તારવી શકાય કે કાલિદાસ જાતે બ્રાહ્મણ હશે અને શૈવ ધર્મ પાળતા હશે કારણ કે તેમણે તેમના નાટકોની નાન્દીમાં શિવની સ્તુતિ કરેલી છે. કુમારસંભવમાં તેમણે બ્રહ્માની સ્તુતિ કરેલી છે અને રઘુવંશમાં વિષ્ણુની સ્તુતિ આપેલી છે તેથી તેઓ ધર્માંધતા કે સંકુચિતતાની ભાવનાથી પર હશે. તેઓએ વેદ, ઉપનિષદ્, દર્શન ગ્રંથો, ધર્મશાસ્ત્રો, સ્મૃતિઓ, પુરાણો, રામાયણ, મહાભારત વગેરે તે સમયના ઉપલબ્ધ સાહિત્યનો પૂરતો અભ્યાસ કર્યો હશે. વ્યાકરણ, છંદ, જ્યોતિષ વગેરેનો પણ તેઓનો ઊંડો અભ્યાસ હશે.

         સંગીત, નૃત્ય, ચિત્ર, નાટ્ય વગેરે કલાઓથી તેઓ સુપરિચિત હશે. રાજદરબારના રીતરિવાજો, નીતિનિયમો, દૂષણો તેમજ ભૂષણોથી તેઓ સારી પેઠે જ્ઞાત હશે. સેનાપતિ કે સૈનિક, સખી કે મહર્ષિ, મિત્ર કે મદન સહુના ગુણોનું અને સ્વભાવનું તેઓ સુંદર વર્ણન કરી શકે છે.

         તેમણે ભારતમાં લાંબો પ્રવાસ ખેડ્યો હશે એમ રઘુના દિગ્વિજ્ય, રામના વિમાન પ્રવાસ અને મેઘમાર્ગના વર્ણન પરથી કહી શકાય તેમ છે. તેમણે કરેલા પ્રકૃતિના સૂક્ષ્મ અને વિસ્તૃત વર્ણનો પરથી કહી શકાય કે તેઓ પ્રકૃતિના અત્યંત અનુરાગી હશે અને તેનું સૂક્ષ્મ નિરીક્ષણ તેમણે કર્યું હશે. બાળકો તરફ પ્રેમ, ધર્મ તરફ અનુરાગ, સમાજ તરફ સ્નેહ અને કુટુંબ તરફ પ્રેમ હશે. તેઓ મિત્રોનો હંમેશ આદર કરતા હશે અને ફરજ તરફ હંમેશાસભાન હશે. પ્રસન્ન દાંપત્ય તેમણે માણ્યું હશે.

         અંતમાં એમ કહી શકાય કે તેમની દ્રષ્ટિ સૌંદર્યલક્ષી હશે અને જીવનનું દર્શન સમગ્રતાથી કર્યુ હશે. ભારતીય સંસ્કૃતિમાં શ્રેષ્ઠ હતું તેને જોયું, જાણ્યું અને શ્રેષ્ઠ વાણીમાં અભિવ્યક્ત કર્યું. વાલ્મીકિ અને વ્યાસની પંક્તિમાં સ્થાન પામીને અમર બની ગયા.

 

પ્રશ્ન:-૨ કાલિદાસની કૃતિઓ. નોંધ લખો.

જવાબ:-વિદ્વાનોએ ચર્ચાવિચારણાને અંતે તેની કૃતિઓનો રચનાક્રમ નીચે પ્રમાણે ગોઠવ્યો છે: (૧) ઋતુસંહાર, (૨) માલવિકાગ્નિમિત્ર, (૩) કુમારસંભવ, (૪) વિક્રમોર્વશીય, (૫) મેઘદૂત, (૬) રઘુવંશ, (૭) અભિજ્ઞાન શાકુન્તલ. આ ક્રમાનુસાર તેની કૃતિનો પરિચય મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું.

 

૧. ઋતુસંહાર : આ કૃતિને કાલિદાસની પ્રથમ રચના ગણવામાં આવી છે. મલ્લિનાથે આના પર ટીકા લખી નથી. આમાં છ સર્ગ છે. પ્રત્યેક સર્ગમાં અનુક્રમે ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમન્ત, શિશિર અને વસંત એમ પ્રત્યેક ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ સર્ગનો આરંભ ગ્રીષ્મૠતુના વર્ણનથી થાય છે અને વસંત ઋતુના વર્ણનથી તેની સમાપ્તિ થાય છે. પ્રત્યેક ઋતુની પ્રકૃતિ પર અને યુવાન પ્રેમીઓનાં હૃદય પર શી અસર થાય છે તેનું કવિએ કાવ્યમય વર્ણન કરેલું છે. પ્રથમ રચના હોવા છતાં તેમાં કવિની પ્રતિભા જણાઈ આવે છે.

 

         ‘“કદાચ કાલિંદાસની બીજી કોઈપણ રચના પ્રકૃતિ પ્રત્યેના તેના અનુરાગને, નિરીક્ષણની તેની તીવ્ર શક્તિને અને અત્યંત સજીવ તેમજ ભપકાદાર રંગોથી યુક્ત ભારતીય ભૂમિદર્શનનું ચિત્ર દોરવાની તેની નિપુણતાને આટલીઆકર્ષક રીતે અભિવ્યકત કરતી નથી.”

(A.A.Macdonell)

 

૨. માલવિકાગ્નિમિત્ર : કાલિદાસના ત્રણ નાટકોમાં આ નાટકની રચના પહેલી થઈ હશે. પાંચ અંકમાં વિભાજિત આ નાટક શુંગવંશના રાજા અગ્નિમિત્ર અને રાજકુમારી માલવિકાના પ્રેમની કથાવસ્તુ રજૂ કરે છે. અગ્નિમિત્રના અંતઃપુરમાં નૃત્ય શીખતી માલવિકા રાજાની નજરે પડે છે અને ત્યાર બાદ તે બંને વચ્ચે પ્રેમ થતાં વિદૂષકની યુક્તિથી રાજા અને માલવિકાનાં લગ્ન થાય છે. કવિનું સૌપ્રથમ નાટક હોવાથી તેમાં કેટલીક ક્ષતિઓ છે.

 

૩. કુમારસંભવ : કાલિદાસના આ મહાકાવ્યમાં ૧૭ સર્ગ છે. પરંતુ છેલ્લા ૯ સર્ગ (૯ થી ૧૭) કાલિદાસે લખ્યા હોય તેમ લાગતું નથી. તેથી કેટલાકને મતે આ મહાકાવ્ય ૮ સર્ગનું માનવામાં આવે છે.  તારક નામનો અસુર દેવોને પીડતો હતો. શંકર-પાર્વતીનો પુત્ર કુમાર દેવોની સેનાનો સેનાપતિ બને તો આ અસુરનો નાશ કરી શકાય તેમ હતું. આવા કુમારના જન્મની કથા આ કાવ્યમાં આલેખાઈ છે. તપ, સંયમ અને આઘ્યાત્મિક પ્રેમનો મંગલ મહિમા દર્શાવતું આ મહાકાવ્ય સંસ્કૃતનાં પાંચ મહાકાવ્યોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

"Although the Raghuvamsha is a later and there fore, mature work of Kalidas, yet the Kumar-Sambahva has not failed to appeal (Probably its apeal is greater) even to the Non-Indian scholar by its poetic beauty, wealth of natural description varying situations and human interest.''

Kalidas-A Study, J.C.Jhala.

 

 

૪. વિક્રમોર્વશીય : કાલિદાસની મા બીછ નાટ્યકૃતિ છે. આ નાટકમાં પૃથ્વીના રાજ પુરૂરવા અને સ્વર્ગની અપ્સરા ઉર્વશીના પ્રેમનું ખાલેખન છે. કેશી નામનો દાનવ ઉર્વશી અને ચિત્રલેખાનું અપહરણ કરે છે. પુરૂરવા ઉર્વશીને મુક્ત કરે છે. બંને એકબીજાના પ્રેમમાં પડે છે. પ્રેમમાર્ગમાં અનેક વિઘ્નો પસાર કરી એકબીજાને પ્રાપ્ત કરે છે. પુરૂરવાના સ્ખલનથી ફરી પાછો વિયોગ અને સંગમનીય મણિથી પુનર્મિલન થાય છે અને દાંપત્યના ફળ સ્વરૂપે પુત્રપ્રાપ્તિ થાય છે.

         “કાલિદાસે આ ભવ્ય રૂપકને માનવીય પ્રેમની અત્યંત મધુર તેમજ સુકુમાર કથામાં પરિવર્તિત કર્યું છે.'' (અરવિન્દ)

 

૫. મેઘદૂત : પૂર્વમેઘ અને ઉત્તરમેઘ એમ બે ભાગોમાં વહેંચાયેલું કાલિદાસનું આ સર્વોત્કૃષ્ટ ખંડ કાવ્ય છે. આ કાવ્યમાં યક્ષ નાયક છે અને તેની પત્ની નાયિકા છે. કુબેરના શાપને લીધે અલકા નગરીમાંથી નિર્વાસિત યક્ષ રામગિરિ પર્વતથ પર અષાઢ મહિનાના પ્રથમ દિવસે મેઘને જુએ છે અને તેને દૂત બનાવીને પોતાની પત્નીને સંદેશો મોકલાવે છે. પૂર્વમેઘમાં રામગિરિ પર્વતથી શરૂ કરીને હિમાલય પર્વત પર આવેલી અલકા નગરી સુધીનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે, જેમાં જુદા જુદા નગરો, વનો, નદીઓ, પર્વતો અને પશુપક્ષીઓનું સુંદર વર્ણન છે. ઉત્તરમેઘમાં અલકા નગરી, યક્ષભવન અને તેની પત્નીનું વર્ણન આપે છે અને છેલ્લે પત્નીને આપવાનો સંદેશો કહીને મેઘને વિદાય આપે છે. પૂર્વમેઘમાં ૧ થી ૬૫ શ્લોકો અને ઉત્તરમેઘમાં ૬૬ થી ૧૧૭ શ્લોકો છે. કેટલાક પ્રશ્ચિમ શ્લોકો પણ છે. આ ખંડકાવ્ય એટલું લોકપ્રિય બન્યું કે તેના અનુકરણમાં અનેક દૂતકાવ્યો લખાયાં. જગતનાં શ્રેષ્ઠ ખંડકાવ્યોમાં મેઘદૂતની ગણના થાય છે.'' વાસ્તવિક રીતે પ્રકૃતિનું જેટલું ચન્દ્ર તથા સાન્દ્ર માનવીકરણ પૂર્વમેધનાં સંપન્ન થયું છે તેટલું વિશ્વસાહિત્યમાં અન્યત્રદુર્લભ છે.’” (રમાશંકર તિવારી)

 

૬. રઘુવંશ:'ક ઈહ રઘુકારે ન રમતે’ I (અભિનંદ)

         ૧૯ સર્ગનું આ મહાકાવ્ય કાલિદાસની પરિણત પ્રજ્ઞાનું ફળ છે. સૂર્ય વંશના સ્થાપક વૈવસ્વત મનુના વંશમાં જન્મેલા રાજા દિલીપથી શરૂ કરીને છેક અગ્નિવર્ણ સુધીના રાજાઓનાં જીવનચરિત્રો વર્ણવ્યાં છે, અગ્નિવર્ણના વર્ણન પછી મહાકાવ્ય એકાએક અટકી ગયું છે. તેથી અપૂર્ણ રહ્યું છે. એવી કેટલાક વિદ્વાનોની માન્યતા છે. સંસ્કૃત સાહિત્યનાં શ્રેષ્ઠ પાંચ મહાકાવ્યોમાં તે સર્વોત્તમ છે. તેનું સર્જન કરવા બદલ કાલિદાસને ‘રઘુકાર’ એવું સોહામણું નામ આપવામાં આવ્યું છે.

         ‘“તેમનું રઘુવંશ એક પ્રૌઢ કૃતિ હોવાથી ભાવ, ભાષા, શૈલી અને છંદ એમ ચારે દષ્ટિથી સફળ મહાકાવ્ય છે. તેમાં ઋતુસંહારની માત્ર ભોગવાદી દષ્ટિ, કુમારસંભવની ઉદ્ધત ચંચળતા અને મેઘદૂતની કામમયતાનો અભાવ છે. તે ઉદાત્ત ભાવોની ગંભીર ગરિમા માટે કર્તવ્ય અને આદર્શોની સુદ્દઢ ધરા પર ઊભેલો સંદેશાત્મક સ્તંભ છે.’

(શિવપ્રસાદ ભારદ્વાજ)

 

૭. અભિજ્ઞાન શાકુન્તલ :''કાલિદાસની કાવ્ય સરસ્વતીનો સર્વોત્કૃષ્ટ પ્રસાદ એટલે અભિજ્ઞાન શાકુન્તલ” (અરવિંદ)

         સાત અંકનું આ જગવિખ્યાત નાટક કાલિદાસની પરિણતપ્રજ્ઞાનું ફળ છે. કવિની પ્રતિભાનો આ નાટકમાં ચરમોત્કર્ષ સધાયો છે. પુરૂવંશના રાજા દુષ્યંત અને આશ્રમ કન્યા શકુન્તલાની પ્રણયગાથા આ નાટકમાં આલેખવામાં આવી છે. શિકારે નીકળેલો દુષ્યંત આશ્રમકન્યા શકુન્તલાને જોઈ તેના પ્રેમમાં પડે છે અને તેની સાથે ગંધર્વ વિવાહથી જોડાય છે. દુર્વાસાના શાપને લીધે તે સગભાં શકુન્તલાને ઓળખી શકતો નથી અને અસ્વીકાર કરે છે. વીંટી મળતાં દુષ્યંતને શકુન્તલાની યાદ તાજી થાય છે અને ત્યાર પછી મહર્ષિ મરિચના આશ્રમમાં પુત્ર સર્વદમન સહિત શકુન્તલા સાથે તેનું પુનર્મિલન થાય છે. આ નાટકનું અંગ્રેજી ભાષાંતર વાંચીને જર્મન કવિ ગેટે તેને માથા પર મૂકી નાચી ઉઠ્યો હતો અને કાવ્યમય અંજલિ આપી હતી. પશ્ચિમના વિદ્વાનોમાં પણ આજ નાટકે કાલિદાસને 'ભારતનાશેક્સપીયર’નું ગૌરવભર્યું બિરુદ અપાવ્યું હતું.

         ‘‘વાસ્તવિકતા એ છે કે શાકુન્તલની સાથે સ્પર્ધા કરી શકે એવું કોઈ નાટક શેક્સપીયરે લખ્યું નથી. શાકુન્તલનું શિલ્પ સૌંદર્ય નિર્દોષ માનવામાં આવ્યું છે. કવિ દ્વારા એક-એક વાક્ય, એક-એક શબ્દ અપૂર્વ સાવધાની અને સોદ્દેશ્ય કલાત્મક રીતે નિયોજિત કરવામાં આવ્યાં છે.”(માશંકર તિવારી)

 

પ્રશ્ન:-૩ કુમારસંભવ શીર્ષક ચર્ચો.

જવાબ:- કુમારસંભવમ્ એ બે પદોનો બનેલો શબ્દ છે. કુમાર એટલે કાર્તિકેય અને સંભવ એટલે જન્મ. આમ કુમારસંભવમ્ એટેલ 'કાર્તિકેયના જન્મને વર્ણવતું કાવ્ય'  એવો આ શીર્ષકનો સામાન્ય અર્થ કરી શકાય. કુમારસંભવમ્ એ શીર્ષકને જુદી જુદી રીતે સમજાવવામાં આવ્યું છે.

 

(૧) કુમારસ્ય સંભવ: કુમારસંભવ: (ષષ્ઠી તત્પુરુષ), તમ્ અધિકૃત્ય કૃતં કાવ્યમ્ ઈતિ કુમારસંભવમ્ । અર્થાત કુમારના જન્મને અનુલક્ષીને લખવામાં આવેલું કાવ્ય તે કુમારસંભવ. અધિકૃત્ય કૃતે ગ્રન્થે । ૪ । ૩ । ૮૭ । એ પાણિનીય સૂત્ર અનુસાર અણ નામનો તદ્વિત પ્રત્યય લાગે છે. આખ્યાયિકા શબ્દનો વિસ્તૃત અર્થ લેતાં મહાકાવ્યનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. એટલે, લુબાખ્યાયિકાભ્યો બહુલમ્ એ કાત્યાયનના વાર્તિક અનુસાર અણ પ્રત્યયનો લોપ કરવામાં આવે છે, તેથી આદિ અચ્ ની વૃદ્ધિ ન થતાં કુમારસંભવમ્ એ શબ્દ સિદ્ધ થાય છે. કુમારસંભવમ્ શીર્ષકને સમજાવવાની આ રીત અન્ય રીતો કરતાં વધારે સ્વીકાર્ય છે.

 

(૨) કુમારસ્ય સંભવ: યસ્મિન્ (કાવ્યે) તત્ કુમારસંભવમ્ । અર્થાત કુમારનો જન્મ જે (કાવ્ય)માં છે તે કુમારસંભવમ્ આ રીતમાં વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ લેવો પડે છે. કારણ કે કુમાર અને સંભવ એ બંને શબ્દો જુદી જુદી વિભક્તિઓમાં (અનુક્રમે ષષ્ઠી અને પ્રથમામાં) રહેલાં છે. જ્યાં સુધી સમાનાધિકરણ બહુવ્રીહિ પ્રાપ્ત થાય ત્યાં સુધી વ્યધિકરણ બહુવ્રીહિ ન લેવો, એવો એક મત છે, આથી વ્યાકરણની દૃષ્ટિએ આ બીજી રીત સર્વસંમત નથી.

 

(૩) કુમારસ્ય સમ્ભવ: વણર્યતે યત્ર તત્ કુમારસંભવમ્ । અર્થાત કુમારનો સંભવ (જન્મ અથવા મહિમા) જેમાં વર્ણવવામાં આવ્યો છે તેનું નામ કુમારસંભવમ્ । કુમાર કાર્તિકેયનો જન્મ અને તારકાસુરવધ વગેરેમાં એમનો મહિમા આ બંને જેમાં વર્ણવવામાં આવ્યાં છે. તે કુમારસંભવમ્ I જીવાનંદ નામનો ટીકાકાર આ રીતે શીર્ષકને સમજાવે છે. વાંચો : ભવો ભૂતિર્મહિમેતિ નાર્થાન્તરમ્ I સમ્યગ્ ભવ: મહિમાતિશય: કુમારસ્ય મહામહિમા અત્રેતિ વ્યુત્પત્ત્યા તત્કૃ તતારકવધરૂપમહામહિમવર્ણનાદસ્ય કુમારસંભવનામતા પ્રસિદ્ધા I સંભવપદસ્ય તન્ત્રોચ્ચરિતન્યાયેન ઉત્પત્તિમહિમાતિશયરૂપસ્યાર્થદ્વયસ્ય ઉપન્યાસાર્થત્વેન કુમારસ્યોત્પત્તિમ-મહિમાતિશયરૂપતારકવધરૂપોરર્થયોર્વર્ણનીયતા સંજ્ઞાપ્રસક્તિરીતિ સુધીભિર્ભાવ્યમ્ I (જીવાનંદની કુમારસંભવની પ્રસ્તાવના). અહીં સંભવ શબ્દના બે અર્થો લઈને શીર્ષકમાં ૧૭ સર્ગના વિષયનું સૂચન જોવું એ દ્રાવિડી પ્રાણાયામ કરવા જેવું છે.

 

(૪) કુમારસ્ય સંભવ: I સ એવાભેદોપચારાત્ કુમારસંભવમ્ કાવ્યમ્ I અર્થાત કુમારનો જન્મ એ પ્રતિપાદ્ય અને તેનું પ્રતિપાદન કરતું કાવ્ય, એ બંને વચ્ચે અભેદ-ઐક્ય હોવાથી તે નામનું કાવ્ય, વ્યાકરણશાસ્ત્રના પ્રતિપાદ્યપ્રતિપાદકયોરૈક્યમ્ નિયમ મુજબ જન્મ અને તેના વર્ણનનું કાવ્ય એ બંને વચ્ચે અભેદ કલ્પવામાં આવ્યો છે અને વિશેષણના પ્રયોગમાં વિશેષ્યનું જ્ઞાન આવી જાય તેવો વ્યાકરણશાસ્ત્રનો બીજો નિયમ હોવાથી 'કાવ્ય' એ વિશેષ્યનો જન્મ એ વિશેષણમાં સમાવેશ થઈ જાય છે. આ રીત પણ સરળ નથી જ.

(૫) વળી, કેટલાક વિદ્વાનો સંભવ નો અર્થ ‘શક્યતા’ કરે છે અને ‘કુમારના જન્મનીશક્યતા જેમાં વર્ણવવામાં આવી છે તેવું કાવ્ય' એ રીતે પણ આ શીર્ષકને સમજાવે છે. તોવળી અન્ય વિદ્વાનો સંભવ નો અર્થ 'સંયોગ' (મિલન) એવો કરીને ‘કુમારના જન્મ માટેનોસંયોગ જેમાં વર્ણવવામાં આવ્યો છે તેવું કાવ્ય’ એ રીતે પણ આ શીર્ષકની સમજૂતી આપે છે.

         કાવ્યના કથાનકને ધ્યાનમાં લઈને તે મુજબ શીર્ષકને પરાણે સમજાવવા માટેના આ બધા પ્રયત્નો છે. સામાન્ય રીતે 'કુમારના જન્મપ્રસંગને વર્ણવતું કાવ્ય” એવો અર્થ લઇએ તો આ શીર્ષક કાવ્યના કથાનકના મુખ્ય પ્રસંગને આધારે આપવામાં આવ્યું છે, એમ સમજાવી શકાય. કવેર્વૃત્તસ્ય વા નામ્ના નાયકસ્યેતરસ્ય વા| અર્થાત નાયક કે અન્ય પાત્રના નામ પરથી કાવ્યનું શીર્ષક આપવું. વિશ્વનાથે મહાકાવ્યનું શીર્ષક આપવા સંબંધી આપેલા આ નિયમનો અસ્વીકાર કરીને અહીં કાવ્યના કથાનક ઉપરથી નામ આપવાની બીજી રીતનો સ્વીકાર કરવામાં આવ્યો છે, એમ માની શકાય. આ બાબતમાં એ નોંધવું જોઈએ કે કુમારના જન્મની વાત પ્રથમ આઠ સર્ગમાં આવતી નથી, ફક્ત સૂચવવામાં આવી છે. અથવા તે વાતને અધ્યાહ્રત રાખવામાં આવી છે. એટલે આ શીર્ષક સૂચક અથવા ધ્વનિપૂર્ણ છે. બીજી બાજુ, આ મહાકાવ્યને ૧૭ સર્ગનું માનવામાં આવે તો કુમારના જન્મનો પ્રસંગ કાવ્યના પૂર્વાર્ધનો મુખ્ય વિષય છે, પરંતુ કાવ્યના ઉત્તરાર્ધનો મુખ્ય પ્રસંગ તો તારકાસુરનો વધ છે. આમ, બંને રીતે જોતાં આ શીર્ષક કથાનકની સાથે સીધી રીતે સંબંધ ન ધરાવતા પ્રસંગને આધારે આપવામાં આવ્યું છે. તેથી વિષયને આવરી લેવાની દ્રષ્ટિએ તે જરાક મોળું છે, એમ કહી શકાય. આમ છતાં આશીર્ષક મહાકાવ્યના લક્ષણને અનુસરતું, સૂચક અને ટૂંકું છે. આ શીર્ષક સહેતુક હોવાની સાથે નવીન પણ છે.

         કેટલાક એમ માને છે કે ગુપ્તસમ્રાટ ચંદ્રગુપ્તનાં પુત્ર કુમારગુપ્તના જન્મ-મહોત્સવ પ્રસંગે કાલિદાસે આ કાવ્યની રચના કરી હતી. આ માન્યતાને સ્વીકારીએ તો આ શીર્ષક પ્રસ્તુત પ્રસંગને અનુરૂપ હતું, એમ કહી શકાય.

 

પ્રશ્ન:-૪ કુમારસંભવની આધાર-સામગ્રી જણાવો.

જવાબ:- મહાકાવ્યનું કથાનક ઇતિહાસપ્રસિદ્ધ હોવું જોઈએ એ લક્ષણને અનુસરીને કાલિદાસે આ મહાકાવ્ય સર્જ્યું છે અને એમાં કુમાર કાર્તિકેયના જન્મની જાણીતી વાત વર્ણવી છે. સંસ્કૃત સાહિત્યકારો કથાનકની મૌલિકતા કરતાં રજૂઆતની મૌલિકતા પર વધુ ભાર મૂકે છે. કાલિદાસ પણ આ નિયમમાં અપવાદ નથી. તેમણે પણ કુમારસંભવની મૂળ કથા પ્રાચીન ગ્રંથોમાંથી ઉપાડીને પોતાની ભાવી રીતે તેની રજૂઆત કરી છે.

         કુમાર કાર્તિકેયની કથા રામાયણ, મહાભારત, શિવપુરાણ, સ્કન્દપુરાણ, મત્સ્યપુરાણ અને બ્રહ્મપુરાણ વગેરેમાં આપવામાં આવેલી છે. મહાભારતના વનપર્વના અધ્યાય ૨૧૩ થી ૨૧૯માં કુમારની વાત આવે છે. તેમાં દેવો માટે સેનાપતિની શોધમાં ફરતો ઇન્દ્ર, કેશી રાક્ષસ પાછળ પડવાથી બૂમો પાડતી એક સ્ત્રીને જોઈને તેને બચાવે છે. કેશીને ભગાડ્યા પછી તેને, એ દક્ષની પુત્રી દેવસેના છે એમ ખબર પડે છે. બ્રહ્મા ઇન્દ્રને જણાવે છે કે દેવોનો ભાવિ સેનાપતિ આ સ્ત્રીને પરણશે.

         બીજી બાજુ સપ્તર્ષિઓની પત્નીઓ પર મોહ પામેલા અગ્નિની ઇચ્છાને તેની પત્ની સ્વાહા સપ્તર્ષિઓની પત્નીઓનાં રૂપ લઇને સંતોષે છે. આથી છ મુખવાળા કાર્તિકેયનો જન્મ થાય છે. જન્મતાંની સાથે જ તે ક્રૌંચ પર્વત અને શ્વેતગિરિ પર્વતને વીંઘે છે. વળી, તે ઇન્દ્ર સાથે પણ યુદ્ધ કરે છે અને સમાધાન થતાં ઇન્દ્ર કાર્તિકેયને, દેવોનો સેનાપતિ બનાવી દેવસેના સાથે પરણાવે છે, ર૩૧મા અધ્યાયમાં બ્રહ્મા કાર્તિકેયને શિવ-પાર્વતીના પુત્ર તરીકે જાહેર કર્યા બાદ તે મહિષાસુરનો નાશ કરે છે.

         અનુશાસન પર્વમાં અધ્યાય ૧૩૦-૧૩૩માં તારકાસુરના વધ માટે બ્રહ્માને વિનંતિ કરવાનો પ્રસંગ વર્ણવાયો છે. સાથે શંકરના તેજને પ્રથમ અગ્નિએ, પછી ગંગા નદીએ અને પછી કૃતિકાઓએ ધારણ કર્યું અને એમાંથી કાર્તિકેયનો જન્મ થયો, એ વાત કરવામાં આવી છે.

         તેની સાથે શલ્ય પર્વમાં અધ્યાય ૪૫ થી ૪૭માંશિવનાં તેજથી ઉત્પન્ન થયેલા કાર્તિકેયને હાથે તારકાસુરના વધની વાત વર્ણવાઈ છે.

         રામાયણના બાલકાંડના ૩૨ અને ૩૭મા અધ્યાયમાં કાર્તિકેયની કથા આ પ્રમાણે આપવામાં આવી છે.

         પાર્વતીનાતપથી ખુશ થઈને શિવે તેની સાથે લગ્ન કર્યાં અને સો દિવ્ય વર્ષો સુધી તેની સાથે વિહાર કર્યો. દેવોએ શિવ-પાર્વતીને તપ કરવાની વિનંતિ કરી તેથી શિવે પોતાનું તેજ પૃથ્વીને અને અગ્નિને આપ્યું.

         સેનાપતિને માટે વિનંતિ કરનારા દેવોને બ્રહ્માએ ‘અગ્નિ ગંગામાં પુત્ર ઉત્પન્ન કરશે’ તેમ જણાવ્યું. આથી દેવોએ અગ્નિને વિનંતી કરતાં અગ્નિએ તે તેજ ગંગાને આપ્યું. તેને સહન ન કરી શકતાં ગંગાએ તેને હિમાલયની તળેટીમાં મૂક્યું, જ્યાં કાર્તિકેયનો જન્મ થયો. છ કૃતિકાઓએ તેને ઉછેર્યો અને તે દેવોનો સેનાપતિ બન્યો.

         એની પહેલાં બાલકાંડના ૨૩મા સર્ગમાં વિવાહ પછી તપશ્ચર્યા કરી રહેલા શિવને મોહમાં પાડવા જતો કામદેવ તેમના ગુસ્સાથી ભસ્મ થઈ ગયો, એવી વાત રજૂ થઈ છે.

         મહાભારત અને રામાયણની કથામાંથી કાલિદાસે પોતાના કથાનકના તાણાવાણાસ્વીકાર્યા છે અને તેમાંથી એક સુંદર મહાકાવ્ય સર્જ્યું છે. મહાભારતમાંથી સેનાપતિ મેળવવા માટે દેવોની ચિતા, ઇન્દ્રનું બ્રહ્મા પાસે ગમન, સપ્તર્ષિઓની પત્નીનું રૂપ ધરી અગ્નિની પત્ની સ્વાહાએ કાર્તિકેયને આપેલો જન્મ, જન્મતાં જ કાર્તિકેયે કરેલાં પરાક્રમો, ઇન્દ્રે સેનાપતિ તરીકે કાર્તિકેયની કરેલી વરણી અને તારકાસુરનો કાર્તિકેયે કરેલો વધ, આટલા મુદ્દાઓ કાલિદાસે કુમારસંભવમાં ઘટતા ફેરફાર સાથે સ્વીકાર્યા છે.

         એ જ રીતે રામાયણમાંથી પાર્વતીનું તપ અને તપના પ્રભાવે શિવ-પાર્વતીનાં લગ્ન, શિવ-પાર્વતીની દીર્ઘકાળ સુધી રતિક્રીડા, મહાદેવના તેજનું પૃથ્વી અને અગ્નિ દ્વારા ગ્રહણ, અગ્નિ દેવોના સેનાપતિને જન્મ આપશે તેવી બ્રહ્માએ દેવોને આપેલી ખાત્રી, અગ્નિએ શિવના તેજની ગંગાને કરેલી સોંપણી, કાર્તિકેયનો જન્મ અને પરાક્રમથી તેમનું દેવોના સેનાપતિ બનવું- આ બધા મુદ્દાઓ કાલિદાસે ઘટતા ફેરફાર સાથે સ્વીકાર્યા છે.

         આ ઉપરાત મહાભારતમાં કુરુક્ષેત્રના મેદાન પર ગાંધારી અને અન્ય સ્ત્રીઓનો વિલાપ તેમજ અગ્નિની કથા તથા રામાયણમાં કિષ્કિન્ધાકાંડમાં વસંત ઋતુનું વર્ણન, વાલીની પત્ની તારાનો વિલાપ, પિતાએ નક્કી કરેલા પતિ- ભગવાન વિષ્ણુ-ને પામવા તપ કરતી વેદવતીએ, બળાત્કાર કરવા ઇચ્છતા રાક્ષસથી બચવા પોતાની જાતને બાળી નાખીને બીજા જન્મમાં સીતા તરીકે અવતરી વિષ્ણુના અવતાર રામને પતિ તરીકે મેળવ્યાની કથા વગેરેને નજર સમક્ષ રાખીને તેના સંસ્કારો આ મહાકાવ્યમાં ઝીલ્યા છે, એમ કહી શકાય. તેની સાથે ઋગ્વેદના પ્રથમ મંડળના ૧૭૯માં સુક્તમાં અગસ્ત્યે તપશ્ચર્યાંથી કંટાળેલી પોતાની પત્ની લોપામુદ્રાને પ્રણયચેષ્ટા વડે પોતાને મોહ પમાડવાની મંજૂરી આપી તે વાતનો આધાર પણ કુમારસંભવમાં લેવામાં આવ્યો છે, એમ કહી શકાય. કથાનકની રૂપરેખા કવિએ રામાયણ અને મહાભારતમાંથી સ્વીકારી છે.

         શિવપુરાણ, સ્કન્દપુરાણ અને મત્સ્યપુરાણ વગેરે પુરાણોમાં કુમારસંભવના જેવી જ કથાઓ આપવામાં આવી છે. સ્કન્દપુરાણની કથા કુમારસંભવ સાથે ખૂબ સામ્ય ધરાવે છે. જ્યારે શિવપુરાણમાંની કથા કુમારસંભવ સાથે એથી યે આગળ વધીને અનેક શ્લોકોની કલ્પના અને શબ્દરચનાનું સામ્ય પણ ધરાવે છે. તેથી કાલિદાસ પર ઉપર્યુક્ત પુરાણોનું ઋણ હશે એમ માની શકાય. પરંતુ પુરાણો અને તેમાં પાછળથી થયેલા ઉમેરાઓની રચના કાલિદાસ પહેલાં થઈ કે પછી તે ચોક્કસ કહી શકાતું ન હોવાથી અને કાલિદાસ જેવો કવિ પોતાના કાવ્યમાં કલ્પનાઓ અને શબ્દરચના પણ ઉછીની લે તે શક્ય ન હોવાથી કાલિદાસે કુમારસંભવની રચનામાં ઉપર્યુક્ત પુરાણોનો આધાર લીધો છે, એમ કહેવું યુક્તિયુક્ત નથી.

         રામાયણ અને મહાભારતમાંથી પોતાના મહાકાવ્યના કથાનકની રૂપરેખા લેવા છતાં કવિએ પોતાની મૌલિક કલ્પનાથી કુમારસંભવની રચના કરી છે. પ્રથમ સર્ગમાં હિમાલયનું અને પાર્વતીનું વર્ણન, બીજા સર્ગમાં વેદાન્તને અનુસરીને જગતમાં શ્રેષ્ઠ તત્વનું વર્ણન, ત્રીજા સર્ગમાં કામદેવ અને ઇન્દ્રનો સંવાદ તેમજ મદનદહન વર્ણન, ચોથા સર્ગમાં રતિવિલાપ, પાંચમા સર્ગમાં બહ્મચારી અને તપ કરતી પાવતીનો વાદવિવાદ, છઠ્ઠા સર્ગમાં ઔષધિપ્રસ્થ અને સપ્તર્ષિઓનું વર્ણન. સાતમા સર્ગમાં શિવવિવાહનું વર્ણન, આઠમા સર્ગમાં સંધ્યા અને રતિક્રીડાનાં વર્ણનો કાલિદાસની મૌલિક કલ્પનાનાં ફળો છે. તેની સાથે કવિએ કામદહન પ્રસંગને શિવ-પાર્વતીના વિવાહ પહેલાં બતાવવાનો ફેરફાર મુળ રામાયણની કથામાં કર્યો છે. રામાયણમાં શંકર અને પાર્વતીની તપશ્ચર્યાને બ્રહ્મા પાસે દેવોને જવાનું કારણ બતાવ્યું છે તેને બદલે કાલિદાસે તારકાસુરના ત્રાસને તેના કારણ તરીકે રજૂ કર્યો છે. રામાયણમાં શિવ-પાર્વતીની રતિક્રીડા સો દિવ્ય વર્ષો સુધી ચાલતી વર્ણવી છે તેને કાલિદાસે મનુષ્યનાં સો વર્ષો સુધી ચાલતી બતાવી છે.

         આમ, રામાયણ અને મહાભારતમાંથી કથાનકની આછી રૂપરેખા સ્વીકારીને, તેમાં ઘટતા ફેરફાર કરી નવી જ વાર્તા કલ્પીને, તેમાં પોતાની મૌલિક કલ્પનાના રંગો પૂરીને કાલિદાસે તદ્દન નવી જ ભાત પાડતું આ મહાકાવ્ય સર્જ્યું છે. આથી એમાં કવિની સર્વોત્કૃષ્ટ પ્રતિભાનો પરિચય મળી શકે છે.

 

પ્રશ્ન:-૫ કાલિદાસની કાવ્યશૈલી-નોંધ લખો.

જવાબ:-

લિપ્તા મધુદ્રવેણાસન્ યસ્ય નિર્વિષયા ગિર: I

તેનેદં વતર્મ વૈદર્ભં કાલિદાસેન શોધિતમ્ II

         આ શ્લોક વડે આચાર્ય દંડીએ પોતાના કાવ્યાદર્શમાં કાલિદાસની કાવ્યશૈલીની ચર્ચા કરતાં તેને વૈદર્ભી શૈલી કહી છે તે યોગ્ય છે. માધુર્ય અને પ્રસાદ એ બે કાવ્યગુણોથી ભરપૂર વૈદર્ભી શૈલી કાલિદાસને સહજ સાધ્ય છે. કાલિદાસે અત્યંત સ્વાભાવિક રીતે પ્રયોજેલી વૈદર્ભી શૈલીને કારણે સંસ્કૃત વિવેચકોએ વૈદર્ભી કવિતા સ્વયં વૃતવતી શ્રીકાલિદાસં વરમ્ એટલે કે ‘વૈદર્ભી કવિતાએ સ્વયં કાલિદાસને પસંદ કર્યો' એમ કહી એનું ગૌરવ કર્યું છે.

         શૈલી એટલે લખવાની ઢબ થવા રીત.સંસ્કૃત સાહિત્યશાસ્ત્રીઓએ શૈલીને ત્રણ મુખ્ય પ્રકારોમાં વિભાજિત કરી છે : (૧) વૈદર્ભી, (૨) ગૌડી અને (૩) પાંચાલી. આચાર્ય વામને શૈલી અથવા રીતિને કાવ્યના આત્મા તરીકે ગણાવી છે. કારણ કે કવિની જેવી શૈલી હોય તેવું કાવ્ય બને. વૈદર્ભી શૈલી એટલે માધુર્ય અને પ્રસાદ ગુણની રચના વાલ્મીકિ, વ્યાસ અને કાલિદાસ એ ત્રણ કવિઓની રચનામાં વૈદર્ભી એના ઉત્તમ સ્વરૂપમાં દૃષ્ટિગોચરથાય છે. વાલ્મીકિ અને વ્યાસ પાસે જન્મીને ઊછરેલી આ વૈદર્ભીએ કાલિદાસને પતિ તરીકે પસંદ કર્યો છે. એટલે વૈદર્ભી શૈલીના તમામ ગુણો કાલિદાસની રચનામાં રહેલા છે.

         કાલિદાસની રચના મોટેભાગે અલ્પ સમાસવાળી અને પ્રાસાદિક છે. આમ છતાં ક્યારેક મોટા સમાસો પણ તે આપે છે. પરવર્તી કવિઓની જેમ તે કાવ્યરચના માટે શબ્દોની પસંદગીમાં સભાન નથી. કારણ કે પ્રાયઃ શબ્દો આ મહાકવિ પાસે જાતે જ દોડી આવે છે. તેમ છતાં કવિએ ક્યાંક સાનુપ્રાસિક પદાવલીઓ પણ આપી છે. ઉદાહરણ તરીકે,

અથાનુરૂપાભિનિવેશતોષિણા કૃતાભ્યનુજ્ઞા ગુરૂણા ગરીયસા I

પ્રજાસુ પશ્ચાત્પ્રથિતં તદાખ્યયા જગામ ગૌરીશિખરં શિખન્ડિમત્ II

            અહીં ગ, , પ્ર, , વગેરેનો અનુપ્રાસ નોંધપાત્ર છે.આમ છતાં આવી રચના પાછળ કવિ આંધળી દોટ મૂક્તા નથી. પાછળના કવિઓને અત્યંત પ્રિય અને વાચકોને બૌદ્ધિક વ્યાયામ પૂરો પાડનારી કિલષ્ટ શ્લેષની રચના કાલિદાસને ગમતી નથી. આમ છતાં ક્યારેક તે વિમુચ્યસા હારમહાર્યનિશ્ચયા (૫.૮) જેવી શબ્દની રમત પણ કરી લે છે. પરંતુ પરવર્તી કવિઓની જેમ શબ્દરમતને માટે જ કાવ્યરચના કરવાનું કાલિદાસે ઇષ્ટ માન્યું નથી.

         સહેતુક શબ્દપ્રયોગ એ કાલિદાસની શૈલીનું ખાસ લક્ષણ છે. દા.ત., પાંચમા સર્ગનાવીસમા શ્લોકમાં પાર્વતીને આપેલાં શુચિસ્મિતા અને સુમધ્યમા એ બે વિશેષણો સહેતુક, છે. એક તો તે શુચૌ શુચિસ્મિતા મધ્યગતા સુમધ્યમા એમ સરસ અનુપ્રાસની શબ્દરમત આપે છે અને બીજું, સૂર્ય સામે જોઈને તપ કરતી પાર્વતીનો ભાર કોમળ કટિ પર આવતો હતો છતાં તપના કષ્ટથી તેના મંદ હાસ્યને કોઈ અસર પહોંચી ન હતી, એ અર્થ પણ ધ્વનિત થયો છે. તપ: ક્ક વત્સે ક્ક ચ તાવકં વપુ: (૫.૪) એમાં ક્ક...ક્ક એ નિપાતનો પ્રયોગ જ બે વચ્ચેનું અતિવૈધર્મ્ય બતાવીને રમ્ય વિષય અલંકારને જન્માવે છે. એટલે નાનકડા નિપાતો પણ કાલિદાસ સહેતુક પ્રયોજે છે, એમ કહી શકાય.

         કેટલીક વાર કવિ પરસ્પર વિરોધી વસ્તુઓ બતાવીને સરસ કલ્પના રજૂ કરે છે. સંપત્તિહીન હોવા છતાં સંપત્તિનું જન્મસ્થાન, સ્મશાનમાં નિવાસ કરતા હોવા છતાં ત્રણે લોકના માલિક, ભયંકર રૂપવાળા હોવા છતાં શિવ-કલ્યાણકારી, એમ વિરોધાભાસ દ્વારા શિવનું વર્ણન કરતી કલ્પના આનું સુંદર ઉદાહરણ છે.

         વળી, કાલિદાસનું વર્ણન પ્રમાણસર અને ચિત્રાત્મક હોય છે. બીજા કવિઓ જે વર્ણવવા માટે ઘણા શબ્દો પ્રયોજે તેને કાલિદાસ ફક્ત એકાદ શબ્દમાં જ કહી દે છે.તપ કરતી પાર્વતી હોય કે બ્રહ્મચારીની અથવા પાર્વતીની દલીલો હોય, તે પોતાને કહેવાનું કહી છે કંટાળો જન્માવે તેવું લંબાણ કરતો નથી. તપ કરતી પાર્વતી (૫.૨૦) કે જળમાં તપ કરતી પાવતી (૫.૨૭), બળદ પર બેસીને જતા શંકરને પ્રણામ કરતો ઇન્દ્ર (૫.૮૦) કે ગુસ્સામાં ચાલી જતી અને બ્રહ્મચારીને બદલે શંકરને જોતાં આશ્ચર્યમાં પડી ગયેલી પાર્વતી (૫.૮૫) ગમે તે લ્યો, કાલિદાસે કરેલું તેનું વર્ણન કુશળ ચિત્રકારની પીંછી આલેખી શકે તેવું તાદશ મનોહર છે. આવા ચિત્રો આપવામાં કવિની કલ્પના ખૂબ ઉચ્ચ સ્તર પર વિહરતી જણાય છે. આવી કલ્પના દ્વારા તે ભાતભાતના પ્રસંગો સમાન સુંદરતાથી રજૂ કરે છે.

         રસભાવનિરંતરતા એ કાલિદાસની શૈલીનું એક વિશિષ્ટ લક્ષણ છે. જે કોઈ વસ્તુ કે પ્રસંગ વર્ણવે છે તે રસ અને ભાવથી ભરપૂર હોય છે. તપ કરતી પાર્વતી પણ શિવની નિંદા સાંભળીને જે અમર્ષ બતાવે છે તે થોડાક જ શબ્દોમાં સૂચવાઈ જાય છે. તપ કરતી પાર્વતીની શાંતિ, શિવની નિંદા સાંભળીને પાર્વતીને ઉત્પન્ન થયેલો ગુસ્સો; બ્રહ્મચારીની સ્પષ્ટ,અસરકારક અને કટાક્ષપૂર્ણ દલીલો, બધામાં આદિથી અંત સુધી જુદી જુદી લાગણીઓ જોવા મળે છે. એક ભાવમાંથી બીજા ભાવમાં એ એવી સુંદર રીતે સંક્રમણ કરે છે કે જેની વાચકને ખબર પણ પડતી નથી. તપ કરતી પાર્વતીના વર્ણનને પણ તેણે રસાવહ બનાવ્યું છે. એટલે, રસનિષ્પત્તિની બાબતમાં તેના પેંગડામાં પગ નાખી તેવો બીજો કોઈ કવિ નથી. એની મધુર કાવ્યરચના વાચકને સાંભળવા માત્રથી રસ ઉપજાવે છે.

         કાલિદાસે શંકર અને પાર્વતી જેવાં દિવ્ય પાત્રોમાં પણ માનવભાવોને આરોપ કરીને માનવીય બનાવ્યાં છે, પણ તેની સુંદર કલ્પનાનું જ ફળ છે. દિવ્ય પાત્રો પણ માનવીની જેમ રહે છે, બોલે છે અને આચરણ કરે છે. તેમ છતાં એમાં કવિએ દિવ્ય તત્ત્વ તો રાખ્યું જ છે. તેમાં કવિની ઔચિત્યબુદ્ધિ પ્રકટ થઈ છે.

         છંદની બાબતમાં પણ કવિ સિદ્ધહસ્ત વિવિધ છંદો તેણે સફળતાથી પ્રયોજ્યા છે. કુમારસંભવના પાંચમા સર્ગમાં તપ કરતી પાર્વતીના વર્ણનમાં ઉપજાતિ અને સર્ગના અંતે વસંતતિલકા છંદનો કવિએ પ્રયોગ કર્યો છે. ક્ષેમેન્દ્ર સુવૃત્તતિલકમાં તેની ભારોભાર પ્રશંસા કરી છે. પ્રસંગને અનુરૂ૫ છંદ અને શબ્દરચના કાલિદાસની શૈલીની એક આગવી વિશિષ્ટતા છે.

         કાવ્યના આત્મભૂત ધ્વનિની બાબતમાં કાલિદાસ અતિશય કુશળ કવિ છે. બ્રહ્મચારીને જવાબ આપવા પોતાની સખીને પાર્વતીએ નજર ફેંકીને જ કરેલું સૂચન (૫.૫૧) આનું ઉત્તમ ઉદાહરણ છે. શંકરને આપેલું અરૂપજ્ઞાર્યમ્ એ વિશેષણ પણ ધ્વનિપૂર્ણ છે (૫.૫૩). શંકર રૂપથી નહિ પરંતુ તપથી જિતાય તેમ છે અને માટે અસામાન્ય પાત્ર એવો ધ્વનિ તેમાં રહેલો છે. એક એક શબ્દ સહેતુક પ્રયોજનાર આા કવિ ઠેર ઠેર આ સૂચનકળાનો ઉપયોગ કરે છે. આથી જ ધ્વનિસંપ્રદાયના સ્થાપક આચાર્ય આનંદવર્ધને કાલિદાસની ગણના ઉત્તમ કવિઓમાં કરી છે. કાલિદાસને માટે આથી જ અર્વાચીન વિવેચકોએ પણ કહ્યું છે : He suggests more than he expresses.

         કાલિદાસ અલંકારવિન્યાસમાં પણ ઔચિત્યનો ખ્યાલ રાખે છે. ધ્રુવં વપુ: કાન્ચનપદ્મનિર્મિ તમ્ (૫.૧૯)એમાંની સુંદર ધ્વનિપૂર્ણ ઉત્પ્રેક્ષા.અલંકારતિલકમાં ઉદાહ્રત કરવામાં આવી છે. જ્યારે પાર્વતીનો હાથ ક્રમપૂર્વક અનેક સ્થળે જવાની પર્યાંય અલંકારની રમણીય કલ્પના (૫.૧૧) એ અલંકારના ઉદાહરણ તરીકે સાહિત્યદર્પણ, અલંકારસર્વસ્વ અને કાવ્યાલંકારસૂત્રમાં ઉદઘૃત કરવામાં આવી છે. આમ, જુદા જુદા અલંકારોનાં ઉત્તમ ઉદાહરણો કવિ આપણને આપે છે. તેમાં પણ તે અર્થાતરન્યાસ અલંકારને તો એકદમ સુંદર રીતે રજૂ કરે છે.આથી જ એક અજ્ઞાત વિવેચકે અર્થાન્તરન્યાસની બાબતમાં કાલિદાસ ચઢિયાતા છે' એમ કહ્યું છે.ન કામવૃત્તિર્વચનીયમીક્ષતે, મનોરથાનામગતિર્ન વિદ્યતે, ન રત્નમન્વિષ્યતિ મૃગ્યતે હિ તત્, શરીરમધ્યં ખલુ ધર્મસાધનમ્ ઇત્યાદિ સુંદર સુભાષિતો અર્થાન્તરન્યાસ અલંકારની સહાયથી કવિએ આપ્યાં છે. આ સૂક્તિઓ દ્વારા કવિએ પોતાનો દુન્યવી અનુભવ પ્રકટ કર્યો છે.

               ઉપમા કાલિદાસસ્ય । ખાસ કરીને ઉપમા માટે આ કવિ તમામ વિવેચકોની પ્રશંસા પામ્યો છે. અન્ય કવિઓની તુલનામાં ‘ઉપમા તો કાલિદાસની જ’ એવી કહેવત રૂઢ થઈ છે. કારણ કે કાલિદાસની ઉપમાઓ ખરેખર, રમણીય હોય છે. તે ક્યારેક જીવનમાંથી, ક્યારેક પ્રકૃતિમાંથી તો ક્યારેક વિવિધ શાસ્ત્રોમાંથી આવે છે. આ ઉપમાઓ જાણીતી હોવા છતાં કાલિદાસની કલ્પનાથી નવીન સ્વરૂપ ધારણ કરીને આવે છે. પાર્વતીનું કેશકલાપથી શોભતું મુખ જટાથી પણ શોભે છે, એ સમજાવવા કવિ ભ્રમરોની હારથી શોભતું કમળ લીલથી પણ શોભતું હોવાની ઉપમા આપે છે. મુખને માટે કમળની ઉપમા જાણીતી હોવા છતાં અહીં કલ્પનાની નવીનતા છે. એવી જ રીતે તપથી કૃશ થઈ ગયેલી પાર્વતીને કાલિદાસે આપેલી ચંદ્રરેખાની ઉપમામાં પાર્વતીની સુંદરતા અને કૃશતા ધ્વનિત થાય છે (શ્લોક ૫.૪૮). આ પ્રાકૃતિક ઉપમા ખરે જ અસરકારક છે. તપથી કૃશ થયેલી પાર્વતીનો સ્વીકાર કરનાર શંકરને ખેડાયેલી જમીન પર કૃપા કરનારા ઇન્દ્રની સાથે સરખાવવામાં આવ્યા છે. આ ઉપમા ઘણી સૂચક છે. જેમ પૃથ્વી પર વરસાદ ક્યારે આવશે તે નક્કી હોતું નથી તેમ શિવ ક્યારે આવશે તે નક્કી નથી, એમ અહીં સૂચવવામાં આવ્યું છે. આ ઉપમા પણ પ્રકૃતિમાંથી આવી છે. ગુસ્સે થઈને ચાલવા માંડેલી અને શંકરને પ્રકટ થયેલા જોઈને સ્તબ્ધ થઈ ગયેલી પાર્વતીને; રસ્તામાં આવતા પર્વત વડે આકુળ થયેલી નદી સાથે સરખાવી છે. આ પ્રકૃતિમાંથી આવતી ઉપમા પાર્વતીના મનોભાવોને સૂચવે છે.

         સંક્ષેપમાં, અલંકારવિન્યાસની બાબતમાં આ કવિ સિદ્ધહસ્ત છે અને એ અલંકારો પણ સ્વાભાવિક રીતે એના કાવ્યમાં આવીને ખડા થતા હોય છે. પાછળના કવિઓએ અલંકારોને પોતાના કાવ્યમાં બળપૂર્વક ઠાંસવાનો પ્રયત્ન કર્યો છે; તેને બદલે કાલિદાસના કાવ્યમાં અલંકારો આપમેળે જ આવીને ઊભા રહે છે, એ પણ તેની શૈલીની એક વિશેષતા જ છે.

         મહાકાવ્યમાં પણ નાટકની જેમ સંવાદો રજૂ કરવાની કવિને સારી ફાવટ છે. સામાન્ય રીતે કાવ્યમાં સંવાદો આપવામાં આવતા નથી, પરંતુ કાલિદાસ આ બાબતમાં પણ વિલક્ષણ છે. પ્રસ્તુત સર્ગમાં બ્રહ્મચારી અને પાર્વતી વચ્ચે કટાક્ષપૂર્ણ અને તર્કબદ્ધ દલીલો દ્વારા ઓજસ્વી તથા સ્વાભાવિક સંવાદ થાય છે, તે કાલિદાસની સંવાદકળાનો ઉત્તમ નમૂનો છે. બ્રહ્મચારીની દલીલો બુદ્ધિપૂર્વક રજૂ થયેલી હોઇ હૃદયવેધક છે. તેના પ્રત્યુત્તરરૂપે રજૂ થયેલી પાર્વતીની દલીલો તર્કબદ્ધ અને તે પાર્વતીનો શિવ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.

         મધુર અને પ્રાસાદિક શબ્દરચના, સહેતુક અને લયપૂર્ણ શબ્દો, મનોરંજક કલ્પના, પ્રમાણસર અને ચિત્રાત્મક વર્ણનો, રસભાવનિરંતર નિરૂપણ, દિવ્ય પાત્રોમાં માનવભાવનો આરોપ, પ્રસંગને અનુરૂપ અને સફળ છંદનિરૂપણ, ઉત્તમ સૂચનકળા, ઔચિત્યપૂર્ણ અલંકારવિન્યાસ, કટાક્ષ, તર્ક અને વેધક દલીલોથી યુક્ત સંવાદ, આ બધાં વિશિષ્ટ લક્ષણો વડે કાલિદાસની શૈલી ઉત્તમ કક્ષાની બની છે એટલું જ નહિ, કાલિદાસ પણ તેના વડે શ્રેષ્ટ કવિનું સ્થાન પ્રાપ્ત કરી શક્યો છે,એક પાશ્ચાત્ય વિવેચકે કાલિદાસને અંજલિ આપતાં કહ્યું છે: The tenderness in feelings and richness of creative fancy have assigned him his lofty place among the poets of all the nations.

 

પ્રશ્ન:-૬ કાલિદાસની પ્રકૃતિ-નિરૂપણ-નોંધ લખો.

જવાબ:-શૃંગારના લલિત ઉદ્દ્ગારો માટે પ્રસિદ્ધ થયેલા કાલિદાસે પ્રણય અને તેની ઉદ્દીપક પ્રકૃતિનું વર્ણન પોતાની રચનાઓમાં સતત કર્યું છે. કાલિદાસે પ્રકૃતિને ગૌણ રીતે નહિ પરંતુ મુખ્ય રીતે રજૂ કરી છે; કારણ કે કાલિદાસનાં કાવ્યોમાં પ્રકૃતિ જડ મટી જઈને ચેતન બની છે. કાલિદાસનું પ્રકૃતિનિરીક્ષણ અત્યંત સૂક્ષ્મ અને ચોકસાઈભર્યું છે. વૃક્ષ, પર્વત, નદી, ઝરણાં કે સમુદ્ર, કોઈપણ પ્રાકૃતિક પદાર્થ કાલિદાસનાં કાવ્યોમાં માનવના સુખદુઃખમાં સહાયક અને આશ્વાસન આપનાર સજીવ પદાર્થ બની જાય છે, એનાં ઉપમાનો પ્રકૃતિમાંથી જ લીધેલાં હોય છે. એની કલમના સ્પર્શે પ્રકૃતિ સજીવ જ નહિ, દિવ્ય બની જાય છે.

         કુમારસંભવમાં જડ હિમાલયને કવિ દેવાત્મા કહીને દિવ્ય ચેતન પાત્ર તરીકે આલેખે છે. પાર્વતી પણ તે હિમાલયની જ પુત્રી હોઈ શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે, તપ કરવા માટે ગૌરીશિખરની પ્રકૃતિને ખોળે જઈ પહોંચે છે. એ પ્રકૃતિ તેને શિવપ્રાપ્તિમાં સહાયક બને છે. તે પાર્વતીને સૂવા માટે માટીની સ્થંડિલ પૂરી પાડે છે. તપ કરવા માટેની પ્રાથમિક જરૂરિયાત, પાણી પણ તે જ પ્રકૃતિ પૂરી પાડે છે, જેના દ્વારા સ્નાન કરીને પવિત્ર થવાનું તપ કરનારાઓ માટે આવશ્યક હોય છે. સૂર્યની સામે નજર રાખીને પાર્વતી પંચાગ્નિસાધન તપ કરે છે; તે પણ એક દિવ્ય અને પ્રાકૃતિક પદાર્થ જ છે ને ! પ્રકૃતિના મહત્વના પદાર્થ તરીકે વૃક્ષો પણ તેના તપમાં ઘણી મદદ કરે છે. વૃક્ષો પાર્વતીને પહેરવા માટે વલ્કલ અને તપ માટે સમિધ, પુષ્પ અને કુશ પણ પૂરાં પાડે છે.

         કાલિદાસ પોતાનાં ઉપમાનો મોટેભાગે પ્રકૃતિમાંથી જ પસંદ કરે છે. પાર્વતીને તે શિરીષપુષ્પ સાથે સરખાવે છે (૫.૪). તેના મુખને કમળ સાથે અને કેશકલાપને ભ્રમરની પંક્તિ સાથે સરખાવે છે (૫.૯). કઠોર તપ સહન કરતી પાર્વતીનું સુકુમાર શરીર સોનાનું કમળ હોવાની સંભાવના તે કરે છે (૫.૧૯). સૂર્ય અને અગ્નિથી તપેલી અને વૃષ્ટિ થતાં ગરમી છોડતી પાર્વતીની તુલના તે પૃથ્વી સાથે કરે છે (૫.૨૩).પાર્વતીના અધર લતાની કૂંપળની તુલનામાં ઊતરે તેવી છે (૫.૩૪).ભરણવગરની પાર્વતી તારા વગરની રાત્રીની સરખામણીમાં મૂકાય છે (૫.૪૪). તપ કરતા કૃશ બનેલી પાર્વતીને દિવસે દેખાતી ચંદ્રરેખાની સાથે (૫.૪૮) તેમજ ખેડાયેલી પૃથ્વી (૫.૬૧) સાથે તે સરખાવે છે. જ્યારે શિવને જોતાં આશ્ચર્યમાં ગરકાવ થયેલી પાર્વતીને, રસ્તામાં પર્વત આવતાં આકુળ થયેલી નદી સાથે સરખાવવામાં આવી છે (૫.૮૫). એ બધાં તેનાં પ્રાકૃતિક ઉપમાનોનાં ઉદાહરણો છે.

         પ્રકૃતિમાં તે સજીવારોપણ પણ કરે છે. પાર્વતીને હાથે પાણી પીને ઊછરેલાં વૃક્ષો પાર્વતીના પુત્રવાત્સલ્યનો રમણીય અનુભવ કરે છે (૫.૧૪) અને પાર્વતીની ઇચ્છા મુજબ ફળફૂલ પણ આપે છે (પ.૧૭). વળી, એ વૃક્ષો પાર્વતીના તપનાં સાક્ષી પણ બને છે (૫.૬૦). એની સાથે કવિએ વિદ્યુત રૂપી નજર વડે જોતી રાત્રીઓને પણ પાર્વતીના મહાતપની સાક્ષી બનતી વર્ણવી છે (૫.૨૫). કવિએ પર્વત જેવા પ્રાકૃતિક પદાર્થની પુત્રી પાર્વતીને તેના મુખ વડે, ઝાકળ પડતાં અલ્પ કમળવાળા બનેલા સરોવરને માટે કમળની ગરજ સારતી બતાવી છે (૫.૨૭).

         આ બધી વિલક્ષણતાઓને લીધે કાલિદાસનું પ્રકૃતિનિરૂપણ અત્યંત ઉત્કૃષ્ટ બની ગયું છે. તેની રચનાઓમાં પ્રકૃતિનું આગમન એક જીવંત પાત્ર તરીકે થાય છે. કથાનકમાંનાં માનવીય પાત્રોને આ પ્રકૃત્તિ સહાય અને પશ્ચાદભૂ પૂરી પાડે છે. પ્રકૃતિની પશ્ચાદભૂ કાલિદાસના કાવ્યને ઉત્તમ બનાવે છે, એટલું જ નહિ, કાલિદાસને પણ સર્વોત્તમ તરીકે સ્થાપે છે. પ્રાકૃતિક તત્વો અને માનવભાવોના અત્યંત સ્વાભાવિક સંયોગને બિરદાવીને રાઈડર નામના એક પાશ્ચાત્ય વિવેચકે કાલિદાસને અંજલિ આપતાં કહ્યું છે : I know not with whom to compare him in this, even Shakespeare, for all his magical insight into a natural beauty, is primarily a poet of the human heart. The two characteristics combined in him might almost be called chemically.

 

પ્રશ્ન:-૭ નીચેની ટૂંકનોંધો લખો.

(૧) પાર્વતીનો તપ માટે નિર્ણય અને ગમન.

જવાબ:-પાર્વતી શિવને પતિ તરીકે મેળવવા ઇચ્છતી હતી. પરંતુ પોતાના રૂપ વડે શિવને જીતવામાં તે નિષ્ફળ થઈ અને કામદેવ તેના દેખતાં જ ભસ્મ થઈ ગયો. આથી તેની આશા ભાંગી પડી. તેણે પોતાના રૂપને નકામું ગણ્યું અને પોતાના રૂપને સફળ બનાવવા ઉપાય વિચાર્યો. દેવાધિદેવ શિવ જેવા મહાન પતિને અને તેમના પ્રેમને મેળવવા માટે તેણે શિવની જેમ કઠોર તપ કરવાનો નિર્ણય લીધો.

         સુકુમાર પાર્વતીનો કઠોર તપ કરવાનો નિર્ણય પુત્રી તરફના વાત્સલ્યને કારણે માતા મેનાને ગમ્યો નહિ. તેણે પાર્વતીને તપ કરવાની ના પાડી. પોતાની પુત્રીને છાતીએ ચાંપીને તેણે કહ્યું કે તારી ઇચ્છા પૂરી કરવા માટે ઘેર રહીને દેવતાઓની પૂજા કર. કઠોર તપ ક્યાંઅને તારું સુકુમાર શરીર ક્યાં? શિરીષનું સુકુમાર ફૂલ ભમરો બેસે તે સહન કરી શકે પરંતુ કોઈ પક્ષી બેસે તે સહન ન કરી શકે. આવી રીતે માતા મેનાએ સમજાવી છતાં શંકરને મેળવવા માટે દ્રઢનિશ્ચયી મનવાળી પાર્વતીને તે રોકી શકી નહિ. જેમ ઢોળાવ પર વહેતા પાણીને પાછું ન પાળી શકાય તેમ પાર્વતીના દ્રઢનિશ્ચયી મનને પાછું વાળી શકાય તેમ ન હતું. પાર્વતીનો નિર્ણય માતાએ માન્ય નરાખ્યો ખેલે પાર્વતીએ પોતાની સખીને મોકલીને પિતા હિમાલય પાસેથી, ફળ પ્રાપ્ત થાય ત્યાં સુધી તપ કરવા વનમાં નિવાસ કરવાની રજા માંગી. પિતા હિમાલય પોતાની મનસ્વિની પુત્રીને જાણતા હોવાથી અને તેના આવા યોગ્ય નિર્ણયને સાંભળીને ખુશ થયા હોવાથી તેમણે પાર્વતીને તપ માટે રજા આપી. આથી તે હિમાલયના એક શિખર ગૌરીશિખર પર તપ કરવા માટે જતી રહી.

         પાર્વતીનો તપ કરવાનો નિર્ણય અને માટે તેણે કરેલા ગૃહત્યાગનો પ્રસંગ પાંચમા સર્ગની પ્રસ્તાવના સમો છે. તે ટૂંકો હોવાની સાથે વાર્તાને ઝડપથી આગળ ધપાવે છે. આ પ્રસંગથી કથાનકને એક નવો જ વળાંક મળે છે. પાર્વતીએ કરેલો તપનો નિર્ણય તેનો શિવ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. સાથે જ પોતાના ઉચ્ચ ધ્યેયને પાર પાડવાની તેમનામાં રહેલી તમન્નાને જાહેર કરે છે. ઇપ્સિત વસ્તુને માટે યોગ્ય બલિદાન આપવાની પાર્વતીમાં તત્પરતા છે અને તે આ પાત્રનો વિશિષ્ટ ગુણ બની રહે છે. ચોથા સર્ગને અંતે શાંત થઈ ગયેલા વાચકના કુતૂહલને પાંચમા સર્ગનો આરંભભાગ વળી પાછું વધારી દે છે. માતા મેનાના માતૃપ્રેમનું પણ કવિએ અહીં સુંદર નિરૂપણ કર્યું છે, જ્યારે ઉન્નત અને અડીખમ ઊભેલા પિતા હિમાલય પોતાની પુત્રીએ લીધેલા કઠોર નિર્ણયને બહાલી આપે છે તેમાં પુત્રી પ્રત્યે હેત ધરાવનાર અને તેનું હિત જોનાર વત્સલ પિતાનાં દર્શન થાય છે. પિતાનું આ ઉદાર વર્તન અંતે પાર્વતીના હિતમાં સહાયક નીવડે છે.

 

(૨) પાર્વતીના સાદા તપનું વર્ણન.

જવાબ:- તપ કરવા ઇચ્છતી પાર્વતીએ પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે તેણે રાજકુમારીનો જે પોષાક પહેર્યો હતો તે ઉતારીને તપસ્વીજનોને યોગ્ય પોષાક ધારણ કર્યો. સૌ પ્રથમ તેણે વલ્કલ વસ્ત્ર ધારણ કર્યું અને માથે જટા બાંધી. ત્યારબાદ તપસ્વીઓની જેમ મુંજઘાસનો બનેલો કંદોરો ધારણ કર્યો. આથી સુકુમાર પાર્વતીનો કમરનો ભાગ રક્ત વર્ણનો બન્યો. તેણે હોઠ પર લાલી તથા શરીર પર અંગરાગ લગાડવાનું બાજુએ મૂકી દીધું અને તેને બદલે કુશઘાસ તોડવાનું અને માળા જપવાનું શરૂ કર્યું. પહેલાં કિંમતી પથારીમાં સૂઈ જનારી પાર્વતી હવે તપસ્વીઓની જેમ જમીન પર બનાવેલી માટીની ઓટલી પર સૂવા લાગી. તેણે વિલાસચેષ્ટાઓ તથા ચંચળ કટાક્ષોનો ત્યાગ કર્યો અને તપોવનનાં વૃક્ષોને પાણી પાઈને ઉછેરવાનું કામ હાથમાં લીધું. તેવી જ રીતે હરણાંઓને પણ તેણે પાળવા માંડ્યાં. તે પવિત્ર સ્નાન કરીને અગ્નિમાં હોમ કરતી અને નિયમિત સ્વાધ્યાય પણ કરતી.

રાજકુમારીમાંથી તપસ્વિની બનેલી પાર્વતીના તપનો પ્રભાવ તપોવનમાં પડવાનો શરૂ થયો. તપોવનમાં રાની પશુઓએ પોતાનો જાતિવિરોધ મૂકી દીધો. વૃક્ષોએ અતિથિઓનું સ્વાગત કરવા માંડ્યું. વળી, હોમના અગ્નિને નવી કુટિરમાં સ્થાપવામાં આવ્યો. આમ,પાર્વતીના તપથી તપોવનપણ પવિત્ર બન્યું. આટલું તપ પૂરતું ન જણાતા પોતાના ઉચ્ચ ધ્યેયને માટે તેણે પોતાના સુકુમાર શરીરની પરવા કર્યા વગર વધુ કઠિન તપ આદર્યું. દડાથી રમત કરતાં પણ થાકી જતી પાર્વતી ભારે કઠોર તપ કરવા લાગી.

તે ઉનાળામાં મોટા મુનિઓ કરે તેવું પંચાગ્નિતપ કરવા લાગી. પોતાની ચારે બાજુ ચાર અગ્નિ પ્રગટાવીને પાંચમા અગ્નિ સૂર્યમાં પોતાની નજર ઠેરવીને એ આ તપ કરતી. તેણે ઉપવાસ શરૂ કર્યા, જેનું પારણું વગર માગ્યે મળતા પાણી અને ચંદ્રનાં કિરણોથી તે કરવા લાગી. આહારમાં તે વૃક્ષોનાં પાન ખાતી. ઉનાળામાં ખૂબ તપ્યા બાદ વર્ષાઋતુમાં તે ખુલ્લામાં વરસાદની ધારાઓ ઝીલતી શિલા પર સુઈ રહેતી. શિશિર ઋતુમાં તે રાત્રીને સમયે કંઠ સુધી પાણીમાં ઊભી રહીને તપ કરવા લાગી. છેલ્લે, કઠોર તપસ્વીઓ વૃક્ષનાં પર્ણો ખાઈને જીવતા તે પાન ખાવાનું પણ તેણે મૂકી દીધું. તેથી તેને “અપર્ણા' એવું નામ મળ્યું. તેના આવા ઉગ્ર તપથી ભલભલા તપસ્વીઓના તપને પણ તેણે પાછું પાડી દીધું.

         પાર્વતીના તપનું કવિએ આપેલું આ વર્ણન ધ્વનિપૂર્ણ અને કાવ્યમય કલ્પનાઓથી શોભી રહેલું છે. પર્વતોનારાજ હિમાલયની રાજકુમારી સુકુમારતા અને સૌંદર્યની બાબતમાં સર્વોત્કૃષ્ટ છે. પણ, તે સુકુમારતાની પરવા કર્યા વિના તપોમૂર્તિ બને છે, એ પ્રસંગે કવિની કલ્પના પણ સક્રિય બને છે. કઠોર તપ કરતા કોઈ મુનિને સ્થાને તપ કરતી રાજકુમારી પાર્વતીને મૂકીને તેની પૂર્વ અને ઉત્તમ દિશામાં વિરોધની રમ્ય રજૂઆાત કવિએ કરી છે, જે રઘુવંશમાં સંન્યસ્ત ધારણ કરેલ રઘુ અને રાજગાદીએ બેઠેલ અજના વિરોધાભાસી વર્ણનથી ઉત્પન્ન થયેલી ચમત્કૃતિની યાદ આપે છે. પહેલાં રાજવી વૈભવથી રહેલા અને હવે વનવાસમાં દુર્દશા પામેલા પાંડવોના ભારવિએ કરેલા વર્ણનની પ્રેરણા પ્રસ્તુત વર્ણને આપી હોય તેવો સંભવ છે. અલંકારો અને રમ્ય કલ્પનાઓથી સમૃદ્ધ આ વર્ણન તપ કરતી પાર્વતીના સુંદર શબ્દચિત્રોથી ભરપૂર છે. આ જાતનું અદ્વિતીય તપ જ અદ્વિતીય એવા શિવની પ્રાપ્તિ કરાવે, એવો ધ્વનિ પણ તેમાં ગૂઢ રીતે રહેલો છે.

 

(૩) બ્રહ્મચારીનું આગમન અને પૃચ્છા.

જવાબ:-પાર્વતીના આવા ઉગ્ર તપથી પ્રભાવિત થઈ તેના પ્રેમની કસોટી કરવા માટે ભગવાન શિવસુંદર બ્રહ્મચારીનો વેશ લઈને ત્યાં આવી પહોંચ્યા આ અતિથિદેવનો પાર્વતીએ બહુમાનપૂર્વક સત્કાર કર્યો. બ્રહ્મચારીએ તેનો સત્કાર ઝીલ્યો અને થાક ખાઈ પાર્વતીની સાથે વાતચીત શરૂ કરી. તે પાર્વતીને હોમ માટે સમિધ અને દર્ભ તથા સ્નાન માટે પાણી સહેલાઈથી મળે છે ને, એ પ્રશ્ન પૂછે છે. તે પછી ધર્મ માટે શરીર પાયાનું સાધન હોઇને પોતાની શક્તિ મુજબ જ તે ધર્માચરણ કરે છે કે નહિ, તે પૂછે છે. ત્યારબાદ પાર્વતીએ પાણી પાયેલી લતાઓ ખીલે છે કે નહિ અને હરણાંઓને શાંતિથી તે દર્ભ ખવડાવે છે કે નહિ, વગેરે પ્રશ્નો પૂછે છે. આવા કુશળ સમાચાર પૂછ્યા બાદ પાર્વતીના ઉત્કૃષ્ટ તપની તે પ્રશંસા કરે છે અને પાર્વતીનું તપ તપસ્વીઓ માટે આદર્શ પૂવો પાડનારું છે એમ જણાવે છે. વળી, ગંગા કરતાં અદકેરું પાવનકારી તેનું તપ હિમાલયને સકુટુંબપાવન કરી રહ્યું છે, એમ કહી તે પાર્વતીની પ્રશંસા કરે છે.

         એ પછી પોતાને મિત્ર ગણાવીને તે પાર્વતીને એક પ્રશ્ન પૂછવા ઇચ્છે છે અને તેનો જવાબ, ખાસ વાંધો ન હોય તો પાર્વતી આપે, એમ જણાવે છે. પાર્વતીના તપનું પ્રયોજનશું છે એ તેનો પ્રશ્ન છે. કારણ કે ઉચ્ચ કુળ, અદ્વિતીય સૌદર્ય, સર્વોત્કૃષ્ટ વૈભવ અને નવીન યૌવન–આ બધું હોવા છતાં પાર્વતી શા માટે તપ કરી રહી છે, તે તેને સમજાતું નથી. વળી, પાર્વતીને કોઈપણ જાતનું અનિષ્ટ નડે અથવા પિતાને ઘેર કે બીજા કોઇ તરફથી તેનું અપમાન થાય એ શક્ય નથી, તો પછી તેને યુવાનીમાં વલ્કલ શા માટે પહેરવાં પડ્યાં ? પાર્વતીને સ્વર્ગ મેળવવા માટે પણ તપ કરવાની જરૂર નથી; કારણ કે પિતા હિમાલયનો પ્રદેશ પોતે જ દિવ્ય લોક છે. કદાચ પાર્વતી સારો પતિ મેળવવા તપ કરતી હોય, પરંતુ આ વાત પણ તેણે બ્રહ્મચારીના મનમાં ઊતરતી નથી; કારણ કે રત્ન જેવી પાર્વતીને પરણવા તો યુવકો સામે ચાલીને આવે, તે માટે પાર્વતીને તપ કરવાનું ન હોય.

         બ્રહ્મચારીની વાત સાંભળીને પાર્વતી નિસાસો નાખે છે. તેથી તેને ખબર પડી જાય છે કે પાર્વતી પતિને મેળવવા માટે તપ કરી રહી છે. આમ છતાં તેની મૂંઝવણ ટળતી નથી; કારણ કે પાર્વતી જેને ઇચ્છે તે માણસ મળવો મુશ્કેલન જ હોય. તપ કરી રહેલી પાર્વતીને જોઈને જો તેના મનમાં જરા પણ લાગણી હશે તો તે તેની ઉપેક્ષા નહિ જ કરી શકે. અંતે, બ્રહ્મચારી પોતાના સંચિત તપનો અડધો ભાગ પાર્વતીને આપવા પણ તૈયાર થઈ જાય છે.

         બ્રહ્મચારીની પૃચ્છા સહજ, સ્વાબાવિક અને ક્રમબદ્ધ રીતે થઇ છે. તપ કરતી પાર્વતીને જે પ્રશ્નો બ્રહ્મચારીએ પૂછ્યા છે તે પ્રસંગને અનુરૂપ છે. ક્રમે ક્રમે આગળ વધીને છેલ્લે તે પાર્વતીના તપના પ્રયોજનની પૃચ્છા કરે છે, જે થોડીવાર પછી તેમની વચ્ચે થનારી ઉગ્રતા માટેની ભૂમિકા પૂરી પાડે છે અને તેની ઉત્ક્રાન્તિને સ્વાભાવિક બનાવે છે. વળી, પાર્વતીના તપની બ્રહ્મચારીએ કરેલી પ્રશંસામાં મનોવૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવેલી જણાય છે. બ્રહ્મચારીએ પૂછેલા પ્રશ્નોમાં પ્રશ્નકર્તાનો વિવેક પ્રકટ થયો છે. આ પ્રશ્નો અત્યંત માર્મિક રીતે રજૂ કરવામાં આવ્યા છે અને તેમના પ્રત્યુત્તરના જુદા જુદા વિકલ્પો તેમજ તેમનું ખંડન શાસ્ત્રીય તથા જ્ઞાની મુનિને છાજે તેવી રીતે કાલિદાસે રજૂ કર્યું છે. વળી, પોતાનું અર્ધુ તપ આપવાની તૈયારીમાં બ્રહ્મચારીન મહાનુભાવતા વ્યક્ત થઈ છે અને તે પાર્વતીને સ્વકીયતાની ખાત્રી કરાવે છે. બ્રહ્મચારીને વેષે શિવનું આગમન એ કવિની મનોહર કલ્પના છે અને તેનું સંભાષણ રમ્ય તેમજ ધ્વનિપુર્ણ ઉક્તિઓથી ભરપૂર છે.

 

(૪) પાર્વતીની સખીનો પ્રત્યુત્તર.

જવાબ:-બ્રહ્મચારીએ પાર્વતીને તેના તપના પ્રયોજન વિશે પૃચ્છા કરી પરંતુ સ્વાભાવિક લજ્જાને કારણે પાર્વતીએ તેનો પ્રત્યુત્તર વાળ્યો નહિ અને પોતાની સખી સામે જોયું. એટલે, સખીને પ્રત્યુત્તર આપવાની ફરજ પડી. પાર્વતીની સખીએ બ્રહ્મચારીને જણાવ્યું કે પાર્વતીએ રૂપથી જીતી ન શકાય તેવા ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે આ કઠોર તપ કરવા માંડ્યું છે. કામદેવને ભસ્મ કરી દેતા શિવને પ્રત્યક્ષ જોઈને તે ક્ષણથી જ આ શિવના પ્રેમમાં પડી છે. પ્રેમમાં પડેલી પાર્વતી શિવને વિશે ગદ્દગદ્દ કંઠે ગાઈને ગંધર્વોની રાજકુમારીઓને રડાવતી હતી. વળી નિદ્રામાં પણ શંકરને સ્વપ્નમાં જોઇ સંબોધતી હતી અને ચિત્રમાં દોરેલા શિવને મેળવવા બીજો કોઈ ઉપાય ન મળતાં છેવટે તપ કરવા માટે અહીં વનમાં આવી છે. તપ કરતાં કરતાં તેણે વાવેલાં વૃક્ષોને ફળ આવી ગયાં પરંતુ હજી તેનો શિવને મેળવવાનો મનોરથ સફળ થયો નથી. શિવ ક્યારેતેને સ્વીકારશે તે શી ખબર એમ કહીને પાર્વતીના અભિપ્રાય મુજબ તેની સખીએ બ્રહ્મચારીને ઉત્તર આપ્યો. આ જાણીને મનમાં આનંદ થવા છતાં બ્રહ્મચારીના વેશમાં રહેલા શંકરને તેને છુપાવીને પાર્વતીની હજી પણ વધારે પરીક્ષા કરવા માટે તેને પૂછ્યું કે સખીએ કહેલી વાત સાચી છે કે ગમ્મત છે. તેના જવાબમાં સખીએ કહ્યાં મુજબ પોતે શિવને તપ વડે પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એમ ટૂંકમાં પાર્વતીએ જણાવ્યું.

         પાર્વતી અને તેની સખીએ બ્રહ્મચારીને આપેલો પ્રત્યુત્તર મજાનો છે. આ પ્રત્યુત્તર સખીના મુખમાં મૂકીને કવિએ ખૂબી કરી છે. કારણકે સખી પાર્વતીની વિરહપીડાનું વર્ણન આપી શકે તથા તટસ્થ રીતે બ્રહ્મચારીને ખચકાયા વગર જવાબ આપી શકે. તેથી પાર્વતીને બદલે કવિએ સખી દ્વારા પ્રત્યુત્તર અપાવ્યો છે, એટલે તેમાં કાવ્યસૌંદર્ય રહેલું છે. વળી, એ દ્વારા પાર્વતીની લજજાશીલતા પણ સૂચવી છે. સખીએ આપેલો આ પ્રત્યુત્તર ત્રીજા સર્ગના બની ગયેલા બનાવનો આછો ખ્યાલ આપે છે. વળી, આ ઉત્તરમાં નાટકીય વક્રોકિત રહેલી છે; કારણ કે બ્રહ્મચારીના પોષાકમાં શિવ પોતે જ પાર્વતીની સખીનું દૂતીકર્મ તેના અજાણતાં સાંભળે છે. પોતાની સખીની વિરહપીડાનું અને શિવ તેને ક્યારે પ્રાપ્ત થશે એવું કથન કરનારી પાર્વતીની સખીને એ ખબર નથી કે તે આ બધું જેને કહેવું જોઈએ તે શિવને જ કહી રહી છે. વળી, કંઈપણ છુપાવ્યા વગર ખાનગી વાત કહેતી સખી અને પોતાના મનોભાવને છુપાવતા શંકર અને બંને વિરોધી પરિસ્થિતિમાં રહેલાં પાત્રો વાચકને મનોરંજક લાગે છે. એવી જ રીતે આ ગમ્મત છે કે શું, એમ હળવાશથી કહેતા વાચાળ શંકર અને તપસ્વિનીનીને ઉચિત એવી ગંભીરતાથી મહાપરાણે જવાબ આપતી મિતભાષિણી પાર્વતી એ બંને પાત્રોનું ચિત્ર મનોવૈજ્ઞાનિક ઢબનું અને અત્યંત સ્વાભાવિક તથા મનોરંજક છે. વિરહપીડા અનુભવતી પાર્વતીનાં શબ્દચિત્રો આકર્ષક અને કલ્પનાપૂર્ણ છે. સખીની ઉક્તિઓ પણ ધ્વનિપૂર્ણ છે.

 

(૫) બ્રહ્મચારીની શિવવિષયક દલીલો.

જવાબ:-પાર્વતીની વધુ ખાતરી કરવા માટે બ્રહ્મચારીના વેશમાં રહેલા શિવે શિવની નિંદા કરીને પોતે પાર્વતીના મતને યોગ્ય ગણતા નથી, તેમ કહ્યું. બ્રહ્મચારીના વેશમાં રહેલા શિવે પોતે શિવને ખોળખે છે અને પાર્વતી જો તેને પરણવા માંગતી હોય તો શિવ અમંગળ વસ્તુ તરફ પ્રેમવાળા છે તેથી તે યોગ્ય નથી. એમ જણાવ્યું. પાર્વતી શિવને પરણે તે વિચિત્ર વાત છે; એ વિસ્તારથી સમજાવતાં બ્રહ્મચારીએ કહ્યું કે સર્વપ્રથમ પાર્વતીનો મીંઢળ વગેરેથી શોભતો મંગળ હાથ, શંકરના અમંગળ સાપથી વીંટળાયેલા હાથ સાથે લગ્ન સમયે કેવી રીતે મેળાપ પામે? વળી, પાર્વતીનું હંસની શોભાવાળું સફેદ રેશમી માંગલિક વસ્ત્ર, લોહીનાં ટીપાં વરસાવતા હાથીના અમંગળ ચામડા સાથે લગ્નની છેડાછેડીમાં કેવી રીતે બંધાશે? મંગળ લગ્નવેદી પાસે ફૂલ પર મૂકાતા, અળતાથી રંગેલા પાર્વતીના પગ, વાળથી છવાયેલી અમંગળ સ્મશાનભૂમિમાં પડે તેવું તો દુશ્મન પણ ન ઇચ્છે. વળી, શંકરે છાતી પર લગાડેલી ચિતાની અમંગળ ભસ્મ, પાર્વતીના મંગળ હરિચંદનથી શોભતા સ્તન પર લાગે તેના જેવું ખોટું બીજું શું હોય? મંગળ ઐરાવત હાથી પર બેસીને જવા લાયક પાર્વતીને શંકરના ઘરડા બળદ પર બેસીને જતી જોતાંસાજનમાજનમાં આવેલા લોકો હાંસી ઉડાવશે. આમ, ચંદ્રની મંગળ કળાની જેમ પાર્વતી પણ શંકરની સાથે સંયોગ પામી દુઃખકારક બનશે. સાથે સાથે વરમાં અપેક્ષિત ગુણોમાંથી એક પણ ગુણ શંકરમાં જોવા મળતો નથી, એવું પ્રતિપાદન કરતાં તે જણાવે છે કે ત્રણ આંખો હોઇને રૂપ, અજ્ઞાત હોઈને કુળ, દિગંબર હોઇને ધન એમ કોઈપણ સારો ગુણ શંકરમાં રહેલો નથી. આથી તેના જેવા અમંગળ પુરુષ સાથે મંગળ પાર્વતી પરણે તે છાજતું નથી. જેમ સ્મશાનમાં રહેલી અમંગળ શૂળીને યજ્ઞના મંગળ યૂપનું માન આપી ન શકાય તેવી રીતે શંકરને પણ પતિ તરીકે પસંદન કરી શકાય, એમ કહીને બ્રહ્મચારી પાર્વતીને શંકર સાથે પરણવાની વાત છોડી દેવાનું કહે છે.

         આ પ્રસંગમાં શિવની કડવી નિંદા કરવામાં આવી છે. આખો ય પ્રસંગ નાટકીય ઢબનો છે. એની સાથે આ પ્રસંગ નાટકીય વક્રોક્તિથી ભરપૂર છે. પરિસ્થિતિની વક્રોક્તિએ છે કે શિવ બ્રહ્મચારીના વેશમાં પોતાની જ નિંદા સ્વમુખે કરે છે. એનો ઉદ્દેશ પાર્વતીની પરીક્ષા કરવાનો હોઈને આ નિંદા ચિરસ્થાયી નથી. આત્માશ્લાઘા એ માનવીમાં મોટે ભાગે જોવા મળતા દોષને બદલે અહીં આત્મનિંદા, જે વિરલ ગુણ છે તે, શંકરના પાત્રમાં આપણને જેવા મળે છે. જ્યારે પાર્વતી અને તેની સખી બ્રહ્મચારીના વેશમાં આ શિવ પોતે જ બોલી રહ્યા છે તેમ જાણતી નથી. આ પરિસ્થિતિ વક્રોક્તિપૂર્ણ અને મનોરંજક છે. વળી, શિવ અમંગળ હોઈ નકામા છે, એ સાબિત કરવા માટે બ્રહ્મચારીએ કરેલી તર્કપૂર્ણ દલીલો છે કાલિદાસની તર્કશક્તિનો પરિચય આપે છે અને તેનાથી બ્રહ્મચારીનું વક્તવ્ય ઓજસ્વી બન્યું છે. શિવ અને પાર્વતીની તદ્દન વિરોધી બાજુ આલેખીને કુશળ વકીલને છાજે તેવી દલીલો વડે બ્રહ્મચારીનું વક્તવ્ય ઓજસ્વી બન્યું છે.

 

(૬) બ્રહ્મચારીને પાર્વતીએ આપેલો પ્રત્યુત્તર.

જવાબ:-પોતાને ઇષ્ટ એવા શિવની નિંદા સાંભળીને પાર્વતી બ્રહ્મચારી પર ગુસ્સે થઈ. તેણે બ્રહ્મચારીની શિવષિષયક નિંદાનો જવાબ વાળ્યો. પાર્વતીએ પોતાના વક્તવ્યના પ્રારંભમાં જ કહ્યું કે બ્રહ્મચારીને શંકરના સાચા સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી તે શંકરની નિંદા કરી રહ્યો છે. કારણ કે મૂર્ખ માણસો મહાન માણસોના અસામાન્ય અને ખ્યાલ ન આવે તેવા પ્રયોજનવાળાં કાર્યોની નિંદા કરે છે. મુશ્કેલી નિવારવા અથવા સમૃદ્ધિ મેળવવા ઇચ્છતા માણસોને મંગળ વસ્તુઓની જરૂર હોય છે. જ્યારે શિવ ઇચ્છા વગરના છે અને મુશ્કેલીમાં જગતને માટે શરણ રૂપ છે. તેથી તેમને આવી મંગળ વસ્તુઓની જરૂર નથી.

         ત્યારબાદ બ્રહ્મચારીની દલીલોનું ખંડન કરતાં તે કહે છે કે વરમાં હોવા જોઈતા બધા ગુણો શિવમાં રહેલા છે. તેમની પાસે સંપત્તિ નથી પરંતુ બધી સંપત્તિઓ શિવમાંથી જન્મે છે. તે સ્મશાનમાં રહેવા છતાં ત્રણે લોકના રાજા છે. તેમનું રૂપ ભયંકર હોવા છતાં તેમને શિવ (કલ્યાણકારી) કહેવામાં આવે છે. તેથી તેમના સાચા સ્વરૂપની કોઈને ખબર નથી. વળી, શિવનું શરીર વિશ્વવ્યાપી છે તેથી તે ભૂષણોથી શોભતું હોય કે સાપથી, રેશમી વસ્ત્ર ધારણ કરતું હોય કે હાથીનું ચર્મ, ખોપરી ધારણ કરતું હોય કે ચંદ્ર, એ કંઈ કહી શકાય તેમ નથી. ચિતાની અમંગળ ભસ્મ શિવના સ્પર્શે પાવનકારી બનતાં દેવો તેને પોતાના માથા પર લગાડે છે. ઘરડા બળદ પર બેસીને ધન વગરના શિવ પસાર થઈ રહ્યા હોય ત્યારેપોતાના ઐરાવત હાથી પરથી નીચે ઊતરીને દેવોનો રાજા ઇન્દ્ર પણ તેમના પગમાં માથું નમાવે છે. વળી, સ્વયંભૂ બ્રહ્મા જેમને પોતાનું મૂળ માને છે તે શંકરનું કુળ ક્યાંથી જાણી શકાય?

         આટલી દલીલો કરીને તે કહે છે કે હવે વાદવિવાદ બંધ કરો. શિવ ગમે તેવા હોય તો પણ તેનું મન શિવ પ્રત્યે પ્રેમવાળું છે અને પ્રેમ નિંદાને ગણકારતો નથી. આમ કહીને તે બ્રહ્મચારીને દૂર કરવા માટે સખીને જણાવે છે; કારણ કે મહાન પુરુષોની નિંદા કરનાર જ નહિ, સાંભળનાર પણ પાપનો ભાગીદાર બને છે. આ પછી એકદમ આવેશમાં આવી ગયેલી પાર્વતી જાતે જ ત્યાંથી ચાલવા માંડે છે. ત્યાં જ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને શિવ તેને રોકે છે. એકાએક શંકરને પ્રગટ થયેલા જોઇને પાર્વતી એકદમ સ્તબ્ધ થઈ જાય છે. અંતે, ‘હવેથી હું તારા તપથી ખરીદાયેલો દાસ છું' એવા શિવના ઉદ્દગારોને સાંભળીને પાર્વતી ધન્યતા અનુભવે છે.

         બ્રહ્મચારીને પાર્વતીએ વાળેલો જવાબ તર્કબદ્ધદલીલોથી ભરપૂર છે. બ્રહ્મચારીએ કરેલી શિવની નિંદાના એક એક મુદ્દાને ઉઠાવીને પાર્વતીએ કરેલું તેનું ખંડન બચાવ પક્ષના ધારાશાસ્ત્રીની જેમ શિવનો સરસ રીતે બચાવ કરે છે. પોતાને ડહાપણનો ખજાનો માનનાર બ્રહ્મચારીને પાર્વતી મંદબુદ્ધિનો સિદ્ધ કરી આપે છે. તેમાં પાર્વતીનું વાક્ચાતુર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. બળદ પર જતા શિવને ઐરાવત પરથી ઊતરીને નમસ્કાર કરતાં ઇન્દ્રનું શબ્દચિત્ર સુંદર અને આકર્ષક છે. શિવના ભવ્ય અને અસામાન્ય સ્વરૂપનો ખ્યાલ આપીને પાર્વતીએ શિવના ગુણોની ચિરસ્થાયી સ્થાપના કરી છે. શિવને ઉતારી પાડવાની કોશિશ કરનાર બ્રહ્મચારી અને ભાવિ પત્નીને મુખે પોતાનાં વખાણ સાંભળીને મનમાં ધન્યતા અનુભવનાર શિવ એક જ વ્યક્તિ છે, એ પરિસ્થિતિ રમૂજ ઉત્પન્ન કરે છે. શિવને બ્રહ્મચારી માનીને, તેમની સમક્ષ ભાવિ પતિ શિવની પ્રશંસા કરીને, પાર્વતી બ્રહ્મચારી તરફ જે ગુસ્સો બતાવે છે તેમાં સુંદર નાટકીય વક્રોક્તિ રહેલી છે. પાર્વતીની આ દલીલો અને ગુસ્સો આ પ્રસંગને ઓજસ્વી બનાવે છે.

         પોતાની દલીલો પૂરી કરીને પાર્વતી ઊભી થઈને ત્યાંથી ચાલ્યા જવા માટે ડગલું ભરે છે ત્યાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થતા શિવ પાર્વતીના ગુસ્સાને ઓગાળીને પાર્વતીને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. એટલું જ નહિ, તેમની આ નાટકીય ઢબે પ્રગટ થવાની ક્રિયા પ્રેક્ષકોને પણ આશ્ચર્યમાં ડૂબાડીને આનંદ આપે છે. ગુસ્સે થઈને ચાલવા જતી પાર્વતી બ્રહ્મચારીને બદલે શિવને જોતાં, ચાલ્યા જવું કે ઊભા રહેવું, એનો નિર્ણય ન કરી શકતાં ક્ષણવાર માટે વિચિત્ર સ્થિતિમાં મૂકાઈ જાય છે, એનું કવિએ આપેલું શબ્દચિત્ર અવિસ્મરણીય છે. તે સૂક્ષ્મ મનોભાવોને સંક્ષેપમાં રજૂ કરતા આદર્શ વર્ણનનો નમૂનો છે. કાલિદાસે પાર્વતીની ન યયૌ ન તસ્થૌ ની જે સ્થિતિનું ચિત્ર અહીં રજૂ કર્યું છે તે કાવ્યના અભ્યાસકોને યુગો સુધી અવિસ્મરણીય રહેશે. પાર્વતી પોતાના તપ વડે શિવને પતિ તરીકે મેળવીને પોતાના અત્યંત ઉચ્ચ મનોરથ સિદ્ધ કરે છે, એ ઘટના દ્વારા કવિ આપણને બે મોટા વિશ્વસત્યોની ભેટ ધરે છે : (૧) તપ વિના સિદ્ધિ નથી. એટલે કઠોર સાધના જ શિવ-કલ્યાણની પ્રાપ્તિ કરાવે છે. (૨) તપ અને સંયમ પર આધારિત દાંપત્યજીવન વિશ્વકલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. આમ, પ્રસ્તુત સર્ગમાંથી આપણને તપ અને સંયમનો સંદેશ પ્રાપ્ત થાય છે અને એ જ સમગ્ર કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર છે.

 

પ્રશ્ન:-૮ કુમારસંભવનાં પાંચમા સર્ગનું રસદર્શન કરો.

જવાબ:-

કાલિદાસની ક્લાસિદ્ધિ : કુમારસંભવનો 'તપઃફ્લોદય' નામનો પાંચમો સર્ગ મહાકવિ કાલિદાસની અનન્ય કાવ્યપ્રતિભા અને કલાસિદ્ધિનો દ્યોતક છે. એમાંની અનેક કાવ્યચમત્કૃતિઓ અને ભવ્ય તેમજ ઉદાત્ત જીવનદર્શનને કારણે આ સર્ગ કુમારસંભવનો એક અતિ મહત્વનો અને આસ્વાદ્ય સર્ગ બની રહ્યો છે. સૌદર્ય અને કામને બળે શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયેલી પાર્વતીનું અપ્રતિમ તપ, શિવે લીધેલી એની પરીક્ષા અને એમાં પાર્વતીની જ્વલંત સફળતા આ સર્ગનું મુખ્ય કથાનક છે. જો કે કાર્યની દ્રષ્ટિએ વિચારીએ તો આ કથાનકમાં વેગ નથી અને છતાં કાલિદાસે આ બધી બાબતોનું એટલું બધું તો મનોરમ અને આકર્ષક નિરૂપણ કર્યું છે કે તે આ મહાકાવ્યનો એક ઉત્કૃષ્ટ કાવ્યાંશ બનવા પામ્યો છે. મહાકવિ કાલિદાસની નવા નવા ઉન્મેષ સાધનારી ભવ્ય કલ્પનાશક્તિ, માનવભાવોના ઊંડાણોને અભિવ્યક્ત કરનારી વાગ્મિતા અને ભવ્ય જીવનદર્શનના નિરૂપણને કારણે આ આખો સર્ગ વાચકોને માટે આદ્યન્ત આસ્વાદ્ય બનવા પામ્યો છે.

 

કથાનકની હ્રદયંગમતા : સર્ગના પ્રારંભમાં જ કવિએ ત્રીજા સર્ગના કથાનક સાથે આ સર્ગના કથાનકનું અનુસંધાન કરી, સૌંદર્યથી શિવને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયેલી પાર્વતીનો તપ દ્વારા શિવને મેળવવાનો અફર નિર્ણય જાહેર કરાવ્યો છે. જે સૌદર્ય પોતાના પ્રિય પાત્રને રીઝવી શકે નહિ તે સૌંદર્યનો શો અર્થ? તપશ્ચર્યા માટેના પાર્વતીના અફર નિર્ણયથી ચોંકી ઊઠેલી માતા મેનાનો પાર્વતીને સમજાવવાનો વાત્સલ્યભર્યો પ્રયાસ અને પાર્વતીની અડગતા અત્યંત આકર્ષક છે. પતિ માટે તપ કરવા ઇચ્છતી પાર્વતી સખી દ્વારા પિતાની અનુમતિ મેળવી ગૌરીશિખર પર તપ કરવા જાય છે. ક્રમે ક્રમે વધુને વધુ ઉગ્ર બનતા જતા તપનું વર્ણન કરવામાં કાલિદાસની અનન્ય કાવ્યસૂઝ દ્રષ્ટિગોચર થાય છે. પાર્વતીના તપનું કવિએ માત્ર શુષ્ક વર્ણન કર્યું નથી. જુદી જુદી ઋતુઓના સંતાપ સાથે શિરીષપુષ્પ જેવી સુકોમળ પાર્વતી જે અડગતા અને ધૈર્યથી તપ કરે છે એનું વર્ણન અત્યંત હૃદયંગમ છે. પાર્વતીની તિતિક્ષા ઋતુચક્રના સંયોગનું અવનવી કાવ્યચમત્કૃતિઓ અને કવિકલ્પનાઓ દ્વારા કરવામાં આવેલું નિરૂપણ પાર્વતીના પાત્રને તેજસ્વી બનાવે છે; તો સાથે સાથે પ્રકૃતિની ભવ્યતાનો પણ ખ્યાલ કરાવે છે.પાર્વતીનું તપ પરાકાષ્ટાએ પહોંચતાં શિવ બ્રહ્મચારીના વેશમાં એમની પાસે આવે છે. ‘મૂર્તિમંત બ્રહ્મચર્યાશ્રમ જ જાણે કે પાર્વતી પાસે ન આવ્યો હોય !’ એવી કલ્પના કરીને કવિએ શિવના વ્યક્તિત્વને અત્યંત લાઘવમાં છતાં ગૌરવભરી રીતે પ્રગટ કર્યું છે. શિવે પાર્વતીના તપ અને એની ક્ષેમકુશળતા અંગે કરેલા પ્રશ્નો કાવ્યચમત્કૃતિઓથી યુક્ત છે. સામાન્ય પ્રશ્નો દ્વારા પાર્વતીના હૃદયમાં વિશ્વાસ જન્માવી શિવ અત્યંત સ્વાભાવિક રીતે અંગત પ્રશ્ન પૂછવાની સૌજન્યમય ભૂમિકા સર્જે છે, કલ્પનાઓ કરવા છતાં શિવ પાર્વતીની તપશ્ચર્યાનું કોઈ કારણ જાણી શકતા નથી. શિવ બધું જાણતા હોવા છતાં અજાણ હોવાનો જે રીતે દેખાવ કરે છે તે વાચકોના ચિત્તમાં આહલાદ જન્માવે છે. શિવે પાર્વતીના તપના કારણ અંગે કરેલા તર્કવિતર્કો એક રીતે તો પાર્વતીનું ગૌરવ વધારનારા છે, પણ સાથે સાથે એમાં વ્યક્ત થતું વાણીનું ચાતુર્ય કાવ્યમય છે. શિવના પ્રશ્નોના જવાબમાં પાર્વતીની સખીએ વાળેલો પ્રત્યુત્તર પાર્વતીની વિરહસંતપ્ત અવસ્થાનું સુરેખ ચિત્ર રજૂ કરે છે. શિવની ઝંખનામાં પાર્વતીએ અનુભવેલી વિરહવ્યાથાનું વર્ણન કામની વિવિધ અવસ્થાઓથી યુક્ત છે;જે વિપ્રલંભ શૃંગારનું એક ઉત્તર ઉદાહરણ છે. પાર્વતી શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઇચ્છે છે. એ જાણી બ્રહ્મચારી પાર્વતીના મનોભાવની નિષ્ઠા ચકાસવા શિવની નિંદા આરંભે છે. શિવનાંઅમાંગલિક ચિહ્નો, નિર્ધનતા અને રૂક્ષતાની વિવિધ રીતે યાદ આપાવી બ્રહ્મચારીના વેશમાં રહેલા શિવ પોતે પાર્વતીના નિર્ણયનો ઉપહાસ કરે છે; જેને પરિણામે એક આકર્ષક વિરોધાભાસ જન્મે છે. બ્રહ્મચારીને મુખે શિવની નિંદા સાંભળી પ્રગટ થયેલો પાર્વતીનો પુણ્ય પ્રકોપ પાર્વતીનો શિવ તરફનો અહોભાવભર્યો આદર અને ઊંડો પ્રેમ વ્યક્ત કરે છે અને એની વાચકના ચિત્ત ઉપર પ્રભાવક અસર જન્મે છે. અંતે, પાર્વતીના પ્રેમથી પ્રસન્ન થયેલા શિવ પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરતા દ્વિધામાં પડી ગયેલી પાર્વતીનું ન યયૌ ન તસ્થૌ દ્વારા ઊભું થયેલું સુરેખ ચિત્ર પણ અત્યંત આહ્લાદક છે. શિવની પ્રસન્નતાથી પોતાનો શ્રમ સફળ થતાં પુનર્જીવનનો અનુભવ કરતી પાર્વતીના જીવનસાફલ્યથી સર્ગનો સુખદ અંત આવે છે.

 

સુરેખ પાત્રાલેખન અને માનવભાવોની આર્ષક અભિવ્યક્તિ : પાંચમા સર્ગનું બીજું આકર્ષક તત્વ છે એમાં નિરૂપિત પાત્રોનું સુરેખ આલેખન. મહાકવિ કાલિદાસે આ સર્ગના મુખ્ય પાત્ર પાર્વતીના અંતરંગ અને બહિરંગ વ્યક્તિત્વને ઉપસાવવાનો અત્યંત પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. પાર્વતી સૌંદર્યમાં અનન્ય છે. તે સ્ત્રીઓમાં રત્ન છે અને આથી જ શિવના મુખે પાર્વતીને માટે કહેવાયું છે : ન રત્નમન્વિષ્યતિ ઋગ્યતે હિ તત્ I આ એક જ વાક્યમાં પાર્વતીના અજોડ દેહલાલિત્યને કવિએ ભારે કુશળતાથી વ્યક્ત કર્યું છે, પાર્વતી શિરીષ પુષ્પસમી સુકોમળ છે, પણ એ જેટલી સુકોમળ છે એટલું જ એનું આંતરિક વ્યક્તિત્વ પણ ઉદાત્ત છે. એનો નિર્ણય અડગ છે. પાર્વતીના તપના વર્ણનમાં પાર્વતીની તિતિક્ષા, સહનશીલતા, ધૈર્ય અને ગાંભીર્યનો ગુણ પ્રગટ થાય છે. ઋષિમુનિઓને માટે પણ તે વંદનીય બનવા પામે છે. શિવ માટેનો પાર્વતીનો અનન્ય પ્રેમ તો કાલિદાસે મન ભરીને ગાયો છે. પાર્વતીના તેજસ્વી વ્યક્તિત્વ અને શીલને કારણે પાર્વતીને માટે કોઈમનથી પણ હીણો ભાવ અનુભવી શકે તેમ નથી. બ્રહ્મચારીના વેશમાં રહેલા શિવ આથી જ કહે છે : પ્રસારયેત્પન્નગરત્નસૂચયે I પાર્વતી એ બ્રહચારીનેઆપેલ ઉપલંભમાં એનો શિવ માટેનો અતિશય આદર પ્રગટ થાય છે. અંતે, શિવને જોઈને પરસેવે રેબઝેબ થઈ જતી પાર્વતીની લજ્જા અને મુગ્ધતા એના હ્રદયની ઋજુતા પણ પ્રગટ કરે છે. આ સર્ગના બીજા અગત્યના પાત્ર શિવનું વ્યક્તિવ પણ અત્યંત પ્રભાવક છે. પાર્વતીના આશ્રમમાં પ્રવેશતા બ્રહ્મચારી શિવ મૂર્તિમંત બ્રહ્મચર્યાશ્રમ જેવા લાગે છે. શિવે પોતાને માટે ઉચ્ચારેલાં વચનોમાં એમની નિખાલસતા અને ઘીરતા પણ પ્રગટ થાય છે. પાર્વતીની સખીના વ્યક્તિત્વમાં પણ પરિપક્વતા છે. આ બધી જ પાત્રોના મનોભાવોના ઊંડાણને કવિએ ભારે કુાળતાથી વાંચા આપી છે.

 

આકર્ષક વર્ણનકૌશલ્ય અને કથોપકથન : આ સર્ગમાં નિરૂપાયેલા પાર્વતીના તપશ્ચર્યાના વર્ણનમાં મહાકવિ કાલિદાસનું વર્ણનકૌશલ્ય પ્રગટ થાય છે અને તે સર્ગની રસનિષ્પત્તિમાંઉપકારક છે. પ્રકૃતિનું સૂક્ષ્મ અને કલ્પનાભર્યું નિરીક્ષણ અને એની કાવ્યમય અભિવ્યક્તિ અત્યંત આહ્લાદક છે. બ્રહ્મચારી અને પાર્વતીના સંવાદમાં કથોપકથનની કમનીયતા પ્રગટ થાય છે. મહાકવિ કાલિદાસ એક આદર્શ નાટકકાર પણ છે અને સચોટ સંવાદનિરૂપણની એમની કલા અહી પણ દ્રષ્ટિગોચર થાય છે, જે કાવ્યને નવું પરિમાણ બક્ષે છે.

 

અલંકારનિરૂપણ અને અર્થઘનતા : આસર્ગમાં સ્થળે સ્થળે પ્રાપ્ત થતા અર્થચમત્કૃતિ જન્માવનારા અલંકારો અને ઊંડા વિચારો પણ આ સર્ગને રસસભર બનાવવામાં ઉપકારક બન્યા છે. કાલિદાસની સુંદર ઉપમાઓ ઉપરાંત રૂપક, ઉત્પ્રેક્ષા, દષ્ટાંત વગેરે અલંકારોનો યથોચિત ઉપયોગ કાવ્યમય છે. આમાં પણ કેટલીક અર્થગંભીર ઉક્તિઓ તો આ સર્ગનું અનેરું આકર્ષણ છે. જેમકે, ન ધર્મવૃદ્વેષુ વય: સમીક્ષ્યતે, શરીરમાદ્યંખલુ ધર્મસાધનમ્, રત્નમન્વિષ્યતિ મૃગયતે હિ તત્ , ન કામવૃત્તિર્વચનીયમીક્ષતેવગેરે.આ બધી ઉક્તિઓમાં કાલિદાસનું વાણીચાતુર્ય પ્રગટ થવા ઉપરાંત એનું વિશાળ જીવનદર્શન પણ પ્રગટ થાય છે.

 

જીવનદર્શન : અનેક કાવ્યમય ચમત્કૃતિઓ ઉપરાંત પાંચમા સર્ગમાં મહાકવિ કાલિદાસે એક ઉદાત્ત જીવનદર્શનનો આદર્શ પણ પ્રગટ કર્યો છે, જેને કારણે કુમારસંભવનો આ પાંચમો સર્ગ અત્યંત જાણીતો બન્યો છે. જે પ્રેમ સૌદર્ય અને કામ ઉપર આધારિત હોય છે તે કલ્યાણકારી હોતો નથી. સાચો પ્રેમ આ બધાથી પર છે અને તે ભારે તિતિક્ષા અને નિષ્ઠાથી પ્રાપ્ત કરી શકાય છે, તે કવિએ પાર્વતી અને શિવના દષ્ટાંતથી બતાવ્યું છે. પાર્વતી શિવને સૌદર્યથી જીતી શકી નહિ અને માટે જ તેણે તપનો આશ્રય લીધો. વળી, પાર્વતીનો પ્રેમ કોઈ બાહ્ય ઉપકરણ ઉપર આધારિત નહોતો અને માટે જ શિવે બ્રહ્મચારીના વેશમાં શિવની નિર્ધનતા વગેરેનો ઉલ્લેખ કર્યો તો પણ પાર્વતીનો શિવ માટેનો પ્રેમ વિચલિત થયો નહિ. આમ, શિવ અને પાર્વતી એક ઉત્તમ પ્રેમનું ઉદાહરણ બન્યાં છે.

 

ઉપસંહાર : કથાનકની હૃદયંગમ રજૂઆત, તપ કરતી પાર્વતીનું સુરેખ ચરિત્રચિત્રણ, રમણીય પ્રસંગકલ્પના; પાર્વતી, તેની સખી અને બ્રહ્મચારીનું સુરેખ પાત્રાલેખન, ધ્વનિપૂર્ણ ઉક્તિઓવાળા ઓજસ્વી સંવાદ, આકર્ષક કથોપકથન, અલંકારોનો ઉચિત સંવિનેશ, ભાવપૂર્ણ આલેખન અને એમાં વ્યક્ત થયેલું ઉદાત્ત જીવન દર્શન, આ બધી દ્રષ્ટિએ કુમારસંભવનો પાંચમો સર્ગ કુમારસંભવનો એક ઉત્તમ સર્ગ બનવા પામ્યો છે.

 

પ્રશ્ન:-૯ નીચેના પાત્રાલેખન લખો.

(૧) પાર્વતી.

જવાબ:-નગાધિરાજ હિમાલય અને મેનાની તે પુત્રી છે. પર્વતની પુત્રી હોઈ તેનું નામ પાર્વતી પડ્યું છે અને માતાએ તપ કરવા માટે ‘ઉ-અરે, મા-નહિ' એમના પાડી તેથી તેનું નામ ઉમા પણ પડ્યું છે (૧.૨૬), અપૂર્વ સૌંદર્ય એ પાર્વતીને વિધાતાએ બક્ષેલો ઉત્તમ ગુણ છે, કે જે તેને વિશ્વની સર્વોત્કૃષ્ટ યુવતી તરીકે જાહેર કરે છે. બાહ્ય સૌંદર્યની સાથે તેનામાં આંતરિક સૌંદર્ય પણ રહેલું છે. શિવને રૂપથી જીતી ન શકાતાં તે હિમત ગુમાવતી નથી અને શિવને તપથી જીતવા માટે તૈયાર થાય છે; કારણ કે કાલિદાસના શબ્દોમાં, તે મનસ્વિની છે. પોતાના રૂપને માટે તેને અભિમાન નથી; કારણ કે શિવને જીતવામાં નિષ્ફળ ગયેલા પોતાના રૂપની તે નિંદા કરે છે. આ રૂપને સફળ બનાવવા માટે તે તપ અને સમાધિનો આશ્રય લે છે. પોતાના ઉચ્ચ ધ્યેયની સિધ્ધિ માટે તે ઉચ્ચ બલિદાન પણ આપે છે. એટલે, તેનામાં વિવેકબુદ્ધિ અને ત્યાગની ઉચ્ચ ભાવના પણ છે.

         શિવ પ્રત્યે પાર્વતીનો અનન્ય પ્રેમ છે. એટલા માટે જ તેમને પ્રાપ્ત કરવા, તે પોતાના સુકુમાર શરીરની પરવા કર્યાં વિના અને માતાએ વારવા છતાં કઠોર તપનો માર્ગ સ્વીકારે છે. શિવની નિંદા કરનારા બ્રહ્મચારી પ્રત્યે તે ગુસ્સો કરે છે.

         પાર્વતી આજ્ઞાંકિત પણ છે. તપ કરવા માટે તે પિતાની રજા માંગે છે અને રજા મળ્યા પછી જ તે ગૌરીશિખર પર પ્રયાણ કરે છે.

         તેનું સૌદર્ય કોઈપણ પ્રસાધનની અપેક્ષા રાખતું નથી. કેશકલાપથી શોભતું તેનું મુખ જટાથી પણ શોભે જ છે. પ્રકૃતિ તરફ તેને ભારે પ્રેમ છે. તપોવનનાં વૃક્ષોને તે પુત્રની જેમ પાણી પાઈને ઉછેરે છે. ગભરુ પશુખો પણ તેના પર વિશ્વાસ મૂકે તેવી મમતા તે બતાવે છે. પશુઓ તરફ તેનામાં દયા છે. હિંસક પશુઓએ પાર્વતીને લીધે પરસ્પરનો જન્મજાત વિરોધ પણ મૂકી દીધો છે અને પાર્વતીની અહિંસાની પ્રતિષ્ઠા સ્વીકારી છે. વૃક્ષો પણ તેને ઇષ્ટ વસ્તુઓ પૂરી પાડે છે. આમ, વૃક્ષો, પશુઓ, પક્ષીઓ એ બધાં તરફ તેનામાં પ્રેમ રહેલો છે.

         તે ઉત્કૃષ્ટ તપસ્વિની છે. આથી જ સૂર્યની સામે પણ તે નજર મિલાવી શકે છે અને ફક્ત પાણી પીને તે રહી શકે છે. તપસ્વીનું કઠોર જીવન સ્વીકારે છે અને અંતે પાંદડાના ભોજનને પણ મૂકી દઈને ‘અપર્ણા’ એવું યોગ્ય અભિધાન પ્રાપ્ત કરે છે.

         પાર્વતીમાં અતિથિસત્કારની ભાવના છે. તે વિવેકમાંથી કદી ચૂકતી નથી. બ્રહ્મચારી તપોવનમાં આવતાં તે રૂડી રીતે તેનું સ્વાગત કરે છે. તેની વાત તે ધ્યાનથી સાંભળે છે. વિવેકની સાથે લજ્જાશીલતા પણ તેનામાં રહેલી છે. પોતાના શિવ પ્રત્યેના પ્રેમની વાત કહેતાં તે શરમાઈ જાય છે અને પોતાને બદલે સખીને જવાબ આપવા તે ઇશારો કરે છે. આમ, તે લજ્જાશીલ અને ચતુર પણ છે.

         પાર્વતીમાં મિતભાષિતાનો ગુણ પણ રહેલો છે. શિવની નિંદાનો વળતો જવાબ બ્રહ્મચારીને તે થોડાક શબ્દોમાં જ આપે છે. વાદવિવાદનો તેને કંટાળો હોવા છતાં તે તર્કબદ્ધ દલીલો વડે પોતાનું કથન અસરકારક રીતે રજૂ પણ કરી રાકે છે.

         પાર્વતીમાં ઉત્તમકોટિનું જ્ઞાન અને ઊંડું ડહાપણ છે. તે બ્રહ્મચારીએ બતાવેલા શિવનાદોષોને પોતાના જ્ઞાનથી ગુણોમાં ફેરવીને રજૂ કરે છે. તેનો શિવ પ્રત્યેનો અનન્ય પ્રેમશિવના દોષોને જોયા તૈયાર નથી.

         તેની સજ્જનતા પણ અનુકરણીય છે. મહાન પુરુષોની નિંદા કરવાનું તો બાજુએ રહ્યું, બીજાના મુખે એવી નિંદા સાંભળવા પણ તે તૈયાર નથી. ખોટી વાતને તે સહન કરી શકતી નથી અને તે યોગ્ય અવસરે ગુસ્સો પણ બતાવે છે. શિવની નિંદા કરવા બદલ બ્રહ્મચારી પર તેનો પુણ્યપ્રકોપ ઉતરે છે અને પોતે ત્યાંથી ચાલી જવા તૈયાર થાય છે.

         તે પોતાની ઇષ્ટ વસ્તુને મુશ્કેલી વેઠીને પણ પ્રાપ્ત કરે છે અને તે પ્રાપ્ત થયા પછી જ સંતોષ અનુભવે છે.

         આ રીતે પાર્વતીના ચરિત્ર દ્વારા કવિવર કાલિદાસે આદર્શ ભારતીય કુમારિકાને રજૂ કરી છે, જે સર્વોત્કૃષ્ટ દેહસૌદર્યની સાથે તપ કરીને પ્રખર પુરુષાર્થ દ્વારા પોતાના ઇપ્સિત પતિને પ્રાપ્ત કરે છે. કમળ જેવી મૃદુ પ્રકૃતિની હોવા છતાં સત્ત્વશીલતાની દૃષ્ટિએ મહાનમુનિઓને પણ માર્ગદર્શન આપનારી ધર્મવૃદ્ધ યુવતી પાર્વતી પોતાના આંતરસૌંદર્યથી યોગીના યોગી શિવને તપ:ક્રીત દાસ બનાવે છે. આથી તે ભારતીય પતિવાંચ્છુ કુમારિકાઓ માટે પૂજનીય પ્રેરણામૂર્તિ બની રહી છે. ભારતીય સન્નારીનો આ આદર્શ એકમાત્ર પાર્વતીએ જ પૂરો પાડયો હોઈને પાર્વતી ભારતીય સન્નારીઓના ચૂડામણિ સમી છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.

 

(૨) બ્રહ્મચારી (શિવ).

જવાબ:-કુમારસંભવના પાંચમા સર્ગમાં શિવ બ્રહ્મચારીનો વેશ લઈ પાર્વતીની પરીક્ષા કરવા માટે આવે છે. આ બ્રહ્મચારીએ જટા, ખાખરાનો દંડ અને મૃગચર્મ ધારણ કર્યા હોય છે. તેનું બ્રહ્મતેજ અવર્ણનીય છે. તે બ્રહ્મતેજથી સળગી રહ્યો હોય તેવો જણાય છે. તે બ્રહ્મચર્યાશ્રમની સાક્ષાત મૂર્તિ જેવો છે. બ્રહ્મચારી પાર્વતીનું આતિથ્ય સ્વીકારે છે અને વિસામો ખાય છે, પછી તે પાર્વતીની સાથે સ્વાભાવિક રીતે વાતચીત કરે છે. એટલે, તે વિવેક અને યોગ્ય આધારવાળો છે. છેક સુધી તે સફળતાપૂર્વક પોતાનો વેશ ભજવે છે અને પોતાના અસલ સ્વરૂપનો જરા જેટલો ખ્યાલ પણ આવવા દેતા નથી. આથી તે ખૂબ ચતુર છે, એમ કહી શકાય.

         પાર્વતીના તપ વિષે તે પૃચ્છા કરે છે. પાર્વતી પોતાની શક્તિની ઉપરવટ જઈને, ગજા ઉપરાંત તપ તો કરતી નથી ને, એમ તે પૂછે છે. એમાં તે પોતાના તપસ્વીવેશને છાજે તેવી વાત કરે છે અને પાર્વતી પ્રત્યે પોતાનું વડીલપણું બતાવે છે.

         પાર્વતીએ તપસ્વીઓને પણ શરમાવે તેવું તપ કર્યું છે. એમ કહેવામાં તેની સાચી કદરદાની દષ્ટિગોચર થાય છે. વળી, પાર્વતીએ ધર્મને મહત્ત્વ આપ્યું છે, એમ કહીને તે પોતાની ધાર્મિક મનોવૃત્તિ, ધર્મપ્રિયતા પ્રકટ કરે છે. પોતાને સ્વજન જેવી ગણવાની ભલામણ કરનાર બ્રહ્મચારીમાં વાતચીત કરવાની કુશળતા છે, એમ જણાઈ આવે છે. સામાને ખુશ કરી દેવાની શક્તિ તેનામાં રહેલી છે. પાર્વતીને તે ધીરે ધીરે પ્રશ્ન પૂછે છે, તેમાં તેનો વિવેક દેખાય છે.

         પાર્વતીએ કરવા માંડેલ તપના પ્રયોજન વિશે તે પોતે જ જુદા જુદા વિકલ્પો ગણાવે છે અને દરેક વિકલ્પ ખોટો છે, એમ બતાવે છે. તે ઉપરથી તેનામાં બુધ્ધિમત્તા, તર્કશક્તિ તથા વ્યવહારુ ડહાપણ રહેલાં છે એમ કહી શકાય. પાર્વતી નિસાસો નાખે છે કે તરત જ તે પાર્વતીના મનનો તાગ મેળવી લે છે. આ પ્રસંગ તેની ઈંગિતજ્ઞતા સાબિત કરે છે.

         તપથી કૃશ થયેલી પાર્વતી તરફ તે સહાનુભૂતિ બતાવે છે, જેથી તે મમતાળુ સ્વભાવનો છે એમ કહી શકાય. તે પોતાના તપનો અર્ધો ભાગ આપવા તૈયાર થાય છે તેમાં તેની ઉદારતા પ્રગટ થઇ છે. પાર્વતીની સખીનો પ્રત્યુત્તર ધૈર્યપૂર્વક છેક સુધી સાંભળે છે એટલો તેનામાં વિવેક રહેલો છે.

         સખીનો પ્રત્યુત્તર સાંભળીને તે પાર્વતીની ગમ્મત પણ ઉડાવે છે, એમાં આપણને તેનો આનંદી સ્વભાવ જોવા મળે છે. જ્યારે તે પાર્વતીની શિવને પરણવાની વાતનું તર્કપૂર્ણ દલીલો વડે ખંડન કરે છે ત્યારે તે બુદ્ધિશાળી અને દલીલબાજ છે એવી પ્રતીતિ થાય છે. પાર્વતીને ખીજવીને પોતે શાંતિથી તેનો જવાબ સાંભળે છે અને યોગ્ય સમયે તે અસલ સ્વરૂપમાં જાહેર થાય છે, જે તેની સમય પારખવાની શક્તિ બતાવે છે. ટૂંકમાં, બ્રહ્મચારીને રૂપે આવતા શંકર પોતાનો વેશ આબાદ ભજવી જાય છે. તપ કરતી પાર્વતીના વર્ણનના ગંભીર વાતાવરણને બ્રહ્મચારીનું પાત્ર એકદમ હળવું બનાવી જાય છે.

 

પ્રશ્ન:-૧૦ નીચેના શ્લોકનું ભાષાંતર કરી સમજૂતિ આપો.

(૨) ઈયેષ સા કર્તુમવંધ્યરૂપતાં સમાધિમાસ્થાય તપોભિરાત્મન: I

અવાપ્યતે વા કથમન્યથા દ્વયં તથાવિધં પ્રેમ પતિશ્ચતાદૃશ: II

અન્વય : સા સમાધિમ્ આસ્થાય તપોભિ: આત્મન: અવંધરૂપતાં કર્તુમ્ ઈયેષ I અન્યથા કથં વા દ્વયમ્ અવાપ્યતે તથાવિધં પ્રેમ ચ તાદૃશ: પતિ I

ભાષાંતર : તેણીએ (પાર્વતીએ) સમાધિમાં બેસીને તપ વડે પોતાના રૂપને (સૌંદર્યને)સાર્થક કરવાનો નિર્ણય કર્યો. કારણ કે એવો (પવિત્ર) પ્રેમ અને એવો (મહાન) પતિ (શિવ) બીજા કયા ઉપાયથી મેળવી શકાય ?

શબ્દાર્ય :સમાધિમ્ - સમાધિનો, કાગ્રતાનો, આસ્થાય - આશ્રય કરીને, અવન્ધ્યરૂપતાપ-રૂપ સફળ થાય તેમ, ઈયેષ-ઇચ્છા કરી, અન્યથા-બીજી રીતે, દ્વયમ્ - બે વસ્તુઓ, અવાપ્યતે - મેળવી શકાય, તથાવિધં- તેવા પ્રકારનો, તાદૃશ-તેવો.

વિવેચન : પાર્વતીએ નિરર્થક લાગેલા રૂપને સાર્થક કરવા માટે તપનો ઉપાય શોઘી કાઢ્યો. તેનો મનોરથ બહુ ઊંચો હતો. અર્ધાંગના બની શકાય તેવો શિવનો પ્રેમ અને મૃત્યુને પણ જીતનાર મહાદેવ જેવો પતિ આ બન્ને મેળવવાં અઘરાં હતાં. તેવા ઊંચા મનોરથને સિદ્ધ કરવા માટે ઉમાએ-પાર્વતીએ તપ કરવાનો નિશ્ચય કર્યો.

         રઘુવંશમાં (૧૪:૬૬) જ્યારે રામે સીતાનો ત્યાગ કર્યો હતો ત્યારે સીતાએ પણ સૂર્યઉપર દૃષ્ટિ સ્થિર કરીને તપ કરવાનો નિશ્ચય કર્યો હતો.

“સાહં તપ: સૂર્યનિવિષ્ટદૃષ્ટિરૂર્ધ્વ પ્રસૂતેશ્ચરિતું યતિષ્યે I

         ગમે તેવું દુષ્કર કાર્ય પણ તપ દ્વારા સાધ્ય છે તે વાત કાલિદાસે અહીં સમજાવી છે.

 

(૪) મનીષિતા: સન્તિ ગૃહેષુ દેવતાસ્તપ: ક્ક વત્સે ક્ક ચ તાવકં વપુ:I

પદં સહેત ભ્રમરસ્ય પેલવં શિરીષપુષ્પં ન પુન: પતચિણ: II

અન્વય-વત્સે, મનીષિતા: દેવતા: ગૃહેષુ સન્તિ I તપ: ક્ક ? ચ તાવકં વપુ: ક્ક ? પેલવં શિરીષપુષ્પં ભ્રમરસ્ય પદં સહેત, પતત્રિણ: પુન: (પદમ્) ન (સહેત) I

ભાષાંતર : હે બેટા ! મનગમતાં ફળ આપનારાં દેવતાઓ તો ઘરમાં જ છે. ક્યાં (કઠોર) તપ અને ક્યાં તારું (કોમળ) શરીર? કોમળ શિરીષનું ફૂલ ભમરાના પગને જ સહન કરી શકે. પક્ષીઓના પગલાંને નહીં.

શબ્દાર્થ : મનીષિતા – મનને પ્રિય લાગે તેવા, ઈષ્ટ, ગૃહેષુ – ઘરમાં, ક્ક – કયાં, વપુ: - શરીર, પેલવમ્ – કોમળ, સહેત-સહન કરી શકે, પતત્રિણ: - પક્ષીના (પગને)

વિવેચન – મેનાએ પુત્રીના કઠોર તપ પ્રત્યે ત્રીજા શ્લોકમાં સામાન્ય વિરોધ દર્શાવ્યો હતો અને અહીં વિશેષ રીતે તે વિરોધને વ્યકત કર્યો છે. વનમાં જઈને કઠોર તપ આદરવાનીજરૂર નથી. કેમકે હિમાલયના ઘરમાં જ ઇષ્ટ દેવતાનો વાસ છે. મનોરથ પૂરા કરવા માટે કોઈ દેવતાની આરાધના કરવી હોય તો તે માટે ઘરમાં જ અનુકૂળતા છે. વળી બીજું કારણ આપતાં મેના કહે છે કે ક્યાં આ શિરીષ પુષ્પના જેવું કોમળ શરીર અને ક્યાં કઠોર તપ !અહીં કવિએ દ્રષ્ટાંત અલંકાર યોજ્યો છે.

         પદં સહેત ભ્રમરસ્ય પેલવં શિરીષપુષ્પં ન પુન: પતત્રિણ: I

         શિરીષ નામનું કોમળ પુષ્પ ભમરાના પગ (ના ભાર)ને સહન કરી શકે, પરંતુ પક્ષીનાપગ (ના ભાર)ને સહન કરી શકે નહિ.

         અહીં મેનાએ પુત્રી પાર્વતીના કઠોર તપને રોકવાનો પ્રયત્ન કર્યો છે. અને તે અંગે કારણ દર્શાવ્યું છે. પાર્વતી કોમળ છે, અને એ શિરીષ પુષ્પના જેવું કોમળ શરીર કઠોર તપને કેવી રીતે સહન કરી શકે? જેમ શિરીષ પુષ્પ ભ્રમરના પગના ભારને સહન કરી શકે પરંતુ પક્ષીના પગના ભારને સહન કરી શકતું નથી. તેમ પાર્વતીનું કોમળ શરીર ઘરમાં રહીને દેવતાની કરેલી આરાધનાને સહન કરી શકે પણ વનમાં જઈને કરેલા કઠોર તપને સહન કરી શકે નહિ.

અહીં પ્રથમ વાક્યની બધી વસ્તુઓનાં પ્રતિબિંબ બીજા વાક્યની વસ્તુઓમાં પડે છે. તેથી દૃષ્ટાન્ત અલંકાર છે. વળી ક્ક – ક્ક એમ બે વાર ક્ક શબ્દના પ્રયોગથી પાર્વતીના કોમળ શરીર અને કઠોર તપ વચ્ચે અત્યંત વિરોધ દર્શાવ્યો છે તેથી વૈધર્મ્યને લીધે વિષમ અલંકાર પણ થાય છે.

 

(૫) ઈતિ ધ્રુવેચ્છામનુશાસતીં સુતાં સશાક મેના ન નિયન્તુમુદ્યમાત્ I

ક પ્સિતાર્થસ્થિરનિશ્ચયં મન: પયશ્ચ નિમ્નાભિમુખં પ્રતીપયેત્ II

અન્વય : ઈતિ અનુશાસતી મેના ધ્રવેર્ચ્છા સુતામ ઉદ્યમાત નિયન્તુ ન શશાક I પ્સિતાર્થસ્થિરનિશ્ચયં મન: ચ નિમ્નાભિમુખં પય: ક: પ્રતીપયેત ?

ભાષાંતર : આ પ્રમાણે સલાહ આપવા છતાં દૃઢ નિશ્ચયવાળી પુત્રીને (માતા) મેના તેના નિર્ણયમાંથી અટકાવી શકી નહીં. મનગમતી વસ્તુને મેળવવા માટે દઢ નિશ્ચયાળા મનને તથા નીચે વહેતાં પાણીને કોણ વાળી શકે ?

શબ્દાર્થ : ઈતિ-આ પ્રમાણે, અનુશાશતી-શિખામણ આપતી, ધૃવેચ્છામ્-સ્થિર(ચોક્કસ) ઇચ્છાવાળી, ઉદ્યમાત્-પ્રયત્નમાંથી, નિયન્તુમ્- અટકાવવા, ન શશાક-સમર્થબની નહિ, ઈપ્સિતાર્થ સ્થિરનિશ્વયમ્-ઇચ્છિત વસ્તુમાં દ્રઢ નિશ્ચયવાળા, મનઃ-મનને,નિમ્નાભિમુખમ્-નીચે તરફ ઢળેલા, પય:-પાણીને પ્રતીપયેત્-પાછું વાળી શકે?

વિવેચન – પાર્વતીને તપના પ્રયત્નમાંથી અટકાવવા તેની માતા તેને સમજાવે છે. આ વાત માત્ર બે શ્લોકોમાં કહીને કાલિદાસે લાઘવકળાને વ્યક્ત કરી છે. ક પ્સિતાર્થસ્થિરનિશ્ચયં મન: પયશ્ચ નિમ્નાભિમુખં પ્રતીપયેત્I ગમતી વસ્તુ (મેળવવાં)માં દઢ નિશ્ચયવાળા મનને અને નીચે તરફ ઢળતા પાણીને કોણ પાછું વાળી શકે?

         માતા મેનાએ પુત્રી પાર્વતીને કઠોર તપમાંથી વારવાનો પ્રયત્ન કર્યો પણ તે પાર્વતીને ઉમાને-નિશ્ચયમાંથી ચલિત કરી શકી નહિ. તપ કરીને પણ શિવને પતિ તરીકે મેળવવા તેપાર્વતીને માટે ઇચ્છિત વસ્તુ હતી. આ બાબતમાં તેનું મન મક્કમ હતું. માતાની શિખામણની તેના મન ઉપર કોઇ અસર થઈ નહિ. જેની દઢ મનોવૃત્તિ ના હોય તે જ અન્યના કહેવાથી પોતાનાં વ્રતનિયમોનો ભંગ કરે છે. ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવામાં દઢ મનોવૃત્તિવાળા મનને કોણ રોકી શકે?

         આ વિશેષ વાતનું સમર્થન કરવા માટે કાલિદાસ અર્થાન્તરન્યાસ અલંકારનો આશ્રય લે છે. નીચે તરફ વહેતા પાણીને કોણ રોકી શકે ? જેમ ઢોળાવ ઉપર સરી પડતા પાણીને કોઇ રોકી શકતું નથી તેમ દઢ નિર્ણય લેનાર વ્યક્તિને પણ રોકી શકાતું નથી.

 

 

 

(૭) અથાનુરૂપાભિનિવેશતોષિણા કૃતાભ્યનુજ્ઞા ગુરૂણા ગરીયસા I

પ્રજાસુ પશ્વાત્પ્રથિતં તદાખ્યયા જગામ ગૌરી શિખરં શિખન્ડિમત્ II

અન્વય : અથ અનુરૂપાભિનિવેશતોષિણા ગરીયસા ગુરૂણા કૃતાભ્યનુજ્ઞા (સા) પશ્ચાત્ પ્રજાસુ તદાખ્યયા પ્રથિતમ્ શિખન્ડિમત્ ગૌરીશિખરં જગામ્ I

ભાષાંતર : પછી તેણીના યોગ્ય નિશ્ચયથી સંતુષ્ટ થયેલા પૂજ્ય પિતાની આજ્ઞા મેળવીને,મયૂરોથી શોભતા તથા પાછળથી પ્રજામાં પોતાના નામથી જ (ગૌરીશિખર) પ્રસિદ્ધ થયેલા ગૌરીશિખર ઉપર ગૌરી (પાર્વતી) ગઈ.

શબ્દાર્થ : અથ અનુરૂપાભિનિવેશતોષિણા - યોગ્ય આગ્રહથી સંતોષ પામનાર, ગરીયસા - અત્યંત પૂજ્ય એવા, ગુરૂણા - પિતા દ્વારા, કૃતાભ્યનુજ્ઞા – રજા મેળવીને, તદાખ્યયા- તેના (ગૌરીના) નામથી, પ્રથિતમ્-પ્રસિદ્ધ થયેલું, શિખન્ડિમત્-મોરોથી યુક્ત, સજગામ-ગઈ.

વિવેચન- શિવને પતિ તરીકે મેળવવાનો ગૌરીનો આગ્રહ તેના જેવી કન્યા માટે યોગ્યજ હતો. તેની આવી માંગણીથી પિતાને પણ સંતોષ થયો. તેમણે પુત્રીને અનુજ્ઞા આપી.ઉમા-ગૌરી ગૌરીશિખર ઉપર તપ કરવા ગઈ. આ શિખર ઉપર તપ કરીને સિદ્ધિ મેળવી હશેતેથી જ પાછળથી તેનું નામ 'ગૌરીશિખર' પડ્યું છે.

 

(૯) યથા પ્રસિદ્ધૈર્મધુરં શિરોરૂહૈર્જટાભિરપ્યેવમભૂત્તદાનમ્ I

ન ષટ્પદશ્રેણિભિરેવ પન્કજં સશૈવલાસંગમપિ પ્રકાશતે II

અન્વય-તદાનનં પ્રશિદ્ધૈ: શિરોરૂહૈ યથા (મધુરમ અભૂત) એવમ્ જટાભિ: અપિ મધુરમ અભૂત I પન્કજં ષટ્પદશ્રેણિભિ: એવ ન, સશૈવલાસંગમ અપિ પ્રકાશતે II

ભાષાંતર : તેનું મુખમંડલ સુશોભિત કરેલા કેશકલાપથી જેવું શોભતું હતું તેવું જ જટાથી પણ લાગતું હતું. કમળ માત્ર ભમરાની હારમાળાથી જ નહીં શેવાળના સંગથી પણ શોભે છે.

શબ્દાર્થ : તદાનનં-તેનું મુખ, પ્રસિદ્ધૈ -વિભૂષિત, સજાવેલા, શિરોરૂહૈ: - કેશોથી, ટામિ: જટાઓથી, અભૂત્-બન્યુ હતું, પન્કજં- કમળ, ષટ્પદશ્રેણિભિ:-ભમરાઓની હારથી, સશૈવલાસંગમ-શેવાળનાં સંગમાં, પ્રકાશતે-શોભે છે.

વિવેચન – ગૌરીએ કેશના શણગાર કરવાનું છોડી દીધું તેથી તેના કેશ જટાના રૂપમાં ફેરવાઈ ગયા. આમ છતાં તે કેશની શોભાથી જેટલી સુંદર લાગતી હતી તેટલી જ જટાથી પણ સુંદર લાગતી હતી. કમળ તેની આસપાસ ભમરાઓની હાર ઊડતી હોય ત્યારે તો શોભે છે જ, પરંતુ શેવાળથી વીટળાયેલું હોય ત્યારે પણ તે એવું જ સુંદર દેખાય છે. અહીં ગૌરીનું મુખ-કમળ, કેશપાશ-ભમરાઓની પંક્તિ, જટા-શેવાળ, સુંદર દેખાવું-શોભાવું આમ બિબપ્રતિબિંબ ભાવ હોવાથી દષ્ટાન્ત અલંકાર છે. કુદરતી સૌન્દર્ય ધરાવનાર ગમે તેવી સ્થિતિમાં રમણીય જ દેખાય છે. શાકુન્તલમાં શકુન્તલા વલ્કલથી સુંદર દેખાતી હતી. (શાકુન્તલ-૧.૮) સરસિજમનુવિદ્ધં શૈવલેનાપિ રમ્યમ્ મલિનમપિ હિમાંશોર્લક્ષ્મ લક્ષ્મીં તનોતિ I ઈયમધિકમનોજ્ઞા વલ્કલેનાપિ તન્વી કિમિવ હિ મધુરાણાં મન્ડનં નાકૃતીનામ્ II શ્લોકમાં કાલિદાસની સૌન્દર્યવિભાવના દૃષ્ટિગોચર થાય છે.

 

(૧૦) પ્રતિક્ષણં સા કૃતરોમવિક્રિયાં વ્રતાય મૌજ્જીં ત્રિગુણાં બભાર યામ્ I

અકારિ તત્પૂર્વનિબદ્ધયા તયા સરાગમસ્યા રશનાગુણાસ્પદમ્ II

અન્વય – સા પ્રતિક્ષણં કૃતરોમવિક્રિયાં ત્રિગુણાં યામ્ મૌજ્જામ્ વ્રતાય બભાર તત્પૂર્વનિબદ્ધયા તયા(મૌજ્જયા) અસ્યા: રશનાગુણાસ્પદમ્ સરાગમ્ અકારિ I

ભાષાંતર : પ્રત્યેક ક્ષણે રોમાંચ ઉત્પન્ન કરતી ત્રણ સેરવાળી મુંજની મેખલાને વ્રત માટે તેણીએ બાંધી હતી, તે પહેલીવાર જ પહેરી હોવાથી કંદોરાની સેર પહેરવાની જગ્યા (કમરનો ભાગ) લાલ થઈ ગઈ.

શબ્દાર્થ : કૃતરોમવિક્રિયાં-રૂવાંડાંમાં વિકાર કરનારી, ત્રિગુણાં-ત્રેવડી ગૂંથેલી, યામ્-જે, મૌજ્જીમ્-મુંજ ઘાસમાંથી બનાવેલી મેખલાને, વ્રતાય-વ્રત માટે, બભાર-ધારણ કરી, તત્પૂર્વનિબદ્ધયા-તે પહેલી વાર જ બંધાયેલી તથા-મેખલાએ, રશનાગુણાસ્પદમ્-કંદોરાના સ્થાનને (કેડને) સરાગમ્-લાલાશવાળો, અકારિ-કરી દીધો.

વિવેચન – પાર્વતીએ તપને યોગ્ય વેશભૂષા ધારણ કરી હારને છોડીને વલ્કલ, સજાવેલા કેશના બદલે જટા અને સોના રૂપાના કંદોરાના સ્થાને મુંજપા ઘાસની કટિમેખલા ધારણ કરી. તે મેખલા કઠણ હોવાથી ગૌરીના કોમળ શરીર ઉપર ખૂંચતી. કટિપ્રદેશ ઉપર આંકા પડી જતા અને તે ભાગ લાલ બની જતો. અહીં એક બાજુ તપની કઠોરતા અને બીજીબાજુ ગૌરીના શરીરની કોમળતાનું સૂચન છે.

 

(૧૨) મહાર્હશય્યાપરિવર્તનચ્યુતૈ: સ્વકેશપુષ્પૈરપિ યા સ્મ દૂયતે I

અશેત સા બાહુલતોપધાયિની નિષેદુષી સ્થન્ડિલ એવ કેવલે II

અન્વય : મહાર્હશય્યાપરિવર્તનચ્યુતૈ: સ્વકેશપુષ્પૈ: અપિ યા દૂયતે સ્મ, સા કેવલે સ્થન્ડિલે એવ નિષેદુષી, બાહુલતોપધાયિની અશેત I

ભાષાંતર : કિંમતી પથારી પર આળોટવાથી પોતાના વાળમાંથી ખરી પડેલાં ફૂલોથી પણ જેને દુઃખ થતું હતું, તે (પાર્વતી) વેલ જેવા (કોમળ) પોતાના હાથનું ઓશીકું બનાવીનેસુવા લાગી અને ફકત ઓટલા (જમીન) ઉપર જ બેસવા લાગી.

શબ્દાર્થ : મહાર્હશય્યા-ખૂબ કીમતી પથારીમાં આળોટવાથી ખરી પડેલાં, દૂયતે સ્મ- દુ:ખી થતી હતી. કેવલે- કેવળ (બિછાના વગરની) સ્થન્ડિલ એવ-જમીન ઉપર જ,નિષેદુષી-કોમળ હાથને ઓશિકુ બનાવીને, શેત-સૂઈ જતી.

વિવેચન – પહેલાં પાર્વતી અત્યંત કીંમતી પથારીમાં સૂતી. અને કેશમાં નાંખેલા પુષ્પો પથારીમાં પડખું ફરતાં ખરી પડતાં અને તેના શરીર નીચે દબાતાં. તે વખતે એ પુષ્પોથી પણ પાર્વતીના શારીરને કષ્ટ થતું. અહીં તેનું શરીર પુષ્ટ કરતાં પણ કોમળ હતું તે વાત તે સૂચવાઈ છે. અને હવે વનમાં ખુલ્લી જમીન ઉપર બેસતી અને ત્યાં જ હાથનું ઓશીકું કરીને સૂઈ જતી ! બન્ને જીવન વચ્ચે કેવું અંતર !

 

(૧૩) પુનર્ગ્રહીતું નિયમસ્થયા તયા દ્વયેઅપિ નિક્ષેપ ઈવાર્પિતં દ્વયમ્ I

લતાસુ તન્વીષુ વિલાસચેષ્ઠિતં વિલોલદૃષ્ટં હરિણાન્ગનાસુ ચ II

અન્વય - નિયમસ્થયા તયા દ્વયે અપિ દ્વયમ્, તન્વીષુ લતાસુ વિલાસ ચેષ્ટિતમ્ ચ હરિણાન્ગનાસુ વિલોલદૃષ્ટં, પુન: ગ્રહીતુમ્ નિક્ષેપ: અર્પિતમ્ ઈવ I

ભાષાંતર : વ્રતનું પાલન કરતી એવી તેણીએ કોમળ લતાઓમાં (પોતાની) વિલાસચેષ્ટાઓ અને હરિણીઓમાં (પોતાની) ચંચળ દષ્ટિ એમ બન્ને જગ્યાએ બન્ને વસ્તુઓ (ભવિષ્યમાં) પાછી લઈ શકાય તે રીતે થાપણ તરીકે મૂકી.

શબ્દાર્થ :નિયમસ્થયા-નિયમ (વ્રત)માં રહેલી, દ્વયે-બન્નેમાં, દ્વયમ્ -  બન્ને વસ્તુઓને, તન્વીષુ-પાતળી (કોમળ) વિલાસચેષ્ઠિતં- વિલાસની ચેષ્ટાઓ,હરિણાન્ગનાસુ-હરણીઓમાં, વિલોલદૃષ્ટં - ચંચળ દ્રષ્ટિ, ગ્રહીતુમ્-(પાછી) લેવા માટે, નિક્ષેપ-થાપણ તરીકે, અર્પિતમ્ ઈવ- જાએ કે મૂકી.

 

વિવેચન –હિમાલયની પુત્રી પાર્વતીના પૌવન પ્રવેશનું વર્ણન કાલિદાસે પ્રથમ સર્ગમાં કર્યું છે. યૌવનમાં પ્રવેશેલી ગૌરીમાં સ્વાભાવિક રીતે વિલાસની ચેષ્ટાઓ અને ચંચળ દ્રષ્ટિ હોય જ. પણ તપ કરતી પાર્વતી માટે આ બન્ને વસ્તુ નકામી હતી. તેથી જાણે વનની કોમળ લતાઓમાં વિલાસ અને વનની હરણીમાં ચંચળ દ્રષ્ટિ થાપણ તરીકે મૂકી દીધી. ગૌરી સમગ્ર જીવન તપમાં વિતાવવા ઈચ્છતી ન હતી. શિવને પ્રાપ્ત કર્યા પછી તેને તે બન્ને વસ્તુઓની જરૂર હતી જ. માટે પાછળથી ઈચ્છા મુજબ વસ્તુ પાછી લઈ શકાય, એવા ઉદ્દેશથી થાપણ તરીકે મૂકી.

         અહીં કવિએ પરોક્ષ રીતે ગૌરીના સૌન્દર્યને વર્ણવ્યું છે. કાલિદાસ પ્રકૃતિનો કવિ છે. અહીં તેણે ગૌરીના સૌન્દર્યની સાથે પ્રકૃતિને પણ ગૂંથી લીધી છે. આમ શ્લોક ૮ થી ૧૩ સુધીમાં કવિએ તપ માટે કરેલા પાર્વતીના પરિવર્તનને વર્ણવ્યું છે.

 

(૧૫) અરણ્યબીજાજ્જલિદાનલાલિતાસ્તથા ચ તસ્યાં હરિણા વિશશ્વસુ: I

યથા તદીયૈર્નયનૈ કુતૂહલાત્પુર: સખીનામમિમીત લોચને II

અન્વય-ચ અરણ્યબીજાજ્જલિદાનલાલિતા: હરિણા: તસ્યાં તથા વિશશ્વસુ: યથા કુતૂહલાત્ તદીયૈ નયનૈ: (સ્વકીયૈ:) લોચને સખીનામ્ પુર: અમિમીત I

ભાષાંતર : જંગલમાં થતા દાણા પોતાના ખોબાથી જ ખવડાવીને પાલનપોષણકરાયેલાં હરણો તેનામાં એટલો બધો વિશ્વાસ કરવા લાગ્યાં કે તેમના નેત્રો સાથે (પાર્વતી) પોતાના નેત્રોને સખીઓ સમક્ષ કુતૂહલથી સરખાવવા લાગી.

શબ્દાર્થ : ચ અરણ્યબીજાજ્જલિદાનલાલિતા: હરિણા: તસ્યાં તથા વિશશ્વસુ: યથા કુતૂહલાત્-કુતૂહલ વૃત્તિથી, તદીયૈ-તેમના (હરણોના), નયયૈ:-નૈત્રો સાથે (સ્વકીયે) લોચને-પોતાના નેત્રોને, પુરે-આગળ, અમિમીત-માપતી હતી.

વિવેચન- અહીં પાર્વતીનો હરણો પ્રત્યેનો પ્રેમ વર્ણવેલો છે. વનમાં ઊગતાં બીજ કે ધાન્યના ખોબા ભરી ભરીને તે હરણોને ખવડાવતી – તેથી હરણાંઓ પાર્વતી ઉપર અત્યંત વિશ્વાસ રાખતાં હતાં. અતિશય ચંચળ હરણાંઓ મનુષ્યને જોઈને ભડકીને ભાગી જાય પણ પાર્વતી કોની આંખો મોટી છે ? મારી કે હરણની ? એવી જિજ્ઞાસાને સંતોપવા, માપતી વખતે હરણાંની આંખો દબાવે છતાં હરણાં ના ભડકે, આતેમના પાર્વતી પ્રત્યેના વિશ્વાસને સૂચવે છે, સાથે અહીં કાલિદાસનો પ્રકૃતિ પ્રેમ અને પાર્વતીની આંખોનું સૌન્દર્ય વ્યક્ત થાય છે.

 

(૧૬) કૃતાભિષેકાં હુતજાતેવેદસં ત્વગુરાસન્ગવતીમધીતિનીમ્ I

દિદ્દક્ષવસ્તામૃષયોઅભ્યુપાગમન્ન ધર્મવૃદ્ધેષુ વય: સમીક્ષ્યતે II

અન્વય-કૃતાભિષેકાં હુતજાતેવેદસં ત્વગુત્તરાસન્ગવતીમ્ અધીતિનીમ્ તામ્ દિદ્દક્ષવ: ઋષય: અભ્યુપાગમન્ I ધર્મવૃદ્ધેષુ વય: ન સમીક્ષ્યતે I

ભાષાંતર-અભિષેક (સ્નાન) કરનારી, અગ્નિમાં હોમ કરનારી, વલ્કલ વસ્ત્ર પહેરનારીઅને સ્વાધ્યાય કરનારી એવી તેને જોવાની ઇચ્છાથી ઋષિઓ આવવા લાગ્યા. ખરેખરધર્મમાં જે વૃદ્ધ (આગળ વધેલા) હોય છે તેમની ઉમર જોવામાં આવતી નથી.

શબ્દાર્થ : કૃતાભિષેકાં-જેણે સ્નાન કરી લીધું છે તેવી, હુતજાતેવેદ-જેણે અગ્નિમાં હોમ કર્યો છે તેવી, ગુત્તરાસન્ગવતીમ્-ઝાડની છાલના ઉત્તરીય વસ્ત્રવાળી, અધીતિનીમ્- (સ્તુતિ, પાઠ વગેરે) સ્વાધ્યાય કરતી, દિદ્દક્ષવ:-જોયાની ઇચ્છાવાળા, અભ્યુપાગમન્(ત્યાં)-આવ્યા. ધર્મવૃદ્વેષુ-ધર્મથી વૃદ્ધ બનનાર લોકોની બાબતમાં, વય:-ઉંમર, ન સમીક્ષ્યતે-જોવામાં આવતી નથી.

વિવેચન -આ શ્લોકમાં તપ કરતી પાર્વતીની નિત્યક્રિયાઓનો ઉલ્લેખ છે. તે સ્નાન કરતી, વલ્કલ વસ્ત્રો ધારણ કરતી, અગ્નિમાં હોમ કરતી અને સ્વાધ્યાય કરતી.

         ન ધર્મવૃદ્ધેષુ વય: સમીક્ષ્યતે I ધર્મથી વૃદ્ધ બનનાર લોકોની બાબતમાં ઉંમર જોવામાં આવતી નથી.

         પાર્વતીએ આચરેલા કઠોર તપને જોવાની, તેનાં દર્શન કરવાની પૃચ્છા તપોવનમાં મોટા મોટા ઋષિઓને થઈ. તેથી તેઓ પાર્વતીની પાસે આવ્યા. સામાન્ય રીતે નાની ઉંમરના લોકો વૃદ્ધને મળવા જાય. પણ અહી ક્રમ ઊલટો બની ગયો. કેમકે જે લોકો જ્ઞાન, તપ કે ધર્મમાં વૃદ્ધિ પામે છે તેમની ઉંમર ગણવામાં આવતી નથી. પાર્વતી ઉંમરમાં નાની હોવા છતાં જ્ઞાન, તપ અને ધર્મમાં આગળ વધી ગઈ હતી. તેથી પાર્વતીના દર્શનાર્થે વયોવૃદ્ધ ઋષિઓ આવે એમાં કંઇ અનુચિત નથી.

         રઘુવંશ (૧૧.૧)માં પણ કાલિદાસે યજ્ઞરક્ષા માટે વિશ્વામિત્ર દ્વારા લઇ જવાતા કુમાર રામનું વર્ણન કરતાં આવો જ વિચાર રજૂ કર્યો છે. તેજસાં હિ ન વય: સમીક્ષ્યતે વળી ભવભૂતિએ પણ ઉત્તરરામચરિતમાં ગુણા: પૂજાસ્થાનમ્ ગુણિસુ ન ચ લિન્ગમ્ ન વય: Iકહી આ જ બાબત જણાવી છે. અહી અર્થાન્તરન્યાસ અલંકાર છે.

 

(૧૭) વિરોધિસત્ત્વોજિજ્ઞતપૂર્વમત્સરં દ્રમૈરભીષ્ટપ્રસવાર્ચિતાતિથિ: I

નવોટજાભ્યન્તરસંભૃતાનલં તપોવનં તચ્ચ બભૂવ પાવનમ્ II

અન્વય-વિરોધિસત્ત્વોજિજ્ઞતપૂર્વમત્સરમ્,  દ્રમૈ: અભીષ્ટપ્રસવાર્ચિતાતિથિ, નવોટજાભ્યન્તરસંભૃતાનલમ્ તત્ તપોવનમ્ પાવનમ્ બભૂવ I

ભાષાંતર : વિરોધી સ્વભાવના પ્રાણીઓએ જ્યાં પૂર્વના દ્વેષભાવનો ત્યાગ કર્યો છે, ઇચ્છા પ્રમાણેનાં ફળો આપીને વૃક્ષો જ્યાં આતિથ્ય સત્કાર કરે છે. નવીન પર્ણ કુટિઓમાં જ્યાં અગ્નિ પ્રજ્વલિત થયો છે એવું તે તપોવન પવિત્ર બની ગયું.

શબ્દાર્થ- વિરોધી-જ્યાં (પરસ્પર) વિરોધિ પ્રાણીઓએ પહેલાંનું વેર છોડી દીધું છે તેવું, અભીષ્ટ-પ્રિય ફળોથી જ્યાં અતિથિઓનો સત્કાર કરવામાં આવ્યો છે તેવું, નવોટજાભ્યન્તર-જ્યાં નવી કુટિરોની અંદર અગ્નિને પ્રગટાવેલ છે તેવું.

વિવેચન-આ શ્લોકમાં પાર્વતીના તપનો પ્રભાવ વર્ણવેલો છે. મૃગ અને સિંહ, સાપ અને નોળિયો, ઉંદર અને બિલાડી વગેરે પ્રાણીઓ વચ્ચે જન્મજાત વેર હોય છે. પાર્વતીના તપના પ્રભાવથી આવાં સ્વાભાવિક વેરવાળાં પ્રાણીઓએ પણ પોતાનાં વેર છોડી દીધાં છે. વળી તપોવનનાં વૃક્ષો મનગમતાં ફળો આપીને અતિથિઓનો સત્કાર કરતાં. નવી પર્ણશાળાઓમાં સમિધ વગેરે નાંખીને અગ્નિને પોષવામાં આવતો. આમ પાર્વતીના તપના પ્રસારથી તપોવન પવિત્ર બની ગયું.

 

(૨૦)શુચૌ ચતુર્ણા જ્વલતાં હવિર્ભુજાં શુચિસ્મિતા મધ્યગતા સુમધ્યમા I

વિજિત્ય નેત્રપ્રતિધાતિનીં પ્રભામનન્યદૃષ્ટિ: સવિતારમૈક્ષત II

અન્વય-શુચૌ જ્વલતાં ચતુર્ણા હવિર્ભુજાં મધ્યગતા,  શુચિસ્મિતા સુમધ્યમાસા, નેત્રપ્રતિધાતિનીંપ્રભાં વિજિત્ય, અનન્યદૃષ્ટિ: સવિતારમ્ એક્ષત I

ભાષાંતર : પવિત્ર હાસ્યવાળી અને પાતળી કમરવાળી તે ઉનાળામાં ચારેય બાજુએ સળગતા અગ્નિની વચ્ચે રહેતી, અને આંખોને આંજી નાખતા સૂર્યના તેજને જીતીને મટકું માર્યા વિના સૂર્યને જોયા કરતી.

શબ્દાર્થ : શુચૌ-ગ્રીષ્મ ઋતુમાં (ઉનાળામાં) જ્વલતાં-સળગતા, હવિર્ભુ જામ્-અગ્નિઓની શુચિસ્મિતા-પવિત્ર સ્મિતવાળી, નેત્ર-આંખોને અવરોધનારા, પ્રભામ્-(સૂર્યના)તેજને, વિજિત્ય-જીતીને, સવિતારમ્-સૂર્યને, ક્ષત-જોતી હતી.

વિવેચન-આ શ્લોકમાં પાર્વતીના ઉગ્ર તપને વર્ણવ્યું છે. ધોમધખતા ઉનાળામાં આસપાસ ચાર ખૂણાઓમાં ચાર અગ્નિઓ અને ઉપર સૂર્ય એમ પાંચ અગ્નિઓની વચ્ચે સ્થિર બેસતી. આને પંચાગ્નિતપ' કહેવાય છે. અહીં પાર્વતીનું દઢ મનોબળ વ્યક્ત થાય છે. સૂર્યના પ્રખર તાપ સામે આંખને સ્થિર કરી મુખ ઉપર સ્મિત રેલાતું હતું ! તેણે નેત્રોની એવી શક્તિ કેળવી કે સૂર્યનું તેજ તેની દૃષ્ટિને અટકાવી શકતું નહિ. આજ વાત રઘુવંરા ૧૪:૬૬ સાહં તપ: સૂર્યનિવિષ્ટદૃષ્ટિ: I માં કહેવાઈ છે.

 

(૨૩) નિકામતપ્તા વિવિધેન વહ્નિના નભશ્ચરેણેન્ધનસંભૃતેન સા I

તપાત્યે વારિભિરૂક્ષિતા નવેર્ભુવા સહોષ્માણમમુગ્ચદૂર્ધ્વગમ્ II

અન્વય : વિવિધેન નભશ્ચરેણઈન્ધનસંભૃતેન વહિના નિકામતપ્તા સા, તપાત્યે નવૈ વારિભિ: ઉક્ષિતા ભુવા સહઉર્ધ્વગમ્ ઉષ્માણમ્ અમુચ્ચત I

ભાષાંતર : આકાશમાં વિચરતા સૂર્યનો તાપ, બળતણનો તાપ અને વિવિધ અગ્નિથી ખૂબજ તપેલી તે (પાર્વતી) ઉનાળો પૂર્ણ થતાં નવીન પાણી વરસતા પૃથ્વીની સાથે ઊંચે જતી વરાળ કાઢવા લાગી.

શબ્દાર્થ : નભશ્ચરેણ-આકાશમાં ફરતા (સૂર્યરૂપી અગ્નિથી અને) ઈન્ધનસંભૃતેન- બળતણથી પોષાયેલા વહિના-અગ્નિથી નિકામતપ્તા-અત્યંત તપી ગયેલી, તપાત્યતે-ઉનાળાના અંતે (ચોમાસામાં) નવૈઃ-નવાં ઉક્ષિતા-ભીંજાયેલી, ર્ધ્વગમ્-ઊંચે જતી, ઉષ્માણમ્-વરાળને, અમુચ્ચત-છોડતી હતી.

વિવેચન : ચોમાસાનો પહેલો વરસાદ પડે છે ત્યારે ઉનાળાના તાપથી તપી ગયેલી જમીનમાંથી વરાળ નીકળે છે એ પ્રકૃતિના વર્ણન સાથે અહીં કાલિદાસે પાર્વતીના વર્ણનને ગૂંથી લીધું છે. પંચાગ્નિના તાપથી પાર્વતી અત્યંત તપી જતી, અને ચોમાસુ બેસતાં પ્રથમવારનો વરસાદ તેના ઉપર પડતો ત્યારે તેના તપી ગયેલા રારીરમાંથી વરાળ બહાર નીકળતી.

 

(૨૫) શિલાશયાં તામનિકે તવાસિનીં નિરન્તરાસ્વન્તરવાતવૃષ્ટિષુ I

વ્યલોકયન્નુન્મિષિતૈસ્તડિન્મયૈર્મહાતપ: સાક્ષ્યઈવ સ્થિતા ક્ષપા: II

અન્વય:  નિરન્તરાસુ અન્તરવાતવૃષ્ટિષુ અનિકેતવાસિનીં શિલાશયાં તાં મહાતપ: સાક્ષ્યે સ્થિતા: ક્ષપા: તડિન્મયૈ ઉન્મિષિતૈ વ્યલોકયન્ ઈવ I

ભાષાંતર : સતત વાવાઝોડામાં પણ ઘરમાં (પર્ણકુટિમાં) ન રહેતી. પથ્થરની પાટ ઉપર સૂઈ રહેતી તેને જાણે કે તપની સાક્ષી તરીકે રહેલી રાત્રિઓ ચમકતી વીજળી વડે દઈ હતી.

શબ્દાર્થ : નિરન્તરાસુ- અટક્યા વગરના, અન્તરવાતવૃષ્ટિષુ-વચ્ચે વચ્ચે પવન ફૂંકાતો હોય તેવા વરસાદમાં અનિકેતવાસિનીં-ઘર કે કુટિર વગર (ખુલ્લામાં) નિવાસ કરનારી, શિલાશયામ્-શિલા ઉપર સૂઈ જતી, તામ્-તેને (પાર્વતીને) મહાતપ:સાક્ષ્યે-મહાન (ઉગ્ર) તપના સાક્ષી તરીકે સ્થિતા:-રહેલી ક્ષપા:-રાત્રિઓ તડિન્મયૈ:-વિદ્યુતરૂપી ઉન્મિષિતૈ:-દ્રષ્ટિથીવ્યલોકયન્ ઈવ- જાણે કે જોતી હતી.

વિવેચન : તપ કરતી પાર્વતી કોઈ કુટિરમાં નિવાસ કરતી ન હતી. ચોમાસામાં ખુલ્લામાં જ રહેતી, શિલા ઉપર સૂઈ જતી. વરસાદ વરસતો, પવન ફૂંકાતો, વીજળી ચમકતી. મા બધું જ તે સહન કરતી. તેના આવા ઉગ્ર તપની સાક્ષી રાત્રિઓ હતી. અને તે રાત્રિઓ જાણે કે વિદ્યુત રૂપી દૃષ્ટિથી જોતી હતી. મનુષ્યના દરેક સાચા ખોટા કર્મનાં સાક્ષી સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, રાત્રિ ગણાય છે.

 

(૨૬) નિનાય સાત્યન્તહિમોત્કિરાનિલા: સહસ્યરાત્રીરૂદવાસતત્પરા I

પરસ્પરાક્રન્દિનિ ચક્રવાકયો: પુરો વિયુક્તે મિથુને કૃપાવતી II

અન્વય: ઉદવાસતત્પરા, પુર: વિયુક્તે પરસ્પરાક્રન્દિનિ ચક્રવાકયો: મિથુને કૃપાવતી સા અત્યન્તહિમોત્કિરાનિલા: સહસ્યરાત્રી નિનાંયI

ભાષાંતર : ખુબ જ બરફના કરા વરસાવતી પવનોવાળી પોષ મહિનાની રાત્રીઓ તે પાણીમાં રહીને વિતાવતી, પોતાની સામે રહેલાં અને એકબીજા માટે વિલાપ કરતાં વિખૂટાં પડેલાં ચક્રવાક યુગલ પ્રત્યે તે દયા દાખવતી હતી.

શબ્દાર્થ : ઉદવાસતત્પરા-પાણીમાં રહેવા તત્પર, પુર:-આગળ (સામે) વિયુક્તે-વિખૂટાં પડેલાં પરસ્પરાક્રન્દિનિ-એકબીજા તરફ આક્રંદ કરતાં ચક્રવાકયો:-ચકવા-ચકવીના મિથુને- જોડકા ઉપર,કૃપાવતી-દયા રાખતી સા-તે પાર્વતીએ, અત્યન્તહિમોત્કિરાનિલા-પુષ્કળ પ્રમાણમાં હિમ વેરતા પવનોવાળી સહસ્યરાત્રી:- પોષ માસની રાત્રિઓને નિનાયઃ- પસાર કરી.

વિવેચન : ઉનાળામાં અને ચોમાસામાં કરવામાં આાવતા તપને વર્ણવીને કવિ હેમન્તઋતુમાં કરવામાં આવતા તપને વર્ણવે છે. હિમાલયના ઠંડા પવનો છતાં હેમન્ત ઋતુમાંપાર્વતી પાણીમાં ઊભી રહેવા તત્પર રહેતી. એ સમયે ચક્રવાક યુગલ સામે આક્રંદ કરતાં, તેએ સાંભળતી અને દુ:ખી પ્રત્યે દયા રાખવી એ મહાપુરૂષોનો સ્વભાવ છે, તે ન્યાયે તેમના પ્રત્યે દયાનો ભાવ રાખતી.

         સીતા માટે રામને વિલાપ કરતાં જોઈ ચક્રવાક પક્ષીએ મશ્કરી કરી તેથી રામે શાપ આપ્યો. ત્યારથી ચક્રવાક-ચક્રવાકીને આખી રાત વિયોગમાં આક્રંદ કરીને પસાર કરવી પડે છે.

 

(૨૮) સ્વયં વિશીર્ણદ્રુમપર્ણવૃત્તિતા પરા હિ કાષ્ઠા તપસસ્તયા પુન: I

તદાપ્યપાકીર્ણમત: પિયંવદા વદન્ત્યપર્ણેતિ ચ તાં પુરાવિદં II

અન્વય : અથ અજિનાષાઢધર:, પ્રગલ્ભવાક્, બ્રહ્મન તેજસઆ જ્વલન્ ઈવ, યયા શરીરબદ્ધ: પ્રથમાશ્રમ:, કશ્ચિદ્ જટિલ: તપોવનં વિવેશ I

ભાષાંતર : જાતે જ ખરી પડેલાં વૃક્ષનાં પાંદડાં ઉપર પોતાનો નિર્વાહ કરવો એ તપની પરાકાષ્ઠા કહેવાય. પરન્તુ તેણે તો તે પણ ત્યજી દીધું. તેથી પુરાણના જાણકાર વિદ્વાનો મધુરભાષિણી તેને ''આપર્ણા''ના નામથી સંબોધે છે.

શબ્દાર્થ : અથ-પછી અજિનાષાઢધર: -મૃગચર્મ અને પલાશદંડને ધારણ કરનાર, પ્રગલ્ભવાક્-નીડર પાણીવાળો, , બ્રહ્મમયેન તેજસા-બ્રાહ્મતેજથી જ્વલન્ ઈવ- ઝળહળતો હોય તેવો, યથા- જાણે કે –શરીરબદ્ધ -દેહધારીપ્રથમાશ્રમ:- બ્રહ્મચર્ય આશ્રમ હોય તેવો, કશ્ચિત:-કોઈક, જટિલ:- જટાધારી તપોવનમ્-(પાવતીના) તપોવનમાં વિવેશ-પ્રવેશ્યો.

વિવેચન : તપોવનમાં તપ કરતા મુનિઓ જીવનનિર્વાહ માટે માત્ર વૃક્ષો ઉપરથી ખરી પડેલાં પર્ણોનું જ ભક્ષણ કરતાં જેથી પર્ણ તોડવા રૂપી હિંસા ના થાય. જીવનનિર્વાહકરવાની આવી સ્થિતિ ખરેખર તપની ઉચ્ચ દશા છે. અહીં પાર્વતીએ પણ પર્ણો ખાવાનું છોડી દીધું એટલા માટે તેને પુરાણોમાં અપર્ણા કહી છે. શિવપુરાણ-પાર્વતીખંડમાં કહ્યું છે કે આહારે ત્યક્તપર્ણાઅભૂદ્યસ્માદ્ધિમવત: સુતા I તેન દેવૈરપર્ણેતિ કથિતા નામત: શિવા I

 

(૩૦) અથાજિનાષાઢધર: પ્રગલ્ભવાગ્જ્વલન્નિવ બહ્મમ તેજસા I

વિવેશ કશ્ચિચજ્જટિલસ્તપોવનં શરીરબદ્ધ: પ્તથમાશ્રમો યથા II

અન્વય : વિધિપ્રયુક્તાં સત્ક્રિયાં પરિગૃહ્ય, ચ ક્ષણં પરિશ્રમં વિનીય નામ, ઉમામ્ ઋજુના, એવ ચક્ષુષા પશ્યન્ સ: અનુજ્જ્ઞિતક્રમ: વક્તું પ્રચક્રમે I

ભાષાંતર: હવે મૃગચર્મ અને પલાશદંડને ધારણ કરતો, ધીર-ગંભીર વાણી બોલતો, બ્રહ્મચર્યના તેજને લીધે તેજસ્વી લાગતો અને પ્રથમ આશ્રમે (બ્રહ્મચર્ચાશ્રમે) જાણે કે શરીર ધારણ કર્યું હોય એવો કોઈ એક જટાધારી (બટુક) તપોવનમાં પ્રવેશ્યો.

શબ્દાર્થ : વિધિપ્રયુક્તામ્-વિધિપૂર્વક કરેલા, સત્ક્રિયામ્-સત્કારને પરિગૃહ્ય-સ્વીકારીને ચ-અને ક્ષણમ્-થોડીવાર પરિશ્રમમ્-થાકને વિનીય નામ-દુર કરવાનો દેખાવ કરીને ઉમામ્-ઉમાને ઋજુના--સરલ (વિલાસરહિત) એવ-જ ચક્ષુસા-આંખથી પશ્યન્- જોતો સ:-તે બ્રહ્મચારી અનુજ્જ્ઞિતક્રમ: -(બોલવાના) ક્રમને છોડ્યા વગર (મુદ્દાસર) વક્તુમ્-બોલવા માટે (બોલવાનું) પ્રચક્રમે-શરુ કર્યું.

વિવેચન: આ શ્લોકથી નવા પ્રસંગનો આરંભ થાય છે. શિવજી સ્વયં બ્રહ્મચારીના વેશમાં પાર્વતીના સ્નેહની કસોટી લેવા આવે છે. અહીં મૃગચર્મ, પલાશદંડ, બ્રહ્મચારીનું સુંદર ચિત્ર ઉપસાવ્યું છે. મનુષ્ય જીવનનું આયુષ્ય ૧૦૦ વર્ષનું કલ્પીને ચાર આશ્રમો બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમની યોજના કરવામાં આવી છે. તેમાં મનુષ્યનાપ્રથમ ૨૫ વર્ષ અધ્યયન માટે છે જે બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે. અહીં કવિએ ઉત્પ્રેક્ષા કરી છે કે બ્રહ્મચર્યાશ્રમ સ્વયં જ શરીર ધારણ કરીને આવતો ન હોય !

 

(૩૩) અપિ કિયાર્થ સુલભં સમિત્કુશં જલાન્યપિ સ્નાનવિધિક્ષમાણિ તે I

અપિ સ્વશક્ત્યા તપસિ પ્રવર્તસે શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્ II

અન્વયઃ અપિ કિયાર્થ સમિત્કુશમ્ સુલભમ્?  અપિ જલાનિ તે સ્નાનવિધિક્ષમાણિ? અપિ સ્વશક્ત્યા તપસિ પ્રવર્તસે? ખલુ, શરીરમ્ આદ્યમ્ ધર્મસાધનમ્ (અસ્તિ) I

ભાષાંતર:હવનક્રિયા કરવા માટે સમિધા અને દર્ભ સહેલાઈથી મળી તો રહે છે? વળી પાણી પણ તમારે માટે સ્નાન કરવાને યોગ્ય છે ને ? તપ પણ તમે પોતાની શક્તિ મુજબનુંજ કરો છો ને ? કારણ કે શરીર એજ ધર્મકાર્ય કરવા માટેનું મુખ્ય (પ્રથમ) સાધન છે.

શબ્દાર્થ: અપિ- શું, ક્રિયાર્થમ-હોમ ક્રિયા માટે સ્મિત્કુશમ-સમિધો અને દર્ભ, સુલભમ્-સરળતાથી મળે છે ? અપિ-શું જલાનિ-પાણી તે-તમારા, સ્નાનવિધિ-ક્ષમાણિ-સ્નાનવિધિ માટે યોગ્ય ? અપિ-શું, સ્વશક્ત્યા-પોતાની શકિતને અનુરૂપ તપસિ-તપમાં, પ્રવર્ત્તસે-પ્રવર્તો છો (તપ કરો છો ?)ખલુ-ખરેખર, શરીરમ્-શરીર આદ્યમ-પ્રથમ (મુખ્ય ધર્મસાધનમ્-ધર્મનું સાધન (અસ્તિ-છે.)

વિવેચન : શરીરમાદ્ય ખલુ ધર્મસાધનમ્ I બ્રહ્મચારી પાર્વતીને તપ વિષે ત્રણ પ્રશ્નો પૂછે છે, એમાં શરીર વિષેનો પ્રશ્ન મહત્વનો છે. તે જાણવા માગે છે કે પાર્વતી પોતાના શારીરિક સામર્થ્યને અનુસરીને તપની પ્રવૃત્તિ કરે છે કે કેમ ? કારણ કે શરીર ધર્મને સાધવાનું મુખ્ય સાધન છે. શરીર, વાણી,બુદ્ધિ, ધન વગેરે ઘણાં સાધનોથી ધર્મ સાધી શકાય છે પણ શરીર તેમાં મુખ્ય સાધન છે. દેશ હોય તો જ ધર્મ, અર્થ, કામ, મોક્ષ બે ચારે પુરૂષાર્થો સાધી શકાય છે. તેથી સતત પોતાની જાતનું (શરીર નું) રક્ષણ કરવું જોઈએ. વાંચો; ધર્મસ્તુ કાયેન વાચા બુધ્ધયા ધનાદિના ચ બહુભિ: સાધ્યતે I તેષુ ચ વપુરેવ મુખ્યં સાધનમ્ સતિ દેહે ધર્માર્થકામમોક્ષલક્ષણા: ચતુર્વર્ગા: સાધ્યન્તે I અતએવ સતતમ્ આત્માનમ્ એવ ગોપયીત ઈતિ શ્રુતિ: I (મલ્લિનાથ). આ શ્લોકમાં સામાન્ય વાતથી વિશેષ વાતનું સમર્થન થતું હોવાથી અર્થાન્તરન્યાસ અલંકાર છે. શરીરમાદ્ય ખલુ ધર્મસાધનમ્ Iએ અંતિમ ચરણ કહેવતના જેવું બની ગયું છે.

સમિત્કુશમ્-સમિધ: ચ કુશા: (સમાહાર દ્વન્દ્વ). સમાજમાં અચેતન પદાર્થો હોય ત્યારે જાતિની પ્રધાનતા સૂચવતો સામાયિક શબ્દ નપુ. એ.વ. માં મૂકાય છે. (જાતિ: અપ્રાણિનામ્ ૨/૪/૫) સુલભમ્-સુખેન લભ્યતે તત્-સહેલાઈથી મળે તેવું. સ્નાનવિધિક્ષમાણિ-સ્નાનસ્ય વિધિ તસ્મિન્ ક્ષમાણિ (સ.ત.) સ્નાનવિધિમાં યોગ્ય. સ્વશક્ત્યા સ્વા શક્તિ: (કર્મધારય),તયા-પોતાની શક્તિને અનુરૂપ (શરીરના ગજા ઉપરવટ થઈને નહિ) પ્રવર્તસે-પ્ર+વૃત્ નું વ.કા.બી.પુ.એ.વ. ધર્મસાધનમ્-ધર્મસ્ય સાધનમ્ (ષ.ત.) ધર્મનું સાધન.

 

(૩૫) અપિ પ્રસન્નં હરિણેષુ તે મન: કરસ્થદર્ભપ્રણયાપહારિષુ I

ય ઉત્પલાક્ષિ પ્રચલૈર્વિલોચનૈસ્તવાક્ષિસાદૃશ્યમિવ પ્રયુચ્ચતે II

અન્વય: અપિ કરસ્થદર્ભપ્રણયાહારિષુ હરિણેષુ તે મન: પ્રસન્નમ્ (અસ્તિ) ? હે ઉત્પલાક્ષિ, યે (હરિણા:) પ્રચલૈ: વિલોચનૈ: તવ અક્ષિસાદૃશ્યમ્ પ્રયુચ્ચતે I

ભાષાંતર : હાથમાં રહેલ દર્ભને જે પ્રેમથી ખેંચી લ્યે છે અને જેના વિશાળ નેત્રો સાથેતમારાં નેત્રો સમાનતા ધરાવે છે એવા હરણાંઓ પ્રત્યે હે કમલનયને ! તમારું મન પ્રસન્ન તો રહે છે ને?

શબ્દાર્થ: અપિ-શું કરસ્થદર્ભપ્રણયાહારિષુ-હાથમાં રહેલા દર્ભ-ઘાસને, સ્નેહને લીધેઝૂંટવી લેનારા હરિણેષુ-હરણો ઉપર તે-તારું મન:-મન, પ્રસન્નમ્- ખુશ (અસ્તિ છે ?) હે ઉત્પલાક્ષિ- હે કમલ જેવી આંખોવાળી, યે-જે હરણો પ્રચલૈ:-ચંચલ વિલોચનૈ:-નેત્રોથી તવ-તમારા, અક્ષિસાદ્દશ્યમ્-આંખોના સાદ્દશ્યનો (સરખાપણાનો)  પ્રયુચ્ચતે ઈવ-જાણે કેપ્રયોગ (અભિનય) કરે છે.

વિવેચન : પાર્વતી અને હરણો વચ્ચે અત્યંત સ્નેહ બંધાયો હતો. એવા સ્નેહને લીધે હરણો તેના હાથમાંથી દર્ભ ઝૂંટવી લેતાં. એક રીતે તો તે એમ કરીને પાર્વતીનો અપરાધ કરતાં હતાં. આવાં અપરાધી હરણો ઉપર મન પ્રસન્ન તો રહે છે ને ? એમ બ્રહ્મચારી પૂછે છે. તપસ્વીઓએ તો અપરાધી પ્રત્યે પણ ગુસ્સો ન કરવો જોઈએ. વાંચો : સાપરાધેષુ અપિ ન કોપિતવ્યમ્ તપસ્વિભિ: ઈતિ ભાવ: (મલ્લિનાથ).આગળશ્લોકમાં પાર્વતીના ઓષ્ટસૌંદર્યને સૂચવીને, અહીં તેની નેત્રસુંદરતાને વ્યક્ત કરી છે. જો કે બ્રહ્મચારી સ્ત્રીના અંગસૌંદર્યને વર્ણવે તેમાં ઔચિત્ય નથી, પણ શિવ પોતે બ્રહ્મચારીના વેશમાં હોવાથી એ ઘટી શકે. આ વર્ણનમાં જે ઉપમેયની અધિકતા ગણીએ તો વ્યતિરેક અલંકાર બને અને, હરણો પાર્વતીની આંખોના સાદ્દશ્યનો જાણે કે અભિનય કરે છે, એમ લઈએ તો ઉત્પ્રેક્ષા છે.

 

કરસ્થદર્ભપ્રણયાપહારિષુ-કરે નિષ્ઠતિ ઈતિ (ઉપપદ), કરસ્થા: ચ તે દર્ભા: (કર્મધારય), તાન્ પ્રણયેન અપહારિણિત:  (તૃ.ત.)-હાથમાં રહેલા દર્ભને સ્નેહને લીધે ઝૂંટવી લેનારાં (હરણો ઉપર.) અપહારિષુ ને બદલે અપરાધિષુ એવો પાઠ પણ છે. પ્રસન્નમ્-પ્ર+સદ્ નું ક.ભૂ.કૃ. (અહીં કર્તરિ અર્થ) મનનું વિશેષણ. ઉત્પલાક્ષિ ઉત્પલે ઈવ અક્ષિણી યસ્યા: સા (બે) કમળોજેવી આંખો જેની છે તેવીનું સંબોધન (સ્ત્રીલિંગ) એ.વ. ઉત્પલાક્ષિ-હે કમલનયને (પાર્વતી). આક્ષિસાદૃશ્યમ્- અક્ષ્ણો: - સાદૃશ્યમ્ (ષ.ત.) આંખોનું સાદ્દશ્ય. સદૃશસ્ય ભાવ: સાદૃશ્યમ -સરખાપણું. પ્રયુચ્ચતે-પ્ર+યુજ ધાતુનું વ. કા. ત્રી. પુ. બ. વ. પ્રયોગ કરે છે, અભિનય કરે છે.

 

(૩૯) પ્રયુક્ત સત્કારવિશેષમાત્મના ન માં પરં સંપ્રતિપત્તુમર્હષિ I

યત: સતાં સન્નતગાત્રિ સંગતં મનીષિભિ: સાપ્તદીનમુચ્યતે II

અન્વય : (હે) સંનતગાત્રિ, આત્મના પ્રત્યુક્તસત્કારવિશેષં માં પરં સંપ્રતિપત્તું ન અર્હસિ I યત: મનીષિભિ: સંતાં સંગતમ્ સાપ્તપદીનમ્ ઉચ્યતે I

ભાષાંતર : જેનો વિશિષ્ટ પ્રકારનો સત્કાર થયો છે એવા મને હવે તમારે જુદો માનવો જોઈએ નહી, કેમકે હે કોમલાંગી ! (નમણાં અંગોવાળી) સાત પદોની (શબ્દોની) આપલેથીજ સજ્જન પુરુષો સાથે મિત્રતા બંધાય છે એમ વિદ્વાનો કહે છે.

શબ્દાર્થ : સંનતગાત્રિ-હે નમણાં ગાત્રોવાળી (પાર્વતી), આત્મના -તમે પોતે પ્રત્યુક્તસત્કારવિશેષં-જેનો વિશેષ સત્કાર કર્યો છે તેવા મામ્-મને પરમ્-પારકો (પરાયો) સંપ્રતિપત્તુમ્--ગણવો (જાણવો) તે ન અર્હસિ-તમને યોગ્ય નથી. યત:- કારણ કે, મનીષિભિ:- બુદ્ધિશાળી લોકો વડે સતામ્-સજ્જનોની સંગતમ્-મૈત્રી સાપ્તપદીનમ્-સાત પદોથી થતી, સાત શબ્દો સાથે બોલવાથી કે સાત ડગલાં સાથે ચાલવાથી થતી ઉચ્યતે-કહેવાય છે.

વિવેચન : હવે બ્રહ્મચારી પાર્વતીને કંઈક અંગત પૂછવા માગે છે. તેથી, પહેલાં તે પોતે પાર્વતીનો મિત્ર બની ગયેલ છે એમ પૂરવાર કરે છે. પ્રશ્ન પૂછતાં પહેલાં પ્રશ્ન પૂછવાનો તે પોતાનો અધિકાર સિદ્ધ કરે છે. પાર્વતીએ સામે ચાલીને બહ્મચારીનો વિશિષ્ટ સત્કાર કર્યો. છે. તેથી, હવે તે એનો મિત્ર બની ગયો છે. ‘સાત પદોથી મિત્રતા થાય છે' એમ વિદ્વાનો કહે છે. આને બન્ને રીતે ઘટાવી શકાય. બ્રહ્મચારી બરાબર ૩૩ થી ૩૯ એટલે સાત શ્લોકો પાર્વતી સાથે બોલ્યો છે. તેથી, સાત કે સાતથી ઘણા વધારે પદો તો તે પાર્વતી સાથે બોલ્યો છે જ. તેથી બન્ને વચ્ચે મિત્રતા પ્રાપ્ત થઈ ગઈ છે, એમ કહેવાય. વળી, પાર્વતીબ્રહ્મચારીની સામે ચાલીને સત્કાર કરવા ગઈ હતી. તેથી, સાત ડગલાં સાથે ચાલવાથી પણ મૈત્રી થઈ ગઈ ગણાય. વિશેષ વાતનું સામાન્યથી સમર્થન થતું હોવાથી આ શ્લોકમાં અર્થાન્તરન્યાસ અલંકાર છે.

પ્રયુત્કસત્કારવિશેષમ્-સત્કારસ્ય વિશેષ: (ષ.ત.) (વિશિષ્ટ પ્રકારનો સત્કાર), પ્રયુક્ત: સત્કારવિશેષ: યસ્ય સ તમ્ (બહુવ્રીહિ) કરવામાં આવ્યો છે વિશિષ્ટ સત્કાર જેનો તેવા (મને). સંપ્રતિપત્તુમ્-સમ+પ્રતિ+પદ્ નું હેત્વર્થ કૃદન્ત-જાણવા માટે જાણવો. સંનતગાત્રિ- સંનતાનિ ગાત્રાણિયમ્યા: સા સંનતગાત્રી, તેનું સંબોધન એ. વ. યોગ્ય રીતે નમેલાં છે ગાત્રો જેનાં તેવી, હે નમણાં અંગોવાળી. સંગતમ્-સમ્+ગમ્ નું ભૂ. કૃ. નપું. એ. વ. મિત્રતા. મનીષિભિ-મનઃ ઈષિભિ: વિદ્વભ્દિ:  મન ઉપર શાસન કરનારા, બુદ્ધિપ્રધાન લોકો વડે અથવા મનીષાન્ (બુદ્ધિ) + ઈન-મનીષિન બુદ્ધિશાળી. સાપ્તપદીનમ્-સપ્તભિ: પદૈ: આપદ્યતે સપ્તપદોચ્ચા- રણસાધ્યમ્ (મલ્લિનાથ). સાત પદો (શબ્દો) ઉચ્ચારવાથી સાધી શકાય તેવી મૈત્રી પદ એટલે ડગલું પણ થાય. સપ્તપદ એ દ્વિગુ સમાસમાં ઈન્ પ્રત્યય જોડીને સાપ્તપદીન રૂપ સાધવામાં આવે છે.

 

(૪૨) ભવત્યનિષ્ટાદપિ નામ દુ:સહાન્મનસ્વિનીનાં પ્રતિપત્તિરીદૃશી I

વિચારમાર્ગપ્રહિતેન ચેતસા ન દૃશ્યતે તશ્ચ કૃશોદરિ ત્વયિ II

અન્વય : દુ: સહાત્ અનિષ્ટાત્ અપિ મનસ્વિનીનામ્ ઈદૃશી પ્રતિપત્તિ: ભવતિ નામ, , હે કૃશોદરિ, વિચારમાર્ગપ્રહિતેન ચેતસા તત્ (અષ્ટિમ્) ત્વયિ ન દૃશ્યતે I

ભાષાંતર : સહન ન થઈ શકે તેવી વિપત્તિ આવી પડે ત્યારે સ્વમાની સ્ત્રીઓ આવું વર્તન કરે છે. પરન્તુ હે કૃશોદરિ ! (પાતળી કરમવાળી) મનમાં ખૂબ જ વિચાર કરવા છતાં તારા વિષે કંઈ જ દેખાતું નથી.

શબ્દાર્થ:દુ: સહાત્- મુશ્કેલીથી સહન કરી શકાય તેવા (અસહ્ય), અનિષ્ટાત્- અપ્રિય સંજોગ (અપમાન)ને લીધે અપિ-પણ મનસ્વિનીનામ્-મનસ્વી સ્ત્રીઓની (ઊંચા કે દ્રઢ મનવાળી સ્ત્રીઓની ઈશા-આવી (તપ કરવાની) પ્રતિપત્તિ:-પ્રવૃત્તિ ભવતિ નામ-સંબંધિત છે (સંભવ છે કે થાય) ચ-અને કૃશોદરી-હેકૃશ (પાતળા, નાજુક) ઉદરવાળી, વિચારમાર્ગપ્રહિતેન-વિચારના માર્ગે મોકલેલા ચેતસા-મનથી (ખૂબ વિચાર કરવા છતાં) તત્-તે (તેવું કોઈ અનિષ્ટ) ત્વયિ-તમારામાં (તમારા વિષયમાં) ન દૃશ્યતે-દેખાતું નથી.

વિવેચન : કદાચ પતિ વગેરે તરફથી કોઈ દુઃખ થાય તો મનસ્વિની સ્ત્રીઓ એ સહન કરી શકતી નથી, અને તપનો માર્ગ લે છે. પાર્વતી તો અપરિણિતા છે. તેથી બ્રહ્મચારીને પાર્વતીની બાબતમાં ખૂબ વિચાર કરવા છતાં, તપ કરવાના પ્રેરક કારણરૂપ, કોઈ અનિષ્ટ જણાતું નથી.

દુ:સહાત્ દુખેન સહ્યતે ઈતિ તસ્માત્ - મુશ્કેલીથી જે સહન કરી શકાય છે તે દુ:સહ કે અસહ્ય. અનિષ્ટાત્-ન ઈષ્ટમ્ ઈતિ તસ્માન્-જે પ્રિય નથી તેવું, ન ઇચ્છેલ હોય તેવું અપમાન જેવું કોઈક દુઃખ મનસ્વિનીનામ્-પ્રશસ્તમ્ મન: અસ્તિ ય્સ્યા: તાસમ્-મનસ્વી એટલે ઊંચા કે દ્દઢ મનનો મનુષ્ય, (મનસ્વી) માં સ્ત્રીલિંગ પ્રત્યય ઉમેરવાથી મનસ્વિની- શબ્દ બને છે. વિચારમાર્ગપ્રહિતેન-વિચારસ્ય માર્ગ: (ષ.ત.) વિચારમાર્ગે પ્રહિતમ્ (સ.ત.) તેન -વિચારના માર્ગે મોકલેલા ચેતસા- મનથી અર્થાત ખૂબ વિચાર કરવા છતાં પ્રહિતેન પ્ર+ધા નું ક.ભૂ.કૃ. પ્રહિત-નું તૃ. એ. વ. મોકલેલું. કૃશોદરિ-કૃષમ્ ઉદરમ્ યસ્યા: સા (બહુવ્રીહિ), સંબોધનમાં કૃશોદરિ-હે કૃશ ઉદરવાળી, નાજુક કટિભાગવાળી (પાર્વતી).

 

(૪૪) કિમિત્યપાસ્યાભરણાનિ યૌવને ધૃતં ત્વયા વાર્ધકશોભિ વલ્કલમ્ I

વદ પ્રદોષે સ્ફુટચન્દ્રતારકા વિભાવરી યદ્યરૂણાય કલ્પતે II

અન્વય : યૌવને ત્વયા આભરણાનિ અપાસ્ય વાર્ધકશોભિ વલ્કલં કિમિતિ ધૃતમ્ I પ્રદોષે સ્ફુટચન્દ્રતારકા વિભાવરી યદિ અરૂણાય કલ્પતે વદ I

ભાષાંતર : તે યુવાવસ્થામાં ધારણ કરવા યોગ્ય આભૂષણોને છોડીને વૃદ્ધાવસ્થાનેશોભે તેવાં વલ્કલ વસ્ત્રો શા માટે ધારણ કર્યાં છે ? ચન્દ્ર અને તારલાઓથી પ્રકાશતી રાત્રી શું તેના પ્રારંભમાં જ પ્રભાતની લાલિમાને ધારણ કરે તે યોગ્ય છે કહે.

શબ્દાર્થ : યૌવને-યૌવનમાં ત્વયા-તમે આભરણાનિ-આભૂષણો અપાસ્ય-છોડી દઈને વાર્ધકશોભિ-વૃદ્ધાવસ્થામાં શોભે તેવું વલ્કલં-વલ્કલ કિમિતિ-શા માટે (ક્યા હેતુથી) ધૃતમ્- ધારણ કર્યું છે ? પ્રદોષે-રાત્રિના પ્રારંભમાં (સાંજે) સ્ફુટચન્દ્ર-તારકા -પ્રગટી ઊઠેલા (ફૂટી નીકળેલા) ચન્દ્ર અને તારાઓવાળી વિભાવરી-રાત્રિ યદિ-જો અરૂણાય-સૂર્યોદય માટે (અરૂણોદય માટે) કલ્પતે-યોગ્ય બને છે, વદ-(તમે) કહો.

વિવેચન : યુવાવસ્થામાં પાર્વતી શા હેતુથી તપ કરે છે. એ જાણવા બ્રહ્મચારી પ્રશ્ન કરે છે. વલ્કલ તો વૃદ્ધાવસ્થામાં શોભે. યૌવનમાં આભૂષણો શોભે. જેમાં ચંદ્ર અને તારાઓ ઊગી નીકળ્યા હોય તેવી રાત્રિ, સાંજના સમયે જ કંઈ સૂર્યોદયના રૂપમાં ફેરવાઈ જાય ખરી? યુવાવસ્થામાં પાર્વતી આભૂષણો છોડીને વલ્કલ ધારણ કરે એ, ચંદ્રતારાઓવાળી રાત્રિ સાંજે જ સૂર્યોદયમાં ફેરવાઈ જાય, તેમ યોગ્ય ન લાગે. સુંદર આભૂષણો અને શૃંગાર સજવાના સમયે પાર્વતી વૃદ્ધાવસ્થાને અનુરૂપ સંનિવેશ ધારણ કરે તે યોગ્ય લાગે નહિ. અહીં, પાર્વતી-રાત્રિ યૌવન-પ્રદોષ, આભૂષણો-ચંદ્રતારા, વૃદ્ધાવસ્થા અરૂણોદય, આમ બિંબ–પ્રતિબિંબ ભાવ હોવાથી દૃષ્ટાંત અલંકાર છે.

         અપાસ્ય-અપ+અસુ નું સં. ભૂ. કૃ. છોડીને વાર્ધકશોભિ-વૃદ્ધસ્ય ભાવ:, તસ્મિન શોભતે ઈતિ વાધકશોભિ-વૃદ્ધાવસ્થામાં શોભે તેવું (વલ્કલ), સ્ફુટચન્દ્રતારકા:-ચન્દ્ર ચ તારકા: ચ- (દ્વંદ્વ) સ્ફુટા: ચન્દ્રતારકા: યસ્મામ્ સા (બહુવ્રીહિ)- ફૂટી નીકળ્યા છે (ઊગી નીકળ્યા છે) ચંદ્ર અને તારાઓ જેમાં તેવી વિભાવરી) યદિ અરૂણાય કલ્પતે-જો રાત્રિ અરૂણોદયમાં ફેરવાઇ જતી હોય તો, અરૂણોદય માટે યોગ્ય બનતી હોય તો. ક્લૃપ ધાતુ સાથેની ચોથી વિભક્તિ સૂચવે છે કે અમુક વસ્તુ માટે કંઈક બને છે અથવા અમુક વસ્તુ અમુક બની જાય છે. ક્લૃપ ની સાથે સ્વતંત્ર રીતે પણ ચતુર્થી વિભક્તિ સમજી શકાય. અરૂણ સૂર્યનો સારથિ મનાય છે. તે સૂર્યની પહેલાં પહોંચી જાય છે. ઉષાની લાલિમા એ જ અરૂણોદય. એ જસૂર્યના ઉદયનો સમય હોવાથી ‘સૂર્યોદય’ પણ કહેવાય.

 

(૪૮) મુનિવ્રતૈસ્ત્વામતિમાત્રકર્શિતાં દિવાકરોત્પ્લુષ્ટવિભૂષણાસ્પદામ્ I

શશાંકલેખામિવ પશ્યતો દિવા સચેતસ: કસ્ય મનો ન દૂયતે II

અન્વય:- મુનિવ્રતૈ: -અતિમાત્રકર્શિતામ્ દિવાકરાપ્લુષ્ટવિભૂષણાસ્પદામ્, દિવા શશાંકલેખામ્ ઈવ ત્વામ્ પશ્યત: સચેતસ: કસ્ય મન: ન દૂયસે I

ભાષાંતર : મુનિઓના જેવી તપસ્યાને કારણે ખૂબ જ દુર્બલ બર્નલી, સૂર્યના તાપને લીધે જેનાં આભૂષણો પહેરવાનાં અંગો સૂકાઈ ગયાં છે અને દિવસે દેખાતી ચન્દ્રલેખા સમી તને જોતાં કયા દયાળુ માણસનું મન ખિન્ન ન થાય ?

શબ્દાર્થ :મુનિવ્રતૈ:-મુનિઓનાં વ્રતોથી અતિમાત્રકર્શિતામ્ અત્યંત કૃશ (દૂબળી) થયેલી, દિવાકરાપ્લુષ્ટવિભૂષણાસ્પદામ્ સૂર્યથી શ્યામ બની ગયેલાં આભૂષણનાં સ્થાનવાળી દિવા- દિવસે શશાંકલેખામ્-ચંદ્રની રેખા (ચંદ્રલેખા) ઈવ-જેવી, ત્વામ્- તમને પશ્યત:-જોતા સચેતસ: - જીવતા કસ્ય-કોનું મનઃ-મન ન દૂયતે-દુ:ખી ન થાય ?

વિવેચન : આશ્લોકમાં બ્રહ્મચારી પાર્વતી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે. અનેક વ્રતો કરી કરીને પાર્વતી દૂબળી પડી ગઈ છે. સૂર્યના પ્રખર તાપને લીધે તેનાં અલંકાર પહેરવાનાં સ્થાન (હાથ, ગળું વગેરે) કાળાં બની ગયાં છે. આથી તે દિવસે દેખાતી ઝાંખી ચંદ્રલેખા જેવી નિસ્તેજ જણાતી હતી. આવી અવસ્થામાં રહેલી તેને જોઇને કોઇ પણ મનુષ્યનું હૃદય દ્રવી ઊઠે. જેનું મન દુ:ખી ન થાય તેને જડ માનવો જોઇએ.

         મુનિવ્રતૈ:-મુનીનામ્ વ્રતૈઃ (ષ.ત.) મુનિઓના વ્રતોથી. દિવાકરાપ્લુષ્ટવિભૂષણાસ્પદામ્-વિભૂષણામ્ આસ્પદાનિ (ષ.ત.) આભૂષણો (પહેરવા)નાં સ્થલો હાથ, ગળું વગેરે. દિવાકરેણ આપ્લુષ્ટાનિ વિભૂષણાસ્પદાનિ યસ્યા: સા (બહુવ્રીહિ), તામ્-સૂર્યથી શ્યામ બની ગયેલાં છે આભૂષણસ્થાનો જેનાં તેવી (પાર્વતી) આપ્લુષ્ટ: - આપ્લુષ ધાતુનું કં. ભૂ. કૃ. બળેલું-દાઝેલું, અહીં શ્યામ બની ગયેલું. સસાંકલેખામ્-શશાંકસ્ય લેખા, તામ્ (ષ.ત.) ચંદ્રની લેખા (કે રેખા). દિવસે દેખાતી ચંદ્રલેખા જેવી પાર્વતી. આ ઉપમા નોંધપાત્ર છે. પશ્યતઃ- દૃશનું વ.કૃ. પશ્યતનું પુ. ષષ્ઠી એ. વ. જોતા એવા (કોનું મન)સચેતા:-ચેતસાસહિત: (સહ બહુવ્રીહિ) સચેતસ્-નું ષષ્ઠીએ. વ.- સચેતન (જીવતી) વ્યક્તિનું દૂયતે- દુ:ખી થવું (૪.ગ.આ.) વ.કા.ત્રી.પુ.એ.વ.

 

(૪૯) અવૈમિ સૌભાહ્યમદેન વગ્ચિતં તવ પ્રિયં યશ્ચતુરાવલોકન: I

કરોતિ લક્ષ્યં ચિરમસ્ય ચક્ષુસો ન વક્ત્રમાત્મીયમરાલપક્ષ્મણ: II

અન્વય: તવ પ્રિયમ્ સૌભાગ્યમદેન વગ્ચિત અવૈમિ, ય: (પ્રિય:) આત્મીયમ્ વક્ત્રમ્, ચતુરાવલોકિન: અરાલપક્ષ્મણ: અસ્ય (તવ) ચક્ષુસ: ચિરમ્ લક્ષ્યં ન કરોતિ I

ભાષાંતર : હું એમ માનું છું કે તારો પ્રિયતમ પોતાના સૌદર્યના અભિમાનથી જ છેતરાયો છે, જે પોતાના મુખને ચતુર દૃષ્ટિવાળી અને વક્ર પાંપણોવાળી તારી આંખને લાંબા સમય સુધી વિષય બનાવતો નથી.

શબ્દાર્થ : તવ તમારા પ્રિયમ્-પ્રિયને (ઇચ્છિત પતિને) સૌભાગ્યમદેન-સૌદર્યના મદથી વગ્ચિત છેતરાયેલો અવૈમિ-હું જાણું છું (માનું છું ય: જે (પ્રિય) આત્મીયમ્-પોતાના વક્ત્રમ્ મુખને, ચતુરાવલોકિન: મધુર રીતે જોનાર, અરાલ પક્ષ્મણ: વાંકી પાંપણોવાળા અસ્ય-આ (તારી ચક્ષુષ:  - આંખનો ચિરમ્-લાંબા સમય સુધીનો, લક્ષ્મ્યમ્- વિષય ન કરોતિ-બનાવતો નથી (દષ્ટિમર્યાદામાં આવતો નથી, નજરે ચડતો નથી).

વિવેચન : પાર્વતીનો ઈચ્છિત પતિ માનતો હશે કે હું ખૂબ સુંદર છું, પોતાની જાતને સુંદર માનનાર એ યુવાન બિચારો પોતાના ગર્વથી છેતરાઈ ગયો. કારણ કે પાર્વતીની સુંદર આંખોનો તે વિષય બનતો નથી, પોતાના મુખને પાર્વતીની આંખો જોયા જ કરે એવો અવસર તે મેળવી શકતો નથી. તેવા યુવાનનો જન્મ નકામો છે, તદયં ગર્વેણ હત: નિષ્ફલાત્મલાભ: જાત: ઈતિ ભાવ: (મલ્લિનાથ). બ્રહ્મચર્યાશ્રમ દેહધારી બનીને સાક્ષાત્ દેખાતો હોય તેવો આ બ્રહ્મચારી નેત્રસૌંદર્યની વાત કરે એમાં ઔચિત્ય ન ગણાય. પણ આ તો ઢોંગી બ્રહ્મચારી છે ! શિવ પોતે અજ્ઞાત રહીને, પાર્વતીના પ્રિય વિષે આવું બોલે તેમાં વક્રોકિત હોવાથી આ સંવાદ રસપૂર્ણ બન્યો છે.

         સૌભાગ્યમદેન-સુભગસ્ય ભાવ: સૌભાગ્યમ્, તસ્ય મદેન (ષ.ત.) સૌભાગ્ય (સૌંદર્ય)ના ગર્વથી અવૈમિ-અવ+ઈ નું વર્તમાનકાળ પ્ર. પુ. એ. વ. – હું જાણું છું. ચતુરાવલોકિન: -ચતુરમ્ યથા તથા અવલોકતે, તસ્ય-મધુર રીતે જોનાર ચક્ષુસ્ નું વિશેષણ. અરાલપક્ષ્મણ::-અરાલાનિ (વાંકી) પક્ષ્માણિ (પાંપણો) યસ્ય (જેની) તત્ (તે) તસ્ય-વાંકી પાંપણોવાળી ચક્ષુસ્ નું વિશેષણ.

 

 

 

(૫૨) સખી તદીય: તમુવાચ વર્ણિનં નિબોધ સાધો તવ ચેત્કુતૂહલમ્ I

યદર્થમમ્ભોજમિવોષ્ણવારણં કૃતં તપ: સાધનમેતયા વપુ: II

અન્વય : તદીયા સખી તમ્ વર્ણિનમ્ ઉવાચ I સાધો, તવ (શ્રોતુમ્) કુતૂહલમ્ ચેત નિબોધI યદર્થમ અમ્ભોજમ્  ઉષ્ણવારણમ્ ઈવ એતયા: વપુ: તપ: સાધનમ્ કૃતમ્ I

ભાષાંતર : તેની સખીએ બ્રહ્મચારીને કહ્યું, 'હે સજ્જન ! જેવી રીતે (માનસિક) તાપના નિવારણ માટે કમળનો ઉપયોગ કરાય છે તેવી જ રીતે આને પણ જે કારણથી પોતાના શરીરને તપનું સાધન બનાવ્યું છે તે જાણવાનું આશ્ચર્ય હોય તો સાંભળો.'

શબ્દાર્થ : તદીયા -તેની (પાર્વતીની) સખી-સખીએ તમ્-તે વર્ણિનમ્-બ્રહ્મચારીને ઉવાચ-કહ્યું, સાધો-હે સજ્જન, તવ-તમારું (તમને) કુતૂહલમ્-કુતુહલ ચેત-જો હોય તો, નિબોધ-જાણી લો (સાંભળો). યદર્થમ-જે માટે (શા માટે) અમ્ભોજમ્- કમળને ઉષ્ણવારણમ્- તાપ અટકાવવા માટે સાધન (બનાવવામાં આવે) ઈવ તેમ એતયા-આણે (આ પાર્વતીએ) વપુ:-શરીરને તપ: સાધનમ્-તપનું સાધન કૃતમ્-બનાવ્યું છે.

વિવેચન : પાર્વતીની સખી, તપનું કારણ કહેતાં પહેલાં, પ્રસ્તાવનારૂપે કહે છે કે હે બ્રહ્મચારી, જેના માટે પાર્વતી તપ કરી રહી છે તે કારણ તમે સાંભળો. અહીં એક સુંદર ઉપમા નોંધવા જેવી છે. જેમ કોઈ કમળને, તાપને અટકાવવાનું સાધન બનાવે તેમ પાર્વતીએ પોતાના કમળ જેવા કોમળ શરીરને તપનું સાધન બનાવ્યું છે. ખરેખર તો આવું કોમળ શરીર કઠોર તપને માટે યોગ્ય હોતું નથી. સરખાવો : ઈદમ્ કિલાવ્યાજમનોહરં વપુ: તપ: ક્ષમં સાધયિતુમ્ ય ઈચ્છતિ I ધ્રુવં સ નીલોત્પલપત્રધારયા શમીલતામ્ છેત્તુમૃષિર્વ્યસ્યતિ II (શાકુ. ૧-૧૭)

         તદીયા-તસ્યાઃ ઈયમ-તેની, પાર્વતીની, વર્ણિનમ્-વર્ણ એટલે પ્રશસ્તિ, સ્મરણ, કીર્તન, કેલિ, પ્રેક્ષણ, ગુહ્યભાષણ, સંકલ્પ, અધ્યવસાય (નિશ્ચય), ક્રિયાની નિવૃત્તિ, આ આઠ પ્રકારના મૈથુનના અભાવને પ્રશસ્તિ કહે છે. વર્ણમાં ઈન પ્રત્યય લાગતાં વર્ણિન બને. વર્ણિન એટલે ઉપર જણાવેલા આઠ પ્રકારના બ્રહ્મચર્યને પાળે છે તે બ્રહ્મચારી. વર્ણિનમ્ (દ્વિતીયા એ.વ.) બ્રહ્મચારીને, અહીં બનાવટી બ્રહ્મચારી બનેલા શિવને માટે વર્ણી શબ્દ વપરાયો છે. નિવોધ-નિ+બુધ નું આજ્ઞાર્થ બી.પુ. એ.વ. તું જાણી લે. યદર્થમ-યસ્મૈ ઈદમ્ (નિત્યસમાસ) અથવા યસ્મૈ લાભાય ઈદમ્ યદર્થમ્ (ક્રિયાવિશેષણ). અમ્ભોજમ્-અમ્બસિ જાયતે ઈતિ (ઉપપદ) પાણીમાં જન્મે છે તે કમળ. ઉષ્ણવારણમ્-ઉષ્ણસ્યવારણમ્-ઉષ્ણતાને અટકાવવાનું સાધન, તપ: સાધનમ્-તપસઃ સાધનમ્ (ષ.ત.)- તપનું સાધન.

 

(૫૮) યદા બુધૈ: સર્વગતસ્ત્વમુચ્યતે ન વેત્સિ ભાવસ્થમિમં કથં જનમ્ I

ઈતિ સ્વહસ્તોલ્લિખિતશ્ચ મુગ્ધયા રહસ્યુપાલભ્યત ચન્દ્રશેખર: II

અન્વય : ચ, યદા ત્વં બુધૈ: સર્વગત: ઉચ્યતે (તદા) ભાવસ્થમિમં ઈમમ્ જનમ્ કથમ્ ન વેત્સિ ? ઈતિ મુગ્ધયાસ્વહસ્તોલ્લિખિતશ્ચ ચન્દ્રશેખર: રહસિ ઉપાલભ્યત I

ભાષાંતર : જો જાણકારો (જ્ઞાનીઓ) તમને સર્વજ્ઞ (સર્વવ્યાપી) કહે છે તો પછી તમારામાં રહેલાં ભાવવાળી એવી મને તમે કેમ ઓળખતા નથી. એ રીતે પોતાના હાથે જ દોરેલા શિવને તે મુગ્ધ એકાંતમાં ઠપકો આપતી હતી.

શબ્દાર્થ : ચ-વળી, યદા-જ્યારે, (જે કારણથી) ત્વમ્- તમેબુધૈ: -ડાહ્યા માણસો (વિદ્વાનો) દ્વારા સર્વગત:-સર્વવ્યાપક ઉચ્યસે-કહેવામો છો (તદા-ત્યારે) ભાવસ્થમ-રતિ નામના ભાવમાં રહેલા (તમારી સાથે પ્રેમ કરતા) ઈમમ્-આજનમ્-જનને (મને) કથમ્- કેમ નવેત્સિ-જાણતા નથી, તિ-આ પ્રમાણે, મુગ્ધયા-મુગ્ધા (ભોળી) પાર્વતી દ્વારા સ્વહસ્તોલ્લિખિત-પોતાના હાથે ચીતરેલા ચન્દ્રશેખર-ચંદ્રના મસ્તક-આભૂષણવાળા શંકરને રહસિ-એકાંતમાં ઉપાલભ્યત-ઠપકો અપાયો.

વિવેચન : પ્રિયજન પ્રત્યક્ષ મળી શકે તેમ ન હોય ત્યારે વિરહકાલને પસાર કરવા માટે ચાર ઉપાયો બતાવવામાં આવ્યા છે : (૧) સ્વપ્નદર્શન-સ્વપ્નમાં પ્રિયજનને જોઇને, (૨) સાદશ્યદર્શન-પ્રિયજનના જેવી કોઇક વ્યક્તિને જેઈને, (૩) પ્રતિકૃતિદર્શન-ચિત્ર દોરીને અને તેમાં પ્રિયજનને જોઈને, (૪) પ્રિયજન-અંગસ્પૃષ્ઠસ્પર્શ-પ્રિયજનના અંગથી સ્પર્શાયેલી (વીંટી વગેરે) વસ્તુઓનો સ્પર્શ કરીને વિરહી પ્રેમીજન વિરહનો કાલ પસાર કરે છે. સ્વપ્નદર્શનની વાત આગળના શ્લોકમાં કહી. અહીં, પ્રતિકૃતિદર્શનનો નિર્દેશ છે. પાર્વતી શિવને ચિત્રમાં દોરીને આમ ઠપકો આપતી 'વિદ્વાનો તો તમને સર્વવ્યાપક કહે છે. સર્વવ્યાપક તો બધું જ જાણે. તો પછી તમારા વિરહમાં દુ:ખી થયેલી મને (પાર્વતીને) તમે કેમ જાણતા નથી ?’ આમ, એકાંતમાં, છતાં, તેની સખીઓ સમક્ષ, તે ચીતરેલા શિવને ઠપકો આપતી : યદ્યપિ રહસિ ઈત્યુક્તમ્ તથાપિ સખીસમક્ષકરણાત્ લજ્જાત્યાગ વ્યજ્યતે એવ| (મલ્લિનાથ). આ અભિપ્રાય મુજબ, ભલે અન્ય લોકોથી છુપી રીતે, પણ સખીઓની સમક્ષ, તે ચીતરેલા શિવને ઠપકો આપતી. તેથી તેણે સખીઓની શરમ છોડી દીધી હતી એમ સમજી શકાય. તેથી, અહીં 'લજ્જાત્યાગ' નામની કામદશાનું સૂચન છે. કેટલાકનાં મતે અહીં ઉન્માદની કામદશા સૂચિત છે.

         સર્વગત:-સર્વમ્ ગત: (દ્વિ.ત.)- સર્વમાં પહોંચેલ, વ્યાપી ગયેલ. ઉચ્યસે-વચ્નું કર્મણિ વ.કા.બી.પુ.એ.વ. કહેવાઓ છો. વેત્સિ-વેદનું વ.કા.બી.પુ. એ.વ. તું જાણે છે. ભાવસ્થમ્-ભાવે તિષ્ઠતિ (ઉપપદ) રતિ નામના ભાવમાં સ્થિર, અનુરાગવાળી મને, સ્વહસ્તોલ્લિખિત: સ્વ: ચાસૌ હસ્ત: -પોતાનો હાથ (કર્મધારય), સ્વહસ્તેન ઉલ્લિખિત (તૃ.ત.) પોતાના હાથે ચીતરેલા (શિવને) ઉપાલભત્-ઉપ+આ+લભ્ (લમ્ભ) નું કર્મણિ હ્યસ્તન ભૂ. કા. ત્રી. પુ. એ. વ. ઠપકો અપાયો. ચન્દ્રશેખરઃ-ચન્દ્રઃ (ચંદ્રમા) શેખરઃ (મસ્તકનું આભૂષણ) યસ્ય (જેને છે) સઃ-તે (બહુવ્રીહિ). ચંદ્રલેખા શિવના મસ્તક ઉપર આભૂષણ તરીકે રહે છે તેથી તેમને ચંદ્રશેખર કહે છે.

 

(૬૦) દ્રમેષુ સખ્યા કૃ તજન્મસુ સ્વયં ફલં તપ સાક્ષિષુ દૃષ્ટમેસવપિ I

ન ચ પ્રરોહાભિમુખોડપિ દૃશ્યતે મનોરથોડસ્યા: શશિમૌલિસંશ્રય: II

અન્વય : તદવગ્રહક્ષતામ્ સીતામ્ વૃષા ઈવ, પ્રાર્થિતદુર્લભ: સ:, તપ:-કૃશામ્ સખીભિ: અસ્ત્રોત્તરમ ક્ષિતામ્ ઈમામ્ સખીમ્, કદા અભ્યુપપત્સયતે, (તત્) ન વેદ્મિ I

ભાષાંતર : સખી (પાર્વતીએ) પોતે રોપેલાં અને તપના સાક્ષીરૂપ એવાં વૃક્ષોમાં પણ ફળદેખાવા માંડ્યા છે, પરંતુ એના શિવ વિષયક મનોરથને હજી અંકુર ફૂટ્યાં હોય એવું દેખાતું નથી.

શબ્દાર્થ : તદવગ્રહક્ષતામ્-(તેણે ઇન્દ્ર) કરેલા વરસાદના અટકાવને લીધે દુ:ખી થયેલી સીતામ્-ખેડેલી (ચાસ પાડેલી) જમીન ઉપર વૃષા-ઇન્દ્રની ઈવ-જેમ પ્રાર્થિતદુર્લભ:(પાર્વતીએ) ઇચ્છેલો અને છતાં દુર્લભ સઃ -તે (શિવ), તપ કૃશામ્-તપથી દૂબળી થયેલી, સખીભિ:-સખીઓ વડે અસ્ત્રોત્તરમ-ખૂબ આંસુઓ સાથે ક્ષિતામ્–જોવાયેલી ઈમામ્-આ સખીમ્-સખી (પાર્વતી) ઉપર કદા-કયારે અભ્યુપપત્સયતે- અનુગ્રહ કરશે, તત્-તે ન વેદ્મિ- હું જાણતી નથી.

વિવેચન : પાર્વતીએ શિવને મેળવવાની ઇચ્છા કરી છે પણ તે સહેલાઈથી મળે એવા નથી. બ્રહ્મચારીએ ૪૬મા શ્લોકમાં પ્રાર્થિતદુર્લભ: શબ્દ વાપર્યો હતો, અહીં એ જ શબ્દપાર્વતીની સખી પ્રયોજે છે. શિવ દુર્લભ તો ખરા, પણ કયાં સુધી ? તપથી કૃશકાય બનેલી એ તપસ્વિનીને તેની સખીઓ આંસુભરી આંખે જુએ છે. સખીઓને દયા આવે છે તેમ શિવને કરૂણા કેમ નહિ આવતી હોય !

         વૃષેવ સીતામ્ તદવગ્રહક્ષતામ્ - અહીં કાલિદાસે એક સુંદર ઉપમા આપી છે. ઇન્દ્ર વરસાદનો દેવ મનાય છે. તે ધારે તો વરસાદને અટકાવી શકે. વરસાદની શરૂઆત થતાં પહેલાં ખેડૂતો જમીનને હળથી ખેડીને, ચાસ પાડીને તૈયાર કરે છે. પછી વરસાદ વરસે નહિ. વરસાદ (અથવા તેના દેવ ઇન્દ્ર) ની લોકો પાર્થના કરે અને છતાં યે વરસાદ દુર્લભ બને. ચાસ પાડેલી ધરતી સૂર્યના તાપથી બળતી રહે. પછી તો કોઈ નકહી શકે કે હવે ક્યારે ઇન્દ્ર આવી દુઃખી ધરતી ઉપર કૃપા કરશો અને તેના અંતરની આગ બુઝાવશે. અહીં શિવની ઇન્દ્ર સાથે તેમજ તપથી કૃશકાય બનેલી પાર્વતીની તાપથી બળતીધરતી સાથે તુલના કરેલી છે.

         વૃષા એટલે ઇન્દ્ર. વાસવોવૃત્રહા વૃષા (અમરકોષ), સીતા એટલે ખેડેલી જમીન, હલથી કરેલી પંક્તિ, ચાસ. સીતા લાંગલપધ્ધતિ:(અમરકોષ). તદવગ્રહક્ષતામ્-તસ્ય અવગ્રહ: (ષ.ત.) તેનો અવગ્રહ, ઇન્દ્રે કરેલો વૃષ્ટિનો પ્રતિબંધ. વરસાદને અટકાવવો એટલે અવગ્રહ. તવગ્રહણક્ષમતામ્ (તૃ.ત.) તેણે (ઇન્દ્રે) કરેલા વરસાદના અટકાવથી પીડાયેલી. સીતામ્ નું વિશેષણ. પ્રાર્થિતદુર્લભ:-પ્રાર્થિત: ચ દુર્લભ: ચ (વિશેષણ કર્મધારય) ઈચ્છાયેલ અને દુર્લભ (એવા શિવ). અસ્ત્રોત્તરમ-આસ્ત્રાણામ્ ઉત્તરતા યથા ભવતિ તથા (અવ્યયીભાવ) આંસુઓની અધિકતા જેમ થાય તેમ, ખૂબ આંસુ સાથે. (‘જોવાયેલી’ એ ક્રિયાનું વિશેષણ). ઈક્ષિતામ્-ઈક્ષનું ક.ભૂ.કૃ.સ્ત્રી. દ્વિ એ.વ. જોવાયેલી. તપ: કૃશામ્-તપસા કૃશામ્ (તૃ.ત.) તપથી દૂબળી બનેલી. અભ્યુપપત્સ્યતે-અભિ+ઉપ+સદ્  નું સામાન્ય ભવિષ્યકાળ ત્રી.પુ.એ.વ.- કૃપા કરશે. બાવનમા શ્લોકથી શરૂ થયેલું પાર્વતીની સખીનું વકતવ્ય અહીં સમાપ્ત થાય છે.

 

(૬૧) ન વેદ્ભિ સ પ્રાર્થિતદુર્લભ: કદા સખીભિરસ્ત્રોત્તરમિક્ષિતામિમામ્ I

તપ: કૃશામભ્યુપપત્સ્યતે સખીં વૃષેવ સીતાં તદવગ્રહક્ષતામ્ II

ભાષાંતર : ઈચ્છવા છતાં પણ દુર્લભ એવા તે શિવ, સખીઓ વડે અશ્રુથી પરિપૂર્ણ નેત્રોવડે જેવાતી અને તપશ્ચર્યાને લીધે સુકાઈ ગયેલી પાર્વતી પર, ફળથી ખેડાયેલ અને વરસાદ ન વરસવાને લીધે ચાસવાળી જમીન પર ઇન્દ્રની (વર્ષાની) જેમ ક્યારે કૃપા કરશે તે હું જાણતી નથી.

 

(૬૪) યથા શ્રુતં વેદવિદાં વર ત્વયા જનોડયમુચૈ: પદલગ્ગનોત્સુક: I

તપ: કિલેદં તદવાપ્તિસાધનં મનોરથાનામગતિર્ન વિદ્યતે II

અન્વય : (હે) વેદવિદાં વર, ત્વયા યથા શ્રુતમ્ I અતમ્ જન: ઉચ્ચૈ પદલગ્ગનોત્સુક: Iઈદં તપ: તદવાપ્તિસાધનમ્ કિલ Iમનોરથાનામ્ અગતિ: ન વિદ્યતે I

ભાષાંતર : હે વેદ જાણનારાઓમાં ઉત્તમ ! તમે જે કાંઈ સાંભળ્યું છે તે પ્રમાણે હું ઊંચું સ્થાન મેળવવા ઉત્સુક છું. આ તપ તે મેળવવા માટે સાધનરૂપ છે કારણકે મનોરથોને ગતિ હોથી નથી.

શબ્દાર્થ : વેદવિદાં વર-હે વેદને જાણનારાઓમાં શ્રેષ્ઠ, ત્વયા-તમે યથા-બરાબર શ્રુતમ્ સાંભળ્યું છે. અયમ્-આ જનઃ-માણસ (હું) ઉચ્ચૈ: - (શિવને મેળવવા રૂપી) ઊંચા પદલડઘનોત્સુક: -સ્થાન પર ચડવા ઉત્સુક છે. ઈદમ્-આ તપ:કિલ-ખરેખર,તદવાપ્તિસાધનમ્:-તેને(તે ઊંચા સ્થાનને) મેળવવાનું સાધન છે. મનોથાનામ્-મનોરથોને, ઈચ્છાઓને અગતિ: -અવિષય ન વિદ્યતે-હોતો નથી. (અર્થાત્ ઇચ્છા સર્વત્ર ગતિ કરે છે.)

વિવેચન : પોતાના તપનાં પ્રયોજન વિષે સખીને કહેલી વાતનું સમર્થન કરતાં પાર્વતીબ્રહ્મચારીને કહે છે કે મને ઊંચા સ્થાને આરોહણ કરવાની ઇચ્છા છે. શિવને મેળવવારૂપી એ ઉન્નત પદને પ્રાપ્ત કરવું સરલ નથી. એ પદની પ્રાપ્તિ માટે લોકો તપને સાધન માને છે. પણ લાંબા સમયના કઠોર તપ પછી મને સમજાયું છે કે એ ઊંચા પદને પહોંચવા માટે તપનું સાધન પણ પૂરતું નથી, અને એવા ઊંચા પદની ઇચ્છા જ ન કરવી જોઇએ, એ પણ હું સમજું છું. છતાં શિવને મેળવવાના મનોરથને હું દૂર કરી શકતી નથી.

         મનોરથાનામ્ અગતિ: ન વિદ્યતે-પોતાની વિશેષ વાતનું સમર્થન પાર્વતી એક સામાન્ય વાતથી કરે છે : મનોરથને માટે જગતની કોઈ પણ વસ્તુ અવિષય નથી હોતી. મનુષ્યની ઇચ્છા પોતાની શક્તિને અનુરૂપ જ થાય એવું નથી. મનુષ્ય પોતાની શક્તિથી ન મેળવી શકાય તેવી વસ્તુ માટે પણ મનોરથ સેવે છે. આ પદમાં પાર્વતીનો શિવ માટેનો અતિશય આદર પ્રગટ થાય છે. પાર્વતી જાણે કહે છે કે શિવને પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી તે એક ન પૂરો થાય એવો મનોરથ છે અને છતાં એનું મન એ મનોરથ સેવે છે; કારણ કે મનોરથને માટે કશું અશક્ય નથી. ગતિ એટલે વિષય, જેના તરફ મન લોભાય તે. ઈચ્છા અમુક જ વસ્તુની થાય અર્થાત્ મનોરથ અમુક જ વસ્તુને પોતાનો વિષય બનાવે, એવો નિયમ નથી :- ન હિ સ્વશક્તિપર્યાલોચનયા કામા: પ્રવર્તન્તે ઈતિ ભાવ:(મલ્લિનાથ). અહીં વિશેષ વાતનુંસામાન્ય વાતથી સમર્થન થતું હોયાથી અર્થાન્તરન્યાસ અલંકાર છે.

         વેદવિદાંવર-વેદમ્ વિદન્તિ ઈતિ (ઉપપદ), તેષામ્ વર (ષ.ત.) વેદવિદાંવર એ બ્રહ્મચારીનુંસંબોધન છે. ઉચ્ચૈ: પદલગ્ગનોત્સુક:- ઉચ્ચૈ: પદસ્ય લગ્ગનમ્- (સ.ત.) ઊંચા સ્થાન ઉપર ચડવા માટે ઉત્સુક, તદવાપ્તિસાધનમ્ – તસ્ય અવાપ્તિ: (ષ.ત.) તે ઊંચા સ્થાનની પ્રાપ્તિ, તદવાપ્તે: સાધનમ્- (ષ.ત.) તેની પ્રાપ્તિનું સાધન. મનોરથનામ્-મન: રથ: (ષ.ત.),તેષામ્ -મનનો રથ, મનોરથ, ઇચ્છા, કામના. ઇચ્છાના રથમાં બેસી મન સર્વત્ર ગતિ કરે છે ! અગતિ:- ન ગતિ: (ન. તત્પુ.) જે વિષય નથી તે. અહીં અ-ગતિ: અને ન વિદ્યતે- એમ બે નિષેધો હોવાથી આમ અર્થ થશે : મનોરથની ગતિ સર્વત્ર છે. જગતમાં કોઈ પણ વસ્તુ એવી નથી જે મનોરથનો વિષય બની ન શકે. અર્થાત્ કોઈ પણ વસ્તુ મનોરથનો વિષય બની શકે છે.

 

(૭૨) વપુર્વિરૂપાક્ષમલક્ષ્યજન્મતા દિગમ્બરત્વેન નિવેદિતં વસુ I

વરેષુયદ્બાલમૃગાક્ષિ મૃગયતે તદસ્તિ કિં વ્યસ્તમપિ ત્રિલોચને II

અન્વય : વપુઃ વિરૂપાક્ષમ, અલક્ષ્યગન્મતા, વસુદિગમ્બરત્વેન નિવેવિતમ્ । (હે) બાલમૃગાક્ષિ, વરેષુ યદ્ (રૂપવિત્તાદિકમ્) મૃગયતે, તત્ ત્રિલોચને વ્યસ્તમ્ અપિ કિમ્ અસ્તિ ?

ભાષાંતર : તેનું (શિવનું) બેડોળ આંખોવાળું (ત્રણનેત્રોવાળું) શરીર છે, તેના જન્મ વિષેનું કંઈ ઠેકાણું નથી, દિગંબર હોવાથી તેની સંપત્તિ તો જણાઈ જ આવે છે. હે બાલમૃગાક્ષી ! (નાના હરણાંના જેવી આંખોવાળી)વરમાં જે શોધવામાં આવે છે તેમાંથી એકેય વસ્તુ શંકરમાં છે ?

શબ્દાર્થ : વપુ:-શરીર વિરૂપાક્ષમ્-કદરૂપી આંખોવાળું, અલક્ષ્યગન્મતા- અજ્ઞાત જન્મવાળા હોવાની સ્થિતિ (જન્મ વિષે કોઈને જાણ ન હોય તેવી સ્થિતિ), વસુ- ધન દિગમ્બરત્વેન-દિશારૂપી વસ્ત્રવાળા હોવાની સ્થિતિને કારણે (નગ્ન દશાને કારણે) નિવેદિતમ્- જણાઈ જાય છે, બાલમૃગાક્ષિ--બાળ મૃગની આંખો જેવી આંખો વાળી હે પાર્વતી, વરેષુ-વરમાં યત્-જે (રૂપ, ધન, કુળ વગેરે) મૃગ્યતે-અપેક્ષિત છે (શોધાય છે) તત્-તે ત્રિલોચને-ત્રણ આંખોવાળા શિવમાં, વ્યસ્તમ્-છૂટું છૂટું (એક એક) અપિ-પણ કિમ્ અસ્તિ-છે ખરું ?

વિવેચન : લોકો વર વિષે કેવી અપેક્ષાઓ રાખે છે તે દર્શાવતો એક પ્રસિદ્ધ શ્લોક છે: કન્યા વરયતે રૂપં માતા વિત્તં પિતા શ્રુતમ I બાન્ધવા: કુલમિચ્છતિ મિષ્ટાન્નમિતરે જના: I અર્થાત્ કન્યા વરના રૂપને, માતા જમાઈના ધનને, કન્યાના પિતા જમાઈના જ્ઞાનને (ભણતરને), સગાંવહાલાં વરની કુલીનતાને તેમ જ સામાન્ય લોકો માત્ર મિષ્ટાન્નને ઇચ્છે છે. બ્રહ્મચારી કહે છે કે હે પાર્વતી, આ શિવ તારો વર થવાને લાયક જ નથી. કન્યા જેની ઇચ્છા કરે તેવું રૂપ તો તેનામાં નથી. ઊલટું, ત્રણ આંખો હોવાથી તેનું શરીર કદરૂપું દેખાય છે; જ્યારે તારી આંખો તો બાલમૃગની આંખો જેવી સુંદર છે. વળી, વર તો પ્રસિદ્ધ કુળનો-કુલીન હોવી જોઈએ; જ્યારે શિવના માતા-પિતા કે કુળ વિષે કોઈ કશું જાણતુંનથી. શિવ પાસે કેટલી સંપત્તિ છે, એ તો તેમની દિગંબર દશા પરથી જ સમજાઈ જાય છે ! વસ્ત્રો પહેરી શકે એટલી યે સંપત્તિ એમની પાસે ન હોય તો કાંઈ નહિ, પરંતુ તેમાનું એકેય શિવમાંનથી. ઈશાન: સર્વવિદ્યાનામ્-બધી વિદ્યાઓના સ્વામી શિવના જ્ઞાન વગરના' કહી શકાય જ નહિ, તેથી, કવિએ એ વાતને દૂર જ રાખી છે.

         વિરૂપાક્ષમ્- વિકૃતમ્ રૂપમ્ યેષામ્ તાનિ (બહુવ્રીહિ), વિરૂપાણિ અક્ષીણિ યસ્ય તત્ (બહુવીહિ) કદરૂપી આંખોવાળું શિવનું શરીર સમાસમાં અંતે આવતા અક્ષિશબ્દનું યક્ષ બને છે. બાલમૃગાક્ષિ-બાલ: ચાસૌ મૃગ: (કર્મધારય),તસ્ય અક્ષિણી ઈવ અક્ષિણી યસ્યા: સા (બહુવ્રીહિ) બાળ હરણની આંખો જેવી આંખો જેની છે તેવી (પાર્વતી), તેનું સંબોધન બાલમૃગાક્ષિ I અલક્ષ્યજન્મતા-ન લક્ષ્યમ્ અલક્ષ્યમ્ (નઘ તત્પુ) અલક્ષ્યમ્ જન્મ યસ્ય સ: (બહુવ્રીહિ), તસ્ય ભાવ:- અજ્ઞાત જન્મવાળા હોવાની સ્થિતિ. અહીં અવિમૃષ્ટવિધેયાંશ નામનો દોષ બતાવવામાં આવે છે. જે પદ ઉપર ભાર (મૂકવાની જરૂર હોય તે પદ ઉપર ભાર ન) મૂકાય અથવા ઓછો ભાર મૂકાય ત્યારે આ દોષ બને છે. સામાન્ય રીતે જ્યારે સમાસ કરવામાં આવે ત્યારે સમાસની અંદર આવી જતા શબ્દનો ભાર ઓછો થઈ જાય છે. અહીં, શિવના જન્મની અજ્ઞાતતા-અલક્ષ્યતા ઉપર ભાર મૂકવાનો છે. પણ એ શબ્દ અલક્ષ્યજન્મતા એમ સમાસમા આવી જતો હોવાથી તે શબ્દનો ભાર ઓછો થઇ જાય છે. એવી જ રીતે, આંખો ‘ત્રણ' છે એ બાબત પર ભાર મૂકવાના હોવા છતાં સમાસને લીધે તેનો ભાર પણ ઓછો થઈ ગયો છે. દિગમ્બરત્વેન-દિશ: એવ અમ્બરમ્ યસ્ય સ: (બહુવ્રીહિ), તસ્ય ભાવ: - દિશારૂપીવસ્ત્રોવાળા હોવાની સ્થિતિ, નગ્નાવસ્થાના કારણે. નિવેદિતમ્-નિ+વિદ્નું પ્રેક ક.ભૂ.કૃ.નપુ. પ્રથમા એ.વ. જણાવાયેલું (વસુ-ધન), મૃગ્યતે-મૃગ નું કર્મણિ વ. કા,ત્રી.પુ.એ.વ. શોધાય છે. વ્યસ્તમ્-વિ+અસ્ નું ક.ભૂ.કૃ. છૂટું છૂટું, સમસ્ત નહિ એવું, એક એક. ત્રિલોચને-ત્રીણિ લોચનાનિ યસ્ય સ: (બહુવ્રીહિ) ત્રણ છે આંખો જેને, તસ્મિન્ તે (શિવ)માં.

 

(૭૫) ઉવાચ ચૈનં પરમાર્થતો હરં ન વેત્સિ નૂનં યત એવમાત્થ મામ્ I

અલોકસામાન્યમચિન્ત્યહેતુકં દ્વિષન્તિ મન્દાશ્ચરિતં મહાત્મનામ્ II

અન્વય : ચ, (સા) એનમ્ ઉવાચ I નૂનમ્ (ત્વં) પરમાર્થત: હરમ્ ન વેત્સિ, યત: મામ્ એવમ્ આત્થ I મન્દા: અલોકસામાન્યમ્, અચિન્ત્યહેતુકમ્ મહાત્મનામ્ ચરિતમ્ દ્વિષન્તિ I

ભાષાંતર: અને તેને કહેવા લાગી- ખરેખર તું શિવને સાચા સ્વરૂપમાં જાણતો નથી જેથી કરીને મને ક્યા પ્રમાણે કહે છે. લોકોને સમજમાં ન આવે અને જેમના પ્રયોજનને કલ્પી ન શકાય એવા મહાપુરુષોના ચરિત્રનો મૂર્ખ લોકો દ્વેષ કરે છે.

શબ્દાર્થ : ચ-અને (સા-તેણે, પાર્વતીએ) એનમ્-એને, બ્રહ્મચારીને ઉવાચ-કહ્યું: નૂનમ્- ખરેખર. (ત્વમ્-તમે) પરમાર્થતઃ-યથાર્થ રીતે ન વેત્સિ-જાણતી નથી, તઃ-જેથી મામ્- મને એવમ્-આ પ્રમાણે આત્થ-કહો છો. મન્દા:-મૂર્ખ લોકો અલોકસામાન્યમ્-લોકમાં અસામાન્ય એવા, અચિન્ત્યહેતુકમ્- ન કલ્પી શકાય તેવા હેતુવાળા મહાત્મનામ્-મહાત્માઓના ચરિતમ્- ચરિત્રનો દ્વિષન્તિ-દ્વેષ કરે છે.

વિવેચન : હવે પાર્વતીબ્રહ્મચારીએ કરેલી શિવની નિન્દાના ઉત્તર આપે છે. તે બ્રહ્મચારીને કહે છે કે તમે શિવના ચરિત્રને સાચા અર્થમાં સમજતા નથી. મહાત્માઓનો ચરિત્ર સામાન્ય લોકોથી જુદાં હોય છે. મૂર્ખ લોકો એવાં ચરિત્રોનો સાચો હેતુ સમજી શક્તાનથી. તેથી તેમની નિન્દા કરે છે. સ્મશાનમાં વાસ, ચિંતાભસ્મનો લેપ વગેરે જગતમાંઅસામાન્ય છે. તેવા વર્તનનો ખરો હેતુ મૂર્ખાઓનસમજી શકે. ૬૫ માંશ્લોકમાં બ્રહ્મચારીએ કહ્યું હતું કે હું શિવને જાણું છું. (વિદિત: મહેશ્વર:), પરંતુ, ખરેખર તે કશું જાણતો નથી. આથી પાર્વતી અહીં બ્રહ્મચારીને આડકતરી રીતે મંદ અર્થાત મૂર્ખ કહી દે છે. પાર્વતીના આ પુણ્ય પ્રકોપમાં શિવની નિંદા કરનાર વ્યક્તિ તરફનો તીવ્ર અણગમો પ્રગટ થાય છે. અહીંવિશેષ વાતનું સામાન્ય વાતથી સમર્થન થતું હોવાથી અર્થાન્તરન્યાસ નામના અલંકાર છે.

         ઉવાચ-વચ્કે બ્રૂ નું પરોક્ષ ભૂ.કા.ત્રી.પુ.એ.વ. કહ્યું, પરમાર્થત: -પરમ: ચાસૌ અર્થ: પરમાર્થ:, તેમાં તસિલ્ (તસ્) પ્રત્યય જોડાતાં પરમાર્થત: શબ્દ બને છે. પરમાર્થત: એટલે સત્યસ્વરૂપે, વાસ્તવિક રીતે, તત્ત્વતઃ વેત્સિ-વિદ્ નું વ.કા.બી.પુ.એ.વ. તું જાણે છે આત્થ-બ્રૂ વ.કા.બી.પુ.એ.વ. નું વૈકલ્પિક રૂપ કહે છે. અલોકસામાન્યમ્-લોકે સામાન્યમ્ (સ.ત.), ન લોકસામાન્યમ્ અલોકસામાન્યમ્ (નગ્ચ.ત.) જગતમાં અસામાન્ય એવું. ચરિત નું વિશેષણ અચિન્ત્યહેતુકમ્-અચિન્ત્ય: હેતુ: યસ્ય તત્ (બહુવ્રીહિ) ન કલ્પી શકાય તેવા હેતુવાળું. ચરિત નું વિશેષણ, મહાત્મનામ્-મહાન્આત્મા યેષાં તે,  તેષામ્ (બહુવ્રીહિ) મહાન આત્માવાળા પુરુષોના. દ્વિષન્તિ-દ્વિષ નું વ.કા.ત્રી.પુ.બ.વ.

 

(૭૭) અકિંચન સન્પ્રભવ: સ સંપદાં ત્રિલોકનાથ: પિતૃસદ્મગોચર: I

સભીમરૂપ: શિવ ઈત્યુદીર્યતે ન સન્તિ યાથાર્થ્યવિદ: પિનાકિન: II

અન્વય : સ: અકિંચન સન્ સંપદામ્ પ્રભવ: પિતૃસદ્મગોચર: (સન્) ત્રિલોકનાથ:, સભીમરૂપ: (સન્) શિવ: ઈતિ ઉદીર્યતે I (જના:‌) પિનાકિન: યાથાર્થ્યવિદ: ન સન્તિ I

ભાષાંતર : તે (શિવ) અકિંચન (દરિદ્ર) હોવા છતાં ત્રણેય લોકના નાથ છે. ભયાનક રૂપવાળા હોવા છતાં "શિવ"નાનામથી ઓળખાય છે. શંકરને સાચા સ્વરૂપમાં ઓળખનાર કોઈ છે જ નહીં.

શબ્દાર્થ : સ:-તે (શિવ) અકિંચન-નિર્ધન સન્-હોવા છતાં સંપદામ્-સંપત્તિઓનાપ્રભવ:- (ઉત્પત્તિના) કારણરૂપ, પિતૃસદ્મગોચર:-પિતૃઓના ઘર એટલે સ્મશાનમાં દેખાતા(સ્મશાનનો આશ્રય કરનારા) સન્- છતાં ત્રિલોકનાથ:-ત્રણે ય લોક (સ્વર્ગ, પૃથ્વી અનેપાતાળ)ના નાથ અથવા રક્ષક સ:-તે (શિવ), ભીમરૂપ-ભયંકર સ્વરૂપવાળા સન્-હોવાછતાં શિવ:-કલ્યાણરૂપ કે મંગરૂપ, તિ- આ પ્રમાણે ઉદીર્યતે- કહેવાય છે. (જના:-લોકો)પિનાકિન: -શિવના યાથાર્થ્યવિદ:-તત્વને જાણનારા ન સન્તિ-હોતા નથી.

વિવેચન : ૭રમાં શ્લોકમાં શિવને દિગમ્બર કહીને નિર્ધન સૂચિત કર્યા છે. પાર્વતી કહે છે કે શિવ નિર્ધન હોવા છતાં, સંપત્તિઓને ઉત્પન્ન કરનારા છે. શિવમહિમ્ન: સ્તોત્રમાં જણાવ્યા પ્રમાણે, બાણાસુરને અઢળક સંપત્તિ આપનારા શિવ જ હતા :યદૃદ્ધિં સૂત્રામ્ણો વરદ પરમોચ્ચૈરપિ સતીમધશ્ચક્રે બાણ: I અર્થાતૢ શિવની કૃપાથી મેળવેલી પોતાની શ્રેષ્ઠ સંપત્તિથી બાણાસુરે ઇન્દ્રની સમૃદ્ધિને પણ હલકી પાડી દીધી હતી. ૬૮મા શ્લોકમાં શિવને સ્મશાનમાં વાસ કરનાર ઓળખાવ્યા હતા, પાર્વતી કહે છે કે ભલે તે સ્મશાનમાં રહેતા હોય, પરંતુ ત્રણે ય લોકના રક્ષક પણ એ જ છે :જગદરક્ષાયૈ ત્વં નટસિ નનુ વામૈવ વિભૂતા (મહિમ્ન: સ્તોત્ર: ૧૬) શ્લોક ૬૬-૬૭માં મહાદેવને, સાપને આભૂષણ બનાવતા હોવાથી અને લોહીનીતરતું ગજ્ચર્મ પહેરતા હોવાથી, ભયંકર ભીમરૂપ) બતાવ્યા, પાર્વતી કહે છે કે ભલે તે ભયંકર હોય છતાં લોકો તેમને શિવસ્વરૂપ- મંગલસ્વરૂપ જ માને છે : તથાપિ સ્મર્તૃણામ્ વરદ પરમં મન્ગલમસિ (મહિમ્ન: સ્તોત્ર૨૪), આમ,શિવનો મહિમા અલૌકિક છે. એ ગમે તેમ રહે તો પણ તેમના માટે એ દોષરૂપ બનતું નથી. શિવના તત્વને જાણવું બહુ કઠિન છે. શિવના યથાર્થ સ્વરૂપને ન જાણનારા લોકો જ તેમની નિંદા કરે છે.

         અકિંચન: - ન વિદ્યતે કિન્ચન દ્રવ્યમ્ યસ્ય સ: (બહુવ્રીહિ) નથી કંઈ દ્રવ્ય જેની પાસે તે શિવત્રિલોકનાથ: - ત્રિઅવયવ: લોક: ત્રિલોક:- સ્વર્ગ, પૃથ્વી પાતાળ એ ત્રણ વિભાગવાળો લોક (કર્મધારય); તસ્ય નાથ: (ષ.ત.) અથવા ત્રયાણાં લોકાનાં નાથ:-સ્વર્ગ, પૃથ્વી અને પાતાળના રક્ષક. પિતૃસદ્ગોચર‌- પિતૃણામ્ સદ્મ  (ષ.ત.) પિતૃઓનું ઘર, સ્મશાન, સ્મશાનં સ્યાત પિતૃવનમ્ I (અમરકોષ), પિતૃસગ્મનિ ગોચર: (સ.ત.) સ્મશાનમાં જોવા મળતા, દેખાતા. અથવા પિતૃસગ્મ ગોચર: (આશ્રય:) યસ્ય સ: (બહુવ્રીહિ) સ્મશાન એ જ આશ્રય જેનો છે તે. સામાન્ય રીતે શબ્દ સ્પર્શ વગેરે ઈન્દ્રિયોના વિષયોને ગૌચર કહેવાય છે. ચક્ષુરિન્દ્રિયના વિષય બનતા એટલે (સ્મશાનમાં) દેખાતા એમ પણ અર્થ કરી શકાય. ભીમરૂપ:-ભીમં રૂપં યસ્ય સ: (બહુવ્રીહિ) ભયંકર છે સ્વરૂપ જેનું તે (શિવ). ઉદીર્યતે-ઉત્+ઈર્ ધાતુનું કર્મણિ વ.કા.ત્રી.પુ.એ.વ. કહેવાય છે. યાથાર્થ્યમ્-  મૂળભુત સ્વરૂપમાં હોવાની વસ્તુની સ્થિતિ એટલે કે તત્વ, યાથાર્થસ્ય ભાવ: વિદ:-તત્વને જાણનારા લોકો. પિનાકિનઃ-પિનાક: અસ્ય અસ્તિ ઈતિ, તસ્ય-પિનાક ધનુષ્યને ધારણ કરનાર શિવના.

 

(૮૧) વિવક્ષતા દોષમપિ ચ્યુતાત્મના ત્વયૈકમીશં પ્રતિ સાધુ ભાષિતમ્ I

યમામનન્ત્યાત્મભુવોડપિ કારણં કથં સ લક્ષ્યપ્રભવો ભવિષ્યતિ II

અન્વય : ચ્યુતાત્મના, દોષમ્ વિવક્ષતા અપિ ત્વયા શમ્ પ્રતિ એકમ્ (વચ: સાધુ ભાષિતમ્ I યમ્ આત્મભુવ: અપિ કારણમ્ આમનન્તિ સ લક્ષ્ય પ્રભવ: કથમ્ ભવિષ્યતિ ?

ભાષાંતર : દોષોનું વર્ણન કરતાં હીન આત્માવાળા તે શિવ વિષે એક વાત સાચી કહીછે. જેને બ્રહ્માની ઉત્પત્તિનું કારણ માનવામાં આવે છે એવા તે (શિવની) ઉત્પત્તિનું સ્થાન કેવી રીતે જાણી શકાય ?

શબ્દાર્થ :ચ્યુતાત્મના-ભ્રષ્ટ સ્વભાવવાળા, દોષમ્-દોષને વિવક્ષતા-કહેવાની ઈચ્છાવાળા અપિ-છતાં ત્વયા-તમારા વડે શમ પ્રતિ-શિવ પ્રત્યે (વિષે) એકમ્-એક (વચ: -વચન) સાધુ-સારું ભાષિતમ્-કહેવાઈ ગયું છે. યમ્- જેમને (જે શિવને) આત્મભુવ: -બ્રહ્માનું કેવી રીતે ભવિષ્યતિ-બને (હોઈ શકે) ?

વિવેચન : બ્રહ્મચારીએ શ્લોક ૭૨ માં કહ્યું હતું કે શિવના જન્મ વિષે કોઈ જાણતું નથી (અલક્ષ્યજન્મતા). તેથી, અજ્ઞાત જન્મવાળા શિવને પતિ તરીકે પસંદ કરવા યોગ્ય નથી. આ શ્લોકમાં પાર્વતી એ આક્ષેપનો ઉત્તર આપે છે : હે બ્રહ્મચારી, તમારો સ્વભાવ હલકો છે. તેથી તમે શિવના દોષોને જ કહેવાની ઇચ્છા કરો છો. છતાં, અજાણપણે તમે શિવ વિષે એક સાચી વાત કહી દીધી, અથવા તમારાથી કહેવાઈ ગઈ. શિવના જન્મ વિષે કોઈ જાણતું નથી, એ જે તમે કહ્યું તે સાચું છે, કારણ કે, સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માને પણ ઉત્પન્ન કરનાર શિવની ઉત્પત્તિને કોણ જાણી શકે ? આમ, અજ્ઞાત જન્મવાળા હોવું (અલક્ષ્યજન્મતા) એ તો શિવના ગૌરવને-મહિમાને સૂચવે છે.

         વિવક્ષતા-વચ્ ધાતુનું ઇચ્છાદર્શક વર્તમાન કૃ, વિવક્ષત્ નું પુ. તૃતીયા એ.વ. કહેવા ઇચ્છતા. ચ્યુતાત્મના-ચ્યુત: આત્મા યસ્ય સ: (બહુવ્રીહિ), તેન-ભ્રષ્ટ થયો છે આાત્મા જેનો તેવા. બંને શબ્દો બ્રહ્મચારી માટે વપરાયા છે. આમનન્તિ-આ+મ્ના (મન્) નું વ.કા.ત્રી.પુ.બ.વ. (પરંપરાગત રીતે અથવા વિશ્વાસમૂલક ઉપદેશરૂપે) કહે છે. 'વિદ્વાનો'એ કર્તા અહીં અધ્યાહાર સમજવો. આત્મભુવ: - આત્મના ભવતિ ઈતિ, તસ્ય-પોતાની મેળે જ જે બને છે – જન્મે છે તે, બ્રહ્મા, પરંતુ, આવો વ્યુત્પત્તિ અર્થ લેવો આ સંદર્ભમાં ઉચિત નથી, કારણ કે બ્રહ્માના કારણ તરીકે શિવને બતાવેલ છે. અમરકોષમાં બ્રહ્માના ત્રણ પર્યાયી આપ્યા છે : બ્રહ્માઅત્મભૂ સુરજ્યેષ્ઠ: લક્ષ્યપ્રભવ: - લક્ષ્ય પ્રભવ: યસ્ય સ: (બહુવ્રીહિ) જ્ઞાત છે જન્મ જેનો તે.

 

(૮૪) ઈતો ગમિપ્યામ્યથવેતિ વાદિની ચચાલ બાલા સ્તનભિન્નવલ્કલા I

સ્વરૂપમાસ્થાય ચ તાં કૃતસ્મિત: સમાલલમ્બે વૃષરાજકેતન: II

અન્વય : અથવા, ઈત: ગમિષ્યામિ ઈતિ વાદિની,  સ્તનભિન્નવલ્કલા બાલા ચચાલ I ,સ્વરૂપમ્ આસ્થાય કૃતસ્મિત: વૃષરાજકેતન: તામ્ સમાલલમ્બે II

ભાષાંતર : ''અથવા હું જ હિંધી ચાલી નહં'' એવું બોલતી અને જેના સ્તન પ્રદેશ પરથી વલ્કલ વસ્ત્ર ખસી ગયું છે એવી તે બાળા ચાલવા માંડી. ત્યાં તો સ્મિત વેરતા શિવે પોતાનું અસલ રૂપ ધારણ કરીને તેને (પાર્વતીને) અટકાવી.

શબ્દાર્થ : અથવા- અથવા, ઈત: -અહીંથી ગમિષ્યામિ-(હું) જતી રહીશ, ઇતિ-એમ વાદિની-બોલતી, સ્તનભિન્નવલ્કલા- સ્તનો ઉપરથી સરી પડેલા વલ્કલવાળી, બાલા-બાળા (પાર્વતી) ચચાલ-ચાલવા માંડી, - અને સ્વરૂપમ્-પોતાના (સાચા) રૂપનો, સ્વરૂપનો આસ્થાય-આશ્રય કરીને કૃતસ્મિત:-કરેલું છે સ્મિત જેણે તેવા (એટલે સ્મિત કરતાં કરતાં) વૃષરાજકેતન:-શ્રેષ્ઠ બળદ (નું ચિત્ર) જેમની ધ્વજામાં છે તેવા શિવે તામ્-તે (પાર્વતી)ને સમાલલમ્બેને-પકડી લીધી.

વિવેચન : સખી બ્રહ્મચારીને બોલતાં અટકવા કંઈક કહે તેની પહેલી જ પાર્વતી, બીજો વિકલ્પ વિચારીને ત્યાંથી દૂર જતી રહેવા ચાલવા માંડી, જેથી બ્રહ્મચારી કદાચ શિવની નિંદા કરે તો પણ તે સાંભળવાનો પ્રસંગ નઆવે. હું તો અહીંથી આ ચાલી' એમ સખીને કહીને ઉતાવળે ચાલવા જતાં, પાર્વતીના સ્તન ઉપરનું વલ્કલ ખસી જાય છે. પાર્વતીના પ્રણયભાવની કસોટી પૂરી થઇ એટલે શિવ બનાવટી બ્રહ્મચારીનું રૂપ છોડીને સાચા સ્વરૂપમાં પ્રગટ થયા; અને તેમણે ચાલવા જતી પાર્વતીનો હાથ પકડી લીધો. અહીં કાલિદાસે, માનવના હૃદયભાવોને વ્યક્ત કરતું સુંદર નાટકીય ચિત્ર આપ્યું છે.

         ગમિષ્યામિ-ગમ્ નું સામાન્ય ભવિષ્યકાળ પ્ર.પુ.એ. (હું) જતી રહીશ. ચચાલ-ચલ્ -નું પરોક્ષ ભૂ.કા.ત્રી.પુ.એ.વ.- ચાલવા લાગી. સ્તનભિન્નવલ્કલાસ્તનાભ્યામ્ ભિન્નં વલ્કલે યસ્યા: સા (બહુવ્રીહિ) સ્તનો ઉપરથી સરી પડેલું છે વલ્કલ જેનું તેવી (બાલા-પાર્વતી) સ્વરૂપમ્ = ચ તત્ રૂપમ્ (કર્મધારય) પોતાનું રૂપ આસ્થાય-આ+સ્થા નું સંબંધક ભૂ.કૃ. આશ્રય લઇને. કૃતસ્મિત: કૃતં સ્મિતં યેન સ: (બહુવ્રીહિ) કર્યું છે સ્મિત જેમણે તેવા (શિવ). સમાલલમ્બે-સમ્+આ-લમ્બ્ નું પરોક્ષ ભૂ.કા.ત્રી.એ.વ. –પકડી લીધી. વૃષરાજકેતન: -વૃષાણાં રાજા (ષ.ત.), વૃષરાજ: કેતને યસ્ય સ: (બહુવ્રીહિ) શ્રેષ્ઠ બળદ (નું ચિત્ર) જેમની ધ્વજામાં છે તેવા શિવ. અહીં, પાર્વતીનું ચાલવા માંડવું અને શિવનું પકડવું – આ બંને ક્રિયાઓ એક જ સમયે બની, એમ ચ સૂચવે છે.

 

(૮૫) તં વીક્ષ્ય વેપથુમતી સરસાન્ગયષ્ટિર્નિક્ષેપણાય પદ્મુદધૃતમુદ્વહન્તી I

માર્ગાચલવ્યતિકરાકુલિતેવ સિન્ધુ: શૈલાધિરાજતનયા ન યયૌ ન તસ્થૌ II

અન્વય : તત્ વીક્ષ્ય વેપથુમતી, સરસાન્ગયષ્ટિ: નિક્ષેપણાય ઉદધૃતમ્ પદમ ઉદ્વહન્તી શૈલાધિરાજતનયા, માર્ગાચલવ્યતિકરાકુલિતા સિન્ધુ: ઈવ, ન યયૌ ન તસ્થૌ I

ભાષાંતર : તેમને જોઈને કાંપતી, પરસેવાથી ભીના થયેલા શરીરવાળી, ડગલું માંડવા માટે પગને ઉપાડતી તે પર્વતરાજની પુત્રી પાવતી), માર્ગમાં આવેલા અવરોધને લીધે વ્યાકુળ બનેલી નદીની જેમ ન તો ચાલી શકી અને ન ઉભી રહી શકી.

શબ્દાર્થ : તમ્- તેમને (શિવને) વીક્ષ્ય-જોઈને વેપથુમતી-ધ્રુજારીવાળી (કાંપની), સરસાન્ગયષ્ટિ:-પરસેવાથી યુક્ત સુંદર શરીરવાળી, નિક્ષેપણાય-(આગળ) મૂકવા માટે ઉદ્ધઘૃતમ્-ઉપાડેલા ૫દમ્-પગને ઉદવહન્તી-ઊંચકતી શૈલાધિરાજતનયા-પર્વતરાજ હિમાલયની પુત્રી (પાર્વતી), માર્ગાચલવ્યતિકરાકુલિતા-માર્ગમાં (આવેલા) પહાડના અવરોધને લીધે ખળભળી ઊઠેલી (ચક્રાવે ચડેલી. ભમરીઓ ખાતી) સિન્ધુ:-નદીની ઈવ જેમ, ન યયૌ-ન તો ગઈ ન તસ્થૌ-ન તો ઊભી રહી.

વિવેચન :સ્તનો પરથી સરી પડેલા વલ્કલવાળી અને ચાલવા જતી પાર્વતીને શિવે સ્મિત કરતાં કરતાં પકડી લીધી. આવી સ્થિતિમાં શિવને જોઈને પાર્વતીના મનમાં સાત્ત્વિક ભાવો પ્રગટ થયા. તેના શરીરમાં ધ્રુજારી આવી અને તેના અંગો ઉપર પરસેવાનાં બિંદુઓ ફૂટી નીકળ્યાં. તે સ્તમ્ભિત થઇ ગઈ, અટકી ગઈ. સાહિત્યશાસ્ત્ર પ્રમાણે 'સત્ત્વ' એ મનનાભાવોને પ્રગટ કરનાર અંતઃકરણનો એક વિશિષ્ટ ધર્મ છે :સત્ત્વં નામ કશ્ચન આન્તરો ધર્મ:| (સા.દ. ) આવા સત્ત્વની અધિકતાથી જે વિકાર થાય તેને ‘સાત્વિકભાવ' કહે છે. વિશ્વનાથે આઠ સાત્ત્વિકભાવો બતાવ્યા છે :સ્તમ્ભ: સ્વેદોડ્થ રોમાન્ચ: સ્વરભન્ગોડથ વેપથુ: I વૈવર્ણ્યમશ્રુપ્રલય ઈત્યષ્ટૌ સાત્ત્વિકા: સ્મૃતા: I (સા.દ. ૩.૨૩૪, ૨૩૫),હીં, પ્રસ્તુત શ્લોકમાં સ્વેદ (પરસેવો), વેપથુ (ધ્રુજારી) અને સ્તમ્ભ (માનસિક કે શારીરિક ક્રિયા અટડી જવી તે) આ ત્રણ સાત્ત્વિક ભાવો પ્રગટ થયા છે.

         ચાલી જવા ઈચ્છતી અને છતાં જઇ ન શક્તી ગૌરીનું, કાલિદાસે અહીં અત્યંત સુંદર ચિત્રાત્મક વર્ણન કર્યું છે. પાર્વતીએ આગળ પગલું ભરવા, એક પગ ઉંચક્યો પણ તે પગ એમને એમ અક્ષર જ રહી ગયો ! લજજાને લીધે તેને જતાં રહેવાનું મન થાય છે, પરંતુ શિવને જોઇને તે જઈ શકે એમ નથી. કારણ કે એ તો તેની કઠોર તપશ્ચર્યાનું પ્રત્યક્ષ ફલ હતું પાર્વતીની આવી સ્થિતિને સરસ રીતે અભિવ્યક્ત કરવા કાલિદાસે અહીં એક સુંદર ઉપમા આપી છે. ધસમસતા પાણી સાથે દોડી જતી નદીના માર્ગમાં મોટો પહાડ આવે ત્યારે નદી ન તો પહાડને ઓળંગીને આગળ જઈ શકે કે ન તો તેનાં પાણી શાંત રહી શકે. ધૂમરીએ ચડેલાં પાણીવાળી નદી સાથે, લજજા અને સાનંદાશ્ચર્યના ભાવની મૂંઝવણ અનુભવતા મનવાળી પાર્વતીને ખૂબ જ ઉચિત રીતે સરખાવી છે. અહીં, પાર્વતી-નદી, શિવ-પહાડ, પાર્વતીનું મન-નદીનું પાણી વગેરેમાં ઉપમાન-ઉપમેયભાવ છે અને ક્ષુબ્ધ થવું (વ્યાકુળ થવું) એ સાધારણ ધર્મ છે. આવી ઉપમાઓ જેતાં, ઉપમા કાલિદાસસ્ય એ વિધાનની સાર્થકતા સમજાય છે.

         અશ્વઘોષ કવિના ‘સૌન્દરનન્દ” મહાકાવ્યમાં, બુદ્ધનો ભાઈ નંદ એક બાજુ ભગવાન બુદ્ધની મહાનતાથી આકર્ષાયો છે, તો બીજી બાજુ, તેની સુંદર પત્ની તેને આકર્ષે છે. જલતરંગ ઉપર તરતા હંસની જેમ નંદ, નથી તો બુદ્ધ સાથે જઇ શકતો કે નથી પત્ની સાથે રહી શકતો. વાંચો : તં ગૌરવં બુદ્ધગતં ચકર્ષ ભાર્યાનુરાગ: પુનરાચકર્ષ I સોડનિશ્ચયાન્નાપિ યયૌ ન તસ્થૌ તરંસ્તગેષ્વિવરાજહંસ II (સૌન્દરનન્દ૪.૪૨) અહીં, નંદની મનોદશા અને પાર્વતીની સ્થિતિ જ નહિ ન યયૌ ન તસ્થૌ એવો કાવ્યાંશ પણ સમાન છે. કાલિદાસ અને અશ્વઘોષ બેમાંથી કોણે કોનું અનુકરણ કર્યું તે ચર્ચાસ્પદ છે.

         આ સર્ગના ૧ થી ૮૪ સુધીનાં શ્લોકો વંશસ્થ (જ, , , ૨) છંદમાં છે અને છેલ્લા બે શ્લોકો (૮૫ અને ૮૬) વસંતતિલકા છંદમાં છે. તેનું બંધારણ છે : તભજા જગૌ ગ: અર્થાત્ ત, , , , ગુરુ અને ગુરુ, વસંતતિલકાના દરેક ચરણમાં ૧૪ અક્ષરો અને એવાં ૪ ચરણ હોય છે.

         વેપ્+અથુચ્+મત્-વેપથુમતી-ધ્રુજારીયુક્ત સરસાન્ગયષ્ટિ: - રસેણ સહિતા (સહ બહુવ્રીહિ) રસ એટલે પરસેવો, તેથી, પરસેવાવાળી, અડ્ગમ્ યષ્ટિ: ઈવ (કર્મધારય) યષ્ટિ એટલે લાકડી કે સોટાના જેવું અર્થાત્ નાજુક અને સુંદર શરીર (Slender body)સરસા અંગયષ્ટિ: યસ્યા: સા (બહુવ્રીહિ) પ્રસ્વેદયુક્ત શરીર છે જેનું તે (પાર્વતી). નિક્ષેપણાય-નિ+ક્ષિપ્+લ્યુટ્ (અન્) પ્રત્યય (નપું) ચ.એ.વ. માર્ગાચલવ્યતિકરાકુલિતા-માર્ગે અચલ: (સ.ત.)માર્ગમાં આવતો પહાડ, તસ્ય વ્યતિકર: (ષ.ત.) માર્ગમાં આવતા પહાડનો અવરોધ, તેન આકુલિતા તેવા અવરોધથી માફળ થયેલી કે ચક્રાવે ચડેલી, શૈલાધિરાજતનયા-શૈલાનામ્ અધિરાજ: (ષ.ત.) પર્વતોના રાજા, હિમાલય, તસ્ય તનયા (ષ.ત.) પર્વતરાજની પુત્રી, પાર્વતી.

 

પ્ર:- ૧૧ મહાકાવ્યના લક્ષણો આપી, કુમારસંભવ મહાકાવ્ય તરીકે મૂલવો.

જવાબ:-

સંસ્કૃત મહાકાવ્યનાં લક્ષણો : મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યમાં અત્યંત ખેડાયેલો અને લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે. સંસ્કૃત સાહિત્યમાં પાંચ મહાકાવ્યો ઘણાં જ પ્રસિદ્ધ છે કાલિદાસનાં બે મહાકાવ્યો- (૧) રઘુવંશ અને (૨) કુમારસંભવ, (૩) ભારવિનું કિરાતાર્જુનીય, (૪) માઘનું શિશુપાલવધ અને (૫) શ્રી હર્ષનું નૈષધીયચરિત. આ પાંચે મહાકાવ્યો સંસ્કૃત સાહિત્યમાં 'પંચ મહાકાવ્ય ને નામે પ્રસિદ્ધ બનેલાં છે અને મહાકાવ્યનાં લક્ષણોની ચર્ચામાં માર્ગદર્શક બન્યાં છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં લગભગ બધા જે વિવેચકોએ મહાકાવ્યનાં લક્ષણોની ચર્ચા કરી છે જેમાં આચાર્ય દંડી, આચાર્ય વિશ્વનાથ વગેરેએ દર્શાવેલાં લક્ષણોને પ્રમાણભૂત ગણવામાં આવે છે. ઉપર ગણાવેલાં મહાકાવ્યો પૈકી રઘુવંશ અને કુમારસંભવને લક્ષ્યમાં રાખીને જ વિવેચકોએ મહાકાવ્યનાં લક્ષણોની ચર્ચા કરી છે તે નિઃશંક છે. સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યોનો પ્રકાર જેમ જેમ ખેડાતો ગયો તેમ તેમ એનાં લક્ષણોમાં વધારો થતો રહ્યો છે તે નોંધપાત્ર છે. એટલે મહાકાવ્યનાં લક્ષણોને આધારે મહાકાવ્યોની રચનાને બદલે મહાકાવ્યનાં સર્જનોને આધારે મહાકાવ્યનાં લક્ષણો બંધાતાં રહ્યાં છે એમ કહેવું વધારે સાચું છે. મહાકાવ્યનાં લક્ષણો પૈકી આચાર્ય દંડીએ દર્શાવેલાં મહાકાવ્યનાં નીચે જણાવેલાં લક્ષણો વધારે પ્રસિદ્ધ છે :

સર્ગબદ્ધો મહાકાવ્યમુચ્યતે તસ્ય લક્ષણમ્ I

આશીર્નમસ્ક્રિયા વસ્તુનિર્દેશો વાપિ તન્મુખમ્ II

ઈતિહાસકથોદભૂતમિતરદ્વા સદાશ્રયમ્ I

ચતુર્વર્ગફલોપેતં ચતુરોદાત્તનાયકમ્ II

નગરાર્ણવશૈલર્તુચન્દ્રાર્કોદય વર્ણનૈ: I

ઉદ્યાનસલિલક્રીડામધુપાનરતોત્સવૈ: II

વિપ્રલમ્ભૈર્વિવાહૈશ્ચ કુમારોદયવર્ણનૈ I

મન્ત્રદૂતપ્રયાણાજિનાયકાભ્યુદયૈરપિ II

અલંકૃતમસંક્ષિપ્તં રસભાવનિરન્તરમ્ I

સર્ગેરનતિવિસ્તીર્ણૈ: કાવ્યવૃતૈ: સુસન્ધિભિ: II

સર્વત્ર ભિન્નવૃત્તાન્તૈરૂપેતં લોકરન્જનમ્ I

કાવ્યં કલ્પોત્તરસ્થાયિ જાયેત સદલંકૃતિ: II

 

               આચાર્ય દંડીએ ઉપર દર્શાવેલાં મહાકાવ્યનાં લક્ષણોને નીચે પ્રમાણે સમાવી શકાય :

(૧) સ્વરૂપ બંધારણ : સર્ગબદ્ધતા : મહાકાવ્ય, એનું નામ દર્શાવે છે તે પ્રમાણે, સ્વરૂપમાં મોટું કાવ્ય છે. તેથી તે સર્ગબદ્ધ હોવું જોઈએ. મહાકાવ્ય સર્ગોમાં વિભક્ત હોવુંજોઈન્મે. મહાકાવ્યના એક એક પ્રકરણને 'સર્ગ' કહેવામાં આવે છે. મહાકાવ્યમાં સર્ગ સંખ્યાને માટે ઇશાનસંહિતામાં જણાવવામાં આવ્યું છે કે, અષ્ટસર્ગાન્ન તુ ન્યૂનં ત્રિંશત્સર્ગાચ્ચ નાધિકમ્મહાકાવ્યં પ્રયોક્તવ્યં મહાપુરૂષકીર્તિયુક્ત II અર્થાત મહાકાવ્યમાં ઓછામાં ઓછા આઠ સર્ગ અને વધુમાં વધુ ૩૦ સર્ગો હોવા જોઇએ. સર્ગમાં પણ ઓછામાં ઓછા ૩૦ શ્લોકો અને વધુમાં વધુ બસો શ્લોકોની અપેક્ષા રાખવામાં આવે છે. આચાર્ય દંડીએ એવો નિર્દેશ કર્યો છે કે આ સર્ગો બહુ ટૂંકા હોવા જોઇએ નહિ. મહાકાવ્યના પ્રત્યેક સર્ગને એમાંના કથાનકને આધારે કોઈને કોઈ નામ આપવામાં આવે છે. સામાન્યતયા આખો સર્ગ એક જ છંદમાં રચાય છે પણ સર્ગના અંતે છંદ બદલાય છે અને એમાં એ પછી આવતા સર્ગના કથાનકનો નિર્દેશ હોય છે.

(૨) પ્રારંભ : મહાકાવ્યોનો પ્રારંભ સંસ્કૃત સાહિત્યના શિષ્ટાચાર મુજબ માંગલિક રીતે થવોજોઈએ. એટલે, મહાકાવ્યના પ્રારંભમાં ઇશ્વર-નમસ્કાર, આશીર્વાદ વગેરે આવવાં જોઈએ. જો કે કોઈકવાર કવિ સીધા વસ્તુ નિર્દેશથી પણ કાવ્યોનો આરંભ કરી શકે.

(૩) કથાવસ્તુ : મહાકાવ્યનું મુખ્ય કથાનક ઐતિહાસિક કે પૌરાણિક કથાનકોમાંથી પસંદ કરવું જોઈએ અને અનિવાર્યપણે તે સદાશ્રયી હોવું જોઈએ. કોઈપણ સદવૃત્તાન્ત મહાકાવ્યનો વિષય બની શકે. પ્રાચીન વિવેચકોને મતે મહાકાવ્ય લોકજીવનને પ્રેરક અને ઉપકારક હોવું જોઇએ અને માટે જ સત્કથાનકનો આગ્રહ રાખવામાં આવ્યો છે.

(૪)ધ્યેય : મહાકાવ્ય માનવજીવનને પ્રેરક બને તેવો આગ્રહ હોવાથી મહાકાવ્યનું ધ્યેય પણ માનવજીવનના ચાર પુરુષાર્થો પૈકી એક, બે કે તેથી વધારે પુરુષાર્થોની પ્રાપ્તિ હોવું જોઈએ. મહાકાવ્યનો નાયક ચાર પુરુષાર્થ પૈકી કોઈપણ એક અથવા વધારે પુરુષાર્થોની પ્રાતિ કરતો હોવો જોઈએ કે જેથી એ માનવસમાજને પ્રેરણાદાયી બની શકે.

(૫) નાયક : મહાકાવ્યનું સ્થાન સદાશ્રયી હોવું જેઈએ એવો નિયમ હોવાથી એનો નાયક પણ ચતુર અને ઉદાત્ત હોવો જોઇએ. સંસ્કૃત વિવેચકો નાટકમાં શું કે કાવ્યમાં શું, નાયકને એક સંપૂર્ણ વ્યક્તિત્વવાળો મનુષ્ય સર્જવાની અપેક્ષા રાખે છે. સંસ્કૃતમાં 'ઉદાત્ત’ શબ્દ ઘણો જ અર્થઘન છે. ઉદાત્ત શબ્દમાં આદર્શ માનવને માટે જરૂરી એવા શૌર્ય, પરાક્રમ, ધૈર્ય, વિનય, ક્ષમા, તિતિક્ષા વગેરે બધા ગુણોનો સમાવેશ થઈ જાય છે. મહાકાવ્યનો નાયકધીરોદાત્ત હોવો જોઇએ જેથી તે માનવસમાજનો એક આદર્શ બની શકે.

વર્ણનો : મહાકાવ્યના વિશાળ અને વ્યાપક ફલકમાં વિવિધ પ્રકારનાં વર્ણનોને અવકાશ છે, એટલું જ નહિ, મહાકાવ્યના સ્વરૂપને બૃહદ બનાવવાને માટે આવાં વર્ણનો જરૂરી પણ છે. વિવેચકોએ મહાકાવ્યમાં અપેક્ષિત એવાં વર્ણનોની એક લાંબી યાદી તૈયાર કરી છે. આચાર્ય દંડીએ જણાવ્યા પ્રમાણે મહાકાવ્યમાં નગરો, સાગરો, પર્વતો, ઋતુઓ, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, ચંદ્રાસ્ત, ઉઘાનક્રીડા, જળક્રીડા, મધુપાન, સંભોગશૃંગાર, રતિક્રીડા, વિવિધ ઉત્સવો, સંયોગ, વિયોગ, વિવાહ, પુત્રજન્મ, મંત્રણોઓ, દૂતકર્મ, સેનાપ્રયાણ, યુદ્ધ તથાનાયકનો અભ્યુદય વગેરેનાં વર્ણનો યથાયોગ્ય સ્થાને આવવાં જોઈએ. મહાકાવ્ય આ પ્રકારના વર્ણનવૈવિધ્યથી ભર્યું ભર્યું બનવું જોઈએ.

રસ અને અલંકાર : મહાકાવ્યનાં બહિરંગ લક્ષણો ઉપરાંત એના અંતરંગ સ્વરૂપનો પણ આ વિવેચકોએ પૂરો વિચાર કર્યો છે. મહાકાવ્ય સર્ગોમાં વિભક્ત હોય, એનું કથાનક અમુક પ્રકારનું હોય, એની નાયક મહાન હોય કે એમાં વર્ણનો હોય તેથી જ તે મહાકાવ્ય બની શકે નહિ. કોઇપણ કાવ્યને માટે અનિવાર્ય રીતે જરૂરી એવી રસ નિષ્પન્ન કરવાની ક્ષમતા મહાકાવ્યમાં પણ હોવી જોઈએ અને રસ નિષ્પન્ન થાય તે માટે એમાં અલંકાર વૈવિધ્ય, અર્થ ચમત્કૃતિઓ, કલ્પનાવૈભવ તેમજ ભાવોનું એવું તો આકર્ષક નિરૂપણ હોવું જોઈએ કે જેથી વાંચકોને તે રસતરબોળ કરી દે. મહાકાવ્યમાં શૃંગાર કે વીરરસ મુખ્ય હોવો જોઈએ અને કરુણ, હાસ્ય, રૌદ્ર, અદભુત વગેરે રસોનું યથાસ્થાને પ્રસંગોપાત્ત નિરૂપણ થવું જોઈએ.

સુગ્રથિતતા : મહાકાવ્યનું વિસ્તીર્ણ કથાનક અત્યંત સુગ્રથિત તથા સૌષ્ઠવવાળું હોવું જોઈએ. જેમ નાટકમાં સમય, સ્થળ અને કાર્યની અન્વિતિ જાળવવા માટે સંધિઓની વ્યવસ્થા છે તેમ મહાકાવ્યમાં પણ મુખ, પ્રતિમુખ વગેરે નાટ્યસંધિઓ જેવી જ કથાનકની સુગ્રથિતતા અપેક્ષિત છે.

ઉપસંહાર : ઉપર દર્શાવેલાં લક્ષણો પ્રમાણે ભિન્ન ભિન્ન વૃત્તાન્તોથી લોકરંજક બનેલુંમહાકાવ્ય યુગો સુધી અમર રહે છે અને લોકોને અવર્ણનીય આહ્લાદ અર્પે છે.

કુમારસંભવનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન : કુમારસંભવ એક આદર્શ મહાકાવ્ય છે. મહાકાવ્યમાં અપેક્ષિત એવાં સર્વ લક્ષણોનું એમાં અત્યંત સ્વાભાવિક રીતે પાલન થયું છે. એ સર્ગોમાં વિભાજિત છે. અલબત્ત, કુમારસંભવની સર્ગ સંખ્યા અંગે વિદ્વાનોમાં ઘણા મત્તભેદ પ્રવર્તે છે. કેટલાક વિદ્વાનોને મતે કુમારસંભવમાં આઠ જ સર્ગો છે અને તે એક પૂર્ણ મહાકાવ્ય છે. કારણ કે મલ્લિનાથ, અનુણગિરિવિગેરેની ટીકા આઠ સર્ગ સુધીની જ મળે છે. જો કે આ કાવ્યમાં કુલ સત્તર સર્ગ છે પણ આઠ પછીના સર્ગો કોઈ અન્ય કવિએ રચીને ઉમેર્યા જણાય છે.

         આ કાવ્યનો પ્રારંભ હિમાલયના વર્ણનથી થાય છે; કારણ કે હિમાલય જ આ મહાકાવ્યની પૃષ્ઠભૂમિ છે. આમ આ કથાનકનો પ્રારંભ વસ્તુનિર્દેશથી થાય છે. જો કે કેટલાક વિદ્વાનોને મતે આ મહાકાવ્યનો પ્રારંભ અ થી થાય છે અને અ અક્ષર અત્યંત પવિત્ર તથા વિષ્ણુસ્વરૂપ ગણાય છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે અક્ષરાણામ્ અકારોડસ્મિ અર્થાત અક્ષરોમાં હું અ કાર છું. આમ આ કાવ્યનો પ્રારંભ માંગલિક છે.

         આ કાવ્યમાં કુમાર કાર્તિકેયના જન્મની અત્યંત જાણીતી અને પુરાણપ્રસિદ્ધ કથાનું નિરૂપણ છે. ભગવાન શિવ જેવા પરમ યોગી અને પાર્વતી જેવાં મહા તપસ્વિનીના સચ્ચરિત્રને લગતી કથાનું નિરૂપણ તેમજ અત્યંત તેજસ્વી કુમાર કાર્તિકેયના જન્મની કથા માનવસમાજને ઘણી જ ઉપકારક છે.

         કુમાર કાર્તિકેયનો જન્મ અને એના જન્મ દ્વારા જગતને તારકાસુરના ત્રાસમાંથી બચાવવાનો આ કાવ્યનો ઉદ્દેશ છે. એટલે, દેવોની સેનાના નાયકની પ્રાપ્તિરૂપી અર્થ આ મહાકાવ્યનો ઉદ્દેશ છે. શ્રી ડોલરરાય માંકડને મતે,“કુમારસંભવમાં કામનું નિરૂપણ જપ્રધાન છે. ઇન્દ્ર કામદેવને પ્રેરે છે ત્યાં અર્થવાસનાની પ્રેરણા છે. શંકર-પાર્વતીના તપને ધર્મનું નિરૂપણ ગણવું હોય તો ગણાય, પણ તે માત્ર આનુષંગિક છે.”

         આ મહાકાવ્યના નાયક શિવ અનન્ય ગુણોથી યુક્ત છે. મહાકવિ કાલિદાસે એમના અદ્વિતીય ગુણોને ભારે કલાત્મક રીતે ઉપસાવ્યા છે. તેઓ સાચા અર્થમાં ધીર છે, મહાકવિ કાલિદાસે ત્રીજા સર્ગમાં ભગવાન શિવને અંજલિ આપતાં લખ્યું છે : વિકારહેતો સતિ વિક્રિયન્તે યેષાં ન ચેતાંસિ ત ઈવ ધીરા: I આમ, કામદેવને ભસ્મીભૂત કરનાર મહાદેવ સાચા અર્થમાં ધીરોદાત્ત છે.

         કુમારસંભવમાં મહાકાવ્યમાં અપેક્ષિત એવાં વર્ણનોનું વૈવિધ્ય પ્રાપ્ત થાય છે. એમાં પ્રથમ સર્ગમાં હિમાલયનું વર્ણન, ત્રીજામાં વસંતાવતરણનું, આઠમા સર્ગમાં મધુપાન, સંભોગશૃંગાર અને રતિક્રીડાનું વર્ણન છે. સાતમામાં વિવાહ. છઠ્ઠામાં મંત્રણા અને દૂતપ્રયાણ વગેરેનું વર્ણન છે. કુમારજન્મ તો મહાકાવ્યનું મુખ્ય લક્ષ્ય જ છે. આમ, જુદા જુદા સર્ગમાં પ્રાપ્ત થતાં વર્ણનો આ મહાકાવ્યને રસવૈવિધ્ય પણ પૂરું પાડે છે. કુમારસંભવનું કથાનક સુગ્રથિત છે. એનો મુખ્ય રસ શૃંગાર છે. જોકે રતિના વિલાપમાં કરૂણ, શિવના ક્રોધમાં રૌદ્ર. કામદહનમાં અદભુત વગેરે રસોનું ગૌણસ્થાને નિરૂપણ છે. મહાકવિ કાલિદાસની ઉદાત્ત કાવ્યપ્રતિભાનો ચમત્કાર આ કાવ્યમાં સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે, અનેક શબ્દાલંકારો અને અર્થાલંકારોથી આ કાવ્ય વાચકોને માટે આસ્વાદ્ય બન્યું છે.

         મહાકવિ કાલિદાસનું ભવ્ય જીવનદર્શન આ કાવ્યમાં ભારે કલાત્મક રીતે રજૂ થવા પામ્યું છે. મહાકવિ કાલિદાસને માટે એમ કહેવાયું છે કે એણે જીવનને સ્થિરપણે અને અખિલાઈથી જોયું હતું :He saw life steadily and saw it whole. જીવનમાં કામનું બળ અનન્ય છે. શિવ જેવા પરમ તપસ્વી પણ કામના બળથી ક્ષણવાર વિહવળ બની જાય છે. પણ કાલિદાસ આ કામના બળ આગળ પ્રણિપાત કરતા નથી. જે પ્રેમ સૌંદર્ય, મોહ અને ઇન્દ્રિયાકર્ષણ ઉપર નિર્ભર હોય તે પ્રેમ વ્યક્તિ કે સમાજ કોઈને માટે ઉપકારક નથી. ઇન્દ્રિયાકર્ષણ ઉપર આધારિત અને કામપ્રેરિત પ્રેમ જ્યારે તપશ્ચર્યાથી પવિત્ર બને છે ત્યારે જ તે સમાજને કાર્તિકેય જેવા મહાન કુમારની ભેટ ધરે છે. મહાકવિ કાલિદાસે સમાજની સ્વસ્થતા માટે પાયારૂપ રાજ્યસંસ્થા અને કુટુંબવ્યવસ્થાનું ભારે ગૌરવ કર્યું છે. રઘુવંશ એક આદર્શ રાજ્યવ્યવસ્થાનું કાવ્ય છે તો કુમારસંભવ સમાજને ઉપકારક થતા આદર્શ કુટુંબનું કથાનક છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોર કુમારસંભવના રહસ્યને પ્રગટ કરતાં કહે છે : ''કુમારસંભવ અને શાકુન્તલની એક સાથે તુલના કર્યા વિના રહેવાતું નથી. બન્નેનો કાવ્યવિષય ગૂઢ રીતે એક જ છે. બન્નેમાં મદને જે મિલન સાધવાનો પ્રયત્ન કર્યો છે તેને દૈવી શાપ લાગ્યો છે. તે મિલન અધૂરું અને અપૂર્ણ રહેવા પામ્યું છે. ત્યારપછી અપાર દુઃખ અને વિરહવ્રત દ્વારા જે મિલન સધાયું છે તેનું સ્વરૂપ જ અન્ય પ્રકારનું છે. સૌંદર્યના સકલ બાહ્યાવરણનો ત્યાગ કરી, વિરલ, નિર્મલ વેશમાં કલ્યાણના શુભ પ્રકાશથી તે ઝગી ઊઠ્યું છે.”આમ કવિના ભવ્ય જીવનદર્શનને કારણે કુમારસંભવ યુગોથી વાચકોને પ્રેરણાનાં પિયૂષ પૂરું પાડતું રહ્યું છે.


No comments:

Post a Comment