prastavikvillas question and answer

 પ્રા. ડૉ. મીના એસ. વ્યાસ

સંસ્કૃત-વિભાગાધ્યક્ષ



પ્રાસ્તાવિકવિલાસ – પંડિત જગન્નાથ રચિત


યુનિટ – ૧

પ્રાસ્તાવિક વિલાસ શ્લોક ૪ થી ૨૭

અનુવાદ અને સમજૂતિ


પ્રશ્ન:- ૧ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

  સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો.

(૧) સજ્જન પ્રશંસા

જ:- ઉદાર સ્વભાવવાળાઓમાં સજ્જન શ્રેષ્ઠ છે. તે આફતમાં મૂકાય તો પણ ઉદારતાને ત્યજતો નથી. સજ્જનોના ગુણ જગતને પ્રિય લાગે તેવા હોય છે. તેઓ ગૌરવાન્વિત અને વિશુધ્ધ તથા પારદર્શક મનવાળા હોય છે. તેમનો ક્રોધ પણ રમણીય જ હોય છે. કેસર કટુ હોવા છતાં પોતાની સુવાસથી તે જગતને ભરી દે છે. સજ્જનો પરહિતની પ્રવૃત્તિમાં જ રચ્યાપચ્યા રહે છે. આ માટે તેઓ કોઈના કહેવાની રાહ જોતા નથી. કલ્યાણકારક આચરણ કરવામાં તેઓને પોયણીઓને ખીલવતા ચંદ્ર સાથે સરખાવી શકાય. તેઓ એકંદરે ઓછું બોલે છે. પણ જે કંઈ બોલે છે તેને પાછું ખેંચતા નથી પણ વળગી રહે છે. તેમનું આ વર્તન હાથીદાંત જેવું છે.

પરોપકારની બાબતમાં આસક્ત હોવાથી તેઓ પોતાની સ્વાર્થવૃત્તિને ત્યજી દે છે. પોતાના આશ્રિતો સાથે તેઓ તદ્દન સમાનતા રાખે છે. તેઓના અંત:કરણમાં સ્વાભાવિક રીતે જ મહાન ઉદાત્તતા વિકસે છે. કવિ કહે છે કે આવા સજ્જનો ખરેખર ઉત્કૃષ્ટ અને ઉત્તમ હોય છે. સદગુણી તેઓ વિપત્તિમાં હોય તો પણ ઘણા જ ઉપકાર કરતા હોય છે. પારકા પાસે યાચના કરવા જવાની ચિંતા તેઓને હોતી નથી. સજ્જનો, નિર્જન સ્થાનમાં પણ પોતાના દેહનાં તંતુઓના જાળાથી છિદ્રોને ઢાંકી દેનાર કરોળિયા જેવા છે. મનના ખાલીપણાને પણ તેઓ પોતાના ગુણોને લીધે ગુણવાન બનાવે છે અને સામી વ્યક્તિના દોષને ઢાંકે છે. તેમનું વ્યક્તિત્વ બહારથી તલવારની ધાર જેવું લાગે છે. તેઓ ફણીધર નાગ જેવા ક્રૂર જણાય છે. પણ અંત:કરણમાં તો દ્રાક્ષ કરતાં ય મધુર અને મૃદુ હોય છે.

પરોપકારી સજ્જનનું ગૌરવ કરવા કવિ વૃક્ષની અન્યોક્તિ આપે છે. સજ્જનોની પોતાની મૂડી પારકાઓ માટે હોય છે. તેઓ પરહિત માટે વ્યથા અને વેદના ખમે છે. પારકાના સુખ માટે પોતાની જાતની પણ તેઓ દરકાર કરતા નથી. ઉત્તરોત્તર ચડિયાતી બાબતો દર્શાવીને કવિ સજ્જનને ટોચનું સ્થાન આપે છે. પર્વતો મહાન છે. પૃથ્વી તેમનાથી પણ મહાન છે. તે બંને કરતાં બ્રહ્માંડ વધુ મહાન છે. પરન્તુ પ્રલયકાળે પણ અચળ રહેનારા મહાત્મા સજ્જનો સૌથી મહાન છે. આ ઉપરાંત કવિએ વાદળ, વૃક્ષ, ચંદન વગેરેનાં પ્રતીકોની મદદથી અન્યોક્તિ દ્વારા પણ સજ્જન પુરૂષનો મહિમા વર્ણવેલો છે.

સજ્જનોની પ્રશંસા દ્વારા તેમનો મહિમા કરનાર કવિ નજર સામે સમાજમાં બનતી વાસ્તવિકતાઓ પ્રત્યે આંખો મીંચી દેતા નથી. તેમને લાગ્યું છે કે કળિયુગમાં સજ્જન બનવામાં ફાયદો નથી. આ સમયમાં તો ધર્મીને ઘેર જ ધાડ પડે છે. જગતની બધી સુંદર વસ્તુઓ કળિયુગનો ખોરાક બને છે. આથી કળિયુગમાં તો ગુણવાન બનવું એ દુ:ખી થવા જેવું છે. કવિ ભારે હૈયે કહે છે કે વહેલા મરવું હોય તો ગુણવાન બનો, સજ્જન બનો. 


(૨) સદગુણનું ગૌરવ

જ:- કોઈપણ કવિ માટે મહત્વનો અને સીધો પોતાની કલમે સૌ પ્રથમ વર્ણન પામે તેવો વિષય પરોપકાર છે. પરોપકારી વ્યક્તિ સતત પરહિતમાં પરોવાયેલી હોય છે. તેઓ પોતે અને પોતાના આશ્રિતો વચ્ચે અંતર રાખતા નથી. તેઓ સમદ્રષ્ટિ રાખે છે અને અંત:કરણમાં ભવ્ય ભાવના ધરાવે છે. પરોપકારનો ગુણ ધરાવનારાઓ નિ:સ્વાર્થી હોય છે તેથી તેઓ પૂજનીય બને છે. વૃક્ષનાં પ્રતીક દ્વારા પણ કવિ પરોપકારની ભાવના કેળવવાનું સૂચવે છે. ફળ, ફૂલ, પાંદડાં વગેરેને ધારણ કરતું, ગરમીની વેદના તથા ઠંડીના થપાટા ખમી લેતું અને પારકાને માટે જ પ્રવૃત્તિ કરતું વૃક્ષ પરોપકારનો ઉત્તમ બોધ આપે છે. સૌએ વૃક્ષ જેવા પરોપકારી બનવું જોઈએ. માટે તો કવિ વદાન્યગુરૂ વૃક્ષને પ્રણામ કરે છે.

વૃક્ષની જેમ જળાશય પાસેથી પણ પરોપકારી બનવાની પ્રેરણા મળે છે. પોતાની જલસમૃધ્ધિ અલ્પ હોવા છતાં જળાશય ચિંતા કરે છે કે ઉનાળામાં હું સુકાઈ જઈશ ત્યારે મુસાફરો બિચારા શું કરશે અને કોની પાસે જશે. પરોપકારી માણસે કોઈ સંબંધ કે કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. આ બાબતમાં કવિને પોતાની નજર સામે વાદળનું નિષ્કામ વર્તન નમૂનારૂપ બને છે.

ભારતની ભૂમિમાં ત્રણ દ નું મહત્વ છે. તેમાંનો એક દ અક્ષર દાન માટે છે. વૃક્ષ પાસેથી દાનનો સદગુણ શીખવાનું કવિ કહે છે. કવિ કમળને પણ કહે છે કે તારી પાસે ભ્રમર આવે તો તેને તારા રસનું દાન કરવામાં સંકોચ કરીશ નહીં. દાનના સદગુણથી સામાજિક અસમતુલા ઘટે છે. દાન સાથે ઉદારતાનો ગુણ સંકળાયેલો છે. કવિ ઉદારતા સાથે એ પણ કહે છે કે આપતી વખતે સામા માણસની વિનંતીની આશા ન રાખવી. જરૂરિયાતવાળાઓને સામે ચાલીને ઉદારતાથી આપો. આ માટે કવિ, ઉનાળામાં સુકાઈ જતાં મુસાફરોની ચિંતા કરતા ભૂલવું જોઈએ નહીં. કવિએ કરેલી સમુદ્ર જેવા ધનિક કૃપણની નિંદાને આના અનુસંધાનમાં સમજવી જરૂરી છે. આપેલું દાન પાછું લેવાય નહીં.

ધીરજનો મહાન ગુણ પણ કવિએ પૃથ્વી વગેરેની વાતથી વર્ણવ્યો છે. પર્વતો, પૃથ્વી અને બ્રહ્માંડ મહત્તામાં એક એક કરતાં ચડિયાતાં છે. આ બધાં પ્રલયકાળે નાશ પામે છે. પરંતુ સજ્જન મહાત્માઓ તો પ્રલયકાળે પણ ચલિત થતા નથી. આ ધૈર્યનું ફળ છે. ધીરજ ઉપરાંત વિવેકનો સદગુણ ખીલવવાની વાત પણ જોવા મળે છે. વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલાઓ ઉપર કરા વરસાવતા બ્રહ્માને કવિ ઠપકો આપે છે. હંસને કવિ નીર-ક્ષીર-વિવેક કરવાની બાબતમાં સજાગ રહેવાનું જણાવે છે. કટ્ટર દુર્જનોને ધારણ કરતી પૃથ્વીનો વિવેક ચાલ્યો ગયો છે એમ પણ કવિ કહે છે. અહંકારને તથા બડાઈખોર વૃત્તિને ત્યજવાનું જણાવીને કહેવામાં આવ્યું છે કે નહીં કરનારની શંકરના ક્રોધાગ્નિથી ભસ્મીભૂત થઈ ગયેલા કામદેવ જેવી થાય છે.

માણસ નાનો કે મોટો છે તેનું મહત્વ ઓછું છે. સમાજમાં પોતાનાં વ્યક્તિત્વની સુવાસ ફેલાવીને માણસે બધાને આનંદ આપવો જોઈએ. ઉદ્યાનનાં કોઈક ખૂણામાં રહીને પણ દિશાઓને મધમધતી કરી દેનાર બકુલવૃક્ષનાં મહિમા અનેરો છે.

સદગુણો હોય તો વ્યક્તિ મહાન બની શકે છે. સદગુણોનું વિધેયાત્મક પરિણામ છે. ચંદનનું સ્થાન, તેની જાતિ, તેની જન્મની ભૂમિ, સર્પો સાથે તેનો સહવાસ વગેરે બધું જ બાધક છે. છતાં શીતળતા અને સુવાસનાં તેના પોતાના સદગુણોથી તે અનેરો મહિમા પામી શક્યું છે.

સદગુણો હોવા એ વ્યક્તિગત મૂડી છે પણ તે સામાજિક મૂલ્ય પણ ધરાવે છે. સદગુણો જેટલા વધારે પ્રમાણમાં અપનાવ્યા હોય તેટલો વ્યક્તિગત ફાયદો થાય છે અને છેવટે સમાજમાં સુવ્યવસ્થા આવે છે. છતાં તેના મહત્વની યાદ તાજી કરાવતા હોય, અથવા તો સમાજમાં સદગુણોની ખોટ વ્યાપક પ્રમાણમાં હોય તેથી તેની જરૂરિયાત પર ભાર મૂકીને કવિ તેનો પ્રચાર કરતા હોય છે. 


(૩) દૈવની પ્રબળતા

જ:‌- ભારતીય સમાજમાં દૈવનો અનેરો મહિમા છે. દૈવ એટલે ભાગ્ય, નસીબ, પ્રારબ્ધ. ભારતીય સંસ્કૃતિમાં દૈવ અત્યંત પ્રબળ તત્વ તરીકે સ્વીકારાયેલું છે. બધા પ્રાચીન ગ્રંથોમાં તેનું અંતરાય રહિત નિરૂપણ અને માન્યતા જોવા મળે છે. જગન્નાથ તેમાં અપવાદરૂપ નથી જ. માનવીના અથાક પ્રયત્નો હોવા છતાં તે સફળ ન થાય તો તેમાં કોને દોષ દેવો ? ઘણીવાર માનવી મનસૂબા ઘડતો હોય છે. પણ દૈવ પ્રતિકૂળ હોય તો તે મનસૂબાના મિનારાને તૂટી પડતાં ક્ષણની ય વાર લાગતી નથી.

ભાગ્ય-દૈવ વિશે કવિ પોપટનું વેધક દ્રષ્ટાન્ત આપે છે. પોતાના સુખને માટે પાંજરામાં રહેલો પોપટ વ્યુહ ઘડતો હતો કે ઘરનાં બધાં પોતપોતાના કામમાં મશગુલ થઈ જશે ત્યારે હું પાંજરાનો આગળો ખોલીને પલાયન કરી જઈશ. આ યોજનાનો અમલ કરવાનો વખત આવે તે પહેલાં જ હાથીની સૂંઢ જેવો જાડો નાગ પાંજરામાં પ્રવેશ્યો. દેખીતું છે કે તેણે પોપટને પોતાનું ભક્ષ્ય બનાવી દીધો. મનોરથસુખ ભોગવતા માણસો ઉપર પણ ક્યારે અચાનક વિપત્તિ તૂટી પડશે એ કોણ કહી શકે ? દૈવ હંમેશા દયાળુ નથી જ.

દૈવ વિપરીત હોય તો નિષ્ફળતા જ મળે છે એનું બીજું દ્રષ્ટાન્ત પણ અહીં મળે છે. કાળમીંઢ પત્થરની શિલાને હાથી માનીને વનરાજ સિંહ તેના ઉપર તૂટી પડ્યો અને શિલાને ભેદી નાખી. પણ તેને માંસનો એક ટૂકડો ય મળ્યો નહિ. કવિ કહે છે કે સિંહનું નસીબ અવળું હતું- દૈવે પરાચિ I આથી તો તેણે શિલાને હાથી માની લેવાની ભૂલ કરી. કેટલીક વાર નસીબ અનુકૂળ થતું લાગે પણ તેનું પરિણામ હાનિકારક બની રહે છે.  ભવિષ્યમાં મેઘજળ મળશે એ આશાએ ચાતક ગરમીના દિવસો મુશ્કેલીથી વિતાવે. સમય જતાં આકાશમાં મેઘ દેખાય અને ચાતક રાજી થઈ જાય. આવા વખતે મેઘ વરસાદ વરસાવવાને બદલે કરા વરસાવે તેને દૈવની ખરાબ લીલા જ કહેવાય. પુષ્કળ મધવાળા ખીલેલા કમળમાં દિવસો પસાર કરનાર ભમરાએ કૂટજનાં ફૂલનો આશ્રય લેવો પડે એ પણ દૈવનો જ પ્રભાવ છે.

દૈવનું નિરૂપણ જગન્નાથે ખાસ ઉદ્દેશથી કરેલું નથી. મુક્તકોની રચનામાં તે વિષય સ્વાભાવિક રીતે સરકી આવે છે. કવિએ અહીં એક એક શ્લોકમાં ભવ્ય અર્થ ભરી દીધેલો છે.



(૪) સાચી મૈત્રી

જ:- શતકસંગ્રહોમાં વિવિધ વિષયોનું વર્ણન મળે છે. તેમાં મૈત્રી અને સન્મિત્રનો મહિમા પણ સ્થાન ધરાવે છે. વ્યક્તિનાં જીવનમાં મૈત્રીનું મહત્વ ઘણું હોય છે. પંચતંત્રકારે તો મિત્રને પ્રેમનું ટોનિક કહેલ છે – મિત્રં પ્રીતિરસાયનમ્ I જગન્નાથે અન્યોક્તિ દ્વારા મૈત્રીનો મહિમા કરીને સાચી મૈત્રી કેળવવા જણાવ્યું છે.

ખીલતા કમળની પરિમલ ચારે દિશામાં નિ:સ્વાર્થભાવે લઈ જનાર પવનની જેમ મૈત્રીમાં કોઈ સ્વાર્થ કે પ્રયોજન હોતું નથી. ભમરાઓ તો કોમળની સમૃધ્ધિનાં મિત્રો છે. માણસોની બાબતમાં પણ તેવું જ હોય છે. માટે નિસ્પૃહી મિત્રોને ઓળખતાં આવડવું જોઈએ. મૈત્રી એટલે સોબત અને સોબતની અસર માનવી ઉપર અવશ્ય પડે છે. ઉચ્ચકુળનો ગુણવાન માણસ પણ વિશિષ્ટ સહવાસથી આદરપાત્ર બને છે. આ માટે વીણાનું દ્રષ્ટાન્ત આપેલું છે. ઉત્તમ વાંસમાંથી બનેલ અને તંતુયુક્ત હોવા છતાં તંબુડા વિનાના વીણાસંડનું કોઈ મહત્વ બનતું નથી.

આ ઉપરાંત કવિ સરોવર અને માછલીની મૈત્રીને સાચી મૈત્રી કહે છે. સરોવરનું પાણી સુકાઈ જાય ત્યારે પક્ષીઓ આકાશમાં ઊડીને ચાલ્યાં જાય છે, ભમરાઓ પણ આમ્રમંજરીના આશ્રયે જઈને ત્યાં આવતા બંધ થઈ જાય છે. પરંતુ તેનો અનન્ય મિત્ર તો મીન-માછલી છે. સરોવરના સાથનો ત્યાગ ન કરતાં તે તેની પાસે જ રહે છે.

પ્રાસ્તાવિક વિલાસમાં મૈત્રીનાં મહિમાને જગન્નાથે વિશેષ સ્થાન આપ્યું નથી. અન્યોક્તિઓ ઉપરથી કેટલીક માહિતી તારવી શકાય છે. ભર્તૃહરિએ આ વિષયને કંઈક વિસ્તારથી સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરેલો છે. 




પ્રશ્ન:- ૧ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)

શ્લોક નં. ૨, ૩, ૪, ૭, ૧૨, ૧૪, ૨૦, ૨૩, ૨૭

(૧) પુરા સરસિ માનસે વિકચસારસાલિસ્ખલ-

     ત્પરાગસુરભીકૃતે પયસિ યસ્ય યાતં વય: I

     સ પલ્વજલેઅધુના મિલદનેકભેકાકુલે

     મરાલકુલનાયક: કથય રે કથં વર્તતામ્ II (૨)

ભાષાંતર:- પહેલાં, વિકસિત કમળની હારમાંથી ખરતી પરાગરજને લીધે સુગંધિત થયેલા પાણીમાં માનસ સરોવરમાં જેનું જીવન વીત્યું છે તેવો હંસનો ટોળાનો નાયક, હવે એકઠાં થયેલાં અનેક ડેડકાંથી ખીચોખીચ ખાબોચિયાના પાણીમાં કેવી રીતે રહે તે કહે.

શબ્દાર્થ:- માનસરોવર તરીકે જાણીતી આ જગ્યા હિમાલયનાં ઉત્તુંગ શિખરોમાં આવેલી છે. હંસોનું તે નિવાસસ્થાન છે એવી માન્યતા છે. બ્રહ્માએ મનમાંથી તેનું નિર્માણ કર્યું છે તેથી તેનું આ નામ પડ્યું છે. પ્રત્યેક સરોવરમાં કમળ હોવાં જ જોઈએ એવી પણ માન્યતા છે. વય: યાતમ્ – ઉમ્મર પસાર થઈ છે, જીવન વીત્યું છે. મરાલકુલનાયક: - હંસના ટોળાનો અધિપતિ. કુલ – ટોળું, મિલદ...કુલે – ભેગાં થયેલાં દેડકાંથી વ્યાપ્ત, પલ્વજલે – ખાબોચિયાના પાણીમાં કથં વર્તતામ્ – શી રીતે રહે ? રે કથય – અરે કહે. આમાં કરૂણતાનો ભાવ છે અને ‘રે’ અવ્યય દ્વારા તે સ્પષ્ટ થાય છે. આ અવ્યયનો કેટલાક અનાદરસૂચક અર્થ લે છે તે યોગ્ય નથી લાગતું. અહીં પૃથ્વી છંદ છે.

અપ્ર. – રાજહંસ પ્ર. – વૈભવ ભોગવનાર વ્યક્તિ

માનસ સરોવર સમૃધ્ધિની દશા

દેડકાં વાચાળ લોકો

ખાબોચિયું દરિદ્રતાભરી દશા


(૨) તૃષ્ણાલોલવિલોચને કલયતિ પ્રાચીં ચકોરીગણે 

  મોનં મુચ્ચતિ કિં ચ કૈરવકુલે કામે ધનુર્ધુન્વતિ I

  માને માનવતીજનસ્ય સપદિ પ્રસ્થાતુકામેઅધુના

  ઘાત: કિન્નુ વિધૌ વિધાતુમુચિતો ધારાધરાઅમ્બર: II (૩)

ભાષાન્તર:- તૃષ્ણાથી ચંચળ નયનવાળી ચકોરીઓનું વૃંદ પૂર્વ દિશા તરફ જોઈ રહ્યું છે, પોયણીઓ ખીલી ઉઠી છે, કામદેવ (પોતાનું) ધનુષ્ય હલાવે (સજ્જ કરે) છે, માનિની સ્ત્રીઓનું માન એકાએક દૂર થવા લાગ્યું છે – આવા સમયે ચંદ્ર ઉપર વાદળોનું આચ્છાદન કરી દેવું તે, હે વિધાતા, શું યોગ્ય છે વારૂ ?

અપ્ર. – ચન્દ્ર પ્ર. – રાજવી કે દાની

ચકોરીગણ       યાચકોનું વૃંદ

વાદળો આપત્તિઓ

(૩) અયિ દલદરવિન્દ સ્યન્દમાનં મરન્દં

     તવ કિમપિ લિહન્તો મજ્જુ ભૃંગા: I

     દિશિ દિશિ નિરપેક્ષસ્તાવકીનં વિવૃણ્વન્ 

પરિમલમયમન્યો બાન્ધવો ગન્ધવાહ: II (૪)

ભાષાન્તર:- ઓ ખીલતા કમળ, તારા ટપકતા મધને કોઈ અવર્ણનીય રીતે ચાટતા ભમરાઓ ભલે ગુંજન કરે. પરંતુ કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના પ્રત્યેક દિશામાં તારી સુગંધ ફેલાવનાર પવન તારો કોઈ અનેરો સંબંધી છે.

અપ્ર. – ખીલતું કમળ પ્ર. – ઊગતો દાનવીર

ભમરા       ખુશામતિયા, યાચકો

પવન       નિ:સ્વાર્થી મિત્ર


(૪) નિતરાં નીચોઅસ્મીતિ ત્વં ખેદં કૂપ મા કદાપિ કૃથા: I

  અત્યન્તસરસહ્રદયો યત: પરેષાં ગુણગ્રહીતાસિ II (૭)

ભાષાન્તર:- હે કૂવા, ‘હું અત્યંત નીચો છું’ એમ વિચારીને ક્યારેય ખેદ ન પામીશ, કારણ, તારો અંદરનો ભાગ પુષ્કળ રસ (=પાણી) વાળો છે અને તું પારકાના ગુણ (=દોરડા) ને ગ્રહણ કરનાર છે.

અપ્ર. – કૂવો પ્ર. – ગુણવાન માનવી

નીચ       હલકી કોટિનો


(૫) નીરક્ષીરવિવેકે હંસાલસ્યં ત્વમેવ તનુષે ચેત્ I

  વિશ્વસ્મિન્નધુનાન્ય કુલવ્રતં પાલયિષ્યતિ ક: II (૧૨)

ભાષાન્તર:- હે હંસ, નીર અને ક્ષીર જુદાં પાડવાની બાબતમાં જો તું જ આળસ કરીશ તો આ વિશ્વમાં હવે બીજા કોણ તારા આ કુળવ્રતનું પાલન કરશે ?

અપ્ર. – હંસ પ્ર. – વિવેકશીલ વ્યક્તિ


(૬) સ્વચ્છન્દં દલદરવિન્દ તે મરન્દં

  વિન્દન્તો વિદધતુ ગુજ્જિતં મિલિન્દા: II

  આમોદાનય હરિદન્તરાણિ નેતું

  નૈવાન્યો જગતિ સમીરણાત્પ્રવીણ: II (૧૪)

ભાષાન્તર:- હે વિકસતા કમળ, મરજી પ્રમાણે તારું મધ મેળવતા ભમરા ભલે ગુંજન કરે, પરંતુ દિશાઓના ઊંડાનમાં તારી સુવાસને લઈ જવા માટે પવન સિવાય બીજો કોઈ જગતમાં પ્રવીણ નથી.

અપ્ર. – ખીલતું કમળ પ્ર. – દાનવીર

ભ્રમર ધનલોલુપ મિત્ર

ગુંજન ખુશામતનાં વચન

પવન હિતેચ્છુ મિત્ર


(૭) અપનીતપરિમલાન્તરકથે પદં ન્યસ્ય દેવતરૂકુસુમે I

  પુષ્પાન્તરેઅપિ ગન્તું વાગ્છસિ ચેદ્ ભ્રમર ધન્યોઅસિ II (૨૦)

ભાષાન્તર:- જ્યાં બીજી સુગંધની વાત દૂર થઈ ગઈ છે એવા દેવવૃક્ષનાં પુષ્પ પર પગલું માંડ્યા પછી પણ હે ભ્રમર, જો તું બીજા પુષ્પ ઉપર જવાની ઈચ્છા કરે તો ધન્ય છે તને !

અપ્ર. – દેવવૃક્ષનાં ફૂલ પ્ર. – ઉત્તમ માણસ

પરિમલ કીર્તિ

અન્ય પુષ્પ સામાન્ય વ્યક્તિ

ભ્રમર સારાસાર ન સમજનાર વ્યક્તિ


(૮) એકસ્ત્વં ગહનેઅસ્મિન્ કોકિલ ન કલં કદાચિદપિ કુર્યા: I

  સાજાત્યશન્ગયામી ન ત્વાં નિઘ્નન્તિ નિર્દયા: કાકા: II (૨૩)

ભાષાન્તર:- હે કોયલ, આ જંગલમાં તું એકલો મધુર ટહુકાર ક્યારેય કરીશ નહિ (જેથી) આ ક્રૂર કાગડાઓ ‘આ તો આપણી જાતિનું છે’ એમ માનીને તને મારે નહિ.

અપ્ર. – કોયલ પ્ર. – નિ:સહાય પંડિત

કાગડા નિર્ગુણી દુર્જન


(૯) પૃષ્ટા: ખલુ પરપુષ્ટા: પરિતો દ્રષ્ટાશ્વ વિટપિન: સર્વે I

  માકન્દ ન પ્રપેદે મધુપેન તવોપમા જગતિ II (૨૭)

ભાષાન્તર:- હે આમ્રવૃક્ષ, (ભમરો) ખરેખર કોયલોને પૂછી વળ્યો, ચોમેર બધાં વૃક્ષો જોઈ વળ્યો. (પરંતુ તે) ભ્રમરને જગતમાં તારા જેવું કોઈ ન મળ્યું.

અપ્ર. – આમ્રવૃક્ષ પ્ર. – રાજા

બીજાં વૃક્ષો       સામાન્ય રાજાઓ કે ધનિકો

ભમરો       યાચક





યુનિટ – ૨

પ્રાસ્તાવિક વિલાસ શ્લોક ૨૮ થી ૪૦ અનુવાદ અને સમજૂતિ.


પ્રશ્ન:- ૨ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

  સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો.

(૧) ભ્રમરનાં પ્રતીક દ્વારા બોધ

જ:- ભ્રમરનાં પ્રતીકને જગન્નાથે બહુ પ્રમાણમાં ઉપયોગમાં લીધું છે. કમળની આગળપાછળ ગુંજારવ કરતા ભ્રમરને કવિ ઘણીવાર સ્વાર્થને લીધે પ્રશંસા કરનાર ચાટૂકાર જેવો કહીને તેવાઓથી ચેતતા રહેવાનું જણાવે છે. આવા લોકોને તરછોડવા નહિ પણ સાચો સહાયક કોણ છે તે તો ઓળખવું જોઈએ. કમળ માટે સાચો સહાયક નિ:સ્વાર્થી પવન છે. ભ્રમર તો કમળવનમાં ઘૂમતો હોય, પણ જો તે દૈવવશાત્ કૂટજના ફૂલ ઉપર જાય તો તેને તરછોડવો નહીં. આના ઉપરથી સમજાય કે વિદ્વાન વ્યક્તિ સામાન્ય સાધનવાળા આશ્રયદાતા પાસે જાય તો તેને તિરસ્કારવો નહિ છતાં કવિ એમ તો કહે છે કે કમળ પરથી ભમરાએ કૂટજ ઉપર જવું પડ્યું એમાં તેની નામોશી છે. કવિ ભ્રમરને કમળનો સાચો આસ્વાદ લેનાર કહે છે.

કવિ માલતીને ભ્રમરનો મહિમાપૂર્ણ આદર કરવાની સૂચના આપે છે કારણ તે દેવોનાં ઉદ્યાનોનાં પુષ્પોની પરિમલ ચાખનારો છે. મહનીય વ્યક્તિઓના સહવાસમાં હંમેશા વસનાર આદરણીય માણસ જો કોઈવાર ઉદાર પુરૂષનો અભ્યાગત બને તો તેનો અનાદર ન કરવો એવો અર્થ અહીં અભિપ્રેત છે. પરંતુ કલ્પવૃક્ષ ઉપર ફરનાર અને વસનાર ભ્રમર બીજા વૃક્ષ ઉપર જવાનો વિચાર કરે તે કેવી વિડંબના કહેવાય ? અથવા તો ભ્રમરને સમદર્શી મહાપુરૂષ જેવો સમજી શકાય. તેને માટે કલ્પતરૂ કે કૂટજ સમાન મહત્વ ધરાવે છે. છતાં ભમરાની આવી પ્રવૃત્તિને કવિએ તો સ્પષ્ટ શબ્દોમાં નામોશીભરી કહી છે. ઉત્તમ પાસે રહીને હલકા પાસે જવું એ ઘણું શરમજનક છે.

કવિ ભમરાનો આદર કરવા કમળને કહે છે કે ભમરો તો દેવોનાં ઉદ્યાનોમાં દેવવૃક્ષોનાં પુષ્પો ઉપર ફરતો હોય છે. તે તારી પાસે તો વિધિયોગે મધ પામવા માટે આવેલ છે. તેથી તારે લોભ કરીને કંજૂસ બનવું નહિ. આના ઉપરથી ઉચ્ચ વર્તુળોમાં ઉન્નત મસ્તકે ફરીને માન પામનાર વ્યક્તિનું વૃતાન્ત ધ્વનિત થાય છે.

કવિરાજ જગન્નાથ પ્રશંસા માટે ભ્રમરનું પ્રતીક સ્વીકારે છે. તે સાથે નિંદાનો અર્થ તારવવા પણ ભ્રમરનો જ ઉપયોગ કરે છે. વસંતના પ્રારંભમાં જેની વિકસતી મંજરીઓની આસપાસ મધુર ગુંજારવ કરીને આનંદપ્રમોદ માણ્યા હોય તે આંબો સુકાઈ જાય છે ત્યારે તેની પ્રત્યેથી મોં ફેરવી લેનારા ભ્રમરની વાત કરીને કવિ બોધ આપે છે કે ઉદારતાથી દાન કરનાર પરોપકારી સજ્જન આફતમાં આવી પડે ત્યારે તેનો ત્યાગ કરનાર અવિનયી, નીચ અને કૃતઘ્ન છે. આંબાને ત્યજતો ભમરો આવી વ્યક્તિનું પણ પ્રતીક છે. ભ્રમર અને કમળલતા વચ્ચે ગાઢ પ્રેમસંબંધ છે. કમળલતા, અનેક દોષવાળો હોવા છતાં ભ્રમરને ખૂબ પ્રેમ કરે છે. છતાં પણ ભ્રમર તેને છોડવા તૈયાર થાય તે કેવું નિંદનીય વર્તન કહેવાય ? અહીં કવિ દુરાચારી અને દાક્ષિણ્યહીન નાયકનાં પ્રતીકરૂપે ભ્રમરને રજૂ કરે છે.

આ વિવરણ પરથી સમજાય છે કે જગન્નાથે ભ્રમરના પ્રતીકને મુક્ત રીતે પ્રાયોજ્યું છે અને તેમાંથી વિધાયક અર્થ તથા વિપરીત અર્થ તારવ્યો છે.


(૨) વૃક્ષની અન્યોક્તિ દ્વારા અર્થ

જ:‌- સમાજમાં વૃક્ષો હિતકારક પ્રકૃતિના તત્વ તરીકે જાણીતાં છે. મુક્તકકાર વિવિધ પ્રતીકોને અપનાવતા હોય છે તેમાં વૃક્ષને ખાસ પસંદ કરે છે. જગન્નાથ અહીં ચંદન, સુરતરૂ, કૂટજ, બર્બુર વગેરેને સ્થાન આપીને બોધનું વૈવિધ્ય રજૂ કરે છે.

ચંદન ઉત્તમ વૃક્ષ છે. તેની સુગંધનો મહિમા પ્રસિધ્ધ છે. પરંતુ તે પોતાની પાસે વિષવમન કરતા સર્પોને પોષે છે. આ રીતે તે ઉદાર છે. આ વૃતાંત દ્વારા કવિ, અપકાર કરનાર આશ્રિત કૃતઘ્ની હોય તો તેની ઉપર રહેમનજર રાખનાર આશ્રયદાતાનું વર્તન કહેવા માગે છે. અપકારી ઉપર ઉપકારી બનતા ચંદનની ઉદારતા એ રીતે પણ પ્રગટ થાય છે કે તેને ઘસવા છતાં તે ઘસનારાને પણ સુગંધી આપે છે. સજ્જનો પણ આવા જ હોય છે. તેઓ પ્રતિકૂળ વલણ દાખવતા જ નથી.

ચંદનનાં જે ગુણોની કવિ પ્રશંસા કરે છે તેને નિંદા માટે પણ પ્રયોજ્યા છે. ચંદન ગુણયુક્ત હોવા છતાં સર્પોની સોબતને લીધે સજ્જનો તેનો આશ્રય લઈ શકતા નથી. આ કલંક છે છતાં તેને નિભાવે છે એમ કહીને કવિએ તેની મોટાઈ ઉપર કટાક્ષ કર્યો છે. ગુણવાન ઉપર રાજવી કે ગર્ભશ્રીમંત દુષ્ટોને આશ્રય આપે તો સજ્જનો તેની પાસે જતાં રોકાય. આ પરિણામમાં જે તે રાજવી વગેરેની મોટાઈ તો નથી જ. વળી ચંદન તેની સુવાસ, શીતળતા વગેરેને લીધે શીતળતા વગેરેને લીધે દિશાઓના છેડા સુધી જાણીતું થયું છે. પરંતુ તેની બખોલમાં રહેતા સર્પો તેના બધા ગુણોને ઢાંકી દે છે. ગુણવાન વ્યક્તિમાં ગુણોનો સમૂહ હોય, પરંતુ દુષ્ટોને આશ્રય આપવાની તેની ઉદારતા મોટી ભૂલ છે, કલંકરૂપ છે. આને લીધે અનેક ગુણ ઉપર પાણી ફરી વળે છે.

જગન્નાથ એમ પણ કહે છે કે પારકા પાસે યાચના માટે જવાની ચિંતા વૃક્ષોને સ્પર્શતી જ નથી. માટે જ તેઓ નિરાંતે જીવે છે. યાચના કરવી એ શરમ છે. દુ:ખી માનવી માટે તે અભિશાપ છે. તેના પ્રમાણમાં વૃક્ષો જડ છે છતાં સારાં છે. અહીં સંસારીની નિંદા કરીને કવિએ સજ્જન જેવાં વૃક્ષોની પ્રશંસા કરી છે.

કવિરાજ જગન્નાથે સુરતરુ – કલ્પવૃક્ષ વિવેકહીન છે એમ કહીને તેને ઠપકો આપ્યો છે કલ્પવૃક્ષ ઉદારતા માટે ત્રિભુવનમાં જાણીતું છે. તેની ઉત્પત્તિ, નિવાસ, દેવોને પણ આનંદ આપી શકે તેવી સુવાસ તથા યાચકની ઈચ્છા પૂરી કરવાની શક્તિ લોકોત્તર ગુણો છે. પરંતુ તે વિવેક કર્યા વિના ગમે તે પ્રકારના માણસને તે જે માગે તે આપે છે. યોગ્યયોગ્યનો વિચાર નહિ કરવો એ તેની મોટી મર્યાદા છે. અહીં દાન સાથે વિવેક વાપરવાની ઉદાર દાનીને સલાહનું સૂચન છે.

બકુલવૃક્ષ વિશે પણ પ્રાસ્તાવિક વિલાસમાં લખવામાં આવ્યું છે. નાનકડા બકુલવૃક્ષ ઉપર માળીએ વિશેષ દયા ન કરી કારણે તે બધાં વૃક્ષો ઉપર સમભાવ રાખતો હતો. પણ તે તો એવું ખીલી ઊઠ્યું કે તેની પરિમલથી ભમરાઓનાં વૃંદ આકર્ષાયાં અને ગુંજનથી દિશાઓને ભરી દીધી. સ્વામી બધા સેવકો ઉપર સમદ્રષ્ટિ રાખે ને ખાસ કૃપા ન દર્શાવે તો પણ સ્થાન મોભામાં નાનો સેવક પણ પોતાની સુંદર કામગીરીથી પોતાનું નામ એવું રોશન કરી દે છે કે ચારોકોર તેની વાહવાહ થાય છે.

પ્રાસ્તાવિકવિલાસ બર્બુર – બાવળ દુર્ગુણી વ્યક્તિનું પ્રતીક બનીને સ્થાન પામેલ છે. બાવળ પાસે પાંદડાં, ફૂલ કે ફળ નથી. જે તે તીક્ષ્ણ કાંટા છે. આથી તેની પાસે કયા લાભની ઈચ્છાથી કોઈ જાય ? બાવળ એવા રાજાનું પ્રતિનિધિ છે કે જે દુર્જનોને સંઘરે છે. તેની પાસેથી ધન મળતું નથી. ત્યાં સજ્જનોનો સમાગમ નથી. ઊલટું દુર્જનોરૂપી અણીયાળા કાંટા ભરેલા છે. તેવા રાજાને ત્યાં જઈને શું પામવાનું ?

જગન્નાથ કવિને માટે વૃક્ષ ઉત્તમ દાનવીર છે. તે ફળ, ફૂલ તથા પાંદડાંનો સમૂહ ધારણ કરે છે, ઠંડી તથા ગરમી સહન કરે છે અને પરહિત માટે પોતાની જાત ધરી દે છે. આ વૃક્ષો દ્વારા કવિ સજ્જનનું વૃતાન્ત સમજાવે છે. તેઓ દયા, દાક્ષિણ્ય વગેરે દ્વારા અનેક દુ:ખી વેઠીને સમાજનું ભલું કરતા હોય છે.

અહીં આમ્રવૃક્ષ – માકન્દની પ્રશસ્તિ કરવામાં આવેલી છે. ભમરાએ કોયલને પૂછ્યું અને ચોમેર બધાં વૃક્ષોને તપાસી જોયાં, પણ તેને જગતમાં આંબા જેવું કોઈ મળ્યું નહીં. આંબાના આ પ્રતીક દ્વારા કવિને ગુણવાન તથા અત્યંત શ્રીમંત દાતા કે સ્વામી અભિપ્રેત છે. તેના આશ્રિત કે સેવકને તેના જેવો કોઈ દાનવીર શોધ્યો જડતો નથી.

વૃક્ષો દ્વારા બોધ આપનાર કવિ વૃક્ષના ભયનો ઉલ્લેખ પણ કરે છે. ઊંડા અને મજબૂત મૂલવાળું, મક્કમતાથી જમીનમાં ચોંટેલું, અનેક મજબૂત ડાળીઓવાળું અને દુર્ગમ પર્વત ઉપર રહેલું વૃક્ષ નિર્ભય છે એવું લાગે. પણ તેને પણ આખું ને આખું ખાઈ જાય એવા ક્રુર દાવાનળનો ભય તો છે જ. વૃક્ષનાં જેવી જ દશા ઉચ્ચ સામાજિક મોભો ધરાવતી વ્યક્તિની થાય છે. તેનો નિવાસ વગેરે ઉપલક રીતે નિર્ભયતા સૂચવે છે. પણ તેના જીવનમાં કઠોર અકસ્માત ઊભો થવાની શક્યતા છે એ ધ્યાનમાં રાખવું જોઈએ, નંદનવન માટે પણ કવિએ આવો જ ભય દર્શાવ્યો છે.

વૃક્ષોની વાત કરતા કવિ વૃક્ષની આશ્રિત લવંગલતાને ભૂલ્યા નથી. એક વનને હાથીઓએ તોડી નાંખ્યું, કેટલોક ભાગ ઠંડીથી પીડાતા લોકોએ કાપી નાખ્યો અને બાકી રહેલાને સૂર્યનાં પ્રચંડ કિરણોએ બાળી-સૂકવી નાખ્યું. એક ખૂણામાં રહેલી લવંગલતા આ બધામાંથી બચી ગઈ. પણ ત્યાં તો એકાએક દાવાનળ ફાટી નીકળ્યો અને તેમાં તે ભરખાઈ ગઈ. કવિનું તારણ એ છે કે સુંદર વસ્તુનો ક્રૂર રીતે થતો વિનાશ લોકોના હ્રદયને કકળાવી મૂકે છે.

વૃક્ષોનાં વૃત્તાન્ત અહીં કવિએ વિવિધ સંદર્ભોમાં રજૂ કર્યાં છે અને તે દ્વારા સુંદર બોધ તારવ્યો છે. વૃક્ષોને પ્રતીક રાખીને અપાયેલો આ બોધ-ઉપદેશ ખરેખર રોચક છે.


(૩) સિંહનાં પ્રતીક દ્વારા ઉપદેશ

જ:- જગન્નાથ પંડિત જે વિવિધ પ્રતીકો અપનાવ્યાં છે તેમાં સિંહ અને સિંહશિશુનો પણ સમાવેશ થાય છે. સિંહ પરાક્રમનું પ્રતીક છે અને કવિએ તેનો સંદર્ભમાં જ ઉપયોગ કરેલો છે.

પ્રાસ્તાવિકવિલાસનો આરંભ જ સિંહના દુર્દાન્ત પરાક્રમથી થાય છે. સિંહની બીકથી મદોન્મત્ત હાથીઓ પણ દિશાઓના છેડે ભાગી ગયા છે, બિચારી હાથણીઓ અને હલકી કોટિનાં હરણો હાજર છે. તો પછી મૃગપતિ કોના ઉપર પરાક્રમ કરે ? આ વૃત્તાંત દ્વારા ધુરંધર પંડિત કે અપ્રતિમ યોધ્ધાનું વૃત્તાન્ત કવિ સૂચિત કરે છે. પંડિતવૃંદમાં રાડ પડાવી દેનાર જગન્નાથ આત્મવૃતાન્ત પણ આ રીતે સૂચવે છે. પાંડિત્યપ્રદર્શન સમકક્ષ સામે અને સાથે થાય. પરાક્રમી સિંહથી સાવધાન રહેવા હરણને કહ્યું છે કે આંખો મીંચીને તાનમાં આવીને હરિણીઓની વચ્ચે મહાલીશ નહીં. આ તો તું હાથીઓને હણનાર મૃગાધિપતિના વિહારની સરહદમાં આવી ગયો છે. આમ કહીને કવિ, પોતાને અતિ બળવાન કે મહાન માનનાર પંડિતને ચેતવણી આપે છે કે બલવત્તરના કાર્યપ્રદેશમાં માથું મારવું નહિ, નહિ તો પાણી ઊતરી જાય. મહાન ચક્રવર્તી રાજાની બાબતમાં દખલ ન દેવા મામૂલી રાજાને ચેતવણી આપી છે એમ પણ સમજાય. કવિ હાથીને પણ ચેતવે છે કે અહીં ગુફામાં તો સિંહ સૂતેલો છે. તેણે તો હાથીના ભ્રમથી શિલાઓનો ઢગલો ચીરી નાખ્યો હતો. તેના અધિકાર પ્રદેશમાં મદોન્મત્ત બનીને ફરવું નહીં. આ દ્વારા  કવિ મહાન વિદ્વાનને જણાવે છે કે પોતાનાથી વધુ મેધાવીને છંછેડવો નહીં તે ભલભલાના પાણી ઉતારી નાખે તેવો છે.

સિંહ સ્વમાનનું પ્રતીક બનીને પણ આવે છે. જઠરાગ્નિથી બળી જતો હોવા છતાં સિંહ, નિ:શંક બનીને સામે આવેલાં હરણાંને હણતો નથી. બળવાન ક્ષુદ્ર કામ કરે નહિ અને મોટા માણસો પોતાને વિશ્વાસે આવેલી વ્યક્તિને દગો દેતા નથી એવો અર્થ અહીં સમજાય છે. સિંહે પરાક્રમ દાખવીને હાથીઓને હણ્યા અને તેમનાં ભેદાયેલાં ગંડસ્થળમાંથી મોતી ચારે બાજુ વેરાઈ ગયાં. આવા મોટા પરાક્રમનું વર્ણન સિંહ હરણાંઓ સામે વર્ણવે એ કે બને ? મહાન માણસ પોતાની મહાન સિધ્ધિની વાત સમાન કક્ષાની વ્યક્તિ સિવાય બીજાની સામે કહે નહીં.

પરાક્રમી સિંહ જીવતો હોય ત્યારે, હાથીઓ મદોન્મત્ત હોવા છતાં ભયવિહ્વળ બનીને તેની આસપાસ ફરકતા ય નથી. પણ તે મરી જાય છે ત્યારે શિયાળવાં ય ત્યાં કાગારોળ કરી મૂકે છે. આ મોટો વિરોધ છે, પણ તે વાસ્તવિક છે. આ દ્વારા કવિ વૈભવશાળી અને મહાપરાક્રમી વીરનું વૃતાન્ત કહેવા માગે છે. પહેલાં જેનો કડક કરપ હતો તેની આંખ મીંચાતાં ક્ષુદ્ર બાયલાઓ ફાવે તેમ બકે છે. મરણ સાથે મહાનતા પણ મરી જાય છે.

સિંહની જેમ સિંહશિશુ પણ એવું જ પરાક્રમી હોય છે. કવિ ગજશિશુને મદમાતા બનીને પર્વતની ગુફામાં ફરવાની મનાઈ કરે છે. જો સિંહશિશુ જાગી જશે તો પૃથ્વી ઉપર માત્ર હાથણીઓ બાકી રહેશે. કવિ દર્શાવે છે કે જ્ઞાનનાં કે બળનાં ઘમંડથી રોફ મારનારનું ઘમંડ તોડવા તો વિદ્વાનોનાં કે બળવાનોનાં બાળકો જ પૂરતાં છે. તેનું ઘમંડ એવું વિનાશક પૂરવાર થશે કે તે મહિલાઓ સિવાય બધાયનાં ભોગ લઈ લેશે. સિંહબાળ એટલું બધું પરાક્રમોન્મુખ હોય છે કે તે ધાવતું હોય ત્યારે વાદળોની ગર્જના સાંભળીને હાથીઓના ભ્રમથી તરાપ મારવાનું સ્થાન શોધે છે. પણ કવિ તેને નિરાંતે સ્તનપાન કરવાનું જણાવે છે. તેજસ્વી વ્યક્તિનું સંતાન પણ તેજસ્વી હોય છે અને શત્રુની ગંધ સરખી ય તે સાંખી લેતું નથી એવું કથયિત્વ અહીં અભિપ્રેત છે. આ જ વાત માટે કવિ થોડું આગળ વધીને કહે છે કે તાજું જ જન્મેલું સિંહબાળ ધીમું મેઘગર્જન સાંભળીને છલાંગ મારવા માટે માતાના ખોળામાં છાનુંમાનું સંકોચાય છે.


(૪) પ્રાસ્તાવિક વિલાસ શીર્ષક

જ:-પ્રાસ્તાવિકવિલાસ શીર્ષકમાં કશું ઔચિત્ય નથી જણાતું. આ વિલાસમાં કોઈ પણ જાતની પ્રસ્તાવના નથી. વળી, તેના પછી આવતા શ્રૃંગાર, કરૂણ અને શાંત નામના વિલાસોની પ્રસ્તાવના રૂપે પણ તેમાં કશું નથી. જો તે સૌ પ્રથમ સ્થાન પામ્યો તેથી પ્રાસ્તાવિક કહેવાયો હોય તો તેની પછીના ત્રણમાંથી કોઈપણ એકને પ્રથમ મૂકીને તેને પ્રાસ્તાવિકવિલાસ કહેવાનું પ્રાપ્ત થાય. શ્રૃંગાર, કરૂણ અને શાન્ત વિલાસોમાં સ્થાન પામતાં બાકી રહેલા શ્લોકોને કવિએ એકત્રિત કરીને સૌથી પહેલાં મૂકી દીધા અને તે સંગ્રહને પ્રાસ્તાવિકવિલાસ શીર્ષક આપ્યું એમ સમજી શકાય. છતાં ય આ શીર્ષક બુધ્ધિગમ્ય લાગતું નથી.

પ્રાસ્તાવિક વિલાસમાં મોટા ભાગનાં શ્લોકો અન્યોક્તિ પ્રકારનાં છે અને કેટલાક સુભાષિત સ્વરૂપનાં છે. જે વધુ પ્રમાણમાં હોય તેના આધારે શીર્ષક આપી શકાય – પ્રાધાન્યેન વ્યપદેશા ભવન્તિ I એવો નિયમ પ્રચલિત છે. આ રીતે વિચારતાં અને અન્યોક્તિવિલાસ નામ આપવામાં આવે તો તે ઘણું યોગ્ય લાગે. પ્રાસ્તાવિકવિલાસને અન્યોક્ત્યુલ્લાસ પણ કહેવામાં આવે જ છે. પરંતુ તેને અન્યોક્તિવિલાસ શીર્ષક આપવામાં આવે તો ચારેય વિભાગોનાં નામમાં સમાનતા આવી શકે. અન્યોક્તિવિલાસ એટલે અન્યોક્તિરૂપી વિલાસ. કવિની દ્રષ્ટિએ અન્યોક્તિની રચનારૂપી વિલાસ અને વાચકની દ્રષ્ટિએ અન્યોક્તિનાં વાચનરૂપી વિલાસ.

પ્રો. આર. બી. આઠવલે પ્રાસ્તાવિકવિલાસને બદલે ‘નીતિવિલાસ’ એવું વૈકલ્પિક શીર્ષક પણ અનુરૂપ છે કારણ આ વિલાસનું પ્રયોજન નીતિનો – માનવવ્યવહાર વિશેનો બોધ આપવાનું છે. અન્યોક્તિ વિલાસનાં શ્લોકો પરથી કવિનો સ્વમાની સ્વભાવ જણાઈ આવે છે. પ્રાસ્તાવિકવિલાસનો ઉદ્દેશ પણ દર્શાવવામાં આવેલો છે. કવિઓ વગેરેને રાજાઓ અને ધનિકો તે જમાનામાં આશ્રય આપતા હતા. આથી કવિએ કેવા રાજા પાસે રહેવું, સ્વમાન કેમ જાળવવું, વગેરે વાતો પ્રાસ્તાવિકવિલાસનો ઉદ્દેશ છે એમ શ્રી ડી. આર. માંકડ જણાવે છે.

પ્રાસ્તાવિકવિલાસ શીર્ષક પ્રચલિત છે અને કવિદત્ત છે. માટે તેનો જ સ્વીકાર કરવો રહ્યો. વિલાસચતુષ્ટયીના આરંભમાં છે માટે તે પ્રાસ્તાવિક છે એ રીતે જ તેની યોગ્યતા સમજવી રહી.



પ્રશ્ન:-૨ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો (બેમાંથી એક) (૦૪)

શ્લોક નં. ૨૮, ૨૯, ૩૧, ૩૨, ૩૩, ૩૭, ૩૮

(૧) તોયૈરલ્પૈરપિ કરૂણયા ભીમભાનૌ નિદાઘે 

  માલાકાર વ્યરચિ ભવતા યા તરોરસ્ય પુષ્ટિ: I

     સા કિં શક્યા જનયિતુમિહ પ્રાવૃષેણ્યેન વારાં

  ધારાસારાનપિ વિકિરતા વિશ્વતો વારિદેન II (૨૮)

ભાષાન્તર:- હે માળી, પ્રચંડ સૂર્યવાળા ઉનાળામાં દયાપૂર્વક થોડા પાણીથી પણ તેં આ વૃક્ષનું જે પોષણ કર્યુ તે ચારેબાજુથી પાણીની ધારાઓ વરસાવતા ચોમાસાના મેઘને માટે પણ કરવું શક્ય છે શું ?

અપ્ર. – માળી પ્ર. – સાચો અને દયાળુ સહાયક

વાદળ       ઉડાઉ અને અવિચારી સંપત્તિવાન

પ્રચંડ સૂર્ય       વિપત્તિકાળ


(૨) આરામાધિપતિર્વિવેકવિકલો નૂનં રસા નીરસા

  વાત્યાભિ: પરૂષીકૃતા દશ દિશશ્વણ્ડાતપો દુ:સહ: I

  એવં ધન્વનિ ચમ્પકસ્ય સકલે સંહારહેતાવપિ

  ત્વં સિન્ચન્નમૃતેન તોયદ કુતોઅપ્યાવિસઃકૃતો વેધસા II (૨૯)

ભાષાન્તર:- બાગના માલિકમાં વિવેક નથી, ધરતી કસ વગરની છે, દશે દિશાઓ વંટોળથી ઋણ બની ગઈ છે, પ્રચંડ તાપ અસહ્ય છે: આમ રણપ્રદેશમાં ચંપક વૃક્ષના વિનાશ માટે બધાં જ કારણ મોજુદ હોય ત્યારે તેના ઉપર અમૃત વરસાવનાર તને હે મેઘ, બ્રહ્માએ કો’ક અજાણી દિશામાંથી પ્રકટ કર્યો.

અપ્ર. – ચંપક વૃક્ષ પ્ર.- આપદગ્રસ્ત સદગુણી

વાદળ     દયાળુ વ્યક્તિ


(૩) દધાન: પ્રેમાણં તરૂષુ સમભાવેન વિપુલાં

  ન માલાકારોઅસાવકૃત કરૂણાં બાલબકુલે I

  અયં તુ દ્રાગુદ્યત્કુસુમનિકરાણાં પરિમલૈ

  દિર્ગન્તાનાતેને મધુપકુલઝન્કાંરભરિતાન્ II (૩૧)

ભાષાન્તર:- બધાં વૃક્ષો ઉપરથી સરખી રીતે પ્રેમ રાખનાર આ માળીએ નાનકડા બકુલ વૃક્ષ ઉપર વિશેષ દયા ન કરી. (પરંતુ) આણે તો ખીલતાં પુષ્પોનાં સમૂહનાં પરિમલ વડે દિશાઓના છેડાને ભમરાનાં ટોળાનાં ગુંજારવથી એકદમ ભરી દીધા.


અપ્ર. – માળી પ્ર.- મહાન લોક કે રાજા કે માતા

તરૂ     લોકો, પ્રજાજન, સંતાન

બકુલ     ગુણવાન માણસ, નાનું સંતાન


(૪) મૂલં સ્થૂલમતીવ બન્ધનદ્દઢં શાખા: શતં માંસલા

  વાસો દુર્ગમહીઘરે તરૂપતે કુત્રાસ્તિ મીતિસ્તવ I

  એક: કિન્તુ મનાગયં જનયતિ સ્વાન્તે મમાધિશ્વિરં

      જ્વાલાલીવલયીભવન્નકરૂણૉ દાવાનલો ઘસ્મર: II (૩૨)

ભાષાન્તર:- હે વૃક્ષરાજ, તારું મૂળ અત્યંત સ્થૂળ છે; (જમીનમાં) તે દ્રઢ રીતે ચોંટેલું છે, સેંકડો મજબૂત શાખાઓ છે, તારો નિવાસ દુર્ગમ પર્વત પર છે. (તો) તને ભય ક્યાંથી હોય ? પણ એક વાત મારા મનમાં સહેજ ચિંતા ઊભી કરે છે કે જ્વાળાઓની હારથી ઘેરી લેતો આ ક્રૂર દાવાનળ ખાઈ જાય તેવો છે.

અપ્ર. – મજબૂત ઝાડ પ્ર. – સુરક્ષિત વ્યક્તિ

દાવાનળ     મહાન આકસ્મિક વિપત્તિ


(૫) ગ્રીષ્મે ભીષ્મતરૈ: કરૈર્દિનકૃતા દગ્ધોઅપિ યશ્વાતક-

     સ્તવાં ધ્યાયન્ ધન વાસરાન્ કથમપિ દ્રાધીયસો નીતવાન્ I

     દૈવાલ્લોચનગોચરેણ ભવતા તસ્મિન્નિદાનીં યદિ

     સ્વીચક્રે કરકાનિપાતનકૃપા તત્કં પ્રતિ બ્રૂમહે II (૩૩)

ભાષાન્તર:- હે મેઘ, ઉનાળામાં સૂર્યે અત્યંત પ્રખર કિરણોથી બાળી નાંખ્યો હોવા છતાં ય જેણે તારૂં સ્મરણ કરતાં કરતાં વધુ લાંબા થયેલા દિવસો મહામુશ્કેલીએ પસાર કર્યા, તેના ઉપર હવે દૈવયોગે નજરે પડેલો તું કરા વરસાવવાની કૃપા બતાવે તો (એ વાત) અમે કોને કહીએ ?

અપ્ર. – મેઘ પ્ર. – સમર્થ સ્વામી

ગ્રીષ્મ       આપત્તિનાં દિવસો

ચાતક       અનન્ય શ્રધ્ધાવાળો સેવક

કરા       અવકૃપા


(૬) નાપેક્ષા ન ચ દાક્ષિણ્યં ન પ્રીતિર્ન ચ સન્ગતિ: I

     તથાપિ હરતે તાપં લોકાનામુન્નતો ઘન: II (૩૭)

ભાષાન્તર:- એને (પ્રત્યુપકારની) ઈચ્છા નથી, એની પ્રત્યે કોઈને દાક્ષિણ્યે નથી, પ્રેમ નથી કે સંબંધ નથી. છતાંય ઉન્નત મેઘ લોકોનો તાપ દૂર કરે છે.

અપ્ર. – મેઘ પ્ર. – નિ:સ્વાર્થ પરોપકારી


(૭) સમુત્પત્તિ: સ્વચ્છે સરસિ હરિહસ્તે નિવસનં

    નિવાસ: પદ્માયાં: સુરહ્રદયહારી પરિમલ: I

    ગુણૈરેતૈરન્યૈરપિ ચ લલિતસ્યામ્બુજ તવ

   દ્વિજોત્તંસે હંસે યદિ રતિરતીવોન્નતિરિયમ્ II (૩૮)

ભાષાન્તર:- હે કમળ, તારી ઉત્પત્તિ નિર્મળ સરોવરમાં છે, વિષ્ણુ ભગવાનનાં હાથમાં તારો નિવાસ 

છે, લક્ષ્મીનું (તું) નિવાસસ્થાન છે, દેવતાઓનાં હ્રદયને પણ આકર્ષે તેવી તારી સુવાસ છે. આ અને અન્ય ગુણથી પણ સુંદર લાગતું તું પક્ષીઓમાં ઉત્તમ હંસ પ્રત્યે પ્રેમ રાખે તો એ તારી અનેરી મહત્તા છે.

અપ્ર. – કમળ પ્ર. – ગુણશાલી માનવી

હંસ       ઉત્તમ બ્રાહ્મણ કે આત્મા




યુનિટ – ૩

પ્રાસ્તાવિક વિલાસ શ્લોક ૪૧ થી ૫૨ અનુવાદ અને સમજૂતિ.


પ્રશ્ન:- ૩ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

  સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો.

(૧) સીતાની દશા અન્યોક્તિ

જ:- કવિએ રામસીતાના વનવાસનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે વનમાં ખેલતાં સીતા સસલાનાં બચ્ચાનાં જોઈને ય ડરી જતી અને તરત જ ભય દૂર કરનાર પોતાના પતિનો હાથ પકડી લેતી હતી. આ સીતાનું અપહરણ થયું અને તેને રાવણે રાક્ષસોનાં પહેરા વચ્ચે રાખી. ડરપોક સ્વભાવની કમનીય કાયાવાળી સીતાને ભયંકર દાંતવાળા રાક્ષસો વચ્ચે રહેવાની દશા આવી ત્યારે તે અત્યંત ફફડી ઊઠતી હોય એ સ્વાભાવિક છે. સીતા અને રાક્ષસોના સંબંધનો મેળ પદતો નથી. કવિ સૂચવે છે કે અતિ કોમળ અને અતિ કર્કશ વચ્ચે મેળ થાય તો તેથી પરિસ્થિતિ વધુ દયનીય બની જાય છે.


(૨) કામદેવનો પ્રસંગ અન્યોક્તિ

જ:- તપસ્વી શંકરે મદનદહન કર્યું હતું એ પ્રસંગ ખૂબ જ પ્રસિધ્ધ છે. તે પ્રસંગ મહાકવિઓની કલમનો વિષય બનેલો છે. પ્રાસ્તાવિક વિલાસમાં જગન્નાથ તેને માટે એક શ્લોક ફાળવે છે અને ગાગરમાં સાગરની જેમ તેનું વર્ણન કરે છે. પહેલાં દેવોની સામે કામદેવે પોતાનાં શક્તિ અને બાહુબળની વારંવાર બડાઈ હાંકી. આને લીધે તેને સમાધિસ્થ શંકરને ચલિત કરીને પાર્વતી પ્રત્યે આકર્ષવા માટે કામગીરી સોંપવામાં આવી. તે માટે તે શિવની સામે ગયો અને તેમની ઉપર બાણ તાક્યું. આ વખતે દેવાંગનાઓ તેને રસપૂર્વક જોઈ રહી હતી, જાણે કે પોતાનાં નયનરૂપી પુષ્પમાળાથી તેનું અર્ચન કરતી હતી. પણ એકાએક શંકરના લલાટમાંથી અગ્નિ ખર્યો અને કામદેવનું મોહક શરીર અગ્નિની જ્વાળાઓનું સ્થાન બની ગયું.

કવિ જગન્નાથે પરંપરાપ્રાપ્ત કથાને સુંદર અને ભાવવાહી રીતે રજૂ કરી છે. મદનદહનની ઘટના માટે કુમારસંભવમાં કાલિદાસે આખો ત્રીજો સર્ગ રોક્યો છે. શંકરને ધૈર્યભ્રષ્ટ કરવા જતાં કામદેવ જીવનભ્રષ્ટ થઈ ગયો. સમગ્ર પ્રસંગમાં લાલિત્ય અને કઠોરતા દર્શાવવા માટે જગન્નાથે એક જ શ્લોકમાં કોમળ અને કઠોર વર્ણવિન્યાસ કરીને ધારી અસર નિપજાવી છે.


(૩) રાઘવ મત્સ્યની અન્યોક્તિ

જ:- દરિયામાં વસતા જળચર પ્રાણીઓમાં રાઘવ મત્સ્ય ઘણું જ મોટું માછલું છે. તિમિ નામના ૧૦૦ યોજન વિશાળ માછલાને ગળી જનાર માછલું તિમિંગિલ કહેવાય છે. રાઘવ મત્સ્ય તિમિલિંગને પણ ગળી જાય તેવું હોય છે. પોતાના બળથી અને ભ્રમણથી મોટા મોટા દિગ્ગજોને પણ ભ્રમમાં મૂકી દેનાર અને તિમિલિંગનો પણ કોળિયો કરી જનાર રાઘવ મત્સ્ય ક્રીડા કરતો હતો ત્યારે ચારે બાજુ મોજાં ઊંચે ઉછળતા હતાં અને તેના અવાજથી દિગ્ગજોના મનમાં સમુદ્રમંથનનો ભ્રમ પેદા થતો હતો. આવા મહાન પ્રેમકલહને લીધે તેણે સમુદ્રનો ત્યાગ કર્યો. કવિ પૂછે છે કે રાઘવ હવે કોના ખોળામાં ક્રીડા કરશે ? તેને રાખી શકે એવો કોઈ સમર્થ નથી.

આ અન્યોક્તિ છે. કવિ તે દ્વારા દર્શાવે છે કે જેનું પરાક્રમ ચોમેર પ્રસિધ્ધ હોય એવી અતિપરાક્રમી વ્યક્તિ, સંજોગવશાત્ સ્થાનભ્રષ્ટ થાય તો તેને આશ્રય આપી શકે એવી કોઈ સુયોગ્ય વ્યક્તિ મળે નહિ. મહાપુરૂષોને મહાપુરૂષ જ સહાયરૂપ બની શકે. વળી ધુરંધર રાજાને આશ્રયે રહેતા કોઈ દિગ્ગજ વિદ્વાન પંડિતને તે રાજા સાથે અચાનક વિરોધ થાય તો તેને આશ્રય આપે એવો કોઈ સમક્ષ રાજા નથી મળતો. એમ પણ બને કે બીજા રાજાઓ પેલા રાજાની ધાકથી ડરતા હોય. આવા બધા અર્થ રાઘવ મત્સ્યની અન્યોક્તિમાંથી નીકળી શકે.


(૪) પાંજરા પોપટનું વૃતાન્ત

જ:- એક પોપટ પાંજરામાં પૂરાયેલો હતો અને બંધનની દશાથી દુ:ખી હતો. તેણે બહાર નીકળી જવા માટે વિચારીને એક યોજના ઘડી કે લોકો પોતપોતાના કામમાં પરોવાઈ જશે એટલે મારાથી દૂર જશે. તે વખતે મારી ચાંચની અણીથી પાંજરાનો આગળો તોડીને હું નીકળી જઈશ. આ રીતે તે કીરવર-ઉત્તમ પોપટ પોતાના મનોરથોમાં મશગૂલ બની જાણે કે મુક્તિના અમૃતના આસ્વાદ લેતો હતો. તેવામાં તો હાથીની સૂંઢના જેવા આકારવાળો મોટો ફણીધર પાંજરામાં દાખલ થયો. કવિ સૂચવે છે કે પોપટ ફણીધરનો કોળિયો બની ગયો.

પોતાના ભાવિ સુખ માટે પોપટ પાંજરામાં રહીને અનેક કાર્યક્રમો ઘડતો હતો અને રાચતો હતો. પરંતુ તેની યોજનાનો અમલ થાય તે પહેલાં તો તે નાશ પામ્યો. પોપટ અહીં સામાન્ય માનવીનું પ્રતીક છે. સંસારમાં માણસ ધારે છે કંઈક અને થાય છે કંઈક જુદું. મનોરથસુખ ભોગવતા માણસ ઉપર આફત ક્યારે તૂટી પડશે એની આગાહી થઈ શકે નહીં. દૈવ ક્રૂર અને નિષ્ઠુર છે. અહીં, સંસારનાં સુખોમાં રાચતા માણસને કાળની વિકરાળતાનો પરિચય કરાવી પરલોક માટે આત્મકલ્યાણ સાધવાનો પણ સંકેત કરેલો છે એમ સમજી શકાય.


(૫) લવંગલતાની અન્યોક્તિ

જ:- વનમાં અનેક વૃક્ષોની સાથે લવંગલતા પણ એક બાજુએ ઊગેલી હતી. હવે, આ વનના કેટલાક ભાગને મદોન્મત્ત હાથીઓએ તોડી નાખ્યો. કેટલોક ભાગ કાપીને ઠંડીથી પીડાતા લોકો લઈ ગયા. બાકીનું વન સૂર્યની પ્રચંડ ગરમીમાં બળીને સૂકાઈ ગયું. પેલી લવંગલતા આ બધામાં બચી ગઈ હતી. તે પોતાની સુવાસ ચારે બાજુ ફેલાવતી હતી. પણ કષ્ટ એ વાતનું છે કે વનમાં એકાએક આગ લાગી અને લવંગલતા તેમાં ભરખાઈ ગઈ. હાથીઓ, હિમપીડિત લોકો અને સૂર્યના પ્રખર કિરણોમાં ટકી રહેલી તેનો દાવાનળે નાશ કર્યો એ દૈવની ક્રૂર લીલા છે.

આના ઉપરથી, અનેક રીતે છિન્નભિન્ન થયેલા રાજકુળના વિનાશનો અર્થ સમજી શકાય છે. આશ્રયદાતા સ્વામીનો નાશ થાય ત્યારે તેના આશ્રિતોનો નાશ થાય છે, તેમણે નાશ પામવો જ પડે છે. વળી, સુંદર અને મૃદુ વસ્તુનો ક્રૂર રીતે વિનાશ થાય તેનાથી લોકહ્રદય કકળી ઉઠે છે. લવંગલતાનો દાવાનળ જેવા ક્રૂરતમ સાધનથી નાશ થયો તે અત્યંત અરેરાટી જન્માવે છે. વળી, કોઈક દુરાચારી રાજાએ છિન્નભિન્ન કરી નાખેલા પરાજિત રાજાના દેશમાં ભૂલથી બચી ગયેલી નગરીનું વૃતાન્ત અહીં સમજાય છે. શત્રુ તેનો નાશ કરવા તૈયાર થયો અને તેમ કર્યું છે.


(૬) જગન્નાથનું જીવન

જ:- જગન્નાથને નામે અનેક દંતકથાઓ અનેક વર્ષોથી પ્રચલિત છે. પરંતુ બધી દંતકથાઓ કંઈ પૂર્ણ રીતે આધારભૂત નથી અને તેથી તેમાંની માહિતીને ઐતિહાસિક સમજવાની ભૂલ ન કરવી જોઈએ. આથી જગન્નાથના જીવન વિશે ગ્રન્થોમાંથી યા ઈતર રીતે જે કાંઈ માહિતી મળે છે તે જોઈએ.

કુટુંબ:

જગન્નાથના પિતાનું નામ પેરૂભટ્ટ કે પેરમભટ્ટ હતું. તેની માતાનું નામ લક્ષ્મી હતું. પેરમભટ્ટ મહાન વિદ્વાન હતા. મીમાંસા, વેદાન્ત, ન્યાય તથા વ્યાકરણના વિષયોમાં તેમનું પ્રકાંડ પાંડિત્ય હતું. જગન્નાથનું કુટુંબ તૈલંગણ (આંધ્ર) દેશના ગોદાવરી જિલ્લાનાં મુગુંડ ગામનું વતની હતું. વેલનાટીય કે વેંગિનાડુ અને ત્રિશૂલી જગન્નાથનાં ઉપનામ હતાં.

જ્ઞાનપ્રાપ્તિ અને લગ્ન:

જગન્નાથે પિતા પાસે જ અધ્યયન કરેલું. જો કે વ્યાકરણનો અભ્યાસ તેણે પિતાના ગુરૂ શેષ વીરેશ્વર પાસે કર્યો હશે. એના અભ્યાસના સ્થળ તરીકે વારાણસી માનવામાં આવે છે. તે સમયે તેના પિતા ત્યાં રહેતા હશે. પ્રાચીન ભારતીય શાસ્ત્રોના જ્ઞાન ઉપરાંત જગન્નાથને અરબી, ફારસી તથા ઊર્દુનું પણ જ્ઞાન હતું એમ માનવું જોઈએ.

અધ્યયન પૂરું થયા બાદ તેનું લગ્ન થયેલ અને તે એક પુત્રનો પિતા પણ બનેલો. પરંતુ કમનસીબે થોડા જ સમયમાં તેની પત્નીનું અવસાન થયું. આનાથી જગન્નાથને થયેલો શોક કરૂણવિલાસમાં સંવલિત થયો લાગે છે. પછીથી જગન્નાથના પુત્રનું પણ અવસાન થયું હશે. રસગંગાધરના એક પદ્ય પરથી આવું અનુમાન કરવામાં આવે છે. ડૉ. જે.બી. ચૌધરીના મત મુજબ તે પદ્યમાં ઉલ્લેખ થયેલો તનય જગન્નાથ તથા લવંગીનો પુત્ર હશે.

દિલ્લીના દરબારમાં:

અર્થોપાર્જન કરવા માટે જગન્નાથ જયપુર ગયો અને ત્યાં તેણે પાઠશાળા શરૂ કરી. તેજસ્વી વિદ્યાર્થીઓ ત્યાંથી ઉત્તીર્ણ થવા લાગ્યા. જગન્નાથને રાજ્યાશ્રય પણ મળેલો. બે-ત્રણ દરબારોનો તેણે અનુભવ મેળવેલો. તેની યુવાનીનો સમય તેણે દિલ્હીમાં મોગલ દરબારમાં પસાર કરેલો એમ તે પોતે જ નોંધે છે: દિલ્લીવલ્લ્ભપાણિપલ્લવતલે નીતં નવીનં વય: I ડે તથા ડૉ. આર્યેન્દ્ર શર્માનું માનવું છે કે જગન્નાથ જહાંગીર, જગતસિંહ, શાહજહા તથા પ્રાણનારાયણના દરબારમાં રહ્યો હતો.

મહાન વાદી:

જગન્નાથે મહાન વિદ્વાન તથા વાદી તરીકે ખ્યાતિ મેળવેલી. કાજીને હરાવવા વિશેની દંતકથા આ બાબતનો નિર્દેશ કરે છે. તેણે ઘણા હિંદુ પંડિતોને હરાવેલા. પોતાની જાતને તે ‘હંમેશા વિદ્વાનોને પાંડિત્યથી તાપ આપનાર’ કહે છે. પ્રતિવાદીની ટીકા કરતી વખતે તે તેમને માટે કડક શબ્દ વાપરે છે અને ક્યારેક ભાંડવાનું વલણ પણ અખત્યાર કરે છે.

યવની સાથેનો સંબંધ:

મોગલ દરબારના વિલાસી જીવનની અસર નીચે જગન્નાથ વધુ રસિક બન્યો હશે અને મુસ્લીમોની સુંદર કન્યાઓના પરિચયમાં આવ્યો હશે. કદાચ કોઈ એકને તેણે જીવનસાથી તરીકે પણ અપનાવી હોય. આ યવન કન્યાનું નામ લવંગી હતું એમ કહેવાય છે. આના પરિણામે તત્કાલિન બ્રાહ્મણ સમાજે તેને બહિષ્કૃત કરેલો. જગન્નાથે પ્રતિસ્પર્ધીઓનું કરેલું ઉગ્ર ખંડન તેના આ કટુ અનુભવને લીધે પ્રેરાયું હશે એમ સમજી શકાય. લવંગી સાથે જગન્નાથનો સંબંધ હતો એ દર્શાવતા કેટલાક શ્રૃંગારી શ્લોકો પણ મળે છે.

આ ઉપરાંત, ગંગાલહરી કાવ્યની રચના પાછળની પૂર્વભૂમિકા તરીકે આ સંબંધને ગણાવવામાં આવે છે. સદાશિવ ભટ્ટ ગંગાલહરીની પોતાની ટીકાના પ્રારંભમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરે છે. જો કે લવંગી-સંસર્ગની દંતકથા તો ઘણી પ્રસિધ્ધ છે, પરંતુ જગન્નાથ પર આ દોષારોપણ કરીને પરંપરાએ તેને મોટો અન્યાય કર્યો છે. પંડિતરાજના આ પ્રકારના ચારિત્ર્ય વિશે કોઈ આધારભૂત અને વિશ્વસનીય પુરાવા નથી.

ધર્મ:

ગંગાલહરી, અમૃતલહરી તથા કરૂણાલહરી જેવાં સ્ત્રોતો પરથી જગન્નાથની ધાર્મિકતાનો પરિચય થાય છે. શાંતવિલાસ પરથી તેની વિષ્ણુભક્તિ સમજાય છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તે શંકરના મતને અનુસરતો હતો અને કર્મ કરતાં જ્ઞાનને અધિક માનતો. અદ્વૈતી હોવા છતાં તે કૃષ્ણનો અઠંગ ઉપાસક અને ભક્ત લાગે છે. તેને ભારતીય તીર્થો, વેદ, દેવતાઓ વગેરે પ્રત્યે પ્રેમ, આદર અને ભક્તિ છે.

દર્પનો હુંકાર:

જગન્નાથ સ્વભાવે લાગણીપ્રધાન અને ઉગ્ર આત્મપ્રશંસક તથા ક્રૂર પરનિંદક હશે. તેને લીધે સામાની ટીકાને સાંખી ન લેતાં બમણા જોરથી તે વળતો પ્રહાર કરે છે. મોગલ દરબારમાં એશઆરામથી જીવન પસાર કરેલું હોવાથી તેનામાં અમુક પ્રકારની ખુમારી આવી ગયેલી. જગન્નાથ ઘણીવાર પોતાની જાતનું મૂલ્યાંકન કરે છે. એક બાજુ આપણી સામે કાલિદાસ છે, જ્યારે આ બાજુ અહંકારથી હુંકાર કરતો જગન્નાથ છે. તેના ઘણા અહંકારસૂચક શ્લોકો મળે છે. આવો કવિ કરૂણાલહરી વાંચતા તેનો પરિચય થાય છે.

સમાન વિદ્યાવાળા સામેની આ પ્રકારની બડાઈ વધુ પડતી લાગે, પણ કેટલાક કવિઓની બાબતમાં તે જોવા મળે છે. તેથી જગન્નાથની દર્પોક્તિ ક્ષમ્ય ગણાય.

જીવનની પાછલી અવસ્થા:

જગન્નાથે પોતાના જીવનનાં પાછલાં કેટલાંક વર્ષ મથુરામાં પસાર કર્યા હશે. આખી જિંદગી એશાઅરામ ભોગવ્યા પછી શાંતચિત્ત બનેલ વ્યક્તિના સંતોષનો સૂર કાઢતો તેનો શ્લોક પ્રસિધ્ધ છે. ડૉ. આર્યેન્દ્ર શર્મા, જગન્નાથની ઉત્તરાવસ્થા કાશીમા વીતી હોવાનું માને છે. આ બાબતને પરંપરાનું સમર્થન છે.


(૭) જગન્નાથની કાવ્યશૈલી

જ:- ભાવ પ્રમાણે ભાષા:-

ભાવ પ્રમાણે ભાષા બદલીને તદનુરૂપ અસર પણ કવિ નિપજાવી શકે છે. મધુર ભાવ દર્શાવવા તેને અનુરૂપ વર્ણયોજના કરી પલટાતા ગંભીર ભાવને તરત રજૂ કરવામાં કવિ સિધ્ધહસ્ત છે. પુરો ગીર્વાણાનાં II શ્લોકમાં બડાઈ મારતા કામદેવનો ચિત્રાત્મક ખ્યાલ આપ્યો છે. તેમાં શરૂઆતના શ્લોકાર્ધમાં લાલિત્યપૂર્ણ રચના છે, જ્યારે ઉત્તરાર્ધમાં કામદેવને બાળી નાંખતા શંકરના અગ્નિની ક્રૂરતા સમજાય છે. ભાવપરિવર્તન પ્રમાણે ભાષાપરિવર્તનની કવિની આ પધ્ધતિ પ્રશંસાને લાયક છે. જગન્નાથને વૈદર્ભી શૈલીની સારી ફાવટ છે. રામસ્વામી શાસ્ત્રી તો તેને વૈદર્ભી શૈલીનું પુનરૂત્થાન કરનાર તરીકે બિરદાવે છે. ગદ્ય અને પદ્યમાં સમાન રીતે કલમ ચલાવનાર જગન્નાથ ક્યારેક બાણનો, તો ક્યારેક કાલિદાસનો પરિચય કરાવે છે.

રસનિરૂપણ:-

અસરકારક રીતે રસનિરૂપણ કરવામાં જગન્નાથ ઊતરે એમ નથી. ભામિની-વિલાસમાંનો કરૂણવિલાસ તો આદિથી અંત સુધી કરૂણરસથી આપ્લાવિત છે. અહીં પ્રત્યેક શ્લોક સુંદર, રમણીય અને ઉજ્જવળ, કોમળકાન્ત પદાવલીવાળો છે. પ્રાસ્તાવિકવિલાસમાં સળંગસૂત્રી કથાપ્રવાહના અભાવે પ્રધાનરસની નિષ્પત્તિ શક્ય નથી. છતાંય કેટલીક વાર શ્રૃંગાર, કેટલીક વાર કરૂણ, ક્યારેક રૌદ્ર તો ક્યારેક વીરરસ નિર્ઝરતાં પદ્યમૌક્તિકો વાચકને વધુ આકર્ષે છે.

અલંકાર:-

શબ્દોની રમત કરવાની જગન્નાથને ઘણી આદત છે. તેની કોશપટુતાને લીધે આ બાબતમાં ચમત્કૃતિ પણ આવે છે અને પરિણામે સુંદર અનુપ્રાસ કે યમક નિષ્પન્ન થાય છે. આ પ્રકારની રચનામાં કવિ પ્રવીણ છે. શાબ્દિક રમતના અલંકારો ઉપરાંત ઉપમા, રૂપક ભ્રાન્તિમાન, દ્રષ્ટાન્ત, શ્લેષ, કાવ્યલિંગ, ઉત્પ્રેક્ષા, દીપક, વિરોધ, સમાસોક્તિ, તુલ્યયોગિતા વગેરે ઠેરઠેર જોવા મળે છે. પ્રાસ્તાવિકવિલાસ તો અપ્રસ્તુતપ્રશંસાનો ખજાનો છે, જો કે તે શ્લોકમાં અન્ય અલંકારો પણ છે જ.

વિવિધ પ્રયોગોનો શોખ:-

જગન્નાથ અનેક શાસ્ત્રોમાં પારંગત હતો. પણ વ્યાકરણ સાહિત્યમાં તેનું અપ્રતિહત પાંડિત્ય તથા અનેરૂં પ્રભુત્વ હતાં. પરાર્થવ્યાસંગાદુપજહદથ... શ્લોક વ્યાકરણવિષય જ્ઞાનનો ખ્યાલ આપે છે. ઘણીવાર તે અમુક ખાસ પ્રકારનાં રૂપો વાપરવાનો શોખ પ્રગટ કરે છે. દા.ત. મા યુક્ત અદ્યતન ભૂતકાળની રચના (મા ગા:, મા કૃથા: વગેરે), પૌન:પુન્યાર્થનાં રૂપ (સ્મારં સ્મારકમ્, ધાવં ધાવમ્, કારં કારમ્ વગેરે), ચ્વિ રૂપ અર્થમાં વધારો કરતાં હોય યા નહિ છતાંય અમુક શબ્દો વાપરવાનો શોખ, ગ્રામ, તલ, સરણિ અથવા અમુક શબ્દ અર્થમાં વાપરવાનો, આગ્રહ, કેટલાક શબ્દોનાં અનેકશ: ઉપયોગનો શોખ (વદાન્યગૂરૂ, જમ્બાલ, મરન્દ વગેરે) ધ્યાન ખેંચે તેવો છે. કવિનું છંદજ્ઞાનનું કૌશલ પણ અપાર છે. નાના તથા દીર્ઘ છંદો સરળતાથી રચવાની તેને સારી હથોટી છે.

પ્રકૃતિદર્શન:-

સંસ્કૃત સાહિત્યમાં કલમ ચલાવતો કવિ પ્રકૃતિથી અલિપ્ત રહી શકે એ કદાપિ બની શકે નહીં. માનવજગતની આગળપાછળ વનસ્પતિરૂપે, પક્ષીરૂપે, પ્રાણીરૂપે કે પાણીરૂપે વિલસી રહેલા પ્રકૃતિતત્વને જગન્નાથ પોતાના સર્જનમાં ગૂંથે છે. એક બાજુ નદીનું નિર્મળ નીર, મંદગતિક તરંગ, મંદમદ વાયુ, મધુર ગુંજારવ કરતો ભ્રમર, આનંદથી આંખો બંધ કરી બેઠેલાં હરણાં, નિર્ભય રીતે ફરતાં મદનિયાં કે હાથીઓ, ડોલતાં વૃક્ષો વગેરે છે, તો બીજી બાજુ ઘૂઘવતું જલતાંડવ, સર્વભક્ષી દાવાનળ, વિષવમન કરતા ભયંકર નાગ અને હાથીની સુંઢ જેવા સાપ પણ છે. આમ, પ્રકૃતિનાં ઉભય પાસાંને જગન્નાથે યોગ્ય સ્થાન આપ્યું જ છે. પરંતુ તેનું પ્રકૃતિદર્શન રૂઢિગત છે. કવિએ પ્રકૃતિનું વ્યાપક દર્શન કર્યું છે એવી છાપ ઊભી થતી નથી. માનવભાવ સાથે તેનો સંબંધ એણે બતાવ્યો નથી. જગન્નાથની પ્રકૃતિ સૌમ્યતા વગેરેની દ્રષ્ટિએ કાલિદાસની પ્રકૃતિ સાથે બેસી શકતી નથી; છતાંય ભવભૂતિની પ્રચંડ પ્રકૃતિ સાથે તે કદાચ સંબંધ રાખી શકે.

મુક્તકકાર તથા સ્તોત્રકાર:-

જગન્નાથ સર્જક પ્રતિભાનો વિસ્તાર મુક્તક કે સ્તોત્રનાં ક્ષેત્રમાં થયો છે. તેનો કોઈ પણ ગ્રંથ વસ્તુ-વાર્તાપ્રધાન સળંગ કાવ્ય નથી. છતાં શ્રી વૈદ્ય તેને કાલિદાસ અને ભવભૂતિ જેવાની કક્ષામાં મૂકે છે અને મધુરતા, પ્રાસાદિકતા વગેરેની દ્રષ્ટિએ તેને બિલ્હણ તથા જયદેવની સાથે સરખાવે છે. તેણે સંસ્કૃત સાહિત્યને કોઈ મહાકાવ્ય ધર્યુ નથી જેથી તેનાં વિસ્તૃત પ્રતિભા, વ્યાપક અવલોકન, સૂક્ષ્મ નિરીક્ષણ, અન્ય સહકારી બાબતોનું જ્ઞાન વગેરેનો પરિચય થાય. જગન્નાથ ભાવપ્રધાન કવિ છે, ઊર્મિલ કવિ છે. તેણે મહાકાવ્ય નથી લખ્યું તેને માટે તેના જમાનાનું સાહિત્યસર્જન જવાબદાર છે. તેના જમાનામાં મુક્તક, સ્તોત્ર વગેરે જેવા સાહિત્યપ્રકાર પ્રચલિત બન્યા હતા. સ્વાભાવિક છે કે જગન્નાથ પોતાની કલમ પ્રચલિત સાહિત્યપ્રકાર ઉપર ચલાવે.

મહાકવિ નહિ, પંડિતરાજ:-

પરંતુ ઉપલબ્ધ કાવ્યો પરથી જગન્નાથને મહાકવિ કહી શકાય કે કેમ તે બાબતમાં મતભેદ છે. કેટલાક તો તેને મહાકવિ જ કહે છે. કેટલાક તેને કવિરાજ માને છે. કવિ થવા માટે વ્યક્તિમાં વિશિષ્ટ દર્શન અને સુંદર વર્ણનશક્તિનો સમન્વય જોઈએ. કવિએ આર્ષદ્રષ્ટા થવું જોઈએ. આ લક્ષમાં લેતાં જગન્નાથને મહાકવિ કહેવો તે તેનું વધુ પડતું મૂલ્યાંકન છે. વળી તેણે પોતે પણ પોતાની જાતને મહાકવિ કહેવડાવવાનું ઉચિત માન્યું નથી. તે પંડિતરાજ બનવાનું જ પસંદ કરે છે. તે પ્રથમ પંડિત છે અને પછીથી કવિ છે. અલબત્ત, મુક્તકકાર અને સ્તોત્રકાર તરીકે તેને ઊચું સ્થાન મળે તેમ છે.

પુરોગામીઓની અસર:-

કોઈપણ કવિની જેમ તેની ઉપર પણ તેના પુરોગામી સાહિયકારોની અસર જોઈ શકાય છે. તેના ઉપર અન્યોક્તિવિલાસ , ભાવવિલાસ અને કદાચ ભલ્લટ-શતકની અસર પ્રબળ છે. વળી તેની ઉપર તત્કાલીન અને પુરોગામી હિન્દી કવિઓની પણ પ્રબળ અસર છે તે પં. મથુરદાસ શાસ્ત્રીએ તારવી બતાવ્યું છે.

ઉત્કૃષ્ટ કક્ષાનો કવિ:-

આ બધા પરથી જગન્નાથને નિમ્ન કક્ષાનો કવિ માનવાની ભૂલ ન કરવી જોઈએ. તેની કવિતા ઘણીવાર સરસ, કલ્પનાપ્રધાન, અર્થગૌરવયુક્ત, ભાવપૂર્ણ તથા મનોરમ બને છે. મૃત પ્રિયતમાને યાદ કરતાં તેના ગુણોને વર્ણવતાં કવિએ પટાંતરે પોતાની કવિતાનું પણ કરૂણવિલાસમાં મૂલ્યાંકન કર્યું છે.

નિર્દૂષણા ગુણવતી રસભાવપૂર્ણા

સાલંકૃતા શ્રવણકોમલવર્ણરાજિ: I

સા મામકીનકવિતેવ મનોઅભિરામા

રામા કદાપિ હ્રદયાન્મમ નાપયાતિ II

આમ જગન્નાથની કવિતા દોષરહિત, ગુણશાળી, રસાર્દ્ર-ભાવાર્દ્ર, અલંકારમંડિત તથા મંજુલ પદાવલીવાળી છે. કવિ કોમલકાન્ત શબ્દરાજી યોજી શકે છે, અલંકારોની યથાસ્થાને સમુચિત સજાવટ કરી શકે છે, અને ગુણ પણ લાવી શકે છે. પરંતુ આ બધાં લક્ષણોને સામૂહિક રીત લાગુ પાડતાં તેમાં કંઈક અતિશયોક્તિ અને અહંકારનો રણકો પણ લાગે. છતાંય, જગન્નાથ, ઉત્કૃષ્ટ કાવ્યનાં સુંદર નમૂના આપે છે તે નકારી શકાય તેમ નથી જ. ભારતીય પરંપરા જગન્નાથને મોટું બહુમાન આપે છે. જગન્નાથો જગન્નાથો ભારતીરતિદૈવતમ્ I યત્પદોપાસના સદ્યો વિધતે પરમાં મુદમ્ II આ અસ્થાને તો નથી. પણ કેટલાક આ બહુમાનમાં પક્ષપાત નિહાળે છે અને તેને માત્ર જગન્નાથના કાળના સંદર્ભમાં જ સમજે છે. 


પ્રશ્ન:- ૩ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)

  શ્લોક નં. ૪૪, ૪૬, ૪૭, ૪૯, ૫૦, ૫૧, ૫૨

(૧) પૌલોમીપતિકાનને વિલસતાં ગીર્વાણભૂમિરૂહાં

  યેનાઘ્રાતસમુન્જિતાનિ કુસુમાન્યાજઘ્રિરે નીર્જરૈ : I

  તસ્મિન્નદ્ય મધુવ્રતે વિધિવશાન્માધ્વીકમાકાન્ડક્ષતિ

  ત્વં ચેદચ્ચસિ લોભમમ્બુજ તદા કિં ત્વાં પ્રતિ બ્રૂમહે II (૪૪)

ભાષાન્તર:- હે કમળ, ઈન્દ્રના ઉદ્યાનમાં શોભતાં દેવવૃક્ષોનાં જેણે સૂંઘીને ત્યજી દીધેલાં પુષ્પોની સુવાસ દેવતાઓ સૂંઘતા હતા તે ભ્રમર નસીબયોગે આજે (તારી પાસે) મધની ઈચ્છા રાખે ત્યારે જો તું લોભ કરે તો અમે તને શું કહીએ ?

અપ્ર. – ભ્રમર પ્ર. – સુપાત્ર

ઈન્દ્રનું ઉદ્યાન       શ્રીમંતોનું સ્થાન

દેવવૃક્ષ       વૈભવનું સ્થળ

કમળ       કંજૂસ


(૨) પ્રારંભે કુસુમાકરસ્ય પરિતો યસ્યોલ્લસન્મન્જરી-

  પુન્જે મન્જુલગુન્જિતાનિ રચયંસ્તાનાતનોરૂત્સવાન્ I

  તસ્મિન્નદ્ય રસાલશાખિનિ દશાં દૈવાત્કૃશામચ્ચતિ

  ત્વં ચેન્મુચ્ચસિ ચચ્ચરીક વિનયં નીચરત્વદન્યોઅસ્તિ ક: II (૪૬)

ભાષાન્તર:- હે ભરમર, વસંતના પ્રારંભમાં જેની વિકસતી મંજરીઓના સમૂહની આસપાસ મીઠો ગુંજારવ કરતાં તે વિવિધ પ્રકારની મોજ માણી તે આંબો આજે દૈવવશાત સુકાઈ ગયો ત્યારે જો તું તેની પ્રત્યે તારો વિનય ત્યજી દે તો તારા જેવો નીચ બીજો કોણ છે ?


અપ્ર. – ભ્રમર પ્ર. – કૃતઘ્ની

આંબો       સમૃધ્ધ દાતા


(૩) એણીગણેષુ ગુરૂગર્વનિમીલિતાક્ષ:

  કિં કૃષ્ણસાર ખલુ ખેલસિ કાનનેઅસ્મિન્ I

  સીમામિમાં કલય ભિન્નકરીન્દ્રકુમ્ભ-

  મુક્તામયીં હરિવિહારવસુંધરાયા: II (૪૭)

ભાષાન્તર:- હે કાળિયાર હરણ, ભારે ગર્વથી આંખો મીંચેલો તું આ જંગલમાં હરિણીઓના ટોળામાં કેમ મહાલે છે ? સમજી લે કે આ તો ગજરાજનાં ચીરી નાંખેલાં ગંડસ્થળમાંનાં મોતીથી ભરપૂર સિંહની વિહારભૂમિની સીમારેખા છે.

અપ્ર. – મૃગલું પ્ર. – ક્ષુદ્ર જન, અથવા વિલાસાન્ધ વ્યક્તિ

સિંહ     પ્રતિભાશાળી બળવાન


(૪) યેન ભિન્નકરિકુમ્ભવિસ્ખલન્મૌક્તિકાવલિભિરગ્ચિતા મહી I

  અદ્ય તેન હરિણાન્તિકે કથં કથ્યતાં નુ હરિણા પરાક્રમ: II (૪૯)

ભાષાન્તર:- જેણે હાથીઓનાં ભેદાયેલા ગંડસ્થળમાંથી ખરેલાં મોતીના સમુદાય વડે પૃથ્વીને શણગારી છે તે સિંહ (પોતાનું) પરાક્રમ આજે મૃગલાંની પાસે શી રીતે વર્ણવે ?

અપ્ર. – સિંહ પ્ર. – અતિપરાક્રમી

હાથી       મોટી બળવાન વ્યક્તિ

મૃગ       ક્ષુદ્ર માણસ


(૫) સ્થિતિં નો રે દધ્યા: ક્ષણમપિ મદાન્ધેક્ષણં સખે

  ગજશ્રેણીનાથ ત્વમહિ જટિલાયાં વનભુવિ I

  અસૌ કુમ્ભિભ્રાન્ત્યા ખરનખરવિદ્રાવિતમહા-

  ગુરૂગ્રાવગ્રામ: સ્વપિતિ ગિરિગર્ભે હરિપતિ: II (૫૦)

ભાષાન્તર:- મદાંધ નયનવાળા હે ગજયૂથપતિ, આ ગીચ જંગલમાં દોસ્ત, એક ક્ષણ પણ ઊભો રહીશ નહી. હાથીના ભ્રમથી પોતાના તીક્ષ્ણ નખો વડે મોટી શિલાઓનો ઢગલો તોડનાર પેલો વનરાજ સિંહ પર્વતની ગુફામાં સૂતો છે.

અપ્ર. – હાથી પ્ર. – પ્રમાણમાં દુર્બળ વ્યક્તિ

શિલાઓનો ઢગલો       અત્યંત અક્કડ મહાકાર્ય વ્યક્તિ

સિંહ       તેજસ્વી દુશ્મન


(૬) ગિરિગહ્યરેષુ ગુરૂગર્વગુમ્ફિત: ગજરાજપોત ન કદાપિ સંચરે: I

  યદિ બુધ્યતે હરિશિશુ: સ્તનંધય: ભવિતા કરેણુપરિશેષિતા મહી II (૫૧)

ભાષાન્તર:- હે ગજરાજના બચ્ચા, ભારે ગર્વથી માતેલો તું પર્વતની ગુફાઓમાં ક્યારેય ફરીશ નહીં. માને ધાવતું સિંહબાળ જો જાગી જશે તો માત્ર હાથણીઓ પૃથ્વી ઉપર બાકી રહેશે.

અપ્ર. – સિંહશિશુ પ્ર. – તેજસ્વીનું ફરજંદ

હાથણી       સ્ત્રી


(૭) નિસર્ગાદારામે તરૂકુલસમારોપસુકૃતી

  કૃતિ માલાકાર: બકુલમપિ કુત્રાપિ નિદઘે I

  ઈદં ક: જાનીતે યદયમહિ કોણાન્તરગત:

  જગગ્જાલં કર્તા કુસુમભરસૌરભ્યરિતમ્ II (૫૨)

ભાષાન્તર:- વૃક્ષોના સમૂહને રોપીને પુણ્યશાળી બનેલા સ્વભાવથી જ કુશળ માળીએ બકુલ વૃક્ષને પણ ઉદ્યાનમાં કો’ક ઠેકાણે રોપ્યું. પણ અહીં ખૂણામાં પડેલું તે સમગ્ર જગતને ફૂલોના ઉભારના પરિમલથી ભરપૂર કરી દેશે એ વાતની કોને ખબર છે ?

અપ્ર. – બકુલ પ્ર. – ગુણવાન

માળી વિવેકરહિત પુરૂષ


યુનિટ – ૪ 

મુક્તકનું સ્વરૂપ, તેના પ્રકાર, તથા સંસ્કૃતનાં મુક્તક સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય

(સેલ્ફ સ્ટડી)


પ્રશ્ન:- ૪ ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૪)

    સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો.

(૧) પ્રાસ્તાવિક વિલાસ - અન્યોક્તિ કાવ્ય

જ:- પ્રાસ્તાવિકવિલાસમાં આ બધી બાબતો જોવા મળે છે. તેનું બીજું નામ અન્યોક્તિવિલાસ આ બાબતમાં ઘણો પ્રકાશ નાંખે છે. સર્પોના સંસર્ગમાં રહેતું ચંદન, વિવેકકારી રાજહંસ, પ્રતાપી, તેજસ્વી અને ક્યારેય અન્યનો પડકાર સાંખી નહિ લેતો વનરાજ કે તેનું બચ્ચું, કોયલ, કમળ, સરોવર, ભ્રમર, માછલી, મેઘ, ક્ષીરસાગર, હરણ, દૈવ, આમ્રવૃક્ષ વગેરેને સંબોધીને તેના અપદેશે કવિ જીવનવ્યવહારનો ઉપદેશ આપે છે. આમાં કમળ, કમળલતા, સિંહ, ભ્રમર, ચંદન, મેઘ વગેરેનો કવિ વારંવાર ઉપયોગ કરે છે, પરંતુ સામાન્ય વસ્તુઓ જેવી કે બાવળ, કૂવો, વાનર, કરોળિયો, લસણ, પારો વગેરેને પણ કાવ્યોનો વિષય બનાવી તદનુસાર બોધ તારવે છે.

આ પ્રતીકોના અપદેશથી કવિ જે ઉપદેશ આપે છે તેમાં થોડી વાનગી જોઈએ. સત્પુરૂષો અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરે છે. મહાન માણસોનાં વર્તન કે વલણ ક્યારેય હલકાં હોતાં નથી. ગુણગ્રાહી માણસે સહેજ પણ દુ:ખી થવાની જરૂર નથી. તેજસ્વીઓ પોતાના સમકક્ષની સાથે જ ભીડે છે. માણસે યોગ્યયોગ્યતા કે પાત્રપાત્રનો વિવેક કરતાં શીખવું જોઈએ. સાચા કે કહેવાતા મિત્રનો સંસર્ગ કરતાં પહેલાં વિચારવું જોઈએ વગેરે. આ બધું સમજાવવા માટે કવિ અનેક તરકીબો અજમાવે છે. ક્યારેક તે કટાક્ષ કરે છે, ક્યારેક હાસ્ય પૂરૂં પાડે છે, ક્યારેક અફસોસ વ્યક્ત કરે છે. આ બધાથી ભરપૂર પ્રાસ્તાવિક વિલાસ અન્યોક્તિકાવ્ય છે.

 

(૨) પ્રાસ્તાવિક વિલાસ – મુક્તક કાવ્ય

જ:- મુક્તકનાં ઉપર જણાવેલાં લક્ષણો પ્રાસ્તાવિકવિલાસમાં ચરિતાર્થ થયેલાં છે. મુક્તક કાવ્ય સ્વતંત્ર શ્લોક છે. તે ચમત્કૃતિજનક અને આનંદપ્રદ બની રહે છે. આવો શ્લોક કોઈ પણ સંદર્ભની અપેક્ષા રાખતો નથી. પ્રસ્તાવિકવિલાસનો પ્રત્યેક શ્લોક આગવો એકમ છે. તેમા વિવિધ વિષયોને લગતી વાત કહેવામાં આવી છે. આ વાતને વાચક સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે કવિએ નિસર્ગમાંથી અને સમાજમાંથી અનેક પ્રતીકો પસંદ કર્યા છે. આ પ્રતીકોને લગતું કંઈક કહેવામાં આવેલું છે જે ખરેખર તો બીજાને કહેવા માટે જ અભિપ્રેત છે. આ રીત અપ્રસ્તુતપ્રશંસાની કે અન્યોક્તિની છે.

અન્યોક્તિ માટે કવિએ વૈવિધ્યપૂર્ણ પ્રતીકો પસંદ કર્યા છે અને દરેક વિશે સ્વતંત્ર શ્લોકની રચના કરી છે. ચંદન, સિંહ, રાજહંસ, કોયલ, કમળ, ભ્રમર, મેઘ, સરોવર, માછલી, હરણ, આમ્રવૃક્ષ જેવાં વૃક્ષો વગેરે દ્વારા કવિ પોતાનું કથયિત્વ રજૂ કરે છે અને જીવનવ્યવહારનો બોધ આપે છે. આમા કમળ, કમળલતા, સિંહ, ભ્રમર, ચંદન, મેઘ વગેરેનો અવારનવાર ઉપયોગ કરીને ધાર્યો અર્થ તારવે છે. કેટલીકવાર એક જ પ્રતીકને અન્ય અર્થનાં સંદર્ભમાં પ્રયોજ્યું છે. ભ્રમર, રસજ્ઞનું પ્રતીક છે તે સાથે સ્વાર્થી ધનલોભીનું અર્થ દર્શાવતું પ્રતીક પણ છે. ભ્રમર, સાગર વગેરે પ્રસિધ્ધ પ્રતીકો સાથે જગન્નાથે બાવળ, કૂવો, વાનર, કરોળિયો, લસણ, પારો, માળી વગેરે સામાન્ય વસ્તુઓને પણ મુક્તક માટે ઉપયોગ કર્યો છે.

ભાગ્યની અફરતા બતાવવા કવિએ પંજરસ્થ પોપટનો જે પ્રસંગ કલ્પ્યો છે. હે હ્રદ અને અરેરાટી ઉપજાવે તેવો પણ છે. દૈવની દુર્દાન્ત લીલા બતાવવા માટે, કાળમીંઢ શિલાઓને હાથી માનીને તોડી નાખવા છતાં કશું જ નહિ પામનાર સિંહનું વૃતાન્ત પણ અસરકારક છે. આ સિવાય પણ વિવિધ પ્રતીકો દ્વારા કવિએ નીતિ, સદાચાર, સંયમ, પરાક્રમશાલિતા, વિવેકશીલતા વગેરે વિશે સમાજને વાકેફ કરેલ છે. દરેક શ્લોક પોતાની રીતે અલાયદો હોવા છતાં અર્થચારૂતાથી ભરેલો છે. જગન્નાથે મુક્તકરચના દ્વારા ગાગરમાં સાગર સમાવવાની સફળ પધ્ધતિ અપનાવી છે. ભામિનીવિલાસ અને તેમાંના પ્રાસ્તાવિક વિલાસ ને રચવામાં કવિનો ઉદ્દેશ સ્વકીય રચનાઓનો સંગ્રહ કરવાનો હોય કે અન્ય કોઈ, પરંતુ આ મુક્તકો બોધમંજૂષા હોવા સાથે મનોરંજનપેટિકા પણ છે. પ્રાસ્તાવિક વિલાસ યોગ્ય રીતે મુક્તકકાવ્ય છે.


(૩) મુક્તકનાં લક્ષણો.

જ:- મુક્તક વિશે તારવી શકાતાં લક્ષણો આ પ્રમાણે છે:-

(૧) મુક્તક એક શ્લોકમાં પૂરૂં થવું જોઈએ. એમાં ક્યારેક એકાદ ચરણ વત્તું-ઓછું ચાલે.

(૨) બનતાં સુધી એનો વિચાર એક જ વાક્યમાં વ્યક્ત થવો જોઈએ.

(૩) મુક્તકને પૂર્વાપરનો પ્રાકરણીક સંબંધ હોતો નથી.

(૪) મુક્તકમાં ચમત્કૃતી હોવી જોઈએ.

(૫) મુક્તકનું વિષયવસ્તુ ગમે તે હોઈ શકે. પણ તેના વિષયવસ્તુમાં એકાદ સંચારી કે ચપળ ભાવ, વિચાર કે કલ્પના સ્થાયી બને એવી તેની અભિવ્યક્તિ હોવી જોઈએ.

(૬) મુક્તકની શૈલી ઘન અને મિતાક્ષરી હોવી જોઈએ.

(૭) મુક્તકનું વિષયવસ્તુ તથા તેની અભિવ્યક્તિ એકદમ દિલમાં ઊતરી જાય તેવાં હોવાં જોઈએ.


(૪) ભામિનીવિલાસ પરિચય

જ:- પંડિત જગન્નાથની પદ્યકૃતિઓમાં પાંચ લહરીઓ અને ભામિનીવિલાસ નામના ગ્રંથનો સમાવેશ થાય છે. તેમાં ચાર વિભાગોનો સંગ્રહ થયેલો છે. તે જગન્નાથનું વધુમાં વધુ દળદાર કાવ્ય છે. તેના ચાર વિભાગોનાં નામ પ્રાસ્તાવિકવિલાસ, શ્રૃંગારવિલાસ, કરૂણવિલાસ અને શાંતવિલાસ છે.

પરિચય:- ભામિનીવિલાસનાં પ્રાસ્તાવિકવિલાસમાં અન્યોક્તિઓ દ્વારા નીતિવિષયક બોધ આપવામાં આવે છે. શ્રૃંગારવિલાસમાં કવિ ભૂતકાલીન આનંદપ્રમોદને તાજા કરે છે. કરૂણવિલાસમાં, જે ધર્મપત્ની સાથે આનંદ માણેલો તેના મૃત્યુ પ્રસંગે લાગેલા આઘાતથી વ્યથિત કવિ વિલાપ કરે છે. શાંતવિલાસમાં કવિ નિવૃત મનથી શ્રીકૃષ્ણનાં ચરણકમલોમાં વિશ્વાસ પ્રગટ કરીને શાંતિની યાચના કરે છે. આ બધી રચનાઓમાંથી શ્રૃંગારવિલાસ અને કરૂણવિલાસ પહેલાંની રચનાઓ હશે. શાંતવિલાસ ઉત્તરકાળની રચના હોઈ શકે. પ્રાસ્તાવિક વિલાસનાં પદ્યો છૂટક રચનાઓ હશે જેને કવિએ સંગ્રહનું સ્વરૂપ આપ્યું.

કેટલાક વિદ્વાનોનો મત છે કે ભામિનીવિલાસ સ્વતંત્ર અને કદાચ સળંગ કાવ્ય છે. ટીકાકાર અચ્યુતરાયે દરેક શ્લોકમાંથી સળંગસૂત્ર અર્થ તારવ્યો છે. છતાં પણ આ કાવ્ય સળંગ, રચના લાગતી જ નથી. અચ્યુતરાયે પણ છેલ્લા શ્લોકમાં લખ્યું છે કે સળંગ અર્થ તારવવાની પોતાની પ્રવૃત્તિ કેવળ ગમ્મત-લીલામાત્ર- છે. ભર્તૃહરિના શતકત્રયની જેમ ભામિનીવિલાસ કાવ્ય વિલાસચતુષ્ટયનું કાવ્ય છે. તેમાં કવિરાજ જગન્નાથે જુદા જુદા વિષયો અને પ્રસંગો ઉપર શ્લોકરચના કરી છે. કેટલાક પ્રસંગો કવિને પોતાના જીવનમાંથી પ્રાપ્ત થયા હશે. કેટલાક શ્લોકો પોતાની અન્ય ગદ્ય અને પદ્ય કૃતિઓમાંથી પણ લીધા હોય. ખાસ કરીને પોતાનાં રસગંગાધરનાં પદ્યોને કોઈ પોતાને નામે ચડાવી દે તે શક્યતા ટાળવા પંડિતરાજ જગન્નાથે તેનો સંગ્રહ કર્યો છે. ભામિનીવિલાસના છેલ્લા શ્લોકમાં તેણે આ વાત સ્પષ્ટ શબ્દોમાં કહી છે.


પ્રશ્ન:- ૫ યુનિટ ૧-૨-૩-૪

હેતુલક્ષી પ્રશ્નો

ટૂંકા પ્રશ્નોના જવાબ લખો.

યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  ખાલી જગ્યા પૂરો.

    જોડકા જોડો.

(અ) (૦૮)

(બ) (૦૬)


જગન્નાથ વિષયક:

(૧) જગન્નાથ કયા જમાનામાં થઈ ગયા?

જ:- અર્વાચીન મોગલ જમાનામાં


(૨) જગન્નાથના માતા-પિતાનું નામ શું?

જ:- માતાનું નામ લક્ષ્મી અને પિતાનું નામ પેરૂભટ્ટ અથવા પેરમભટ્ટ


(૩) જગન્નાથની પત્નીનું નામ શું હતું?

જ:- ભામિની (યવનકન્યા લવંગી)


(૪) જગન્નાથનું કુટુંબ ક્યાંનું વતની હતું અથવા જગન્નાથ કયા ગામનાં વતની હતા?

જ:- તૈલંગણ (આંધ્ર) દેશના ગોદાવરી જિલ્લાનાં મુગુડ ગામનાં

 

(૫) જગન્નાથે ક્યાં અભ્યાસ કરેલો?

જ:- વારાણસી


(૬) વ્યાકરણનો અભ્યાસ જગન્નાથે કોની પાસે કર્યો?

જ:- પિતાના ગુરૂ શેષ વીરેશ્વર પાસે


(૭) જગન્નાથનું પાંડિત્ય કયા કયા વિષયોમાં સ્પષ્ટ જણાય છે?

જ:- મીમાંસા, વેદાન્ત, ન્યાય, વ્યાકરણ


(૮) ભારતીય શાસ્ત્રોનાં જ્ઞાન ઉપરાંત જગન્નાથને અન્ય કઈ ભાષાનું જ્ઞાન હતું?

જ:- અરબી, ફારસી અને ઊર્દૂ


(૯) જગન્નાથે કઈ દેવીની આરાધના કરી?

જ:- ત્રિપુરાસુંદરીની


(૧૦) અર્થોપાર્જન કરવા જગન્નાથ કયાં શહેરમાં ગયા?

જ:- જયપુર


(૧૧) સુધાલહરી કયા છંદમાં લખાયું છે?

જ:- સ્ત્રગ્ધરા


(૧૨) અમૃતલહરીમાં કોની કેટલા શ્લોકોમાં સ્તુતિ છે?

જ:- યમુનાનદીની – ૧૧ શ્લોકોમાં


(૧૩) કરૂણાલહરી (વિષ્ણુલહરી)માં વિષ્ણુની કેટલા શ્લોકોમાં સ્તુતિ છે?

જ:- ૬૦ શ્લોકમાં


(૧૪) ભામિનીવિલાસ કેટલા અને કયા કયા વિલાસમાં વિભક્ત છે?

જ:- ચાર ભાગમાં વિભક્ત છે: પ્રાસ્તાવિકવિલાસ, શ્રૃંગારવિલાસ, કરૂણવિલાસ અને શાંતવિલાસ


(૧૫) જગન્નાથનો આખ્યાયિકા પ્રકારનો ગ્રંથ કયો છે?

જ:- આસફવિલાસ


(૧૬) જગન્નાથનો શક્રવર્તી ગ્રંથ કયો? અથવા જગન્નાથે જીવનમાં અંતકાલમાં કયા ગ્રંથની રચના કરી જે અપૂર્ણ ગ્રંથ મનાય છે?

જ:-રસગંગાધર


(૧૭) જગન્નાથનાં બે ઉપનામ આપો.

જ:- વેલનાટીય કે વેંગિનાડુ અને ત્રિશુલી



(૧૮) જગન્નાથ સ્વભાવે કેવા હશે?

જ:- લાગણીપ્રધાન અને ઉગ્ર આત્મપ્રશંસક તથા પરનિંદક


(૧૯) જગન્નાથ કોના દરબારમાં હતા?

જ:- શાહજહાંના દરબારમાં


(૨૦) તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જગન્નાથ કોને અનુસરતા લાગે છે?

જ:- શંકરાચાર્યને


(૨૧) જગન્નાથ અદ્વૈતી હોવા છતાં કોના ઉપાસક અને ભક્ત લાગે છે?

જ:- કૃષ્ણનાં


(૨૨) જગન્નાથનો સમય કયો માનવામાં આવે છે?

જ:- ૧૬ મી સદીનો અંતભાગ તથા ૧૭ મી સદીનો મધ્યભાગ


(૨૩) જગન્નાથની ઉત્તરાવસ્થા કાશીમાં વીતી હશે એવું માનનાર વિદ્વાનનું નામ આપો.

જ:- ડૉ. આર્યેન્દ્ર શર્મા



(૨૪) જગન્નાથની કવિતાનો આસ્વાદ ન માણી શકનાર કેવા છે?

જ:- જીવતા જ મરેલા


પ્રાસ્તાવિકવિલાસ વિષયક :-

(૧) પંડિતરાજ જગન્નાથની દ્રષ્ટિએ કોની સાથે વિવાદ કરવો યોગ્ય નથી?

જ:- વિદૂષી સ્ત્રીઓ ને સામાન્ય માણસો સાથે વિવાદ કરવો યોગ્ય નથી.


(૨) માનસરોવર ક્યાં આવેલું છે?

જ:- હિમાલયનાં ઉત્તુંગ શિખરોમાં


(૩) માન્યતા અનુસાર માનસરોવરનું નિર્માણ કોણે કર્યુ છે?

જ:- બ્રહ્માએ તેમના મનમાંથી આ સરોવરનું નિર્માણ કર્યુ છે તેથી તેનું નામ માનસરોવર પડ્યું છે.



(૪) કેવો માણસ મરેલા જેવો છે?

જ:- સુખમાંથી જે માણસ દરિદ્ર બને છે તે માણસ શરીર ધારણ કરતો હોવા છતાં મરેલા જેવો જ છે.


(૫) શા માટે કવિ વિધાતાની નિર્દયતા માટે તેને ઠપકો આપે છે?

જ:- સર્વત્ર સુખમય વાતાવરણ સર્જાયુ હોય ત્યારે દૈવ રૂઠે. કવિ વિધાતાની આ નિર્દયતા માટે તેને ઠપકો આપે છે.


(૬) કવિના મતે કેવા મિત્રો સાચા મિત્રો છે?

જ:- નિ:સ્વાર્થ મિત્રો જ સાચા મિત્રો છે.


(૭) કેવો માણસ હ્રદયની ઉદારતા વગરનો હોય છે?

જ:- કુટજ વૃક્ષ જેમ સુગન્ધ વગરનાં હોય છે, તેમ સામાન્ય માણસ પણ દૈવયોગે કુટજ જેવો ઊંચો લાગે પણ હ્રદયની ઉદારતા વગરનો હોય છે.


(૮) કયા ફુલનું સૌંદર્ય અન્ય ફુલનાં સૌંદર્ય કરતાં પ્રમાણમાં ઓછું છે?

જ:- કૂટજનું ફુલ


(૯) ગુણની કદર કેવા માણસો કરી શકે?

જ:- ગુણવાન માણસો


(૧૦) કેવા માણસોથી દુ:ખી થવાની જરૂર નથી?

જ:- અરસિક માનવો તિરસ્કાર કરે તો તેથી દુ:ખી થવાની જરૂર નથી.


(૧૧) કવિના મતે કઈ બાબત આશ્વર્યજનક છે?

જ:- કોઈ યાચક, અત્યન્ત સમૃધ્ધ અને ઈચ્છિત વસ્તુ આપી શકે તેવા દાતા પાસે યાચના કર્યા પછી સામાન્ય માણસ પાસે યાચના કરવા જાય તો તે આશ્વર્યજનક છે.


(૧૨) જગતમાં કેવા સજ્જનો ઘણા ઓછા હોય છે?

જ:- અપકાર ઉપર ઉપકાર કરનાર કોઈ સજ્જન પુરૂષ જેવા સજ્જનો ઘણા ઓછા હોય છે.




(૧૩) કેવા માણસો આ જગતમાં સર્વોપરિ છે?

જ:- બહારથી (ઉપરથી) કરવત (તલવાર) ની ધાર જેવા, ભયંકર સર્પો જેવા પરંતુ અંદરથી દ્રાક્ષની મીઠાશનો ઉપદેશ આપનાર આચાર્ય જેવા કોંક માણસો આ જગતમાં સર્વોપરિ છે.



(૧૪) કવિના મતે કેવા મિત્રો યશ ફેલાવે છે?

જ:- સ્વાર્થી મિત્રો પોતાના સ્વાર્થ ખાતર ખુશામતમાં યશગાન ગાતા હોય છે, પણ ખરો યશ તો હિતેચ્છુ (હિતૈષી) મિત્રો જ ફેલાવે છે.



(૧૫) કવિના મતે શા માટે સરોવર ધન્ય છે?

જ:- સરોવરમાંથી પાણી થોડું છે, પણ મીઠું છે તેથી રસ્તે ચાલનારા લોકો તેનો ઉપયોગ કરે છે માટે તેને ધન્ય છે.


(૧૬) સમુદ્રને શા માટે ધિક્કાર છે?

જ:- સમુદ્રએ કૃપણની જેમ ખૂબ પાણી સંઘર્યુ છે પણ ખારૂં હોવાથી કિનારે ઊભેલો પણ તેનો ઉપયોગ કરી શકતો નથી. માટે તેને ધિક્કાર છે.


(૧૭) કોણ લોકોનાં આનંદ માટે જ પોતાની મહાન જાતને યાચક બનાવી છે?

જ:- પવને


(૧૮) કયાં પાંચ વૃક્ષો દેવવૃક્ષ-કલ્પવૃક્ષ કહેવાય છે?

જ:- મન્દાર, પારિજાત, સન્તાન, કલ્પતરૂ અને હરિચન્દન


(૧૯) સરોવર સુકાઈ ગયું ત્યારેભમરાઓએ કોનો આશ્રય લીધો?

જ:- આમ્રમંજરીઓનો


(૨૦) મૂર્ખોની વચમાં રહેતા ગુણવાનને ઉપદેશ આપવા કોનો વૃતાન્ત આપ્યો છે?

જ:- કોયલનો


અથવા



(૨૦) કોયલનાં વૃતાન્ત દ્વારા કવિ કોને ઉપદેશ આપે છે?

જ:- મૂર્ખોની વચમાં રહેતા ગુણવાનને કવિ ઉપદેશ આપે છે.


(૨૧) માળીનાં દ્રષ્ટાંત દ્વારા ખરેખરો મિત્ર કોને કહે છે?

જ:- યોગ્યતાનો નિર્ણય કર્યા વિના ધન ઉડાવી દેનાર સંપત્તિવાન કરતાં વિપત્તિનાં સમયમાં થોડી પણ મદદ કરનાર જ ખરો મિત્ર છે.

(૨૨) કેવા દાતા પ્રત્યે યાચકને મનદુખ: ન કરવા કવિ જણાવે છે?

જ:- બહારથી કઠોર પણ અંદરથી દયાવાન દાતા પ્રત્યે યાચકને મનદુ:ખ ન કરવા કવિ જણાવે છે.


(૨૩) કોની સુગંધ દેવોના ચિત્તને આકર્ષે છે?

જ:- કમળની


(૨૪) કઈ દ્રષ્ટિએ કમળ જગતમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે?

જ:- ઉત્પત્તિ, નિવાસ, સહવાસ તથા ગુણની દ્રષ્ટિએ.


(૨૫) દેવોને શા માટે ત્રિદશા: કહેવામાં આવે છે?

જ:- દેવોને ત્રણ જ અવસ્થા-બાળ, કિશોર અને યૌવન છે તેથી


(૨૬) ચંદનવૃક્ષની બખોલમાં કોનો નિવાસ છે?

જ:- સર્પોનો


(૨૭) પુરાણની માન્યતા મુજબ પૃથ્વી પર કેટલા મહાસાગર માનવામાં આવ્યા છે?

જ:- સાત


(૨૮) નારાયણ ભગવાન ક્યાં નિવાસ કરે છે?

જ:- ક્ષીરસાગરમાં


(૨૯) ઈન્દ્રનો બગીચો કયા નામે ઓળખાય છે?

જ:- નંદનવન


(૩૦) ગંગા નદીનાં બે નામ આપો.

જ:- ભાગીરથી, જાહ્નવી


(૩૧) શચી કોની પુત્રી હતી?

જ:- પુલોમા નામના દાનવની


(૩૨) કુશળ સેવક કેવી રીતે પોતાની કીર્તિરૂપી સુવાસ ફેલાવે છે?

જ:- કુશળ સેવક પોતાની ચતુરાઈ અને કાર્યકુશળતાથી તે સ્થાનમાં રહીને પોતાની કીર્તિરૂપી સુવાસ ફેલાવે છે.


ખાલી જગ્યા પૂરો.

જગન્નાથ વિષયક:

(૧) શાંતવિલાસ પરથી તેમની ......................... ભક્તિ સમજાય છે.

(વિષ્ણુ, શિવ)


(૨) જગન્નાથ ............................. વાદી જણાય છે.

(દ્વૈત, અદ્વૈત)


(૩) જગન્નાથે પોતાના જીવનનાં પાછલાં વર્ષ ................... માં પસાર કર્યા હશે.

(મથુરા, બનારસ)


(૪) જગન્નાથે ..................... લહરી કાવ્યોની રચના કરી છે.

(૫, , ૩)


પ્રા.વિ. વિષયક:-

(૧) સિંહ હંમેશા .................... બળવાળા સાથે જ ભીડે છે.

(સરખા, ઓછા, વધારે)


(૨) રાજહંસ ...................... માં રહે છે.

(માનસરોવર, દાલસરોવર)


(૩) ..................... ફૂલનું સૌંદર્ય પ્રમાણમાં ઓછું હોય છે.

(કૂટજ, ગુલાબ, કમળ)


(૪) ....................... રસપાન કરતા નથી તેથી તેમને રસાસ્વાદની ખબર હોતી નથી.

(બગલાઓ, ભમરાઓ)



(૫) ......................... ખાતર માગનારાઓ ભીખારીઓ છે.

(સ્વાર્થ, પરમાર્થ)


(૬) …………………….. ઉન્નતિ તથા ભવ્યતાનું પ્રસિધ્ધ છે.

(હિમાલય, સરોવર, સમુદ્ર)


(૭) ......................... ની સુગંધ ત્રણે ભુવનમાં પ્રસિધ્ધ છે.

(ચંદન, કમળ, મોગરા)


(૮) કમળનો નિવાસ ......................... ના હાથમાં છે.

(બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)


(૯) લક્ષ્મીનું નિવાસસ્થાન ..................... માં છે.

(કમલ, મોગરા, ચંદન)


(૧૦) ચંદનવૃક્ષની બખોલમાં ....................... રહે છે.

(સર્પ, કાગડા, કોયલ)


(૧૧) હાથીના ગંડસ્થળમાંથી .................. પ્રાપ્ત થાય છે.

(મોતી, હીરા, ચાંદી)



જોડકાં જોડો.

(A)

(અ) (બ)

(૧) કરટિન: - (૧) હાથીઓ

(૨) ભૃન્ગાં - (૨) ભમરાઓ

(૩) કોકિલ: - (૩) કોયલ

(૪) મૃગપતિ: - (૪) સિંહ


(B)
(અ) (બ)

(૧) કરિણ્ય: - (૧) હાથણીઓ

(૨) કુલ - (૨) ટોળું

(૩) પ્રાચી - (૩) પૂર્વદિશા

(૪) મૃગા: - (૪) મૃગલાંઓ, હરણાઓ


(C)

(અ) (બ)

(૧) ઘાત: - (૧) વિધાતા, બ્રહ્મા

(૨) અરવિન્દ - (૨) કમળ

(૩) ગન્ધવાહ: - (૩) પવન

(૪) મધુકર - (૪) ભમરા

(D)

(અ) (બ)

(૧) પરિમલ - (૧‌) સુવાસ

(૨) રસાલ: - (૨) આમ્રવૃક્ષ

(૩) મરન્દ - (૩) મધ, રસ

(૪) ગરલ - (૪) ઝેર, વિષ


(E)

(અ) (બ)

(૧) મિલિન્દા: - (૧) ભમરા

(૨) મલયજ - (૨) ચંદનવૃક્ષ

(૩) દેવતરૂ - (૩) કલ્પવૃક્ષ


(F)

(અ) (બ)

(૧) વારિધી - (૧) સમુદ્ર

(૨) મીન: - (૨) માછલી

(૩) સર: - (૩) સરોવર

(૪) મિલિન્દ - (૪) ભ્રમર


(G)

(અ) (બ)

(૧) પટીરજ - (૧) ચંદનવૃક્ષ

(૨) દેવતરૂ - (૨) કલ્પવૃક્ષ

(૩) તટિની - (૩) નદી

(૪) બર્બુર - (૪) બાવળ


(H)

(અ) (બ)

(૧) કલં - (૧) ટહુકાર

(૨) સુષમા - (૨) સૌંદર્ય

(૩) કાકા: - (૩‌) કાગડાઓ

(૪) કલભ - (૪) મદનીયા


(I)

(અ) (બ)

(૧) તોયદ - (૧) મેઘ

(૨) રસા - (૨) પૃથ્વી

(૩) વિટપિન: - (૩) વૃક્ષો

(૪) દવદહન - (૪) દાવાનળ, અગ્નિ


(J)

(અ) (બ)

(૧) નિદાધ - (૧) ઉનાળો

(૨) વારિદ - (૨) મેઘ, વાદળ

(૩) વેધસા - (૩) બ્રહ્મા

(૪) શ્રીખણ્ડ - (૪) ચંદન


(K)

(અ) (બ)

(૧) કદમ્બ - (૧) ટોળું

(૨) જલઘર - (૨) વાદળ, મેઘ

(૩) અમ્બુજ - (૩) કમળ

(૪) અર્ણવ - (૪) સાગર


(L)

(અ) (બ)

(૧) ક્ષીરાર્ણવ - (૧) ક્ષીરસાગર

(૨) ગંગા - (૨) જાહ્નવી

(૩) સલિલ - (૩) પાણી

(૪) કાસાર - (૪) સરોવર


(M)  

(અ) (બ)

(૧) મધુવ્રત - (૧) ભમરો

(૨) પૌલોમી - (૨) ઈન્દ્રાણી, શશી

(૩) હરિપતિ: - (૩) સિંહ

(૪) કરિન્દ - (૪) ગજરાજ


(N)

(અ) (બ)

(૧) ઈદં - (૧) આ

(૨) સપદિ - (૨) તરત જ

(૩) પરિત: - (૩) ચારે બાજુથી

(૪) અધુના: - (૪) હમણાં

(૫) પુર: - (૫) સામે



(O)

(અ) (બ)

(૧) ચગ્ઝરીક - (૧) ભ્રમર

(૨) દ્વિજ - (૨‌) પક્ષી

(૩) દ્વિજિહ્ન - (૩) સાપ



No comments:

Post a Comment