ratnavali question and answer

 પ્રા. ડૉ. મીના એસ. વ્યાસ

સંસ્કૃત-વિભાગાધ્યક્ષ


રત્નાવલી – શ્રી હર્ષરચિત


યુનિટ – ૧

કવિ પરિચય અને રત્નાવલી (અંક-૧)


પ્રશ્ન:- ૧ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

  સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો.

(૧) હર્ષવર્ધનનું જીવન

જ:- હર્ષ નામની વ્યક્તિઓ:

સંસ્કૃત સાહિત્યમાં ‘હર્ષ’ નામધારી છ વ્યક્તિઓનો ઉલ્લેખ મળે છે: (૧) ‘નૈષધીયચરિતમ્’ મહાકાવ્યના લેખક (૨) ‘કાવ્યપ્રદીપ’ નો લેખક ગોવિંદ ઠાકુરનો નાનો ભાઈ (૩) ધારાનગરીના ભોજનરેશના દાદા અને મુંજના પિતા હર્ષ (૪) ‘કથાસરિત્સાગર’ ની રચના થઈ તે સમયના કાશ્મીરના રાજા (૫) માતૃગુપ્ત નામના કવિનો આશ્રયદાતા ઉજ્જૈનનો હર્ષવિક્રમાદિત્ય અને (૬) સ્થાણ્વીશ્વર અને કાન્યકુબ્જના રાજા હર્ષવર્ધન. આ છઠ્ઠો રાજા હર્ષવર્ધન તે પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદનો લેખક છે.

રાજવી પરંપરા:

સ્થાણીશ્વરના મહારાજાધિરાજ પ્રભાકરવર્ધનનાં મહારાણીનું નામ યશોમતી હતું. પ્રભાકરવર્ધન સૂર્યોપાસક હતો અને સંતાનપ્રાપ્તિ માટે તે રોજ ‘આદિત્યહ્રદય’ નો પાઠ કરતો. એકવાર રાણીને સ્વપ્નમાં “ચંદ્રમુખી કન્યાથી અનુસરતા બે તેજસ્વી કુમારોને સવિતૃમંડળમાંથી ઊતરી આવતા” દેખાયા. રાણીએ રાજાને વાત કરી. રાજાએ કહ્યું. “ભગવાન સૂર્યનારાયણ તારા પર પ્રસન્ન થયા છે.”

ત્યાર પછી રાણી યશોમતીએ કાલક્રમે રાજ્યવર્ધન અને હર્ષવર્ધન એમ બે પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો. રાજકુમારી રાજ્યશ્રી મોટી થતાં અવંતિવર્માના પુત્ર ગૃહવર્મા સાથે તેનું લગ્ન થયું. ઐતિહાસિક વૃત્તાંત ઉપરાંત તામ્રપત્રો અને પ્રવાસી યાત્રીઓની નોંધોને પણ વધુ વાસ્તવિક રીતે સ્વીકારવામાં આવે છે.


 

જીવનવિષયક માહિતી:

પ્રાયશ: સંસ્કૃત સાહિત્યના કવિઓ-લેખકોના જીવન અને સમય વિશેની કશી માહિતી ઉપલબ્ધ થતી નથી; છતાં હર્ષ, બાણ, ભવભૂતિ જેવા થોડાક કવિઓ અપવાદરૂપ છે. સમ્રાટ હર્ષનાં આશ્રિત કવિ બાણભટ્ટે લખેલ ‘હર્ષચરિતમ્’ માં ત્રીજાથી આઠમા ઉચ્છવાસ સુધીમાં હર્ષનું જીવનચરિત આપ્યું છે. બાણના મતે રાજ્યલક્ષ્મીનાં દર્શને, ભાવિ ચક્રવર્તીપદના આકર્ષણે શ્રીહર્ષ ગાદીએ બેઠો હતો. પોતાની વિધવા બહેન સાથે મળી તેના સહકારથી રાજ્ય કરતો હતો.

આ હર્ષનાં રાજ્યકાળ દરમ્યાન ભારતની યાત્રાએ ઈ.સ. ૬૩૫ થી ૬૪૩ દરમિયાન આવેલ ચીની યાત્રી હ્યુ-એન-સંગની પ્રવાસનોંધ, ચીની યાત્રી ઈત્સિંગની નોંધ અને મધુબન અને વાંસખેડાનાં તામ્રપત્રો, સોનપતની રાજમુદ્રાની વંશાવલી વગેરે દ્વારા હર્ષના જીવન વિશે આપણને ઘણી ઉપયોગી માહિતી ઉપલબ્ધ થાય છે.

રાજકીય માહિતી:

છઠ્ઠી સદી પહેલાં ભારતમાં ગુપ્તોનું સામ્રાજ્ય હતું, પરંતુ ઉત્તર ભારતનાં સ્થાણ્વીશ્વરનું નાનકડું રાજ્ય હતું. એમના પૂર્વજોમાં એક પુષ્યભૂતિ નામનો મહારાજા થઈ ગયો. આ સમ્રાટ પછી જે રાજવંશ શરૂ થયો તેમાં અનેક રાજાઓ થઈ ગયા. એમાં પ્રભાકરવર્ધને ‘મહારાજાધિરાજ પરમ ભટ્ટાકર’ ઉપનામ ધારણ કર્યું.

ઉપસંહાર:

આમ, ચક્રવર્તીપદ પ્રાપ્ત કરનાર હર્ષદેવ શરૂઆતમાં શિવનો ઉપાસક હતો. જીવનના ઉત્તરકાળમાં તે બૌદ્ધ ધર્મ પાળતો હતો, તે તેના ‘નાગનન્દ’ નામના નાટકમાં પણ દેખાઈ આવે છે. જે વર્ષે તે ગાદીએ બેઠો ત્યારથી તેણે ‘હર્ષ’ નામનો સંવત ચાલુ કરેલો. દર પાંચ વર્ષે તે એક ધાર્મિક સમારંભ યોજતો. આવા બહુમુખી પ્રતિભાવાળા સમ્રાટ હર્ષવર્ધનનો શાસનકાળ સુવર્ણકાળ કહેવાતો હતો.


(૨) હર્ષવર્ધનનો સમય

જ:- ‘સંસ્કૃત સાહિત્યનાં ઈતિહાસની કડી નબળી છે.’ એવા ડૉ. મેકડોનલનાં વિધાન અનુસાર સંસ્કૃત સાહિત્યકારોના સમય અંગે અટકળો કરી અંદાજિત સમય સ્વીકરવો પડે છે. એમાંય બાણ, હર્ષ અને ભવભૂતિ જેવા કવિઓ અપવાદરૂપે મનાય છે. હર્ષવર્ધનનો સમય ઈ.સ. ૫૯૦ થી ૬૪૭ સુધીનો નક્કી કરવામાં આવે છે, એમાં જરાય શંકા નથી; કારણ કે હર્ષ એ એક ઐતિહાસિક વ્યક્તિ અને સમ્રાટ છે.

હર્ષવર્ધનનો સમય:

ઉપર જોયું તેમ હર્ષનો સમય ઈ.સ.૫૯૦ થી ૬૪૭ સુધીનો નિશ્વિત છે, છતાં તેની પૂર્વમર્યાદા અને ઉત્તરમર્યાદા નક્કી કરતાં નીચેના પુરાવા નોંધપાત્ર બને છે:

[૧] મયુરશતકનો સંપાદક (ઈ.સ. ૧૬૫૪) બાણ અને મયૂરને હર્ષનાં આશ્રિત કહે છે અને હર્ષને ‘રત્નાવલી’ નાટિકાનો લેખક ગણાવે છે.

[૨] વિશ્વનાથ (૧૪મી સદી) ‘સાહિત્યદર્પણ’ માં રત્નાવલીમાંથી અવતરણો ટાંકે છે.

[૩] જયદેવ (૧૧ મી સદી) ‘પ્રસન્નરાઘવ’ ની પ્રસ્તાવનામાં હર્ષને કવિતાકામિનીનો હર્ષ કહે છે.

[૪] ધનંજયે (ઈ.સ.૧૦ મી સદી) તેનાં ‘દશકરૂપક’ માં રત્નાવલીમાંથી અવતરણ ટાંકેલા છે.

[૫] મમ્મટ (૧૦-૧૧ મી સદી) ‘કાવ્યપ્રકાશ’ માં ધનપ્રાપ્તિનાં પ્રયોજનરૂપે જણાવે છે કે, ‘હર્ષાદેર્બાણાદીનામિવ ધનમ્ I’

[૬] રાજશેખર (ઈ.સ. ૯૫૦ આસપાસ) ‘કાવ્યમીમાંસા’ માં નોંધે છે કે માતંગ દિવાકર હર્ષનાં દરબારમાં બાણ અને મયૂરનો સમકક્ષ કવિ બન્યો.

[૭] દામોદરગુપ્તે ‘કુદૃનીમત’ માં રત્નાવલીમાંથી શ્લોક ટાંકેલો છે.

[૮] હર્ષનાં આશ્રિત કવિ બાણે (૭મી સદીનો પૂર્વાર્ધ) અપૂર્વ ઐતિહાસિક આખ્યાયિકા તરીકે ‘હર્ષચરિતમ્’ ની રચના કરી છે.

[૯] સાતમી સદીના પૂર્વાર્ધમાં ભારત આવેલા ચીની યાત્રીઓ હ્યુ-એન-સંગ અને ઈત્સિંગની પ્રવાસ નોંધોમાં શ્રીહર્ષની અનેક માહિતી મળે છે.

આમ, આ બધા પુરાવાને આધારે હર્ષને ઈસવીસનની સાતમી સદીના પૂર્વાર્ધમા મૂકવો ઉચિત ગણાય.


(૩) પ્રથમ અંકનો વિષ્કંભક

જ:- વિષ્કંભક ભૂતકાળ તથા ભવિષ્યનાં કથાઅંશોનું સૂચન કરે છે. તે અંકની શરૂઆતમાં આવે છે.. એ બે પ્રકારનો હોઈ શકે છે, મધ્યમ પાત્રો દ્વારા શુધ્ધ અને મધ્યમ તથા નીચ પાત્રો દ્વારા મિશ્ર (સંકીર્ણ) વિષ્કંભક હોય છે.

રત્નાવલી નાટિકાના પ્રથમ અંકના પ્રારંભમાં પ્રસ્તાવના બાદ શ્રી હર્ષદેવે મધ્યમ પ્રકારના વિષ્કંભકને પ્રયોજ્યો છે. એનું કથાનક નાનું છતાં માહિતીસભર છે. યૌગન્ધરાયણે ‘દ્વીપાદન્યસ્માત્...’ શબ્દોના આધારે ભાગ્યનો પ્રભાવ બતાવ્યો છે કે વિધિ સાનુકૂળ હોય તો ભલે ને સિંહલદેશની રાજકન્યાનું વહાણ તૂટી જવા છતાં પાટિયાના સહારે તે બચી શકી ? વળી, સિંહલદેશથી પાછો ફરતો વેપારી પણ તેના ગળાની રત્નમાળા જોઈ તે રાજકન્યા હશે એમ માની મને સોંપત ? યૌગન્ધરાયણે તે રાણી વાસવદત્તાને સોંપી છે.

[૧] સિધ્ધપુરૂષોની ભવિષ્યવાણી પ્રમાણે સિંહલદેશની પુત્રીને પરણનાર ચક્રવર્તી રાજા થશે. તેથી જ સ્વામીભક્તિથી પ્રેરાઈ યૌગન્ધરાયણે ઉદયન માટે તે કન્યાનું માંગું કર્યું હતું.

[૨] સિંહલેશ્વરે આ કારણે રાજકન્યા રત્નાવલીને અમાત્ય વસુભૂતિ અને કંચુકી બાભ્રવ્ય સાથે વહાણ મારફતે ઉજ્જૈન આવવા મોકલેલી.

[૩] ભાગ્યવશાત્ માર્ગમાં વહાણ ભાંગી ગયું, પણ સદભાગ્યે પાટિયાના આધારે સાગરકાંઠે આવી ગઈ.

[૪] કન્યાના ગળામાં રત્નોની માળ જોઈ કોઈ વેપારીને આ કન્યા ઉચ્ચ કુળની હશે તેમ માની યૌગન્ધરાયણને સોંપી.

[૫] યૌગન્ધરાયણે પોતાની ચાતુરીથી તેને વાસવદત્તાને સોંપી, કારણ કે તેને તો તેની સાચી ઓળખ હતી, પણ રાણીથી છૂપું રાખ્યું. આમ કરવા પાછળનું તેનું પ્રયોજન એ હતું કે રાજા જ્યારે પણ તેને જોશે, તો તે ચોક્કસ તેના પ્રેમમાં પડશે તથા તેની જ્યારે સાચી ઓળખાણ થશે તો તેના ચારિત્ર્ય અંગે કોઈ શંકા નહિ કરે. વળી, વાસવદત્તા સાથે ઘણો સમય રહેવાથી બંનેનો એકબીજા સાથેનો પરિચય પણ કેળવાશે. અંતમાં વાસવદત્તાની સાક્ષીમાં જ રાજા અને રત્નાવલીનું સુખદ મિલન થશે.

[૬] વસુભૂતિ તથા બાભ્રવ્યના બચી જવાથી, જ્યારે તેઓ ઉજ્જૈન રાજાને મળવા આવશે ત્યારે પોતાની કન્યાને ચોક્કસ ઓળખી કાઢશે, તેનું સૂચન યૌગન્ધરાયણે કર્યું છે.

[૭] તેઓ બંને તરત પ્રસ્તુત ન થતાં રૂમણ્વાનને યુધ્ધમાં મદદ માટે રોકાયા છે, જે સહેતુક છે. આ સમય વધુ મળવાથી રાજા અને સાગરિકાના પ્રણયને પાંગરવાનો પૂર્ણ અવકાશ છે.

[૮] વળી મદનમહોત્સવનું આયોજન બતાવી પછીના બનાવ માટેનાં દ્વાર ખૂલી ગયાં છે.

[૯] યૌગન્ધરાયણની આ યુક્તિ અને કાર્યમાં ભલે સેવકની ભીતિ અને દશા વર્ણવાયાં હોય, પણ એની સ્વામીભક્તિ તો જરૂર દ્રષ્ટિગોચર થાય છે જ.

આમ, આ વિષ્કંભક દ્વારા ભૂતકાળની કથા સાથે ભવિષ્યમાં થનારા બનાવોનું સૂચન કરી, હવે નજીકમાં જ ઉજવનારા મદનમહોત્સવ પ્રસંગને જણાવી દીધો છે.


(૪) મદનમહોત્સવ પ્રસંગ

જ:- મહાકવિ શ્રીહર્ષરચિત ‘રત્નાવલી’ નાટિકાના પ્રથમ અંકમાં વર્ણિત મદનમહોત્સવ પ્રસંગ ખૂબ જ મહત્વનો હોઈ, વાચકોના મનને આકર્ષે છે. આ કથાનકનો મુખ્ય પ્રસંગ છે. આ પ્રસંગનું મહત્વ એટલું બધું છે કે લેખકે અંકનું નામ પણ મદનમહોત્સવ રાખ્યું છે. તેનું કથાનક નાનું પણ મજાનું છે. રાજા ઉદયન તથા વિદૂષક ઝરૂખામાંથી નગરજનોના ઉલ્લાસ આનંદને માણી રહ્યાં છે.સામાન્ય રીતે એમાં કામદેવની પૂજા કરવામાં આવે છે, પણ અહીં તો રાજા સાક્ષાત કામદેવ જેવા દેખાવડા હોઈ તેમની પૂજા રાણી વસવદત્તા દ્વારા થવાની છે, તેથી આ ઉત્સવ પોતાનો જ હોય તેવો અનુભવ રાજાને થાય છે. નગરના લોકો ચારેબાજુ રંગો ઉડાડી રહ્યા છે તથા સુવર્ણના અલંકારોથી સુસજ્જિત છે, તેથી રાજાને કૌશામ્બી નગરી કુબેરના ભંડાર જેવી લાગે છે.

હવે, વાસવદત્તાના કહેવાથી દાસીઓ રાજાને મદનમહોત્સવમાં કામદેવની પૂજા માટે પધારવાનો સંદેશો આપે છે. રાજા અને વિદૂષક ત્યાં પહોંચે છે. રાણી પણ પરિવાર સાથે પૂજાની સામગ્રી લઈ પ્રવેશે છે. સાગરિકાને રાજાથી દૂર રાખવા તેને રાણીએ સારિકા (મેના) ને સાચવવાનું કામ સોંપ્યું છે, પણ સાગરિકાને મદનોત્સવ જોવાની આતુરતા હોવાથી ફૂલ વીણવાના બહાને છુપાઈને કામદેવ સમાન રાજાની થતી પૂજા જુએ છે. રાજાને પ્રથમ દ્રષ્ટિએ જોતાં જ તે પ્રેમાસક્ત બને છે. રાજા અને સાગરિકાના પ્રેમપ્રકરણનો વિસ્તાર કવિએ બીજા અંકમાં વિગતવાર બતાવ્યો છે, મદનમહોત્સવનો પ્રસંગ નાટિકામાં અનેક રીતે મહત્વ ધરાવે છે, તે નીચે મુજબ છે:

[૧] મદનમહોત્સવનું વર્ણન કવિની કવિત્વશક્તિનો પરિચય આપે છે.

[૨] નગરજનોના શણગારમાં રાજાને કુબેરનો ભંડાર અને વેશ્યાઓના વર્ણનમાં પાતાળલોકનું દર્શન થાય છે.

[૩] દાસીઓનાં સુંદર દ્વિપદીખંડ ગીત તથા સંગીતમાં નાટકકારનું ગીત તથા શબ્દપ્રભુત્વ વ્યક્ત થાય છે તથા વિદૂષક સાથેની ગીત-સંગીત ચર્ચામાં તેનો રમૂજી સ્વભાવ દેખાય છે.

[૪] રાણી તથા રાજાનું પૂજન સંદર્ભે ઉદ્યાનમાં આગમન તથા કામદેવના સ્વરૂપમાં રાજાનું પૂજન, બંનેના પરસ્પર પ્રેમભાવ તથા આદરને અભિવ્યક્ત કરે છે.

[૫] રાણીએ સાગરિકાને રાજાની દ્રષ્ટિથી દૂર રાખવા મેનાની સંભાળ રાખવાનું કામ સોંપ્યું છે, એમા બીજા અંકમાં આવનાર પ્રસંગનું સૂચન થાય છે.

[૬] સાગરિકાએ સુસંગતાને મેનાની સોંપણી કરી છે, એમાં બંને વચ્ચેની ગાઢ મૈત્રી સ્થાપિત થાય છે.

[૭] રાજાનું સૌંદર્ય સાક્ષાત્ કામદેવ જેવું છે, એ જોઈને તો સાગરિકા પોતાની જાતને ધન્ય માને છે, કૃતાર્થ માને છે. પ્રથમ અંકનો મુખ્ય હેતુ રાજા અને સાગરિકાના હ્રદયમાં પ્રેમાંકુરની વૃધ્ધિ કરવાનો છે અને તે કવિએ સિધ્ધ કર્યો છે. વાસવદત્તા સાગરિકાને રાજાના માર્ગમાંથી દૂર રાખવા માગે છે, એવું જણાતાં હવે સાગરિકાનો પ્રણયમાર્ગ તકલીફવાળો બનશે એમ સૂચવાય છે. આમ, મદનમહોત્સવનો પ્રસંગ ખૂબ જ રમ્ય, મનોરંજક, આહલાદક છે.


પ્રશ્ન:- ૧ (બ) શ્લોકનો અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)

  અંક- ૧ શ્લોક નં. ૫, ૮, ૧૦, ૨૦

(૧) શ્રીહર્ષો નિપુણ: કવિ: પરિષદપ્યેષા ગુણગ્રાહિણી

  લોકે હારિ ચ વત્સરાજચરિતં, નાટ્યે ચ દક્ષા વયમ્ I

  વસ્ત્વેકૈકમપીહ વાન્છિતફલપ્રાપ્તે: પદં કિં પુન-

  ર્મભ્દાગ્યોપચયાદયં સમુદિત: સર્વો ગુણાનાં ગણ: II (૫)

ભાષાન્તર:- શ્રીહર્ષ નિપુણ કવિ છે. આ (પ્રેક્ષકોની) પરિષદ પણ ગુણગ્રાહી છે. અને લોકોમાં વત્સરાજનું ચરિત આકર્ષક છે અને અમે અભિનયમાં નિષ્ણાત છીએ. આ એક વસ્તુ પણ અહીં વાંછિત ફલની પ્રાપ્તિનું સ્થાન છે, તો મારા સદભાગ્યના સંચયથી બધા જ ગુણોનો સમુદાય જે (આ) ભેગો થયો છે તેનું શું કહેવું ?


(૨)  વિશ્રાન્તવિગ્રહકથો રતિમાન્જનસ્ય 

  ચિત્તે વસન્પ્રિયવસન્તક એવ સાક્ષાત્ I

  પર્યુત્સકો નિજમહોત્સવદર્શનાય

  વત્સેશ્વર: કુસુમચાપ ઈવાભ્યુપૈતિ II (૮)‌

ભાષાન્તર:- જેની યુધ્ધની કથા વિરમી ગઈ છે. (કામદેવપક્ષે-જેની શરીરની કથા વિરમી ગઈ છે), જે અનુરાગપૂર્ણ છે (કામદેવપક્ષે- જે રતિના સંગમાં છે), જે લોકોના ચિત્તમાં રમે છે, કામદેવપક્ષે- જે લોકોના ચિત્તમાં રહે છે.) જેને વસંતક પ્રિય છે. (કામદેવપક્ષે- જેને વસંતઋતુ પ્રિય છે) તે સાક્ષાત્ કામદેવ જેવા વત્સરાજ, પોતે પ્રવૃત્ત કરેલા મહોત્સવને (કામદેવપક્ષે-પોતાના મહોત્સવને) જોવા આતુર, આવી રહ્યા છે. તો હવે ઘેર જઈ બાકીના કાર્ય અંગે વિચારણા કરૂં.


(૩) કીર્ણૈ પિષ્ટાતકૌધૈ: કૃતદિવસમુખે: કુમ્કુમક્ષોપગૌરે-

     ર્હેમાલંકારભાભિર્ભરનમિતશિખૈ: શેખરે: કૈન્કિરાતે: I

  એષા વેષાભિલક્ષ્યસ્વવિભવજિતાશેષવિત્તેશકોશા

  કૌશામ્બી શાતકુમ્ભદ્રવખચિતજનૈરેકપીતા વિભાતિ II (૧૦)

ભાષાન્તર:- (જાણે) પ્રાત:કાલનું સર્જન કરતા કુંકુમના ચૂર્ણ સમાન, રતુંમડા, ઉછાળેલા સુગંધી ચૂર્ણના સ્મૂહથી, સુવર્ણના અલંકારોની આભાથી, ભારથી નમી જતા અગ્રભાગયુક્ત અશોકના અગ્રભાગોથી, આ વેષથી સૂચિત બનતા પોતાના વૈભવથી કુબેરના સર્વ ખજાનાઓને પરાસ્ત કરનાર (અને) સુવર્ણના રસથી જાણે ખચિત જનોવાળી કૌશામ્બી એકમાત્ર પીળો રંગ ધરાવતી લાગે છે.


(૪) પ્રત્યગ્રમજ્જનવિશેષવિવિક્તકાન્તિ:

  કૌસુમ્ભરાગરૂચિરસ્ફુરદંશુકાન્તા

  વિભ્રાજસે મકરકેતનમર્ચયન્તી

  બાલપ્રવાલવિટપિપ્રભવા લતેવ II (૨૦)

ભાષાન્તર:- તાજા સ્નાનથી સવિશેષ ઉજ્જવલ કાંતિ ધરાવતી, કેસરી રંગથી સુંદર લાગે તેમ ફરકતા વસ્ત્રનો છેડો ધરાવતી, કામદેવની અર્ચના કરતી તું નવપલ્લવોથી યુક્ત વૃક્ષ માંથી પ્રગટ થતી, તાજા સિંચનને લીધે સ્વચ્છ કાંતિવાળી, (અને) કેસરના રંગ સમાન સ્ફુરતાં કિરણોને કારણે સુંદર એવી લતાની જેમ શોભે છે. 


યુનિટ – ૨

અંક ૨ અને ૩


પ્રશ્ન:- ૨ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૦૮)   સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો.

  (અંક-૨)

(૧) ચિત્રફલક પ્રસંગ

જ:-  ચિત્રફલક પ્રસંગ રત્નાવલી નાટિકાના દ્વિતીય અંકનો મહત્વપૂર્ણ પ્રસંગ છે. મદનમહોત્સવ પ્રસંગના આધારે સાક્ષાત્ કામદેવરૂપ રાજા ઉદયનને જોતાં પ્રથમ દ્રષ્ટિએ જ સાગરિકા પ્રેમાસક્ત થઈ, પરંતુ છૂપી રીતે રહેતી હોવાથી પોતાની પ્રેમકહાણી કોઈને કહી શકે તેમ નથી. આવી અવસ્થામાં તે એકલી કદલીગૃહમાં જઈ પોતાની જાતને અને કામદેવને ઠપકો આપે છે; કારણ કે પ્રથમ વખત જ રાજાને જોતાં કામે તેના હ્રદયને હરી લીધું છે. તે કામદેવને નિર્લજ્જ કહીને પોતાના ઉદગારો કાઢે છે. છેવટે તે શાતા માટે પોતાના મનોગત ભાવોને ચિત્રફલક પર દોરી તેને જોતી જ રહે છે. આ સમય દરમિયાન તેની સખી સુસંગતા મેના સારિકાના પિંજર સાથે તેને શોધતી શોધતી કદલીગૃહમાં આવે છે. ત્યાં તે ચિત્રમાં રાજાને દોરેલા જોઈ ખાત્રી કરે છે કે સાગરિકા રાજાના પ્રેમમાં છે.

આ વખતે દુષ્ટ વાનર ઘોડારમાંથી છૂટીને ભાગતો આવી રહ્યો છે તેથી આ બંને સારિકાને મૂકીને નાસી છૂટે છે. વાનર પાંજરૂં ખોલી નાખે છે, સારિકા ઊડી જાય છે. હવે તેઓ બંને સખીઓનો વાર્તાલાપ બોલવા માંડે છે. કદલીગૃહમા જઈ રહેલ રાજા તથા વિદૂષક તે સાંભળે છે. તેમના હાથમાં ચિત્રફલક આવે છે, જે દ્વારા સાગરિકાનો તેમના પ્રત્યેનો પ્રેમ પ્રસ્તુત થાય છે. રાજા પણ ઉન્મત્ત અવસ્થામાં તેનું કાવ્યમય વર્ણન કરે છે. હવે બંને આવીને રાજાના હાથમાં ચિત્રફલક જુએ છે. સાગરિકા શરમ અનુભવે છે. સુસંગતા બંનેનું મિલન કરાવે છે. સાગરિકા મુગ્ધાવસ્થામાં છે. વિદૂષક કહે છે કે, ‘અપરા વાસવદત્તા I’ સાગરિકા એનો અર્થ જુદો અર્થ સમજી ત્યાંથી ચાલી જાય છે, પછી ત્યાં વાસવદત્તા આવે છે. ચિત્રફલક રાજાએ વિદૂષકને સંતાડવા આપ્યું હતું, પરંતુ અકાળે નવમલ્લિકાને પુષ્પો આવ્યાં છે. એના આનંદમાં વિદૂષક નાચવા લાગે છે. પરિણામે, ચિત્રફલક બગલમાંથી પડી જાય છે. રાણી સમગ્ર પરિસ્થિતિ જાણી જાય છે. વિદૂષક તથા રાજા બચાવ માટે ખોટાં બહાનાં રજૂ કરે છે, પણ રાણી ગુસ્સામાં ત્યાંથી જતી રહે છે.

ચિત્રફલકનું મહત્વ:-

(૧) પ્રેમી પાત્રો ગમતા પાત્રની પ્રતિકૃતિ કરી વિરહના દુ:ખને હળવું કરે છે. આ સંસ્કૃત સાહિત્યનો નિયમ સાગરિકાના પાત્રમાં જોવા મળે છે.

(૨) “પોતે દોરેલ ચિત્ર કામદેવનું છે.” એમ કહી છટકવાનો પ્રયત્ન કરતી સાગરિકાનું ચાતુર્ય દ્રષ્ટિગોચર થાય છે.

(૩) સુસંગતા મૈત્રીભાવને આગળ કરી રાજાના ચિત્રની બાજુમાં સખીનું ચિત્ર દોરે છે. અહીં સાગરિકાના ગુસ્સામાં હળવો વિનોદ છે.

(૪) વાનરના પ્રસંગથી ભાગદોડ થઈ જાય છે. આમ છતાં ચિત્રફલક રાજા સુધી પહોંચી જાય છે.

(૫) નાટ્યકારનું રચનાકૌશલ્ય જોતાં રાજા સુધી સાગરિકાનો પેમ પહોંચી તો ગયો, પણ સ્ત્રીસહજ લજ્જા હોઈ તે પોતાના મોઢે આ વાત રાજાને કરી શકતી નથી.

(૬) ચિત્રફલક દ્વારા પ્રેમનો એકરાર કારણભૂત છે, પરંતુ વિદૂષકની મૂર્ખતાથી એ રાણીના હાથમાં આવી જાય છે, જે પ્રણયકાર્યમાં વિઘ્નકારક બને છે.

આમ, ચિત્રફલક પ્રસંગ કથાવસ્તુને આગળ વધારવામાં તથા અનેક પ્રયોજનોને સિધ્ધ કરવાનું હોઈ ખૂબ જ અગત્ય ધરાવે છે.



(૨) સાગરિકા અને સુસંગતાનો સંવાદ

જ:- રત્નાવલી નાટિકાના પ્રથમ અંકમાં રજૂ થયેલ મદનમહોત્સવ પ્રસંગમાં પૂજિત રાજા ઉદયનનાં દર્શનથી સાગરિકા પહેલી જ નજરે તેમના પ્રત્યે હ્રદયથી કામાસક્ત બની. તે પછી તેનો કામાગ્નિ વધતો ગયો. હવે તે રાજાનાં દર્શનથી વંચિત હોઈ રાજાનું ચિત્ર દોરી પોતાના મનને અશ્વસ્ત કરવા કદલીગૃહમાં જાય છે. અહીં તેની સખી સુસંગતા તેને શોધતી આવે ચડે છે. ચિત્ર દ્વારા પોતાના મનોભાવો વ્યક્ત કરતી સાગરિકાને તે જોઈ જાય છે અને પ્રસન્નતા અનુભવે છે. એ કહે છે કે, “આ યોગ્ય જ છે, કારણ કે કમળને છોડીને રાજહંસી બીજે ક્યાં જાય ?” આંખમાં આંસુ સતત આવવાથી સાગરિકા ચિત્રને બરાબર જોઈ પણ શકતી નથી અને સુસંગતાને જોઈને ચિત્ર ઢાંકી દે છે. હવે સાગરિકા તેને કહે છે કે, “મેં કામદેવનું ચિત્ર દોર્યું છે.” રતિના બદલે સાગરિકાનું ચિત્ર દોરે છે અને ગુસ્સે થયેલી સાગરિકાને  કહે છે, “સખી, તેં જેવો કામદેવ ચીતર્યો તેમ મેં રતિ દોરી છે.” લજ્જિત થયેલી સાગરિકા સુસંગતાને, તેના રાજા પ્રત્યેના પ્રેમની વાત અન્ય કોઈ જાણી ન જાય તે માટે સમજાવે છે. હવે સુસંગતા એને આ અંગે ખાતરી આપે છે. ત્યાં જ તેને મેધાવિની સારિકા નજરમાં આવે છે. થાય છે પણ એવું કે તેઓ બંનેની વાત મેનાએ સાંભળી છે. કદાચ તે બીજા સમક્ષ બોલી પણ જશે, એ બીક છે. હવે સુસંગતા સાગરિકા માટે તેની વિરહવ્યથા દૂર કરવા માટે કમળપાન લેવા જાય છે. માનસિક પીડા વધી જવાથી મૂર્છા પામે છે અને માને છે કે મરણ જ શરણ છે.

મહત્વ:-

(૧) સખીઓના વાર્તાલાપ દ્વારા જાણી શકાય છે કે સાગરિકાની માનસિક પીડા વધી ગઈ છે હવે તો મૃત્યુ સિવાય કોઈ માર્ગ નથી એમ માની રહી છે.

(૨) રાજકન્યાને અનુરૂપ લજ્જાના કારણે સાગરિકા અત્યંત નિકટની સખી સુસંગતાને પણ પોતાના મનોભાવો કહી શકતી નથી.

(૩) બંને સખીઓનો પૂરેપૂરો સંવાદ સારિકા સાંભળી ગઈ છે, જે આગળ જતાં ખૂબ મહત્વ ધરાવે છે.

(૪) સુસંગતા પોતાના નામ પ્રમાણે સખી સાગરિકાને સુસંગત બની રહે છે. કામદેવની સાથે રતિનું ચિત્ર દોર્યુ છે કહી તેની ચતુર વાણીનો અહેસાસ કરાવે છે. આમ તે મધુરભાષિણી છે.


(૩) વાનરનો પ્રસંગ

જ:- રાજા ઉદયનના પ્રેમમાં કામાવસ્થાને પામેલી સાગરિકા મનને શાંત કરવા માટે ચિત્રફલક તથા પીછીં સાથે કદલીગૃહમાં જઈ રાજાનું ચિત્ર દોરવા ઈચ્છે છે. તેની સખી સુસંગતા પણ ત્યાં આવી જાય છે. એવામાં અશ્વશાળામાંથી છૂટીને એક વાનર સાંકળ તોડીને ભાગતો આવી રહ્યો છે. વાનરને ભાગતો જોઈને નપુંસકો, ઠીંગુજી, કિરાત, કુબ્જ વગેરે પોતાને બચાવવા પ્રયત્નશીલ છે. વળી, સાગરિકા અને સુસંગતા પણ ગભરાઈને તમાલવૃક્ષની છાયામાં સંતાઈ જાય છે. ગભરાટમાં તેઓ ચિત્રફલક કદલીગૃહમાં જ ભૂલી જાય છે. વળી, આ દુષ્ટ વાનરે સારિકાનું પીંજરૂં ખોલી નાંખ્યું છે તેથી તે પણ ત્યાંથી ઊડીને બીજે જાય છે. હવે આ લોકોને એ જ વાતની બીક છે કે સારિકા રાજા તથા સાગરિકાના પ્રેમની વાત કોઈની આગળ જણાવી તો નહિ દે ને ? રાજાના રક્ષકો વાનરને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

મહત્વ:-

(૧) વાનરના પ્રસંગ દ્વારા નાટિકામાં કથાવસ્તુ બને છે.

(૨) વાનરે ખોલી કાઢેલા પિંજરને કારણે મેના ઊડી જાય છે અને તેનાથી બોલાયેલી વાત દ્વારા રાજાને સાગરિકાના તેના પ્રત્યેના પ્રેમની જાણ થતાં તે તેને જોવા ઉત્સુક બને છે.

(૩) વાનરના પ્રસંગથી જ ચિત્રફલક રાજાના હાથમાં આવે છે.

(૪) ચિત્રફલકથી જ બંને પ્રેમીઓનું મિલન શક્ય બન્યું છે.

(૫) ભાગતા વાનરના વર્ણનમાં નાટીકાકારની વર્ણનશક્તિ જોવા મળે છે, જે મહાકવિ કાલિદાસના નાટક ‘માલવિકાગ્નિમિત્રમ્’ માં આવતા પિંગલ વાનરપ્રસંગની યાદ અપાવે છે.


(૪) સારિકાનો પ્રસંગ

જ:- સાગરિકા મદનમહોત્સવ પ્રસંગ વખતે રાજા ઉદયનને પ્રથમ વખત જ જોતાં પ્રેમાસક્ત બને છે. તે પછી મનની શાંતિ માટે તે કદલીગૃહમાં જઈ ચિત્રફલક પર રાજાનું ચિત્ર દોરે છે. ત્યાં હાથમાં સારિકાનું પાંજરૂં લઈને તેની સખી સુસંગતા આવી પહોંચે છે. ઉદયનનું ચિત્ર જોઈ પ્રસન્ન થતી તે તેની બાજુમાં રતિના બહાને સાગરિકાનું ચિત્ર દોરે છે. સખી આગળ પોતાના પ્રેમની કબુલાત કરે છે. તેની વિરહદશા અસહ્ય થતાં મૂર્છા પામે છે.

ઘોડાસરમાંથી સાંકળ તોડીને ભાગતો વાનર અંત:પુરને વ્યગ્ર બનાવી કદલીગૃહ તરફ ઘસી રહ્યો છે. બંને સખીઓ પણ પોતાનો જીવ બચાવવા ત્યાં જતી રહે છે, પણ ચિત્રફલક લેવાનું ભૂલી જાય છે. હવે વાનરે સારિકાનું પીંજરૂં ખોલી દીધું હોવાથી સારિકા ઊડી જાય છે. તેના નામ પ્રમાણે તે બુધ્ધિશાળી હોઈ, એકવાર સાંભળેલી વાત તેને પૂરેપૂરી યાદ રહી જાય છે. તેથી સખીઓ પણ સારિકાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ છે, પરંતુ તેની પહેલાં જ રાજાને સારિકાના મુખેથી બંને સખીઓની વાતચીત જાણવા મળે છે કે સાગરિકા રાજાના પ્રેમમાં છે. આમ, સારિકાનો પ્રસંગ નાનકડો, પરંતુ અનેક પ્રયોજનો સિધ્ધ કરે છે.

(૧) સાગરિકા રાજાના પ્રેમમાં છે. આ વાત રાજાને આ પ્રસંગ પરથી જ મળી છે.

(૨) સારિકાને ભૂત માની લેનારા વિદૂષકના વાક્ય દ્વારા તેનો પરંપરાગત રમૂજી સ્વભાવ હાસ્યરસ રજૂ કરે છે. વળી, તે સારિકાને ચતુર્વેદી બાહ્મણ જેવી કહે છે.

(૩) વિદૂષકની મશ્કરીમાં નાટ્યાત્મક વક્રોક્તિ રહેલી છે, કારણ કે પાછળથી તે જ વાત સત્ય રૂપે પ્રગટ થાય છે.

(૪) સારિકાનો પ્રસંગ રાજાની માનસિક ભૂમિકા તૈયાર કરે છે.

આ પ્રસંગ પરથી રાજા કલ્પી શકે છે કે પ્રિયતમને પ્રાપ્ત ન કરી શકતી કોઈ પ્રેમિકા જીવન પ્રત્યે ઉદાસીન બની મરવા માટે પણ તૈયાર થઈ જાય. આમ, સારિકાનો પ્રસંગ માનસશાસ્ત્રની દ્રષ્ટિએ જરૂરી છે.


(૫) નવમાલિકા દોહદ પ્રસંગ

જ:- સાગરિકા ચિત્રફલક પર રાજાનું ચિત્ર દોરી મન બહેલાવવાનો પ્રયત્ન કરે છે. તેને શોધતી સખી સુસંગતા ત્યાં આવી પહોંચે છે. રાજાનું ચિત્ર જોઈ તે પ્રસન્ન થાય છે અને બાજુમાં રતિરૂપ સાગરિકાને દોરે છે. બંને વચ્ચે મીઠા ઠપકારૂપ સંવાદ થાય છે. રાજાના વિરહમાં સાગરિકા મૂર્છા પામે છે. એ દરમિયાન એક વાનર સાંકળનું બંધન તોડી ઘોડારમાંથી ભાગતો આવી રહ્યો છે. વળી, તેણે સારિકાનું પીંજરૂં પણ ખોલી નાંખ્યું છે, તેથી સારિકા ઊડી જાય છે. તેઓ બંને પણ વાનરના ભયથી ત્યાંથી જતા રહે છે, પણ તે રાજા ઉદ્યાનમાં પ્રવેશ કરે છે. ઉદ્યાનમાં નવમાલિકા તથા માધવી લતા છે. રાજાને નવમાલિકા વિશેષ ગમે છે, જ્યારે રાણીની પ્રિય લતા માધવી લતા છે. શ્રીખંડદાસે શીખવેલ વિદ્યાનો પ્રયોગ રાજાએ નવમાલિકા પર કર્યો છે, તેથી અકાળે લતાને પુષ્પ આવ્યાં છે. તેની ડાળીઓ પુષ્પોથી ખીચોખીચ ભરાઈ ગઈ છે, તેથી રાણીએ તે જોવા માટે ઉદ્યાનમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. જાણે નવમાલિકા લતા રાણી વાસવદત્તાની માધવી લતાની મશ્કરી કરી રહી હોય તેમ લાગે છે. વિદૂષક રાજાને વધાઈ આપે છે.

મહત્વ:-

(૧) નવમાલિકા લતાને જોવા આવવાના કારણે રાજાને માટે ચિત્રફલક તથા સારિકાપ્રસંગ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

(૨) નવમાલિકા પ્રસંગ રાજાને ઉદ્યાનમાં આવવાનું કારણ બને છે.

(૩) રાણીની માધવી લતા પુષ્પિત ન થતાં રાણી ઉદયનની હરીફ બની છે, તેથી તે ઉદ્યાનમાં રાજાની પાછળ આવે છે, જેના કારણે નાયક-નાયિકાનું મિલન અવરોધરૂપ બનશે.

(૪) નવમાલિકા લતા પુષ્પિત થઈ તેનો આનંદ વિદૂષકને વિશેષ છે. તેના આનંદમાં જ તેની બગલમાંનું ચિત્રફલક પડી જાય છે, જે આગળ પ્રેમમાં વિઘ્ન આવવાનું સૂચન કરે છે.

(૫) પ્રસ્તુત પ્રસંગવર્ણનમાં કવિએ અપ્રસ્તુત પ્રશંસા અલંકાર રચીને પોતાનું અલંકાર જ્ઞાન પ્રસ્તુત કર્યું છે.

(અંક-૩)

(૧) ઉદયનની કામાવસ્થા

જ:- નાટિકાના ત્રીજા અંકનો પ્રવેશક મુખ્ય દ્રશ્ય રજૂ કરે છે. એમાં રાજા ઉદયનની સાગરિકામિલન માટેની મદનાવસ્થા જોવા મળે છે. અપરા વાસવદત્તા એવા વિદૂષકના વાક્યથી દુ:ખી સાગરિકા માધવી લતામંડપમાંથી જતી રહે છે. રાજા તેને સ્પર્શ પણ ન કરી શકવાને કારણે ઊંડા નિ:સાસા નાંખતો પોતાના કામી હ્રદયને ઠપકો આપે છે અને સંતાપ અનુભવે છે. તેને નવાઈ લાગે છે કે ચંચળ મનને કામદેવ કેવી રીતે વીંધી શકે ? કામદેવનાં બાણ પાંચ, પરંતુ અસંખ્ય લોકો તેની અસરમાં છે. ક્યારેક તો કામબાણોથી અત્યંત પીડિત વ્યક્તિ મરણ પણ પામે છે, એવું રાજાનું મંતવ્ય છે.

સાગરિકા રાજા ઉદયનથી વિરહી હોવાથી ખૂબ જ વ્યથિત છે. રાજા વિદૂષકને બોલાવે છે અને મિલન માટેની કોઈ તરકીબ શોધી કાઢવા કહે છે. વિદૂષક આ અંગે કાર્યરત બને છે. રાજા સાગરિકાના કુશળ સમાચાર પૂછે છે ત્યારે વિદૂષક “ટૂંક સમયમાં જ તમારો મેળાપ થશે.” એમ કહી સાંત્વના આપે છે. કહે છે કે, “બૃહસ્પતિની બુધ્ધિનો ઉપહાસ કરનાર પોતાના જેવો અમાત્ય હોય તો સાગરિકાનાં દર્શન કેવી રીતે અશક્ય બને ?” રાજા ખુશીમાં વિદૂષકને સોનાનું કડું ભેટમાં આપે છે. વિદૂષક કડું પત્નીને બતાવવા ઘેર જવાની રજા માગે છે, પણ રાજા “પછી બતાવજે.” એમ કહી તેને રોકે છે. તે પછી સૂર્ય અસ્ત થવાનો સમય થયો હોવાથી બંને માધવી-લતામંડપ તરફ જવા નીકળે છે.

મહત્વ:-

(૧) રાજાની સાગરિકાના મિલન માટેની તાલાવેલી

(૨) કાલિદાસનાં નાટકોના રાજા પુરૂરવા, અગ્નિમિત્ર તથા દુષ્યંતની જેમ અહીં રાજા ઉદયનના કામદેવને ઉદ્દેશીને બોલાયેલા શ્લોકોનું સામ્ય જોવા મળે છે.

(૩) કાંચનમાલા દ્વારા આ પ્રણયની વાત રાણી જાણી ગયા હોઈ રંગમાં ભંગ પડવાનો ભય ઉપસ્થિત છે.

(૪) રાજાએ વિદૂષકને ઘેર જતાં રોક્યો, એમાં રાજાની મિલનની ઉત્સુકતા કેટલી વધી ગઈ છે તેનું સૂચન થયું છે.

(૫) સંધ્યા સમયનું સૂર્યાસ્તવર્ણન આહલાદક છે અને કવિની કવિત્વશક્તિ પ્રસ્તુત કરે છે.


(૨) વેશપરિવર્તન દ્રશ્ય

જ:- નાટિકાના દ્વિતીય અંકનો મહત્વપૂર્ણ પ્રસંગ ચિત્રફલક પ્રસંગ છે. આ પ્રસંગ દ્વારા જ રાણી વાસવદત્તાને ઉદયન-સાગરિકાના પ્રણયસંબંધની ગંધ આવે છે તથા શંકા જાગે છે. આ કારણે રાણીએ સુસંગતાને પોતાની વિશ્વાસુ દાસી સમજીને સાગરિકાની તપાસ માટે મૂકી છે એટલું જ નહિ, પ્રસન્ન થઈને રાણીને પોતાનો જ પહેરવેશ તેને આપ્યો છે, પરંતુ બાજી ઊંધી પડે છે. સુસંગતા તો સાગરિકાને મિલનકાર્યમાં સખ્યભાવ બતાવે છે અને વિદૂષકની યોજનામાં જોડાઈ જાય છે. જોકે નસીબયોગે તેમનો આ છૂપો વાર્તાલાપ રાણીની જ મુખ્ય દાસી કાંચનમાલા સાંભળીને રાણીને વાકેફ કરી દે છે.

હવે મદનાતુર રાજા પ્રવેશ કરે છે. તેઓ વિરહજનોને યોગ્ય કાવ્યાત્મક ઉદગારો દ્વારા પોતાનાં મન, હ્રદયને ઠપકો આપે છે અને વિચારે છે કે કામદેવે પોતાનાં પંચબાણોથી એકસાથે મારા મનને કેવી રીતે વીંધી નાંખ્યું ? આ જ વખતે ત્યાં આવી વિદૂષક પોતાની યોજના સંભળાવી માધવીલતામંડપમાં બંનેના મિલનની આશા વ્યક્ત કરે છે. રાજા આનંદમાં આવી જાય છે. સૂર્યાસ્ત સમયે રાજા અને વિદૂષક લતામંડપમાં આવે છે. પછી રાજાને ત્યાં બેસાડી વિદૂષક દેવીનો વેશ ધારણ કરેલી સગરિકાને લેવા જાય છે. તેને આવતાં મોડું થવાથી રાજા શંકાશીલ બને છે કે કદાચ રાણીને આ વાતની ખબર તો નહિ પડી ગઈ હોય ને ?

હવે, બને એવું કે જ્યારે વિદૂષક ચિત્રશાળાનાં દ્વાર પર સાગરિકાની રાહ જોઈ રહ્યો છે, ત્યારે જ ત્યાં રાણી અને કાંચનમાલાનો પ્રવેશ થાય છે. મૂર્ખ આ બંનેની રાણી તથા કાંચનમાલાનો વેશ ધારણ કરેલ સાગરિકા અને સુસંગતા માની બેસે છે.તેઓનું સ્વાગત કરી રાજા પાસે લઈ જાય છે. વળી, રાજા ‘પ્રિયે સાગરિકે’ એવું સંબોધન પણ કરે છે. રાણી વિચારે છે કે આ પ્રમાણે સાગરિકા માટે કહેનાર રાજા ફરીથી મને પણ  આ જ રીતે સંબોધશે ! કાંચનમાલા તેમને આશ્વાસન આપતાં કહે છે કે, કિં પુન: સાહસિકાનાં પુરૂષાનાં ન સંભાવ્યતે ?’ વસંતક, દેવી વાસવદત્તાનાં કડવાં વેણથી દુ:ખી રાજાને મધુર વચનો સંભળાવવા સાગરિકાને કહે છે, પરંતુ તેને આ વાસવદત્તા છે, એવી જાણ જ નથી, રાજા પણ આ ચંદ્રાનના સાગરિકા છે એમ માની તેને ઉદ્દેશીને કાવ્યમય શ્લોકો બોલવા લાગે છે. આ વખતે ખૂબ જ ગુસ્સે થયેલી રાણી ઘૂંઘટ દૂર કરી પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરે છે. હવે તો રાજા અને વિદૂષકનું જીવવું ભારે પડી જાય છે. વિદૂષક પોતાની ભૂલને ક્ષમ્ય કરવા રાણીને વિનવે છે તથા રાજા પગે પડી ક્ષમા માગે છે, પરંતુ કાંચનમાલાની વાતને પણ ઠુકરાવીને રાણી ત્યાંથી જતી રહે છે. રાણી જતા રહેવાની વિદૂષકને તો હાશ છે, પરંતુ રાજાને બીક છે કે મારી પ્રિય પત્ની કદાચ પ્રાણ પણ ત્યજી દે. વળી, સાગરિકાનું જીવન પણ દુ:ખદ બની જશે. હવે દેવીને પ્રસન્ન કર્યા સિવાય તો તેમની પાસે કોઈ ઉપાય નથી. આ પ્રસંગનું મહત્વ નિમ્નાંકિત છે.

(૧) માધવીલતામંડપનો પ્રસંગ આહલાદક હોવાની સાથે સાથે કરૂણતાની પણ ઊંડી અસર છોડી જાય છે. રાજા તથા વિદૂષકની દશા હાસ્યાસ્પદ બને છે.

(૨) રાજાની આવી દશા થતાં જાણે પ્રિયાના સમાગમ માટે પ્રેક્ષકોની સહાનુભૂતિ મદદરૂપ થશે એવી આકાંક્ષા રાખી શકાય.

(૩) પ્રેમનો પંથ નિષ્કંટક રહે તો તેમાં સુમધુર પુષ્પ ખીલે જ નહિ અથવા વિરહની વેદનામાં અશ્રુજળથી સિંચાયેલી પ્રેમલતા સમાગમરૂપી ઉત્તમ ફળવાળી બને છે.

(૪) અહીં રાજાની દશા મુદ્દામાલ સાથે પકડાયેલ ચોર જેવી છે તેથી પોતાના પ્રેમનો એકરાર નકારી શકે જ નહિ.

(૫) આ પ્રસંગમાં રાણી વાસવદત્તાના જીવનની કરૂણતા પણ વધારે ઘેરી બની છે. રાજાને પણ લાગે છે કે કદાચ તે પ્રાણ પણ ત્યજી દે.

(૬) વિદૂષક પોતે પણ રાજાને મદદ કરવા જતાં રાણીના સકંજામાં સપડાઈ અત્યંત હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાયો છે.

(૭) રાજાના ઉદગાર શ્લોકોમાં કવિત્વશક્તિ જોવા મળે છે.

(૮) કથાનો વેગ ખૂબ જ સરળતાથી, પરંતુ વિવિધ પ્રસંગોની ગૂંથણી દ્વારા આકર્ષક બન્યો છે.

(૯) સાગરિકા વાસવદત્તાની દાસી છે, તેથી આ પ્રસંગે એને પણ ચિંતામાં મૂકી દીધી છે કે રાજા સાથેનું એનું મિલન હવે અશક્ય છે, એમ વિચારી તે આત્મહત્યા કરવા તૈયાર થાય એનું પણ સૂચન થાય છે.

અંતે કહી શકાય કે શ્રીહર્ષો નિપુણ: કવિ: કે જેણે આવી સુંદર વસ્તુગૂંથણી વિવિધ પ્રસંગો દ્વારા કરી છે.


પ્રશ્ન:- ૨ (બ) પૂર્વાપર સંદર્ભ સમજાવો. (ચારમાંથી બે)  (૦૬)

(૧) પ્રિયસખી વિષમં પ્રેમ મરણં શરણં કેવલમ્ I

અનુવાદ:- “હે પ્રિય સખી ! પ્રેમ વિષમ છે. હવે મરણ એ જ શરણ છે.”


(૨) સુસંગતે જ્ઞાયતે પુનરપિ દુષ્ટવાનર એવાગચ્છતિ I

અનુવાદ:- “હે સુસંગતા ! તને ખબર પડે છે ? ફરીથી પેલો દુષ્ટ વાંદરો અહીં જ આવે છે.”


(૩) સખી, દર્શિતં ખલુ મેઘાવિન્યાત્માનો મેઘાવિત્વમ્ I

અનુવાદ:- “હે બહેન, મેધાવિનીએ પોતાની બુધ્ધિમત્તા બતાવી દીધી.”


(૪) એષા ખલ્વપરા દેવી વાસવદત્તા I

અનુવાદ:- “આ તો ખરે જ બીજી દેવી વાસવદત્તા છે.”


(૫) સર્વાકારકૃત્યથ: ક્ષણમપિ પ્રાપ્નોમિ નો નિર્વૃત્તિમ્ I

અનુવાદ:- “સર્વ રીતે દુ:ખી થયેલો ક્ષણ પણ શાંતિ મેળવી શકતો નથી.”


(૬) કિં પુન: સાહસિકાનાં પુરૂષાણાં ન સંભાવ્યતે I

અનુવાદ:- “સાહસિક પુરૂષોને શું સંભવિત નથી ?”





યુનિટ – ૩

(અંક-૪)


પ્રશ્ન:-૩ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

  સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો.

(૧) ચોથા અંકનો પ્રવેશક

જ:- ચોથા અંકમાં એક નાનકડો પ્રવેશક રજૂ કરવામાં આવ્યો છે. પ્રવેશકના આરંભમાં સાગરિકાની પ્રિય સુસંગતા ઉદ્વિગ્ન મને આંસુ સારતી પ્રવેશ કરે છે. તેને ખબર નથી કે સાગરિકા ક્યાં છે. સાગરિકાએ જીવવાની આશા છોડી દીધી છે. તેણે પોતાની કિંમતી રત્નમાળા કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દેવી એમ કહી સુસંગતાને આપી છે. સુસંગતાના હાથમાં રત્નમાળા છે. ગુસ્સે થયેલી રાણીને રાજાએ મનાવી લીધી છે એટલું જ નહિ, વિદૂષકને પણ અન્ન, વસ્ત્ર, આભૂષણથી પ્રસન્ન કરી બંધનમુક્ત કરી દીધો છે.

સુસંગતા દ્વારા જાણવા મળે છે કે રાણીએ સાગરિકાને ઉજ્જયિની લઈ જવાના બહાના હેઠળ ક્યાંક અજ્ઞાત સ્થળે ખસેડી દીધી છે. સુસંગતા સાગરિકાની રત્નમાળા વિદૂષકને આપવાનો વિચાર કરે છે, પણ તે લેવા રાજી નથી, પરંતુ એને જોઈ સ્વામીને સાંત્વન મળશે એવું વિચારી દુ:ખી મને ગ્રહણ કરે છે. સાગરિકાએ પોતે પણ સુસંગતાને માળાના સંદર્ભમાં પૂછવા છતાં હકીકત જણાવી નથી, પણ રત્નમાલા દ્વારા તે કોઈ ઉચ્ચ કુળની હોવી જોઈએ એમ વિદૂષકનું મન કહે છે. અંતે વિદૂષક રાજા પાસે અને સુસંગતા રાણી પાસે જાય છે.

મહત્વ:-

(૧) વાસવદત્તાએ સાગરિકાને ઉજ્જૈન લઈ જવાનું બહાનું બતાવી કોઈ અજ્ઞાત સ્થળે પૂરી દીધી છે.

(૨) સાગરિકાએ હવે જીવવાની આશા છોડી દીધી છે તેથી પોતાની કિંમતી રત્નમાળા કોઈ બ્રાહ્મણને આપી દેવા સુસંગતાને આપી છે.

(૩) સુસંગતા વિદૂષકને માલા આપવા માગે છે. જોકે વિદૂષક એ માટે નારાજગી વ્યક્ત કરે છે, પણ સ્વામીભક્તિ ધ્યાનમાં લેતાં લઈ લે છે. એ જોઈ રાજાનું મન થોડું હળવું થશે એમ માને છે.

(૪) રત્નાવલી અંગેનો કોઈ જવાબ પૂછવા છતાં સાગરિકાએ સુસંગતાને આપ્યો નથી તેથી વિદૂષકનું અનુમાન છે કે આ કન્યા ચોક્કસ ઉચ્ચ કુળની હશે. પાછળથી આ તર્ક સાચો પડે છે.

(૫) રત્નાવલી જ નાયિકાની સાચી ઓળખ માટે પુરવાર થાય છે.

આમ, પ્રવેશકમાં સાગરિકાની કરૂણાવસ્થા, સુસંગતાનો સખીભાવ, વિદૂષકની માનવતા, રાણીની નિષ્ઠુરતા વગેરે પર પ્રભાવ પડે છે.


(૨) ઐન્દ્રજાલિક પ્રસંગ

જ:- વિજયવર્મા. રૂમણ્વાનના કોશલ દેશ પરના વિજય માટે રાજાને અભિનંદનના સમાચાર આપીને જાય છે તે સમયે જ કાંચનમાલા ઐન્દ્રજાલિક (જાદુગર) ને લઈને પ્રવેશ કરે છે. વાસવદત્તા તેને રાજા પાસે લઈ જવા કહે છે. ઐન્દ્રજાલિક સર્વસિધ્ધિ ઉજ્જયિનીથી આવ્યો છે. રાજાને પણ તેનો પ્રયોગ જોવાનું કુતૂહલ છે તેથી તેને પ્રવેશ કરાવે છે. તે પોતાના પ્રયોગથી પૃથ્વી પર ચંદ્ર, આકાશમાં પર્વત, પાણીમાં અગ્નિ, મધ્યાહ્ને સંધ્યા બતાવવા શક્તિ ધરાવે છે. પોતાના ગુરૂમંત્રના પ્રભાવથી ગમે તે વસ્તુ બતાવવાની તેનામાં આવડત છે. આ જાદુગર વાસવદત્તાના દેશનો છે, તેથી રાજા તેને આમંત્રે છે. વિદૂષક રાજાને તેમની શક્તિઓ વિશે સાવધાન કરે છે.

આ સમયે વિક્રમબાહુના મંત્રી વસુભૂતિ અને કંચુકી બાભ્રવ્યનું આગમન થાય છે. આમાં યૌગંધરાયણની જ ચાલ છે. તેમના આવવાના કારણે વાસવદત્તા થોડીવાર ઐન્દ્રજાલિકનો ખેલ અટકાવવા આદેશ આપે છે; કારણ કે તેઓ તેના મામા વિક્રમબાહુના ત્યાંથી આવ્યા છે. જોકે જાદુગર રાજાને કહેતો જાય છે કે, “આપે મારો એક ખેલ અવશ્ય જોવો પડશે.”

મહત્વ:-

(૧) આ પ્રસંગ શ્રીહર્ષદેવનો મૌલિક પ્રસંગ છે.

(૨) રત્નાવલીની ઓળખાણ માટે તે મહત્વનો પુરવાર થાય છે.

(૩) જાદુગર ઉજ્જયિનીથી આવ્યો છે એટલે તે વાસવદત્તાનો વિશ્વાસુ છે.

(૪) વિદૂષકે સાગરિકાને બતાવવાનું સૂચન કર્યું છે. વળી, જાદુગર પણ રાજાને પોતાનો એક ખેલ જોવાની આવશ્યકતા રજૂ કરે છે.

(૫) જાદુગરે સૌપ્રથમ અનેક અદભુત વસ્તુઓ દર્શાવી સાગરિકાને પણ રાજા સમક્ષ પ્રસ્તુત કરે છે.

(૬) અહીં જાદુગરની કલાની ઉત્તમતા જોવા મળે છે.


(૩) વાસવદત્તાનું પાત્ર

જ:- વાસવદત્તા ઉજ્જયિનીના રાજા પ્રદ્યોત મહાસેનની વહાલસોયી પુત્રી અને રાજા ઉદયનની પટરાણી છે. નાટિકામાં તેનો દેવી તરીકે ઉલ્લેખ થયો છે તે દેવી શબ્દને યોગ્ય જ છે, કારણ કે જ્યારે તેને ખાત્રી થાય છે કે સાગરિકા તેના મામાની દીકરી રત્નાવલી છે જ્યારે તે પોતાના હાથે જ રાજાને તેની સોંપણી કરે છે. આ વખતે વસુભૂતિ કહે છે, આયુષ્મતિ, સ્થાને દેવીશબ્દમુદ્વહસિ I

રાજા ઉદયનને માટે પણ તે પ્રિય પત્ની છે, કારણ કે સાગરિકા પ્રત્યે પ્રેમાસક્ત થવા છતાં વાસવદત્તા પ્રત્યેના તેનાં માન, અનુરાગ નષ્ટ થતાં નથી, બંનેનો પ્રેમ જાણ્યા પછી વાસવદત્તા કદાચ આપઘાત કરશે એવા વિચારથી પણ તે ચિંતિત થઈ જાય છે. પ્રથમ અંકના મદનમહોત્સવ પ્રસંગને પણ વધાવી લેતાં તે મદનિકાને કહે છે કે, “ખરેખર રાણી આજ્ઞા કરે છે એમ કહેવું એ જ રમણીય છે.” વાસવદત્તાના અંગસ્પર્શને બિરદાવતાં રાજા જણાવે છે કે, “વાસવદત્તાના હાથનો સ્પર્શ ન પામવાથી બિચારો અનંગ જરૂર પોતાની દેહહીન દશાની નિંદા કરશે.

વાસવદત્તા પતિની ભ્રમરવૃત્તિથી જ્ઞાત છે તેથી સુંદરી સાગરિકાથી તેમને દૂર રાખવાની તકેદારી રાખે છે, જ્યારે એવો પ્રસંગ બને છે ત્યારે તે પોતાના નોકરો પર ગુસ્સે પણ થાય છે. તેને રાજા પર અત્યંત પ્રેમ છે, તોપણ કોઈ બીજી સ્ત્રી પ્રેમની અધિકારીણી બનવા આવે એ રાણી માટે અસહ્ય છે. રાજાની ભોળી વાતોમાં તે આવી જતી નથી. ચિત્રફલક પ્રસંગમાં પણ તે વિદૂષકને સ્પષ્ટ જવાબ આપી દે છે. તેના ગુસ્સામાં વિનય અને નીડરતા છે. તેને વિચાર આવે છે કે, “મેં રાજા પર ગુસ્સો કર્યો એ બરાબર નથી.” આ જ એનું કોમળ, મૃદુ મન છે. એ સરલ, દયાળુ હ્રદયની સ્ત્રી છે તેથી તો વિદૂષકને પણ છોડી દે છે. પ્રસંગોપાત સાગરિકા પર ગુસ્સે તો થઈ છે, પણ સમય આવ્યે સગાં-સ્નેહીઓ પ્રત્યે પણ કઠોર બનતી નથી. જ્યારે અંત:પુરમાં આગ લાગી ત્યારે રડતાં રડતાં સાગરિકાને બચાવવા માટે રાજાને કહે છે. તેના હ્રદયની વિશાળતાનું દર્શન જ્યારે તે સાગરિકા રત્નાવલી છે એવી ખાત્રી થયા પછી સ્વયં રત્નાવલી રાજાને સોંપે છે ત્યારે થાય છે. અહીં તેની દેવી અને પટરાણી તરીકેની ઉજ્જવળ પ્રતિભાનાં દર્શન થાય છે.

સાગરિકા પોતાના મામાની દીકરી, તેની બહેન છે અવી ખાત્રી થતાં તે રાજાને કહે છે કે, “આર્યપુત્ર ! આનું પિયર દૂર છે આથી એની સાથે એવી રીતે રહેજો, જેથી એ પોતાનાં સ્વજનોને યાદ ન કરે.” આમ, નાટિકામાં તેનો વ્યવહાર સુંદર રીતે આલેખાયેલો છે. નાટીકામાં સ્વાભાવિક રીતે તેના હ્રદયની મોટાઈ, ઉદારતા, વાત્સલ્ય, પ્રેમ, ખાનદાની, પ્રેમ અને કર્તવ્યની ઉચ્ચતા જોવા મળે છે.


(૪) સુસંગતાનું પાત્ર

જ:- સુસંગતા રત્નાવલી નાટિકાની નાયિકા સાગરિકાની પ્રિય સખી છે. તે પટરાણી વાસવદત્તાની ચતુર, કર્તવ્યનિષ્ઠ, સહનશીલ, પ્રત્યુત્પન્નમતિ ધરાવતી શ્રેષ્ઠ દાસીઓમાંની એક છે. સાગરિકાની કુલીનતાથી તે તેની પ્રિય સખી તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી શકી છે. રાજા ઉદયન તથા સાગરિકાના પ્રણયસંબંધને જોડવામાં, આગળ વધારવામાં તથા સફળ બનાવવામાં તેનો ઘણો મોટો ફાળો છે. બંને પ્રેમીઓના હ્રદયની પીડા તે સમજી શકે છે તેથી જ રાજાના પ્રિય મિત્ર વિદૂષકને મળી, તેમની યુક્તિ દ્વારા તેઓનું કાર્ય કરવામાં જરાયે પ્રમાદી બનતી નથી.

મદનમહોત્સવ પ્રસંગે રાણીએ સાગરિકાને દૂર રાખી, સારિકાને સાચવવાની જવાબદરી સુસંગતા દ્વારા તેને આપવાનો આદેશ કર્યો છે. આમ, રાણીને પણ તેનામાં વિશ્વાસ છે. સાગરિકા વ્યથિત મને કદલીગૃહમાં જઈ મનને શાંતિ આપવા માટે રાજા ઉદયનનું ચિત્ર ચિત્રફલક પર દોરે છે. થોડીવાર પછી તેને શોધતી સુસંગતા તેની મનોદશા જાણી લઈ સખ્યભાવે સાગરિકાનું ચિત્ર દોરે છે, સાગરિકા બાહ્ય રીતે તેના પર ગુસ્સે થાય છે, પરંતુ સખીનો ભાવ જાણી લઈ લજ્જા અનુભવે છે. સુસંગતા પોતાની ચતુરાઈથી રાજાને સખી સાથે મેળવી આપે છે. પુન: સખીની તીવ્ર વિરહવ્યથાને શાતા મળે તે માટે ખૂબ જ ખુશ થાય છે. તે મશ્કરા સ્વભાવની છે. રાજાને ગભરાયા વગર કહી દે છે કે તેણે ચિત્રફલક દ્વારા બધી જ પરિસ્થિતિ જાણી લીધી છે અને રાજા સાથે તેનું મિલન કરાવી સખીસ્નેહ વ્યક્ત કરે છે.

રાણી વાસવદત્તાએ સાગરિકા પ્રત્યે ચોકીપહેરો કરવાનું કહ્યું છે. પોતાનાં વસ્ત્રો પણ આપે છે, પણ રાણીને વફાદાર ન રહેતાં વિદૂષકની યોજનામાં સામેલ થઈ રાણીનો વેશ સાગરિકાને આપી દે છે, કારણ કે તે સખીનું કામ કરવામાં જ તત્પર છે. પોતાના નામ પ્રમાણે જ ‘સુ’ એટલે સારી રીતે, ‘સંગતા’ એટલે સાથે રહેનારી છે. પાત્ર દાસીનું છે, પણ કથાવસ્તુ સાથે સુસંગત અને સુમેળ સાધનારૂં છે. ચોથા અને છેલ્લા અંકમાં જ્યારે વિદૂષક સાગરિકાની રત્નાવલી ગ્રહણ કરવામાં આનાકાની કરે છે ત્યારે તે વિનંતી સાથે કહે છે: ‘તસ્યા એવાનુગ્રહં કુર્વનમ્ગીકરોત્વેદાર્ય: I’ ટૂંકમાં, એક વફાદાર સખી તરીકે પ્રેક્ષકોના હ્રદયમાં પણ સુસંગતા માનનીય અને આદરપૂર્વક સ્થાન ધરાવે છે.


(૫) રત્નાવલી શીર્ષક

જ:- નાટિકાકાર શ્રીહર્ષરચિત રત્નાવલી નાટિકાનું નામ મુખ્ય નાયિકાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમાં નાયિકા તથા રત્નોની માળા બંને પર પ્રકાશ પડે છે. સિંહલદેશના રાજા વિક્રમબાહુની કન્યાનું નામ રત્નાવલી હતું. આ નાટિકામાં રત્નાવલીની આસપાસ ગૂંથાયેલી પ્રણયકથા હોવાથી રચનાનું નામ પણ ‘રત્નાવલી’ આપવામાં આવ્યું છે. શ્રીહર્ષ નિપુણ કવિ છે તેથી નાટિકાના નામકરણમાં પણ નિપુણતા દ્રષ્ટિગોચર થાય છે. આ નાટીકાના શીર્ષકમાં નાયિકાના નામની સાથે એક મહત્વની ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે. સમગ્ર નાટિકા પસાર થતાં અંતિમ ચોથા અંકના અંતભાગમાં તેનું રત્નાવલી નામ જાણવા મળે છે, તે પણ રત્નોની માળાના આધારે. રત્નાવલીનો નિર્દેશ તો ચતુર અમાત્ય યૌગન્ધરાયણે પ્રથમ અંકમાં પડદો ખૂલતાં જ કર્યો છે કે કૌશામ્બીનો વેપારી રત્નમાળાના ચિહ્નથી રત્નાવલીને ઓળખીને ઉજ્જૈન લાવી યૌગન્ધરાયણને સોંપે છે. રત્નાવલીના પિતાએ પોતાની પુત્રીના ગળામાં આ કિંમતી માળા પહેરાવી, ઉદયનના રાજ્ય તરફ સમુદ્રમાર્ગે મોકલી છે.

નાટિકાના બીજા અંકમાં કવિએ સુંદર શ્લેષ દ્વારા રત્નાવલી શબ્દનો નિર્દેશ સાગરિકા સાથે ઉપમા તરીકે કર્યો છે. રાજાના ઉદગારો છે કે પ્રિયતમા ગળે આલિંગન આપ્યા વિના રત્નાવલીની જેમ હાથમાંથી છટકી ગઈ. આ વખતે રાજાને ખ્યાલ પણ નથી કે સાચે જ નાયિકા રત્નાવલી આ રીતે જતી રહી. આમ, પ્રેક્ષકવર્ગને સમજાવવા માટે લેખકે આ સૂચન કર્યું છે.

તૃતીય અંકમાં સાગરિકા ‘મરણ જ મારે માટે શરણ છે.’ એમ નિરાશ થઈ પોતાની કિંમતી માળા કોઈક યોગ્ય બ્રાહ્મણને ભેટ તરીકે આપવા ઈચ્છે છે. એ માટે વિદૂષકને યોગ્ય માની આપવામાં આવે છે. અનિચ્છા હોવા છતાં “રાજા જોઈને થોડા પ્રસન્ન રહે” એમ વિચારી તે લઈ લે છે. હવે એ જ રત્નમાળા વિદૂષકના ગળામાં વસુભૂતિ તથા બાભ્રવ્યને જોવા મળે છે. થોડીઘણી શંકા તેઓના મનમાં થાય છે, પણ અંતે સાગરિકા જ રત્નાવલી છે એવી નાયિકાની ઓળખાણ થતાં તેઓની શંકા સાચી પડે છે. આમ, નાટિકાનું આ શીર્ષક સમગ્રતયા યથાર્થ પુરવાર થાય છે.


(૬) રત્નાવલીનો હાસ્યરસ

જ:-સંસ્કૃત સાહિયમાં રસનું કાવ્યમાં અત્યંત અગત્યનું સ્થાન છે. તેમાં શૃંગાર, કરૂણ, હાસ્ય, વીર, ભયાનક, રૌદ્ર વગેરે રસને અવકાશ છે. શૃંગાર રસરાજ મનાય છે, જ્યારે જીવનમાં આનંદ ઊપજાવનાર હાસ્યનું મહત્વ ઓછું નથી.

શ્રીહર્ષની રત્નાવલીના બીજા અંકમાં હાસ્યરસને ઉત્પન્ન કરતા અનેક પ્રસંગો પ્રાપ્ત થાય છે. જ્યારે ઘોડારમાંથી વાંદરો છૂટીને નાસે છે, ત્યારે રાજાના ભવનની જે દશા વર્ણવી છે તે ખરે જ હસાવે તેવી છે. (૨/૩) નપુંસકો નાસભાગ કરી રહ્યા છે. ઠીંગુજી ત્રાસનો માર્યો કંચુકીના ઝભ્ભામાં ભરાઈ જાય છે અને કુબ્જા નીચી નમીને ચાલી જાય છે.

વાંદરાના ડરે સાગરિકા અને સુસંગતા સંતાઈ જાય છે. એવામાં ત્યાં આવીને વાંદરો પાંજરામાંથી સારિકાને ઉડાડીને ચાલ્યો જાય છે. ફરીથી કોઈ આવતું જણાય છે ત્યારે સાગરિકા કહે છે કે, “પેલો દુષ્ટ વાંદરો ફરીથી આ બાજુ જ આવે છે.” પણ સુસંગતા કહે છે કે, “આ તો વાંદરો નહિ, પણ વિદૂષક વસંતક છે.” ત્યારે પ્રેક્ષકોમાં હાસ્યનું મોજું ફરી વળે એ સ્વાભાવિક છે.

વિદૂષક સારિકાને બકુલના વૃક્ષ પર બોલતી સાંભળીને ભૂત માની લે છે અને રાજા જ્યારે જણાવે છે કે, “આ ભૂત નહિ સારિકા છે.” ત્યારે ભાઈ વિદૂષક શાણા બનીને કહી દે છે કે, “હે મિત્ર, તમે ડરપોક છો, માટે સારિકાને ભૂત માની બેસો છો.” વિદૂષકની આ ગુલાંટ હાસ્યોત્પાદક છે. સારિકા બોલે છે અને રાજા અને વિદૂષક સાંભળે છે તેમાં કેટલાક રમૂજપ્રદ પ્રસંગો છે. રાજા અને સાગરિકાના મિલન વખતે વિદૂષક બાફી મારે છે કે આ તો બીજી દેવી વાસવદત્તા છે અને બધા નાસભાગ કરે છે.

વાસવદત્તાની હાજરીમાં વિદૂષક નાચવા માંડે છે અને બગલમાં સંતાડેલું ચિત્રફલક વાસવદત્તાના હાથમાં જઈ પડે છે. આ પ્રસંગ પણ હાસ્યોત્પાદક છે. વળી, બચાવમાં જે દલીલો વિદૂષકે રજૂ કરી છે એ પણ પ્રેક્ષકને પેટ પકડીને હસાવે છે. આમ, માર્મિક હાસ્યથી આરંભીને વિદૂષકના છબરડા સુધીમાં હાસ્યરસની ઝલક દેખાય છે, તેમાં હર્ષવર્ધનની નિપુણ કવિ તરીકેની શક્તિનું દર્શન થાય છે.



પ્રશ્ન:- ૩ (બ) શ્લોકનો અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)

  અંક – ૪ શ્લોક નં. ૨, ૩, ૫, ૧૧, ૧૩

(૧) અમ્ભોજગર્ભસુકુમારતનુસ્તથાસૌ

  કણ્ઠગ્રહે પ્રથમરાગધને વિલીય I

  સદ્ય: પતન્મદનમાર્ગણરન્દ્રમાર્ગૈ-

  ર્મન્યે મમ પ્રિયતમા હ્રદયં પ્રવિષ્ટા II (૨)

ભાષાન્તર:- તે કમલના ગર્ભ સમાન સુકુમાર પ્રિયતમા પ્રથમ રાગને કારણે ગાઢ આલિંગનમાં વિશીર્ણ થઈને તત્કાલ પડતાં કામદેવનાં બાણોથી થયેલાં છિદ્રોના માર્ગ દ્વારા મારા હ્રદયમાં પ્રવેશી છે એમ માનું છું.


(૨) પ્રાણા: પરિત્યજત કામમદક્ષિણં માં

  રે દક્ષિણા ભવત મદ્વચનં કુરૂધ્વમ્ I

  શીઘ્ર ન યાત યદિ તન્મુષિતા: સ્થ નૂનં

  યાતા સુદૂરમધુના ગજગામિની સા II (૩)

ભાષાન્તર:- હે પ્રાણો ! અદક્ષિણ એવા મને ત્યજી દો. તમે અનુકૂલ બનો. મારા કહ્યા પ્રમાણે કરો. જો જલ્દી જશો નહિ તો ચોક્કસ લૂંટાઈ જશો, કારણ કે અત્યારમાં તે ગજગામિની ઘણે દૂર નીકળી ગઈ હશે.


(૩) યૌધ્ધું નિર્ગત્ય વિન્ધ્યાદભવદભિમુખસ્તત્ક્ષણં દિગ્વિભાગા-

  ન્વિન્ધ્યેનેવાપરેણ દ્વિપપતિપૃતનાપીડબન્ધેન રૂન્ધન્ I

  વેગાદ્વાણાન્વિમુગ્ચન્સમદકરિઘટોત્પિષ્ટપતીર્નિપત્ય

  પ્રત્યૈચ્છદ્વાગ્છિતાપ્તિદ્વિગુણિતરભસ્તં રૂમણ્વાન્ક્ષણેન II (૫)

ભાષાન્તર:- વિધ્યાચલમાંથી યુધ્ધ કરવા માટે મત્ત હાથીઓની સેનાના આપીડ (ઘન) વ્યૂહરચનાથી, જાણે બીજા વિંધ્યપર્વતથી, દિશાઓને રૂંધતો (તે) તુરંત સન્મુખો આવ્યો. એક ક્ષણમાં, મદમસ્ત હાથીઓની ઘટાથી જેના પદાતિઓ (પગે ચાલતાં સૈનિકો) પિસાતા હતા એવા, વેગથી બાણો છોડતા, (યુધ્ધરૂપી) વાંછિત જેને પ્રાપ્ત થયું છે એવા અને (તેથી જ) બમણા વેગવાળા રૂમણ્વાને પણ ઘસીને તેનો પડકાર કર્યો.


(૪) એષ બ્રહ્મા સરોજે રજનિકરકલાશેખર: શંકરોઅયં

  દોર્ભિદૈત્યાન્તકોઅસૌ સઘનુરસિગદાચક્રચિન્હૈશ્વતુર્ભિ: I

  એષોઅપ્યૈરાવતસ્થસ્ત્રિદશપતિરમી દેવિ દેવાસ્તથાન્યે

  નૃત્યન્તિ વ્યોમ્નિ ચૈતાશ્વલચરણન્નૂપુરા દિવ્યનાર્ય: II (૧૧)

ભાષાન્તર:- આ કમલમાં (બેઠેલા) બ્રહ્મા છે; આ ચંદ્રકલાના શેખર (મસ્તક પરનું આભૂષણ) ધારણ કરવા શિવ છે; આ ધનુષ્ય, ગદા, તલવાર અને ચક્રનાં ચિહ્નોથી યુક્ત ચાર હાથો દ્વારા (સૂચવાતા) વિષ્ણુ છે. વળી, આ ઐરાવત પર આરૂઢ દેવાધિદેવ છે. અને આ બીજા દેવો છે. ચંચલ ચરણૉને કારણે ઝંકાર કરતાં નૂપુરો ધારણ કરતી આ દિવ્ય નારીઓ આકાશમાં નૃત્ય કરે છે.



(૫) વિવૃધ્ધિં કમ્પસ્ય પ્રથયતિતરાં સાધ્વસવશા-

  દવિસ્પષ્ટાં દ્રષ્ટિં તિરયતિતરાં બાષ્પપટલૈ: I

  સ્ખલદ્વણાં વાળીં જઅયતિતરાં ગદ્નદતયા

  જરાયા: સાહાય્યં મમ હિ પારિતોષોઅદ્ય કુરૂતે II (૧૩)

ભાષાન્તર:- ગભરાટને કારણે કંપની વૃધ્ધિને વિશેષ પ્રગટ કરે છે, (હર્ષના) આંસુઓના પટલથી ઝાંખી દ્રષ્ટિ વધારે મંદ બને છે, ગદગદ અવસ્થાને કારણે સ્ખલિત થતી વાણી વિશેષ જડ બને છે. (આમ) મારો (રાજાના મિલનનો) આનંદ (મારી) વૃધ્ધાવસ્થાને ખરેખર સહાય કરે છે. 



યુનિટ – ૪

(સેલ્ફ સ્ટડી)

શ્રી હર્ષની અન્યકૃતિઓ પ્રિયદર્શિકા, નાગાનંદનો પરિચય


પ્રશ્ન:- ૪ સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક) (૧૪)

(૧) પ્રિયદર્શિકા

જ:- પહેલા અંકનું કથાનક:-

‘પ્રિયદર્શિકા’ ના પ્રથમ અંકને ત્રણ દ્રશ્યોમાં વહેંચી શકાય: (૧) પ્રસ્તાવના (૨) વિષ્કંભક અને (૩) મુખ્ય દ્રશ્ય

પ્રસ્તાવનામાં હર્ષ આરંભે બે નાન્દી શ્લોક આપી, “શિવ-પાર્વતી આપણું કલ્યાણ કરો” જણાવી સૂત્રધાર દ્વારા હર્ષ એક નિપુણ કવિ છે, એની ‘પ્રિયદર્શિકા’ નાટિકા વસંતોત્સવ વખતે ભજવવાની છે, એમ જણાવી કવિના જીવનની થોડી માહિતી અને નાટિકાની પણ થોડી પ્રશંસા કરવામાં આવી છે. અલબત્ત, અહીં માત્ર એકલા સૂત્રધારની એકોક્તિ જ છે. પછી પ્રસ્તાવના અને પ્રથમ અંકના મુખ્ય દ્રશ્ય વચ્ચે વિષ્કંભક તરીકે ઓળખાતું એક નાનું દ્રશ્ય આવે છે, જેમાં ફક્ત એક જ પાત્ર છે અને એ બીજું કોઈ નહિ, પણ પ્રિયદર્શિકાના પિતા અંગરાજ દ્રઢવર્માનો કંચુકી વિનયવસુ.

બીજા અંકનું કથાંકનક:-

બીજા અંકની શરૂઆતમાં વસંતક રાજાનો મિત્ર વિદૂષક રજૂ થાય છે. રાણી તરફથી તેને મળનાર સ્વસ્તિવાચનથી ખુશ છે. વ્રતને લીધે વાસવદત્તાના વિરહથી ઉત્કંઠિત રાજાને ઉદ્યાનમાં પ્રવેશતાં જ હરખઘેલો વિદૂષક રાણી પાસેથી મળનારા સ્વસ્તિવાચનના સમાચાર આપે છે. આમ, આ બંને ઉદ્યાનોમાં નૈસર્ગિક દ્રશ્યો નિહાળી પ્રાકૃતિક વર્ણનો કરતા હતા.

ત્રીજા અંકનું કથાનક:-

હવે રાજા ઉદયન આરણ્યકના પુનર્મિલનને ઝંખી રહ્યો છે. આ મિલન માટે વિદૂષક અને મનોરમા નામની વાસવદત્તાની બીજી દાસી એક કપટયુક્તિનું આયોજન કરે છે. મનોરમા આઅણ્યકાની વિશ્વાસુ સખી છે. તેને આરણ્યકાના રાજા સાથેના પુનર્મિલનની જાણ છે. વિદૂષક અને મનોરમાની કપટભરી યોજના આવી હતી. વાસવદત્તાની ધાત્રી જેવી ભગવતી સાંસ્કૃત્યનીએ ઉદયન વાસવદત્તાના પૂર્વજીવન વિશે એક એકાંકી નાટક (ગર્ભનાટક) રચ્યું છે.

ચોથા અંકનું કથાનક:-

ચોથા અંકમાં આવતા પ્રવેશકમાં મનોરમાની એકોક્તિથી સ્પષ્ટ થાય છે કે હજી આરણ્યકાને બંધનમુક્ત કરી નથી. નિરાશાથી આત્મહત્યા કરતી તેને મનોરમાએ બચાવી છે. વિદૂષક માંડ માંડ કેદમાંથી મુક્ત થયો છે.

વાસવદત્તાની માતા અંગારવતીનો પત્ર આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે, “વાસવદત્તાના માસા દ્રઢવર્માને કલિંગરાજે કેદ પકડે એક વર્ષ થયું, પણ ઉદયને કશું કર્યું નથી તે યોગ્ય ન કહેવાય.” આ વાંચી વાસવદત્તાને ઘણું દુ:ખ થયું.

ઉપસંહાર:-

‘પ્રિયદર્શિકા’ હર્ષવર્ધનની પ્રથમ નાટ્યકૃતિ છે, તેથી તે કેટલીક ક્ષતિઓ હોવાથી થોડી ઊતરતી કક્ષાની નાટિકા છે. જોકે રત્નાવલીને હર્ષની સર્વોત્કૃષ્ટ નાટિકા માનવામાં આવે છે. પ્રિયદર્શિકામાં શ્રીહર્ષદેવની કલ્પનાનો પરિચય પ્રાપ્ત થાય છે, તેની શૈલીમાં સાદાઈ છે તે રસનિરૂપણની અદભુત શક્તિ ધરાવે છે. પ્રિયદર્શિકા તેના કાવ્યતત્વથી અલંકૃત જણાવે છે. શ્રી એમ. આર. કાળે પ્રિયદર્શિકાનું મૂલ્યાંકન કરતાં જણાવે છે કે “શૈલી અને સ્વરૂપની સામાન્ય સાદાઈ, કથાવસ્તુના વિકાસમાં રસ જાળવી રાખતા વિવિધ પ્રસંગો અને પરિસ્થિતિઓના સર્જનમાં દર્શાવાયેલે નિપુણતા તેમજ કેટલાંક અસરકારક વર્ણનો નાટિકાને વાંચવી ગમે તેવી બનાવે છે. બેલા બોઝ પોતાનો અભિપ્રાય આપતાં જણાવે છે કે, “પ્રિયદર્શિકા is a light comedy, merry and bright, eminentaly enjoyable.”


(૨) રત્નાવલી

જ:- પહેલા અંકનું કથાનક:-

રત્નાવલી નાટિકાનો પ્રથમ અંક ‘મદનમહોત્સવ’ નામે પ્રચલિત છે. નિયમાનુસાર અંકના આરંભમાં નાન્દીશ્લોક (મંગળશ્લોક) રજૂ થયો છે. તે પછી સૂત્રધાર અને નટીના સંવાદાત્મક સ્વરૂપે અંક શરૂ થાય છે. શ્રીહર્ષો નિપુણ: કવિ: સૂક્તિ પ્રેક્ષકોને નાટિકાની અપૂર્વ વસ્તુરચનાકૌશલ્યની પ્રતીતિ કરાવે છે.

મંત્રી યૌગન્ધરાયણનો મનોરથ પોતાના સ્વામી વત્સરાજ ઉદયનને ચક્રવર્તી રાજા બનાવવાનો છે. વળી, તેને જ્યોતિષીઓ પાસેથી સાંભળવા પણ મળ્યું છે કે સિંહલદેશની રાજકન્યા રત્નાવલી સાથે જે લગ્ન કરે તે આ પદને પ્રાપ્ત કરશે.

બીજા અંકનું કથાનક:-

આ અંકનું નામ ‘કદલીગૃહ’ છે. હવે પ્રિયના વિરહમાં સાગરિકા કામવિહવળ છે. તેથી તે પોતાના મનની શાંતિ માટે ચિત્ર ચીતરવાની સામગ્રી સાથે કદલીગૃહમાં આવી છે. ત્યાં ચિત્રફલા પર પીછીંથી તે પ્રિયતમનું ચિત્ર દોરે છે. એટલામાં સખીને શોધતી શોધતી સુસંગતા સાગરિકાના પિંજર સાથે ત્યાં આવે છે. સાગરિકા દ્વારા દોરાયેલ રાજાનું ચિત્ર જોઈ તેને બધું સમજાઈ જાય છે.

ત્રીજા અંકનું કથાનક:-

ત્રીજા અંકને ‘સંકેત’ નામ નાટ્યકારે આપ્યું છે. પ્રેમનો રોગ કેટલો અસહ્ય છે તે બંને પ્રણયી પાત્રોની પરિસ્થિતિ દ્વારા જણાય છે. સાગરિકાએ રાજાને પ્રથમ દ્રષ્ટિથી જોતાં જ પોતાનું હ્રદય આપી દીધું છે. રાજાએ પણ જ્યારથી સાગરિકાને જોઈ છે ત્યારથી તેને મેળવવા માટે પ્રયત્નશીલ છે. પ્રેમનો વિરહ શારીરિક અને માનસિક બંને રીતે સંતાપ આપે છે.

ચોથા અંકનું નાટક:-

નાટકકાર શ્રીહર્ષદેવ ચોથા અંકનું નામ ‘ઐન્દ્રજાલિક’ રાખ્યું છે.

સુસંગતા સખી સાગરિકાની આવી વિકટ પરિસ્થિતિથી ખૂબ જ દુ:ખી અને ચિંતિત છે. વળી, વિદૂષકને એણે જણાવ્યું કે સાગરિકાને કોઈ અજાણ્યા સ્થળે મોકલી દેવામાં આવી છે અને દુ:ખી સાગરિકા પોતાના જીવનથી ખૂબ જ નિરાશ થઈ ગઈ છે. એણે મરતાં પહેલાં પોતાની કિંમતી રત્નમાળા કોઈ યોગ્ય બ્રાહ્મણને આપી દેવા સુસંગતાને આપી છે તેથી વિદૂષકને જોઈને સુસંગતા કહે છે કે, “હું યોગ્ય બ્રાહ્મણની શોધમાં જ છું. તમે એને માટે યોગ્ય જ છો, તેથી તેનો સ્વીકાર કરો.” વિદૂષક કમને અનિચ્છાથી રત્નમાળા સ્વીકારે છે, કારણ કે રત્નમાળા જોઈને પણ રાજા થોડા આશ્વસ્ત થાય, એમ તે માને છે. રાજા વિદૂષકને રત્નમાળા સાથે જુએ છે અને સાગરિકાની ખૂબ જ ચિંતા કરે છે. એટલામાં જ વત્સરાજનાં મુખ્ય પ્રધાન રૂમણ્વાનનો ભાણેજ વિજયવર્મા આવીને સમાચાર આપે છે કે રૂમણ્વાને કોસલદેશ પર વિજય મેળવ્યો છે.

આમ, રાણીએ આપેલા પરિચયના કારણે તથા વિદૂષકના ગળામાં રહેલી રત્નમાળાના કારણે રત્નાવલીની ઓળખ થાય છે. આ વખતે જ યૌગન્ધરાયણ રાજસભામાં હાજર થાય છે અને પોતે પોતાના સ્વામીના ચક્રવર્તીપણા માટે આયોજિત પોતાની યુક્તિ બદલ રાજાની માફી માંગે છે. હવે, જ્યારે વાસવદત્તાએ ‘રત્નાવલી પોતાની બહેન (મામાની દીકરી) છે’ એમ જાણ્યું ત્યારે તે ખૂબ ખુશ થઈ તેને ભેટી પડે છે અને પોતાનાં જ ઘરેણાંથી સુશોભિત કરી રાજા ઉદયનને પત્ની તરીકે સ્વીકારવા કહે છે. આમ, દેવી વાસવદત્તા પોતાનું પદ સાર્થક કરે છે. રાજા ઉદયન પણ રત્નાવલી (સાગરિકા) નો સહર્ષ સ્વીકાર કરે છે. આમ, નાટિકાનો ચોથો અંક અને નાટિકા સમાપ્ત થાય છે.


(૩) નાગાનંદ

જ:- શ્રીહર્ષદેવ – સમ્રાટ હર્ષવર્ધનની ત્રણ નાટ્યકૃતિઓ છે: (૧) પ્રિયદર્શિકા (૨) રત્નાવલી અને (૩) નાગાનન્દ. ‘પ્રિયદર્શિકા’ અને ‘રત્નાવલી’ એ બે નાટીકાઓ છે; જ્યારે ‘નાગાનન્દ’ નાટક છે. ‘નાગાનન્દ’ એ હળવી રોમાંચક પ્રણયનાટિકાઓ કરતાં અલગ પ્રકારનું ગંભીર સ્વરૂપનું નાટક છે. આ નાટક વિદ્યાધર જાતકકથા પર આધારિત છે, જેમાં મુખ્યત્વે વિદ્યાધરોના રાજા જીમૂતવાહનના આત્મબલિદાનનું વર્ણન છે.

નાગાનન્દનું અંકવાર કથાનક:-

નાગાનન્દ પાંચ અંકનું નાટક છે. આ નાટકના પૂર્વ ભાગમાં (અંક ૧ થી ૩ માં) વિદ્યાધર રાજકુમાર જીમૂતવાહન અને સિધ્ધ્કન્યા મલયવતીની પ્રણયકથા છે, જ્યારે નાગાનન્દના ઉત્તરાર્ધમાં (અંક ૪ અને ૫ માં) શંખચૂડ સર્પને બદલે જીમૂતવાહનના આત્મબલિદાનની કથા છે.

પહેલા અંકનું કથાનક:-

આ નાટકનો નાયક જીમૂતવાહન વિદ્યાધરોનો રાજા છે. તેના પિતા જીમૂતકેતુની ઈચ્છા તેના પુત્ર જીમૂતવાહનને રાજગાદી સોંપી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાની હતી. પિતાને માટે યોગ્ય સ્થાનની તપાસ કરતાં જીમૂતવાહન મલય પર્વત પર આવે છે. ત્યાં સિધ્ધોના રાજા મિત્રાવસુ સાથે તેની મૈત્રી થાય છે.

બીજા અંકનું કથાનક:-

કામથી પીડાતી મલયવતી બાગમાં એક શિલાપટ પર બેઠી હોય છે. તે કંઈક અવાજ સાંભળતાં ચાલી જાય છે. એટલે તેના જેટલી જ કામપીડા અનુભવતો રાજા ત્યાં આવે છે. તે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને પોતાની કલ્પનાઓનું ચિત્ર આલેખે છે.

ત્રીજા અંકનું કથાનક:-

રમૂજી પ્રવેશક પછી પ્રેમીયુગલ પ્રમદવનમાં આનંદ કરતું ફરતું હોય છે. અહીં શત્રુઓએ તેનું રાજ્ય ઝૂંટવી લીધુ છે તેવા સમાચાર જીમૂતવાહનને મળે છે. તે આ સમાચારને હર્ષથી વધાવી લે છે.

ચોથા અંકનું કથાનક:-

છેલ્લા બે અંકમાં વિષય બદલાય છે. એક દિવસ જીમૂતવાહન મિત્રાવસુ સાથે સમુદ્રકિનારે ફરતા હોય છે તેવામાં હાડકાંનો એક ઢગલો તેની નજરે પડે છે. તપાસ કરતાં ખબર પડે છે કે રોજ ગરૂડને સર્પોની ભેટ ચઢાવવામાં આવતી હતી અને તેના હાડકાંઓનો બે ઢગલો હતો. આ જાણીને જીમૂતવાહનને દુ:ખ થાય છે. તે મિત્રાવસુને છોડીને બલિદાનના સ્થાન ઉપર પહોંચી જાય છે.

પાંચમા અંકનું કથાનક:-

જીમૂતવાહનના મુકુટમાંથી પડી ગયેલો મણિ તેનાં માતાપિતા અને પત્નીના હાથમાં આવે છે. જીમૂતવાહન પાછો ન આવ્યો હોવાથી તેના પિતા ચિંતાતુર બની તેની શોધ કરવા નીકળી પડે છે. શંખચૂડ મંદિરમાંથી બહાર આવીને જુએ છે તો બલિદાન થઈ ગયું હોય છે. તે ગરૂડને તે કરેલા અપરાધથી વાકેફ કરે છે. ગરૂડને પશ્વાતાપ થાય છે.

ઉપસંહાર:-

શ્રીહર્ષદેવ જીવનની ઉત્તરાવસ્થામાં બૌધ્ધધર્મ અંગીકાર કર્યા પછી ‘નાગાનન્દ’ નાટકની રચના કરી છે, તેથી આ નાટકમાં તેમનું જીવન પરત્વેનું ગંભીર દર્શન દ્રષ્ટિગોચર થાય છે, આ નાટકમાં ભવ્ય આત્મસમર્પણ અને પરોપકારની ભાવના સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ નાટકમાં બૌધ્ધ ધર્મના સંસ્કાર નજરે પડે છે. સંસ્કૃત સાહિત્યમાં દયાવીર રસને નિરૂપતું આ નાટક આગવી છાપ દર્શાવે છે. આ નાટકમાં હર્ષે વૈદિક અને બૌધ્ધ ધર્મનો સુંદર સમન્વય કર્યો છે.


પ્રશ્ન:- ૫ MCQ હેતુલક્ષી પ્રશ્નો

ટૂંકા પ્રશ્નોના જવાબ લખો.

ખાલી જગ્યા પૂરો.

યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જોડકાં જોડો.

(અ) (૦૮)

(બ) (૦૬)


(૧)  હર્ષવર્ધનના જીવન વિશેની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે?

ઉત્તર: હર્ષવર્ધનના જીવન વિશેની માહિતી તેમની ત્રણ નાટ્યકૃતિઓ (પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનન્દ)ની પ્રસ્તાવનામાંથી, બાણભટ્ટરચિત હર્ષચરિતમાંથી તેમજ ચીની યાત્રી હ્યુ-એન-સંગની નોંધમાંથી પ્રાપ્ત થાય છે.

 

(૨)  હર્ષવર્ધનનાં માતાપિતાનું નામ જણાવો.

ઉત્તર: હર્ષવર્ધનનાં માતાનું નામ યશોમતી અને પિતાનું નામ પ્રભાકરવર્ધન હતું.


(૩)  હર્ષવર્ધને કેટલી નાટ્યકૃતિઓની રચના કરી છે? કઈ કઈ? 

ઉત્તર: હર્ષવર્ધને ત્રણ નાટ્યકૃતિઓની રચના કરી છે: (૧) પ્રિયદર્શિકા (૨) રત્નાવલી અને (૩) નાગાનન્દ.


(૪)  રત્નાવલીનો સાહિત્યપ્રકાર જણાવો. તેના કેટલા અંકો છે? 

ઉત્તર: રત્નાવલી ‘નાટિકા’ પ્રકારનું ઉપરૂપક છે. તેના ચાર અંકો છે.


(૫)  રત્નાવલીની નાન્દીમાં કયા દેવની સ્તુતિ કરવામાં આવી છે? 

ઉત્તર: રત્નાવલીની નાન્દીમાં ભગવાન શિવની સ્તુતિ કરવામાં આવી છે.


(૬)  રત્નાવલીના મુખ્ય નાયક અને મુખ્ય નાયિકા કોણ છે? 

ઉત્તર:  રત્નાવલીના મુખ્ય નાયક વત્સદેશના રાજા ઉદયન અને મુખ્ય નાયિકા સિંહલનરેશની પુત્રી સાગરિકા (રત્નાવલી) છે.



(૭)  સિધ્ધપુરુષે યૌગન્ધરાયણને કયું વચન આપ્યુ હતું?

ઉત્તર: સિધ્ધપુરુષે યૌગન્ધરાયણને વચન આપ્યુ હતું કે ઉદયનના લગ્ન સિંહલનરેશની પુત્રી સાથે થશે.


(૮)  મદનપૂજા સમયે વાસવદત્તા કોને અને કયા બહાને દૂર કરે છે? 

ઉત્તર: મદનપૂજા સમયે વાસવદત્તા સાગરિકાને સારિકાની દેખરેખ રાખવાના બહાને દૂર  કરે છે.

 

(૯)  સાગરિકા ચિત્રફલક પર કોનુ ચિત્ર દોરે છે અને સુસંગતા તેની બાજુમાં કોનું ચિત્ર દોરે છે? 

ઉત્તર: સાગરિકા ચિત્રફલક પર રાજા ઉદયનનું ચિત્ર દોરે છે. સુસંગતા તેને આ કોનું ચિત્ર છે તેમ પૂછે છે ત્યારે સાગરિકા જણાવે છે કે આ ચિત્ર મદનમહોત્સવમાં ભગવાન કામદેવનું છે. તેથી સુસંગતા ઉદયનરૂપી રતિનું ચિત્ર દોરે છે. 


(૧૦)  સુસંગતાને કોની બીક લાગે છે? શા માટે? 

ઉત્તર: સુસંગતાને મેધાવીની સારિકાની બીક લાગે છે, કારણકે તે સાગરિકા સુસંગતાની વાતચીતમાં થયેલી સાગરિકાના રાજા ઉદયન પ્રત્યેના પ્રણયની વાત જાહેર કરી દેશે.


(૧૧)  રાજા અને વિદૂષક કોની પાસેથી શું સાંભળે છે? 

ઉત્તર: રાજા ઉદયન અને વિદૂષક વસંતક સારિકાના મુખેથી બંને સખીઓ (સાગરિકા અને સુસંગતા)નો વાર્તાલાપ સાંભળે છે. 


(૧૨)  ઉદયન અને સાગરિકાનું મિલન ક્યાં, કોના દ્વારા અને કેવી રીતે થાય છે? 

ઉત્તર:  ઉદયન અને સાગરિકાનું મિલન સુસંગતા દ્વારા ચિત્રફલક લેવાને બહાને કદલીગૃહમાં જાય છે. 


(૧૩)  વાસવદત્તા કદલીગૃહમાં શા માટે આવે છે? 

ઉત્તર: વાસવદત્તા પોતાની દાસી કાંચનમાલા સાથે અકાળે પુષ્પિત થયેલી રાજાની માનીતી નવમાલિકાને જોવા માટે આવે છે.

 



(૧૪)  વિદૂષક અને સુસંગતાની યોજના કેવી છે? 

ઉત્તર: વિદૂષક અને સુસંગતાની યોજના પ્રમાણે સાગરિકા રાણી વાસવદત્તાના વેશમાં અને સુસંગતા દાસી કાંચનમાલના વેશમાં ચિત્રશાળાના દ્વાર પાસે આવશે અને ત્યાંથી વિદૂષક તેને માધવીલતામંડપમાં લઈ જઈને રાજા ઉદયન અને સાગરિકાનું મિલન કરાવશે. 




(૧૫)  રાજા અને સાગરિકાના મિલનની યોજનામાં કેવી રીતે વિઘ્ન આવે છે?

ઉત્તર: વાસવદત્તાની દાસી કાંચનમાલાને આ યોજનાની જાણ થતાં તે રાણી વાસવદત્તાને આ માહિતી આપે છે. તેથી રાણી વાસવદત્તા સાગરિકા અને સુસંગતા  માધવીલતામંડપમાં આવે તે પહેલાં ઘૂંઘટમાં છુપાઈને ત્યાં પહોંચી જાય છે.

 


(૧૬)  સાગરિકા શા માટે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે?

ઉત્તર: રાણી વાસવદત્તા સંકેતવૃત્તાંત જાણી ગઈ છે. તેથી રાણીથી પરાભવ પામવા કરતાં જીવનનો અંત લાવવો વધુ સારો, એમ માનીને સાગરિકા આત્મહત્યા કરવાનો વિચાર કરે છે.


(૧૭)  મૃત્યુ પામવા જતી સાગરિકાને કોણ જુએ છે? તે કોને બોલાવે છે? 

ઉત્તર:   મૃત્યુ પામવા જતી સાગરિકાને વિદૂષક જુએ છે અને તે મદદ માટે રાજા ઉદયનને બોલાવે છે. 


(૧૮)  સુસંગતા સાગરિકાની રત્નમાળા કોને આપે છે?

ઉત્તર: સુસંગતા સાગરિકાની રત્નમાળા યોગ્ય બ્રાહ્મણ એવા વિદૂષક વસંતકને આપે છે.


(૧૯)  વિજયવર્મા કોણ છે? તે રાજાને કયા સમાચાર આપે છે?

 ઉત્તર: વિજયવર્મા રુમણ્વાનની બહેનનો પુત્ર છે. તે રાજાને સમાચાર આપે છે કે રુમણ્વાને કોસલદેશ પર વિજય પ્રાપ્ત કર્યો છે.

     

(૨૦)  રાજા ઐન્દ્રજાલિકનો ખેલ જોવા કોને બોલાવે છે? શા માટે? 

ઉત્તર:  રાજા ઐન્દ્રજાલિકનો ખેલ જોવા વાસવદત્તાને બોલાવે છે, કારણ કે ઐન્દ્રજાલિક ઉજ્જયિનીનો છે.

 

(૨૧)  વિદૂષકના ગળામાં રત્નમાળા જોઇને વસુભૂતિને શી શંકા થાય છે? 

ઉત્તર: વિદૂષકના ગળામાં રત્નમાળા જોઇને વસુભૂતિને શંકા થાય છે કે “આ રત્નાવલીની (એટલે કે સાગરિકાની) જ માળા હોવી જોઇએ.”


(૨૨)  બાભ્રવ્યના સૂચનથી વસુભૂતિ રાજાનો શું જણાવે છે? 

ઉત્તર: બાભ્રવ્યના સૂચનથી વસુભૂતિ રાજા ઉદયનને જણાવે છે કે “વાસવદત્તા બળી ગઈ છે.” એ સાંભળીને સિંહલરાજે પોતાની પુત્રીનું માંગું કરનાર રાજાને તેનું વાગ્દાન કર્યું હતું. તેને વત્સદેશ મોકલતી વખતે નૌકાભંગ થતાં તે દરિયામાં ડૂબી  ગઈ.


(૨૩)  અંત:પુરમાં લાગેલી આગથી વિચલિત થયેલી રાણી વાસવદત્તા રાજાને શું કહે છે? 

ઉત્તર: અંત:પુરમાં લાગેલી આગથી વિચલિત થયેલી રાણી વાસવદત્તા રાજા ઉદયનને કહે છે કે, “જંજીરોથી જકડાયેલી સાગરિકાને આ આગથી બચાવો.”

 

(૨૪)  વસુભૂતિને આ સિંહલકન્યા રત્નાવલી જ છે એવી ખાતરી કેવી રીતે થાય છે?

ઉત્તર: વસુભૂતિને વિદૂષક વસંતકના ગળામાં રહેલી રત્નામાળા દ્વારા તેમજ આ કન્યા સમુદ્રમાંથી પ્રાપ્ત થઈ છે એ વાતની જાણકારી દ્વારા ખાતરી થાય છે કે આ સિંહલકન્યા રત્નાવલી જ છે.


(૨૫)  સાગરિકાની ઓળખ થતાં વાસવદત્તા શું કરે છે? 

ઉત્તર: સાગરિકા પોતાના મામા સિંહલરાજાની પુત્રી રત્નાવલી છે અને તે પોતાની બહેન છે એ જાણીને વાસવદત્તા તેને ભેટીને આશ્વાસન આપે છે.

 

(૨૬)  રત્નાવલીની ઓળખ થયા પછી કોણ પ્રવેશ કરે છે? 

ઉત્તર: રત્નાવલીની અસલ ઓળખ થયા પછી અમાત્ય યૌગાન્ધરાયણ પ્રવેશ કરે છે.


(૨૭)  હર્ષવર્ધન ઉપર કયા બે મહાકવિઓની અસર જોવા મળે છે? 

ઉત્તર: હર્ષવર્ધન ઉપર ભાસ અને કાલિદાસની અસર જોવા મળે છે.

 

(૨૮)  રત્નાવલી નાટિકાનો પ્રધાન રસ કયો છે? 

ઉત્તર: રત્નાવલી નાટિકાનો પ્રધાન રસ શ્રૃંગાર છે. 




બહુવૈકલ્પિક પ્રશ્નોના ઉત્તરો


નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:

(૧) હર્ષવર્ધનના પિતાનું નામ....................હતું.

    (રાજ્યવર્ધન / આદિત્યવર્ધન / પ્રભાકરવર્ધન)

 

(૨) હર્ષવર્ધનના માતાનું નામ....................હતું.

    (વસુમતી / યશોમતી / રાજશ્રી)

 

(૩) શ્રી હર્ષદેવનાભાઈનું નામ.....................હતું.

    (રાજ્યવર્ધન / આદિત્યવર્ધન / નરવર્ધન) 


(૪) હર્ષવર્ધનની બહેનનું નામ..................હતું.

    (લક્ષ્મી / વનશ્રી / રાજ્યશ્રી


(૫) હર્ષવર્ધન ઈ.સ. ..................માં રાજગાદી પર બેઠો.

    (૫૩૬ / ૬૦૬ / ૬૪૭) 


(૬) હર્ષવર્ધને.................નાટ્યકૃતિઓની રચના કરી છે. 

    (૨ / / ૫) 


(૭) હર્ષવર્ધને...................નાટિકાઓની  રચના કરી છે. 

    (૧ / / ૪)


(૮) રત્નાવલી ...............અંકોની નાટિકા છે.

    (૩ / / ૫) 


(૯) રત્નાવલી................છે. 

    (નાટક / ત્રોટક / નાટિકા)


(૧૦) રત્નાવલીનું કથાનક.................પર આધારિત છે.

     (રામાયણ / મહાભારત / ઉદયનકથા


(૧૧) રત્નાવલીનો મુખ્ય રસ............છે.

      (કરુણ / શૃંગાર / વીર)


(૧૨) હર્ષવર્ધનની શૈલી.................છે.

     (વૈદર્ભી / ગૌડી / પાંચાલી)


(૧૩) ‘રત્નાવલી’ની નાન્દીમા................દેવની સ્તુતિ રજૂ થઈ છે.

      (શિવ / વિષ્ણુ / બ્રહ્મા)


(૧૪) રત્નાવલીનો મુખ્ય નાટક............છે. 

     (ઉદયન / યૌગન્ધરાયણ / હર્ષવર્ધન) 


(૧૫) રત્નાવલીનો નાયક ઉદયન..................પ્રકારનો નાયક / રાજા છે. 

      (ધીરગંભીર / ધીરોદત્ત / ધીરલલિત)


(૧૬) રત્નાવલીની મુખ્ય નાયિકા.................છે. 

      (વાસવદત્તા / સુસંગતા / સાગરિકા)


(૧૭) ઉદયન રાજાની પટરાણી.............છે.

      (વાસવદત્તા / સુસંગતા / નિપુણિકા)


(૧૮) ઉદયનનો પ્રધાન અમાત્ય………..છે. 

      (રુમણ્વાન / યૌગન્ધરાયણ / વિજયવર્મા)


(૧૯) વિદૂષકનું નામ...................છે.

      (માણવક / ગૌતમ / વસંતક)


(૨૦) વિજયવર્મા................છે.

      (રાજકુમાર / અમાત્ય / સેનાપતિ)



(૨૧) સાગરિકા (રત્નાવલી) સિંહલનરેશ..................ની પુત્રી છે.

      (વિક્રમબાહુ / વિજયવર્મા / રુમણ્વાન) 


(૨૨)...................સાગરિકાની સખી છે.

      (નિપુણિકા / મદનિકા / સુસંગતા)



(૨૩) મેધાવિની સારિકા...........છે.

      (દાસી / રાજકુમારી / પક્ષી)


(૨૪) મદનમહોત્સવ પ્રસંગ............અંકમાં આવે છે.

      (પ્રથમ / દ્વિતીય / ચતુર્થ)


(૨૫) રત્નાવલીના બીજા અંકનું નામ..............આપ્યુ છે.

      (મદનમહોત્સવ / કદલીગૃહ / ઐન્દ્રજાલિક)



(૨૬) ‘સાગરિકાનો આત્મહત્યાનો પ્રયાસ’ રત્નાવલીમાં...................અંકમાં આવે છે. 

     (પ્રથમ / દ્વિતીય / તૃતિય)


(૨૭) હર્ષવર્ધને રત્નાવલીના ચોથા અંકનું નામ.............આપ્યું છે.

     (મદનમહોત્સવ / કદલીગૃહ / ઐન્દ્રજાલિક)


(૨૮) બાભ્રવ્ય................છે.

      (સૂત્રધાર / કંચુકી / સેનાપતિ)


(૨૯) ....................આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે.

      (વાસવદત્તા / સાગરિકા / સુસંગતા)


(૩૦) વિજયવર્મા રાજાને...................ઉપર વિજયના સમાચાર આપે છે.

       (સિંહલદ્વીપ / કોસલદેશ / મગધદેશ) 


સાચાં કે ખોટા વિધાનોની ઓળખ


(૧) ચીની યાત્રી હ્યુ-એન-સંગે શ્રીહર્ષદેવ વિશે માહિતી આપી છે.     (સાચું)

(૨) હર્ષવર્ધન વિશેની માહિતી તેનાં ત્રણ નાટકોની પ્રસ્તાવનામાંથી મળે છે.        (સાચું)

(૩) હર્ષના જીવનચરિત્રની માહિતી બાણભટ્ટરચિત ‘હર્ષચરિત’માંથી પણ પ્રાપ્ત થાય છે.(સાચું) 

(૪) હર્ષવર્ધનનો રાજ્યકાળ ઈ.સ. ૬૦૬ થી ૬૩૬ સુધીનો હતો.     (ખોટું) 

(૫) હર્ષવર્ધન સ્થાણ્વીશ્વરના મહારાજાનો પુત્ર હતો.     (સાચું)

(૬) હર્ષવર્ધને પાંચ નાટ્યકૃતિઓની રચના કરી છે.       (ખોટું)

(૭) ‘રત્નાવલી’નું સાહિત્યસ્વરૂપ નાટક છે.     (ખોટું)

(૮) રત્નાવલીની મુખ્ય નાયિકા વાસવદત્તા છે.     (ખોટું)

(૯) સાગરિકા (રત્નાવલી) વાસવદત્તાની બહેન છે.     (સાચું)

(૧૦) વાસવદત્તા ભગવાન શિવની પૂજા કરે છે.     (ખોટું)

(૧૧) મેધાવિની સાગરિકાની દાસી છે.     (ખોટું)

(૧૨) રત્નાવલીના પ્રથમ અંકમાં મદનમહોત્સવ પ્રસંગ આવે છે.     (સાચું)

(૧૩) રત્નાવલીના બીજા અંકમાં ઐન્દ્રજાલિક પ્રસંગ આવે છે.     (ખોટું)

(૧૪) યૌગન્ધરાયણ રાજા ઉદયનનો અમાત્ય છે.          (સાચું)

(૧૫) સુસંગતા સાગરિકાની સખી છે.     (સાચું) 


યોગ્ય જોડકાં

જોડકા જોડો:

(અહીંયોગ્ય રીતે જોડેલાં જોડકાં આપ્યાં છે.)

     વિભાગ “અ”       વિભાગ “બ” 

(૧) શ્રીહર્ષદેવ: (૧) પરમમહેશ્વર:

(૨) શ્રીહર્ષ: (૨) નિપુણો કવિ:

(૩) રત્નાવલી (૩) નાટિકા

(૪) નાગાનન્દ (૪) નાટક

(૫) ઉદયન: (૫) વત્સરાજ:

(૬) વિદૂષક: (૬) વસન્તક:

(૭) યૌગન્ધરાયણ: (૭) અમાત્ય:

(૮) વિજયવર્મા (૮) રુમણ્વતો ભગિનેય:

(૯) બાભ્રવ્ય (૯) રાજાનો કંચુકી

(૧૦) વસુભુતિ (૧૦) સિંહલદેશના રાજાનો મંત્રી

(૧૧) એન્દ્રજાલિકા: (૧૧) જાદુગર

(૧૨) રત્નાવલી (૧૨) સાગરિકા

(૧૩) રત્નાવલી (૧૩) સિંહલનરેશની પુત્રી

(૧૪) વાસવદત્તા (૧૪) રાજા ઉદયનની પટરાણી

(૧૫) સુસંગતા (૧૫) સાગરિકાની સખી 

(૧૬) કાંચનમાલા (૧૬) વાસવદત્તાની દાસી

(૧૭) વસુંધરા (૧૭) પ્રતિહારી

(૧૮) વિક્રમબાહુ (૧૮) રત્નાવલીનો પિતા

(૧૯) વિક્રમબાહુ (૧૯) સિંહલદેશનો રાજા

(૨૦) મેધાવિની (૨૦) સારિકા

(૨૧) મદનમહોત્સવ: (૨૧) પ્રથમોઅંક:

(૨૨) કદલીગૃહ: (૨૨) દ્વિતીયોઅંક:

(૨૩) સંકેત: (૨૩) તૃતિયોઅંક:

(૨૪) એન્દ્રજાલિકા: (૨૪) ચતુર્થોઅંક:

(૨૫) એન્દ્રજાલિકા: (૨૫) સર્વાર્થસિદ્ધિ:



બીજા પ્રશ્નો:-

(૧) ઉદયનનું પાત્ર

જ:- રત્નાવલીનો નાયક:-

શ્રીહર્ષની રત્નાવલી નામની નાટિકામાં વત્સદેશનાં રાજા ઉદયનને નાયક તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રાજા ઉદયનનું ચરિત્ર જગતમાં મનુષ્યોના મનનું હરણ કરનારૂં છે. (લોકે હારિ ચ વત્સરાજચરિતમ્ I રત્નાવલી: ૧/૫) મહાકવિ ભાસે તેના ચરિત્રને આધારે બે નાટકો લખ્યાં છે.

ઉદયનનું પાત્ર:-

નમ્ર, મધુરભાષી, હોશિયાર, પવિત્ર, પ્રેમાર્દ્ર, ધીરલલિત વગેરે ગુણો ધરાવનાર રાજા ઉદયન સંગીત વગેરે કળાઓમાં પણ નિપુણ છે. યૌગન્ધરાણના મતે તે સાક્ષાત કામદેવ છે. તેના રાજ્યમાં લોકો સુખી છે. નગરજનોને ધ્યાનમાં રાખી તેના રાજ્યમાં અનેક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે અને પોતે પણ સહભાગી બને છે. પોતાની રાણી હોવા છતાં અન્ય સુંદરી તરફ આકર્ષાતાં તે અચકાતો નથી.

રાજા ઉદયન પોતાની ફરજો તથા કર્તવ્યોથી સભાન છે. તે દુશ્મનોના ઉમદા ગુણોને પણ બિરદાવે છે. તેના મંત્રીઓ તેના પ્રત્યે વફાદાર છે, રાજા ઉદયન પ્રકૃતિપ્રેમી છે. વસંતઋતુના રમ્ય વાતાવરણમાં તેની કવિત્વશક્તિ પ્રવાહી બની જાય છે. તે મણિ તથા ઔષધિઓના પ્રભાવમાં વિશ્વાસ ધરાવે છે, એની પ્રેતીતિ શ્રીખંડદાસ તથા જાદુગરના પ્રસંગ દ્વારા જાણવા મળે છે. ચિત્રફલક પ્રસંગ દ્વારા ગુસ્સે થયેલી રાણીને મનાવવાનો પ્રયત્ન કરતો તે દક્ષિણ નાયકનું સ્થાન પ્રાપ્ત કરે છે. ઉદયન સેવકોનો યોગ્ય સત્કાર કરે છે, જેનું ઉદાહરણ છે વિજયવર્માએ આપેલા શુભ સમાચાર માટે ઈનામ આપવા માટે યૌગન્ધરાયણને આદેશ આપે છે. લેખકે ઉદયન માટે ‘ચંદ્રવપુ: નરેન્દ્રચન્દ્ર:’ એવા શબ્દો પ્રયોજ્યા છે.

ઉદયન પ્રેમાળ પતિ છે, કારણ કે પોતાની પ્રિય પત્ની વાસવદત્તા પ્રત્યેનો પ્રેમ હ્રદયના ઊંડાણમાંથી વ્યક્ત થાય છે. રાણીને જોતાં તે તેનું કાવ્યમય વર્ણન કરે છે કે, “રાણી કામદેવની પાસે રહેલ ધનુષ્ય જેવી, અવનવી કૂંપળોથી ઓપતા વૃક્ષને વળગેલી લતા જેવી લાગે છે.” દેવી વાસવદત્તાનું અનુમોદન મળ્યા પછી જ એ સાગરિકાનો સ્વીકાર કરે છે. વળી, તેના સાગરિકા સાથેના પ્રેમમા સર્વ પાસાંઓનું ભવ્યાતિભવ્ય નિરૂપણ લેખકે દર્શાવ્યું છે.

ચતુર્થ અંકમાં રાજાને પ્રિયાદર્શન અશક્ય લાગે છે. છેવટે ઐન્દ્રજાલિકાના પ્રસંગ દ્વારા આગમાં ઘેરાયેલી સાગરિકાના રક્ષણ માટે સ્વયં આગમાં કૂદી પડે છે. અહીં પ્રેમ તથા સાહસ બંનેનો સુભગ સમન્વય થયો છે.

રાજા ઉદયન, સાગરિકા તરફ પ્રેમાસક્ત હોવા છતાં વાસવદત્તા તરફ દાક્ષિણ્યવૃત્તિને છોડતો નથી. અંકના અંતમાં સાગરિકા રત્નાવલી તરીકે ઓળખાઈ ગઈ હોવા છતાં જ્યાં સુધી વાસવદત્તા પોતાના હાથે તેને રાજાને સોંપે નહિ ત્યાં સુધી તેને સ્વીકારવાની અધીરાઈ બતાવતો નથી.


(૨) સાગરિકાનું પાત્ર

જ:- ‘રત્નાવલી’ નાટિકાની નાયિકા રત્નાવલી (સાગરિકા) સિંહલદેશના રાજા વિક્રમબાહુની રાજકન્યા છે. નાટીકાનું નામ તેના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. છેલ્લા અંકમાં તેની ક્રમિક ઓળખાણને બાદ કરતાં સમગ્ર નાટકમાં તે સાગરિકા તરીકે જ રજૂ થઈ છે. કન્યા અવસ્થામાં તે મુગ્ધા નાયિકા તરીકે સ્થાન પામી છે. તેનું ચરિત્ર કાલિદાસની શકુંતલા કે સીતા જેવું ભવ્ય કે ઉદાત્ત નથી, પરંતુ તેના માટે એટલું તો ચોક્કસ કહેવું પડે કે તે અસાધારણ સર્વાંગ સુંદરી છે, જેને જોતાં હ્રદયગત કોઈપણ પ્રેમી તેની તરફ આકર્ષાયા વગર રહી ન શકે. તે કેવળ સુંદરી નહિ, પણ ભાવુક હ્રદયવાળી સ્ત્રી છે.

સાગરિકા પોતાના માનસિક સંતાપને હળવો કરવા કદલીગૃહમાં જઈ રાજાનું ચિત્ર દોરે છે. સુસંગતા તેના મનોભાવને જાણી લઈ બાજુમાં સખીનું ચિત્ર દોરે છે. પ્રથમ તેના પર ગુસ્સે થાય છે, પરંતુ ખૂબ લજ્જા પણ અનુભવે છે. અન્ય દેશમાં આ રીતે આવી પડેલી સુંદરી સ્વભાવે ખૂબ જ ડરપોક છે. બંને સખીઓ ચિત્રફલક સંબંધી વાર્તાલાપ કરી રહી હતી તે દરમિયાનમાં એક વાનર બાંધેલી સાંકળ તોડી ભાગતો આવી રહ્યો છે એવું સાંભળી ત્યાંથી તેઓ નાસી જાય છે. આ વખતે ચિત્રફલક પણ ત્યાં પડી રહે છે. પછીથી તે રાજાના હાથમાં આવે છે. ચિત્રમાં દોરેલી સાગરિકાને જોઈ રાજા આનંદિત થાય છે કે નહિ એવું વિદૂષકે પૂછતાં રાજા શું કહેશે એવી શંકા થતાં જીવન-મરણ વચ્ચેની પરિસ્થિતિ તે અનુભવે છે. અંકના અંતમાં પણ વાસવદત્તાનું નામ સાંભળતાં રાજાનો હાથ છોડી જતી રહે છે.

સાગરિકાનું સૌંદર્ય જોઈ રાજા તેને અપૂર્વા શ્રી માને છે. વિદૂષક માને છે કે તેનું સર્જન કરીન્ને બ્રહ્મા પણ આશ્વર્યમુગ્ધ થઈ ગયા હશે. પૂર્ણેન્દુ સમા મુખનું સર્જન થતાં કમળનું આસન બીડાઈ ગયું હશે તેથી બ્રહ્મા પણ સ્થિર નહિ રહી શક્યા હોય.

રત્નાવલી માનિની સ્વભાવની સ્ત્રી હોઈ પોતાના કુળનું સવિશેષ અભિમાન છે. પોતાની અન્ય સમક્ષ બેઈજ્જતી ન થાય તેનો તો પૂરેપૂરો ખ્યાલ રાખે છે.


(૩) વિદુષકનું પાત્ર

જ:- ‘રત્નાવલી’ નાટિકાના દ્વિતીય અંકમાં તે સવિશેષ ભાગ ભજવે છે. બકુલ વૃક્ષ પર મેધાવિની સારિકાને માણસની જેમ બોલતી સાંભળી તેને ભૂત માની બેસે છે તથા સારિકાને દંડો લઈ મારવા જાય છે. સારિકા શ્લોક બોલે છે ત્યારે તેને આ દાસીપુત્રી ચતુર્વેદી બ્રાહ્મણની જેમ ઋચાનો પાઠ બોલતી લાગે છે. પોતાની મૂર્ખતાના કારણે તે છબરડા પણ વાળે છે. સાગરિકાએ દોરેલ રાજાનું ચિત્રફલક તેની પાસે છે, પણ નવમાલિકાને અકાળે પુષ્પ આવ્યા હોવાથી તેને જોવા માટે વાસવદત્તા પ્રસ્તુત છે, ત્યારે આનંદમાં આવી જવાથી સાચવવા આપેલું ચિત્રફલક બગલમાંથી પડી જાય છે. અને રાણીના હાથમાં આવે છે. આવી મહાન ભૂલ મોટા સંઘર્ષને જન્મ આપે છે. સાગરિકા રાજા સાથેના પ્રથમ મિલન સમયે જોતાં એકાએક બોલી ઉઠે છે, “આ તો બીજી દેવી વાસવાદત્તા છે.” અહીં સાગરિકા સાથેના મિલનની રાજાની બાજી ધૂળમાં મળી જાય છે.

મદનમહોત્સવ સમયે દાસીઓ દ્વિપદીખંડ ગાય છે ત્યારે ખંડનો અર્થ કરી મૂર્ખતાભર્યો પ્રશ્ન કરે છે કે, “શું આ ખાંડથી લાડુ બનાવાય ?” તદુપરાંત ત્રીજા અંકમાં રાજા તથા સાગરિકાનું મિલન કરાવવા વિદૂષક સુસંગતા સાથે મળી સરસ યુક્તિનું આયોજન કરે છે. અહીં પોતાની જાતને દેવોના ગુરૂ બૃહસ્પતિ જેવો બુધ્ધિશાળી માને છે. એમાં રાજા પ્રત્યેની એની સાચી ભાવના જોવા મળે છે. કાંચનમાલા તેઓની યુક્તિ જાણી જઈ વાસવદત્તાને જણાવી દે છે. પછી વાસવદત્તા ત્યાં ઉપસ્થિત થાય છે, પરંતુ તેઓની વેશપરિવર્તનની યુક્તિમાં તેને સાગરિકા જાણી લે છે, જ્યારે તેને આ વાસવદત્તા જ છે એવી સાચી પરિસ્થિતિ જણાય છે ત્યારે તેને માટે જીવવું ભારે પડી જાય છે. આમ, સત્ય પારખવાની આવડત ઓછી જણાય છે.

વિદૂષકમાં માનવતાનું પાસું પણ જોવા મળે છે. સાગરિકા માની બેઠી છે કે હવે રાજા સાથે તેનું મિલન સંભવિત નથી તેથી પોતાની મૂલ્યવાન રત્નાવલી સુસંગતા દ્વારા કોઈ બ્રાહ્મણને ભેટ તરીકે આપી દઈ પોતે મરણ સિવાય કોઈ શરણ નથી એમ વિચારે છે. સુસંગતા વિદૂષકને તે રત્નાવલી આપે છે ત્યારે વિદૂષક હ્રદયસ્પર્શી ઉદગારો કાઢી શકે છે કે, “એને ગ્રહણ કરવા મારો હાથ લંબાતો નથી.” પછીથી આગ્રહને વશ થઈ લે છે, પણ રત્નાવલી જોતાં એને લાગે છે કે આ કોઈ મહાન કુળમાં જન્મેલી છે.


(૪) રત્નાવલી નાટિકાની આધારસામગ્રી

જ:- ઉદયન વિષયક જે કથા મળે છે તે અનુસાર તે શતાનિકનો પૌત્ર અને સહસ્ત્રાનિક તથા મૃગાવતીનો પુત્ર તથા વત્સદેશનો રાજા હતો. ઉદયપર્વત પર સૂર્યોદય સમયે જન્મ્યો હોવાથી ઉદયન કહેવાયો અને વત્સદેશનો રાજા હોવાથી વત્સરાજ તરીકે ઓળખાય છે. પૂર્વજોનો ઈતિહાસ દર્શાવે છે કે તે પાંડવપુત્ર અર્જુનના વંશમાં જન્મ્યો હતો. તેને વાસુકિ નાગના ભાઈ વસુનેમિ પાસેથી ઘોષવતી વીણા પ્રાપ્ત થઈ હતી. હાથીઓને પકડવાની કળામાં તથા વિશેષક ચીતરવામાં તે કુશળ હતો. તેના બે મુખ્ય અમાત્યો યૌગન્ધરાયણ તથા રૂમણ્વાન અને પ્રિયમિત્ર વસંતક (વિદૂષક) હતા.

ઉજ્જૈનના મહાસેન પ્રદ્યોત રાજાએ કપટથી તેને ઉજ્જૈન બોલાવી, વીણાના શિક્ષક તરીકે પોતાની પુત્રી વાસવદત્તાને વીણા શીખવવા રાખ્યો. પાછળથી તે વાસવદત્તામાં પ્રેમાસક્ત થયો. યૌગન્ધરાયણે ઉજ્જૈન આવી પોતાની ચતુર યુક્તિપૂર્વક બંનેને નસાડી દીધાં. ત્યારબાદ પ્રેમાંધ બની ઉદયને રાજપાટ ખોઈ નાંખ્યું. પરિણામે, યૌગન્ધરાયણે વાસવદત્તાની મદદથી પુન: રાજ્ય પર બેસાડવાની યોજના ઘડી કાઢી. લાવાણકમાં આગ લાગવાથી વાસવદત્તા બળી ગઈ છે, એવી જૂઠી અફવા ફેલાવી. વાસવદત્તા ગુપ્તવેશે પદ્માવતી પાસે રહી અને રાજા તથા પદ્માવતીનું લગ્ન થયું. અંતે, રાજાને રાજ્ય તથા વાસવદત્તાની પણ પ્રાપ્તિ થઈ. એવું પણ જાણવા મળ્યું છે કે રાજા ઉદયન ખૂબ જ સૌંદર્યપિપાસુ હતો, તે વિરચિકા નામની દાસી તથા બંધુમતી નામની કેદ કરેલી રાજકુમારી સાથે પણ પ્રેમાસક્ત થયો હતો.

શ્રીહર્ષદેવે મૂળ કથાવસ્તુમાંથી ઉદયન, વાસવદત્તા, યૌગન્ધરાયણ, વસંતક, કાંચનમાલા વગેરે પાત્રો લીધાં જ છે, જે દ્વારા સ્વપ્નવાસવદત્તમ્ નાટકની ઊંડી અસર જોવા મળે છે. જેમકે –

સામ્ય:-

(૧) સ્વપ્નવાસવદત્તમ્ – પદ્માવતી સાથેના લગ્નથી ચક્રવર્તીપદની પ્રાપ્તિ

  રત્નાવલી – સાગરિકા સાથેના લગ્નથી ચક્રવર્તીપદની પ્રાપ્તિ

(૨) લાવાણકમાં આગ લાગતાં વાસવદત્તાનું મૃત્યુ

(૩) બંનેમાં સમગ્ર યોજનાનો સૂત્રધાર યૌગન્ધરાયણ તથા સહાયક મંત્રી રૂમણ્વાન.

(૪) કાર્યની યોજનાથી યૌગન્ધરાયણ ભયભીત પણ અંતે રાજા તરફથી યશપ્રાપ્તિ

(૫) સ્વપ્નવાસવદત્તમ્ માં ગુપ્તવેશે વાસવદત્તા, રત્નાવલીમાં સાગરિકા. બંનેમાં યૌગન્ધરાયણ દ્વારા સોંપણી.

(૬) બંનેમા રાજા અમાત્ય પર સિધ્ધિ માટે આશ્રયી

(૭) યૌગન્ધરાયણનું બંનેમાં છેલ્લા અંકમાં જ આગમન.

(૮) બંનેમાં પ્રેમિકાની ક્રમશ: ઓળખાણનો પ્રસંગ

(૯) બંનેમાં પ્રસંગો ઘણું કરીને રાજમહેલ તથા ઉદ્યાનમાં બનતા બતાવાયા છે.

તદુપરાંત કાલિદાસરચિત માલવિકાગ્નિમિત્ર નાટકની પણ સ્પષ્ટ અસર રત્નાવલી પર જોઈ શકાય છે. જેમકે –

(૧) બંનેમાં નાયિકા ગુપ્તવેશે અંત:પુરમાં રહે છે.

(૨) બંનેમાં રાણીનો કોપ નાયક પર જોવા મળે છે.

(૩) બંનેમાં રાણી નાયિકાને કેદ કરે છે.

(૪) નાયક-નાયિકાના મિલન માટે વિદૂષકની યોજના અને ગોટાળા પણ જણાય છે.

(૫) છેલ્લા અંકમાં રાજાને વિજય સમાચારની પ્રાપ્તિ

(૬) પ્રેમિકાની ઓળખાણ અને રાણી દ્વારા રાજાને તેની સોંપણી

(૭) મુખ્ય પટરાણી તથા નાયકના સ્વભાવનું સામ્ય – ગુસ્સો, મનામણાં વગેરેમાં.

(૮) મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલમ્ માં જે વાક્યો કહ્યાં છે, રત્નાવલી માં મહદંશે જોવાં મળે છે. જેમકે, સાગરમુગ્જિત્વા કુત્ર વા મહાનદ્યવતરતિ I (શાકુ.) I ન કમલાકારં વર્જયિત્વા રાજહંસ્યન્યત્રાભિરમતે I (રત્નાવલી)

મૌલિક પરિવર્તનો:-

આમ, પૂર્વસૂરિઓની રચનાઓ સાથે ઘણું બધું સામ્ય જોઈ શકાય છે. છતાં કવિએ પોતાની કલ્પનાશક્તિથી કેટલાક મૌલિક ફેરફારો પણ કર્યા છે. જેમકે – વહાણભંગ, મદનમોહનપ્રસંગવર્ણન, ચિત્રફલકપ્રસંગ, ધાર્મિક શ્રીખંડદાસ દ્વારા નવમાલિકાનો દોહદપ્રસંગ, સાગરિકાવૃતાંત, વિદૂષકની યોજના, નાયિકાનો આત્મહત્યાનો પ્રયાસ, રત્નાવલીની ઓળખ અને અત્યંત મહત્વપૂર્ણ અદભુત રસથી ભરપૂર ઐન્દ્રજાલિક પ્રસંગ વગેરે શ્રીહર્ષની મૌલિકતાનાં ઉત્તમ ઉદાહરણો છે. કવિની વસ્તુગૂંફનકળા, કાર્યવેગનો નિરંતર પ્રવાહ, સંઘર્ષનું તત્વ, પાત્રોની સંવાદકળા, હાસ્ય, શૃંગાર, કરૂણરસોની ભરમાર વગેરે નાટિકાને કાવ્યસૌંદર્ય આપે છે. 


(૫) રત્નાવલી નાટિકા તરીકે

જ:- 

(૧) રત્નાવલીનું કથાવસ્તુ કવિકલ્પિત છે. શ્રીહર્ષદેવે ઉદયનની જીવનકથાને જે રીતે બતાવી છે તે તેની કલ્પનાનો પરિપાક છે.

(૨) રત્નાવલીમાં વાસવદત્તા, સાગરિકા, સુસંગતા, કાંચનમાલા, ચૂતલતિકા, મદનિકા, નિપુણીકા, વસુંધરા વગેરે અનેક સ્ત્રીપાત્રો છે.

(૩) નાટિકાના પ્રારંભમાં જ અમાત્ય યૌગન્ધરાયણે રાજાના રત્નાવલી સાથેના લગ્નનું પ્રયોજન દર્શાવ્યું છે, જેમાં સિધ્ધોના આદેશાનુસાર સિંહલેશ્વરની કન્યાના હાથનું માંગું કર્યું છે. અંતમાં તેની કન્યાની સાચી ઓળખ થતાં આ નાટિકા સ્ત્રી-મહીફલા બની છે.

(૪) રત્નાવલીમાં ચાર અંકો છે.

(૫) અહીં રાજા ઉદયન અને સાગરિકાના પ્રેમની કથા વર્ણવવામાં આવી છે. શૃંગારિક તથા હાસ્યરસને રજૂ કરનારાં દ્રશ્યો જોવા મળે છે. વિદૂષકની ઉક્તિઓ તથા યુક્તિઓ ઊલટસૂલટ થતાં હાસ્યરસ જન્મે છે.

(૬) નાયક ઉદયન ધીરલલિત છે. તે સાગરિકા સાથે સ્નેહ કરે છે. છતાં વાસવદત્તા પ્રત્યેનો દાક્ષિણ્યભાવ છોડતો નથી. અહીં તેની ભ્રમરવૃત્તિ જોવા મળે છે.

(૭) સાગરિકા સિંહલદેશની રાજવંશી કન્યા છે. ચિત્રકલામાં પ્રવીણ હોઈ, પ્રેમી ઉદયનનું ચિત્ર દોરે છે. મુગ્ધા નાયિકા છે તેથી તેના પ્રેમની વાત અન્યની સામે મન મૂકીને સ્વેચ્છાથી કરતી નથી.

(૮) વાસવદત્તા રાજાની પટરાણી છે. તે શરૂઆતથી જ સાગરિકાને રાજાથી દૂર રાખવા પ્રયત્નશીલ છે. પદે પદે માન ધરાવે છે. સાગરિકાને બેડીથી બાંધી દે છે, પણ અંતે ખાત્રી થાય છે કે તે પોતાના મામાની દીકરી છે ત્યારે પોતે જ બંનેનું લગ્ન કરાવી આપે છે.

(૯) પાંચે સંધિઓનું યથાયોગ્ય નિરૂપણ થયું છે.

(૧૦) નાટિકાનું નામ નાયિકા રત્નાવલીના નામ પરથી આપવામાં આવ્યું છે. રત્નાવલી શબ્દ પર શ્લેષ કરીને નાયિકાનું વિશેષ મહત્વ કવિએ બતાવ્યું છે.

અંતે કહી શકાય કે નાટિકાનાં બધાં જ લક્ષણો રત્નાવલી નાટિકામાં સફળતાપૂર્વક પૂર્ણ થયાં છે એટલું જ નહિ, નાટિકાનાં લક્ષણોની ચર્ચા માટે સર્વત્ર આ નાટિકા ઉદાહરણરૂપ છે.



(૬) હર્ષવર્ધનની નાટ્યકલા

જ:- વૈદર્ભી શૈલી:-

રત્નાવલી નાટિકાનું કથાવસ્તુ પ્રસિધ્ધ છે. લોકે હાઇ ચ વત્સરાજ ચરિતમ્ એવા લોકાહારિ વસ્તુને કથાસ્વરૂપે સ્વીકારીને પોતાના સર્જનની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. તેને અપૂર્વવસ્તુરચનાલંકૃતા નાટિકાનું સર્જન કર્યું છે. કવિએ નાટિકામાં વૈદર્ભી શૈલીનો ઉપયોગ કર્યો છે. ક્યારેક ગૌડી શૈલીની ઝલક દેખાય છે, જેમકે માધવીલતામંડપનું વર્ણન તથા મકરન્દોદ્યાનનું વર્ણન. તદુપરાંત નવમાલિકાલતા તથા વાસવદત્તાને પ્રસન્ન કરવાના વર્ણનમાં થોડી ગૌડી શૈલીની અસર વર્તાય છે. કવિને શ્લેષનો ભારે શોખ છે તેથી સામાન્ય અલંકારોને પણ શ્લેષયુક્ત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. માધુર્યમય લાલિત્યપૂર્ણ રચના, સુકુમારતા તેની શૈલીનું અવિભાજ્ય અંગ છે.

વસ્તુસંકલના:-

કવિ શ્રીહર્ષદેવ વસ્તુસંકલનામાં અતિનિપુણ છે. કથાનકને પ્રેક્ષકો આગળ વધારવામાં તેની આયોજનકલા દેખાય છે. સાગરિકા દ્વારા રાજાનું ચિત્ર દોરવું, રતિના બહાને સુસંગતા દ્વારા સાગરિકાનું ચિત્ર, ચિત્રફલક છોડીને ઉતાવળમાં ભાગી જવું, પાછળથી રાજાને તેની પ્રાપ્તિ વગેરે પ્રસંગોમાં નાટ્યાત્મકતા જોવા મળે છે. મેધાવિની સારિકાનો પ્રસંગ તો અદ્વિતીય છે.

સંવાદકલા:-

નાટકમાં સંવાદકલા પણ આયોજનકલાના જેવું જ મહત્વ ધરાવે છે. સંવાદો સરળ, સૂક્ષ્મ, વેધક અને અસરકારક છે. સંવાદોમાંનાં વાક્યો ટૂંકાં પણ અસરકારક છે. કાલિદાસ તથા ભાસની હરોળમાં આવી શકે છે.

નાટ્યાત્મક વક્રોક્તિથી નાટિકા વધુ મનોરંજક અને સુગ્રથિત બને છે. જેમકે, પોતાની અને સુસંગતાની વાત કોઈ જાણી ન જાય એમ સાગરિકા કહે છે ત્યારે સુસંગતા કહી દે છે કે પોતે કોઈને જણાવશે નહિ, પરંતુ મેધાવિની સારિકા સમગ્ર વાર્તાલાપ સ્વમુખે બોલી દે છે. વિદૂષક અત્યંત ગુસ્સામાં રહેલી સાગરિકા માટે ‘અપરા વાસવદત્તા’ એમ બોલી જાય છે અને વાસ્તવમાં એવું જ બને છે. આમ, પ્રસંગને અનુરૂપ ક્રોધ, ઈર્ષ્યા, પ્રેમ વગેરે રજૂ કરવામાં તેઓ સિધ્ધહસ્ત છે. નાટિકામાં માનસિક ભાવોનું વિવિધ રીતે પરિવર્તન એ જ નાટકકારની સાચી કલાકૃતિ છે.

પાત્રાલેખન:-

પાત્રાલેખન પણ રચનામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રેમી અને ચતુર નાયક તરીકે ઉદયનનું પાત્ર જણાય છે. વાસવદત્તા દેવીના પદને યોગ્ય રીતે પ્રાપ્ત કરનારી માનિની પટરાણી છે. સાચી સખી તરીકે સુસંગતા યથાર્થ છે. વિદૂષક તેનાં નામ, કામ અને ગુણને સરખો ન્યાય આપે છે. માનવોની સર્વ લાગણીઓ સર્વ પાત્રો અનુભવે છે. શ્રી મેકડોનલના શબ્દોમાં “રત્નાવલીનાં પાત્રો ભાવભર્યા અને કાવ્ય તન્મયવાળાં છે તેથી જ રત્નાવલી એક અનુકૂળ નાટિકા છે.

કલ્પનાવૈભવ અને વર્ણનકલા:-

કવિ હર્ષનો કલ્પનાવૈભવ અને વર્ણનશક્તિ વાચકોને અને પ્રેક્ષકોને આનંદવિભોર કરી દે છે. પ્રથમ અંકમાં વૃક્ષનું વર્ણન, બીજા અંકમાં વાંદરાના તોફાનનું વર્ણન અને સાગરિકાનું વર્ણન તેમજ ચતુર્થ અંકમાં યુધ્ધનું વર્ણન વગેરે કવિની વર્ણનકલાનો પરિચય કરાવે છે. તેમનાં વર્ણનોમાં કલ્પનાવૈભવ જોવા મળે છે. કવિની વર્ણનકલા વિશે ડૉ. કીથ કહે છે કે, “હર્ષને વર્ણનોનો શોખ છે. જોકે કલ્પનાવૈભવમાં કાલિદાસ પછી તેમનું સ્થાન છે.”

રસનિરૂપણ:-

હર્ષદેવ રસવૈવિધ્યમાં નિપુણ્ય છે. ‘રત્નાવલી’ નો મુખ્ય રસ શૃંગાર છે. આ નાટિકામાં શૃંગારરસ સુંદર રીતે નિરૂપિત થયો છે; સાથે સાથે વાનરપ્રસંગમાં ભયાનક, ઐન્દ્રજાલિકના પ્રસંગમાં અદભુત, વિદૂષકની ઉક્તિઓમાં હાસ્ય, સાગરિકાના વિલાપમાં કરૂણ અને યુધ્ધના વર્ણનમાં વીરરસ જોવા મળે છે.





No comments:

Post a Comment